ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન : એક મહામાનવ

તમિલનાડુની એક ખ્રિસ્તી મિશનરીની શાળામાં એક અંગ્રેજ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો. પોતાના લેક્ચરમાં તે વારેવારે હિંદુ ધર્મની ટીકાઓ કરતો હતો. હિંદુઓના કુરીવાજો ઉપર પોતે જાણે મહાતત્વચિંતક હોય એમ શબ્દરૂપી આક્રમણ કરી રહ્યો હતો. “હિંદુ ધર્મ કુરીવાજોથી ખદબદે છે, આ ધર્મ માનવતાનું હનન કરે છે….”ને આવું આવું કહીને તે હિંદુ ધર્મની ઘોર ખોદવા માંગતો હતો. ભલે કોઇ ના કહે પણ આવી મિશનરીઓ આમ શિક્ષણ આપે છે. ભારતમાં આવીને હિંદુઓના અશિક્ષીત અને ગરીબ પરીવારના બાળકોને મફત શિક્ષણ આપે છે, રહેવા-જમવાની સુવિધા આપે છે અને હિંદુ ધર્મના પોલાણો વિશે ભણાવી એ ભોળા બાળકોના મનમાં હિંદુઓ પ્રત્યે ઘૃણા ઉતપન્ન કરે છે અને બદલામાં એને ખ્રિસ્તી બનાવે છે !! યાદ રાખજો આ સાંપ્રદાયિકતાની વાત નથી, કૃર વાસ્તવિકતાની છે!!

એ શિક્ષક પણ આમ જ કરી રહ્યો હતો. ત્યારે સામેના વિદ્યાર્થીઓમાંથી એક બાળક ઊભો થયો અને બોલ્યો –

” સર ! ખ્રિસ્તી ધર્મ બીજા ધર્મોની નિંદા કરવાનુ જ શીખવે છે ? ”

અને પત્યું ! એક બાળકના આવા સણસણતા સવાલથી ગોરો સાહેબ આભો જ બની ગયો. સામેથી એવું બાણ આવ્યું હતું કે તેનો સામનો કેમ કરવો એ સાહેબને ખબર ના પડી.

” તો શું હિંદુ ધર્મ બીજા ધર્મનુ સમ્માન કરે છે ? “સાહેબે ગરીમા જાળવવા ખાતર રોફથી સવાલ ફેંક્યો.

” યસ,સર ! અમારા ધર્મગ્રંથમાં ભગવાન વાસુદેવે કહ્યું છે કે બધાં ધર્મો એ ઇશ્વરને પામવાના માર્ગ જ છે. માટે કોઇ ચડતું નથી કે કોઇ ઉતરતું નથી. વાસુદેવે કહ્યું છે કે, જેમ નદીઓ ભલે અલગ-અલગ પ્રદેશમાંથી આવતી હોય પણ એનો ઉદ્દેશ્ય તો સાગરને મળવાનો જ હોય છે એમ ધર્મ ભલે અલગ અલગ હોય પણ એનો ઉદ્દેશ્ય તો એક જ છે – પરમતત્વને પામવાનો. માટે અમારા ધર્મગ્રંથમાં બધાં જ ધર્મને સમાન ગણ્યા છે. ”

એકદમ પરફેક્ટ જવાબ !! હવે આની સામે દલિલ કરવાની સાહેબની તાકાત નહોતી. દલિલ હોય તો કરે ને !!

Radhakrishnan

આ બાળક એટલે મહાન બહુમુખીપ્રતિભા ધરાવનાર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ! ભારત જેના માનમાં શિક્ષક દિન ઉજવે છે એ શિક્ષક !

તમિલનાડુના તિરુત્તાની નામક ગામમાં એક સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયેલો. પોતાનું પ્રારંભિક શિક્ષણ તિરુપત્તીની ખ્રિસ્તી મિશનરીઓની શાળાઓમાં લીધેલું. તત્વજ્ઞાનના વિષય સાથે તેઓ પીએચ.ડી થયેલા હતાં. ખરેખર તોએ એક મહામાનવ હતા. તેમની પ્રતિભા બેજોડ કહી શકાય તેવી હતી. હિંદુ ધર્મના તેઓ ગહન તત્વચિંતક હતા અને ધર્મને સાથે લઇને ટેક્નોલોજીના યુગમાં ઝંપલાવવાના તેઓ આગ્રહી હતાં. ભારતીય સંસ્કૃતિનું પુનરુથાન તેમણે પશ્વિમી સંસ્કૃતિમાંથી સારા પરિબળો લઇને કરવાના પ્રયત્ન કર્યા હતા.

માત્ર ધર્મચિંતક નહિ, તેના જેવા દેશહિતચિંતક પણ જડવા મુશ્કેલ છે. સંવિધાન સભાના અધ્યક્ષ તરીકે તેમણે ૧૯૪૭ થી ૧૯૪૯ સુધી ફરજ બજાવેલી. વળી,કોઇ રાજનિતિશાસ્ત્રના અભ્યાસુ ના હોવા છતાં તેમની સુઝબુઝ ભલભલા ખેરખાંઓને ભૂ પીવડાવે એવી હતી ! પંડિત નહેરુએ તેમને સંવિધાન સભા વતી ૧૪-૧૫ ઓગસ્ટની મધ્યરાત્રીએ સંભાષણ આપવા કહેલું જે તેમણે કરી બતાવેલ. એ બાદ નહેરુએ સંવિધાન સભા સાથે સ્વતંત્ર ભારતના વડા તરીકે શપથ ગ્રહણ કરેલા.

આઝાદી બાદ નહેરુએ તેમને રશિયા ખાતે રાજદુત તરીકે નીમ્યા ત્યારે ઘણાને આશ્વર્ય થયેલ કે આ તત્વચિંતક રાજનીતિમાં વળી શું કરી શકે ? પણ રાધાકૃષ્ણને એકદમ યોગ્ય કામગીરી કરીને દર્શાવી દીધું કે પોતાની પહોંચ બધે છે !!

૧૯૫૨માં તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યાં. તે હોદ્દો તેમણે દસ વર્ષ સુધી નિભાવ્યો અને ૧૯૬૨ના ૧૩મી મેના રોજ ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાં. અને ૧૯૬૭માં આ હોદ્દો છોડ્યો. તેઓ કોઇ પક્ષ સાથે જોડાયેલા નહોતા. આ હોદ્દાઓ પર રહીને તેમણે ઉત્તમ દેશસેવા કરી છે.

પોતાના જન્મદિવસને તેમણે શિક્ષકદિવસ તરીકે ઉજવવાની અપીલ કરી કે જેમાં દુનિયાના સમસ્ત શિક્ષકસમુદાયનો સમાવેશ થતો હતો. રાધાકૃષ્ણન એક મહાન શિક્ષક તરીકે સદાય યાદ રહેશે. તેઓ દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં પોતાના વ્યાખ્યાનો આપવા જતા. અલબત્ત,તેમને લેવા અને મુકવા વિમાનો આવતા !! તેઓની બોલવાની છટા ખરેખર અદ્ભુત હતી. તેમના વ્યાખ્યાનોમાં તે સદાય રમુજ કરવાનુ ચુકતા નહોતા. વિદ્યાર્થીઓમાં તે તેમની ગમ્મત અને ગમે તે વિષયના સચોટ માર્ગદર્શન માટે લોકપ્રિય હતા. તેઓ વિર્ધાર્થી અને શિક્ષકના સબંધને એકદમ પવિત્ર લેખતા અને વિદ્યાર્થીઓને સદાય જીવનના નૈતિક મુલ્યોની ગુણવત્તા જાળવી રાખવા સુચનો કરતા.તેઓ માનતા કે શિક્ષક હંમેશાં શ્રેષ્ઠત્તમ અને બધાથી વધારે જ્ઞાની હોવો જોઇએ.જ્યારે આજે તો ઘણા પિંઢારાઓ સરખુ બોલતા ન આવડે,ન કદી સરખું જ્ઞાન દેતા આવડે અને શિક્ષક બની બેસે છે ! સમાજના અધ:પતનની આ નિશાની છે.બદલામાં રાધાકૃષ્ણન જેવા મહાન શિક્ષકોના જીવનનો આજના દરેક શિક્ષકે અભ્યાસ કરવો જોઇએ.

