હોળીના દિવસે અગનપથારી પર ઉઘાડા પગે ચાલવાની અદ્‌ભુત અને રોમાંચક કરતબોની રસપ્રદ વાતો

ગુજરાતના પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ, વડોદરા, ગાંધીનગર જિલ્લાના જુદા જુદા ગામોમાં હોળીના તહેવારે યોજાતા ચુલ મેળા અને તેમાં ધગધગતા અંગારા પર ચાલતા આસ્તિકોના અદ્‌ભુત અને રોમાંચક કરતબોની રસપ્રદ વાતો

ફાગણ એ શૃંગાર, મસ્તી અને ૠતુસૌંદર્યનો ભારતીય લોકઉત્સવ છે. ૠતુપરિવર્તનનો રંગોત્સવ એટલે હોળીનો તહેવાર. ફાગણ એ ૠતુસંધિનો મહિનો ગણાય છે. આ માસમાં શિશિર અને વસંતનું મિલન થાય છે. આપણા કૃષિપ્રધાન દેશમાં બે પાક લેવાય છે. એક હોળી પર અને બીજો દિવાળી પર. હોળી પ્રસંગે ખેતરો અને ખળાં નવા ધનધાન્યથી છલકાઈ ઉઠે છે. હોળીની સાથે ભક્ત પ્રહ્‌લાદ અને હોળિકાની પૌરાણિક કથા ભલે ગૂંથાઈ ગઈ હોય પણ હોળી એ ‘નવાન્નેષ્ટિ’ નામના પ્રાચીન યજ્ઞનું પરિવર્તિત સ્વરૂપ જ છે.

આર્યપ્રણાલિ અનુસાર સૃષ્ટિના સર્જક, પોષક અને રક્ષક દેવતાઓને અર્ઘ્ય આપ્યા વિના કોઈ વસ્તુ ઉપયોગમાં લેવાતી નથી. નવાન્નેષ્ટિ એટલે શેકેલા અનાજની અગ્નિમાં આહુતિ આપવી. સંસ્કૃતમાં શેકેલા અન્નને ‘હોલક’ અને હિન્દીમાં હોલી કહે છે. વિદ્વાનો માને છે કે હોળીનો યજ્ઞ નવા પાકના ધાન્યનો દેવોને બલિ આપવાના ઉદ્દેશથી કરવામાં આવે છે. વ્રતરાજમાં નોંધાયું છે કે, દુષ્ટોનો વિનાશ કરવા તથા સર્વ રોગોની શાંતિ કાજે ફાગણ સુદ પૂનમે બ્રાહ્મણો જે હવન કરે છે એ જ હોળી છે. ફાગણ સુદ પૂનમના રોજ ગામેગામ પ્રગટાવાતી હોળી માતાના લોકો દર્શન કરે છે. વરસ દરમ્યાન પરણેલા વરકન્યા હોળીની પ્રદક્ષિણા કરી તેમાં ધાણી, ખજૂર અને નાળિયેર હોમે છે. નવા જન્મેલા બાળકોનું આરોગ્ય જળવાય એને માટે હોળીના દર્શન કરાવવાનો રિવાજ સૌરાષ્ટ્રમાં આજે ય પ્રચલિત છે.

હોળીના દિવસે અનુભવીઓ પોતાની કોઠાસૂઝ પ્રમાણે વરસના વર્તારા કાઢે છે. જુવાનડાઓ હોળી ફરતા ઉભા રહી રામવળા અને દૂહાની રમઝટ બોલાવે છે. હોળી કૂદવાની શરતો બકે છે. કાઠિયાવાડના કારડિયા રાજપૂતો અને મેર જુવાનડાઓ આંબલી કાઢવાની અને અન્ય મર્દાનગીભરી રમતો રમે છે. આજે એની નહિ પણ ગુજરાતના પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ, વડોદરા, ગાંધીનગર જિલ્લાના જુદા જુદા ગામોમાં હોળીના તહેવારે યોજાતા ચુલ મેળા અને તેમાં ધગધગતા અંગારા પર ચાલતા આસ્તિકોના અદ્‌ભુત અને રોમાંચક કરતબોની રસપ્રદ વાતો માંડવી છે.

વર્ષો પૂર્વે પંચમહાલ જિલ્લાના પ્રવાસ દરમ્યાન જાણવા મળ્યું કે, અહીંના આદિવાસી વિસ્તારોમાં ઘૂળેટીના દિવસોમાં યોજાતા ચૂલના મેળાઓમાં ઝાલોદ તાલુકાના લીમડી ગામથી ચારેક કિ.મીટર દૂર આવેલા ટાંડીરણિયાર નામના ગામમાં રણછોડરાયજીના મંદિરના પરિસરમાં અનેક વર્ષોથી ચૂલમેળો યોજાય છે. આ મેળામાં ગાલિયાકોટ, વાંસવાડા, ડુંગરપુર, સંતરામપુર, લુણાવાડા, દાહોદ, ગરબાડા, ઝાલોદ, અનાસ, થાંદલા, કુશળગઢ વગેરે વિસ્તારોમાંથી માનવ મહેરામણ ઉમટી પડે છે. તેમાં દુઃખ દર્દથી છૂટકારો મેળવવા માટે ચૂલમાં ચાલવાની બાધા રાખનારા આસ્તિકો બાધા છોડવા માટે મેળામાં શ્રદ્ધાપૂર્વક આવે છે. હોળી-ઘૂળેટીનો દિવસ આવતાં સમગ્ર વિસ્તાર ઉત્સવઘેલો બની જાય છે.

પ્રાચીન પરંપરાથી યોજાતા આવેલા આ મેળામાં બે પ્રકારની ચૂલની રચના કરવામાં આવે છે. એક ઠંડી ચૂલ જેમાં પાણીનો અભિષેક કરવામાં આવે છે. બીજી અંગારા ચૂલ હોય છે જેમાં સૂકા લાકડાના ખોડસાં ભરીને તેને સળગાવી અંગારા પાડવામાં આવે છે. તેમાં ઘી હોમી એને પ્રદીપ્ત કરી તેના પર બાધા રાખનારે ચાલવાનું હોય છે. આ બેમાંથી કોઈ પણ ચૂલમાં બાધા રાખી હોય તે મુજબ ચાલી શકાય છે.

ચૂલ પ્રસંગે ભગવાન મંદિરના પ્રાંગણમાં ધજા રોપવામાં આવે છે. બાજુમાં ખુરશી જેવું આસન મૂકી તેના પર રણછોડરાયની છબી પધરાવી ઘૂપ-દીપ કરી તેની બાજુમાં પાંચેક ફૂટ લાંબી અને બેથી અઢી ફૂટ પહોળી ચૂલ ગાળી તેમાં સૂકા લાકડા નાખી તેને સળગાવીને ધગધગતા અંગારાથી ભરી દેવામાં આવે છે. ત્યારબાદ મંદિરની બાજુમાં આવેલા ગોબરિયા તળાવમાં બાધા રાખનાર આસ્તિક સ્નાન કરી ભીના કપડે હાથમાં પાણીનો લોટો અને શ્રીફળ લઈને શ્રદ્ધાપૂર્વક ઉઘાડા પગે બિન્ધાસ્ત ચાલે છે. સૌ પ્રથમ મંદિરના પૂજારી મહારાજ ચાલે ત્યાર પછી એમના પગલે પગલે બાધા રાખનાર સ્ત્રી-પુરુષો ચાલે છે. આ દ્રશ્ય જોનાર કાચાપોચા માનવીના રૂંવાડા ખડા થઈ જાય છે.

ખેડા જિલ્લામાં નડિયાદ નજીક આવેલા પલાણા ગામમાં હોળીના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે હોળીના અંગારા ઉપર આબાલવૃદ્ધ ઉઘાડા પગે ચાલે છે. આ માટે સમી સાંજના ગામના ચોકમાં ઢોલ ઢબૂકે છે ત્યાં સૌ ભેગા થઈને ગામના પાદરે હોળી પ્રગટાવી હોય તે સ્થાને જાય છે. હોળીના અંગારા પાથરી તેના ઉપર લોકો શ્રદ્ધાપૂર્વક ચાલે છે, તેમ છતાં કોઈના પગ દાઝી ગયા હોય કે દવાખાને લઈ જવા પડ્યા હોય તેવી કોઈ ઘટના નોંધાઈ નથી.

આવો જ બીજો ચૂલ મેળો આદિવાસી વિસ્તારમાં નાંદોદ તાલુકાના કલીમકવાણા અને આમદલા ગામે ઘૂળેટીના દિવસે યોજાય છે. આદિવાસીઓ પોતાની બાધા- માનતા પૂરી કરવા માટે વર્ષોથી અહીં આવે છે. અહીંના કૂવામાંથી પાણી સીંચી સ્નાન કરી બાજુમાં આવેલા મંદિરમાં હનુમાનનું પૂજન કરી શ્રીફળ વધેરી ચૂલ માતાની પૂજા કરી બાધાવાળા બાળકના ગળામાં ફૂલહાર પહેરાવીને તેને ખભા ઉપર તેડીને ચૂલની અગનપથારી પર ચાલીને બાધા ઉતારે છે. શ્રદ્ધાપૂર્વક સડસડાટ ચાલતા આદિવાસીઓને ઊની આંચ સરખી આવતી નથી. આને આત્મશ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા ડોક્ટરો પણ અચંબામાં પડી જાય છે. વિજ્ઞાનીઓ એનું રહસ્ય શોધવા મથામણ કરે છે.

હોળી પર અગનપથારી પર ચાલવાની પ્રથા બોરસદ તાલુકાના જંત્રાલ ગામમાં પણ જોવા મળે છે. અહીં હોળીનો ઉત્સવ વિશિષ્ટ રીતે ઉજવાય છે. હોળીની સાંજે ગામના મંદિરની ભાગોળે લોકો હોળીના દર્શને આવે છે. હોળી પ્રગટાવતા પૂર્વે આગેવાનો ગામમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યની સુખાકારી માટે પૂજા- અર્ચના કરે છે, પછીથી હોળી પ્રગટાવે છે. તેની પ્રદક્ષિણા કરે છે. પછી હોળીના અંગારા પાથરી શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે નિર્ભયતાથી તેના ઉપર ચાલે છે. અહીંની એક પ્રચલિત લોકમાન્યતા મુજબ હોળીના આગળના દિવસે ખીલયા મામાની સ્મૃતિને તાજી રાખવા માટે જંત્રાલ ગામમાં ‘ગોર’ની ઉજાણી કરવામાં આવે છે. ગોરના ઉત્સવ દરમિયાન રાત્રિની વેળાએ ખીલયામામાને પ્રસાદ ધરાવવામાં આવે છે. હોળીના દિવસે બાધાવાળા લોકો હોળીના અંગારા પર આત્મવિશ્વાસપૂર્વક ચાલે છે.

બહુ દૂર ન જઈએ તો પણ ગાંધીનગર પાસે આવેલા પાલજ ગામમાં પણ હોળી પ્રસંગે સળગતા અંગારા પર ચાલવાની પરંપરા જોવા મળે છે. અહીં હોળીની ઉજવણીમાં હિન્દુ- મુસ્લિમો સહિત દરેક ધર્મના લોકો જોડાય છે. બાધા- માનતાવાળાને અંગારા પર ઉઘાડા પગે ચાલતા જોઈને આત્મબળવાળા જુવાનો પણ આગ ઉપર ચાલવાના અખતરા કરે છે. ગામલોકો કહે છે કે અમારા બાપદાદાવારીથી આ પરંપરા ચાલી આવી છે.

