દરિદ્રી બ્રાહ્મણ – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

ઉપક્રમના પૂર્વાર્ધમાં વર્ણવેલા પ્રસંગને લગભગ પંદર કે સોળ વર્ષ વીતી ગયાં છે. એ વેળાએ યવનોએ પંજાબમાં પોતાનો અધિકાર સારી રીતે જમાવી દીધો હતો. સિકંદર બાદશાહ ત્યાંના ઘણાખરા પ્રાંતોને કબજે કરી તેમની વ્યવસ્થા માટે પોતાના આપ્તઇષ્ટોની નીમણુંક કરીને પોતે સ્વદેશ પ્રતિ પ્રયાણ કરી ગયો હતો. પર્વતેશ નામના એક બલાઢ્ય રાજાનો પરાજય કરીને સિકંદરે તેને પોતાનો માંડલિક બનાવ્યો હતો અને પાછું તેનું રાજ્ય તેને જ સ્વાધીન કર્યું હતું એથી તે રાજા ચિત્તમાં પ્રસન્ન થઈને પોતાને યવનોના માંડલિક તરીકે ઓળખાવવામાં ધન્યતા માનવા લાગ્યો, જે જનો એક વેળા સ્વાતંત્ર્યને ખેાઈને પારતંત્ર્યનો સ્વીકાર કરે છે, તેઓ પછી પારતંત્ર્યમાં જ અભિમાન માની બેસે છે અને બીજાઓ પણ પોતાના જેવા ક્યારે થશે, એની વાટ જોતા બેસે છે. એ જ દશા પર્વતેશની પણ થઈ. પોતાને ગ્રીક યવનોના એક માંડલિક તરીકે ઓળખાવી તે બીજાં રાજ્યોને પણ પાદાક્રાન્ત કરવામાં અર્થાત્ આડકતરી રીતે યવનોના અધિકારમાં લાવવાના કાર્યમાં ઉદ્યુક્ત થયો. તેણે પોતાના સૈન્યમાં પુષ્કળ ગ્રીકયવન સૈનિકો રાખ્યા અને તેથી તે પોતે આર્ય છતાં પણ તેને મ્લેચ્છાધિપતિ એવા એક ઉપનામથી લોકોએ વિભૂષિત કર્યો.

સિકંદરે જતાં જતાં પોતાના કેટલાક અધિકારીઓને પાછળ આ દેશમાં રાખેલા હતા, પરંતુ તેમને પર્વતેશના હાથનીચે રાખવામાં આવ્યા હતા – એટલું જ પર્વતેશને મહત્ત્વ અપાયલું હતું. એવી રીતે સર્વત્ર યવનોનો અધિકાર ચાલુ થવાથી ધીમેધીમે પંજાબમાં યાવની વિદ્યાનો પણ પ્રસાર થવા લાગ્યો અને સંસ્કૃત વિદ્યાની નષ્ટતાનાં લક્ષણો દેખાવા લાગ્યાં. સંસ્કૃત પંડિતોનાં મનો એથીઘણાં જ કલુષિત થવા લાગ્યાં, અને એમ થવું સ્વભાવિક જ હતું. સિકંદર બાદશાહે પોતે અને તેના કેટલાક સરદારોએ આર્ય અબળાઓ સંગે વિવાહ સંબંધ કરેલો હતો, પરંતુ એ વિવાહો બળાત્કારે જ કરવામાં આવ્યા હતા. પંજાબમાંના કેટલાક આર્યજનોનો એ ગ્રીક લોકોથી શરીર સંબંધ થવાથી કેટલેક અંશે ઉભયનું તાદાત્મ્ય થએલું હતું. અર્થાત થોડાક આર્યો યવનોના પક્ષના હતા. પરંતુ સાધારણ રીતે સમસ્ત આર્યોના હૃદયમાં તો યવનો માટે અત્યંત તિરસ્કાર જ હતો – તે એટલે સુધી કે કેટલાક લોકો તો એ પંજાબ પ્રાન્તનો પરિત્યાગ કરીને પેલી તરફના ગંગાના પ્રદેશમાં કિંવા મગધદેશમાં નિવાસમાટે ચાલ્યા જતા હતા.

મગધદેશમાં તે સમયે નંદરાજા રાજ્ય કરતો હતો. એ દેશ ઘણો જ સુસંપન્ન હતો. એની રાજધાનીનું નગર પાટલીપુત્ર હતું. હાલમાં જેને પટના નામથી ઓળખવામાં આવે છે, તે પટનાની પાસે જ એ પ્રાચીન નગર વસેલું હતું. અને તે કાળમાં એ નગર ઉત્તર-ભારતવર્ષમાં આર્યવિદ્યાનું, આર્યબળનું અને આર્યબુદ્ધિનું એક મુખ્ય સ્થાન મનાતું હતું. પરંતુ મગધદેશમાં થનારા આપણા પ્રયાણને હજી થોડો અવકાશ છે. ત્યાં ગયા પછી પાટલિપુત્રના વૈભવનિરીક્ષણનો પ્રસંગ સહજમાં જ આપણને પ્રાપ્ત થશે.

હાલતો આપણે પંજાબની ઉત્તર દિશાએ આવેલી ગાંધાર દેશની રાજધાની તક્ષશિલા નગરીનું અવલોકન કરવાનું છે. હાલમાં જે દેશને કંદહારના નામથી ઓળખવામાં આવે છે, તેનું જ પૂર્વે ગાંધાર એવું નામ હતું. એ ગાંધારદેશ તે પ્રાચીન કાળમાં એક ઘણો જ પ્રસિદ્ધિને પામેલો દેશ હતો. મહાભારતમાં અને બીજાં પુરાણોમાં એનું નામ અનેક પ્રસંગે અને અનેક કારણથી આવેલું છે. કૌરવની માતા અને ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી તે એ દેશનીજ રાજકન્યા હતી. એ ગાંધારદેશને પાદાક્રાન્ત કરીને ત્યાં સિકંદરે પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું અને તે વેળાએ તક્ષશિલા નગરી તે યાવની અધિકારનું કેન્દ્રસ્થાન બની રહી હતી. એથી આર્ય પંડિતોને ખેદ થતાં તેઓ ઘણા જ અસંતુષ્ટ થએલા દેખાતા હતા. એવા પંડિતોમાંના જ એક પંડિતના આશ્રમમાં અત્યારે આપણે પ્રવેશ કરવાના છીએ.

ઉપર આશ્રમ શબ્દની જો કે યોજના કરેલી છે ખરી, પરંતુ આર્ય વિષ્ણુ શર્માના નિવાસસ્થાનને એ નામ આપવું અને આશ્રમ શબ્દની વિડંબના કરવી, એ બન્ને સમાન છે. બિચારા બ્રાહ્મણની એ પર્ણકુટી તેના અને તેની વૃદ્ધ માતુશ્રીના વપરાસ માટે પણ પૂરી થતી નહોતી. દારિદ્રય મહારાજનું સ્વરૂપ ત્યાં મૂર્તિમાન થએલું જોવામાં આવતું હતું. શ્રી (લક્ષ્મી) અને સરસ્વતીનું પરસ્પર વૈર છે, એમ જે વારંવાર સાંભળવામાં આવે છે, તેનો પ્રત્યક્ષ અનુભવ કરવાની જો કોઈની ઇચ્છા થાય, તો એ અનુભવ તેને એ પર્ણકુટીમાં સંપૂર્ણતાથી મળી શકે તેમ હતું. આર્ય વિષ્ણુ શર્મા અત્યંત વિદ્વાન, ત્રણ વેદને મુખે રાખનારો અને કર્મકાંડની પ્રતિમારૂપ હતો. નીતિશાસ્ત્રમાં તો એના જેવો પારંગત બીજો કોઈ પણ હતો નહિ. તેમ જ ધનુર્વિદ્યામાં પણ એ બ્રાહ્મણ પ્રતિદ્રોણાચાર્ય જ હતો, એમ કહેવામાં કશી પણ અતિશયોક્તિ થાય તેમ નથી. તેણે પોતાના શિષ્યોને ભણાવવા માટે નાના પ્રકારના શાસ્ત્રીય વિષયોના સુલભ ગ્રંથો રચીને ભૂર્જપત્રોના ભારાને ભારા પોતાની પર્ણકુટીમાં અડચણમાં અડચણ કરીને ખડકી રાખ્યા હતા.

એનો પિતા પણ એના જેવા જ અત્યંત વિદ્વાન પરંતુ એવો જ દરિદ્રી હતો. તેના કૈલાસવાસને લગભગ સાત આઠ વર્ષ થઈ ગયાં હતાં અને પતિ મરણના શોકથી અતિશય વિવ્હળ થતાં તેની માતાએ જે પથારી પકડી હતી, તે હજી સુધી છોડી ન હોતી; તેમ જ હવે તે એ બીમારીમાંથી ઊઠીને પાછી ઘરના કામકાજમાં લાગશે, એવી આશા પણ હતી નહિ, તેની બધી શુશ્રુષા એ માતૃભક્ત પુત્રને જ કરવી પડતી હતી – તે રંચ માત્ર પણ આલસ્ય ન કરતાં માતાની સેવામાં દિનરાત ઊભે પગે રહેતો હતો. હમણાં હમણાં તે વધારે અસ્વસ્થ થવાથી વિનાકારણ પુત્રને ગાળો પણ ભાંડ્યા કરતી હતી, પરંતુ કર્તવ્યપરાયણ પુત્રને તેનો જરા પણ કંટાળો આવતો નહોતો. એથી સંતુષ્ટ થઈને સ્વસ્થતા થાય એટલે પુત્રને તે અનેક આશીર્વાદ આપતી હતી અને એમાં જ પુત્ર પરમ સંતોષ માનતો હતો. “માતુશ્રીનો આશીર્વાદ તે જ મારા શ્રમનું ફળ” એમ કહીને તે પોતાના દિનો જેમ તેમ કરીને વીતાડતો જતો હતો; પરંતુ એવા દિવસો વીતાડવામાં કેટલું બધું દુ:ખ સહન કરવું પડે છે એની કલ્પના એવા જ દારિદ્રયમાં જેના દિવસો ગએલા હોય, અથવા તો પાસે એક પાઈ પણ ન હોય – એવી સ્થિતિમાં પોતાના સમસ્ત આયુષ્યના માત્ર ચાર દિવસો પણ કાઢ્યા હોય – તે જ મનુષ્ય કરી શકે છે. જેને જ્યારે જોઈએ ત્યારે અન્નવસ્ત્ર મળ્યા કરે છે, અને કોઈ પણ પ્રકારની જેને કમી નથી; છતાં પણ બોલવાનો સમય આવે એટલે પોતાને દરિદ્રી તરીકે ઓળખાવી પોતાના દારિદ્રયનું વિવેચન કરતાં જેને લેશમાત્ર પણ શર્મ આવતી નથી એવા ઢોંગી દરિદ્રીઓને આપણા એ દરિદ્રી બ્રાહ્મણના દારિદ્રયની કલ્પના માત્ર થાય એ પણ અશક્ય જ છે. એ બ્રાહ્મણની બુદ્ધિ ઘણી જ તેજસ્વી અને અધ્યયન ચાતુર્ય મહાન હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ તેને ત્યાં શીખવાને આવતા હતા; પરંતુ યાવની સત્તાનો આરંભ થયા પછી એક તો સંસ્કૃત વિદ્યાને ઉત્તેજન મળતું બંધ થયું અને વળી અધૂરામાં પૂરું પોતાની માતા માંદી પડી; તેથી તેનો બધો વખત માતાની શુશ્રુષામાં જ ચાલ્યો જતો હતો. અર્થાત્ વિદ્યાર્થીઓને ભણાવવાની તેને વેળા જ મળતી નહોતી. કારણ ગમે તે હોય પણ એ બ્રાહ્મણ સર્વથા દરિદ્રી – અઢારે વિશ્વા દરિદ્રી તો હતો જ. સવારમાં પૂરું થાય એટલું જ અન્ન સવારે ઘરમાં હોવાનું – સંધ્યાકાળની ચિંતા પરમેશ્વરને; એવો જ પ્રકાર ચાલતો હતો. એમ ચાલતાં ચાલતાં એક દિવસે તેની જનનીની પ્રકૃતિ ઘણી જ બગડી આવી. એક તો વૃદ્ધાવસ્થા અને બીજી વર્ષોની મનશ્ચિન્તા – એમાં વળી આજે શ્વાસની એકાએક પ્રબળતા થતાં ઊર્ધ્વવાયુ વધવા માંડ્યો. પુત્રે નિયમ પ્રમાણે જે ઉપચારો કરવાના હતા, તે સર્વ કર્યા; પરંતુ વ્યર્થ તે જ દિવસે લગભગ મધ્યરાત્રિને સમયે પોતાના પુત્રને “તારો ભાગ્યોદય સત્વર જ થશે. તેં જે મારી સેવા કરી છે તે વ્યર્થ જનાર નથી.” એવા આશીર્વાદ આપીને તે વૃદ્ધ માતાએ પ્રાણ છોડી દીધા.

માતાના મરણથી પુત્રને ઘણો જ ખેદ થયો, પરંતુ તેના મનનું સમાધાન કરનાર પણ ત્યાં કોઈ હતું નહિ. બિચારાને પોતાનો શોક પોતે જ શમાવીને પોતાની વૃદ્ધ જનનીની ઉત્તરક્રિયા ઈત્યાદિ સર્વ કાર્યો કરવાં પડ્યાં. એ સર્વે ક્રિયાઓ એ નિર્ધન બ્રાહ્મણે કેવી રીતે કરી હશે અને તેના મનની તે વેળાએ કેવી સ્થિતિ થઈ હશે, એ તો તે પોતે જ જાણે; આપણાથી કાંઈ પણ કહી શકાય તેમ નથી. ઉત્તરક્રિયા થઈ ગયા પછી તક્ષશિલામાં જ બેસી રહેવાનું એ તેજસ્વી બ્રાહ્મણને કાંઈ પણ કારણ હતું નહિ. એથી વિરુદ્ધ “આ યવનોના રાજ્યમાંથી નીકળીને બીજે ક્યાંય જવું, જ્યાં આર્ય રાજાનું રાજ્ય હોય અને મારી વિદ્વત્તાનું મૂલ્ય થવાનો જ્યાં સંભવ હોય એવી કોઈ રાજસભામાં જવું અને જો બની શકે તો તે રાજાને પોતાની ધનુર્વિદ્યામાંની નિપુણતા અને નીતિશાસ્ત્રજ્ઞતાનો ચમત્કાર બતાવીને યવન રાજાએ પોતાનો કહેવાથી અહંકારના શિખરે ચઢી બેઠેલા આર્ય રાજાનો પરાભવ કરવા માટે ઉશ્કેરવો. યવનરાજ અને યવનના અનુયાયી આર્ય રાજાનો નષ્ટપ્રાય કરીને પૂર્વ પ્રમાણે સર્વ આર્યમય કરવું.” એ મહત્ત્વાકાંક્ષા પણ તેના મનમાં સાહજિક આવી. “પરન્તુ સ્વદેશનો ત્યાગ કરવો?” એવી વળી તેના મનમાં શંકા ઉદ્દભવી. થોડીવાર તે વિચારમાં પડી ગયો અને વળી કહેવા લાગ્યો. “બુદ્ધિમાનોનો કોઈપણ વિશિષ્ટ સ્વદેશ હોતો નથી. જે દેશમાં તેઓ જાય છે, તે દેશ તેમને સ્વદેશ પ્રમાણે જ ભાસે છે. જ્યાં પોતાનો જન્મ થયો અને જેમાં પોતાની બાલ્યાવસ્થા અને તરુણાવસ્થાનો થોડો ભાગ વીત્યો, એને જ જો સ્વદેશ નામ આપવામાં આવતું હોય, તો તે દેશ તો યવનોનો છે – અર્થાત્ તે દેશ અનાર્યોના અધિકારમાં જતાં ત્યાં અનાર્ય આચારોનો જ પ્રચાર થવા લાગ્યો છે. એવી સ્થિતિમાં કેવળ પોતાની જન્મભૂમિ કહીને જ એ દેશને વળગી રહેવું, તે સડેલાં ફળોના સમૂહમાં રહીને સારાં ફળો પણ સડી જવા જેવું જ કહી શકાય. એના કરતાં તો કોઈ બીજા દેશમાં જઈને પોતાના મૂળ દેશના ઉદ્ધાર માટે જો થાય તો કાંઈ પ્રયત્ન કરવો, એ જ વધારે લાભકારક છે, ભિક્ષા માગીને જ જ્યારે પેટ ભરવાનું છે, ત્યારે તે પરદેશમાં જઈને કાં ન ભરવું? વખતે ત્યાં વિદ્વત્તાની પરીક્ષા પણ થાય, એવો સંભવ છે ”

એ પ્રમાણે વિચાર કરીને આર્ય વિષ્ણુ શર્માએ પોતાની તે દરિદ્રી પર્ણકુટીની આજ્ઞા લીધી. એ પર્ણકુટીના ત્યાગથી તેના મનમાં કિંચિત્માત્ર પણ ખેદ થાય તેમ હતું નહિ. “પરંતુ આ ભૂર્જપત્ર અને તાડપત્રપર લખેલાં પુસ્તકોની શી વ્યવસ્થા કરવી ?” એના વિચારમાં તે પડી ગયો. પુસ્તકને ત્યાં જ રાખી જવાની તો તેની ભાવના જ નહોતી, ત્યારે સાથે પણ કેવી રીતે લઈ જઈ શકાય? તેની વૃદ્ધ માતુશ્રી જીવતી હતી તે વેળાએ જો તેને કોઈએ “તારી માતાને તું અહીં છોડીને ચાલ્યો જા.” એમ કહ્યું હોત અને તેને જેટલું માઠું લાગ્યું હોત, તેટલું જ આજે પુસ્તકોને છોડી જવાનો પ્રસંગ આવતાં તેને માઠું લાગ્યું. પણ એ માઠું લાગવાથી શું થઈ શકે? હવે એનો કાંઈ પણ ઉપાય તો કરવો જોઈએ જ. એના અનેકવિધ વિચાર તરંગોમાં તે ગોથાં ખાયા કરતો હતો. ભયંકર દુષ્કાળના સમયમાં પોતાના પુત્રોને ત્યાગવાનો જેમને પ્રસંગ આવેલો છે – અને તે દરિદ્રી માતાપિતાને જેવા દુઃખનો – મરણપ્રાય દુઃખનો અનુભવ થએલો હોય છે – છતાં પણ પાછા મળવાની આશાએ તે પુત્રોને કોઈ સુખી ગૃહસ્થને ત્યાં મૂક્યા વિના તો તેમનો છૂટકો નથી જ થતો; તેવી જ નિરાધાર વિષ્ણુશર્માની અવસ્થા થઈ પડી. પુસ્તકોના ભારા બાંધીને પીઠ પર ઉપાડી જવા, એ સર્વથા અશક્ય હતું; કારણ કે, એક તો તે દરિદ્રી હતો, તેથી કોઈ વાહન ખરીદવા માટે તેના પાસે પૈસા હતા નહિ અને વાહન કોઈ વિનામૂલ્ય પણ આપે, તો નદી નાળાઓમાંથી તેને ચલાવીને લઈ જવું કેવી રીતે? કદાચિત્ લઈ જઈ શકાય, પણ મૂળ વાહન વિનામૂલ્ય આપે જ કોણ? એ સઘળાં અનુકૂલ પ્રતિકૂલ કારણોના વિચાર પછી અંતે એ ભૂર્જપત્રી અને તાડપત્રી પુસ્તકરૂપી સર્વ સંપત્તિ પોતાના એક મિત્રને ત્યાં રાખીને તેણે તક્ષશિલાને ત્યાગી મગધદેશ પ્રતિ શીધ્ર પ્રયાણ કર્યું – તે વિદેશગામી થયો.

ઉપર કહેલું જ છે કે, એ કાળે પાટલિપુત્ર અથવા પુષ્પપુરી એ નગર ઘણી જ ઉન્નત દશામાં હતું. ઉત્તર હિંદુસ્તાનમાં આર્યોનું માત્ર એ જ મોટું અને વૈભવવાળું રાજ્ય હતું અર્થાત યવનોના રાજ્યમાં ન વસવાની ઇચ્છાથી જે જનો દેશત્યાગ કરતા હતા, તે સર્વે એ પાટલિપુત્ર નગરમાં જ આવીને પોતાના કળાકૌશલ્યની અને ભાગ્યની પરીક્ષા કરતા હતા. મગધદેશનું રાજ્ય આપણી વાર્તાના સમયમાં ઘણું જ વિસ્તૃત હતું. સિકંદરની સેનાએ ગંગાપાર ઊતરીને એ રાજ્ય પર આક્રમણ કરવાનો પણ એક બેવાર પ્રયત્ન કરેલો હતો, પણ તેનો એ પ્રયત્ન સર્વથા નિષ્ફળ જ નીવડ્યો હતો. પૌરસ(પર્વતેશ) રાજાનો પરાજય કરીને પંજાબ દેશને પોતાના તાબામાં કરી લેવાના મદથી છકી ગએલા સિકંદરે મગધ દેશમાં સજ્જડ માર ખાધો. પાછળથી તેનાં પોતાના માણસો પણ તેના અયોગ્ય આચરણથી કંટાળી ગયા અને તેમણે આગળ વધવાની સાફ ના પાડી; એટલું જ નહિ, પણ “અમારો પોતાનો વધારે નાશ કરવાને હવે અમે આગળ વધવાના નથી જ.” એવો તેમણે સિકંદરને મોઢામોઢ જવાબ આપી દીધો અને એથી નિરુપાયે સિકંદરને વીલે મોઢે પાછું ફરવું પડ્યું હતું. મગધદેશના શુરવીરો સમક્ષ સિકંદર અને તેના અસંખ્ય સૈન્યનું કાંઈ પણ ચાલી શક્યું નહિ. કારણ કે, “પાણી પહેલાં પાળ ચણી રાખવી જોઈએ” એ ન્યાયને અનુસરીને મગધદેશવાસીઓએ પ્રથમથી જ સિકંદરના હલ્લાને રોકવાની જોઈએ તેવી પૂરતી તૈયારીઓ કરી રાખી હતી. શત્રુઓને આવતાંની સાથે જ ત્રાહિ ત્રાહિ પોકારવાની ફરજ પાડવાનો તેમણે નિશ્ચય જ કરી રાખેલો હતો. એવા નિશ્વયવાળા અને યુદ્ધકળાપ્રવીણ લોકો સામે લડાઈમાં ઊતરવાથી વધારે લાભની આશા નથી જ, એ સારી રીતે જાણી જવાથી જ યુદ્ધ કર્યા વિના સિકંદરે પોતાની જન્મભૂમિનો માર્ગ લીધેલો હોવો જોઈએ.

આજે કેટલાંક વર્ષો થયાં પાટલિપુત્રમાં નંદ નામના રાજાઓ રાજ કરતા હતા. એ નંદવંશ મહા પ્રતાપી હતો. વિષ્ણુશર્મા જે સમયે પાટલિપુત્રમાં આવ્યો, તે સમયે ત્યાં ધનાનંદ નામક રાજા રાજસિંહાસને વિરાજમાન હતો. યાવની રાજ્યમાંના વિદ્વાનો એની રાજસભામાં આવવા લાગ્યા હતા અને માન પણ પામવા લાગ્યા હતા. એથી રાજસભામાંના આશ્રિત પંડિતોના મનમાં ઘણો જ મત્સર ઉત્પન્ન થયો. વિષ્ણુશર્મા પંડિતથી પૂર્વે બીજા એવા અનેક વિદ્વાનો એ રાજસભામાં આવીને રહ્યા હતા. પ્રથમ પ્રથમ તો એ બીના રાજા અને તેની સભાના પંડિતોને મહા કૌતુકાસ્પદ જોવામાં આવી; પરંતુ જેમ જેમ રાજાની દાનશીલતા અને ગુણગ્રાહકતાની કીર્તિ ભારત વર્ષમાં સર્વત્ર પ્રસરતી ગઈ, તેમ તેમ વિદ્વાન યાચકો ત્યાં વધારે અને વધારે પ્રમાણમાં આવવા લાગ્યા. રાજસભામાં પંડિત ને વિદ્વાન લોકો આવેલા હોવાથી કેટલીક વાર સભામાં રાજા સમક્ષ તેમનો વાદ વિવાદ થતો હતો; તેમાં સર્વદા સભાપંડિતોનો પરાજય થતાં તેમને નીચું મોઢું ઘાલીને બેસી રહેવું પડતું હતું. એ રાજસભામાં વિષ્ણુ શર્માં આવ્યો, તે પહેલાં જ રાજસભાના પંડિતોના હૃદયમાંના મત્યસરરુપ અગ્નિ ભીષણતાથી પ્રજળી ઉઠ્યો હતો અને તેવામાં વિષ્ણુશર્માનું આગમન થતા તેમાં ઘી હોમાયું. વિષ્ણુશર્માએ કોઈની શિફારસ ન મેળવતાં એકદમ જઈને રાજસભામાં પ્રવેશ કર્યો. આજ સુધીમાં આવેલા બીજા પંડિતોએ કોઈ એક સભાપંડિત દ્વારા સભામાં પ્રવેશ કરેલો હતો; એ એક નિયમ જ પડી ગયો હતો; પણ આ જમદગ્નિગોત્રી બ્રાહ્મણને એ નિયમ માન્ય હતો નહિ. “મારામાં જો કાંઈ પણ ગુણ હશે, તો તે મહારાજને દેખાઈ આવશે – નહિ તો કાંઈ નહિ.” એવો નિશ્ચય કરીને સભા ભરાયલી હતી, તે સમયે દુર્વાસા ઋષિ પ્રમાણે એકાએક તેણે સભામાં પ્રવેશ કર્યો અને રાજાને આશીર્વાદ આપ્યો.

આશીર્વાદના શ્લોકની રચના તેણે પોતે જ કરેલી હતી અને તેનો ઉચ્ચાર ધીર, ગંભીર તથા અસ્ખલિત વાણીવડે થવાથી તે સાંભળતાં જ સર્વ સભાજનો ચકિત થઈને એક ધ્યાનથી એને જોઈ રહ્યા. વિષ્ણુશર્માની આવી સર્વથા ઉદ્ધત પદ્ધતિથી સભાપંડિતોએ સહજમાં જ અનુમાન કરી લીધું કે, “એ કોઈ અસામાન્ય બુદ્ધિમાન, તેજસ્વી અને વિદ્વાન બ્રાહ્મણ છે, એટલું જ નહિ, પણ આ રાજસભામાં જો એકવાર આનો સંચાર થયો, તો આપણા માથાપર એ જરૂર ચઢી બેસવાનો; માટે એને ક્ષણમાત્ર પણ અહીં રહેવા દેવો ન જોઈએ.” એવા ચાર પાંચ અગ્રેસર પંડિતોના મનનો ભાવ થતાં તેઓ પોતપોતામાં ઘુસપુસ કરવા લાગ્યા.  એ નવીન આવેલા બ્રાહ્મણની ધીર અને ગંભીર વાણીનું રાજા ધનાનંદના હૃદયમાં ઘણું જ વિલક્ષણ પરિણામ થયું, અને તેથી તત્કાળ રાજાએ ઊભા થઈને તેને માન આપ્યું તથા બેસવાને પોતાની પાસે જ આસન આપ્યું. એથી તો સભાપંડિતોના કોપનો પાર રહ્યો નહિ. આજ સુધીમાં કોઈ પણ પંડિતને રાજાએ પોતે આવો સત્કાર કર્યો ન હોતો. પ્રથમ કોઈ પણ રાજપંડિત અતિથિપંડિતને આદરથી સભામાં લઈ આવે અને રાજાને તેનાં નામ ગામ ઇત્યાદિ જણાવે, એટલે રાજા ઉઠીને આસન બતાવીને તેને બેસવાની આજ્ઞા આપતો હતો. એ રીતિને કોરાણે મૂકી રાજાએ પોતે જ ઊઠી તેને માન આપીને પોતાની જમણી બાજુએ – એટલે સર્વ પંડિતોના શિરેાભાગે આસન આપ્યું. એ તે દ્વેષી પંડિતોથી કેમ સહન કરી શકાય વારુ? “આ પ્રસંગે જેટલું આ નવા પંડિતને માન મળેલું છે, તેટલું જ એને અપમાન મળવું જોઈએ.” એવો કેટલાક આશ્રિત પંડિતોનો નિશ્ચય થતાં, એ કાર્યને સાધવા માટેની યુકિતઓ તે શોધવા લાગ્યા.

રાજ ધનાનંદે “ક્યાંથી આવ્યા,” ઇત્યાદિ પ્રશ્નો કર્યા અને તેના “હું તક્ષશિલાથી આવ્યો છું.” ઇત્યાદિ વિષ્ણુશર્માએ યથાયોગ્ય ઉત્તરો આપ્યાં. એ વૃત્તાંત સાંભળીને રાજાના આશ્રિત પંડિતોમાંનો એક પંડિત ઊઠીને ઊભેા થયો અને ઘણી જ ગંભીરતાના ભાવથી રાજાને ઉદેશીને કહેવા લાગ્યો કે, “રાજન ! આ નવા આવેલા અતિથિનો આપે આદર સત્કાર કર્યો, એ આપના દાન શુરત્વને યોગ્ય જ છે, પરંતુ તે આદર અથવા દાન પાત્રને અપાય છે કે કુપાત્રને, એનો વિચાર તો અવશ્ય કરવો જ જોઈએ, એટલી જ અમારી નમ્ર પ્રાર્થના છે. યવનરાજાઓ આજ કાલ આર્યરાજાઓના રાજ્યને તાબે કરવાના થાય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે અને એ રાજ્યો ક્યારે પોતાના કબજામાં આવે, એની કાગને ડોળે વાટ જોતા બેઠા છે. અર્થાત્ તેઓ પોતાના ગુપ્ત દૂતોને સર્વત્ર મોકલતા રહે છે. પંચજનોનો સંહાર એવા વિશ્વાસઘાતકી લોકોના ઘાતક કૃત્યોથીજ થયો; નહિ તો યવન રાજાઓ આ ભારતવર્ષમાં આવીને આર્યનો પરાજય કરી પોતે અધિકારી થઈ બેસશે, એ શું લેશમાત્ર પણ સંભવનીય હતું કે? તક્ષશિલા હાલમાં યવનોના તાબામાં છે અને તે જ નગરીમાંથી આ વિપ્રવર્યનું આગમન થયેલું છે. ગઈ કાલે જ તક્ષશિલાનો એક અતિ સુશીલ ગૃહસ્થ યવનરાજાના જુલ્મથી કંટાળીને અહીં આવેલો છે, તેના મુખથી એમ સાંભળવામાં આવ્યું છે કે, યવનરાજા કોઈ એક વિદ્વાન બ્રાહ્મણને અહીં મોકલી અહીંનો ભેદ જાણી લેવાના વિચારમાં છે. એ વિષયનો વિચાર કરીને પછી જે આદરાતિથ્ય કરવું હોય તે કરશો. એ અહીં કોઈને ઓળખતા નથી, તેમ જ એમને પણ કોઈ અહીં ઓળખતું નથી. માટે એ જ યવનરાજાએ મોકલેલા ગુપ્ત દૂત નથી, એની શી સાબેતી? એ યવન રાજાના દૂત છે જ, એમ જોકે નિશ્ચયપૂર્વક અમે કહી નથી શકતા, પણ યદા કદાચિત્ જો તેમ હોય, તો સર્પને દૂધ પીવડાવ્યા પ્રમાણે પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ ન આવે, તેટલામાટે જ આવી નિર્ભયતાથી આ પ્રાર્થના કરવામાં આવી છે.”

હિરણ્યગુપ્ત ઉર્ફ ધનાનંદ જો કે કીર્તિનો લોભી અને દાનશૂર તો હતો, પણ તેવી જ રીતે કેટલેક અંશે ચંચલ અને સંશયી સ્વભાવનો પણ હતો. વળી સિકંદર બાદશાહે જબરદસ્તીનો પંજાબમાં જે સપાટો ચલાવ્યો હતો, તેનું સ્મરણ થતાં એ ભાષણમાં તેને ઘણી જ સત્યતા ભાસવા માંડી. “આ બ્રાહ્મણ અદ્વિતીય વિદ્વાન્ હોવાથી અભિમાનમાં જ સભામાં ચાલ્યો આવ્યો, વિદ્વત્તાની સાથે જે નમ્રતા જોઈએ, તે એનામાં બિલ્કુલ હતી નહિ. માટે એ અવશ્ય કોઈ કપટી પુરુષ હોવો જોઈએ.” એવો રાજાના મનમાં સંશય આવ્યો – તેથી તે તત્કાળ એ બ્રાહ્મણને ઉદ્દેશીને કહેવા લાગ્યો, “મારી સભાના પંડિતોએ અત્યારે મને જે સૂચના આપી છે, તે અક્ષરે અક્ષર સત્ય હોય, એમ જણાય છે. તમારું અહીં આગમન થતાં જ મેં તમારો આદર સત્કાર કર્યો; પણ તમારી અહીં કોઈની સાથે ઓળખાણ છે કે નહિ? એ જો બતાવી નહિ શકો, તો આ ઉચ્ચ આસને બેસવાનું હું ધારું કે તમને પણ યોગ્ય તો નહિ જ જણાય. કારણ કે, એ રાજનીતિથી વિરુદ્ધ છે. તમારા વિશે ખાત્રી આપી શકે, એવો કોઈ પણ ગૃહસ્થ જો આ પાટલિપુત્રમાં હોય, તો કૃપા કરીને બતાવશો.

રાજાનાં એ વચનોને સાંભળતાં જ એ કોપિષ્ટ બ્રાહ્મણના અંગે અંગમાં અગ્નિની જવાળા પ્રસરી ગઈ અને તે તત્કાળ રાજા હિરણ્યગુપ્તને અનુલક્ષીને કોપયુક્ત મુદ્રાથી કહેવા લાગ્યો, “રાજન ! આ તું શું બોલે છે? તારી વિચારશક્તિનો નાશ થયો છે કે શું? યવનોના રાજ્યમાં રહેવાથી ત્રાસીને કોઈપણ આર્યરાજાના દેશમાં જઈ વસવું. એવી ધારણાથી જ હું અહીં આવેલો છું – એટલું જ નહિ, પણ મારા નીતિજ્ઞાનનું અને ધનુર્વેદનું મૂલ્ય આંકી શકે, એવો કોઈ રાજા મળે, તો મારા ગુણોનો તેને લાભ આપી, તે દ્વારા યવનોનો અને પર્વતેશ જેવા બાયલા ભૂપાલનો નાશ કરાવવો અને સર્વત્ર પુનઃ આર્યરાજ્યનો વિસ્તાર વધારવો, એવા ઉદ્દેશથી જ માર્ગમાં તારી કીર્તિ સાંભળીને હું અહીં આવ્યો છું. યવનોનો દ્વેષ, એ મારો ધર્મ હોવા છતાં હું તેમનો ગુપ્ત દૂત છું, એ કેવી અસત્ય શંકાં ?”

