સૌરાષ્ટ્રની મીરાં : દાસી જીવણ ભગત

અજવાળું રે હવે અજવાળું…..અને પ્રેમચંદનના ઝાડવાંના મસ્ત ફકીર જેવા દાસી જીવણ ઉર્ફે જીવણદાસ ભગત !! આજે સૌરાષ્ટ્રને ગામડે-ગામડે તેમની રચનાઓ ગવાય છે.એક એવી વ્યક્તિ કે જે પુરુષ હોવા છતાં પોતાને સ્ત્રી ગણાવી ભગવાન ક્રિષ્નની સોળસો પટરાણીમાંની એક લેખે છે !! અને એટલું જ નહિ સ્ત્રીને અનુરૂપ શૃંગાર પણ સજે છે ! આનાથી મોટી પ્રેમલક્ષણાભક્તિનું ઉદાહરણ બીજું ક્યું હોય શકે ? રવિભાણ સંપ્રદાયના આ ઓજસ્વી “જીવણભગત” વિશે આવો જાણીએ….

દાસી જીવણનો જન્મ રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામમાં થયો હતો. જે સંવત ૧૮૦૬ માં આસોમહિનાની અમાસ એટલેકે દિવાળીના દિવસે એક ગરીબ કુંટુંબમાં થયો હતો. તેમનું મુળનામ જીવણદાસ હતું. તેમનાં પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ સામબાઈ હતું. દાસી જીવણનાં પિતાનો વ્યવસાય તે સમયનાં ગોંડલ સ્ટેટનાં મરેલા પશુઓનાં ચામડાં ઉતારી તેને કેળવવાનો ઈજારો રાખવાનો હતો. ગોંડલ સ્ટેટનાં ચમારોમાં દાસી જીવણનાં પિતાનું બહુ મોટું નામ ગણાતુ હતું. વ્યવસાય પ્રમાણે કોઈ કોઈ માણસો તેને ચમાર જ્ઞાતિનાં પણ ગણે છે.

ધાર્મિક લાગણી અને ઈશ્વરી આસ્થા દાસી જીવણના કુંટુંબનું અંગ બની ગયા હતા. રાત પડે અને જગા દાફડાની ડેલીએ ભજનો શરૂ થાય. સાધુ-સંતો માટે તેમનું ઘર આશરો બની રહેતું. આવા વાતાવરણ વચ્ચે દાસી જીવણનો ઉછેર થતો હતો. દાસી જીવણ પોતાના પિતાનાં વ્યવસાય કરતાં કરતાં મન તો ભક્તિના રંગમાં ડુબેલું જ રાખતા. આમ સમય જતાં તે યુવાનાવસ્થામાં પહોંચ્યા.

દાસી જીવણ યુવાન થતા તેમના પિતા અને માતાએ તેમના માટે સારી કન્યા ગોતવા માંડયા. લગ્ન માટે આમતો દાસી જીવણની ઈચ્છા ન હતી છતા પણ પોતાના માતાપિતાની આજ્ઞાને શિરે ધરી. સમય થતા જાલુમા નામની કન્યા સાથે તેમના લગ્ન થયા. પોતાનો સંસાર સમયનાં વહેણની સાથે ચાલવા લાગ્યો અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. તેમનુ નામ દેશળ રાખવામાં આવ્યુ. સંસારની જવાબદારી વધવા છતા પણ તેમનો ભક્તિમાં લીન રહેવા લાગ્યા. તેઓ આજુબાજુના ગામમાં થતા ભજનમાં પણ જવા લાગ્યા. હવે તો પોતાનાં ઘરમાં પણ સાધુઓની અવર જવર વધવા લાગી. તેમના પિતાએ શરૂ કરેલ આતિથ્ય સતકારની ભાવનાથી રંગાયેલ દાસી જીવણને આ કાર્યમા આનંદ આવતો હતો. આમ એક દિવસ રવિભાણ સંપ્રદાયનાં સિધ્ધસંત ત્રિકમ સાહેબનાં શિષ્ય એવા આમરણ નિવાસી સંતશ્રીભીમ સાહેબના સમ્પર્કમાં આવ્યા પછી પ્રેમલક્ષણા ભકિતનો ઉદય થયો. તેમની સાથે ભક્તિની વાતો કરે અને સતસંગમા આનંદ મેળવતા હતા.

dasi jivan bhagat

આમ પણ દાસી જીવણને નાનપણથી જ ખ્યાલ હતો કે ગુરૂ વિના સાચુ જ્ઞાન મળતુ નથી, અને જો ઈશ્વરનાં દર્શન કરવા હોય તો ગુરૂજ્ઞાન થવુ જરૂરી હતુ. દાસી જીવણને જયારે કોઈ સંત તેજસ્વી લાગતા ત્યારે તે પોતાના ગુરૂ માનીને કંઠી બંધવતા હતા. આમ પ્રભુ ઉપાસનાનાં પંથે પડેલા દાસી જીવણે ૧૭ વખત ગુરૂ બદલાવ્યા, પણ ક્યાંય મેળ ન જામ્યો. પોતાનુ હૈયુ ઠરે તેવા ગુરૂની શોધમાં હતા. તેવામાં તેમને ભીમસાહેબનો ભેટો થયો. મનમાં જેવા ગુરૂની કલ્પના કરી હતી તે સાકાર થઈ. પરમતત્વની લે લાગી ગઈ. હદયનાં કમાડ ઉઘડી ગયા અને દાસી જીવણની વાણી વહેતી થઈ.

