કાઠી કોમ અતિથિ માટે મરી પડે છે. તેઓને ત્યાં આવનારને આશરો અને ભોજન બંને મળે છે. પવિત્ર દેવતાઈ ભૂમિ- ભારતના પશ્ચિમ કાંઠે ઉત્તર દિશામાં આનર્ત રાજાની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ વૈકુંઠનાથે વૈકુંઠધામનો જ એક ટુકડો સમુદ્રકાંઠે મૂક્યો, જેથી તેનું નામ આનર્ત રાજાના નામથી ‘આનર્ત દેશ’ કહેવાયો. એ જ આપણો કાઠીયાવાડ પ્રદેશ. આ પ્રદેશમાં કાઠી કોમે વસવાટ કરર્યો, જેથી તે કાઠીવાસ નામે ઓળખાયો. વખત જતા તે કાઠીયાવાડ કહેવાયો. તેથી જ કહેવાયું ‘કાઠીએ કાઠીયાવાડ કીધો.’
કાઠી ભગવાન સૂર્યનારાયણને પોતાના આરાધ્ય દેવ માને છે. કાઠી કોમ સ્વમાની છે. તેઓ કોઈ સત્તાને માનતા નહીં. કહેવત છે કે, ‘કાઠીનો ઓટલો અને રોટલો મોટો’ કાઠી કોમ અતિથિ માટે મરી પડે છે. તેઓને ત્યાં આવનારને આશરો અને ભોજન બંને મળે છે. કાઠી કોમની મહેમાનગતિ વખણાય છે. તેથી જ કહેવાય છે, ‘કોક દીન કાઠીયાવાડમાં ભૂલો પડને ભગવાન, તને સરગ ભુલાવું શામળા’. કાઠી કોમ નાતજાતમાં માનતી નથી. કાઠીઓના રજવાડાના રાજવીઓ પોતાની પ્રજાને નાત, જાત કે આભડછેડ વિના પુત્રવત્ પાળે. તેના સુખદુઃખમાં ભાગ લેતા. પોતાની પ્રજાની ઉન્નતિમાં તે હરહંમેશ રાજી રહેતા. આ કોમ પોતાના ઉપાસ્ય દેવ સૂર્યનારાયણનાં દર્શન કર્યા વિના અન્નજળ લેતા નથી. વરસાદની ઋતુમાં ઘણીવાર બબ્બે ત્રણ ત્રણ દિવસના નકોરડા ઉપવાસ થાય છે.
ચોટીલા પાસેનું સૂર્યદેવળ તેઓનું યાત્રાનું ધામ છે. આ પવિત્ર, સ્વમાની, ધર્મપ્રેમી, ગૌપ્રેમી, પ્રજાવત્સલ કોમમાં ગુજરાત રાજ્યના જૂનાગઢ જીલ્લામાં વિસાવદર તાલુકાના ગામ માંડાવળમાં આઝાદી પહેલાં ઘણાં વર્ષો પૂર્વે પ્રજાવત્સલ રાજવી દરબાર શ્રી જીવાવાળા હરસુરવાળા થઇ ગયા. તેઓ પાંચ પાંચ ગામના રાજવી હતા. તેમના રાજ્યની પ્રજા સુખી અને સમૃધ્ધ હતી. તેઓ નીતિપરાયણ, ધર્મ પરાયણ, પ્રજાવત્સલ અને ગૌપ્રેમી રાજવી હતા. તેઓ ગૌમાતાને માતાથી અધિક માનતા. પોતાના રાજ્યમાં ગૌવધ તેમજ, પુશ-પંખી હિંસા બંધ કરાવેલી.
માંડાવડ પાસે વિસાવદર નામનું ગામ છે. ત્યાં ગૌહત્યા થતી. દિનપ્રતિદિન ગૌ હત્યા સહજ થઈ ગયેલી. વિસાવદરના લોકોમાં તેની સામે વિરોધ કરવાની શક્તિ ન હતી. આથી ધર્મપ્રેમી હિન્દુઓનું દિલ દુભાતું. જ્યારે આ હકીકત પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે વિસાવદર ગામના મહાજન અને સમસ્ત પ્રજાજનોએ માંડાવડના રાજવી દરબારશ્રી જીવાવાળા પાસે જઈ હિન્દુ ધર્મ તથા ગૌરક્ષા કરવાની પ્રાર્થના કરી. દરબારશ્રી જીવાવાળા ગૌરક્ષાને હિન્દુ ધર્મનું મુખ્ય લક્ષ માનતા હતા. ગૌહત્યાની તેઓ કલ્પના પણ કરી શકતા નહીં. ગૌમાતાના પ્રાણ બચાવવા આ રાજવી પોતાના પ્રાણની આહુતિ આપવા તૈયાર થઇ ગયા.
જેથી તેઓ પોતાના ભાયાતો, મિત્રોનો સાથ લઈ વિસાવદર આવ્યા અને ત્યાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. આ ભાગવત સપ્તાહમાં ગૌમાતાની રક્ષા માટે પોતે અન્નજળનો ત્યાગ કરી, ભાગવતના હસ્તીનાપુરના ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિતની જેમ અનશન ઉપર બેસી ગયા. આથી તેમના ભાયાતો. દરબારીઓ, સેના, અને પ્રજાજનોએ ગૌમાતાની રક્ષા માટે પોતાનું બલિદાન દેવા વિસાવદરમાં પ્રવેશ કર્યો. પૂર્ણાહુતિના ૭મા દિવસે દરબારશ્રીના દરબારગઢમાં પોતાના કુટુંબીજનો, નોકર-ચાકર, ભાયાતો, મિત્રો, અને સમસ્ત પ્રજાજનો ગૌમાતાની રક્ષા માટે દરબારશ્રી જીવાવાળા સાથે જ અનશન ઉપર ઉતર્યા. અને આ તમામ લોકો દરબારશ્રીની મદદમાં વિશાવદરમાં એકઠા થયા.
વિસાવદર ગૌમાતાની રક્ષા કાજે યુધ્ધની છાવણીમાં ફેરવાઈ ગયું. ગૌહત્યા બંધ કરો, ગૌમાતાની રક્ષા કરોના બુલંદ અવાજો પ્રજામાંથી ઉઠયા. દરબારશ્રી જીવાવાળા ગૌમાતાની રક્ષા માટે અંતિમ શ્વાસ સુધી અનશન ઉપર રહી, શહીદી વહોરવાની તૈયારી કરી, દરબારશ્રીના આ નિર્ણયની સાથે સમસ્ત પ્રજાએ સૂર પુરાવ્યો. આ હકીકતની જાણ જૂનાગઢ નવાબ સાહેબ શ્રી રસુલખાનજીને થતાં તેઓ તુરંત જ વિસાવદર આવ્યા, અને ગૌહત્યા બંધ કરવાનો હુકમ કર્યો, અને દરબારશ્રી જીવાવાળાને વચન આપ્યું કે, ‘તેઓના પુરા રાજ્યમાં ગૌહત્યા નહીં થાય અને ગૌમાતાનો આદર કરવામાં આવશે.’ નવાબ સાહેબે દરબારશ્રી જીવાવાળાના ઉપવાસ છોડાવ્યા અને નવાબ સાહેબે દરબારશ્રી જીવાવાળાનું ખરા હૃદયથી એક આદર્શ પ્રજાવત્સલ ગૌપ્રેમી રાજવી તરીકે સન્માન કર્યું.
આથી તમામ પ્રજાજનોએ પણ દરબારશ્રીના કહેવાથી અનશન છોડયું. વિસાવદરના મહાજનો તેમજ પ્રજાએ દરબારશ્રીના આ કાર્યનું
સન્માન કરી, સનમાનપત્ર અર્પણ કર્યું, જે આ પ્રમાણે છે ઃ
‘વાળા જીવાભાઈ હરસુરભાઈ માંડાવડ
અમો ઘણા જ હર્ષથી આ માનપત્ર આપશ્રીને અર્પણ કરીએ છીએ કે, સાહેબ, આપે કિશોરવયના રાજકુમાર હોઈ, ખરા ક્ષત્રી અને વેદ ધર્મનું રહસ્ય અહિંસા, પરમો ધર્મ અને મુકિત સ્વરૃપ શ્રીમદ્ ભાગવત સપ્તા-૮, દિવસ સુધી ઉપવાસ વ્રત કરી, શ્રવણ કર્યું તથા આપના તાબાનાં બધાં ગામોની સરહદમાં નિ-અપરાધી પ્રાણીઓની હિંસા કાયમ માટે બંધ રાખવા ફરમાન કર્યું છે. આવા ઉત્તમ અને સ્તુતી પાત્ર કાર્ય માટે આપના નિર્ણયને ધન્યવાદ આપીએ છીએ. અને સદગુણી વંશજોની વૃધ્ધિ થવા ઇશ્વર સ્તુતી કરીએ છીએ. તા. ૦૫/૦૪/૧૯૧૩ વૈશાખરા.
બોમ્બે લી. જી. નાનાહ (માનપત્રની જોડણી અસલ મુજબ)
દરબારશ્રીએ પોતાના રાજ્યમાં તો ગૌહત્યા તેમજ પશુ-પંખી હિંસા સદંતર બંધ કરાવેલી. એટલું જ નહીં પણ તેઓ ગાયો ચરાવવા જાતે જતા. હાથમાં લાકડીનો ટુકડો પણ રાખતા નહીં, પોતાના રાજ્યમાં કોઇ ગાય કોઇના ખેતરમાં ચરી જાય તો, ખેતરવાળાને તેનું નુકશાન પંચો રૂબરૂ ચૂંકવી આપતા, તેઓ ધર્મપરાયણ પ્રજાવત્સલ રાજવી હોઈ, તેઓની કીર્તિ મથુરા- કાશી સુધી ફેલાયેલી હતી. કાશીક્ષેત્રમાં તેઓએ ગરીબો માટે અન્નક્ષેત્ર ખોલેલું. કાશી વિશ્વનાથમાં રાજભોગ માટે ધન જમા કરાવેલું.
તેઓશ્રી છ માસ પોતાના રાજ્યમાં રહેતા અને છ માસ રાજ્યનો વહીવટ પોતાના દિવાનને સોંપી ધાર્મિક યાત્રાઓ કરતા, તેઓ પ્રજાની રાવફરિયાદ પોતે સાંભળી તેનો ઉકેલ લાવતા, તેઓના રાજ્યમાં સુખસમૃદ્ધિ અને શાંતિ હતા. આ રાજવીનો શાસનકાળ ઇ. સ. ૧૮૦૦ થી ઇ.સ. ૧૮૫૬ સુધીનો હતો.
વધુ માહિતી :ગૌભક્ત દરબાર સાહેબના પૌત્ર પુંજાવાળાનાં લગ્ન પાળીહાદ જગ્યાના ગાદીપતિ બ્રહ્મલીન ઉનડબાપુના પુત્રી નિર્મળકુંવરબા સાથે થયેલા હાલ પૂ. નિર્મળકુંવરબા પાળીઆદ જગ્યાના ગાદીસ્થાને બિરાજેલ છે. તેઓ જગ્યાની પરંપરાને જાળવી રહ્યા છે
લેખક: દોલત ભટ્ટ
સંકલન:- કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન