ભારતમાં એકજ ભગવાન એવાં છે કે જેમની મૂર્તિ કોઈ પણ આકારમાં બનાવી શકાય છે. એમનાં ચિત્રો પણ કોઈપણ આકારમાં સહેલાઈથી દોરી શકાય છે. તમને ચિત્રકળા ના આવડતી હોય તો પણ તમે એ ભગવાનના ચિત્રો દોરી જ શકો છો !!! પણ શિલ્પો બનાવવાં સાવ સહેલાં તો નથી જ. આવાં જો કોઈ ભગવાન હોય તો તે ભગવાન ગણેશજી જ છે !!!એ માટે એ સમયની પ્રચલિત શિલ્પ સ્થાપત્યકલા કે કૈંક નવી સ્થાપત્યકલાને ઉપયોગમાં લેવાતી હોય છે
દુનિયામાં ભારત જ એક એવો દેશ છે કે જેમાં રાજ્યો રાજ્યો પ્રમાણે અલગ અલગ શિલ્પ-સ્થાપત્યકલા પ્રચલિત હોય છે કારણકે પહેલાંનાં સમયમાં ગામેગામ અનેક નાનાં રાજ્યો-રજવાડાં હતાં !!! એમની રહેણી કરણી પણ જુદી અને એમની સંસ્કૃતિ પણ જુદી પણ એક વાત તો સર્વસામાન્ય છે કે —– એ સમય હોય કે એની પહેલાંનો સમય હોય કે પછી અત્યારનો સમય હોય પણ પ્રજા ધર્મપરાયણ હતી અને તેઓ જે ભગવાનમાં માનતાં હોય એમની પૂજા અર્ચના તન-મન-ધનથી કરતાં હતાં અને ત્યાંનાં રાજાઓ જેઓ ખુદ ધર્મપરાયણ હતાં. તેઓ દરેક પ્રજાને તેમનાં ધર્મ પ્રમાણે ભગવાનને પૂજવાની અનુમતિ આપતાં હતાં.. કોઈ જ દ્વેષ નહી…… કોઈ જ પાબંધી નહીં !!! આને લીધે જ આજે પણ આપણી સંસ્કૃતિની વિરાસત ટકી રહી છે એ આપણે સ્વીકારવું જ રહ્યું !!! ભલે યુગો વિત્યા હોય, ભલે સૈકાઓ વિત્યા હોય, ભલે રાજાઓ કે રાજવંશો બદલાયા હોય પણ શિલ્પ સ્થાપત્યકલાનો વિકાસ ઉતરોત્તર વધતો જ રહ્યો છે અને આપની આસ્થા અને શ્રદ્ધા પણ. આને જ આપણે સંસ્કૃતીની વિકાસગાથા કહીએ છીએ !!!
આપણે ગુજરાતીઓ પ્રવાસ અને જાત્રાનાં શોખીન છીએ. દર વરસે આપણે ક્યાંક ને ક્યાંક તો ફરવાં જતાં જ હોઈએ છીએ પણ એ બધાં જાણીતાં સ્થળો હોય છે !!! ક્યારેય આપણે અજાણ્યા સ્થળોએ કે અલ્પજાણીતાં સ્થળોએ ફરવાં જતાં જ નથી !!! નેટનાં બહોળા ઉપયોગને કારણે અને સોશિયલ મીડિયાની જાગરૂકતાને કારણે આવા સ્થળો પ્રકાશમાં આવે છે અને આપણને એ જોવાનું મન થાય છે તો પછી જો મન થતું હોય તો જવું જ જોઈએને વળી એમાં રાહ કોની જવાની !!! ભગવાનનાં દર્શન તો કોઈ પણ સ્થળે કરવાં જ જોઈએ !!! હમણાં હમણાં લોકોમાં જે ટ્રેકિંગ કરવાનું ભૂત ભરાયું છે તેઓએ આવાં સ્થળોએ અવશ્ય જવું જોઈએ !!!
ભારતનાં નવાં રાજ્યો આપણે માત્ર નકશામાં જોઇને જ ખુશ થઈએ છીએ પણ ક્યારેય એના વિષે જાણ્યું છે કે એ બાજુએ જવાનું વિચાર્યું છે ખરું !!! એકાદ પ્રવાસ આવાં રાજ્યોનો પણ કરવો જ જોઈએ કોઈએ પણ.. એક વાત તો છે કે પહાડો તો દરેક રાજ્યોમાં છે. જ્યાં પહાડો હોય ત્યાં સુંદરતા અને રમણીયતા હોય જ. એમાં જો પહાડ પર પુરાણું મંદિર કે મૂર્તિ હોય તો તો સોનામાં સુગંધ ભળ્યા જેવી વાત થઇ જાય ને. પહેલાં એક રાજ્ય હતું મધ્ય પ્રદેશ હવે તેમાંથી એક નવું રાજ્ય બન્યું છતીસગઢ. આ છત્તીસગઢની રાજધાની છે રાયપુર. જોકે એ તો બધાને જ ખબર છે પણ છતીસગઢમાં જોવાં જેવી અનેકો જગ્યાઓ છે તેમાંની એક છે આ પૌરાણિક ઢોલકલ ગણેશ જે દંતેવાડામાં આવ્યું છે !!!
આ સ્થળ એ ૩૦૦૦ ફૂટ ઊંચું છે. માની લઈએ કે એ ભારતમાં ઊંચામાં ઊંચું ગણેશ મંદિર કદાચ ના પણ હોય પણ આ સ્થળની વિશેષતા એ છે કે અહી કોઈ મંદિર નથી માત્ર એક ભગવાન શ્રીગણેશજીની મૂર્તિ છે. જે એક પોતાનામાં શિલ્પસ્થાપત્યનો અદભુત નમુનો છે !!! ભગવાન શ્રી ગણેશજીની આ મૂર્તિ આશરે ૧૦૦૦ વર્ષ પુરાણીછે અને લગભગ ૩૦૦૦ ફૂટ એક પહાડ પર એક અતિં ઊંચા એકલ પહાડ પર સ્થિત છે પહેલી નજરે આપણને કોઈ ચીન કે હિમાચલ પ્રદેશની કોઈ જગ્યા લાગે.. ભગવાન શ્રી ગણેશ છે એટલે ચીનનો તો છેદ ઉડી જાય છે પણ જો એનો ફોટો જોઈએ તો હિમાચલ પ્રદેશની યાદ આવ્યાં વગર રહે નહીં !!! પણ પછી જ આપણને ખબર પડે છે કે આ તો હિમાચલ નહીં પણ છતીસગઢ છે !!!
આ જગ્યા એવી છે ને કે ત્યાં પહોંચવું બહુ મુશ્કેલીભર્યું છે !!! એટલે જ લોકોને બહુ આશ્ચર્ય થાય છે કે જ્યાં પહોંચવું જ બહુ મુશ્કેલભર્યું તો ત્યાં આવી મૂર્તિની સ્થાપના કેવી રીતે થઇ અને કોણે કરી !!! આ વાતો તો આપણે કરીશું જ કરીશું !!! ૩૦૦૦ ફૂટ ઉપર જ્યાં પહોંચવું જ મુશ્કેલ હોય ત્યાં એવાં તો કયા શિલ્પકારો કે કારીગરો હતાં કે જેમણે આ મૂર્તિ ત્યાં બનાવી અને આ જ જગ્યાએ બનાવવાં પાછળ એમનો આશય શું હતો ? આવાં પ્રશ્નો તો ત્યાંનાં લોકોમાં પણ થતો જ હશે જે આપણા મનમાં પણ થાય છે તે !!! સાલું આટલે ઉંચે જ્યાં કોઈ અવરજવર તો શું પણ પહોંચવું પણ મુશ્કેલ છે ત્યાં વળી લોકો કેવી રીતે જાતા હશે ? શું આજે કે શું તે વખતે ? પણ લોકો જાય કે ના જાય પણ આ મૂર્તિ આપણી વિરાસત બની ગઈ છે એટલું તો નિશ્ચિત જ છે !!! કોઈ તો એમ પણ કહે છે કે આ મૂર્તિ સેંકડો વર્ષ પુરાણી છે. ભાઈઓ અને બહેનો ………. ૧૦૦૦ વર્ષ પણ સેંકડો વર્ષ જ ગણાય !!! એને માટે કંઈ ત્રેતાયુગ કે કળીયુગમાં જવાની જરૂર નથી !!! સાચું કહું તો આ મૂર્તિ ઐતિહાસિક છે …….પૌરાણિક નહીં !!!હઆ મૂર્તિને શોધી કાઢવાનો શ્રેય છતીસગઢનાં પુરાતત્વ ખાતાંને જાય છે. દંતેવાડામાં આ મૂર્તિ જે જગ્યાએ સ્થાપિત છે એને ઢોલકલ પહાડી કહેવામાં આવે છે. દંતેવાડા જીલ્લા મુખ્યાલયથી માત્ર ૩૦ કિલોમીટર દૂરી પર આ ઢોલકલ પહાડી છે !!!