દાસી જીવણને પોતાના જીવનકાળ દરમિયાન બે શિષ્યો થયા. જેમા એક હતા અરજણ ભગત અને બીજા હતા પ્રેમ સાહેબ. પ્રેમસાહેબ પછી તેમની બુંદશિષ્ય પરંપરા આગળ ચાલી અને તે પ્રેમવંશ કહેવાયા.

દાસી જીવણે તેમના જીવનકાળ દરમિયાન ઘણા બધા પરચાઓ આપ્યા હતા. તેમાનો એક જોઈએ તો પરબધામની દેવીદાસબાપુની જે જગ્યા આવેલી છે ત્યા એકવાર ઘોઘાવદરથી દાસી જીવણ અને તેમના શિષ્ય તેમજ અન્ય માણસો સાથે ત્યા ગયા. તે વખતે દાસી જીવણ સંત કહેવાતા હતા. હવે બન્યુ એવુકે ત્યાના તે વખતના મહંત શાદુળભગત હતા. ત્યા દાસી જીવણ બધા સાથે રોકાયા હતાં. તે દરમિયાન જગ્યામાં પાણીનો કુવો હતો. દાસી જીવણ કુવા પાસે ગયા અને કહ્યુકે શાદુળભગત કુવામાં પાણી નથી? જેથી જવાબ આપતા શાદુળભગતે કહ્યુકે ફરતી સીમનાં ગાયુનાં ધણ ધા નાખે છે. કસ જોવરાવ્યો પણ પાણી નથી. જેથી દાસી જીવણે કુવામાં ઉતરીને કસ જોઈ દેવા તૈયારી બતાવી. અને થોડીજ વારમાં ખાટલીમાં બેસાડીને જીવણદાસજીને કુવામાં ઉતાર્યા અને પછી દાસી જીવણના સંતપણાના પારખા લેવા શાદુળભગતે ખાટલી કુવામાંથી બહાર કઢાવી લીધી.

પથ્થરોના તળ તપાસીને દાસી જીવણે કહ્યુકે મને હવે ઉપર સીંચી લ્યો. જેથી શાદુળભગતે કહ્યુકે એ નહી બને. આ કુવામાં પાણી આવ્યા વગર તમને બહાર નથી કાઢવા. તમે તો સંત છોને તો ત્યાજ પાણી આવે કરો તો જ હુ માનું. દાસી જીવણે કહ્યુકે અરે ભાઈ, મારામાં એવુ સત નથી. મારી આબરૂ ન લે. છતા શાદુળભગત ન માન્યા. અંતે દાસી જીવણે પોતાનો એકતારો દોરડા મારફત મંગાવ્યો અને દાસી જીવણે પ્રભુને રીજવવા અને પાણી લાવવા એક સાથે ચાર ભજન કુવામાં ગાયા હતાં. અને તે બાબત ઇતિહાસમાં પણ સાક્ષી પુરે છેકે તેમનાં દાસીપણા અને સંગીતનાં જોરે સુકેલા કુવામાં પાણી આવ્યા હતા. અને તે સમયે શાદુળભગત દાસી જીવણના પગે પડી ગયા અને તેમનુ દીલ દુભાયુ તે બદલ પસ્તાવા રૂપે વચન આપ્યુકે જ્યા લગી આકુવો છે તેમા કોઈ દિવસ આભળછેટ નહી લાગે અને અઢારેય વરણ તેમા પાણી પીસે. આમ દાસી જીવણે પરચો પુર્યો હતો. આ ઉપરાંત ગોંડલ સ્ટેટનાં કર ન ભરવા માટે થઈને જેલમાં પુર્યા હતાં. તે દિવસે પણ તેની પત રાખવા ખુદ ભગવાન કૃષ્ણએ તેમનો દંડ ભર્યો હતો અને દાસી જીવણને છોડાવ્યા હતા. ભગવાને દાસી જીવણને છોડાવવા માટે આપેલ કોરી આજે પણ ગોંડલ સ્ટેટના વારસદારો પાસે છે.

આમ પોતાના જીવનમાં ભક્તિ કરતા કરતા ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવીને સંવત ૧૮૮૧નાં વર્ષમાં ઘોઘાવદર ગામમાં સમાધી લીધી. તેમના સમાધિસ્થાન ઉપર મંદીર બંધાયુ છે. તેમાં દાસી જીવણ, તેમના પત્ની અને પુત્રની મુર્તિઓ છે. મંદીરની બાજુમાં જુના વખતની દેરી પણ જાળવી રાખવામા આવી છે. તેમના પગલાં પુજાય છે.

પોતાના ભજનો અને ભક્તિ દ્વારા પ્રભુની સમીપ પહોંચનાર જીવણભગતને વંદન !!

-Kaushal Barad

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગંગાસતી અને પાનબાઇ

– સંત શ્રી હરદ્તપરી બાવાજી

– ઝમરાળા નો જોગી ફકડાનાથ

– ગીરનારી સંત શ્રી વેલનાથ

– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

– પરબધામ નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!