બગદાણાનું નામ બોલાય કે બાપુ બજરંગદાસ માનસ ઉપર સાક્ષાત્ થાય. બગદાણા ગામ નસીબદાર કે એક સંતના કારણે દેશ-વિદેશમાં છવાઈ ગયું. બજરંગદાસ બાપુએ પોતાના ચમત્કાર વિશે સપનામાં પણ વિચારેલું નહીં. ચમત્કારોને અઢાર ગાઉ આધા રાખે. છતાં કોઈ ચમત્કારની વાત બંધબેસતી કરે તો બટન વગરની બંડી નીચે આવેલી ગોળા જેવી ફાંદ ખળભળી જાય ત્યાં સુધી હસે.
બાપાના તો ધૂળમાં ધામાં, નહીં સ્નાન, ધ્યાન, નહીં સુખડ ચંદનનાં તિલક, નહીં માળા કે નહીં આરતી વંદના, દાઢી, જટા, ચીપિયા, તૂંબડાં કશુંય નહીં. પોતે ચમત્કારી સંત છે એવું દેખાવા પણ ન દે. ચમત્કારની વાતોને ઢબુરવા માટે બેસતા-ઊઠતા માણસો સાથે રોજ ગંજીફાનાં પાનાથી હુકમ રમે. લોકશાળાના વિદ્યાર્થીઓ સાથે મોઈ દાંડિયો પણ રમે. આઠેય પહોર લોકો અને લોકજીવન સાથે ઓતપ્રોત. છતાં લોકસમૂહ બાપાને ચમત્કારી સંત માને! બાપાની અનિચ્છા છતાં બાધા-માનતાઓ રાખેે! બાપા હસી દે. ‘વાલા! જુઓ તો’ આપણને ખબર નથી છતાં શ્વાસ ચાલે છે, છાતીમાં હૃદય ધબકે છે. આ ચમત્કાર નથી !
એક દિવસ મહુવા બાજુથી આઠેક જેટલી મહિલાઓ એક છોકરીને લઈને બાપાના આશ્રમે આવી. બાપા પાસે થોડાક ગામલોકો પણ બેઠા હતા. ‘બાપુ કીરપા કરો’ ટોળામાંથી એક બાઈએ સાડલાનો છેડો બાપુ આગળ પાથરીને હાથ જોડયા. ‘ક્યાંથી આવો છો?’ ‘મહુવાથી બાપુ’ બાઈ બોલી. ‘અમે એક દુખિયારી, અભાગણી છોડીને લઈને આવ્યાં છીએ.’ ‘ઈ અભાગણી છે એની તમને કેમ ખબર પડી વાલા!’ બાપુએ ભલભલા વિદ્વાનોને ગોથાં ખવરાવી દે એવો પ્રશ્ન કર્યો. પણ બાઈ માણસને એની ગતાગમ ક્યાં! એણે કહ્યું: ‘અભાગણી એટલે એમ બાપુ! કે પંદર વરસની થઈ છે છતાં લૂગડાંનું ભાન નથી. સાવ બુદ્ધિ વગરની. ગરીબ મા-બાપની આ છોડી. દાડી દપાડી કરીને ગદરી ખાતાં બચ્ચારાં એનાં મા-બાપ રોયા કરે છે બાપુ!’ એને નખમાંય બીજો કોઈ રોગ નથી… બાપુ! ‘તો પછી આંહી શું કામ ધક્કો ખાધો, બાપા!’
