દીપ-દીવડાઓની રસપ્રદ વાતો

ધરતીના આંગણે સંસ્કૃતિનું પ્રથમ પરોઢ પાંગર્યું ત્યારથી રાત્રિના ગાઢ અંધકારને ઉલેચતો દીવડો શુભ, કલ્યાણકારી અને શુકનનું પ્રતીક બની રહ્યો છે. આદિકાળમાં માનવી શિકાર માટે દી આખો રખડતો, સંધ્યાટાણે સૂર્યાસ્ત થતાં ધરતી પર અંધકારના ઓળા ઊતરી આવતા. આદિમાનવ અંધકારથી ખૂબ જ ડરતો. અંધકારથી ખૂબ જ ડરતો. અંધકાર એને મન દૈત્ય જ હતી. આ અંધકારને મારી હટાવી પ્રકાશનો પુંજ પાથરનાર સૂર્ય એને મન દેવ હતો. છેવટે અગ્નિની શોધ દ્વારા આદિમાનવે અંધકાર ઉપર વિજય પ્રાપ્ત કર્યો. અગ્નિ આરાધ્યદેવ અને ગૃહદેવતા બની રહ્યો. યજ્ઞદેવીઓમાં ગાયના પવિત્ર ઘીની આહુતિઓ આપવાનું શરૂ થયું એમાંથી દીપજ્યોતનું પ્રાગટ્ય થયું.

દીપજ્યોતના પ્રાગટ્યની સાથે ભારતીય સંસ્કૃતિમાં એક નવું પ્રકરણ ઉમેરાયું એમાંથી વેદયુગની પ્રાર્થના પ્રગટી ઃ ‘‘તમસો મા જ્યોતિર્ગમય’’- ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈજા.

સામાજિક પ્રસંગોમાં સૂર્ય અને અગ્નિના પ્રતિકરૂપ દીપકની હાજરી શુભ અને મંગલમય માનવામાં આવી. પવિત્ર દીપમાં દેવોનો વાસ હોય છે. આથી પૂજા આરતી પ્રસંગે દેવસ્થાનમાં દીપ અનિવાર્ય ગણાયો છે. પાર્થિવ જીવનમાં માણસના પ્રવેશથી માંડીને અંતિમ વિદાય સુધીના જીવનકાળમાં ડગલે ને પગલે દીવો હાજર રહ્યો છે. પ્રત્યેક સારામાઠા પ્રસંગે એવી હાજરી ગાંભીર્ય અને ગૌરવ વધારે છે. એની ઉપસ્થિતિમાં માણસને અંધકારના અનિષ્ટનો કે ભૂતપ્રેતનો ભય રહેતો નથી.

દીપજ્યોતને જ્ઞાનજ્યોત પણ કહેવામાં આવે છે. દીવો પોતાની જાતને બાળીને માનવજીવન ઉપર ઉપકાર કરતો આવ્યો હોવાથી તેને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. ભારતમાં હજારો વર્ષથી ઊજવાતા દિવાળીના ઉત્સવ અને મહાલક્ષમીની ભાવના સાથે પણ દીપક જોડાયેલો છે.

દીવડો ઈશ્વર આરાધનાનું પ્રતીક બન્યા પછી કારીગર કસબીઓએ પોતાની કામણગારી કલાઓ એમાં ઠાલવી. કલાકંડારણ અને પ્રતીકો પ્રમાણે દીવાઓને અવનવા નામો આપ્યા. પિત્તળમાંથી બનેલા સેંકડો આકારના દીવડાઓ પોતાના સોનેરી પ્રકાશથી ભારતવર્ષના મંદિરો અને ગર્ભગૃહોને અજવાળતા રહ્યા છે. દેવાલયોના પ્રવેશ દ્વાર પર ‘‘ગણેશદીપ’’ કે ‘‘ગજલક્ષમીદીપ’’ રાખવામાં આવતા. આવા દીવાઓ મોટે ભાગે ગજ, અશ્વ કે વૃષભના આકારોવાળા રહેતા. જૂના કાળે બારસાળે ‘‘ગણેશદીપ’’ કે ‘ગજલક્ષમીદીપ’ અવશ્ય જોવા મળતા. ઘરના પ્રત્યેક ઓરડામાં દીવો મૂકવાના ખાસ ગોખ રહેતા. રોજિંદા વપરાશના દીવાની પીઠિકામાં ગજ (હાથી) વૃષભ કે અશ્વની આકૃતિઓ ઉપરાંત મધુર સ્મિત વેરતી ‘‘દીપાંગનાઓ’’ની મૂર્તિઓ પણ સારી પેઠે કંડારાઈ છે. દીવાઓના આકારોમાં ગજ અને સિંહની આકૃતિઓ વધુ પ્રમાણમાં પ્રયોજાયેલી જોવા મળે છે.

‘‘આરતી દીપ’’તો ભારતમાં નરનારીઓની શ્રદ્ધાનું પ્રતીક મનાયો છે. પૂજાના ઉપયોગમાં લેવાતા દીવાઓના અનેક પ્રકારો જોવા મળે છે. ‘‘આરતીદીપ’’ હાથમાં રાખીને ઈષ્ટદેવની આરતી ઉતારવામાં આવે છે. આ આરતી દીપકોમાં પણ અપાર વૈવિધ્ય સાંપડે છે. આરતીદીપની મૂઠ અર્થાત્‌ હાથાઓમાં નાગ, માછલી, કાલિયમર્દન કરનાર શ્રીકૃષ્ણ અને પશુપક્ષીઓનો વિનિયોગ જોવા મળે છે. આરતીની વાટ મૂકવા માટેનું બહુદલ કમલ ખાસ ધ્યાન ખેંચે છે. આરતી એકમુખી, પંચમુખી કે સપ્તમુખી હોય છે.

પૂજા માટે પ્રચલિત અન્ય દીપકોમાં ‘દીપલક્ષમી’ના દીપકો વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એમાં ઉભેલી નારીને લક્ષમી સ્વરૂપે કલ્પવામાં આવી છે. હાથમાં દીપકો લઈને ઊભેલી આ લક્ષમી ક્યારેક હાથી, સિંહ કે અન્ય પક્ષી પર આરૂઢ થયેલી જોવા મળે છે. મહારાષ્ટ્રમાંથી મળી આવેલા ‘‘દીપલક્ષમી’’ના ખભા પર લીલુડો પોપટ બઠેલો છે. આ દીપ ૧૯મી સદીનો છે. ગુજરાતમાં પણ ‘‘દીપલક્ષમી’’ના સંખ્યાબંધ દીપકો મળી આવ્યા છે.

ભારતીય દીપોમાં સૂર્યદીપની રચનાને સર્વોત્તમ માનવામાં આવી છે. એની ટોચ ઉપરની ચાર આકૃતિઓ દિવસ, રાત, પ્રભાત અને સંધ્યાની ધોતક છે. કેન્દ્રમાં ભગવાન સૂર્ય ગોઠવાયેલાં છે. એમાં સાત દિવસના પ્રતીકરૂપ સાત, બાર માસના બાર અને બાર રાશિઓના બાર ….. જોવા મળે છે. કાંસામાંથી બનેલો આ સૂર્યદીપ એ સમયચક્રનું અનેરું અમૂલ્ય કલાપૂર્ણ પ્રતીક છે.

મંદિરો, મહેલો અને ઘરોમાં ક્યારેક લટકતા દીપનો ઉપયોગ થતો. મેદિરમાં આરતી, ધર્મધ્યાનો, સભાઓ અને નૃત્ય-નાટ્યના પ્રયોગો ઈશ્વરના ‘‘સાનિધ્યમાં થતા. એ વખતે અનેક વાટોવાળા સુંદર દીપ લટકાવાતા. આ દીપ ‘દીપ’ના નામે ઓળખાતા.

