દત્તાત્રેય ભગવાનનું પવિત્ર મંદિર અને રમણીય સ્થળ ગરુડેશ્વર

મંદિરનું મહત્વ તેના આજુબાજુના લોકેશનને લીધે અનેક ગણું વધી જાય છે. મંદિરનુ સ્થળ પણ એટલુંજ મહત્વનું હોય છે. ત્યાનો માહોલ અને આપણી આસ્થા જ મંદિરોને દર્શનીય બનાવતાં હોય છે. સાંજે થતી ત્યાં દત્ત ભગવાનની આરતીનો લ્હાવો ચૂકવા જેવો નથી હોં કે મિત્રો !!!!! તેમાંય નર્મદા નદીનો કિનારો મળતો હોય અને નહાવા માટેનો ખુબસૂરત ઘાટ હોય તો પછી પૂછવું જ શું !!!! આ નર્મદાના કિનારે આવેલા પર્વતોમાં અનેક નાનાં નાનાં મંદિરો છે અનેક અઘોરીબાબા અને સાધુઓ ત્યાં વર્ષોથી રહે છે …. નાની નાની કેડી પર ચાલતાં ચાલતાં નર્મદાને માણવી અને આજુબાજુની ઘટાદાર લીલોતરીને માણવાની મઝા કંઈક ઓર જ હોય છે !!!! આ ગરુડેશ્વર આગળ જ નર્મદા નદીનું મહત્તમ ઊંડાણ છે !!!

અમદાવાદથી ૨૧૪ કિ.મી. વડોદરાથી ડભોઈ- તિલક વાડા થઈને સરદાર સરોવરના માર્ગે ગુરૂડેશ્વર પહોંચી શકાય છે.

ગરુડેશ્વર મહાદેવની પૌરાણિક કથા એવી છે કે, પુરાતન કાળમાં ગરૂડે અહીં ગજાસુર દૈત્યને માર્યો હતા, અને નદીકિનારા પરની ટેકરી ઉપર બેસીને તેનું ભક્ષણ કર્યું હતું. તેની ખોપરી ટેકરી ઉપર પડી હતી. વરસાદના કારણે ખોપરી ટેકરી ઉપરથી નીચે પડીને નર્મદા નદીમાં ગઈ. તે સાથે જ ગજાસુરને દિવ્યદેહ મળ્યો. આ સ્થળનો પાવનકારી મહિમા જાણીને ગજાસુરે અહીં આકરી શિવ આરાધના કરી.

શિવજી પ્રસન્ન થયા અને ગજાસુરને વરદાન આપ્યું કે હવે પછી તું મારો ગણ થઈશ. ગરુડના હાથે અજાણતાં જ પોતાનો ઉદ્વાર થયો એટલે તેણે ગરૂડેશ્વર શિવની સ્થાપના કરી. ગરુડેશ્વર મંદિર નદીથી થોડુંક દૂર ટેકરી ઉપર આવેલું છે. ટેકરીની નીચે નર્મદાતટ પર ગજાસુર દૈત્યએ ભગવાન શ્રી શંકરની આકરી તપશ્વર્યા કરી હતી, અને શિવજીને પ્રસન્ન કર્યા હતા. શિવજીની અહીં સ્થાપના કરી હતી. અહીં આવતા યાત્રિકો નવા બનેલા દત્ત મંદિરની મુલાકાતે શ્રદ્ધા સાથે આવે છે.

અહીં દત્ત મંદિર અને શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનું સમાધિ મંદિર તથા ધ્યાનકેન્દ્ર આવેલાં છે. પ્રવેશદ્વાર પાસે ધર્મશાળા તથા પાછળના ભાગે ભોજનશાળા આવેલી છે. ગરૂડેશ્વરથી મહારાષ્ટ્ર રાજ્યની હદ નજીક થાય છે. દત્તાત્રેયજીમાં શ્રદ્ધા ધરાવતા મહારાષ્ટ્રીયન પરિવારોની અહીં વિશેષ હાજરી જોવા મળે છે. દત્ત મંદિર અને ગરુડેશ્વર મંદિરનો વહીવટ અલગ છે. દત્ત મંદિર અને નારેશ્વરનું એક ટ્રસ્ટ છે, જ્યારે ગરુડેશ્વરની જગ્યા ગાદી પરંપરાવાળી છે. ગરુડેશ્વરનું મંદિર પ્રાચીન અને નાનું છે. મંદિર ની પાસે પૂજારીને રહેવાની નાની ઓરડી છે.

