ફૂલસોદાગર ને ફૂલવંતી – દાદાજીની વાતો

દરિયાને કાંઠે મહા ગેંદલ શહેર છે. દેશપરદેશના વહાણવટી આવીને એના બારામાં મોટાં વહાણ નાંગરે છે.

શહેરમાં એક સોદાગર વસે. સોદાગર બાર બાર નૌકાઓ લઈને સાત સમુદ્રની સફરો ખેડે છે. કાશ્મીરની કસ્તુરી લાવે, અરબસ્તાનના ઊંટ-ઘોડાં લઈ આવે, કાબુલનો મેવો ઉતારે, સિંહલદ્વિપના હાથીદાંત, જાવાની મિસરી, અને સુમાત્રાના તેજાના ભરી ભરીને પોતાના ગામને કાંઠે ઠાલવે. લક્ષ્મીદેવીના ચારે હાથ એને માથે. એને ઘેર સંજવારીમાં સાચાં મોતી વળાય છે.

ઈશ્વરને ગમ્યું તે એક દિવસ સોદાગર મરી ગયો. ઘેર પચીસ વરસનો પરણેલો દીકરો, રૂપેરંગે રાજાના કુંવર સરખો, પણ મોજશોખમાં પડી ગયેલો. કામકાજ સૂઝે નહિ. બાગ બગીચામાં બેસીને સવારથી સાંજ સુધી બંસી બજાવ્યા કરે.

જોતજોતામાં લક્ષ્મીદેવીનાં કંકુવરણા પગલાં સોદાગરના ઘરમાંથી ભુંસાવા લાગ્યા. બાર બાર દેવતાઈ વહાણોએ માલિક વગરનાં મૂંઝાઈને સમુદ્રનાં પાણીમાં મોઢાં સંતાડ્યાં.

દીકરાને બાગબગીચામાં ગોતતી ફૂલસોદાગરની મા આથડે છે. આંસુડે પાલવ ભીંજવતી અને પુતરને માથે હાથ પંપાળતી પંપાળતી ફોસલાવે છે કે “બેટા, તું તો સોદાગરનો દીકરો, તારે તો મહાસાગર ખેડવા શોભે, બાપની લક્ષ્મી લાજે છે, બાપની આબરુ બોળાય છે.”

સડાક થઈને ફૂલસોદાગર બેઠો થયો. બાપદાદા વખતના જીવણ ખારવાનું ઘર પૂછતો પૂછતો ખારવા-વાડ્યમાં આથડ્યો.

“જીવણ ડોસા! એ જીવણ ડોસા!”

“કેમ ભાઈ ફૂલસોદાગર!” જીવણ ખારવાએ બહાર આવીને અવાજ દીધો.

“બારેય વહાણ સાબદાં કરો. દરિયો ખેડવા જવું છે.”

“ભાઈ, બાર વહાણો તો ભોંઠા પડીને દરિયામાં બૂડ્યાં છે. દરિયાપીરને ભોગ દેવો પડશે.”

દરિયાને કાંઠે ધૂપદીપ પ્રગટાવ્યા, ચાર જોડ્ય શ્રીફળ વધેર્યાં. પાંચ પાલીનો ખીચડો જાર્યો. ટચલી આંગળી કાપીને લોહીના છાંટા ચડાવ્યાં.

“લેજો હે દરિયાપીર, મારી આ માનતા. અને મારાં બાર વહાણને બહાર કાઢજો, બાપા !”

હુ ડુ ડુ ડુ ડુ કરતાં દરિયાંના મોઝાં ઊમટ્યાં. અનગળ પાણીમાં મોટો મારગ પડી ગયો. પાતાળમાં બેઠેલા બાર દેવતાઈ વહાણને ઉપાડીને દરિયાપીરે પાણીની સપાટીને માથે રમતાં મેલી દીધાં.

વહાણને રંગરોગાન કરી, તૂટેલાં તળિયાં સમારી, કોરા-ધોકાર સઢ ચડાવી, જાવા – સુમાત્રાની સફર માટે સાબદાં કરી દીધાં. ખલાસીઓના અવાજ સંભળાણાં કે ‘શી…યો…રા… મ…!’

“હે મા! હે બહેન! હું જાઉં છું, બાર વરસે પાછો વળીશ. મારી વહુને જાળવજો હો!”

સૌથી છેલ્લો ફૂલસોદાગર વહુ પાસે વિદાય લેવા ગયો. વહુનું નામ છે ફૂલવંતી.

ફૂલવંતીના અંતરમાં આંસુડાંનાં સરોવર ભર્યાં હતાં, તેની પાળ્યો તૂટી પડી; આંસુડે એણે સ્વામીનાથના પગ પખાળ્યા. વાંભ વાંભ લાંબી વેણી વડે ભરથારની ભીની પાનીઓ લૂછી. પોતાની પાસે સફેદ શંખલાંની માળા હતી તે સ્વામીનાથને ગળે પરોવીને ધ્રુસકે ધ્રુસકે રોતી ફૂલવંતી બોલી : “હે સ્વામીનાથ! આંસુડે પલાળીને આ શંખલા ગૂંથ્યા છે. મુસાફરીમાં આ ગરીબ અબળાની આટલી એંધાણ જાળવી રાખજો.”

“મારી વહાલી ફૂલવંતી! બાર વરસ સુધી મારા રામ રામ સમજવા, માડીનું મેણું ઉતારીને પાછો વળીશ; તું તારાં સતધરમ સાચવતી રહેજે, બારણાં બંધ કરી ધૂપ-દીવા બાળજે, જોગમાયાની માળા ફેરવજે; અને આ ખડગ સંકટ પડે ત્યારે કામ લાગશે.”

એટલું કહી, શંખલાની માળા લઈ ફૂલસોદાગર ચાલી નીકળ્યો, વહાણમાં ચડી બેઠો, ‘શી…યો…રા…મ…! હે… લીયા મા…લેક!’ એવા અવાજ દઈ દઈને ખલાસીઓએ લંગર ઉપાડ્યાં. માથે વાવટા ફફડાવતાં ફફડાવતાં બારેય દેવતાઈ વહાણ મોજાંને ચીરતાં ચીરતાં ઊગમણી દિશાએ વહેતાં થયાં.

મીટ માંડીને ફૂલવંતી જોઈ રહી. આઘે આઘે બારેય વહાણના ધજાગરા પણ જ્યારે પાણી આડા ઢંકાઈ ગયા, ત્યારે ફૂલવંતી ઊંડો એક નિસાસો નાખીને પાછી વળી. કાંઠો ખાવા ધાતો હતો.

[૨]

બારેય વહાણ દરિયાની છાતીને માથે બતકો જેવાં રમતાં જાય છે. પવનના પુત્ર હનુમાનજતિની મેહર થઈ છે. એટલે ઊગમણી દિશાના વાયરા શઢમાં સમાતા નથી. એમ આજકાલ કરતાં તો છ મહિના વીતી ગયા. છઠ્ઠા મહિનાની છેલ્લી સાંજ પડી ત્યાં એક ટાપુ પાસે પહોંચ્યા. ઝ ળ ળ ળ ળ ળ! પૂનમનો ચંદ્રમા ઊગી રહ્યો છે. ટાપુમાંથી સુગંધી પવનની લહેરો વાય છે. પંખીના કિળેળટ થાય છે.