મંદિરની આસપાસ પ્રજાનું સમગ્ર જીવન વણાયેલું રહેતું. આથી મંદિરને પ્રકાશિત કરનાર દીપકો કેવી રીતે સાદા રહી શકે ? કારીગરોને અહીંથી જ બધી પ્રેરણા મળી રહેતી. મંદિરમાં ખાસ પ્રસંગે થતા નૃત્યની મુદ્રાઓ અને ભંગિઓ એમને જોવા મળતી. એમાંથી ભક્તોના રથ, પાલખી વગેરેમાંથી પ્રેરણા લઈને કારીગરોએ બધાને દીપરચનામાં ઉતારતા.

હિન્દુ ઘરોમાં મોટે ભાગે તુલસીની પૂજા કરવાનો રિવાજ હોય છે. તુલસી પૂજા માટે તુલસી કયારે મુકાતો દીપ ‘તુલસી વૃંદાવન દીપ’ને નામે ઓળખાયો છે. પિત્તળનો બનેલો ગોળ ડબ્બા જેવો આ દીવો લોકજીવનમાં પાછળથી પ્રવેશ્યો હોવા છતાં સંધ્યા સમયે પ્રગટાવતા આ દીપકનું મહત્વ ઘણું ઊંચું છે.

‘તુલસી વૃંદાવન દીપ’ સામાન્ય રીતે સુખી અને શ્રીમંત ઘરોમાં જ વપરાતો. પિત્તળના જાળીવાળા ‘પાંજરામાં રહેતા આ દીપને વરસાદ અને પવનથી રક્ષણ મળતું અને પ્રજવલિત દીપ આંગણામાં પ્રકાશપુંજ રેલાવતો. આ દીવાની સાથે એક ભાવના પણ ભળેલી છે. સંધ્યા સમયે ગાયો ચરીને ઘેર પાછી આવે છે. આ ગાયોની સાથોસાથ લક્ષમી પણ ઘરમાં પ્રવેશે છે. એવી ભાવનાથી લક્ષમીના સ્વાગતરૂપે પણ સાંધ્યદીપ પ્રગટાવવામાં આવતો હશે એમ માની શકાય.’

વર્ષો પૂર્વે પ્રાચીન ઘરોમાં દરેક ખંડ અને પરસાળમાં ‘ગૃહદીપ’ મુકાતા હતા. પરસાળમાં મુકાતો આ દીવડો ‘શમાઈ’ના નામે ઓળખાતો. દીવાના ફારસી નામ ‘શમા’ ઉપરથી આ શબ્દ આવ્યો છે. ‘શમાઈ’માં અનેક વાટો પ્રગટાવી શકાય તેવી રચના રહેતી હતી. કૂંદાને દૂર રાખવા એના પર ઢાંકણ મૂકવામાં આવતું હતું. એ ઢાંકણ પર ટોચે મોર, હાથી કે સર્પનું સુંદર સુશોભન રહેતું.

ભારતીય દીવાઓની હારમાળામાં ‘‘શૃંખલાદીપ’’ ઊડીને આંખે વળગે છે. ‘શૃંખલાદીપ’ એટલે સાંકળ વડે લટકતા દીવાઓ. મંદિર, મહેલો અને શ્રીમંતોનાં ઘરોમાં આ દીવાઓનો ઉપયોગ સવિશેષ થતો. વિવિધ પક્ષીઓના આકાશે અને દેવદેવીઓની મૂર્તિઓથી સુસજ્જ આ દીવાઓ અત્યંત કલાપૂર્ણ બનતા પ્રવેશ દ્વારો, સભાખંડો અને પરસાળોમાં લટકાવાતા આ દીવાઓમાં અંગકસરતના દાવ કરતી બજાણિયા નારીને પણ આપણા કારીગરોએ કંડારી છે.

