ધનતેરસના તહેવાર પાછળની રસપ્રદ વાતો.

મુખ્યત્વે ધનતેરસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થાય છે. આ જ દિવસેથી વહેલી સવારમાં અને સાંજે ઘરના ગોખમાં દિવડાંઓ પ્રગટાવવાની શરૂઆત થઇ જાય છે. દારૂખાનું ફોડવાની શરૂઆત થઇ જાય છે. આમ,સર્વત્ર ઉત્સાહનો માહોલ છવાઇ જાય છે.

ધનતેરસ એ આસો મહિનાના શુક્લપક્ષની તેરસના દિવસે આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસે ભગવાન ધનવંતરિ, યમરાજ, કુબેર અને લક્ષ્મીજીનું પૂજન થાય છે.

ધનવંતરિ જયંતિ
કહેવાય છે કે,આ દિવસે દેવોનો વૈદ્ય એવા પ્રભુ ધન્વતંરિ અમૃતકુપ લઇને સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા હતાં. તેથી આ દિવસને “ધન્વતંરિ જયંતિ” કે “ધન્વતંરિ ત્રયોદશી” તરીકે પણ ઓળખાય છે. ભગવાન ધનવંતરિ મહાન વૈદ્યાચાર્ય હતાં. કહેવાય છે કે,સુવર્ણના પાત્રમાં અમૃત તેમણે જ બનાવ્યું હતું….!માટે આ દિવસને ભારત સરકાર “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” તરીકે ઉજવે છે.

ચાંદીની પ્રથા –
ધન્વતંરિ હાથમાં ધાતુનુ વાસણ લઇને પ્રગટ્યા હોઇ આજના દિવસે ધાતુ અને એમાંયે ચાંદીની ખરીદી કરવાની મહત્તા છે. ચાંદીનું વાસણ, સિક્કો વગેરેની ખરીદી આજે થાય છે. કારણ કે ચાંદીએ ચંદ્રમાંનુ પ્રતિક છે અને ચંદ્રમાં શીતલતા, સંતોષ પ્રદાન કરે છે. અને સંતોષ એ જ તો સૌથી મોટું ધન છે…!સંતોષ વડે સ્વાસથ્ય ઉત્તમ રહે છે. અને ધનવંતરિની પૂજા સ્વાસથ્ય માટે જ તો થાય છે. આમ,આજના દિવસે ભગવાન ધનવંતરિની પૂજા કરી લોકો પોતાના મંગલ સ્વાસથ્યની કામના કરે છે.

યમદિપ પ્રાગટ્ય –
આજના દિવસે યમરાજની પણ પ્રાર્થના કરવામાં આવે છે. વર્ષનો આ એકમાત્ર એવો દિવસ છે…!રાતે દક્ષિણ દિશામાં લોટનો બનાવેલો દિપક પ્રગટાવીને મુકવામાં આવે છે અને યમરાજને પ્રાર્થના કરવામાં આવે છે.

આ પૂજાથી અને યમદિપ પ્રાગટ્યથી અકાલ મૃત્યુના ભયથી દુર થવાય છે. યમરાજને આ માટે પ્રાર્થાય છે કે,કોઇનું અકાલ મૃત્યુ ના થવા દેશો.

dhanteras

લક્ષ્મી-કુબેર પૂજન :
આજના દિવસે એક પૌરાણિક કથાનુસાર લક્ષ્મીજીનું પણ પૂજન કરવામાં આવે છે અને કહેવાય છે કે,આમ કરવાથી સદાય માટે લક્ષ્મીજીનો ગૃહમાં વાસ થાય છે. સાયંકાળે લક્ષ્મીપૂજનનો મહિમા છે. તેવી જ રીતે કુબેરજીનું પૂજન પણ કરવામાં આવે છે. ધનસમૃધ્ધિ માટે આ પૂજન થાય છે.

શુક્રાચાર્ય અને વામન –
ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપ ધરી અને રાક્ષસોના રાજા બલિ પાસે ત્રણ પગલાં જમીન માંગવા ગયા ત્યારે તેમના કમંડલમાં અત્યંત સુક્ષ્મરૂપ ધરીને રાક્ષસોના ગુરૂ શુક્રાચાર્ય પ્રવેશી ગયેલા. ધર્મયજ્ઞમાં શુક્રાચાર્યની આ કનડગતની વામનને ખબર પડી. તેમણે તૃણ અથવા ધ્રોકડનું લાબું-તીક્ષ્ણ પર્ણ “કુશા” લઇ કમંડલમાં ખોસ્યું અને શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી.
કહેવાય છે કે,આ બનાવ આજના દિવસે જ બન્યો હતો….!

અન્ય મહત્વ –
ખેડુતો આજના દિવસે ધાન્યબીજ લઇ લે છે. કેમ કે,આજનો દિવસ એ માટે શુભ મનાય છે. અને દિવાળી બાદ એની વાવણી કરે છે. વેપારીઓ પણ આજથી ઉધારીનો વ્યવહાર બંધ કરે છે. ઘર-આંગણ આજથી દિપવા લાગે છે.

ધનતેરસ એ સર્વ માંગલ્યનો તહેવાર છે. સ્વાસ્થય,સમૃધ્ધિ અને હરાયાળીની કામના આ દિવસે કરવામાં આવે છે. અંતે સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ…!

– Kaushal Barad.

error: Content is protected !!