સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું. તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું; એનો વંશ ગયો. આ બીજા ભાઈને મારનાર પણ લાખો ખાચર હતો એમ બોલાય છે.
ઉબરડાની ચોકીદારી પણ કરપડા જ કરતા હતા. ફકીરા કરપડાની અવસ્થા પાકી હતી. એના હાથમાં હવે તો તરવાર ધ્રૂજતી હતી. પણ લાખો ખાચર ઉબરડાનો ગરાસ ભોગવે, તે પહેલાં તો મારે મરી ખૂટવું, એવી એની પ્રતિજ્ઞા હતી. બગડ ગામમાંથી ખાચરોનો એક દીકરો લાવીને એણે ઉબરડાની ગાદી પર બેસાડ્યો. એનું નામ વેળો ખાચર.
એક દિવસ ફકીરો કરપડો ઘેર નથી. મૂળુ ખાચર અને લાખો ખાચર ઉબરડે ચડી આવ્યા. કરપડાની બાઈઓને હરણ કરી છોબારી ગામે ઉપાડી ગયા. પણ મૂળુ ખાચર પવિત્ર હતા. બાઈઓને એમણે બહેનો કરીને રાખી.
મૂળુ ખાચર નહોતા ત્યારે કરપડાઓ પણ ધ્રાંગધ્રા રાજની મદદ લઈને છોબારી આવ્યા. આવીને પોતાની બાઈઓને હાથ કરી. માણસો ફકીરાને કહે: “મૂળુ ખાચરનાં ઘરનાંને લઈને આપણે આપણું વેર વાળીએ.”
ફકીરાએ જવાબ દીધો: “બાપ! વહુનાં આણાં હોય પણ કાંઈ માનાં આણાં હોય? મૂળુ ખાચરના ઘરમાં આઈ છે, તે આપણી મા કહેવાય.”
ભાઈઓને ઘેર પહોંચાડ્યા પછી ફકીરો કરપડો રાજસાહેબનાં માણસો સાથે ભટકતો હતો. મચ્છુ નદીને કિનારે એ બધા ચાલતા હતા. ત્યાં તો સામે કાંઠે ખાચર ભાઈઓનું કટક ઊભેલું દેખ્યું. દેખીને ફકીરાએ પોતાનાં અને રાજસાહેબનાં તમામ માણસોને પાછાં વાળી દીધાં. “બીજા સહુ બચે એટલા માટે હું એકલો આખા કટકને રોકીશ. મને મારવામાં બધા રોકાઈ જશે. હું હવે જિંદગી જીવી ચૂક્યો છું; મને મરવા દ્યો, તમે આપણા ધણીને સંભાળો”, એમ કહીને એણે પોતાના વંશના જુવાનોને ઉબરડાનો માર્ગ પકડાવ્યો અને પછી નદીને કાંઠે કાંઠે એણે ઘોડી દોડાવી. વચ્ચે ઓરિયાનો બાંધેલ ઊંચો ધોરિયો આવ્યો, તે વટાવ્યો. પણ બીજે જ ડગલે એક ભગદાળું આવ્યું; તેમાં પડતાં ઘોડીનો પગ ભાંગ્યો. બચવાની બારી રહી નહિ, કેમ કે સામે કાંઠે પણ શત્રુઓનું કટક દોડતું આવે છે.
તરવાર કાઢીને ફકીરો એકલો ઊભો રહ્યો. સામે કાંઠેથી એ એકલવાયા સ્વામીભક્ત વીરને મૂળુ ખાચર ધારી ધારીને નિહાળી રહ્યા. ફકીરાની ધોળી ધોળી દાઢીમૂછ પવનના ઝપાટામાં ફરકતી હતી; આથમતા સૂરજનાં કિરણ એની તરવાર ઉપર રાસ રમતાં હતાં; નદીનાં પાણી એ બુઢ્ઢા મોઢા ઉપર ઝળાંઝળાં થતાં હતાં; અને ફકીરો પડકારતો હતો: “હાલ્યા આવો, મૂળુ ખાચર, હાલ્યા આવો.”
મૂળુ ખાચરે પોતાની ફોજને કહ્યું: “ખબરદાર, એની ઉપર બંદૂક છોડશો મા. ઊભા ઊભા એનાં દર્શન કરો. આવું રૂપ ફરી કે’દી દેખવાના હતા! વાહ વીર, વાહ! રંગ છે તારી જનેતાને.”
પણ એવું દર્શન કરવા માટે લાખા ખાચરની પાસે આંખો નહોતી. એની નજરમાં તો ઉબરડાની કાળી કાળી રસાળી જમીન રમતી હતી. એણે પોતાના માણસને ઇશારો કર્યો, ગોળી છૂટી: હ મ મ મ: ફકીરો ઢળી પડ્યો.
જખમમાંથી ખળળળ ખળળળ લોહીનો ધોરિયો છૂટ્યો છે, ફકીરાના શ્વાસ તૂટવા મંડ્યા છે. પણ છેલ્લી ઘડીએ એ શું કરતો હતો? પોતાની પછેડીની ફાંટમાં ધરતીની ધૂળ ભેગી કરતો હતો.
સામે કાંઠેથી સ્વર આવ્યો: “ફકીરા કરપડા! મરતી વખતે ચાળો ઊપડ્યો કે શું?”
આ કાંઠેથી જવાબ ઊઠ્યો: “ના, બાપ! આ તો મારા ધણીની ધરતીને મરતો મરતોય બાંધી જાઉં છું. ત્યાં જઈને કહીશ કે મારા ધણી! મરતાં મરતાંયે તારી જમીન લીધી છે, દીધી નથી.”
લીધી પણ દીધી નહિ, ધણિયુંવાળી ધરા,
કીધી કરપડા, ફતેહ આંગત ફકીરિયા!
ફકીરાના રામ ઊડી ગયા. મૂળુ ખાચરે એના પગ પાસે બેસીને આંસુ પાડ્યાં. એણે પ્રતિજ્ઞા લીધી કે ઉબરડાની ચપટી માટી પણ મારે હવે ન ખપે.
ફકીરા કરપડાની ખાંભી અત્યારે મચ્છુને કાંઠે મોજૂદ છે..
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– એક તેતરને કારણે – સૌરાષ્ટ્રની રસધાર
– આહીર યુગલના કોલ – સૌરાષ્ટ્રની રસધાર
– સાંઈ નેહડી – સૌરાષ્ટ્રની રસધાર
– સિંહનું દાન – સૌરાષ્ટ્રની રસધાર
– દુશ્મનોની ખાનદાની – સૌરાષ્ટ્રની રસધાર
– આનું નામ તે ધણી- સૌરાષ્ટ્રની રસધાર
– એક અબળાને કારણે – સૌરાષ્ટ્રની રસધાર
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો