દેશપ્રેમી રાજવી

ઇ.સ. ૧૯૨૧ના જૂનની નવમી તારીખે લીંબડીના ચોકમાં મહાત્મા ગાંધીજીની સભા હતી. અંગ્રેજ સત્તાએ એની ચાબુક થાય એટલી લાંબી કરીને ભય પ્રસરાવ્યો હતો કે જેથી ગાંધીજીની સભામાં પ્રજા હાજરી ન આપે. અલબત્ત રાજા-મહારાજાઓ, ઠાકોરો, તાલુકદારોથી રાજાશાહીના વિનાશવેતા એવા મહાત્મા ગાંધીની સભામાં જવાય જ શાનું? વસતી ઉપર મન ફાવે તેવાં તરંગોથી હકૂમત ચલાવવી અને રાજ કરવાનો જેના કપાળે લેખ લખાયો હતો એવા આ હકૂમરાનો ગાંધીજીની સભામાં જાય તો એનો અર્થ થતો હતો કે શોષણખોરોને પીલવાનો એ ગાંધી સિંચોડો જે તે રાજ રાજવી કે ઠાકોર પોતાના હાથે પોતાને આંગણે માંડવા માગે છે…! અને છતાં લીંબડીની આ સભા ભરચક્ક થઇ… ગ્રામસમૂહ, દલિતો, પીડિતો, બૌદ્ધિકો, સેવકો અને આઝાદી પરસ્તાનો દરિયો વહ્યો. અંગ્રેજોની આંખ ફાટે એવા સંજોગોનું નિર્માણ થયું.

સભામાં ગાંધીજીએ સ્વતંત્રતા માટેની હાકલ કરી. ‘અંગ્રેજોની ગુલામીમાંથી, રાજાશાહીની ચુંગાલમાંથી મુક્ત થવા તન તો જોઇશે જ પણ સ્વ.તિલક મહારાજનું સ્વરાજનું સ્વપ્ન પૂરું કરવા ધન પણ જોઇશે. હું આપ સૌની આગળ આજે તન મન અને ધન માંગવા પણ આવ્યો છું.’ આઝાદીના લડવૈયાઓ ધન મેળવવા માટે ઝોળીઓ લઇને સભામાં ફરવા માંડ્યા. ફરતા ફરતા સભાના એક ભાગમાં પહોંચ્યા… ત્યારે તેણે જોયું કે આટલી બધી મેદનીમાંથી અલગ તરી આવે એવો અમીર એક આદમી અહીં ધૂળમાં બેઠો છે. આમ કેમ? આ માણસને જોતાં તો લાગે કે એણે ધૂળમાં પગ પણ નહીં મૂક્યો હોય! ઊજળો વાન, અમીર ચહેરો, પ્રભાવક આંખો-કોણ છે આ મહાનુભાવ? અને સેવકો આવી વિમાસણમાં હતા એવે વખતે પેલા અલાયદા લાગતા આદમીએ જમણા પગમાંથી સવાશેર જેટલા સોનાનો ‘તોડો’ ઝડપથી કાઢીને સેવકોની ઝોળીમાં મૂકી દીધો.

‘આપ?’ સેવકોએ પૃચ્છા કરી. પેલા આદમીએ માત્ર હાસ્ય કર્યું અને મંચ તરફ આંખો માંડી… ઝોળી ગાંધીજી પાસે મંચ ઉપર ગઇ. ગાંધીજીએ વજનદાર બનેલી ઝોળીમાં હાથ નાખ્યો. સભાની પેટ્રોમેકસના અજવાસમાં સવાશેર હેમ ચળકી ઊઠ્યું…તોડા ઉપરની નકશી અને કળાકારીગરી નીરખતાં દીવાનપુત્ર એવા મો. ક. ગાંધીને ખાતરી થઇ ગઇ કે આ તોડો રાજ રજવાડાંનો જ છે, પરંતુ રાજ રજવાડું મારી સ્વરાજની સભામાં ક્યાંથી? બહુ બહુ તો રજવાડાના બાતમીદારો હોય અને મારી ઉપર ચાંપતી નજર રાખવા જ આવ્યા હોય… અને એ પણ છુપાવેશે…!