શ્રી વાસુદેવાનંદજીનો જન્મ મહારાષ્ટ્ર રાજયના માણગાંવ નામના ગામમાં તા.13-8-1864 માં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતા રમાબાઈ તથા ગણેશજી બંને વિરક્ત અને દત્ત ભક્ત હતાં. એટલે બાળપણથી જ સ્વામીજીને દત્તોપાસનાના સંસ્કારનું સિંચન થયું.

પાંચ વર્ષની વયથી તેઓશ્રીએ શાસ્ત્રનો અભ્યાસ આરંભ્યો. આઠ વર્ષે બ્રાહ્મણને જરૂરી સર્વ કર્મ શીખ્યા. કઠિન ગણાતા શાસ્ત્રગ્રંથો અને વેદ મંત્રોથી તેઓશ્રીએ પ્રાપ્ત થયેલી સિદ્ધિ જોઈ લોકો આશ્વર્ય ચકિચ થઈ જતા. આ કોઈ અવતારી પુરુષ છે એની સૌને ખાતરી થવા લાગી. પંદર વર્ષની વયે તેઓશ્રી અન્ય વિધાર્થીઓને શાસ્ત્રગ્રંથ શીખવવા લાગ્યા ! આથી તેઓ શાસ્ત્રી બુવા નામે ત્યારે જાણીતા થયા. શાસ્ત્રી બુવા પંચાયત પૂજા ને દત્ત પાદુકાનું પૂજન કરતા. નિત્ય ગુરુચરિત્ર વાંચતા અને વરસમાં બે વાર દત્ત ભગવાનના તીર્થક્ષેત્ર નરસેવા વાડીની તેઓ પદ યાત્રા કરતા. છવ્વીસ વર્ષની વયે ચાંદ્રાયણ વ્રત કરી એક માસના ઉપવાસ રાખ્યા હતા. ત્યાર બાદ તેઓશ્રીએ ગાયત્રી પુનઃઉચ્ચાર કર્યું હતું.

એકવીસ વર્ષની વયે તેઓએ અન્નપૂર્ણા બાઈ નામે ધર્મસંસ્કારી મહિલા સાથે લગ્ન કર્યા. એક પુત્રનો જન્મ થયો અને બાલ્યકાળમાં જ તેનું અવસાન થયું. નરસેવાની વાડીમાં બિરાજતા શ્રી ગોંવિંદસ્વામી નામે સિદ્ધ મહાત્માના મેળાપથી શ્રી વાસુદેવ મહારાજની દત્ત ઉપાસનાને વેગ મળ્યો હતો.

ચોવીસ વર્ષની વયે નરસોવા વાડીમાં સ્વામીજીને ભગવાન દત્તાત્રયમાં પ્રત્યક્ષ દર્શન થયાં. માણગાવમાં દત્તમંદિર બાંધવાની ભગવાને આજ્ઞા કરી. શક 1805ની વૈશાખ કૃષ્ણ પંચમીએ મંદિરમાં દત્તાત્રેય ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થઈ. સાત વર્ષ માણગાંવમાં રહી, પછી પત્ની સાથે યાત્રા માટે નીકળ્યા. શક ૧૯૧૨માં અન્નપૂર્ણા બાઈનું અવસાન થયું. આ સમયે સ્વામીજીની વય છત્રીસ વર્ષની હતી. પછી સ્વામીજી ઉજ્જૈનમાં વિરાજતા નારાયણ સ્વામી પાસે આવ્યા, સંન્યસ્ત દીક્ષા લીધી અને વાસુદેવાનંદ સરસ્વતી એવું દીક્ષાનામ મળ્યું.