આ મૂર્તિ એ આશરે ૬ ફૂટ ઉંચી અને ૩.૫ મીટર પહોળી છે આ ઉભેલા ગણેશની મૂર્તિ નથી પણ બેઠેલાં ગણેશજીની મૂર્તિ છે. આ મૂર્તિ ગ્રેનાઈટ પથ્થરોથી નિર્મિત છે અને એ વાસ્તુકલાની દ્રષ્ટિએ અત્યંત કલાત્મક છે. એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે એ સમયની ત્યાંની પ્રચલિત વાસ્તુકલા- શિલ્પ-સ્થાપત્યકલાથી તદ્દન ભિન્ન જ છે એટલે જ એ ત્યાનું અને આપણું પણ આગવું આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. ત્યાં તે સમયે આવી શિલ્પ-સ્થાપત્ય કળા નહોતી જ પણ કૈંક જુદું કરવાનાં આશયથી આ મૂર્તિનું નિર્માણ થયું હોય એવું લાગે છે !!! જે કલાકારીગરીનો ઉત્તમ નમુનો બન્યું છે !!!
આ ભગવાન ગણપતિજીની મૂર્તિ વિશિષ્ટ એટલાં માટે છે કે આ મૂર્તિમાં ભગવાન શ્રી ગણેશજીનાં જમણા હાથમાં પરશુ છે અને એમના ડાબા હાથમાં તૂટેલો એક દાંત અને જમણા હાથમાં અભયમદ્રામાં અક્ષમાળાધારણ કરેલી છે તથા નીચેના ડાબા હાથમાં મોદક ધારણ કરીને આયુધના રૂપમાં વિરાજિત છે !!! પુરાતત્વવિદો એમ માને છે કે આ આખાં વિસ્તારને બસ્તર વિસ્તાર કહેવાય છે ત્યાં આવી મૂર્તિ ક્યાંય જોવાં મળતી નથી !!! એટલે કે આ મૂર્તિ વિશિષ્ટ ભાત પાડનારી છે એમ કહી શકાય !!!
આ ભગવાન ગણેશજીની મૂર્તિનો ઈતિહાસ અને પૌરાણિક કથા —–
જો ભગવાન શ્રી ગણેશજી મૂર્તિનાં હાથમાં પરશુ હોય તો તમને/આપણને સહેજે ખ્યાલ આવે કે આનો સીધો સંબંધ ભગવાન પરશુરામ સાથે છે અને એ કોક ને કોક રીતે કોઈ પૌરાણિક કથા સંકળાયેલાં હોય ,હોય અને હોય જ !!! એવી જ એક કથા જે પૌરાણિક છે તે માઉન્ટ આબુનાં ગોબર ગણેશ ભગવાન સાથે પણ સંકળાયેલી છે જે આપણે જોયું બીલકુલ એજ કથા અહીં પણ સંકળાયેલી છે જ
પૌરાણિક કથા ——
એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીગણેશજી અને શ્રી ભગવાન પરશુરામ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. એવું કહેવાય છે કે એક વાર ભગવાન પરશુરામ ભગવાન શિવજીને મળવા કૈલાશ પર્વત પર ગયાં હતાં. એ જ ભગવાન શિવજીનું ઘર હતું અને ત્યાં જ ભગવાન