“વહાણ નાંગરો!” ફૂલસોદાગરે હાકલ કરી.

ધબોધબ મીંદડીઓ નખાણી. શઢ સંકેલાણા, અને બારેય વહાણ બેટને કાંઠે ઝાડવાં સાથે ભીડી દીધાં.

અધરાત વીતી. ખારવા-ખલાસી ઊંઘમાં પડ્યા છે. એકલો ફૂલસોદાગર પોતાની ફૂલવંતીને સંભારતો સંભારતો પૂનમને અજવાળે જાગે છે. ત્યાં તો વડલાને માથે વાતો સંભળાણી :

‘અરે હે હંસી રાણી!’

‘શું કહો છો હંસા રાજા?’

‘આ સોદાગર આપણો મહેમાન છે.’

‘હા!’

‘આજ બરાબર વૈશાખ પૂનમ : અમૃત ચોઘડિયું : અત્યારે જો સોદાગર એને ઘેર હોય તો એની અસ્ત્રીને પેટે રાજતેજનાં ઓધાન રહે.’

‘હે સ્વામીનાથ એ શી રીતે બને? અહીંથી છ મહિનાનો પંથ!’

‘હે અસ્ત્રી! વાત આકરી નથી. સોદાગર સમદરમાં સ્નાન કરી મારી પીઠ ઉપર અસવાર થઈ જાય, તો એક પહોરમાં એને ઘરે પહોંચાડું અને એક પહોરમાં પાછો આણું.’

સાંભળીને ફૂલસોદાગર સડક થઈ ગયો. ‘નક્કી આ કોઈ દૈવ વાણી! જોઉં તો ખરો, પંખી સાચું ભાખે છે ખોટું?’

દરિયામાં સ્નાન કરીને ફૂલસોદાગરે સાદ દીધો: “હે દેવતાઈ પંખી! તમે જો સરસ્વતીનાં સાચાં વાહન હો તો બોલ્યું પાળજો!”

ફડ ફડ પાંખો ફફડાવીને હંસલો નીચે આવ્યો. સોદાગર અસવાર થયો. જાણે વિમાન ઊડ્યું. પહોર વીત્યે એના ઘરના આંગણામાં ઉતારી મેલ્યો અને કહ્યું : “ફૂલસોદાગર! વહેલો વળજે હો! ઊંઘ ન આવી જાય.”

ઓરડાની સાંકળ ખખડાવીને સોદાગરે સાદ દીધો: “ઉઘાડો”

“કોણ બોલાવે છે? આજ મધરાતે કોનો વિધાતા વાંકો થયો? હું પતિવ્રતા અસ્ત્રી : મારા સ્વામી બાર વરસને દેશાટણ : ઘીના દીવા બાલીને હું જાપ જપતી જાગું છું, ભરથારે બારણાં ઉઘાડવાની ના પાડી છે. મારા હાથમાં ખડગ છે. ચેતજો! દેવ હો કે દાનવ હો! આબરૂ સોતા પાછા વળી જાજો.”

“ઉઘાડો સતી, હું દેવ નહિ, હું દાનવ નહિ, હું તમારો પતિ. મને હંસલો લાવ્યો છે. વૈશાખી પૂનમનાં તમારે નસીબે રાજતેજનાં ઓધાન લખ્યાં છે. ઝટ ઉઘાડો. ”

“નિશાની શી?”

“શંખલાંની માળા!”

કમાડ ઊઘડ્યાં. છ મહિનાથી વિખરાયેલી વેણી સતીએ સમારી, સેંથે હીંગળો પૂર્યો, આંખે કાજળ આંજ્યાં.

એક પહોર વીત્યો. હંસલે સાદ દીધો: ફૂલસોદાગર, ચંદ્રમાની કળા સંકેલાય છે. ચાલો! ચાલો!”

ફૂલસોદાગર ઊઠ્યો. ફૂલવંતી બોલી કે “હે સ્વામીનાથ! માને અને બહેનને મોઢું દેખાડતા જાજો હો! નીકર મારું મોત બગડશે.”

સાંભલ્યું – ન સાંભળ્યું, સોદાગર તો હંસને માથે અસવાર થયો. ઘરરર! હંસલે ટાપુના મારગ સાંધ્યા. જાતાં જાતાં મારગે હંસલે કહ્યું : “હે ફૂલસોદાગર, તને એક વાત કહેતાં વીસરી ગયો છું. રાજતેજની જનેતાને માથે વસમાં વીતકો વીતશે હો! તું તો બાર વરસે પાછો વળીશ. અને આ શંખલાની માળા તું ક્યાંઈક હારી બેસીશ. એ માળામાં તારી ફૂલવંતીનો ઉગારો છે. માટે મને દેતો જા !”

“આહાહા! દેવપંખી! તારા ગણના તો માથે ડુંગરા ચડ્યા. માથું વાઢી દઉં, પણ મારી અસ્ત્રીની એકની એક એંધાણી કેમ આપું?’

હંસલો કાંઈ બોલ્યો નહિ. તરવાર જેવી એની પાંખોએ સામી દિશાના સૂસવાટાને વાઢતાં વાઢતાં મહેમાનને બેટના વડલા નીચે પહોંચાડી દીધો.

લંગર ઉપાડી, શઢ ચડાવી, ‘શી…યો…રા…મ…’ના નાદ ગજાવી, ખલાસીઓએ વહાણ હંકારી મૂક્યાં.

[૩]

પ્રભાતનાં પંખી બોલ્યાં ને ફૂલસોદાગરને ઘેરે ફૂલસોદાગરની ખૂંધાળી બહેન જાગી. જુએ તો વાસીદું વાળેલું નહિ, વાસણ માંજેલા નહિ, અને પાણીના ગોળા ઠાલા ઠણકે છે.

“વા…હ! મોટી બાદશાજાદી હજુયે જાગી નથી કે!” એમ કહીને ખૂંધાળી નણંદ ભોજાઈના ઓરડાની તરડમાંથી જુએ છે. ઓરડામાં એણે શું જોયું?

હાય હાય! ઝુમ્મરમાં દીવા બળે છે. પલંગમાં ભોજાઈ પોઢેલી છે. એના વેશ-કેશ ચોળાણા છે. એની આંખનાં કાજળ રેળાણાં છે.

“અ ર ર ર! પાપણી! પતિવ્રતાના ઢોંગ કરનારી! નભાઈ કુળબોળામણ! મારો ભાઈ વિદેશ, ને તું વૈભવ કરછ?”

“માડી, એય અભાગણી, ઊઠ, આવીને તારી વહુના આચાર તો જો! અરે આડોશણ – પાડોશણ બેન્યું. આવો, આ આબરૂદારની દીકરીની દેદાર તો દેખો!”

આડોશણ – પાડોશણ એકઠી મળી. હોઠે આંગળી મેલી, નાકનાં નાખોરાં ફુલાવી, નિંદા કરવા મંડી.

“માડી રે! સાત પેઢી લજાવી! સહુનાં મોત કરાવ્યાં! અમને પાડોશીને કલંક ચડાવ્યાં!”

નણંદબાએ સાવરણી લીધી. ધડ! ધડ! ધડ! સૂતેલી ભોજાઈને ઝાપટવા મંડી. પછી લીધું ખાસડું.

સ્વામીનાથનાં સોણાંમાંથી સતી જાગી. જુએ ત્યાં સાવરણીની તડાપીટ : સાત સાત ખાસડાંના માર : પાડોશણના ઘેરેઘેરા : કાળો કળેળાટ બોલે છે. કાગડીઓ જાણે મેનાને પીંખે છે.

“નણદીબા!નણદીબા! મારો કાંઈ વાંક? કાંઈ ગુનો?”

મેલ્યા દાદા ને મેલી માવડી
મેલ્યા સૈરું કેરા સાથ જો.

નણદી, તમારા વીરાને કારણે,
મેલ્યાં ભાઈ ને ભોજાઈ જો.

મેલી પીયર કેરી પાલખી,
માન્યાં સરગ સાસરવાસ જો.

સાસુને માન્યા સગી માવડી,
તમને માન્યા મોટી બેન જો.

આજ રે અમી તમારાં ઓસર્યાં,
એવા કિયા ભવનાં પાપ જો.

ઓલ્યે જન્મારે માને ધાવતાં,
મેં શું કરડ્યાં એનાં થાન જો !

પણ એના વિલાપ કોણ સાંભળે?

નણંદે ભોકાઈના ચીર ચીરી નાખ્યાં, ગુણપાટનું ઓઢણું ઓઢાડ્યું, ચોટલો ઝાલીને બારણે કાઢી, કહ્યું: “જા રાંડ કુલટા! જંગલમાં જઈને ઝુમ્મર બાળજે, વેણી ઓળજે ને કાજળ આંજજે!”

ફૂલવંતી સમજી ગઈ. હાય! સ્વામીનાથ માને અને બેનને મળવું ભૂલ્યા. કોની સાક્ષી આપું? શી રીતે પારખું કરાવું?

બોલી નહિ. ચાલી નહિ. નણંદના ધક્કા ખાતી ખાતી, ધૂળમાં રોળાતી રોળાતી, રોતી રોતી, રણવગડાને રસ્તે ચાલી.

[૪]

પદમના ફૂલ જેવી પાનીઓ રસ્તે ચિરાય છે. ચંપાની કળી જેવી આંગળીઓમાં કાંટા પરોવાય છે. વાસુકિ નાગ જેવો ચોટલો ઝાળાં-ઝાંખરામાં અટવાય છે. રેશમ શી સુંવાળી કાયા ઝરડ! ઝરડ! ઉઝરડાય છે. આંસુડે ડૂબેલી આંખોને રસ્તો સૂઝતો નથી. તોયે ફૂલવંતી ચાલી જાય છે. ચાલી જ જાય છે.

આંસુડે માટી ભિંજાઈને ગારો થઈ ગઈ. માથાં પછાડી પછાડીને શિલાઓ તોડી નાખી. સાત સાત મહિના એમ વીત્યા ત્યારે ઝાડવાંમાંથી પંખીડાં બોલ્યાં કે ‘સોદાગરની અસ્ત્રી! આ શું કરી રહી છો! વિચાર વિચાર, તારા ઉદરમાં તો રાજતેજના ઓધાન રહ્યાં છે.’

‘હા! સાચું! સાચું!

ફૂલવંતી ઊઠી, કાયાને સંભાળવા માંડી, ઝાડવાંની છાલનાં લૂગડાં પહેર્યાં, મોવાલા મોકળા મેલીને જોગણ બની. પંખીડાં ચાંચમાં ઉપાડીને ફળફૂલ આણી આપે. તે આરોગીને સતી પેટ ભરે છે. હાથમાં વાંસડાની ડાંગ લઈને ફરે છે.

રાત પડી ને એકાએક વગડામાં અજવાળું થયું. કોઈનાં પગલાં સંભળાણાં.

“કોણ છે?” સિંહણ જેવી જોગણ ડણકી: “માનવ હો કે દેવ-દાનવ હો! ખબરદાર, ડગલું દીધું તો લોહી ચૂસી લઈશ.”

ઝાડવાંની ઘટામાં એક માનવી છે. એક હાથમાં મશાલ, બીજા હાથમાં કુવાડો : કઠિયારો મધ પાડવા જાય છે.

“માતા! જોગમાયા! હું તો ગરીબ કઠિયારો છું.” એમ કહીને થર થર કાંપતા કઠિયારા એ હાથ જોડ્યા.

“જે સતવાળી! જે ચોસઠ જોગણી માયાલી! આજ મારો અવતાર ફળ્યો. બોલ માતા, કહે તો પ્રાણ કાઢી આપું.”

“ભાઈ, વીરા, હું દુખિયારી અસ્ત્રી છું. તારી આગળ એક ભિક્ષા માંગુ છે.”

“માવડી, માનવીને વેશે તું ભિક્ષા લેવા આવી દેખાછ, માગ, તું કહે તે કરું.”

“વીરા, એક મઢૂલી બનાવી દઈશ?”

જોતજોતામાં તો કઠિયારે ડાળ્ય-પાંદડાંની ઝૂંપડી ઊભી કરી. ફરીવાર આવીને કઠિયારે હાથ જોડ્યા.

“ભાઈ, પેટ શી રીતે ભરછ?”

“માડી, લાકડાના ભારા વેચીને.”

ઊંચી નજર કરે ત્યાં જોગણ થંભી ગઈ, આહા!આ તો ચંદણનું ઝાડ.

એક ડાળી ભાંગીને જોગણે કહ્યું: “લે ભાઈ, આ ચંદણ કોઈ સાચા સોદાગરને જઈને વેચજે. લેનારની સાથે ભાવ- તાલ ઠેરવીશ મા. જે આપે તે લઈને મારી પાસે આવજે.”

હાથમાં કુહાડો અને માથે ચંદનનું કાષ્ઠ. કઠિયારો છૂટ્યો. સોદાગરને ગોતતો ચાલ્યો. ગામેગામ પાટકે, પણ ચંદનનો મૂલવનારો સોદાગર ક્યાંથી ભેટે?

[૫]

સવાર થયું. બપોર ચડ્યા. આજ કઠિયારો ઘરે કાં ન આવે? રોટલા ઠરી ગયા. ખરા બપોરનાં ગધેડાં ભૂંકવા માંડ્યાં. કઠિયારણે ભાત શીંકે ચડાવ્યું. નીકળી ગોતવા. ‘પીટ્યા કઠિયારા! એ રોયા કઠિયારા!’ એવા સાદ પાડે, પણ હોંકારો કોણ આપે?

