સોરઠમાં ત્રણ ત્રણ વરસનો દુકાળ પડ્યો છે, એવાં ટાણે છત્રાવા ગામનો દેવુશુર ચારણ દુઘમલ દિકરા ને ધોડીયે હિચોળતી દેવરુપ ચારણયાણી રૂપાને ઘર સોપી ગીર ભણી હાલી નિકળે છે. હાલતા હાલતા વચ્ચે એક ગામ આવે છે ગામનું નામ શીમરોળીયુ ગામ નો ચારણ રામશુર વસે છે રામશુરે દેવાને પુછયું ભાઈ ઢોર કઇ બાજું જશો, દેવો કહે ગીરમાં જાવાનો મનસૂબો છે, રામશુર ને દયા આવી એને જણાવ્યું મારા ખાશે ઇ તારા ખાશે હાલ મારી ભેળો. રામશુર દેવા ના દુખનો ભાગીદર થયો રામશુર ને વસતાર મા એક દિકરી નામ એનું પાતળી બાપ રામે પાતળીને પટાબાજી મા પાવરધી બનાવેલ હિમ્મતનો કટકો..
દેવશુર ઢોર ચારતો પાતળી ભાત આપવા વગડે જતી આ રોજનો ક્રમ થઈ ગયો. પાતળી માટે ઘણાં માંગા આવ્યા હતા પણ પાતળીના જીવનમાં હજું કોઈ પુરુષે પ્રવેશ કર્યો ન હતો. પણ જ્યારથી દેવશુર ઘરે આયો ત્યારથી પાતળી નું રૂદિયુ દેવશુર પ્રત્યે કોમળ બન્યું. આજ ઢોર આઢી વગડે જતાં દેવશુરે ચોપડમાં ઊભેલ પાતળી ને ધરાઇને નીરખી લીધી એની ઝરતી આંખો મા હેતના હિલ્લોળા જોયાં પ્રિત્યુનો રંગ પારખી લીધો પણ.. પણ પોતાની પરણેતર રૂપાની સ્મૃતિ થતાં પારણે પોઢેલ બાળક યાદ આવે છે ને ઢોર લઇ વગડે હાલી નિકળે છે. પાતળી માટે દેવો સર્વસ્વ થયો હતો ને દેવશુર ને તો પત્ની બાળક હતા આ વાત કેમ માનું. બીજે દિવસે ભાત લઇ પાતળી વગડે આવે છે. જમાડયા પછી દેવું બોલે છે પાતળી પારકા જણ હાટું કહટી વેઠીને મોરી ભાળ રાખશ તુ મારા દિલની એકવાત જાણતી નથીં. પાતળી બોલી: દેવા હું જાણું છું કે તું મને મેલીને નહીં જાય. દેવો મુંઝાઇ ગયો. દેવાએ બહું વિચારીને વિચાર ના અંતે શીમરોળીયુ છોડવાનો નિર્ણય કરી લીધો.
ટુંકમાં રામશુર ચારણ ના આંગણે પાતળી ના હેત ભર્યા રોટલા ખાઇને ત્રણેક મહિના વિતાવી એક દિ ઉગતાં સુરજ દેવના વારણા લઇ શીમરોળિયુ છોડી પોતાને ગામ છત્રાવે ચાલ્યો ગયો. પ્રેમમા પાછી પડેલ પાતળી ને ઊંઘ આવતી નથી દેવશુર ને યાદ કરી એને એક મહિનો વિતાવ્યો… એક અંધારી કાળી ડિબાંગ રાતે પથારીમાં પાછાં ફેરવતી પાતળીએ કોઈ સ્ત્રીની આફતભરી ચીસ સાંભળી ને ફડાક કરતી ઊભી થઈને પાતળીએ ખીંટીએ લટકતી તલવાર ઝાલીને હબાક કરતી કાળી રાતમાય બારે નીસરી ને ચીસની દિશા ભણી હાલી નિકળે છે ખુલ્લી તલવારે. ગામની ભાગોળે રેતાળવી શેયડીમા ત્રણેક સિપાહીઓ જેવાં પુરુષો કોઈ સ્ત્રીને ઢસડી રહ્યા છે તે જોઈ પાતળીએ પડકાર ફેંક્યો ખબરદાર અસ્તરીની લાજુ લૂંટતા શરમાતા નથીં આ તમારી સગી નહીં. થાય પેલાં ત્રણ જણાંએ તલવાર તાણી પાતળી ને વચમાં લીધી ને ધીંગાણું જામ્યું ત્રણની સામે એક પાતળી ઝપાઝપી મા એક પુરુષ નુ મસ્તક જુદુ કરી નાખ્યું, બીજા બે ગભરાણા ને જીવ લઇ ભાગ્યા પાતળી પાછળ પડી ને છેટે મુકી આવી. પછી પેલી સ્ત્રી પાસે આવી વિગતે વાત જાણી.
કાળ ઊતરવા ગીરમાં ગયેલ છત્રાવાના દેવશુર ચારણની બેન પુનીને વળતાં પાટણનાં સૈનિકો ભેટી ગયાં, પુનીના પતિ ને મારી એના દેહ પર કુડી નજર કરી પુની એ મચક ના આપી એટલે ઢસડીને કુવે નાંખવા હાલ્યા તા, કર્મયોગે પાતળી એ બચાવી. વળતે દિ એ પુનીને મેલવા છત્રાવા ગામ હાલી. બપોરના આકરા તાપ એવાં ટાણે છત્રાવાને માર્ગ હાલ્યા જતા પુની અને પાતળી ને ધંસારીથી કવલક પરણવા જતી એક જાન ભેટી ગઇ જોબનવંતી આ જુવતીઓને બાંટવા ના પાદર સુધી જાનનો સથવરો પાતળીને મળી ગયો.. જાનડીયુએ મધુર કંઠે લગ્ન ગીત થી વેરાન વગડો જાણે હરખી રહ્યો છે એવાં ટાણે જાન વાટમા આવતી ટબુડી વાવને ટેકરે પુગી તઇ વાવ વિયાણી હોય એમ વાવમાં છુપાઇને બેઠેલાં આઠેક લૂંટારુ સંધી બહાર આવે છે. આઠ લુંટારા જોઇ વોળાવિયા સાવ ઠરી જાય છે ને હુકમ કર્યો ઘરેણાં ગાઠા ઊતરવા માંડો ને સ્ત્રીઓ પોતાના ઘરેણાં ગાઠા ઊતરવા લાગી. કાળો કકળાટ થવાં લાગ્યો.
આ જોઈને પાતળી નુ લોહી ઊકળી ઊઠ્યું લૂંટવામાં મશગુલ એક જણને કમરેથી છરરર કરતી તલવાર ખેંચી એક બધુંકધારી સંધી ને ઝબરક ઝાટકો દિધો બોચીમાથી માથું વઢાઈ ગયું, બીજા લુંટારા પાતળી માથે તૂટી પડ્યા પણ પાતળીએ તલવાર વિઝવા માંડી માથાનાં કેશ છુટા થઇ ગયાં જાણે રણચંડી રણે ચડી સાત સાત તલવારો ની તાળી પડવા લાગી, ત્રણેક ની લોથ ઢળી પડી તે જોઈ બંધુકધારી વોળાવિયા એ બે ધડાકા કર્યાં બેને પણ વધાવી લીધા, તે જોઈ જીવ પર આવી ગયેલા એક સંધીએ દુર પડેલી તલવાર લેવા જતા પાતળી ની તલવાર મા પોરવાય ગયો એ સમયે લાગ મેળવી એક સંધી એ પાતળી ના પેટમાં તલવાર પરોવી દીધી ને મુઠ્ઠીવાળી ભાગ્યો.