શિવજી સપરિવાર પોતાનું ગૃહસ્થ જીવન હસીખુશીથી વિતાવતાં હતાં. હવે આમાં વચ્ચે અર્બુદ પર્વત ક્યાંથી આવ્યો ? અરે આવ્યો તો આવ્યો પણ વચ્ચે વળી ઢોલકલ પહાડીઓ ક્યાંથી આવી ? લોકો તો એવાં છે કે એ કોઈને કોઈ સ્થળે પૌરાણિક કથા જોડી દેવામાં ઉસ્તાદ જ છે જે અહી પણ બન્યું છે !!!સત્યતા કોણ ચકાસવાનું હતું અને પુરાણનું અર્થઘટન તો દરેક પોતપોતાની રીતે કરી જ લેતું હોય છે
આજે તમે એમ કહોને કે આપણું ઘર પણ પૌરાણિક છે તો પણ લોકોને એ માની લેતાં જરાય વાર ના લાગે !!! ખેર …… એ બધી વાત મુકીએ બાજુ પર અને પાછાં મૂળ કથા ઉપર આવી જઈએ !!! હવે જ્યારે ભગવાન પરશુરામજી ભગવાન શિવજીને મળવાં કૈલાશ પર્વત પર ગયાં તો એ સમયે ભગવાન શિવજી વિશ્રામ ફરમાવતાં હતાં. ભગવાન શ્રી ગણેશજી એમનાં રક્ષકના રૂપમાં વિરાજમાન હતાં. એમણે ભગવાન પરશુરામને અંદર જતાં રોક્યા. એ બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો એવં ભગવાન પરશુરામ ક્રોધિત થઇ ગયાં. આમેય ભગવાન પરશુરામજીને ગુસ્સો બહુ જ જલ્દીથી આવી જાય છે જે આમાં પણ બન્યું !!!! આવેશમાં આવી જઈને ભગવાન પરશુરામજીએ ભગવાન શ્રી ગણેશનો એક દાંત કાપી નાંખ્યો. બસ ત્યારથી જ ભગવાન શ્રી ગણેશજી એકદંત કહેવાયા. ભગવાન શિવજીનાં સહસ્ર નામોમાં ભગવાન શિવજીનું ચિંતેશ નામ પણ મળે છે.
ભગવાન શિવજી દંતેલની રક્તદંતિકા દેવી, દંતેશ્વરીને ભગવાન શિવની શક્તિ પણ કહેવામાં આવે છે એટલા જ માટે આ દંતેશનું ક્ષેત્ર (વાડા)ને દંતેવાડા કહેવાય છે. આ ક્ષેત્રનું નામ એકદંત ભગવાન શ્રી ગણેશજીનાં નામ પરથી પણ પડયું હોય એવું પણ લાગ્યાં વગર રહેતું નથી. ભગવાન જાણે કદાચ એવું જ બન્યું હોય એટલે જ આ કથાને આહીં સાંકળવામાં આવી હોય એવું પણ બને.. બીજી વાત કે આ કથાને અહી સાંકળવાનું મન એટલાં માટે પણ થયું હોય કે અહીં એક ગુફા છે જેનું નામ પણ કૈલાશ ગુફા છે !!! હવે પ્રશ્ન એ થાય છે કે શું પૌરાણિક કથામાં જે આ વાતનો ઉલ્લેખ થયો છે તે શું ખરેખર આજ સ્થળ છે કે બીજું કે પછી એ ખરેખર કૈલાશ પર્વત કે અર્બુદ પર્વત છે !!!