એકાએક ઝાડને છાંયડે ઝૂંપડી અને ઝૂંપડીને બારણે કોઈ જોગણ જોઈ. છાલના લૂગડાં : આંખો આંજે એવાં રૂપ : પૂરા મહિના જાતા હોય એવું ઓદર : જાણે ઈંડા મેલવાની તૈયારી કરતી ઢેલડી : વગડામાં જ્યોત છવાઈ ગઈ છે.

ઊભી ઊભી મારગને માથે મીટ માંડતી ફૂલવંતી બોલે છે કે “કઠિયારા, રે ભાઈ કઠિયારા! હવે પાછો વળ. ચંદણ વેચીને પાછો વળ, મારે વેળા થાય છે.”

‘આ…હા!’ કઠિયારણ સમજી ગઈ. પીટ્યે જંગલમાં બાયડી પરણીને નવાં ખોરડાં બાંધ્યા!

કઠિયારણને ભાળતાં જ ફૂલવંતી ઝૂંપડીમાં પેસી ગઈ. માંહેથી બારણું વાસ્યું.

“ઉઘાડ્ય! ઉઘાડ્ય! બહેન! કઠિયારો આવ્યો!”

ઉઘાડે ત્યાં તો ડાકણ જેવું રૂપ દેખી ફૂલવંતી ઢળી પડી. એને સુવાવડની વેણ્ય આવવા માંડી.

“નભાઈ શોક્ય! દીકરી આવે તો દૂધ પીતી કરું ને દીકરો આવે તો ઉઝેરી મોટો કરું, ઊભી રે’જે.”

ઝાડ ઉપરથી લક્કડખોદ બોલ્યો: ‘કઠિયારણ, નગરીમાં જા ને સુયાણીને લઈ આવ!’

કઠિયારણ ઉપડી, નગરીના રાજાની રાણી પૂરા મહિના જાય. નોબત-નગારાં વાગે, જોષીડા જોષ જોવે, અને ભુવા દાણા જોવે. પણ બાળક અવતરતું નથી. બરાબર દરબાર ગઢની દેવડીએ ગાંગલી ઘાંચણ સામી મળી.

અઢીક હાથનું કાઠું : પાકલ જાંબુડા સરખો વાન : માંજરી આંખો : ઓડ્યથી ઊંચા બાબરકાં :ચાર – ચાર તસુ પગની નળીઓ : ચોથિયા વા પગ: પીંજારાના ઘરનો જાણે ગોળીટો! ખભે સાડલો : મંતરતંતર જાણે : આભામંડળનાં ચાંદરડાં હેઠાં રમાડે એવી : એવી ગાંગલી ઘાંચણ.

“ગાંગલી માશી! એ ગાંગલી માશી! એક વાત કહું, ” માશીએ કઠિયારણની વાત સાંભળી. બેય વગડામાં પહોંચ્યાં.

ઝૂંપડી આગળ જાય ત્યાં તો પંખી! પંખી! પંખી! પંખેરું ક્યાંય માય નહિ. પોપટા, મેના ને પારેવાં, મોર, સૂડા ને બપૈયા જાણે ધોળ-મંગળ ગાય છે. હરણિયાં મોંમાંથી તરણાં છોડીને થોકે થોકે ઝૂંપડીએ ઊભાં છે.

બરાબર અધરાત છે. ઝૂંપડીમાંથી ઝળળળ અજવાળાં છૂટે છે. પશુપંખી જોવા મળ્યાં છે.

બેય ડાકણો અંદર જઈ જુએ છે ત્યાં માતાના થાનેલા ચસકાવતો દેવના ચક્કર જેવો બેટડો રમે છે. લલાટમાં રાજતેજ ઝગારા કરે છે.

અ….છી! છોકરાએ છીંક ખાધી. ત્યાંતો નાકમાંથી સાચાં મોતી ઝર્યા. બગાસું ખાધું ત્યાં હીરા ઝર્યા.

“અ હા હા હા! ગાંગલી માશી, કામ પાક્યું, છોકરાને ચોરી જાયીં”

પણ માની છાતીએથી ઝૂંટતાં જીવ કેમ કરીને હાલે! રસ્તે થઈને ચૌદ ચોર નીકળ્યા. ચોરોએ સાંકળ ખખડાવી.

“કોણ તમે?”

“માશી, ઈ તો અમે!”

“ઓહો, ભાણેજડાઓ! અંદર આવો. ”

અંદર જઈને ચોર જુએ ત્યાં તો મૂર્છામાં પડેલી ગરીબડી માતા અને પડખામાં પોઢેલો કુંવર. એની આંખડીમાં કાંઈ સ્વપ્નાં હસે છે! કાંઈ કિરણો રમે છે!

“ભાણિયાઓ! આ છોકરાને ઉપાડી લ્યો!”

‘અરરર માશી! માને થાનલેથી છોકરું વછોડાય? તો તો ઘરની માતા અમારા પાપનો ભાર શે ખેમશે?”

ચોરનો જીવ નથી ચાલતો. એકબીજાને ધકેલતા આઘા ભાગે છે. એ જોઈને ગાંગલી માશી દોડી.

“ઊભા રો’ મારા પીટ્યો! તમને મેલડી ભરખે! ઉપાડો છો કે ચૌદેયને કાગડા કરી મૂકું?”

ચોર બિચારા શું કરે? ગાંગલી માશી ડાકણ હતી, આંખે પાટા બાંધીને ચોરોએ માની ગોદમાં ઊંઘતા છોકરાને ઉપાડ્યો. ચૌદ ચોર, ગાંગલી માશી અને કઠિયારણ ભાગ્યાં.

વગડામાં પ્રગટેલો દીવો ઓલવાઈ ગયો. પશુ-પંખી પોકાર પાડવા માંડ્યા. ઝાડ માથેથી પાંદડા ઝરી પડ્યાં.

[૬]

સુવાવડી ફૂલવંતીને શુદ્ધબુદ્ધ આવી. પેટમાં આગના ભડકા બળે છે. ઊઠીને મા પોતાના પડખામાં જુએ તો, હાય હાય, દીકરો ક્યાં?

દીકરા વિના માતા આંધળી બની, સાન ભૂલી, બહાવરી થઈને ભાગી. ઝાડવે ઝાડવે ગોતતી ભાગી. વગડો ગજાવી મેલ્યો. પશુ-પંખી સમજ્યાં કે અગ્નિની જીવતી ઝાળ દોડી જાય છે. વિલાપ કરતી જાય છે કે –

કિયે જનમારે મોરી માવડી
મેં તો કિધાં આવડાં પાપ જો,

ધાવંતાં વાળ્યા નાનાં વાછરું
લાગ્યા ગાયુંના નિશ્વાસ જો.

માતાના થાનેલેથી કયે ભવે
કેના ઝંટાવ્યાં મેં બાળ જો,

કાચાં રે ફળ હશે તોડિયાં
રોતાં મેલ્યાં ઝીણાં ઝાડ જો,

કાં તો બની રે કાળી નાગણી
ખાધાં પંખીડાંનાં બાળ જો,

આજે એ પાતક મુજને લાગિયાં
મારું ચોરાણું રતન જો!