‘જે ભાઇએ આ તોડો આપ્યો છે.’ ગાંધીજીએ ભરી સભામાં જાહેરાત કરી, ‘એ ભાઇ અહીં મંચ પર આવે. મારી વિનંતી છે… કે તેઓ આવે…’ અને એ જ પળે સભાના એક ભાગમાંથી દમામદાર દેખાતો એક આદમી એની અમીરી ચાલે આસ્તે કદમ મંચ પર આવ્યો. પોતાની એણે ઓળખાણ આપી અને નામ જાહેર થયું કે સોનાનો તોડો આપનાર ઢસા અને રાયસાંકળીના તાલુકદાર એવા દરબાર ગોપાળદાસ દેસાઇ છે. સભામાં તાળીઓ પડી. હર્ષની લહેર ઊઠી…! ‘આપે આ તોડો સમજી વિચારીને આપ્યો છે ને?’અમીર ઉમરાવના પોશાકમાં દરબાર ગોપાળદાસની શુદ્ધ બુદ્ધિને ચકાસવા ગાંધીજીએ ઊલટ તપાસ આદરી, ‘આ તો ઘણું બધું સોનું છે, દરબાર…! સમજણથી આપો છોને?’ ‘હા બાપુ! સમજણ તો ઘણા સમયથી રાખું છું પણ મને મોકો આજે મળ્યો….’ અને પળ રહીને પોતાની સમજને દ્રઢ કરવા ઉમેર્યું:

‘મારા દેશની આઝાદી માટે મારી ભાવનાઓનો આ તો માત્ર એક સહસ્રાંશ ભાગ જ છે, બાપુ! આપ કશી આશંકા ન સેવશો…’ગાંધીજીના ચહેરા પર અમી છવાયું, દેશના આઝાદીસંગ્રામમાં રાજાશાહીની જોહુકમીની વાડીમાંથી દેશભક્તિનો પ્રથમ આંબો મહોર્યો…! સૌરાષ્ટ્રના દેશપ્રેશી, સ્વરાજપ્રેમી એક રાજવીએ સ્વરાજની લડતના ઘોષણાપત્રમાં જાણે સહી કરીને મંજૂરીની મહોર મારી…! અને કાઠિયાવાડના આંગણે ઢસાના રાજવીના આ પગલાંએ સન્નાટાની વાછટ છંટાણી…. નાનાં મોટાં રજવાડાં તો આ વાતને ગોપાળદાસની અણઆવડત અને છોકરમત ગણીને હસી નાખી પણ જેના અંગ્રેજી તાજ નીચે એક મહાન રાષ્ટ્રને ઢબૂરીને બેઠેલા ગોરાઓની આંખમાં મરચાંની ભૂકી પડી…!

દોઢસો વરસની અનેક ખૂટલાઇ, દગાબાજી, રાજરમતથી આ દેશના રાજાઓની આંતરિક સાંઠમારી, કુસંપ અને મૂર્ખતામાંથી જ આવડા મોટા રાષ્ટ્રને ગુલામ બનાવાયો હતો અને એ જ ક્ષેત્રનો એક નાનકડો રાજવી અંગ્રેજોની હકૂમતના દારૂખાના તરફ સળગતી દીવાસળી લઇને દોટ મૂકી રહ્યો હતો! ગાંધી ઉપર માંડેલી અંગ્રેજોની વિસ્મયની આંખ હવે રાયસાંકળીની અને ઢસાની તાલુકદારી તરફ શિકારી થઇને મંડાણી! ગોપાળદાસ નિયમિત રીતે કોઇ હજૂરી, ચોંપદારને સાથે રાખ્યા સિવાય પોતે એકલા અને અંગત રીતે લોકોને મળતા. હરિજનવાસમાં બેસીને એનાં સુખ-દુ:ખ સાંભળતાં. પોતાની હકૂમતમાંથી વેઠવેરો નાબૂદ કર્યા. ખેડે તેની જમીનના હક આપ્યા. પોતાની શાળાઓમાં લેવાતી ફી માફ કરી… કદાચ આખા દેશમાં સૌપ્રથમ એના વતનના વસો ગામમાં, મોન્ટેસરી બાલમંદિર ખોલ્યું જેમાંથી પ્રેરણા લઇને પ્રખ્યાત બાળમાનસવેતા ગિજુભાઇએ બાળ શિક્ષણના પ્રયોગ શરૂ કર્યા…