ભગવાન શ્રીગણેશ અને ભગવાન પરશુરામ વચ્ચેનું યુદ્ધ ——
આ સંબંધમાં પરાપૂર્વથી એક કિવદંતી ચાલી આવી રહી છે કે આ કૈલાશ ક્ષેત્ર જ્યાં ભગવાન શ્રી ગણેશજી એવં ભગવાન પરશુરામ વચ્ચે યુદ્ધ થયું હતું !!! આ એક જ કારણ એવું છે કે અહીં દંતેવાડાથી ઢોલકલ પહોંચવાનાં માર્ગ પૂર્વે ગ્રાસ પરસ પાલ મળે છે …….. જે પરશુરામનાં નામથી ઓળખાય છે. એનાથી આગળ ગ્રામ કોતવાલ પારા છે. કોતવાલ -કોટવાલ અર્થાત રક્ષકનાં રૂપમાં ભગવાન ગણેશજી આવી એક જાણકારી લોકોને પ્રાપ્ત થાય છે
નાગવંશી શાસકોએ કરી હતી સ્થાપના ——
ડૉ. હેમુ યદુનાં જણાવ્યા અનુસાર આ વિશાળ પ્રતિમાને દંતેવાડા ક્ષેત્રરક્ષકનાં રૂપમાં પહાડીની ટોચ પર સ્થાપિત કરવામાં આવી હશે !!! ભગવાન શ્રી ગણેશજીનાં આયુધ્ના રૂપમાં પરશુ આની પુષ્ટિ કરે છે. આ એક જ કારણ છે કે એને નાગવંશી શાસકોએ આટલી ઉંચી પહાડી પર જ્યાં પહોંચવું પણ અતિમુશ્કેલ ભર્યું છે ત્યાં સ્થાપિત કરવામાં આવી હોય. ગુજરાતમાં ભગવાન શિવજીનાં મંદિરમાં જેમ ખેતરપાળની મૂર્તિઓ હોય છે એમ જ.. બીજું કે ભગવાન શંકરના પુત્ર છે શ્રી ગણેશજી અને ક્ષેત્રપાલ અને કાલભૈરવ એ ભગવાન શિવજીનાં અંશાવતાર જ છે એટલે વાત તો હરીફરીને ભગવાન શંકર પાસે જ આવીને ઉભી રહે છે !!!
આમેય ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના દરેક મંગળકાર્યોમાં થતી જ હોય છે અને રાજાઓના મનમાં પ્રજાની રક્ષા અને એમનું મંગળકાર્યથી વધુ સારું શું હોઈ શકે ? આ જ વિચારથી કે આવીજ વિચારસરણી હેઠળ રાજાઓએ અહી ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હશે !!! નાગવંશી શાસકોએ આ મૂર્તિનું નિર્માણ કરતી વખતે એક ચિન્હ અવશ્ય મૂર્તિ પર અંકિત કરી દીધું છે.. ભગવાન શ્રી ગણેશજીનાં ઉદર પર નાગનું અંકન એ સાબિત કરે છે કે આ નાગવંશી શાસકોએ જ બનાવી છે અત્યારે જેને આપણે ટ્રેડ-માર્ક કે આઈએસઆઈ માર્કો કહીએ છીએ એવી જ રીતે એમણે પોતાની જાહેરાત પણ કરી જ દીધી છે !!! આનો આશય એ હતો કે ભગવાન શ્રી ગણેશજી પોતાનું સંતુલન બનાવી રાખે એટલાં માટે શિલ્પકારે કે શિલ્પકારોએ આ મૂર્તિમાં જનોઈમાં સંકલનો ઉપયોગ કર્યો છે. શિલ્પકલા અને મુર્તિકળાની દ્રષ્ટિએ આ ૧૦મી -૧૧મી શતાબ્દીની (નાગવંશી) પ્રતિમા – મૂર્તિ કહી શકાય એમ જ છે જેમાં જરાય ખોટું નથી !!!
આ પહાડી પર ભગવાન શ્રી ગણેશજીણે મળ્યું હતું આ નામ —-
ભગવાન શ્રી ગણેશજી ઘણાં નામોથી ઓળખાય છે એમાંનું એક નામ એકદંત એમને આ પહાડી પર મળ્યું છે એવું કહેવાય છે !!! કિવદંતિઓ અનુસાર ભગવાન ગણેશજી અને ભગવાન પરશુરામનું જ્યારે યુદ્ધ થયું હતું તો ભગવાન શ્રી ગણેશજીએ એમને સુંઢથી ઉઠાવીને બૈલાડિલાની પહાડીઓ પર પટકી દીધાં હતાં. આનાં પછીથી ભગવાન પરશુરામ ઉઠયાં અને પરશુ નો પ્રહાર કર્યો અને એમનો એક દાંત તૂટી ગયો તો ભગવાન પરશુરામની પરશુ પહાડની નીચે જઈને પડી. કથાનુસાર જ્યાં પરશુ પડી હતી એ ગામનું નામ એટલાં માટે ફરસપાલ પડી ગયું. અહીં એટલાં જ માટે ભગવાન ગણપતિજીને એક નવું નામ મળ્યું ——એકદંત !!! અને ત્યાર પછીથી તેઓ એકદંત કહેવાયા !!!