તેણે એ ભાષણ એવી તો નિર્ભયતા અને ગંભીરતાથી કર્યું કે, સર્વને તે સત્ય જ ભાસ્યું અને તેથી “રાજા તેની ક્ષમા માગીને તેને સદાને માટે પોતાની રાજસભામાં રાખી લેશે”, એવો આશ્રિત પંડિતોનો નિશ્ચય થયો. પરંતુ એ તેમને ઈષ્ટ ન હોવાથી તેમનો અગ્રેસર પુન: ઊઠીને બેાલ્યો કે, “મહારાજ, જે ગુપ્તચરનું કાર્ય કરવાને આવ્યો હોય, તે શું એમ કહેવાનો હતો કે, હા હું તેમનો દૂત છું અને તેમના માટે ઘણું જ માન ધરાવું છું? યવનો માટે મને ઘણો જ ધિક્કાર છે અને તેમના નાશ માટે જ હું મથી રહ્યો છું, એમ જ તે બોલવાનો એ સ્વાભાવિક છે. તેમ જ જો તેને કોઈ દૂતના નામથી બેાલાવે એટલે પોતાનું પાપ છૂપાવવા માટે તે શાહૂકારી બતાવવાનો જ. પરંતુ દૂરદર્શી જનો તેના એવા ક૫ટ જાળમાં ફસાતા નથી. હમણાં એનું અપમાન થયું છે અને તેથી એનું મન દુ:ખાયું છે, એ સહ્ય છે; પરંતુ ન કરે નારાયણને જો એનાથી રાજ્યનો નાશ થાય તો પાછળથી થનારો પશ્ચાત્તાપ ભયંકર અને અસહ્ય જ થઈ પડવાનો ! મહારાજ, અમે આપનું અન્ન ખાઈએ છીએ, માટે આપના શિરે સંકટ આવવાની શંકા માત્ર પણ અમારા હૃદયમાં ઉત્પન્ન થાય, તો આપને જાગૃત કરવા, એ અમારું કર્તવ્ય છે. પછી તો આ૫ તે સંકટમાંથી પોતાને અને અમારા જેવા પ્રજાજનોને બચાવવા સમર્થ છો જ.”

કપટપટુ બ્રાહ્મણ સભાપંડિતના એ ભાષણથી રાજાનાં નેત્રો એકદમ ઊઘડી ગયાં અને નવીન બ્રાહ્મણ વિશે તેના મનમાં વધારે સંશય આવતાં તેણે તેને કહ્યું કે, “ બ્રહ્મન, દૂરદર્શીપણું કોઈ કાળે પણ અયોગ્ય ગણાતું નથી. માટે અમુક પ્રકારની પ્રતીતિ જો તમે ન કરાવી શકો, તો ત્યાં સુધી તમારે આ સભામાં ન આવવું. અત્યારે અહીંથી ચાલ્યા જાઓ, તે વધારે સારું. જો તમારી પ્રતીતિ મળશે, તો તમારી વિદ્વત્તા પ્રમાણે તમારો સારો આદરસત્કાર કરવામાં આવશે; પરંતુ ત્યાં સુધી તો તમારે આ આસનનો ત્યાગ જ કરવાનો છે.” એ વચનો સાંભળતાં જ તે દુર્વાસા ઋષિ જેવા ક્રોધિષ્ટ બ્રાહ્મણના શરીરમાં પગથી તે માથા સુધી અગ્નિ વ્યાપી ગયો, અને તેણે ઊઠીને જતાં જતાં પ્રતિજ્ઞા કરી કે, “જો હું ખરો બ્રાહ્મણ જ હોઈશ, તો આ નંદવંશનું નિકંદન કાઢીને તેને સ્થાને જેને યોગ્ય ધારીશ તેને બેસાડીશ – તેના જ હસ્તે યવનોનો નાશ કરાવીશ.” એટલું કહીને તેણે પોતાની શિખાને ખુલ્લી કરી નાખી અને લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ ન થાય, ત્યાં સૂધી વાળોને સ્પર્શ ન કરવાનો તેણે નિશ્ચય કર્યો.“ એને આશા હતી, તેવી દક્ષિણા મળી નહિ અને રાજસભામાં પોતાના માનની તેને અભિલાષા હતી તેનો ભંગ થયો એટલે બડબડ કરે જ તો – એનો કાંઈ પણ વિચાર કરવાનો નથી.” એવી ભાવનાથી રાજસભામાનાં કોઈ પણ પુરુષે એના બોલવામાં ધ્યાન રાખ્યું નહિ-ઉલટા તેને હસવા જ લાગ્યા. દ્વેષી પંડિતોએ કપટતન્ત્રથી પોતાના હેતુને સાધી લીધો.

બીજી તરફ તે તેજસ્વી બ્રાહ્મણ વિષ્ણુશર્મા હવે પછી પાણી પીવાને પણ પાટલિપુત્રમાં ઊભું ન રહેવું, એવો નિશ્ચય કરીને તત્કાળ નગરથી બહાર નીકળ્યો. તેણે બે ત્રણ કોશનો પંથ કાપ્યો, એટલે સૂર્યનો અસ્તાચલમાં જવાનો સમય થયો. અહીં ગોવાળિયાઓનાં કેટલાંક બાળકો એકઠાં થઈને પોતાના બાલ્ય ખેલમાં નિમગ્ન થએલાં હતાં.

અહીં ગોવાળિયાઓના બાળકોની જે રમત ચાલતી હતી, તે પણ ઘણી જ આશ્ચર્ય ઉપજાવનારી હતી. બધાં બાળકોએ જાણે પોતાના દેશ પર યવનો ચઢી આવેલા છે અને પોતે તેમનો નાશ કરવા માટે તૈયાર થએલા છે એવા એક નાટકની રચના કરી હતી. સિકંદરે પંજાબપર ચઢાઈ કરીને ત્યાંના નિવાસીઓને પાદાક્રાન્ત કર્યા હતા અને તેના અધિકારીઓ આગળ વધીને બીજા દેશો પણ પોતાના સ્વાધીનમાં કરી લેતા હતા; એ દૃશ્ય તેમણે દેખાડ્યું હતું. કેટલાંક બાળકો યવન બન્યાં હતાં અને કેટલાંકોએ આર્યોની ભૂમિકા ભજવેલી હતી. તેમાંનો એક પંદર વર્ષના વયનો તરુણ બાળક આર્યોનો રાજા બન્યો હતો. તે પોતાના સૈનિકોને મોટે સાદે જાત જાતની આજ્ઞાઓ આપતો હતો અને આજ્ઞાનુસાર જે ન વર્તે તેને શિક્ષા પણ કરતો હતો. એ રાજવેશધારી બાળકનું સમસ્ત ચારિત્ર્ય જોઈને બ્રાહ્મણને ઘણો જ આનંદ થયો. તેના મનમાં સ્વાભાવિક એવો ભાવ થયો કે, “આટલા અલ્પ વયથી જ જેનામાં આવા અલૌકિક ચારિત્ર્યનો ભંડાર ભરેલો છે, તે બાળક કોઈ સાધારણ ગોવાળિયાનો ચિરંજીવી તો નહિ જ હોય.” એ વિચારથી ગમે તેમ કરીને પણ એ બાળકની પૂર્વ પીઠિકાને શોધી કાઢવાનો તેણે દૃઢ નિશ્ચય કર્યો.

એ બાળકોનો ખેલ ધણા લાંબા સમય સુધી ચાલતો રહ્યો અને એ ખેલના સમયમાં બ્રાહ્મણને એ બાળકની બારીકીથી પરીક્ષા કરી લેવાનો પણ સારો પ્રસંગ મળ્યો. છેવટે થાકી જવાથી સર્વ બાળકો એકત્ર થયાં. એ વખતે તે બ્રાહ્મણ તેમની પાસે ગયો અને તે રાજા બનેલા બાળકને કહેવા લાગ્યો કે, “બેટા, તારી હસ્તરેષા જોવાની મારી ઈચ્છા છે, તે મને જોવા દે.” બાળકે એ બ્રાહ્મણને બહુ જ નમ્રતાથી નમસ્કાર કરીને પોતાનો જમણો હાથ તેના આગળ ધર્યો, હસ્તરેષાનું અવલોકન કરતાં જ બ્રાહ્મણને અત્યંત આનંદ થયો. એ રેષામાં ચક્રવર્તી રાજાનાં ચિન્હો સ્પષ્ટ દૃષ્ટિગોચર થતાં હતાં. એવો સુલક્ષણશાલી પુત્ર ગોવાળિયાને ઘેર જન્મે અથવા તો ગોવાળિયાને ત્યાં પળાયો હોય, એ પણ વિલક્ષણ જ કહેવાય, એવી તેની ભાવના થઈ અને વળી પણ તેણે તે બાળકની હસ્તરેષા અને મુખમુદ્રાનું સામુદ્રિક દૃષ્ટિથી અવલોકન કર્યું. જેમ જેમ એ બાળકના શરીરનાં પ્રભાવદર્શક ચિન્હો વધારે ને વધારે તેના જોવામાં આવતાં ગયાં, તેમ તેમ તેની એવી દૃઢ ઈચ્છા થવા લાગી કે, “એ બાળકનાં માતપિતા પાસે જઈને એના જન્મ વિશેનો ખુલાસો મેળવવો જોઈએ અને તેમની પાસેથી આ બાળક માગી લેવું જોઈએ.” એવા ભાવથી તે બાળકને તેણે પૂછ્યું, “વત્સ, તું મારી સાથે આવીશ કે? જો તું મારી સાથે આવીશ, તો હું તને સર્વ પ્રકારની વિદ્યાઓ શીખવીશ. શસ્ત્રવિદ્યા, અસ્ત્રવિદ્યા અને ધનુર્વિઘાનો પણ મેં અભ્યાસ કરેલ છે – તે સમસ્ત વિદ્યાઓ હું તને શીખવીશ.” શસ્ત્ર, અસ્ત્ર અને ધનુષ્યનું નામ સાંભળતાં જ તે બાળકને ઘણો જ આનંદ થયો અને તેણે ઉત્તર આપ્યું કે, “મહારાજ! જો તમે મને એ વિદ્યાઓનું શિક્ષણ આપશો, તો હું તમારો દાસાનુદાસ થઈ રહીશ.”એ પ્રમાણે એ સંભાષણની સમાપ્તિ થતાં થોડી વાર પછી બાળકોએ પોતપોતાનાં ઢોરોને એકઠાં કર્યા અને સંધ્યાકાળ થઈ ગએલો હોવાથી ઘર તરફ ચાલવા માંડ્યું. એ તરુણ બાળકનો પિતા મહાન સજ્જન પુરુષ હતો અને પોતાના પુત્ર માટે તેના મનમાં ઘણું જ અભિમાન હતું. પોતાના પુત્રની વિલક્ષણ બુદ્ધિ નિહાળીને એ બ્રાહ્મણ ખાસ તેની તપાસ કરવાને આવેલો છે, એમ જાણીને તો તેને વળી અધિક જ આનન્દ થયો. તે બ્રાહ્મણને રાત્રે ત્યાં જ રહેવાની તેણે વિનતિ કરી. ગાયોને દોહી લીધા પછી તે બ્રાહ્મણને તેણે દુગ્ધ પ્રાશન માટે આગ્રહ કર્યો અને બ્રાહ્મણે પણ તેના એ આતિથ્યને સ્વીકારીને ત્યાં જ રાત્રિ વીતાડવાનો સંકલ્પ કર્યો – તે અતિથિ તરીકે રાત્રે ત્યાં જ રહ્યો.

દુગ્ધપ્રાશન ઇત્યાદિ થઈ રહ્યા પછી તે વૃદ્ધ ગોવાળિયાને પાસે બેસાડીને બ્રાહ્મણ મહા યુક્તિથી તેને કહેવા લાગ્યો, “હે વૃદ્ધ ગોપાલક, આ તારો પુત્ર વિલક્ષણ બુદ્ધિમાન્ અને તેજસ્વી છે. એના સંબંધમાં કાંઈક પૂછવાની મારી ઈચ્છા છે, તેનો જો તને કાંઈ કોપ ન હોય અને હરકત જેવું પણ ન હોય, તો હું કાંઈક પૂછું ?” એ પોતાને જે પૂછવાનો છે, તે જાણે સમજી જ ગયો હોયની, તેવા ભાવથી તે વૃદ્ધ ગોવાળિયો હસ્યો અને બોલ્યો, “મહારાજ ! તમે બ્રાહ્મણ છો અને તમે કોઈ એક સવાલ કરો, તેમાં ગુસ્સો શાનો હોય? તમારે જે કાંઈ પણ પૂછવાનું હોય, તે નિઃશંક થઈને પૂછો. હું પણ તમને જેવો હશે તેવો જ ખરેખરો જવાબ આપીશ.”

એ ઉત્તરથી બ્રાહ્મણને ઘણો જ સંતોષ થયો અને તેણે પોતાના મનોભાવને વ્યકત કરવાનો આરંભ કર્યો, “તારા આશ્વાસનથી હું ઘણો જ સંતુષ્ટ થયો છું અને તેથી જ નિર્ભયતાથી પૂછું છું કે, જે પુત્રને તું પોતાના તરીકે ઓળખાવે છે તે તારા વંશનો બાળક હોય, એમ દેખાતું નથી. એનો જો કાંઈ બીજો ગુપ્ત વૃત્તાંત હોય, તો મને જણાવી દે, મારે, એના વિશેનો તર્ક જો સત્ય હશે, તો સત્ય સમજજે કે, આ બાળક ભવિષ્યમાં મહાન્ ભાગ્યશાળી થવાનો છે; એ સાર્વભૌમ ભૂપાલ થશે.”

બ્રાહ્મણનાં એ વાક્ય સાંભળીને વૃદ્ધ ગોવાળિયો કાંઈક સચિન્ત થયો. એટલે વળી પાછો બ્રાહ્મણ કહેવા લાગ્યો, “મારા સમક્ષ છૂપાવવાનું કાંઈ પણ કારણ નથી. સંશયને કાઢી નાંખ. જે જાણવાનું હતું તે હું જાણી તો ચૂક્યો જ છું.”

“મહારાજ, તમે ચમત્કારિક પુરુષ છો. માટે તમારા સમક્ષ હું અસત્ય બોલવાનો નથી. જે ખરેખરી હકીકત છે, તે હું તમને જણાવી દઉં છું.” એમ કહીને તેણે ગુપ્ત વૃત્તાંતનું વિવેચન કરવા માંડ્યું, “એ બાળક મારો પુત્ર નથી. અમારા જેવા ગોવાળિયાઓને ત્યાં તે આવાં રત્ન ક્યાંથી હોય વારુ? એ બાળક ઘણી જ નાની અવસ્થામાં મને એક ચાંદની રાત્રે અરણ્યમાંના એક વૃક્ષ નીચેથી મળી આવ્યું હતું. એ પડ્યું પડ્યું રડતું હતું અને એની પાસે બીજું કોઈપણ માણસ હતું નહિ. એ અરણ્યમાં ભટકતાં માંસાહારી પશુઓના હાથેથી બચવા જ કેમ પામ્યું, એનું જ રહી રહીને મને આશ્ચર્ય થયા કરતું હતું. આકાશમાં ઉદિત થએલો ચન્દ્રમા જાણે તેને ધૈર્ય આપીને નિર્ભયતાથી સ્વસ્થ રહેવાનો ઉપદેશ દેતો હોયની ! એવો મને ભાસ થયો. એ બાળકને ઝટ ઉપાડીને હું મારે ઘેર લઈ આવ્યો. એનાં માતા પિતાનો પત્તો મેળવવા માટે મે ઘણાય પ્રયત્નો કર્યા, પરંતુ તેમનો શોધ લાગી શક્યો નહિ. એ બાળકના શરીરપર વસ્ત્રો પણ વિશેષ હતાં નહિ અને ઘરેણાંમાં પણ માત્ર એક રક્ષાબંધન જ હતું. એ રક્ષાબંધનને મેં જાળવીને રાખી મૂકેલું છે. એ બાળક કોનું અને કોના વંશનું છે એનો કાંઈ નિશ્ચય કરી શકાયો નથી. માટે મેં એને મારા પુત્ર તરીકે જ ઉછેરીને મેાટો કરવા માંડ્યો છે.” વૃદ્ધ ગોવાળિયાએ જે બીના બનેલી હતી, તે ખરેખરી જણાવી દીધી.

એ વૃત્તાંત સાંભળીને બ્રાહ્મણ કેટલીક વાર સ્વસ્થતા ધારીને બેસી રહ્યો અને ત્યાર પછી કહેવા લાગ્યો, “તે રક્ષાબંધન ક્યાં છે લાવ જોઈએ? ગોવાળિયાએ તે રક્ષાબંધનને સાત ચીથરાંમાં લપેટીને સાત પડમાં છૂપાવી રાખ્યું હતું, તે ઘણી જ મહેનતથી કાઢીને બ્રાહ્મણને દેખાડ્યું, સામે દીવો બળતો હતો તેની પાસે જઈને બ્રાહ્મણે તે રક્ષાબંધન તપાસી તપાસીને જોયું અને તેના પરની છાપને જોઈને તેને ઘણું જ આશ્ચર્ય થયું. તેણે એકદમ ગોવાળિયાને કહ્યું કે, “ભાઈ રે, તું આ બાળક મને સોંપી દે, સદાને માટે ન સોંપી શકતો હોય, તો અમુક સમયને માટે તો એને મારી જોડે રહેવા જ દે. એ મહાન ભાગ્યશાળી થવાનો છે, એમાં તો હવે રંચ માત્ર ૫ણ શંકા જેવું નથી, માત્ર એને અનુકૂલ સાધનોની આવશ્યકતા છે. હું બધી વિદ્યાઓનો જાણનારો છું ને મારે સ્વાભાવિક રીતે આ બાળકમાં પ્રેમભાવ થએલો છે. માટે એ બાળક તું મને આપી દે.”

બ્રાહ્મણની એ યાચના જાણીને ગોવાળિયાના મુખમંડળમાં ચિન્તાની છાયાનું દર્શન થવા લાગ્યું. એથી વળી પણ તે બ્રાહ્મણ તેને આશ્વાસન આપતો બોલ્યો, “ભાઈ ! દશરથ રાજાએ રામચંન્દ્રનો હસ્ત વિશ્વામિત્ર ઋષિના હસ્તમાં આપ્યો હતો અને વિશ્વામિત્રે રામચંદ્રને સર્વ વિદ્યાઓનું શિક્ષણ આપ્યું હતું; તેવી રીતે તારા પુત્રને પણ હું શસ્ત્ર અને અસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપીને રામચંદ્ર જેવો રણશૂર યોધો બનાવીશ. એની કિંચિન્માત્ર પણ ચિન્તા તારે કરવાની નથી. એ રાજબીજ છે.” ગોવાળિયાના હૃદયનું કાંઈ એથી સમાધાન થયું નહિ. “મેં આટલા દિવસ સુધી અત્યન્ત પ્રેમથી પાળેલા આ પુત્રની બ્રાહ્મણ યાચના કરે છે, તે કેવી રીતે આપી શકાય.” એવી ચિન્તામાં તે પડી ગયો અને બ્રાહ્મણને હવે શું ઉત્તર આપવું, એની તેને સૂઝ ન પડી. પરંતુ બ્રાહ્મણને અનુકૂલ થાય, એવું ઉત્તર તે બાળકે જ આપ્યું. એ બ્રાહ્મણ અને તેના પિતાના એ સંભાષણનો આરંભ થયો, ત્યારે તે બાળક ત્યાં હતો નહિ, પરંતુ બ્રાહ્મણે જ્યારે “એ બાળકને મારા સ્વાધીનમાં આપો.” એ વાક્ય ઉચ્ચાર્યું, તે વેળાએ તે દોડતો દોડતો આવીને પોતાના દીન પિતાને કહેવા લાગ્યો કે, “બાપા, મને તમે આને આધીન કરો. મારા માટે જરા પણ ચિન્તા રાખશો નહિ, તમે તો હમેશ એમ કહ્યા કરો છો કે, આ યવનોનો ઉચ્છેદક કોઇ પણ થવો જોઈએ; તો પછી જો હું જ તેમનો સંહારક થાઉં, તો શું ખોટું છે ? તમે તે યવનોના રાજાને જોયેા હતો, ખરોને? તમે હમેશ વાતો કરો છો કે, તેનો પોશાક આવો હતો, તેનો ઘોડો આવેા હતો અને તે પોતે આવો હતો, તો તેવો હું પણ કેમ ન થાઉં વારુ? બાપા, તમારા આશીર્વાદથી અને આ ઋષિમહારાજની કૃપાથી હું ખરેખર પરાક્રમી થઇશ. એ યવનોએ લઈ લીધેલા સમસ્ત દેશને તેમની પાસેથી પાછું મેળવીશ અને એક મહાન સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરીશ. પછી બાપા, તમારી આ ઢોરો ચારવાની મહેનત ટળી જશે અને તમે સુખમાં પોતાના દિવસો વીતાડશો. ખરેખર હું એ યવનોને સંહારીને મગધદેશના મહીપતિના રાજ્ય જેવું અહીં બીજું સ્વતંત્ર રાજ્ય સ્થાપીશ.”

બ્રાહ્મણને આટલી વાર સુધી સર્વથા ગુપ્ત રહેલો સંતાપ મગધદેશ અને ત્યાંના રાજાનું નામ સાંભળતાં જ એકાએક ઉદીપ્ત થયો અને તેથી તે તેને કહેવા લાગ્યો કે “અરે અજ્ઞાન બાળક, મગધદેશના રાજ્ય જેવું રાજ્ય શામાટે કહે છે? તે મગધદેશના રાજ્યસિંહાસને જ આરુઢ કરી હું તને ચક્રવત્તીં-સાર્વભૌમ રાજા બનાવીશ.”

આગળની વાત હવે પછીના ભાગમાં..

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!