ફરજપાલન!

રોજના હજારો યાત્રાળુઓને છલકાવતું ખમતીધર તીર્થધામ દ્વારકા, તે દી’ એની સમતા અને શાંતિ ખોઇને હાલકડોલક થઇ ઊઠ્યું’તું… વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તે દી’ દ્વારકાધીશનાં દર્શને ખુદ આવતા હતા અને દ્વારકા પાછું એના તાબામાં હતું. ભગવાન રણછોડરાય પછી સયાજીરાવની આણ વર્તાતી હતી, આ તીર્થનગરી ઉપર…! વડોદરાના મહારાજાની મુલકાત એટલે અંગરક્ષકોથી માંડીને સચિવો, સૂબાઓ, સેનાપતિઓ, અમલદારો અને ખાખી વરદીનો આખો દરિયો ઊમટ્યો હતો.

મહારાજા સયાજીરાવ ગોમતીસ્નાન કરીને મંદિરે પધારી શકે એ માટે ગોમતીઘાટનો દરવાજો ખુલ્લો મુકાયો હતો. દરવાજે બે સંત્રીઓ ભરી બંદૂકે એની રોજની ફરજ મુજબ સતર્ક થઇને ઊભા હતા… આ બે પઠાણ સંત્રીઓ દિલ-દિમાગથી ઊકળી રહ્યા હતા… આજના યાત્રાળુઓના દિલમાં મંદિર તરફનો પૂજયભાવ ઓછો અને તુમાખી વધારે દેખાતાં હતાં…! મંદિર અને ભગવાન તરફનો આ અનાદર આ ચોકિયાતોથી સહન થતો નહતો. છતાં એનો રોટલો પોતે ખાતા હતા! એની આત્મપીડા પણ એના ચહેરા ઉપર ટપકવા લાગી હતી… નાની પાયરીના પોતે નોકરિયાત એટલે જબાન તો કેમ ખોલાય? પણ આમને સામને બેઉંનાં ભવાં તંગ થયાં… હરક્ત બરદાસ્ત થતી નહોતી છતાં જબાન ખોલાય એમ નહોતી…! બંનેએ આંખો વડે સંવાદ આદર્યો.

મહારાજા સયાજીરાવ દરવાજે પ્રવેશ્યા અને પગથિયાં ચડવા લાગ્યા. રાજનો કાફલો આગળ વીંટળાઇને કોલાહલ સાથે ઉપર આવવા લાગ્યો…પ્રવેશદ્વારના છેલ્લે પગથિયે સયાજીરાવ પહોંચી ગયા અને એ જ વેળા બંને સંત્રીઓએ બેરોનેટવાળી રાઇફલો, ચોકડી આકારે ગોઠવીને પ્રવેશ બંધ કરી દીધો: ‘માફ કરે સરકાર! આપ મંદિર મેં નહીં જા સકતે…’‘શું?’ સયાજીરાવનાં નેણ નીચેથી ધારદાર નજર આ સંત્રીઓ પર વીજળીની જેમ પડી…હોઠ ખૂલું ખૂલું થયા, પરંતુ વળતી પળે જ રાજવીમાં હોવી જોઇતી ખામોશી એણે ધરી લીધી.

સાવ નાના માણસો સામે જબાન ખોલવામાં રાજવીની શાન અને શોભા જોખમાતાં હતાં. સત્તાનો ડોલી ઊઠેલો ડુંગર વળી પાછો સ્થિર બન્યો! સયાજીરાવે હોઠ બંધ કર્યા. પળ રહીને પોતાના એ.ડી.સી. સામે સૂચક આંખ માંડી. એ.ડી.સી.એ સૂબા સામે કરડી આંખ માંડી તો સૂબાએ વહીવટદાર સામે જવાળાઓ છોડી…! ‘કોણ છે એ બદમાશો?’ વહીવટદારનો અવાજ ભડકો થયો… ‘બુદ્ધિ તો એ મૂખૉઓને નથી પણ કાન અને આંખ પણ એણે ગુમાવ્યાં છે? વડોદરાના મહારાજા સયાજીરાવ દ્વારકાધીશના દર્શને આવ્યા છે એ વાત આખું દ્વારકા જાણે છે અને આ બુદ્ધુઓ અજાણ છે?’‘એને ફાંસીએ લટકાવી દો…!’