ઉત્તર ગુજરાતમાં પ્રાંતીજ પાસેના મજરા ગામે અને ખેડબ્રહ્માના આગિયા ગામે હોળી પ્રસંગે સળગતા અંગારા પર ચાલવાની પરંપરા આજે ય જોવા મળે છે. ગામલોકો ધગધગતા અંગારા ઉપર ચાલીને પોતાની મનોકામનાઓ પૂરી કરે છે. આ રોમાંચક પરંપરા ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ જોવા મળે છે. જેસલમેર (રાજસ્થાન)ના રણમહોત્સવ વેળાએ આગ પર ચાલવાની પરંપરાને મેં પ્રત્યક્ષ રીતે જોઈ મારું હૃદય તો ઘડીભર થડકારો લેવાનું ય ચૂકી ગયું હતું. જેસલમેરથી ત્રીસેક કિ.મી. દૂર, પાકિસ્તાનની સરહદને અડીને આવેલા રણમાં રેતીના મોટા મોટા ઢુવાઓ ઉપર આ ઉત્સવનું આયોજન ટુરિઝમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં ખુલ્લા રંગમંચ પર રાજસ્થાનના ગીત, સંગીત અને નૃત્યના કલાકારો પોતાના કાર્યક્રમની પ્રસ્તુતિ કરી રહ્યા હતા. તેની જમણી તરફ સફેદ વસ્ત્રો ધારણ કરેલા બારેક જણ ઢુંગલે વળીને બેઠા બેઠા વાજિંત્રો સાથે ભજનો લલકારતા હતા. તેમની સામે લાકડાનો મોટો ગંજ ખડકાયેલો તે સળગતો હતો.

ત્રણેક કલાકે ગીત, સંગીત અને નૃત્યની રમઝટ પૂરી થઈ. સામે લાકડાનો ઢગલો સળગીને અંગારા થઈ ગયો. ભજનોની બઘડાટી બોલવા માંડી. સામે બેઠેલા ગાનાર- વગાડનાર ગાયકો અને સાજિંદાઓમાંથી એક એક જણ ઉભા થઈને સળગતા અંગારા પર વારાફરતી ઉઘાડા પગે ચાલવા લાગ્યા. ચાલનારાઓએ ઝભ્ભા અને મલમલના ધોતિયા પહેર્યા હતા. અંગારાની ઝાળ જરીક અડે તો સળગી ઉઠે. તેઓ અંગારા પર ઉભા રહેતા, ગોળ ચકરડીઓ ફરીને નીકળી જતા. પગથી અંગારા ઉડાડતા ઉડાડતા, બહાર આવી જતા. ઘડીભર તો દર્શકોના શ્વાસ પણ થંભી જતા. વિદેશી પર્યટકો તો બોલી ઉઠતા ઃ ‘હાઉ ઇટ પોશીબલ ? મરેકલ… મિરેકલ’ આ આગનૃત્ય એક કલાક સુધી ચાલ્યું. આગ પર ચાલનારા ત્યાં બેઠેલ તેમના ગુરુના આશીર્વાદ લઈને પછી આગ ઉપર શ્રદ્ધાપૂર્વક ચાલતા. કહેવાય છે કે આ સંપ્રદાયની ભક્તિ તેમના ભક્તોને આ શક્તિ આપતી. રાજસ્થાનની પ્રજા એને ચમત્કાર જ માને છે. આગ પર ચાલવાની પરંપરા ભારત ઉપરાંત શ્રીલંકા, બર્મા, જાપાન તેમજ દ. આફ્રિકામાં પણ જોવા મળે છે.

એક વાત નક્કી છે કે અંગારા પર ચાલવાની પરંપરા ધર્મ કે ધાર્મિક શ્રદ્ધા સાથે જોડાયેલી છે. પછી એ ધર્મ હિંદુ હોય કે મુસ્લિમ. ડો. કાઝીમ કે. મોમીન નોંધે છે કે આજથી ૧૩૫૦ વર્ષ પૂર્વે કરબલાની ધરતી ઉપર હુસેનની મદદ માટે નહીં પહોંચી શકનાર આજની પ્રજા આગ ઉપર ચાલીને જાણે કહે છે કે હે હુસેન, જો એ તારા વખતમાં તારી સાથે હોત તો આ રીતે તારા એક ઇશારાએ આગમાં કૂદી પડતે.

અંગારા ઉપર ચાલવાની આ પ્રક્રિયાને ‘ખંદક’ કહેવામાં આવે છે. ખંદકની જન્મભૂમિ ગમે હુસૈનના પાટનગર લખનૌથી થઈ હતી. ખંદક હઝરત હુસૈનના નાનાભાઈ અને એમના લશ્કરના સરસેનાપતિ અને એ વખતના અરબસ્તાનના સૌથી શૂરવીર એવા હઝરત અબ્બાસની યાદમાં મનાવવામાં આવે છે. અબ્બાસની જવાંમર્દી, જાનફેસાની અને કુરબાનીની યાદમાં મહોર્રમની ૭મી તારીખને અબ્બાસના દિવસ તરીકે મનાવવામાં આવે છે.

ખંદક પ્રસંગે સવારે સૂર્યોદય થતાં જ કુરાઆનની આયતો (શ્વ્લોકો)ના પ્રચંડ ઘ્વનિ વચ્ચે ચૌદ ફૂટ લાંબા, પાંચ ફૂટ પહોળા અને દોઢ ફૂટ ઊંડા ખાડામાં લાકડાના ઢગલાને ચોખ્ખા ઘી વડે પ્રગટાવવામાં આવે છે. દિવસ દરમ્યાન એકસો પચીસ મણ જેટલા લાકડા અને સવા મણ જેટલું શુદ્ધ ઘી વપરાય છે. પુરાણા વખતમાં સુખડના લાકડા વપરાતા એવું જંગી ખર્ચ કરનારા ય હતા. અમદાવાદમાં વટવામાં અને પાલનપુરના કાણોદર ગામમાં ખંદક થાય છે. વટવામાં વસતી ગરીબ છે અને આ ગરીબ ગુરબાઓ વર્ષભર પોતાની કમાણીમાંથી ચાર ચાર આના બચાવી ખંદક હુસેનમાં ચંદો આપે છે.

પ્રેમની અર્પણ વિધિમાંથી તૈયાર થયેલા ખંદકના અંગારાઓ પર ચાલવા માટે રાત્રિની નમાઝ પછી દુલ્હાઓ તૈયાર કરવામાં આવે છે. દુલ્હાઓની સંખ્યા ૧૧થી ૨૧ જેટલી હોય છે. દુલ્હા બનવા માટે પડાપડી થાય છે. દુલ્હા એટલે એવી વ્યક્તિઓ જેમને અંગારા પર ચાલવા માટે પ્રથમ હક્ક આપવામાં આવે છે. સ્નાનાદિ પતાવી, નમાઝ પઢી એમના શરીર ઉપર લીલા રંગનું મખમલનું કપડું પહેરાવવામાં આવે છે. આ કફન કફની પહેરીને એ લોકો કહે છે કે અમે આ કેશરિયા કર્યા છે. તેઓ હાથમાં અબ્બાસે અલમદારનો અલમ (ધજા) અને હોઠો પર હુસૈનના નામ સાથે મંથર ગતિએ ગુલાબના ગોટા પર ચાલતા હોય એમ સળગતા અંગારાઓ પર ચાલે છે. ચારે તરફથી યા હુસેન યા અબુલ ફઝલીલ આબાસના નામના નારાઓ બુલંદ થાય છે. રડારોળ, ચીસો અને રદનના પડઘા આકાશને આંબી જાય છે એ પછી આબાલવૃદ્ધ, અભણ ને ભણેલા, ગરીબ અને તવંગર, શેઠ અને નોકર બધા એક પછી એક યાદે અબ્બાસમાં અંગારા પર ચાલે છે. આમ ૩૦૦થી ૫૦૦ માણસો શ્રદ્ધાપૂર્વક પસાર થઈ જાય છે. આ પવિત્ર અંગારા પછી દૂધથી ઓલવી નાખી નદીમાં પધરાવવામાં આવે છે. આગ ઉપર ચાલવું એ શ્રદ્ધા છે ? ચમત્કાર છે ? વિજ્ઞાન શું કહે છે એની આશ્ચર્યભરી વાતો હવે પછીના લેખ માં જોશું.

(તસવીર- જી. એચ. માસ્ટર)
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!