ધર્મ, અર્થ, કામ અન મોક્ષને સિધ્ધ કરવાના સાધનરુપ સુર્યદેવ ઝેકોળો કરી રહયો છે. ભગવાન શ્રીકૃષ્ણની વેણુના નાદે કાલીદીના કાંઠે વિહવળ થયેલી વ્રજનારીઓના ઉર જેવી ભોમકામાંથી વરાળું ઉઠી રહી છે. પંખીઓ પાંખો સંકોરી વૃક્ષોના ઝુંડમાંથી ઝુલી રહયા છે.
એવે વખતે આર્યવ્રતની તીર્થભુમિ શ્રીનાથજીમાં ગોસાઈ મહારાજ દિવાન અનંતજીને પોશકા આપી બહુમાન કરવા તૈયાર થયા. એટલે અનંતજીએ બે કર જોડી કહયું મા રાજશ્રી મને માફ કરશો..
આવું મોટુ માન અકરામ લેવા માટે આનકાની કરતા દિવાન અનંતજી સામે ગોસાઈજી મહારાજ મીઠી મીટ માંડી રહયા.
વાત એમ બની હતી કે જુનાગઢનો એક વખતનો નાગર નરબંકો દીવાન અનંતજી એક હજાર માણસોનો સંઘ લઈને કાશીક્ષેત્રની યાત્રાએ નીકળ્યો છે. ભેળા રૂદિયાને રાજી કરનારા નૃત્ય કરનારા છે. ગવૈયા અને બજવૈયા પણ ભેળા છે. વૈદ્યો અને જોષીઓને પણ લીધા છે. પંડિતો અને પુરાણીઓ પણ છે. પાલખી અને મ્યાનાઓની કતાર બંધાતી આવે છે. પહેરગીરો ખબરદારી રાખી રહયા છે. જુનાગઢથી અમૃત ચોઘડીએ નીકળેલો સંઘ દેરાતંબુ નાખતો વડાલ, જેતપુર, ગોંડલ થઈને રાજકોટમા પડાવ નાંખ્યો. રાજકોટના ઠાકોરને વાવડ મળતાં જ આખા સંઘને ઘી-ખાંડ પીરસી બળદ ઘોડાને ચારો નીર્યો. સંઘના હજાર માણસને પોશાક આપી નવાજ્યા. રાજકોટથી નીકળેલો સંઘ કુવાવડા પોટીલા થઈને સાયલે પુગ્યો. સાયલા દરબાર સાહેબે સંઘને બે દિ જમાડયો. દીવાન અનંતજી અને દરબાર સાહેબ અને કુંવરને પોશાક આપી માનપાન કર્યો. દિવાન અનંતજી દરબારમાં ગયા ત્યારે રાજ તરફથી હેમનો દોરો, વેઢ અને વીંટીથી વળતો વહેવાર કર્યો. દીવાનના ભત્રીજા માણેકલાલને રેંટો અને હીરાલાલને ચોકીદાર રેટો પહેરાવ્યો. સાયલાથી નીકળેલો સંઘ ચુડે પુગ્યો. ઠાકોર સાહેબે સંઘનું સામૈયું કર્યું.
ચુડા રાજ્યે ઘી-સાકર પીરસ્યા. સામ સામા પોશાકોની આપલે થઈ. વઢવાણ થઈ સંઘ પુગ્યો બહુચરાજી, ત્યાં દીવાન અનંતજીએ બ્રહ્ભોજન દીધું. ત્યાંથી સિધ્ધપુરમાં સરસ્વતીના નીરે તંબુતાણી, દુધપાકનું બ્રહ્મભોજન કરાવી સોનાનું દાન દઈને ભુદેવોને રાજી કરી દાંતે મેલાણ કરીને જુનાગઢનો જોધારમલ સંઘ લઈને પુગ્યો અંબાજી. માને આભુષણ અને પોશાક ધરીને વડનગર તરફ વળ્યા. વડનગરમાં શતરૂદ્રી. ગાયત્રી પરૂશ્રરણ કર્યા. બ્રાહ્મણોની ચોરાશી કરી, નાગરી નાતમાં લ્હાણું કરી હાટકેશ્વર મહાદેવને રૂપાનાં કમાડ કરાવીને અનંતજી આવ્યા શામળાજી. શામળાજીના દર્શન કરીને કેશરીઅનાથામાં મુકામ કરીને ઉતર્યો ઉદયપુરની ધરતી માથે.
અનંતજીભાઈના સંઘનો ઠાઠમાઠ જોઈને સૌ દંગ થઈ ગયા.
તે દિ ઉદયપુરમાં ગણાગોરની મોટી સવારી હતી. આ સવારી જોવાનો સંઘના માણસોને લાભ મળે તે માટે અનંતજીભાઈએ પોતાના નાતાદારની દુકાન પર ગોઠવણ કરી.
મહારાણાની નજર દીવાન અનંતજીભાઈ પર પડી. બીજા દિવસે અનંતજીભાઈ કોણ છે તેની તપાસ કરવા ખાનગી દીવાન લક્ષ્મણ રાઓને પડાવ પર મોકલ્યા.