વાહ જોગમાયા આજ તે જાનને જાળવી કહીં જાનના માણસો પાતળી પાસે આવે છે પાતળી આરપાર વીંધાઇ ગયેલ છે, પાતળી ને ખોળે લઇ રડતી પુની રોવા લાગી આશ્વાસન આપતી પાતળીના મુખ પર હાસ્ય ફરી વળ્યું બોલી બુન પુની મને વિશ્વાસ દે કે મારો સંદેશો તુ છત્રાવે પુગાડીશ. પુનીએ હા ભણી કેમનો પુગાડાઇ મારી બુન તારો ગણ કેમ ભુલાય પુની.દેવશુર ને કેહજે કે તારી પાતળી અંતરીયાળ રહી. હે બુન તુ મારા ભાઈ ને ઓળખે છે. કેમ નો ઓળખું ઈની હારે મે પ્રિત્યુ બાંધી છે ઈ હૈયાની હારે ચાર ફેરા ફરી હોત તો હું સરગે જાત પુની, ઇ દેવશુર ને કેહજે કે તારી પાતળી તારુ નામ લવતી લવતી ટબુડી વાવ પાસે પડી છે. પુની દેવશુરે મારી પ્રિત નો ઓળખી ઇના હ્રદયમા રાખી પણ ઇ કોણ જાણે કેમ પરણવા તૈયાર ના થયો ને છત્રાવે ચાલ્યો ગયો મારો જીવ લેતો ગયો. તુ મને સાથ દઇશ એ આશાએ હુ તારે ગામ હાલી પણ મોરા સંધાય ઓરતા અધૂરા રહી ગયા બુન પાતળી એમ રાડ પાડી. પુની એ પાતળી ને ભીંસી લીધી પાતળી મારો ભાઈ દેવશુર પરણેલ છે એને એક બાળક છે ઇ કીમ કરી પરણે ને પાતળી ને આનાકાની નુ કારણ મળી ગયુ વેદનાને ભુલી એ હસી રહી ધન્ય છે દેવશુર તોરી પત્ની પ્રત્યે પ્રિત્યુને ધન્ય કહીં પાતળી પુની ને કેહવા લાગી છેલ્લા રામ કહીં દેવશુર ને કે જે બુન તારી પાતળી આવતે ભવે તોરી રાહ જોશે મારો સંદેશો તુ પુગાડજે બાઇ,
દેવશુર જાતાં દિ આથમ્યો આયખું હંધારૂ ઘોર
પણ એક દિ સાજણ આવશે મારા મનડાનો મોર..
અને દેવશુર….દેવશુર લવતી પાતળી ના મુખ સાથે સ્મિતની રેખા દોરાઇ ગઇ એ સાથે એણે દેહ છોડી દીધો ને પાતળી પાતળી કરતી પુની એનાં નશ્વર દેહ ને બાજી પડી. છત્રાવા જઇ રોતા રોતા પુની એ વિગતથી વાત કરી તઇ દેવશુર નુ હૈયું ફાટી પડયુ, પોતાની બહેન ને બચાવનાર ને પોતાના પ્રેમની પાછળ આહુતિ દેનાર સ્નેહી સજણી પાતળીના નામની રાડ પાડી ઊઠ્યો એકાએક દેવશુર ગાંડો થઇ ગયો ને ભાગવા માંડયો પાતળી પાતળી શીમરોળિયે રામશુર ને ખબર પડી એ રડી પડ્યો પણ દિકરીએ નામ ઊજાળ્યુ વીરાંગના બની ઊઠતો ટબુડી વાવ પાસે પૂગ્યો, પાતળીની ખાંભી ખોડી ખાંભીને નમી પડ્યો તે ટાણે પાતળી પાતળી કરતો દેવશુર આવી ચડયો ને માથું ફોડી પાતળીની ખાંભીને લોહીથીં રંગી નાંખી પછી બથ્થ ભરીને સૂતો એ સૂતો સદાને માટે સૂતો..
નોંધ÷ ટબુડી વાવ પર બે પાળીયા એ પ્રેમીઓની યાદ અપવતા ઊભાં હતાં પણ કાળક્રમે વાવમાં ગરકાવ થઈ ગયાં કે પછી શુ થયું? કાંઈ જણાતું નથી પણ આ એજ ટબુડી વાવ છે. ત્યાં ક્યારેય કોઈ શ્રીફળ ચડાવે છે વાવ થોડી દેખાય છે બાકીની બુરાઇ ગઇ છે ખરેખર આનાં પર થોડું ધ્યાન દેવામાં આવે તો કદાચ પ્રિતધેલા પારેવડા ની ખાંભીઓ મળી જાય તે અદ્ભૂત કાર્ય થાય, બસ એજ ભાવનાં…. મિત્રો આ એજ વાવ છે જે આ હાલતમાં છે થોડો વિચાર કરો કે આ આપણી સંસ્કૃતિ ની ધરોહર ને જીવંત રાખવી એ આપણી ફરજ છે શુ કહેવુ છે?
ત્યાંની લોકવાયકા એવી છે કે પાતળી અને દેવશુર કોઈ કોઈ ચાંદની રાતે સાથે ટબુડી વાવ પર બેઠા બેઠા ગીત ગાતાં ઘણીયે વાર સંભાળય છે એ ચારણી વીરાંગનાના વીર પ્રસંગો ટબુડી વાવ આગળ આજ પણ તાજાં થાય છે..
卐..વિરમદેવસિહ પઢેરીયા 卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..