ચોધાર રોતી ફૂલવંતી છૂટી. દોડી, દોડી, દોડી; પહાડ, ખીણ, કોતર, જોતી ગઈ, દરિયાને કાંઠે જાતી થંભી. ઊંચે આભ, નીચે પાણી, ચોગમ પવન! બીજું કોઈ ન મળે. દોડીને પાણીમાં ધૂબકો માર્યો. ઘડીવારમાં તો એને માથે મોજાં ફરી વળ્યાં.

બરાબર એ જ ટાણે આઘે આઘે દરિયાની અંદર, ફૂલસોદાગરના વહાણ હાલ્યાં જાતાં હતાં, તેમાં ફૂલસોદાગરને ગળે પહેરેલી માળા સરકી ગઈ. એકસો ને આઠ શંખલા દરિયાનાં નીરમાં ડૂબી ગયા!

[૭]

રાતનો છેલ્લો પહોર છે. ચોકીદાર ઊંઘે છે. ચૌદ ચોરને રવાના કરીને ગાંગલી અને કઠિયારણ રાજમહેલમાં પેઠાં. રાણી-વાસમાં રાણીને મુવેલો દીકરો અવતર્યો છે. રાણી યે મરી ગયેલી છે. કોઈને ખબર નથી.

કાખલી કૂટતી કૂટતી ગાંગલી બોલી: “કઠિયારણ, એલી કઠિયારણ, ઝટ કર! તું રાણી, ને આ છોકરો રાજકુંવર! ભારી લાગ આવ્યો.”

બેય જણીઓએ રાણીને અને મરેલા રાજકુંવરને બાંધી નદીમાં ફગાવી દીધાં. રાણીના પોશાક પહેરીને કઠિયારણ સૂતી. પડખામાં કુંવરને પોઢાડ્યો.

ગાંગલી બોલી ઊઠી: “વધામણી! રાજા, વધામણી! રાણીજીએ કુંવર જણ્યો.”

વાહ કુંવર! વાહ રૂપ! વાહ રાજતેજ! રાજમાં ઢોલનગારાં ધ્રસકવા માંડ્યાં.

“પણ અરે બાઈ! રાણીજીનું મોઢું કેમ બદલી ગયું?”

ગાંગલી બોલી: “એ તો સુવાવડને લીધે. રાણીજીનાં રૂપ તો કુંવરની કાયામાં ઊતરી ગયાં.”

“સાચી વાત! સાચી વાત!”

માણસોએ તો માની લીધું. કઠિયારણ રાણી થઈ બેઠી. કુંવરનું નામ પડ્યું રાજતેજ. રાજતેજ મોટો થાય છે. છીંક ખાય ત્યાં તો મોતી ખરે છે. ભણી ગણી બાજંદો થાય છે. રાજકચેરીમાં આવે-જાય છે.

[૮]

દરિયામાં જે દી ફૂલસોદાગરના ગળામાંથી શંખલાંની માળા પડી ગઈ, તે દીથી સોદાગર એની ફૂલવંતીને વીસર્યો છે. પગ ઉપર પગ ચડાવી વહાણની અગાસીએ બેઠો બેઠો દેશદેશાવર રોજગાર કરે છે. એને ઘરબાર સાંભરતાં નથી.

શંખલાની માળા ડૂબવા મંડી. એકસો આઠ શંખલાંને ફૂલવંતીના આંસુડાંમાં ભિંજાયે ઘણાં વરસ વીતેલાં. આજ વળી ખારાં નીર ખાધાં. એટલે માળાનો ભાર વધ્યો. ડૂબતી ડૂબતી માળા તો તળિયે પહોંચી.

તળિયે નીલમની એક રૂપાળી શિલા. અને શિલા ઉપર બેઠી બેઠી હંસી એના ચાર ઈંડા સેવે. શંખ દેખીને હંસી ચણવા જાય ત્યાં તો આખી માળા દેખી. ઈંડાની વચ્ચે એણે તો માળાને ગોઠવી દીધી.

બાર બાર વરસે હંસીના ઈંડા ઊઘડ્યાં. અંદરથી ચાર બચ્ચાં નીકળ્યાં. સમુદ્રની સપાટી માથે લાંબી લાંબી ડોક કાઢીને હોંશે હોંશે હંસીએ સાદ દીધો: ‘હંસારાજા! ઓ હંસારાજા!’

આભમાંથી ઊતરીને હંસે હંસીની ચાંચમાં ચાંચ પરોવી. બેય પંખી તળિયે ઊતર્યાં. ત્યાં તો બચ્ચાંને બચી કરતાં કરતાં હંસલે શંખલાની માળા દેખી. ‘આહા ! હંસીરાણી’ આ તો ફૂલસોદાગરની માળા! હાય હાય! સોદાગરે માળા ગુમાવી હશે, સતીને ય વિસારી હશે.’

માળા લઈને હંસ-હંસી બચ્ચાં સોતા ઊડ્યાં. રાજા રાજતેજની રાજનગરીને સીમાડે નદીને કાંઠે વડલો હતો, તેને માથે માળો બાંધ્યો.

એક દિવસ હંસ સમુદ્રમાં ગયો છે. હંસી ચારો લેવા ગઈ છે. એવે વાંસેથી બચ્ચાં વઢ્યાં. માળાનાં તરણાં વીંખાણાં અને શંખલાની માળા નીચે સરી પડી.

ધનુષધારી રાજા રાજતેજ ઘોડે ચડીને શિકારે નીકળ્યો છે. ત્યાં વડલાની નીચે એણે માળા દેખી. આહાહાહા! આ તો શંખની માળા! કોટે પહેરીને કુંવર પાછો ગયો. માળા પહેરતાં જ કુંવરની છાતી ઠરીને હિમ કાં થઈ ગઈ?

[૯]

માથે ચંદણની ડાળ મેલીને કઠિયારો આથડે છે. પણ એવો કોઈ સોદાગર ન મળે કે જે ચંદણના મૂલ મૂલવે. ભમતાં, ભમતાં, બાર વરસે એક બંદર ઉપર બાર વહાણ ઠલવાતાં ભાળ્યાં, સોનેરી લૂગડે સોદાગર ભાળ્યો. સોદાગર પૂછે છે કે “શું છે ભાઈ?”

“જોગમાયાએ વાઢી દીધેલી ચંદણની ડાળ છે. શેઠિયા, મત્યા હોય તો મૂલવજો.”

સોદાગર નજર કરે ત્યાં ચંદણ ઉપર ‘ફૂલ’ ચીતરેલું.

“આહાહા! મારી ફૂલવંતી કાં સાંભરે? અચાનક?”

ચંદણને હૈયે ચાંપ્યું ત્યાં તો છાતીમાં ધબકારા બોલ્યા, “રે ભાઈ! શું આપું? હીરા? માણેક? મોતી? બોલ, તું માગ એ આપું.”

“ના શેઠ, એનાં મૂલ હું શું જાણું? મારી માતાજીએ કીધેલું છે કે જે આપે તે લઈ લેજે.”

“કોણ તારી માતા?”

“જટાવાળી જોગણ: ફૂલસોઇદાગરના જાપ જપે છે. રણ્વવગડે રોઈ રોઈને પશુ પંખીને રોવરાવે છે. એને પેટે પૂરા દી જાય છે.”