ગાયકવાડી અમલદારોની જબાનો વેણ-કવેણની ધાણી ફોડી ઊઠી… રાજવી સયાજીરાવ હવે તો ક્રોધ વીસરીને, પેચીદો આ મામલો પોતાના કર્મચારીઓ કઇ રીતે સુલઝાવે છે એના કુતૂહલે મૌન થઇ ગયા… કોની અણઆવડત ક્યાં છે એનાં મૂળ દેખાવાનાં હતાં…! ‘જોઇએ શું થાય છે?’‘લ્યા પહેરેગીરો…!’ વહીવટદાર પેલાની દાઢીસો સુધી આગબબૂલો થઇને ધસી ગયો: ‘તમારી અક્કલ ક્યાં ગઇ? તમને ખબર નથી? હેં? બોલો!’ ‘માલૂમ હૈ સરકાર.’ પઠાણો કશાય ગભરાટ વગર બોલી ગયા…‘તો પછી રસ્તામાંથી હટી જાઓ… મહારાજાને મંદિરમાં જવાનું છે…’‘વો બાત નહીં બનેગી… સા’બ!’‘હેં? શું કીધું? નહીં બને? હજી પણ?’‘હા નહીં બને! બાપુકો હમ અંદર નહીં જાને દેંગે. મંદિર કી રક્ષા કી સભી સત્તા હમારે ખંધે પર હૈ…’

રાજવી સયાજીરાવને હવે આમાં કશીક ગરબડ મહેસૂસ થઇ રહી હતી અને અંદરથી પોતે રાજી પણ થતા હતા. ક્યાંક કશી, કોઇથી ગલતી જરૂર થઇ છે…‘બોલ દો, ક્યા કરના હૈ?’ વહીવટદાર ફરીથી ગજર્યો… દરવાનોએ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર મંદિરના દરવાજાની દીવાલ પર લખેલ સૂચના તરફ આંગળી ચિંધી લીધી. દીવાલે લખ્યું હતું: ‘બૂટ-ચંપલ ઉતારીને જ મંદિરમાં પ્રવેશ કરવો…’ રાજવી સયાજીરાવે ડોક લંબાવીને સૌપ્રથમ એ સૂચના વાંચી અને વાંચતાંવેંત પોતાના બૂટની દોરીઓ છોડવા નીચે નમ્યા… વાતનો સ્વીકાર થયો એ જોઇને રાજવીના પાસવાનો દોડી આવ્યા… મહારાજાની બૂટની દોરીઓ એણે છોડી નાંખી… ખુલ્લા પગે રાજવીએ પ્રથમ ડગલું આગળ મૂકર્યું ત્યારે પેલા ચોકીદારોએ બેરાનેટવાળી રાઇફલો હટાવી લીધી… અને અદબ સાથે સલામ ભરી! અને સેંકડો અમલદારો બૂટની દોરીઓ છોડીને અડવાણા પગે મંદિરમાં પ્રવેશ્યા…

સયાજીરાવે સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે દ્વારકાધીશનાં દર્શન કર્યા… રાજાના આ રાજાનું સન્માન જળવાયું એની ખુશાલી ગાયકવાડના આ હાકેમના અંતરે ટાઢક થઇને છવાઇ ગઇ હતી, પરંતુ સંત્રીઓની બે અદબીએ પોતાની સત્તાના આજ લીરા ઉડાડ્યા હતા, એની જવાળાઓમાં દ્વારકાનો વહીવટદાર ભડભડ સળગતો હતો… એને તો ભગવાન દ્વારકાધીશને બદલે નાચીજ આ બે દરવાનો જ દેખાયા કર્યા… પણ પોતે અત્યારે લાચાર હતો કેમ કે જે કાયદાથી પોતે આવા નોકરોને હલાલ કરી શકતો હતો… એ કાયદો આજ ગાયકવાડ સરકારના હાથમાં હતો… અને એ હાથ ખુદ હાજર હતા!

મંદિરમાં દર્શનદાન કરીને સયાજીરાવ પોતાને ઉતારે પહોંચ્યા… ત્યારે અમલદારોની ગરમ થયેલી ખોપરીઓ પેલા નાચીજોની ક્યારે હકાલપટ્ટી થાય અને ક્યારે એના હાથમાં હાથકડીઓ પડે, એવા હુકમની રાહે ફાટફાટ થતી હતી…સાંજ ઢળી જતાં સયાજીરાવ તરફથી કશો જ પ્રતિભાવ ન સંભળાયો… છેવટે કોઇએ યાદ અપાવ્યું ત્યારે રાજવીએ જાણવા ચાહ્યું કે એ સંત્રીઓની પાળી ક્યારે પૂરી થાય છે? એની ફરજ પૂરી થાય કે તુરત એ બંનેને તાકીદથી અહીં હાજર કરો…’ સયાજીરાવ બોલ્યા… અને સૌનાં સળગતાં હૈયામાં ‘હાશ’ની ટાઢક થઇ!સાંજ ઢળી ગઇ…