એક વાત બહુ ઓછા લોકો જાણે છે….૧૯૬૨માં જ્યારે વડાપ્રધાન નહેરુની કાયર અને ઊંધણશી સરકારની બેપરવાઇનો લાભ ઉઠાવી ચીને અરુણાચલ પ્રદેશ હડપ કરવા આક્રમણ કર્યું ત્યારે નહેરુ દિલ્હીમાં ઊંધતા હતાં ! ચીને આક્રમણ કરી દીધું હોવા છતાં તે “હિન્દી-ચીની ભાઇ ભાઇ”નો નારો લઇને ફરતા હતા. અને આવા નેતાઓ હોય ત્યારે સેનામાં જોમ શી રીતે આવે ! આ સમયે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ હતા. સંવિધાન પ્રમાણે રાષ્ટ્રપતિ સેનાની ત્રણેય પાંખના વડા કહેવાય છે એ વાત સાચી, પણ ખાલી કહેવા પુરતા !!

કારણ તેઓ સેનાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇ કરતા કોઇ આદેશ આપી શકતા નથી ! વળી, જો તેઓ સરહદ પર કે બીજે સેના સાથે વાતચીત કરવા કે મુલાકાત કરવા જાય તો સંવિધાનનું સરાસર અપમાન કર્યું કહેવાય ! રાષ્ટ્રપતિ માત્ર કહેવા પુરતા સેનાના વડા હોય છે. જ્યારે પરમાણુ બોમ્બ જેવા મહત્વના સંવેદનશીલ મોરચે યુધ્ધ આવી પહોંચે ત્યારે રાષ્ટ્રપતિના આદેશની જરૂર પડે પણ એવો દિવસ તો હજુ સુધી આવ્યો નથી. સેનાની દોરવણી અને હુકમો કરવાની સત્તા વડાપ્રધાન પાસે છે. પણ નહેરુએ દિલ્હીમાંથી સરહદ પરની તંગદિલી પર કશો રસ ન દાખવ્યો !

નહેરુના આવા વલણથી રાધાકૃષ્ણનને એની સખત શબ્દોમાં જાટકણી કાઢી. એમ કહો કે ધધડાવી નાખ્યાં ! તેણે નહેરુની આવી કાયરતા પર આકરી ટીકા કરી અને પોતે પહોંચી ગયા સીધા અરુણાચલ પ્રદેશના જવાનો પાસે !! આર્મીના પડાવે જઇ તેઓ ઘુમ્યા અને જવાનો સાથે પરિસ્થિતીની સમીક્ષા કરી તેમના ઉત્સાહમાં વધારો કર્યો !! સંવિધાન કી ઐસી કી તૈસી કરી નાખી આ રાષ્ટ્રપતિએ !! આવા વિરલા લાખોમાં એક હોય છે. રાધાકૃષ્ણનએ દેશની સુરક્ષા માટે સંવિધાનને થોડીવાર માટે એક કોર દબાવીને મુકી દીધું ! કારણ જ્યાં દેશની અખંડિતા જોખમાતી હોય ત્યાં સંવિધાનની કલમો જોવા ન બેસાય ! રાધાકૃષ્ણનની અવિસ્મરણીય દેશભક્તિનો આ દાખલો છે.

૧૯૫૪માં રાધાકૃષ્ણનને “ભારતરત્ન“થી સમ્માનિત કરાયા. આ અગાઉ અંગ્રેજ સરકારે તેમને “સર“નો ખિતાબ આપેલો.

ભારતના આ મહામાનવે ૧૭ એપ્રિલ,૧૯૭૫ના રોજ ચેન્નઇ ખાતે અંતિમ શ્વાસ લીધાં. દેશ તેમની અણમોલ સેવાઓને ક્યારેય નહિ ભુલે. શિક્ષક, સ્પષ્ટવક્તા, તત્વચિંતક, રાજનિતિજ્ઞ અને પરમ દેશભક્ત એવા ખરા અર્થના “ભારતરત્ન” ડો.રાધાકૃષ્ણન સાહેબને શત્ શત્ નમન !!

– Kaushal Barad.

error: Content is protected !!