સોદાગરને ડીલે પરસેવો વળી ગયો. માથું ભમવા માંડ્યું. એણે પૂછ્યું : “ભાઈ કઠિયારા એનો ભેટો કરાવીશ?”

“હા, હાલો!”

બારે વહાણ વહેતાં થયાં. કઠિયારો માર્ગ દેખાડે છે.

રાજનગરીની નદીના આરા માથે ટણણં! ટણણં! ડંકા વાગ્યા, બારેય વહાણનાં લંગર પડ્યાં. મોખરે સોનેરી લૂગડે સોદાગર બેઠો છે.

“હાં, કોઈ છે કે?”

“એક કહેતાં એકવીસ, મહારાજ!”

“આપણે પાદર આ ડંકા કોના? એવો બે માથાળો છે કોણ? બાંધીને હાજર કરો!”

કટક લઈને કોટવાલ છૂટ્યો, આવીને એણે બારેય વહાણને કડી દીધી. ફૂલસોદાગરને બાવડે બાંધી, પગે બેડી નાખી, કચેરીમાં ખડો કર્યો.

‘અહાહા! રાજાની ડોકે શંખલાની માળા! મારી ફૂલવંતીએ દીધેલી જ એ માળા!’ સોદાગરની આંખમાં અમી ઊભરાણાં. જાણે પેટનો દીકરો પારખ્યો.

“એ ભાઈ, રાજાનું નામ?”

“રાજતેજ.”

“બસ, એ જ મારો દીકરો! મારું પેટ! મારાં બાર વહાણનો વારસદાર!”

“વોય રે મારો બેટો!” કોટવાળે બંદૂકના કંદા માર્યાં. “રાજાનો બાપ બનવા આવ્યો છે! પૂરી દ્યો ધૂતારાને તુરંગમાં.”

ધક્કે ચડાવીને સોદાગરને કેદખાને ઉપાડી ગયા.

પણ રાજકુંવરની આંખમાં આજે આંસુડાં કેમ આવ્યાં? આજ કચારીમાંથી એનું અંતર કેમ ઊઠી ગયું?

“કોટવાળ! આજ કચેરી બરખાસ્ત કરો!”

[૧૦]

પણે દરિયામાં પડેલી ફૂલવંતીનું શું થયું?

બાર બાર વરસ સુધી બિચારીને પાતાળમાં નીંદર આવી ગઈ. નાગપદમણીની દીકરીઓ એને વિંટળાઈને વીંજણા ઢોળતી, અગર-ચંદનના લેપ કરતી, અને અમીની અંજળી છાંટતી બેસી રહી. એકેક વરસ વીતે અને ઊંઘમાંથી ઝબકીને ‘સોદાગાર! સોદાગર!’ ‘ રાજતેજ! રાજતેજ!’ એવા સાદપાડે, વળી પાછી પોઢી જાય.

નાગપદમણીએ સતીને પંપાળીને આંસુ લૂછ્યાં : ‘દીકરી! તારા સ્વામીનાથ મળશે ને બેટો ય મળશે!”

“ક્યારે?”

“પહેલાં નહા, ધો, ખા, પી પછી કહું.”

નવરાવી-ધોવરાવી, ખવરાવી-પીવરાવી, પરવાળાંની સાડી અએ પારસમણિનો હાર પહેરાવીને ફૂલવંતીને નાગપદમણી દરિયાકાંઠે તેડી ગઈ.

“દીકરી, ચારેય દિશાના વાયરા તપાસી જો તો! શીતળ લહેર ક્યાંથી આવે છે? ને ગરમ લૂ ક્યાંથી આવે છે?”

છાતી ઉપરથી પાલવ ખસેડીને સતી ઊગમણી ઊભી, આથમણી ઊભી, દખણાદી ઊભી, પણ જ્યાં છાતી ઉઘાડીને ઓતરાદી ઊભી ત્યાં તો –

અહાહા! સતીનાં થાનેલાં ફાટ ફાટ થાય છે, ધાવણની ધારો ટપકે છે. અમૃતની જાણે સરવાણીઓ ફૂટી.

“બસ, બેટા! ઓતરાખંડમાં તારો પુતર જડશે. ચાલી જા.”

“કેમ કરીને ચાલું, માડી?”

પદમણીએ સાદ પાડ્યો: “પવન દેવતા!”

હૂ હૂ હૂ! સૂસવાટા સંભળાણા.

“જાવ દેવ! દીકરીને તેડી જાવ!”

સૂસવાટા મારતી ફૂલવંતી ઊપડી. સાડીનો સઢ ફૂલાણો. દરિયાને માથે જાણે નૌકા છૂટી. વાહ રે વાહ!પાણી ઉપર માનવી ચાલ્યું જાય!

મોજાંને માથે અસવારી કરીને અસવારી કરીને છ મહિનાનો પંથ કાપ્યો. અધરાતે એક ઠેકાણે આવી, ત્યાં તો ફરીવાર થાનેલાં છલકાયાં. દૂધના ફુવારા ચઢ્યા. સરોવરને કિનારે ઝાડ હેઠળ બેઠી. એ જ રાજા રાજતેજની રાજનગરી.

પ્રભાત પડે ને કઠિયારણ રાણી સરોવરમાં નહાવા આવે. એમાં આજ રાંડે ફૂલવંતેની ઓળખી. ‘દાસીઉં! દોડો દોડો, આ ડાકણને મારો!’

ફૂલવંતીને મારી, ધકેલી, એક ઊંડા ખાડામાં ભંડારી, માથે મોટી શિલા ચાંપી દીધી.

રાજા રાજતેજ ગોઠિયાઓને લઈને સરોવરે નહવા આવે છે. ઓહો! આજે તો કાંઈ નહાયા! કાંઈ નહાયા!

“હાશ! આવી શીતળ કાયા તો કદી યે નહોતી બની. જરાવાર આ શિલા માથે વિસામો ખાઈ લઉં.”

શિલાને માથે બેસતાં જ કુંવરના નેણ ઘેરાણાં. પાંપણના પડદા બિડાણા. કદીયે નહોતી આવી એવી નીંદરમાં કુંવર પડ્યો.

પણ આ શિલા નીચે કોણ રુવે છે?

બાર વર્ષે મારો બેટડો મળિયો,
હૈયાનાં ધાવણ હાલ્યાં જાય જો;

પોઢો પોઢો રે પુતર છેલ્લી આ વારના,
માતાનો જીવડો નો રોકાય જો.

પ્રધાનનો પુતર, વજીરનો પુતર, કોટવાળનો પુતર ચકિત થઈને સાંભળે છે. “આ તો બહરી કૌતક, ભાઈ! કાલ્ય સોદાગર આવ્યો, કહે છે કે ‘હું કુંવરનો બાપ!” આજ વળી શિલા રુવે છે કે ‘હું કુંવરની મા!’ ચાલો રાજકુંવરને જગાડો. ”

રાજકુંવર જાગ્યો: “મા! મા! માડી!”

“કોને બોલાવો છો, કુંવર?”

“આ શિલાની નીચેથી મને મારી જનેતાનો સાદ સંભળાય છે, ભાઈ આ શિલા ઉખેડો તો!”

પચાસ મણની શિલા! કોનાથી ઊપડે?

રાજતેજની ટચલી આંગલી જ અડી, ત્યાં શિલા ફૂલની માફક ઊઘડી : હેઠળ જુએ ત્યાં જનેતા સૂતેલી. માના થાનેલામાંથી ધાર છૂટી.

‘મા! મા! મા!’ કહેતો કુંવર માતાને બાઝી પડ્યો. પોતાને ખભે બેસાડીને દરબારમાં તેડી ગયો. દોડ્યો પોતાની કઠિયારણ માની પાસે.

“માડી બોલો! મારી સાચી મા કોણ?”

“અરરર! બેટા આવું કેમ પૂછ છ? કોણ ડાકણની તારે માથે નજર પડી?”

“પ્રધાનના કુંવર બધસાગરા! પારખું કેવી રીતે કરું? બેમાંથી કઈ માતા સાચી?”

“પારખું છે, બેય માતાને દરબારમાં ઊભી રાખો. જેના થાનેલામાંથી ધાવણ છૂટીને તમારા મોંમાં પડે તે જ સાચી જનેતા : બીજી ધુતારી.”

“ગાંગલી માશી! એ ગાંગલી માશી! ઝટ મને તેજાના ખવરાવો, મસાલ ખવરાવો, બાર જાતના ઓસડિયાં ખવરાવો. ઝટ મારે થાનેલામાં દૂધ જોવે. નીકર આપણને બેયને ઘાણીએ ઘાલીને તેલ કાઢશે.”

ધુતારણે તો બાર જાતના ઓસડિયાં અને તેર જાતનાં મસાલા ખાધા. ધોળી મૂસળી ખાધી ને કાળી મૂસળી ખાધી. કેસરિયાં દૂધનાં કડાં પીધાં. અને આખી રાત જાગીને જોયા કરે કે ધાવણની ધાર છૂટે! પણ થાનેલામાં ટીપું દૂધ આવતું નથી.

બીજે દી પ્રભાતને પો’ર દરબારમાં માનવી માતાં નથી. પંખીડાં ય પાંખો બીડીને બેઠાં છે. ઝાડવાં ઉપર પાંદડાં ય હલતાં નથી. પવન પણ થંભ્યો છે. રાજા રાજતેજ સિંહાસન પર બેઠો છે. થોડાં પાણીમાં માછલું તરફડે એમ એનો માવડી વિનાનો જીવડો ફફડે છે.

કઠિયારણ રાણી આવી. લુગડાંના ઠાઠમાઠ ને ઘરેણાંના ઠઠેરા કરીને આવી. પણ તો યે એ તો કઠિયારણ, કૂડનાં તો હૈયાં જ કાચાં! એની કાયા થરથર કંપે છે.

અને ફૂલવંતી! નહિ માથે ઓઢણું, કે નહિ કાનમાં વાલની વાળી. તો યે એની કાયા કિરણો કાઢે છે, પાંપણે પલકારો યે નથી. બીજા કોઈને એ ભાળતી યે નથી. આંખના તારલા એક દીકરા ઉપર જ નોંધાણા છે. નીરખી નીરખીને ડાબી જમણીમાંથી હેતનાં આંસુનાં શ્રાવણ-ભાદરવો હાલ્યા જાય છે.

આગળ આવીને વજીરનો પુતર બોલ્યો: “રાણી- માતા સાંભળો, અજાણી મા, તમે ય સાંભળો. આજ રાજા રાજતેજને માથે બબ્બે જનેતાઓની વિકટ સમસ્યાઓ ઊભી છે. પણ આ નવખંડ ધરતી ને માથે સૂરજ એક છે, ચંદરમા એક છે, તો જનેતા બે કેમ હોય? માટે દેવધરમની સાખે, પશુપંખીની સાખે, આ પંચ-પરમેશ્વરની સાખે પારખું આપો : જે સાચી જનેતા હશે તેના ધાવણની ધાર રાજાનાં મોમાં જઈ પડશે.”

કચેરી સડક! વાયરા થંભ્યા! સોય પડે તોય રણકારો સંભળાય એવી શાંતિ!

“રાણીમાતા આવો, પહેલાં તમે પારખું આપો!”

કઠિયારણ તો ધણી વાર સુધી ઊભી થઈ રહી. પણ ધાવણ શેનાં ફૂટે!

“રાણીમાતા, બસ કરો!” વજીરના પુતરે હાકલ મારી.

કઠિયારણ તો કા…ળી…મશ!

પછી આવી ફૂલવંતી. કાયામાં ટીપું લોહી નથી. હૈયામાં છાંટો હરખ નથી. પણ સિંહાસને બેઠેલા બેટડાની સામે છાતી ખોલીને જ્યાં ઊભી રહી ત્યા તો? –

અહાહાહા! ચોધાર – અરે ચાલીશધારા – ફુવારા છૂટ્યા. સિંહાસને બેઠેલા રાજાની માળા ભિંજાણી, રાજાનું મોઢું ભરાણું.

‘જે થાવ! સતીની જે થાવ! કૂડનમાં ધૂળ થાવ!’ – એવા જેજે કાર ગાજ્યા. પણ કઠિયારણ તો કાળી નાગણી. એને ઝેરનું છેલ્લું ટીપુંય નીચોવી નાખ્યું. એ બોલી “મારા પીટ્યાઓ! ઈ સતધરમની પૂંછડીને એટલું તો પૂછી જુઓ, કે એના બેટડાનો બાપ કોણ? રાજાને કે’દી ઈ રાંડે મેમાન કર્યો’તો?

સાંભળીને સભા સૂનમૂન! સૌનાં માથાં ધરતી સામાં ઢળ્યાં. સહુને મોઢે મશ વળી. ફૂલવંતી માથે જાણે શિલા પડી. પાષાણની જાણે પૂતલી! પણ એ શું બોલે? શી રીતે સમજાવે? રાજતેજના ઓધાનની વાત બહાર પાડવાની સ્વામીનાથ ના પાડી ગયા છે! ફૂલવંતી બેશુદ્ધ બનીને ઢળી પડી.

બરોબર એ જ ટાણે, સાત સાત સમુદ્ર વીંધીને ફૂલસોદાગરના ઉપકારી હંસરાજાએ પાંખો ફફડાવી. પલકવારમાં એના કિલકિલાટ નગરીના આભમાં ગાજ્યા. ફૂલવંતીના શિયળની સાખ દેનારો પંખીડો આવી પહોંચ્યો. કચેરીનાં નેવાંને માથે બેસીને હંસલે માનવીની ભાષામાં ગીત ઉપાડ્યું –

ફૂલસોદાગરની અસતરી ને
એના ફૂલવંતી નામ જો,

વાલ્યમ જાય વિદેશમાં
પાળે ધરતીવંતા નીમ જો.