દીક્ષા બાદ સ્વામીજીએ ભારત યાત્રા આદરી, અને ૧૫-૪-૧૯૧૩ના રોજ સંધ્યાકાળે ગરુડેશ્વર પહોંચી એક  લીમડા નીચે આસન બિછાવ્યું. ત્યાર બાદ ભક્તો આવવા લાગ્યા અને સ્વામીજી માત્ર ભિક્ષા માટે જ કુટીરનો ઉપયોગ કરતા હતા. બાકીનો સમગ્ર સમય નર્મદાના કિનારે પૂર્વ તરફ આવેલા નારદેશ્વરના નાના શિવાલયમાં પસાર કરતા હતા.

નારદેશ્વરનું પૌરાણિક મહત્ત્વ એવું છે કે આ સ્થળ નારદજીને વૃત્તિઓની શાંતિ માટે પસંદ કર્યું હતું. અને શિવજી પ્રસન્ન થયા હતા. આ સ્થળે વિધાભ્યાસ અને યોગાભ્યાસ બહુ જલદી સિદ્ધ થાય છે. સંવત ૧૯૭૦ની વૈશાખ શુકલ સપ્તમીએ દત્તમંદિરનું અહીં ખાતમુર્હૂત થયું. મંદિર તૈયાર થતાં તેની વ્યવસ્થા માટે સ્વામીજીએ પંચની નિયુકિત કરી તેમને સોંપી દીધું.

તા.૨૪—૧૯૧૪ના દિને જેઠ વદી અમાસને રાત્રે સાડા અગિયારના સુમારે શ્રીદત્તને સામે ઉત્તરાભિમુખ બેસીને સ્વામી મહારાજે સાઠ વર્ષની વયે સમાધિ લીધી. બીજા દિવસે તેઓશ્રીના નશ્વર દેહને નર્મદાજીમાં પધરાવવામાં આવ્યો.

આવા પરમહંસ વાસુદેવાનંદ સરસ્વતીના લાખો ભકતો આજે દેશમાં તેમનામાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને એમણે જ આ સ્થાનને જાગ્રત રાખ્યું છે. સ્વામીજીની કૃપા પ્રસાદી મેળવનાર ઇન્દોર રાજયનાં મહારાણી ઇન્દીરાબાઈ હોલ્કરે ગરુડેશ્વરના નર્મદાકિનારે પાકો ધાટ બંધાવ્યો છે.

અહીં નર્મદાજીના કિનારે પૂરસંરક્ષકની ઓફિસ આવેલ છે. ચોમાસા દરમિયાન જયારે નર્મદાજીમાં પૂર આવે છે .. ત્યારે, દૂરદર્શન, આકાશવાણી અને વર્તમાન પત્રોમાં ગરુડેશ્વર ખાતે નર્મદાની પાણીની સપાટી અંગે જાહેરાતો થાય છે, જેથી ગરુડેશ્વર નામ વધુ જાણીતું બન્યું છે.

આ દત્તાતરે મંદિર નાની ટેકરીની વચ્ચે જ આવેલું છે. મંદિર અને મૂર્તિ ખરેખર અદભુત છે. મંદિરની નીચે ચોગાનમાં બાંકડા પર બેસીને દત્ત ભગવાનની આરતી અને ભજનો સાંભળીને દત્તમય બન્યાં વગર રહી શકાતું નથી ….. મંદિરની પાછળ એક સુન્દર લીલોતરીથી ભરપુર એક ટેકરી છે. ત્યાં ચડીને જઈને કુદરતના સાનિધ્યને ગોદમાં લઇ શકાય છે અને મન ભરીને માની શકાય છે !!!! ત્યાં ખાવાનું પહેલાં સારું નહોતું પણ હવે સારું મળે છે. મુખ્ય રસ્તા પર ધાબા જેવી હોટલોમાં રોટલો- સેવ ટામેટાંનું શાક અને ગોળ અને સાંજે ખીચડી કઢી ખાવાની ખુબ મજા આવે એવી છે.

ત્યાંથી કેવડીયા કોલોની એટલેકે સરદાર સરોવર ડેમ
અને
નર્મદાના સામે કિનારે વસેલું એક સુંદર ઐતિહાસિક અને રમણીય સ્થળ રાજપીપળા જઈ શકાય છે. આવો લહાવો ચૂકવા જેવો બિલકુલ જ નથી !!!

——– જનમેજય અધ્વર્યુ

?????????

error: Content is protected !!