ડુંગરાની ગાળિયુંમાં ફાગણ મહિનામાં ખીલેલા ખાખરાની ડાળી માથે બુલબુલ આવીને બેસી જાય એમ મરુભોમ (મારવાડ)ની કન્યા મારવણી-મારુના અંગ માથે રૂમઝૂમતું જોબનિયું આવીને બેસી ગયું છે. અષાઢ મહિનામાં આકાશમાં વર્ષાના વાદળાંની ગેહલુંબ ઘટાઓ ચડી આવી હોય અને કાળાંડીબાંગ વાદળોની વચ્ચે વીજળી સળાવો કરી ધરતીનાં ઓવારણાં લેતી હોય એવું મારવણીનું રૂપ જોબનિયું ખીલી નીકળ્યું છે. યૌવનના ઉંબરે ડગલાં માંડતાં જ નાનપણમાં જેની હાર્યે ખૂબ રમેલી એ ઢોલો એના હૃદયકમળમાં આવીને રમવા માંડયો. ભાવિ ભરથારનાં સોણલાં જોતાં જ એના અંતરમાં આનંદની સરવાણીઓ ફૂટી, ઉગમણા આભમાં સૂરજ આકાશમાં રમવા નીસરે ને તળાવડીનાં પોયણાં ખીલી ઊઠે અને પોતાના હૃદયકમળનાં દ્વાર ઉઘાડાં મૂકી દે એમ નાનપણથી ઢોલા સાથે નેહ (સ્નેહ)નો નેડલો બાંધી બેઠેલી મારવણીના હૃદયમાં પ્રેમ નામનું પુષ્પ સોળે કળાએ ખીલી ઊઠયું.
જેને અણસમજણમાં દીઠેલો અને દીઠો એવો જ હૃદયમાં અને સ્મૃતિમાં સમાઈ ગયેલો સ્વામી ઢોલો સોણામાં આવ્યો. આમ્રઘટામાં આંબાની શાખની પાકેલ કેરીમાં ચાંચ નાખીને જ્યમ કોયલ કુંજન કરતી હોય એમ મારવણીનું યૌવન ટહૂકા કરવા લાગ્યું. સ્વાતિ નક્ષત્રનાં બિંદુઓને ઝીલવા જેમ ચાતક મોં ફાડીને વાદળાં ભણી અમીટ નજરે તાકી રહે એમ વિરહથી વ્યાકુળ બનેલી મારવણી ઢોલાના આવવાની વાટડી જોવા લાગી. ત્યાં વૃક્ષઘટામાંથી બપૈયો બોલ્યો ઃ ”પિયાવ… પિયાવ” બપૈયાનો અવાજ સાંભળતાં જ વિરહિણી મારવણીનો મિજાજ ગયો ઃ ”અરે નીલી આંખોવાળા બપૈયા! વર્ષાઋતુમાં બોલીને તું મને શું લેવા વ્યાકુળ કરી મૂકે છે? પિયો તો મારો છે. દૂરદેશાવર જઈને બેઠો છે તું શું લેવા પિયુ પિયુનું રટણ લઈને બેઠો છે? ખબરદાર, જો પિયુ પિયુ બોલ્યો છે ને તો તારી ચાંચ જ ભાંગી નાખીશ.”
ત્યાં તો પ્રિય વ્યક્તિના આગમનનો જાણે કે ઈશારો કરતો હોય એમ કાગડો લાંબા રાગડા તાણીને બોલવા મંડાણો, ત્યારે મારવણી કાગડા ઢૂંકડી જઈને કહેવા લાગી ઃ
કગવા દેઉ વધાઈયાં પ્રિતમ મિલવે મુજ;
કાઢી કલેજા અપના ભોજન દઉંગી તુજ.
હે શુકનવંતા કાગ! જો તું મારા પ્રિયતમ ઢોલાનો મેળાપ કરાવી આપીશ તો તને મારું કાળજું કાઢીને ખાવા આપીશ. અરે કાળજું જ શા માટે! મારા પ્રિયતમના એકવાર દર્શન કરાવીને પછી મારી બેય આંખો ય તું આરોગી જજે ઃ
કાગા નયન નિકાલ દું પિયુ પાસ લે જાવ;
પહેલે દરશન દિખાય કે પીછુ લેજો ખાય.
પ્રેમીઓના હૈયાંહીંડોળે ઝૂલતી પ્રાચીનકાળની કંઠોપકંઠ ફરતી તરતી આ અદ્ભુત પ્રણયકથા છે. મારવાડમાં આવેલા પુગલનગરમાં પીંગળરાવની અને નરવરનગરમાં નળરાજાની આણ વરતતી હતી. પુગલદેશ એકવારના સમે દુષ્કાળના મોંમાં હડસેલાઈ ગયો. આ કાળઝાળ દુકાળ પણ કેવો?
શિયળ વેચે નારિયું, પિતા વેચે બાળ;
ભાઈ ભાઈ જુદા પડે, વરત્યો હાહાકાર.
દુષ્કાળનાં ડાકલાં સાંભળીને હરરી ગયેલા પિંગળરાજા કુટુંબ કબીલા સહિત નરવરનગર પહોંચ્યા. નળરાજાએ રાજવીની રૂએ રાજ્યોચિત સન્માન કર્યું. મીઠા આવઆદરને કારણે બેય રાજવીનાં હૃદયમાં પ્રેમની હીરલાગાંઠ બંધાઈ ગઈ.
આ પિંગળરાજાને મારવણી નામની રૂપરૂપના અંબારસમી રાજકુમારી હતી. નળરાજાને ઢોલા નામનો તેજસ્વી રાજકુમાર હતો. પિંગળરાવની ચતુર રાણીના મનમાં રાજકુમાર ઢોલો વસી ગયો. એણે સ્વામીને સમજાવીને મારવણીનું વેવિશાળ ઢોલા સાથે નક્કી કરાવી લીધું. એ વખતે ઢોલો પાંચ સાત વરસનો અને મારવણી ચાર-પાંચ વરસના ઉંબરે અલપઝલપ કરતાં હતાં. આમ કરતાં કરતાં આઠ દસ મહિનાનાં વહાણાં વાઈ ગયાં. વા ફર્યો, વાદળ ફર્યાં, ચોમાસું બેઠું. મેહુલિયો મન મૂકીને વરસ્યો. ધરતી હરિયાળી બનીને હરખાઈ ઊઠી. પિંગલરાયે દેશમાં પાછા ફરવાની રજા માગી. નળરાજાના આભાર સાથે ભારે હૈયે રથ, ગાડાં અને રસાલા સહિત નરવરગઢ પ્રતિ પ્રયાણ કર્યું. ઢોલાને મૂકીને નાનકડી મારવણી પણ માબાપ સાથે ચાલી નીકળી.
ઋતુઓનું ચકરડું ચકરભમર ફરવા લાગ્યું. આ વાતને માથે થઈને એવા ને એવા ચૌદેક ચોમાસાં વરસી ગયાં. ચૌદેક હોળીઓ પ્રગટી ગઈ. બેય કુટુંબો વચ્ચેની કડી કાળે ભૂંસી નાખી. પુગલનગરનો મારગ ખૂબ જ ભયાનક, દૂર અને બિહાળવો માનીને નળરાજાએ જુવાનીના ઉંબરે અલપઝલપ કરતા પોતાના કુંવર ઢોલાને માલવણ નામની બીજી કોઈ રાજકુમારી સાથે પરણાવી દીધો. માબાપે નાનપણના વેવિશાળની વાત ઢોલાથી છુપાવી રાખી હતી. લગ્ન પછી ઢોલો ને માલવણ આનંદથી જીવનના રંગીન દિવસો ગુજારવા માંડયા.
આ બાજુ મરુભોમની યુવાન કન્યા મારવણી પોતાના મનના માનેલા બાળપણના ભેરુ ઢોલાને યાદ કરતી વિરહમાં ઝૂરવા લાગી. પિંગળરાવે ઢોલાના સમાચાર લેવા પોતાના દૂતોને રવાના કર્યા. ચતુર માલવણ વાતને પામી ગઈ. એણે મારવણીના સમાચારો લઈને આવતા પિંગળરાજાના દૂતોને રસ્તામાં જ મારી નાખવા માટે માણસો મૂકી દીધા. પરિણામે નરવરગઢ જવા નીકળેલા દૂતોમાંથી એકપણ દૂત ઢોલાના સમાચાર લઈને પાછો ફર્યો નહીં. પિંગળરાજાની ચિંતા વધુ ઘેરી બની. એવામાં એક દિવસ નરવરગઢથી ઘોડાનો એક સોદાગર પુગલનગરમાં આવ્યો. આ સોદાગર સમાચાર લાવ્યો કે ‘ઢોલો હયાત છે. માલવણી સાથે પરણ્યો છે પણ જીવતર જીવવા માટે સરખી જોડ જડી નથી. ઢોલો સાચું સુખ પામ્યો નથી.’
એ પછી પિંગળરાજાએ પોતાના રાજ્યમાંથી શોધી શોધીને સારા સૂરિલા ગાયક ઢાઢીઓને બોલાવ્યા ને કહ્યું કે ‘તમે નરવરગઢ જાઓ અને ઢોલાને તમારી સંગીતકળા અને ગાયકીથી રીઝવીને એકવાર અહીં લઈ આવો. જે માગશો તે ઈનામ મળશે.’ બીજા દિવસની સવાર પડી. માથે ભગવી પાઘડિયું, ગળામાં મોટા મણકાની માળાયું, ખભે ઝોળિયું અને હાથમાં રાવણહથ્થા પર કામઠી રમાડતા રમાડતા પચાસેક ઢાઢી નરવરગઢ તરફ રવાના થયા. એ વખતે મારવણીએ ઢાઢીના મુખીને બોલાવીને ઢોલાને પ્રેમસંદેશો પાઠવ્યો. આ સંદેશામાં મારવણીએ પથ્થર હૃદયના માનવીને પણ મીણની માફક ઓગાળી નાખે એવી દારૂણ વેદના ઠાલવી.
ડુંગરાની ગાળિયું, જંગલ ઝાડીયું અને ગેહલુંબ વાંકી વનરાયું વટાવતા વટાવતા માલવણના ચોકિયાતોથી બચીને ઢાઢીઓની ટોળિયું હેમખેમ નરવર ગઢ પહોંચી. ઢોલાનો રાજમહેલ ગોતીને મહેલની પાછળ ડેરાતંબુ તાણ્યા. મંગાળા પર રસોઈપાણી કરી ઢાઢીઓ રાતના વાળુંપાણીમાંથી પરવાર્યા. રાજમહેલના દીવડાનાં તેજ ઓલવાઈ ગયા. રાતના ભાંગીને બે કટકા થયા. ગળતી મધરાતના ઢાઢીઓએ રાવણહથ્થા ઉપર પોતાના કામણગારા કંઠે મારવણીનો પ્રેમ સંદેશો વહેતો કર્યોઃ
ઢાઢી એક સંદેશડો ઢોલા લગ લૈ જાવ;
જોબન કળિયું મૉરિયું ભમર ન બેઠો આંય.
હે ઢાઢી, મારા ઢોલાને જઈને એટલો સંદેશો આપજો કે મારા જોબનફૂલની કળી ખીલી ગઈ છે. તું ભમરો બનીને એના માથે કેમ આવીને બેસતો નથી?
પંથી એક સંદેશડો, ઢોલા લગ લૈ જાવ;
જોબનહસ્તી જાગિયો, અંકુશ લૈ ઘેર આવ.
હે પંથી! તમે ઢોલા પાસે જઈને કહેજો કે મારવણી-મારુનો જોબનરૂપી હાથી હવે મદોન્મત્ત બની ગયો છે. તું મહાવત બની અંકુશ લઈને ઝટ ઘેર આવ.
ઢાઢી એક સંદેશડો ઢોલા લગ લૈ જાવ;
જોબનફાટી તળાવડી, પાળ બાંધનકુ આવ.
હે ઢોલા! મારા જોબનની તળાવડી તૂટી રહી છે. તું ભલો થઈને પાળ બાંધવા તો આવ.
સાંભળ ઢોલા! તારી યાદમાં આંખોમાંથી અવિતર આંસુડાં વરસે છે. આંસુથી મારી ઓઢણી પલળી જાય છે. ઓઢણી નિચોવી નિચોવીને મારા હાથમાં છાલાં પડી ગયાં છે. ફાગણ મહિનાની વસંતઋતુમાં તું નહીં આવ્ય તો હું ચર્ચરીનૃત્ય કરતી કરતી હોળીની જ્વાળામાં મારી જાતે હોમી દઈશ. પછી તું આવીશ તોય મારા અસ્થિપિંજર પર કાગડા સિવાય તને કોઈ નહીં મળે.
આમ ઢાઢીઓએ મારવણીનો સંદેશો ઢોલાને મધરાતે સંભળાવ્યો. ઢાઢીઓએ મલ્હાર રાગ ગાતાં વાદળાં હરુડવા માંડયાં. વરસાદે ઝપટ બોલાવી. ઢાઢીના કંઠે મારુનો સંદેશો સાંભળીને ઢોલો રાત બધી પથારીમાં પડખાં ફેરવતો રહ્યો. તેના હૃદયમાં મારવણી સાથેની બાળપણની પ્રીત આળસ મરડીને બેઠી થઈ. સવાર પડયું. છત્રપલંગમાંથી બેઠા થઈને ઢાઢીઓને પોતાના મહેલમાં નોંતર્યા. ઢાઢીઓએ રસપૂર્વક મારવણીની મનઃસ્થિતિનું વર્ણન કર્યું. એના રૂપજોબનની વાત કરી ત્યારે ઢોલાને એના બાળપણની સ્મૃતિ તાજી થઈ આવી. એણે પિંગળગઢની હકીકત જાણીને કહ્યું કે હું મારી મારવણીને ઓળખીશ કેવી રીતે? ત્યારે ઢાઢીઓએ સંગીતમઢ્યા દૂહા શરૂ કર્યા ઃ
મારુ ઐસી પાતળી ખોબો ધાન ન ખાય;
ઉછાળી આભે અડે, સંકેલી નખમાં સમાય.
પીંગલહુંદી પદ્મણી, ગોંખેથી કાઢે ગાત્ર,
દેવો સંધા મન ડગે, માનવ તો કોણ માત્ર?
આ સાંભળીને મારવણીને મળવા આતુર થયેલા ઢોલાએ ઢાઢીઓને સુવર્ણમઢ્યાં વસ્ત્રો અને ધનદોલત આપીને એમના દાળદરને ઉડાડી મૂક્યું. આ તરફ ઢોલાએ પવનવેગી સાંઢડી શણગારી. માલવણ પરિસ્થિતિ પામી ગઈ. એ દોડીને ઊંટના પગે વળગી પડી ઃ
ઢોલો બાંધે ધોતિયાં, માલવણ ધાન ન ખાય;
ખોડો થાને ક્રેહલિયા, ઢોલો ગામ ન જાય.
ઢોલો મારવણ પાસે જવા તૈયાર થાય છે એની જાણ થતાં શોક્યનું સાલ આવશે એની બળતરામાં માલવણ ધરાઈને ધાને ય ખાતી નથી અને પરદેશ જવા તૈયાર થયેલા ઊંટને કહે છે ‘તું પગે લંગડો થઈ જવાનો ઢોંગ કર્ય ને જેથી મારો ઢોલો મુસાફરીએ ન જાય.’ ત્યારે સ્વામીભક્ત ઊંટને વાચા થાય છેઃ
ખોડો થા તો ડભ ખાં, બાંધો ભૂખ મરાં;
જાઉં ઢોલા રે સાસરે હરિયા મુગ ચરા.
સાંભળ્ય માલવણ હું લંગડો થાઉં તો દાતરડાના ઊના ઊના ડામ ખમવા પડે, ને બાંધ્યો ભૂખે મરી જાઉં. એના કરતાં ઢોલાના સાસરે જઈને લીલા લીલા મગનો ચારો ના ખાઉં?’
ઢોલો અધરાત મધરાત માથે લઈને મારવણીને મળવા નીકળી પડયો. ઘેં ઘેં ઘેં ઘેં કરતી સાંઢણી ઢોલાના ખોળામાં ડોક નીંડોળીને લાંબી ડાફૂં દેતી પવનવેગે ઊપડી. સવાર પડી. મારગ માથે સરોવર આવ્યું. ઢોલો દાતણ કરવા બેઠો. ત્યાં માલવણનો માનીતો પાળેલો પોપટ પાછળ પહોંચ્યો અને ઢોલા પાસે આવીને બોલ્યો ઃ ‘ઢોલારામ! તમારી રાણી માલવણ તમારા વિરહમાં માથા પછાડીને મરી ગઈ છે. પાછા વળો.’ ત્યારે ઢોલો એટલું જ બોલ્યો ઃ ‘માલવણ મરી ગઈ હોય તો નવ મણ અગરચંદનની ચિતા ખડકાવીને એને બાળી દેજો.’
ઢોલો સાંજના પુગલનગર પહોંચ્યો. ત્યાં રૂડી રીતે સામૈયાં થયાં. રંગેચંગે ઢોલાનાં લગનિયાં લેવાયાં ઃ
માંડવ છાયો મોતીડે, તારે છાઈ ભાત;
ઢોલો મારુ પરણિયાં, ધન્ય આજુની રાત.
અઠવાડિયા સુધી લગ્નની મૉજ માણીને ઢોલો મારવણીને લઈને દેશમાં જવા નીકળ્યો. રસ્તામાં માલવણીના સાગરીત ઉમર સુમરાએ ઢોલાને મહેમાનગતિ કરાવીને દારૂના નશામાં ચકચૂર બનાવ્યો. એક ડુમણી (ગાયિકા)એ મારવણીને સઘળી હકીકત જણાવી. મારવણીએ લાકડી મારીને સાંઢણીને ઊભી કરી. ઢોલો સાંઢણી પકડવા દોડયો. મારવણીને એને સાનમાં સમજાવી દીધો ને ઢોલા-મારુ બેય સાંઢડીસ્વાર થઈને ત્યાંથી ભાગી નીકળ્યાં અને હેમખેમ નરવરગઢ પહોંચી ગયા. પછી તો ભાઈ ઃ
નવા મો’લ ને ધણ્ય નવી, જવી જવાની નેહ;
ઢોલો ઘેર પધારિયા, મોતી વરસ્યા મેહ.
આજે નથી રહ્યાં ઢોલો કે મારવણ, પણ રહી છે એમના અમરપ્રેમની યશગાથા.
ચિત્ર ઃ ગુજરાત લોકકલા ફાઉન્ડેશન
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