‘ધક્કો શાનો બાપુ! બગદાણા તો તીરથધામ છે.’ બાપા હસ્યા : ‘તીરથધામ શાનું! નથી મંદિર, નથી મૂર્તિ, નથી આરતી નથી છતાં તીરથ! અહીં તો મેલાંઘેલાં લૂગડાંનો, બંડી પોતડીનો, નહાય નહીં ધોએ નહીં, એવો એદી બાવો છે. બીડી ફૂંકે, ચા ઢીંચે, ગપાં મારે.’ ‘એવું બોલોમા બાપુ! તમે તો ભગવાનનો અવતાર છો. અમારા ગરીબના તો તમે ભગવાન છો.’ આગંતુક બાઈઓ આંસુ લૂછીને બોલી. બજરંગદાસ બાપા ગંભીર થઈ ગયા! ‘ભલે આવ્યા વાલા! પણ હું શું કરી શકું!’ ‘આને બુદ્ધિ આવે, સાજી થઈ જાય એવું કરો બાપા’ ‘ભગવાન જ બુદ્ધિ આપી શકે. બુદ્ધિનો દાતા ભગવાન છે બજરંગદાસ નહીં.’ ‘હશે બાપા, પણ અમારી સરધા આંહી છે. બાકી અમે આ છોકરી માટે માનતા’ બાધા, આખડી બધું જ કર્યું છે. છતાં ફેર ન પડ્યો ત્યારે તમારા ચરણમાં આવ્યાં છયે બાપુ! તમે આશરવાદ દીઓ તો એનો મનખો સુધરે… એનાં મા-બાપને આ એક જ છોડવો છે.’
‘છોકરીનો બાપુ પણ આવ્યો છે!’ બાપાએ પૂછ્યું ‘ના બાપુ! એની મા આવી છે!’ ‘એને અહીં બોલાવો!’ ‘લ્યો બાપુ! આ એની મા. નામ એનું ઓતી.’ છોકરીની મા રજૂ થઈ ‘ઓતીબેન!’ બાપા બોલ્યા ‘હા બાપુ!’ ‘તમને આ દીકરી બવ વાલી છે’ ‘હા બાપા, એક જ છે…’ ‘તમે એને માટે ગમે તે કરવા તૈયાર છો!’ ‘હા બાપુ! મારા પેટ માટે શું કામ ન કરું!’ અને બાપા આંખો મીંચી ગયા. બાઈઓને લાગ્યું કે બાપુ સ્વર્ગમાં આ છોકરી માટે ચિત્રગુપ્તને મળ્યાં છે. વાત કરે છે. ચિત્રગુપ્ત વિધાતાને બોલાવે છે. વિધાતા ચોપડો ખોલીને છોકરીના નસીબનું પાનું કાઢે છે! ચિત્રગુપ્ત કહે છે કે છોકરીની મંદબુદ્ધિની નોંધ છેકી નાખો. આટલું કામ કરીને બાપા આ ઘડી આંખો ખોલશે, પણ બાપુ આંખો મીંચે છે કે બાપુ પાસે બેઠેલા માણસો વિમાસણ અનુભવે છે કે રોજ રોજ ચમત્કારોના મિથ્યાપણાની વાતો કરનારા બાપુ હવે આંખો મીંચીને ચમત્કાર કરી દેખાડવા તૈયાર થઈ ગયા! બાપુ પણ તૂત ચલાવે છે. બાઈઓ અને ભાઈઓની બાજુની કલ્પના પૂરી થઈ રહી કે બાપુએ આંખો ખોલી.
મહિલા મંડળે ભાવવિભોર થઈને બાપુને જોયા. થોડી વાર સુધી મૌન ફેલાયું. ‘આ છોકરી સાજી થાય એમ તમે ઇચ્છો છો માડી?’ બાપાએ છોકરીની માને પૂછ્યું! ‘હા બાપુ! એના માટે જીવ દેવા તૈયાર છું.’ ‘જીવ દેવાની વાત નથી.’ ‘ઈ તો મનેય ખબર છે બાપુ! તમારા પ્રતાપે મૂએલાં જીવતાં થાય છે. મારા જીવની શી જરૂર?’ ‘આ છોકરી આ ઘડીએ ડાહી બની જાય. એના રોગ માત્ર જતા રહે પણ.’ ‘પણ શું બાપુ?’ છોકરીની મા બોલી. ‘ગમે તે ખર્ચો ભલે થાય બાપુ.’ ‘ખર્ચો એક પાઇનો ય નથી’ બાપા હસ્યા. ‘ઈ તો અમનેય ખબર છે કે બાપા ગરીબના બેલી છે.’ બાઈઓ બોલતી હતી. ‘છોકરીનો રોગ તમારે પોતાએ લેવો પડશે.’ બાપાએ છોકરીની માને કહ્યું. ‘એવું શું કામ બાપુ!’