દીવાઓના અન્ય પ્રકારોમાં મહારાષ્ટ્રના ‘ચીમની દીપ’ને ગણાવી શકાય. આ દીવાનો આકાર કોઈ પક્ષીના જેવો હોયછે. મોર, પોપટ, બતક કે કબૂતર આકારના આ દીવામાં પક્ષીના આકારમાં તેલ ભરી દેવામાં આવે છે. પક્ષીના પગ નીચે દીવાનું ચાડું હોય છે. આ ચાડામાં વાટ રહે છે. દીવો પ્રગટતાની સાથે જ ચાડામાં જરૂર પૂરતું ટીપુંટીપું તેલ પડતું રહે છે. આવા ‘શુકદીપ’ કે ‘કપોતદીપ’ સવાર સુધી એકધારું અજવાળું આપ્યા કરતાં.

મોગલકાળના દીવાઓની અહીં વાત ન કરીએ તો આપણી આ ‘દીપયાત્રા’ કદાચ અધૂરી રહી જાય. સમસ્ત ઉત્તર ભારતમાં છેલ્લી કેટલીક સદીઓના જે દીપકો જોવા મળે છે. એના પર મોગલ પ્રભાવ સ્પષ્ટપણે વર્તાઈ આવે છે. મોગલ સમયના પિત્તળના બનેલા દીપકો ભૌતિક આકૃતિઓવાળા, કંડારેલી જાળીની બારીક નકશીવાળા, આઠ પાસાંવાળા કે ઉપર ગોળ ગુંબજવાળા રહેતા. આ દીવાઓને જ્યારે લટકાવવામાં આવતા ત્યારે એના છાટા-પ્રકાશમાંથી ઓરડાની દીવાલ અને ધરતી પર અનોખી ભાંતો રચાતી. મોગલ સમયના ભારતના દીવાઓની કલાકારીગીરીમાં એ સમયની સમૃદ્ધિ અગ્નિ અને દીપક પ્રત્યેની અકબરની ભાવનાની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે.

મોગલ સમયનો કંદુકાકારનો એકવેલયેક્ષ (ગાયરો સ્કોપિક) દીપ પણ મળી આવ્યો છે. આ દીવાને ઓરડાની પરસાળમાં ગમે તેમ દેડવવામાં આવે તો પણ અંદરનો દીવો શિર રહીને એકધારો પ્રકાશ આપતો. એના પર કંડારેલી કલાત્મક જાળીમાંથી પ્રકાશના પુંજ વેરતા દીપ શાહી જનાનખાનાની ફરસ પર એક સામટા દડતા હશે ત્યારે કેવા મનોહર દ્રશ્યો સર્જાતા હશે તેની તો કલ્પના જ કરવાની રહે.

અકબરની શાહી સવારીમાં ‘‘ઝહરમોહરા’’ દિવડો સદાય સાથે રાખવામાં આવતો. ભોજનમાં વિષપ્રયોગ થયો હોવાની શંકા પડે ત્યારે ભોજનનો થાળ દીવા ઉપર મૂકવાથી એનું પ્રમાણ મળી રહેતું. આરસ જેવા પથ્થરમાંથી બનેલો આ દીવો લાંબા નાળચાવાળો હોય છે. ભારતમાં આવા પથ્થરો મળી આવે છે. મોગલ સમયમાં બનેલો એક માત્ર આ દીવડો પુણે-શુક્રવાર પેડમાં આવેલા રાજા કેળકરના સંગ્રહસ્થાનમાં સચવાયેલો આ લેખકે જોયો છે.

આમ દીપક માનવજીવનની સાથે સતત જોડાયેલો છે. દીપ માનવજીવનને ગતિ આપનાર શક્તિ છે. નાનકડા દીપકની જેમ વિશ્વ કલ્યાણાર્થે પોતાનું જીવન સમર્પિત કરનાર માનવીનું જીવન સાર્થક બની રહે છે. ભગવાન બુદ્ધે સાચુંજ કહ્યું છે કે, ‘‘અપોદીપોભવઃ’’ આપણે પોતે જ દીપક બનીએ ને આપણા મનની જ્યોતના પ્રકાશથી આપણે પ્રકાશીએ.

error: Content is protected !!