અનંતજીભાઈ નો રૂવાબ અને દબદબો જોઈને લક્ષ્મણરાઓ મહારાણાને વાકેફ કર્યા. મહારાણાએ મુલાકાત માટે રાજદરબારમાં આવવાનું કેણ મોકલ્યું.
દિવાન અનંતજી એ કહયું-મહારાણાનું માન મારા માથા ઉપર પણ.
લક્ષ્મણરાઓ કહે- પણ શું?
બેઠકનું માન મળે તો આવું. બાકી મુલાકાતને હું ફોકટ ગણું છું. ઉદેપુરના રાજદરબારમાં બેઠકનું માન મળવું દોયલું હતું. લક્ષ્મણરાઓ મુંજાયા. રાજના શિરસ્તા વિરૂધ્ધ વાત હતી.
દિવાનજી ઘણું અધરૂ કામ છે.
લક્ષ્મણરાઓ પોતાની મુંજવણ મુકી એટલે દીવાન અનંતજીએ વળતો ઉત્તર દીધો.
હું તો જાત્રાએ નીકળ્યો છું. માનપાન પડતાં મુકીને પગપાળો છુુ. પણ મારા સોરઠના ધણીને ખબર પડે કે મારા દીવાનને બેઠક ન મળી એ વાતનો મોટો ખટકો રહી જાય.
મહારાણાએ બેઠક કબુલી, બીજા દિવસે સોરઠનો સિંહ ઠઠારા સાથે ઉદયપુરના દરબારમાં દાખલ થયો. મહારાણાને દશ પુતળીયા નજરાણો કર્યો. જમણીબાજુ બેઠક લઈ ગુજરાતના બેઠક લેનારા પહેલા દીવાન તરીકેનું માન ખાટયું. વળતા દિએ મહારાણાએ પોશાક મોકલી દીવાનને વહેવાર કર્યો.
આવા માનપાન પામતો દીવાન અનંતજી શ્રીનાથજીના મહારાજશ્રીની માફી માંગી રહયો છે.
ગોસાઈજી મરક મરક હસીને હંઠે ચડેલા દીવાનને પોશાક લેવા તાણ્યું કરે છે.
કાઈ કારણ કહેશો?
મહારાજશ્રી કારણ તો તમથી કયાં અજાણ્યું છે?
ફોડ પાડો તો ખબર પડે
મહારાજશ્રી દીવાન અનંતજી શ્રીનાથજીમાં આવે અને જાત્રાળુઓ માથેનો કર નો ઉઠે તો અનંતજીનું આવ્યું શું લેખામાં!
અનંતજીની વાત સાંભળી ગોસાંઈજી મહારાજ ઘડીક થંભી ગયા.
તે દિ શ્રીનાથજીની યાત્રાએ આવનારા સાથે મહારાજશ્રી તરફથી ગાડા દીઠ ૩૬ રૂપીયા, ઘોડા દીઠ ૧૦ રૂપિયા, પોઠીયા દીઠ ૧પ, માણસ દીઠ ૧૧ રૂપિયા લેવામાં આવતા હતા. દિવાન અનંતજીને આ વાત અંતરના સાતેય પડદા ચીરીને અનળ સ્તરને અડી ગઈ હતી.
મહારાણા પાસે બેઠકનું માન મેળવીને આવેલો કાઠીયાવાડનો આ કરડો મુત્સદી મહારાજશ્રીને મનથી ગમી ગયો. આ તકરારાનો અનંતજીએ અંત આણ્યો, કર માફ કરાવી ગોંસાઈજીના હાથે પોશાક લીધો અને આભાર સાથે પાછો મંદિરમાં પધરાવી દીધો.
સંઘને નાગરી પ્રસાદ જમાડયો, આ વખતે ખુદ ગોંસાઈજી મહારાજે પ્રસાદ પીરસ્યો.
ઘટના સમય
દિવાન અનંતજી વસાવડા આ સંઘ લઈને મહાસુદી ૭ સવંત ૧૯૨૨ના રોજ નીકળ્યા હતા. (ઈ.સ.૧૮૬૬)નું વર્ષ હતું. તમામ યાત્રા સુખરૂપ પુરી કરીને તેઓ માર્ચ ૧૮૬૭માં વળતાં અમદાવાદમાં પડાવ નાંખીને જુનાગઢ તરફ પાછા ફર્યા હતા.
આ બહાદુર, મુત્સદી અને ઉદાર નાગર નરબંકાએ સૌરાષ્ટ્રના ઈતિહાસમાં પોતાનું નામ અમર કર્યું છે. સ્વ.અનંતજી વસાવડાનો જન્મ જુનાગઢમાં સવંત ૧૮૬૫ના માગશર વદ ૧૩ના રોજ થયો હતો. તેમનું મોસાળ માંગરોળ હતું. રાજયની નાની નોકરીમાંથી તે દિવાનના દરજ્જે પહોંચ્યા હતા. મુળુ મોણેક અને જોધામાણેકના બળવ વખતે તેઓ જુનાગઢ તરફથી ફોજમાં સાથે હતા.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ
જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો