જૂનો કૂવો ને ગંગજળ,
વાડી સરોવર વટ,
નગર દિયોદર અગર ધણી,
મરત લોકમા સરગ.
બનાસકાંઠાની પાટલા જેવી ભોમકા માથે દિયોદર ગામ બેઠું છે. રેતીની ડમરીઓ રાતદિ ઊડી ઊડીને દિયોદરને માથાબોળ નવરાવી રહી છે. ધખધખતી ધરતી ઉપર હિલોળા લેતાં તળાવો ખારા સમદરની મીઠી વીરડીના જેવાં બારેય માસ સૌનો વિસામો બને છે.
આવા દિયોદર ગામ માથે તે દિ વાઘેલા વીરોના બેસણા હતા. ચંદાજી વાઘેલાની ચોગરદમ આણ ફરતી હતી. એમ ચાદાજીની સુવાસ પણ સારાયે પંથકમાં પથરાઇ ગઇ હતી. દિલના ઓલદોલ આદમીની ડેલીએ ધમાચક બોલતી હતી. સૂરજદાદાના સમ દઇને કસુંબો પિવરાવતા, મહેમાનોની સરભરામાં કોઇ મણા રખાતી નો’તી, ઘોડાને મૂઠી ફાટે એવા લીલુડા બાજરાના જોગાણી મુકાતા, આવા ચાંદાજી વાઘેલાની ડેલીએ મહેમાન થવું એય જીવતરનો લાવો લેખાતો.
ચાંદાજી વાઘેલાનો જ્યારે સૂરજ દિયોદર માથે સોળે કળાએ તપતો હતો ત્યારે મુળુ ગઢવી ગુજરાતને ગામડે ગામડે આડેધડ આથડતો હતો. મુળુ ગઢવી આકરું નિમ લઇને ઘેરથી ઘોડે ચડીને નીકવ્યો હતો. નિમ તે કેવું ! કોઇથી પળાય નહિં એવું નિમ કે જે ઠાકોર હું માગું ઇ આપવાનું વચન આપે એને હાથે કસુંબો પીવો, ત્યાં સુધી કસુંબાની અંજળિ અગરાજ.
આવી પ્રતિજ્ઞા લઇને ઘરેથી હાલી નીકળેલા ગઢવી દિ’ ઊગે છે ને ગામના ઠાકોરની ડેલીએ જઇને ઊભા રહે છે. મુળુ ગઢવીને રૂડો આવકાર મળે છે. કસુંબાનો આગ્રહ થાય છે એટલે ગઢવી પોતાની પ્રતિજ્ઞાની વાત કરે છે ત્યાં તો ભલભલા ઠાકોરની આંખ્યુ ધરતી ખોતરવા માંડે છે.
સામે સવાલ ઊઠે છે.
‘શું માગશો એની પહેલાં વાત કરો પછી જીભ કચરાય.
ગઢવી મુળુ મુંછમાં હસીને વળતો જવાબ દે છે : બાપ, ઇ વાતનું તો નિમ છે.
તો ગઢવી, અમારું ગજાુ નથી તમારું નિમ તોડવાનું.
ગઢવી પાછા વળે છે. બીજા ગામનો મારગ પકડે છે. રાત પડે છે. ઊંઘી જાય છે. દિ ઊગે છે ને હાલી નીકળે છે. પાછા વળેલા ગઢવી ઉપર ગામે ગામનો ડાયરો દાંત કાઢે છે.
છે ને અક્કલનો ઓથમીર. જાણ્યા વગર કોઇ વચન આપે ખરૂ કે માગીશ ઇ આપીશ.
જ્યાં જાય છે ત્યાં જાકારો નહિ પણ લાચારી મળે છે. પણ મુળુ ગઢવી વાત મુકતા નથી. એની હૈયાની હામ ખૂટતી નથી…. એકધારા રઝળપાટના આજ એક વરસને માથે એકવીસમો દિવસ ગળોટિયાં ખાઇને હાલવા માંડયો છે. છતાંય નિરાશાની એક પણ રેખા એના મોં ઉપર કળાતી નથી. એ તો એકધારો પંથ કાપે છે. સાબર કાંઠાને મહિકાંઠા, ભાલની ભૂમિ, ચારોતરને પગતળે ઘસી નાખીને ગઢવી ચક્રાવે ચડયો છે.
દિયોદર ગામ માથે સંધ્યાની ચૂંદડીના છેડા ફરકવા માંડયા છે. સૂરજ દાદો આથમણી દિશા ઢાળો ઢળી રહ્યો છે. સીમમાંથી પાછી વળેલી ગવતરિયું વાછરુને ચાટવા ઉતાવળી ગામમાં જઇ રહી છે. પાણીઆરીઓ છેલ્લાં બેડાં લઇને ઘરભણી વળી રહી છે.
આવા ટાણે ચાંદોજી વાઘેલા દરબારગઢની દોઢીમાં બેઠો છે. આખમાં અમીરાત આળોટે છે. મોં ઉપર મર્દાનગીનાં મોતી વેરાણાં છે. પડછંદ કાયા ઉપર જરીઅન અંગરખુ છે. મખમલી ગાદી માથે આરૂઢ થયેલા વાઘેલાના ડાબા હાથમાં રૂપે મઢ્યો હોકો અને જમણા હાથમાં સોને મઢી હોકાની છે. સામે ત્રણસોક માણસની જમાવટ થઇ ગઇ છે. ચાંદોજી અને ડાયરો મોજમાં છે.
રામ રામ ઠાકોર અને ડાયરાને..!
‘રામ ગઢવી રામ !’ બોલતો ચાંદોજી ઊભો થઇ ગયો. આખા ડાયરાની મીટ ઘોડે ચઢીને આવતા મુળુ ગઢવી માથે મંડરાઇ રહી.
લ્યો હેઠા ઊતરો બાપ! આજ તો આંગણું ઊજળું કર્યું ! નજર ફેરવી પાણી માપી લીધું. ચાંદાજીની આગલી પેઢીએ થઇ ગયેલા પૂજા વાઘેલાની વીરતા મુળુની નજર આગળ તરવરવા માંડી.
” મહેકી મુછાળી સાચોરી લગ ચરતી હદા.
વાળી વાઘેલા પનગા બળ પૂંજડાં. ”
રંગ ગઢવી રંગ.. ડાયરામાંથી ભલકારો થયો. ગઢવીએ વાણી વહેતી કરી.
‘મેવાસી ફડકી મરે, ડરપે દીવાણા,
નરપતીઓ નમે, પોહો દિ’ ઉગે પૂંજડાં.’
ગઢવીની વાણીમાં ડાયરો વાળુ ટાણો સુધી તરબોળ બન્યો. સૌ ઊઠયા, ઊંચી પડથારવાળી ઓસરીમાં વાળુ કરવા બેઠા.
ઘીંગા રોટલા માથે ઘી – દૂધના બોઘરણાં ધરબીને સૌ ઊઠયાં.
બીજા દિ’નું સવાર પડતાં ડાયરો કસુંબો પીવા બેઠો. પ્રથમ અંજલિ સૂરજને અપાણી.
ભલા ઉગા ભાણ…
ચાંદાજીએ પહેલો કટોરો ગઢવી સામે ધર્યો.
લ્યો ગઢવી, કસુબો રંગ કરો !
ગઢવીની એક નજર કસુંબાના કટોરા ઉપર અને બીજી નજર ચાંદાજીના મોં ઉપર ચડ ઊતર થવા લાગી.
કાં ગઢવી, હાથ લાંબો કરતા નથી ?
પૂતળાની જેમ ખોડાઈ રહેલા ગઢવીને ઠાકોરે ટપાર્યા.
મારે નિમ છે.
શેનું ?
કસુંબો નઇ પીવાનું.
નિમનું કોઇ કારણ ?
હમણાં નિમનું કારણ જણાવીશ તો, આ ઉમંગભર્યા ઠાકોરના મોં ઉપર કાળી મશ ફરી વળશે. ગઢવીએ વાતને ટાળા પ્રયત્ન કર્યો.
કારણ કાંઇ નઇ
ચાંદોજી ગઢવીના ઊંડાણનો પાર પામી ગયા. ગઢવી સામે નજર નોંધીને કહ્યું :ગઢવી, વાતને સંઘરો તો તમને સૂરજદાદાની આણ છે.
ઠાકોરના અણધાર્યા બોલથી ગઢવી ઘા ખાઇ ગયા. આવી રખાવટવાળો વાઘેલો મારા નિમની વાત સાંભળ્યા ભેળો ટાઢોબોળ થઇ જશે. એનું તેજ હણાઇ જશે. ભોંઠો પડશે પણ હવે તો કીધા વગર આરોવારો નથી.
વિચારના વમળામાં ઘુમરિયું લેતા ગઢવી માથે બીજો ઘા થયો.
ન કયો તો તમને મારા ગળાના સમ છે.
હં..હં… ઠાકોર, કરોડ વરહના થાવ, જોગમાયા તમારું જતન કરે.
તો પછી બોલી નાખો તમારૂ નિમ.
ઠાકોર, મારું નિમ તો એવું છે કે જે ઠાકોર હું માગું ઇ આપવા કોલ આપે એના જ હાથનો કસુંબો પીવો, ત્યાં લગી કસુંબો અગરાજ છે.
માગવાનું કઇ નામ ખરું ?.
ના ઠાકોર, એ તો હું માગું ઇ. એની ચોખવટ નઇ.
આજ એક વરસને માથે બાવીસમો દિવસ છે. આ નિમને કોઇ કબૂલ થયું નથી.
ગઢવીની વાત સાંભળી આખો ડાયરો સજ્જડ થઇ ગયો. આવું તે કેવું નિમ ?
એક પળને બે પળ, ત્રીજી પળે ચાંદાજીએ વેણ કાઢ્યાં.
ગઢવી માગશો ઇ આપીશ પણ મારો હાથ પાછો ઠેલાશો મા..!
ગઢવીએ ઠાકોરને ચકાસ્યા.
ઠાકોર, હું શું માગીશ એની ખબર છે ?
ગઢવીના બોલ સાંભળી ચાંદાજીની આંખમાં રાતો રંગ ઘૂંટાણો એ ગજર્યો :
હું ચાંદોજી વાઘેલો, થુક્યું ચાટું તો મારી સાત પેઢી નરકમાં જાય, લ્યો કસુબો મીઠો કરો.
ગઢવી કસુબો ગટગટાવી ગયા.
આખા ડાયરાએ એની પાછળ પીધો.
માગો ગઢવી, માગવું હોય ઇ માગી લ્યો, જરાય થડકશો મા.
ડાયરાની આંખ્યુ અને કાન બેય ગઢવી સામે મંડાયા. ગઢવી કોણ જાણે શુંનું શું ય માગશે..!
ઠાકોર, બાર બાર મહિનાથી ડેલીએ ડેલીએ ભટકું છું. ગુજરાતની ધરતી ખૂંદું છું પણ અટાણ લગીમાં કોઇએ મારું નિમ તોડવાની હામ ભીડી નથી. તમે આજે મને કસુંબો પાયો, રંગ છે તને !
ગઢવી વખાણ પછી કરજો, માગવું હોય ઇ માગી લ્યો.
માગી લીધું બાપ માગી લીધું. મારે જોતું તું ઇ મળી ગયું.
તમે શું માગ્યું ને શું મળ્યું ?
ઠાકોર, હું તો પારખું કરવા નીકળ્યો તો કે કોઇ બાંધ્યો બોલ દેનાર દાતાર ભોમકા માથે છે. આજ મને એનું પારખુ થઇ ગયું કે ધરતી વાઝણી નથી. આજ મારો કોઠો ટાઢો થયો છે. વાઘેલા, તું જેવા દાતારથી ગુજરાતની ભોમકા અરધી છે. બાકી મારી માથે તો ઉપરવાળાના ચારેય હાથ છે. મારે તો કોઇની એક દુકાનિય જોતી નથી..! ગઢવીની વાત સાંભળીને આખો ડાયરો સજ્જડ થઇ ગયો. ગઢવીએ દુહો લલકાર્યો !
તે દીધા પુંજા તણા, કવિયા હાથે કોલ
બળ રાજાનો બોલ, ચોંપે પાળ્યો ચાંદડા.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