વડિયા ગામ વચ્ચોવચ્ચ રહેતી ‘સુરવો’ નદીમાં આજ વગર વરસાદે, વગર પાણીએ પૂર આવ્યાં હતાં…! નદીના બંને કાંઠાની વસતીમાંથી ટોળેટોળાં ઊમટતાં હતાં… એક ટોળું જવા માટે રવાના થયું, તો જઇને આવેલું બીજું ટોળું એને સામે મળતું. સામસામી પૂછપરછ થતી: ‘હેં ભાઇ, આ વાત સાચી?’
‘હા સાચી… સોળ વાલ ને એક રતિ સાચી…’
‘ઢોર ડબ્બે પૂરી દીધાં, એમ?’
‘પૂરી દીધાં-ધરાર પૂરી દીધાં.’
‘દરબારે પોતે પુરાવ્યાં?’
‘દરબાર વિના કોની દેન છે?’
‘તો હવે?’
‘હવે શું? રાજમાતા સો ઢોરનો ડબા દંડ ભરે અને પોતાનાં ઢોર છોડાવે.’
‘આ તો નવી નવાઇ, હોં ભાઇ!’
‘નવી નવાઇ વળી શાની? દરબાર સુરગવાળાની રાજનીતિ દીવા જેવી છે. દીવો અજવાળું સૌને સરખું આપે અને વતાવે તો દઝાડેય સૌને સરખું.’સૂરજ જેમ જેમ ચડતો ગયો, વડિયા રાજનું લોક ઊમટતું રહ્યું. બપોર થતાં થતાંમાં તો આખા વડિયા સ્ટેટમાં, ગામડે ગામડે સમાચાર પહોંચી ગયા કે વડિયાના રાજવી દરબાર સુરગવાળાએ પોતાના સગાં માનાં સો જેટલા ઢોર વડિયાના ડબામાં પૂરી દીધાં છે અને મા રાધાબાઇનો ગોવાળ લાકડી નાખી દઇને ભાગી ગયો છે. નીકર દરબાર સુરગવાળા એની ખાલ ઉતારી લેત!
રાજાશાહીનો એ જમાનો હતો. એક જ વ્યક્તિના દિલોદિમાગના ત્યારે સળંગ ધણીપણાં હતાં. રાજા બોલે એ જ સત્ય. એ જાહેર કરે એ જ ન્યાય. એ વર્તે એ જ કાયદો, એ આચરે એ જ ધર્મ અને એ વિચારે એ જ ઇન્સાફ!વડિયા આમ તો નાનકડું એવું કાઠી રાજ્ય. સૌરાષ્ટ્રમાં મગરમચ્છ જેવાં બીજાં રજવાડાઓની આગળ માછલી જેવડું…!પણ એ માછલી મીઠા જળની…!
વડિયાની ગાદી ઉપર બેસનાર દરબાર સુરગવાળા ચતુર અને પ્રજાવત્સલ રાજવી. વસતીનાં સુખ-દુ:ખ માટે એના બારણાં રાત-દિવસના ભેદ વગર હંમેશાં ખુલ્લાં…. ચકલું ફરકે એનીય નોંધ દરબારની ડાયરીના પાને હોવાની. ઘડિયાળના ડંકા ઉપર, કાંટોકાંટ એનો કારોબાર…! સુરવો નદીની આ બાજુ રાજવીનો પેલેસ અને સામે કાંઠે કોર્ટ-કચેરી…
કચેરીની બાજુમાં દરબાર સાહેબનાં માતા રાધાબાઇ માનો રાજમાતાનો બંગલો. દરબાર ઘેરથી કચેરીમાં જવા નીકળે એટલે મા સાહેબના આવાસે જઇને એમને વંદન કરે, આશીર્વાદ મેળવે અને પછી એના વહીવટી કામ આરંભે… દરબારનો રોજનો આ ક્રમ…એક દિવસ સુરગવાળા રાજમાતાના પેલેસથી નીકળીને કચેરીમાં જઇ રહ્યા હતા, ત્યારે વડિયાના પચાસેક જેટલા ખેડૂતો ટોળે વળીને કચેરીના દરવાજે, ડરતા ડરતા ઊભા હતા… દરબારને આવતા જોઇને એ બધા વખિરાઇ રહ્યા હતા એ સૌને ઊભા રાખીને દરબારે પૂછ્યું: ‘તમે શું આવ્યા’તા પટેલિયાવ!’
‘ઇ તો અમથા બાપુ! સુવાણે.’
ચતુરાઇભર્યું હસીને દરબાર બોલ્યાં: ‘હોય કાઇ તમે ખેડૂતો, આજે અષાઢ-શ્રાવણના ચોમાસામાં, મોલાતભર્યા ખેતરો મૂકીને ‘સુવાણ્ય’ કઇ રીતે કરી શકો?’
‘વાત તો મોલાતભર્યા ખેતરોની જ છે બાપુ! પણ હશે બીજું શું?’
‘શાનું હશે? બોલો…’
‘ના ના… એવું મોટું કોઇ કામ નથી, બાપુ!’
‘મોટું કે નાનું…’ દરબાર બોલ્યા! ‘આવો… મને વાત કરો. ખુલ્લું મન રાખીને જે કહેવાનું હોય એ કહો.’
ટોળું દરબારની કચેરીમાં આવ્યું…
‘બોલો.’ દરબારે કહ્યું: ‘શું ફરિયાદ છે?’
‘ફરિયાદ તો છે, પણ બૌ ગૂંચવાડાવાળી છે બાપુ!’
દરબાર હસ્યા: ‘ગૂંચ ઉકેલવા માટે તો હું બેઠો છું, ભાઇ કહો, શાની ગૂંચ છે તમારે?’
‘માના ગોવાળની…’
‘શું છે ગોવાળનું?’
‘મા સાહેબનાં સો જેટલાં ગાય-ભેંસો ગોવાળ છુટાં ચારે છે.’
‘એટલે?’
‘એટલે એમ કે અમારાં ખેતરોમાં.’
‘ઊભી મોલાતમાં?’
‘હા બાપુ!’ ખેડૂતો દ્રવ્યા: ‘ઊભી મોલાતમાં… દીકરાના પાડના ઊછરેલ પાજરેલ અમારા છોડવા…!’
‘અને?’
‘અમારાથી એને કાંઇ કહેવાતું નથી. કહીએ તો ગાળો દે છે, મારવા દોડે છે અને કહે છે કે જમીન ક્યાં તમારા અદાની છે? આ તો મા સાહેબનાં ઢોર છે. આ ઢોર ખડ નથી ખાતાં. એને મોલાત ભાવે છે.’
‘એમ?’ દરબારનાં ભવાં તંગ થયાં. ‘તમે કાનોકાન સાંભળીને આ વાત કરો છો?’
‘ઘણી વાર સાંભળ્યું છે બાપુ! જ્યારે હદ થઇ ત્યારે અમે ફરિયાદે આવ્યા.’
દરબાર સુરગવાળાએ નોંધ ટપકાવી અને ખેડૂતોને કહ્યું: ‘હું આ બધી તપાસ કરીને નિર્ણય કરું છું… જાવ…’
ખેડૂતો ગયા એટલે સુરગવાળાએ પોતાના ખાનગી ગુપ્તચરોને ખાસ સૂચના આપીને સીમમાં મોકલ્યા…
‘સાંજ સુધીમાં બાતમીદારોએ અહેવાલ આપ્યો કે મા સાહેબનો ગોવાળ માથાનો ફરેલ જણાય છે. રાજસત્તાનો એનો નશો તોરમાં છે. સો જેટલાં પશુઓ એ વડિયાનાં વાવેલાં ખેતરોમાં આડેધડ ચારે છે…!’
દરબાર સુરગવાળાએ રાજ્યની પોલીસને હુકમ દીધો કે ‘મા સાહેબના સોએ સો ઢોરને સીમમાંથી હાંકીને આપણા દરબારી ડબામાં પૂરી દો.’
પોલીસ થોડી કંપી: ‘બાપુ! રાજમાતાનાં ઢોર!’
‘હા, રાજમાતાનાં મારી જનેતાનાં.’ દરબાર મક્કમ અવાજે બોલ્યા: ‘મારા હુકમનો અમલ કરીને મને જાણ કરો.’
અને વળતા પહોરે વડિયા સ્ટેટનાં રાજમાતાનાં સો જેટલાં ગાય-ભેંસો રાજના ડબા ભેગાં થઇ ગયાં…!ગોવાળ બીકનો માર્યો ભાગી છુટ્યો!ગામ આખામાં અને રાજ આખામાં સન્નાટો છવાઇ ગયો કે રાજવીએ જનેતાની પણ શરમ ન ભરી!‘મા!’ વળતા દિવસે રોજના નિયમ પ્રમાણે દરબાર સુરગવાળા માને વંદન કરવા માટે ગયા ત્યારે બોલ્યા: ‘તમે વાત સાંભળીને મા?’‘હા, ભાઇ’ કહીને માએ સો પશુઓનો ડબાદંડ ભર્યો હતો એની પહોંચ દેખાડી.
‘આપને માઠું લાગ્યું મા?’
‘માઠું લાગે? મને? શી વાત છે?’ રાધાબાઇમા પ્રસન્ન થઇને હસ્યાં: ‘મારો પુત્ર આમ જ વર્તે… મને એનું ગૌરવ છે બેટા! વાત મારા સુધી ન આવી અને ત્યાં સુધી પ્રજાને દુ:ખ પડ્યું એની મને દિલગીરી થઇ.’ અને માએ આનંદને વ્યક્ત કરવા સુરગવાળાના મોંમાં સાકરની કાંકરી આપી…!
(નોંધ: વડિયાના રાજવી દરબાર સુરગવાળા, સંસ્કારપ્રેમી, શિક્ષણ અને સાહિત્યપ્રેમી વિદ્વાન હતા. લાઠીના રાજવી કવિ કલાપી, હડાળાના દરબાર વાજસુરવાળા સાથે મેઘાણીભાઇ વગેરે વડિયા આવતા જ્યાં બેસીને આ બધા નવ કૂકરીની રમતા એ ઓટલો હાલ પણ વડિયામાં મોજૂદ છે.)
તોરણ – નાનાભાઈ જેબલિયા
વધુ માહિતી..
દ.શ્રી સુરગબાપુ વાળા કેળવણી ક્ષેત્ર ના હિમાયતી હતા અને શિક્ષણ નો વ્યાપ વધે એ માટે દરેક ગામો માં સ્કુલો શરુ કરાવેલી. વહિવટી કાર્યો માટે તેમણે ૧૯૩૮મા મ્યુનિસીપાલટી ની સ્થાપના કરી હતી. અને એમા દલીત સભ્ય નો પણ સમાવેશ કરવામા આવ્યો હતો.
ખેડુતો માટે ઘણા ઉદાર હતા ખેડુતોની દેવાની રકમ માફ કરેલી અને પાંચ વર્ષ સુધી જકાત ના લેવાનો નિર્ણય કરેલો.તેમજ વિઘોટીની પ્રથા બંધ કરી ભાગબટાઇ નો અમલ ૧૯૩૫ થી કરાવેલો.ભાગબટાઇ એટલે ઉત્પાદન માંથી ચોથો અગર પાંચમો ભાગ અને વિઘા એક જમીન ના પ્રમાણ માં છ આના, આઠ આના કે દસ આના રોકડ માં લેવા માં આવતા અને રાજ્ય ની અંદર ગરીબ કુટુંબો અને વિધવા બહેનો નો વેરો માફ કરવાં આવતો હતો. ખેડુતો અને વ્યાપારીઓ ને સફળતા મળે એ માટે ૧૯૩૬ માં “વડીયા સ્ટેટ બેંક” ની સ્થાપના કરેલી.જે હાલ માં “સ્ટેટ બેંક ઓફ સૌરાસ્ટ્ર” ના નામે ઓળખાય છે. દ.શ્રી સુરગબાપુએ પુત્ર કૃષ્ણકુમાર નામ પર થી કૃષ્ણગઢ ગામ પણ વસાવ્યુ હતુ.
૧ જુલાઇ,૧૯૩૦ ના રોજ એક ખાસ જાહેરનામું બહાર પાડી વડીયા સ્ટેટ ને સંપુર્ણ દારુબંધીવાળુ રાજ્ય ઘોષીત કર્યુ. વડીયા સ્ટેટના બંધારણની ૪૪૦ કલમોનો ૫૫૦ પાના માં સમાવેશ થતો. તેના બંધારણ મુજબ વડિયા બિન સાંપ્રદાયીક રાજ્ય ગણાતુ.
સૌજન્ય – Kathiyawad Glory