એંધાણી દીધી સતીએ સ્વામીને
બોલ્યાં હંસી ને કૈં હંસ જો,

આજ પૂનમ કેરી રાતડી ને
ઘેરે હોય સતીના કંથ જો,

ઓધાન રે’શે રાજતેજનાં
મોઢે મોતીડાં વેરાય જો.

સ્વામીને તેડી હંસો ઊડિયો
આવ્યા સતીને દુવાર જો,

માઝમ રાતનાં મનડાં મલિયાં ને
રોપ્યાં રાજેસરનાં બીજ જો.

ચોથે તે પોર સ્વામી ચાલિયા ને
ભૂલ્યા અસતરીનાં વેણ જો,

ભૂલ્યા માતાને મોં દેખાડવા ને
ચડિયાં સતીને કલંક જો.

નણદીએ મેલ્યાં વનરાવનમાં
જોગન બાળે બેઠી વેશ જો,

નવમે તે માસે કુંવર જનમિયા ને
માતા સૂતી મૂર્છામાંય જો.

ચોર્યા પૂતર ને પેઠી મો’લમાં
ડાકણ કઠિયારણનાં કામ જો.

રાણીને નાખી ઊંડા નીરમાં
પંડે લીધાં રાણી-વેશ જો.

જંગલમાં જાગી જોવે માવડી.
એનો કુંવરિયો ખોવાય જો,

સમદર બૂરન્તાં સતીને ઝીલિયાં
રાખ્યાં નાગ-ભુવન મોજાર જો.

પહોંચ્યા પૂતર કેરાં દેશમાં
રાંડે ભંડાર્યાં ભોં માંય જો,

સોદાગર હાર્યો માળા શંખની
બૂડી સમદરને પાતાળ જો.

હંસે એંધાણી સતીની ઓળખી
આવી મેલી તરુવર ડાળ્ય જો,

માળા દેકીને મનડાં મોહિયાં.
કુંવર પે’રી પામ્યા સુખ જો.

સોદાગર આવે સતીને ગોતવા
માળા દીઠી કુંવર-કંઠ જો,

બેટો ભાળીને હૈયાં ઊમટ્યાં
કો’ને સમસ્યા નો સમજાય જો.

પિતાને પૂર્યા તમે કેદમાં
જઈને પૂછો શાણા રાય જો,

સત રે ધરમ તમારી માતનાં
એની પંખી પૂરે શાખ જો.”

એટલું ગાઈને હંસલો ઊડી ગયો.

દેવવાણી! દેવવાણી! દેવવાણી! એમ નગર ગાજી ઊઠ્યું. કારાગૃહમાં જઈને રાજતેજ બાપને પગે પડ્યો. દેવડીએ નોબતો ગગડી.

[૧૧]

દીકરો સાંપડ્યો તો યે સોદાગરને જંપ નથી. અરેરે, મારી દુખિયારી ફૂલવંતી ક્યાં હશે? એના વગર જનમારો કેમ જાશે?

ફૂલવંતી રાજમહેલમાં છે એવી જાણ કોઈએ રાજ-બાપુને દીધી નથી. બેશુદ્ધ ફૂલવંતીને દરિયા-મહેલમાં પોઢાડીને દાસ-દાસીઓ સુગંધી પંખા ઢોળે છે.

એમ કરતાં સતીને મૂરછા વળી. દીકરો જઈને માની બાથમાં સમાણો. દીકરે માતાને બાપનીયે વાત કરી. પણ બાપુને માતાના સમાચાર કોઈએ ન કીધા.

બાપુની થાળીમાં રોજ બત્રીસ જાતનાં ભોજન ને તેત્રીસ જાતનાં શાક મેલાય. ચમેલીનાં ફૂલ જેવા ચોખા પીરસાય. આહાહા! આવું રાંધણું આજ બાર – બાર વરસે દીઠું. અરે અન્નદેવતા! આ રસોઈનું કરનારું કોણ? આજ મારો કોઠો ઠરીને હિમ કાં થાય? આજ પૂર્વજનમના પડધા કાં પડે?

રોજ રોજ સોદાગર ઊંધું ઘાલીને જમે. પણ આજ એણે ઊંચે જોયું. પિરસનારીની આંખો સાથે આંખો મળી. બાર બાર વરસનાં દુઃખનાં પડ વીંધીને સ્વામીનાથે સતીનું મોંઢું ઓળખ્યું. હાથ ઝાલી લીધા: “બોલ, તું કોણ?”

સતીથી બોલાણું નહિ. સુખનાં આંસુડાં રેડતી સ્વામીનાથને ચરણે પડી. બાર વરસે આંસુડે પગ પખાળ્યા અને વેણીએ પગ લૂછ્યા.

“હે સ્વામીનાથ!” સતી બોલી: “આવાં એકલપેટાં સુખ શે સહેવાય! ક્યાં માતા. ક્યાં બેનડી! જાઓ, ઝટ તેડી આવો. મને પાપ બેસે છે!”

હા! હા! હા! દીકરાને મા સાંભરી. બારેય નૌકાના શઢ ચડાવ્યા. ગામને માથે મંડાણો. “હલેસાં! હલેસાં! ખલાસીઓ, ઝટ હલેસાં મારો! મા ઝૂરતી હશે!”

એક, બે, ત્રણ દી ગયા ત્યાં બંદરના બારામાં બાર વહાણ દાખલ! ઘરને આરે જ્યાં બાર બાર ઘંટડીઓ વાગતી સંભળાણી ત્યાં તો જનેતાએ રણકાર પારખ્યો.

એ મારો બેટડો આવ્યો! મારાં પેટ આવ્યાં! મારે સાત પેઠીઓ ઉજાળણહાર આવ્યો!

એવા હરખના ઉમળકા ઠાલવતી, ઠેબાં લેતી, પડતી આખડતી, બુઢ્ઢી જનેતા ઘાટને માથે દોડી. દીકરે માને માંડ માંડ ઓળખી.

“અ ર ર ર! માડી! આવા દેદાર! આ તને શું થયું?”

ડળક! ડળક! ડળક! માવડીની બેય આંખે ધારોડા હાલ્યા.

“દીકરા, આજે તને મોઢું શું દેખાડું? ઘરની લખમીને અમે રણવગડે…”

એટલું કહેતાં ગળે ડૂમો દેવાઈ ગયો.

“મા! મા! ફિકર નહિ. ભગવાને એનાં રખવાળાં કર્યાં છે.”

એમ કહીને, ઘાટ ઉપર પાટિયું નાખી, માતાને વહાણ પર લઈ લીધી. બારેય વહાણનાં મોઢાં ફેરવીને રાજનગરી માથે વહેતાં મૂક્યાં. ત્યાં તો ખૂંધાળી બહેન ઘાટે દેખાણી. ‘મને તેડાતો જા! મને તેડાતો જા!’ એવી ચીસેચીસ દેવા માંડી. માથાં પછાડ્યાં. દરિયામાં ખાબકી. એક મગરમચ્છ આવીને એને ગળી ગયો.

રાજનગરીમાં તો ધામધૂમનો પાર ન રહ્યો. ખાધું, પીધું ને રાજ કીધું.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ વાર્તા દાદાજીની વાતો માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!