પેલા સંત્રીઓની પાળી પૂરી થઇ અને રાજવીની સૂચના મળી કે ઉતારે હાજર થાય. બંને સંત્રીઓ અદબભેર સયાજીરાવ સામે ઊભા રહ્યા. મહારાજાએ વેધક નજરથી પ્રથમ બંનેને જોયા પણ બંનેની આંખમાં ફરજપાલનનો વિશ્વાસ ચમકતો હતો…! ‘શું નામ તમારું જમાદાર?’ સયાજીરાવે પહેલા નંબરને પૂછ્યું…‘મારું નામ અકબર ખાં બાપુ!’ ‘અને તમારું?’ બીજાને પણ એ જ પ્રશ્ન. ‘છોટે ખાં’ મહારાજાએ ઇશારાથી દીવાનને બોલાવ્યા. બંનેની જાણે કતલ થવાની ઘડીઓ હવે સૌ ગણતા હતા. ‘નોકરી તો ગઇ જ પણ દ્વારકાથી જ કાળા પાણી ભેગા થશે બુડથલો! ભારે કામ થાશે…!’ ‘આ બંને સંત્રીઓને પાંચસો-પાંચસો રૂપિયા ઇનામ આપો…’ સરકારના હોઠ ખૂલ્યા. ‘જી?’ દીવાન અચંબાયા.‘ અમલ કરો…’

સયાજીરાવના હોઠ ફરક્યા. ‘અને સાંભળો… સૂબાને અને વહીવટદારને બે વર્ષ માટે નીચી પાયરીએ ઉતારી દો…’ આખા કાફલાના માથાનું માપ લઇને સૌની માથે સાગમટે જાણે વીજળી પડી! ફાટી રહેલી આંખો જાણે સયાજીરાવને પૂછતી હતી કે ‘શા માટે બાપુ?’ ‘દ્વારકાધીશના મંદિરની દીવાલે રીતસર સૂચના લખી છે કે ‘બૂટ ચંપલ ઊતારીને મંદિરમાં જવું.’ આ વાત આપણા બંને અમલદારો નહોતા જાણતા? જો હા હોય તો એ લોકો એની ગફલત માટે નોકરીને લાયક નથી પણ એવી આકરી શિક્ષા આ ધર્મસ્થાનમાં હું નથી કરતો, માટે એને નીચી પાયરીએ ઉતારી દો…’

‘નામદાર…!’ કોઇકના હોઠ થથર્યા પણ સયાજીરાવની ક્રોધભરી નજર એ બાજુ દોડી ગઇ અને પેલા હોઠ સિવાઇ ગયા! ‘અમલદારોએ સૂચનાની વાત મને કેમ કરી નહીં?’ તપતા અવાજે રાજવી બોલ્યા: ‘નિયમ જેટલો પ્રજા માટે છે એટલો જ રાજા માટે પણ છે… હું ચોકીદારોને ધન્યવાદ આપું છું કે એના રોટલાના ભોગે પણ એમણે ભગવાન દ્વારકાધીશનું સન્માન સાચવી જાણ્યું છે… આપણે આપણી હાકેમી લઇને ભગવાનનાં દર્શને આવ્યા’તા? જેના પ્રતાપે અને કૃપાએ મને રાજા બનાવ્યો છે એ રાજાનાં દર્શન સમયે હું ચામડાના બૂટ પહેરીને એની બેઅદબી કરું?’ અને શ્વાસ ખાળીને ઉમેર્યું: ‘મારા આદેશનો અમલ કરો…!’

તે દિવસે આખી દ્વારકાનગરીને ખબર પડી કે આપણા રાજા રણછોડનું માન આપણા રાજા પણ આપણા જેટલું જ જાળવે છે, અરે કદાચ આપણાથી બેચાર દોરા વધ્યા છે…વડોદરા જેવી જબરી રિયાસતના તાજ એવા સયાજીરાવે જગતમંદિર, ગોમતીઘાટ અને ગોમતીના જળનું જે આદરથી ભક્તિથી સન્માન કર્યું એનો રાજીપો દ્વારકાની પ્રજાને તો હતો પણ રણછોડરાયના મંદિર શિખરે લહેરાતી બાવન ગજની ધજામાંથી પણ હરખનાં જાણે લહેરખડાં લહેરાતાં હતાં…

(નોંધ: વળતા દિવસે મહારાજા સયાજીરાવે જ્યારે શારદાપીઠમાં શંકરાચાર્યનાં દર્શને ગયા અને પૂછ્યું કે ‘મારા જેવી કોઇ સેવા ફરમાવો’ ત્યારે જગતગુરુએ હસીને પેલી વાતનો ઇશારો કર્યો. ‘રાજન! આપ જ્યારે ધર્મક્ષેત્રમાં પધાર્યા છો ત્યારે આપને હાથે સર્વદા સૌનું કલ્યાણ થવું જોઇએ. પેલા અમલદારોની સજા માફ કરો…’ અને શંકરાચાર્યની આજ્ઞા શિરે ધરીને સયાજીરાવે પેલા બંનેની નીચી પાયરીની સજા રદ કરી…)

તોરણ – નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!