દરબાર ગોપાળદાસ આસ્તે આસ્તે ગાંધીવાદ અને ગાંધી વિચારોને આત્મસાત્ કરી રહ્યા હતા. ખાદી ગ્રામોધ્યોગ, સ્વાવલંબન કષ્ટ-મુક્તિ અને માનવ અધિકારો જેવી ગાંધી છાપ પ્રવૃત્તિઓને એમણે પ્રાથમિકતા આપી અને સ્વરાજ આંદોલનને વધારે વેગવાન બનાવ્યું. આખા કાઠિયાવાડમાં નિરાંત કરીને બેઠેલી ગોરી સરકાર, ઊઘડતી આંખે ઢસાના આ તાલુકદારને દહેશત ભરીને જોઇ રહી. ગાંધીજીના સ્વરાજ આંદોલન અને ચળવળનું પ્રથમ ઉંબાંડિયુ કદાચ ગોપાળદાસ દ્વારા મુકાય એવી ગોરાઓની આશંકા દ્રઢ બની. દરબાર ગોપાળદાસની કુશળતા, વહીવટ અને પ્રજાભિમુખતાના કારણે એના પર સીધો પ્રહાર કરવા જતાં વસતી પણ વીફરી બેસે તો એક ટળીને બીજી થાય એવી બીક પણ હતી. આથી શકરાબાજ અંગ્રેજ અમલદારો ગોપાળદાસ ઉપર ત્રાટકવા દિમાગ ગરમ કરીને બેઠા હતા. અને એ જ વેળા દરબાર ગોપાળદાસ લીંબડીની ગાંધી સભામાં છતા થયા એટલું જ નહીં સ્વરાજ ચળવળના હિમાયતી થઇને બહાર પણ આવ્યા…!

આ બાબતને અંગ્રેજી સરકાર વિરુદ્ધની ગણીને ઇ.સ. ૧૯૨૨ની ૧૭મી જુલાઇએ અંગ્રેજ સત્તાએ એના પર તહોમતનામું મૂકીને એની જાગીર જપ્ત કરી. માલ-મિલકત અને આવાસોને તાળાં માયાઁ અને કાઠિયાવાડના તાલુકદારોની નામાવલિમાંથી એનું નામ રદ કર્યું…! પણ વળતા દિવસે આ બહાદુર રાજવીએ સરકારી સીલ અને તાળાં પોતાને હાથે તોડી નાખ્યાં અને પછી કોર્ટમાં એમણે નિર્ભીકતાથી બયાન આપ્યું: ‘હું ગુનેગાર છું કે બિનગુનેગાર તે નક્કી કરીને કેસ ચલાવવાનો કોર્ટને કે અંગ્રેજ સરકારને કોઇને અધિકાર નથી. મારો તાલુકો છીનવી લઇને મારું નામ તાલુકદારની યાદીમાંથી રદ કરવાના આ સરકારનાં તમામ પગલાં અન્યાયી છે. મારી માલ-મિલકત પર તાળાં અને સીલ કરનારને હું તાબે થવાનો નથી. સરકારના આ ગુનાહિત પગલાંને પડકારીને તાળાં સીલ તોડી નાખવાનો મારો સ્વયંસિદ્ધ હક હતો… અને મેં તોડી નાખ્યાં છે… આ માટે મને જે શિક્ષા થશે તે હું ભોગવવા તૈયાર છું.’

હજારો રૂપિયાની આવકવાળી એમની જાગીર ગઇ. હકૂમત ગઇ છતાં એનો એને કાંઇ અફસોસ નહોતો. ઊલટાના આ પછી તો એમણે સત્યાગ્રહ જંગમાં રીતસર ઝંપલાવ્યું. બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહમાં જોડાઇને અન્ય રાજવીઓને પણ પ્રેરણા આપી. આઝાદી આવવાના સમયે ૧૯૪૭ના મે માસમાં દરબાર ગોપાળદાસને એમનો તાલુકો સુપરત કરવા, તે સમયના મુંબઇ રાજ્યના મુખ્યપ્રધાન બાળાસાહેબ ખેર જાતે ઢસા આવ્યા હતા. રાજ્યને પ્રજાની મિલકત ગણીને એમણે પ્રજા વતી વહીવટ સંભાળ્યો…આ દેશપ્રેમી રાજવીનું ૧૯૫૧ના ડિસેમ્બરની પાંચમી તારીખે રાજકોટમાં અવસાન થયું ત્યારે દેશપ્રેમીઓની આંખો ભીની થઇ ગઇ.

(નોંધ : આજે (ઢસા) ગોપાળગ્રામમાં ગોપાળદાસ સભાગૃહ છે. વસોમાં એમના નામનાં ટાવર અને પ્રતિમા છે. આણંદમાં ગોપાળદાસ દેસાઇ સ્મારક ભવન છે. અલિયાબાડામાં ગોપાળદાસ મહાવિદ્યાલય છે. ઢસાનો તેમનો દરબારગઢ ગામની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ગામને અર્પણ થયેલો છે. વિગત : કનુભાઇ રાઠોડ-ગોપાળગ્રામ)

તોરણ – નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!