‘આ તો લેતી-દેતીની વાત છે. બાઈ!’ ‘આ છોકરી ડાહી થાય કે તમે ગાંડા બની જાઓ. તમારી બુદ્ધિ જતી રહે અને પછી કપડાનું ભાન તમને નહીં રહે, બોલો!’ ‘બાપુ એવું તે શું કામ! બીજો કોઈ ઇલાજ નથી?’ છોકરીની માનો ચહેરો વિલાઈ ગયો. ચમત્કાર કરોને બાપુ! તમારે વળી લેણા-દેવી શાની? ‘લેણા-દેવી સિવાય કોઈ ઇલાજ નથી. એકનું દુ:ખ લઈને બીજામાં મૂકી દઉં બોલો.’ ‘ના બાપુ! એવું નૈ ભૈશાબ. હું ગાંડી થાઉ તો મરી જાઉંને?’ બાપા હસ્યા ‘હમણા તમે કહેતા હતા કે એની આડેથી મરી જાઉં.’ ‘ઈ તો કહેવાય બાપુ! કાંઈ મરી જવાય થોડું! એવો જીવ ન હાલે હોં. તમે દયા કરો’ ‘દયા શું કરું વાલા! હું કાંઈ પ્રભુ થોડો છું કે તમારી દીકરીને નિરખીને સાજી નરવી કરી દઉં? આ તો વહેવારિક વાત છે. કાંક આપો અને કાંક લઈ જાઓ.’ બાપા હસ્યા. ‘અને જુઓ વાલા! દીકરીને સાજી કરવાનું મન થાય ત્યારે આવજો. એનો રોગ તમારે લઈ લેવો પડશે. ઈ વાત પાકી છે.’ ‘અમે આવું નોતું ધાયું બાપુ!’ કહીને દીકરીની મા ઊભી થઈ. સાથેની બાઈઓને ઊભી કરી. ‘લ્યો હાલો બાયું બાપાએ ધરાર ચમત્કાર ન કર્યો. આપણે તો મોટી આશાએ આવ્યાં’તાં કે બાપા ચમત્કાર કરશે કે દીકરી સાજી નરવી થઈ જાશે.’
બાઈઓનું ટોળું ગયું ‘વયા આવો ભાઈઓ…’ બાઈઓનું ટોળું ગયા પછી બાપાએ ભાઈબંધોને પાસે બોલાવ્યા… ‘જોયું ને? દુનિયા આવી છે વાલા! ચમત્કાર તમે કરો છો માટે રોગ પણ તમે લઈ લો, જે કાંઈ દુ:ખ પડે એ તમે ભોગવો. તમે સંત શાના? વા’લા! બોર આપીને કડલી કઢાવી લ્યે આ દુનિયા! નુકસાન તમારે ખાતે અને ફાયદો અમારા ખાતે! આ તો શું કે પાઈ પૈસાના ખર્ચ વગર રોગ મટતો હોય તો મટાડો, નીકર દવાખાનાં તો છે જ ને?’ ‘બાપા! તમે જે વાત કરી એ અંધશ્રદ્ધાને ઠેકાણે લાવે એવી વાત છે. બાકી આ દુનિયા તો છતી આંખે આંધળી છે. દુનિયા ઈ માને છે કે બાપા ચમત્કારના સૂંડલા ભરીને બેઠા છે. ચપટી મુઢ્ઢી દેશે કે આપણું કામ થઈ જાશે.’ ‘ભલા ભોળા સાધુઓ દુનિયાદારીમાં ફસાઈ જાય છે. વા’લા! એને ચમત્કાર દેખાડવાનો નશો ચડે છે. તે દુનિયા ટોળે વળીને ઘેરી લ્યે છે અને સાધુની ભજનની કમાણી ખાય જાય છે. સાધુ હતા એવા રખડતા રામ થઈ જાય કે દુનિયા એને ધિક્કારવા માંડે’ બાપુ વળી પાછા ખડખડાટ હસ્યા. બાપુની ડહાપણભરી વાત સાંભળીને ડાયરો પણ હસ્યો..!
તોરણ – નાનાભાઈ જેબલિયા