અહીંયા બે ઊંચા ખડકો છે. એક પર ગોળમટોળ લલિતાસન મુદ્રામાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ છે તો બીજાં ખડક પર સૂર્ય દેવ અને અન્ય ભગવાનોની મૂર્તિઓ હતી જે લગભગ ૧૨ વર્ષ પહેલાં ચોરી થઈ ગઈ. ત્યાં જોતાં આપણને એવું લાગે કે ત્યાં બે ઢોલ – તબલાં નાં મૂક્યાં હોય. ત્યાંના લોકોનો પણ આવો જ અભિપ્રાય છે !!! તો આ ખડક પર પણ ભગવાન ગણેશજીની આ પ્રતિમા ગોળમટોળ ઢોલક જેવી જ છે એટલાં જ માટે આ પહાડી ઢોલકલનાં નામથી ઓળખાય છે
ઇસવીસન ૨૦૧૭માં જાન્યુઆરીમાં આ ઢોલકલ ભગવાન ગણેશજીની મૂર્તિને કોઈ અજ્ઞાત લોકોએ પહાડની નીચે પાડી દીધી હતી. આનાથી મૂર્તિ ક્ષતિગ્રસ્ત થઇ ગઈ !!! આમ તો એનાં ટુકડેટુકડા થઇ ગયાં હતાં પણ સંપૂર્ણ રીતે નષ્ટ નહોતી થઇ. આ જગ્યાએ આવું દુષ્કૃત્ય કરવાનું કાર્ય કોણ કરી શકે ? આ સવાલ જરૂર મારાં મનમાં પેદા થાય છે. આ જગ્યાએ અમુક કોમનું નામ લેવું હિતાવહ નથી કારણકે એવું જે પણ કઈપણ થયું છે એ સદીઓ પહેલાં થયું છે જ્યારે ભારતમાં મુસ્લિમ શાસકો હતાં પણ અંગ્રેજોના આગમન પછી તો એટલેકે ૧૯મી સદી પછી તો ભારતમાં આવું નહોતું બન્યું. વિદેશી આક્રમણ તો ૨૦૧૭માં ભારત પર થયું જ નથી. આ છતીસગઢ એ ભારતની મધ્યમાં આવેલું આવેલું રાજ્ય છે એટલે એમ જરૂર કહી શકાય છે કે આ કોઈ હિન્દુઓનું જ કાર્ય હોઈ શકે જેઓ હિન્દુઓની જ વિરુદ્ધ હોય. કદાચ નકસલવાદીઓ હોઈ શકે છે પણ તેઓ તો સરકારની વિરુદ્ધ હોય છે ……… ભગવાનની વિરુદ્ધ નહીં
પણ આ બધી ધારણાઓ છે. સરકારે મૂર્તિ તોડવાનાં જઘન્ય અપરાધ સામે કોઈ કાર્યવાહી કરી જ નથી ઉલટાનું એ બાબતમાં તપાસ સુધ્ધાં પણ કરી નથી . કમસેકમ એમને એ તો તપાસ કરવી જોઈતી હતી કે ભારતીય સંસ્કૃતિનાં આ વિરોધીઓ છે કોણ ? મૂર્તિ તોડવાની કાર્યવાહી પર આપણે બીજાં દેશનો વાંક કાઢીએ છીએ જ્યારે આ તો આપણા જ દેશમાં બન્યું છે. એ પણ માત્ર અઢી વર્ષ પહેલાં જ તો આવી ચુપકીદી કેમ ? સરકારે આ બાતમાં ઊંડી તપાસ અવશ્ય કરવી જોઈએ અને ભવિષ્યમાં આવું ન બને એની તકેદારી રાખવી જોઈએ !!! ખેર ……. જે થયું એ ખોટું જ થયું છે પણ સારી બાબત એ છે કે આ મૂર્તિ ફરીથી ત્યાં પ્રસ્થાપિત થઇ ગઈ એ આનંદદાયક સમાચાર જ ગણાય.
તાજાં અપડેટ એમ કહે છે કે આ મૂર્તિ નક્સલવાદીઓએ જ ખાઈમાં પાડી હતી એટલે બીજાં કોઈનો વાંક કાઢી શકાય એમ જ નથી !!! તેઓએ તેમનાં પર થતી કાર્વાહીથી પ્રેરાઈને આવું દુષ્કૃત્ય કર્યું હતું. એ લોકોથી એમના પર લેવાતા પગલાં સહન થયાં નહીં એટલે તેમને આવું પગલું ભર્યું હતું !!! બીજાં કોઈએ કર્યું કે અજ્ઞાત લોકોએ કર્યું હશે એ વાત પર તો આનાથી પૂર્ણવિરામ આવી ગયું.. સવાલ એ છે કે —— આ નકસલવાદીઓ પર કાર્યવાહી ક્યારે ? એનો પણ જવાબ આપણને ટૂંક સમયમાં મળી જશે એવી આશા જરૂર રાખી શકાય પણ એ આશા એ આશા જ ના રહેતા એ પરીણામમાં પરિવર્તિત થવી જોઈએ !!! થશે ખરું થીડી રાહ જોવી જ હિતાવહ ગણાય !!!
આ મૂર્તિ અહીં છે એવું ઇસવીસન ૨૦૧૨માં નઈ દુનિયાએ હાઈલાઈટ કર્યું હતું ત્યાર બાદ જ ત્યાં પર્યટક અને શ્રધ્ધાળુઓની ભીડ વધવાં લાગી હતી. ઇસવીસન ૨૦૧૭માં જાન્યુઆરીમાં જયારે અજ્ઞાત લોકોએ આ મૂર્તિને ચટ્ટાન પરથી નીચે ખાઈમાં પાડી દીધી તો આની જાણકારી ઈસ્વીસન ૨૦૧૭માં સપ્ટેમ્બર મહિનામાં ત્યાંના ગ્રામીણ લોકોએ જીલ્લા પ્રશાસનને આપી. એ લોકોએ સેનાનાં જવાનો સહિત અને ડ્રોન કેમેરાની મદદથી આ મૂર્તિને ખાઈમાં પડેલી શોધી કાઢી !!! ત્યારે તેમને આ મૂર્તિ ટુકડાઓમાં વેરવિખેર થયેલી મળી આવી. જીલ્લા પ્રશાસન અને સેનાની મદદથી આ ટુકડાઓ એકઠાં કરાયાં અને તેમને પુરાતત્વવિદોનાં માર્ગદર્શનમાં કેમિકલ ટ્રીટમેન્ટથી પુન: જોડીને શિખર પર વિરાજિત કરાઈ. જ્યાં એ પહેલાં હતી એ જ જગ્યાએ અને એવી જ રીતે !!! છતીસગઢ અને ભારતનાં પર્યટન નકશામાં ત્યાર બાદ આ જગ્યા મૂર્તિની પુનર્સ્થાપના પછી આ ઢોલકલ પહાડીનું નામ ગાજતું થઇ ગયું !!!
આ મૂર્તિ પોતાનાંમાં જ એક અદ્ભુત છે. એક તોં અત્યંત રમણીય અને પ્રાકૃતિક સ્થાન એમાં પાછી ૩૦૦૦ ફૂટ ઉંચાઈએ વળી ત્યાં જવાનું જ અત્યંત મુશ્કેલી ભર્યું હોય તો લોકોનું મન ત્યાં જવા લલચાય અને લલચાય જ. જો તમારું મન ના લલચાયું હોય તો લલચાવજો. આવી લાલચ જીવનમાં સારી ——- બીજી બધી લાલચો ખોટી !!! આવી અદ્ભુત હાથમાં પરશુવાળી મૂર્તિ તમને બીજે ક્યાંય નહિ જોવાં મળે. આ જોવાં તો દરેકે ખાસ જવું જ જોઈએ તો જઈ આવજો બધાં !!!
!! જય ગણેશ !!
———- જનમેજય અધ્વર્યુ.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..