આ તે દંડ કે દાન ?

સોલંકીયુગની આ એક ઘટના, દીવા જેવી ચોખ્ખી વાતનો અણસાર આપી જાય છે કે, ત્યારે સિદ્ધરાજે જો એક પિતાની અદાથી પ્રજાનું પાલન કર્યું હતું, તો પ્રજા સંતાન જેવા સ્નેહ-પૂર્વક એમની સેવા કરવામાં આનંદ અનુભવતી હતી. પ્રસંગ એ વખતનો છે કે, જ્યારે સહસ્રલિંગ તળાવના સર્જનના આદરેલા કાર્યને અધૂરું મૂકીને સિદ્ધરાજને માળવા પર લડાઈ લઈ જવાની ફરજ અદા કરવી પડેલી.

સોલંકીયુગના સરોવરમાં સહસ્ત્રદલ ધરાવતા કોઈ વિકસિત કમળ જેવી શોભા એ વખતના પાટણને વરી હતી. પાટણ ત્યારે બધી રીતે પ્રતિષ્ઠિત નગર હતું, પણ ખામી એક વાતની હતી ઃ પાટણની પ્રજાના હૈયામાં ઊંડે ઊંડે પાણીનું દુઃખ હતું. એથી પ્રજા એવા કોઈ સરોવરનુ નિર્માણ ઈચ્છી રહી હતી, કે જે નદીની જેમ છૂટા હાથે જલદાન કરતું રહેતું હોય. જો કે પાણીનો આ પોકાર એવો સાર્વત્રિક ન હતો કે, જે પાટણનું કલંક બની રહે ! નાનકડા અને રૂપાળા બાળકના ગાલ પર કરાયેલી કાળી ટીલી જેમ બાળકના મુખની શોભામાં નડતરરૂપ નથી બનતી, એમ આ ત્રુટિ અંગેય રાજાનો દોષ ન કાઢતાં પ્રજા મન મનાવી લેતી. પણ સિદ્ધરાજના મનને એથી સંતોષ થતો ન હતો. એથી એક દહાડો ગુજરાતભરના સ્થપતિ-શિલ્પીઓને આમંત્રીને એમણે એવા કોઈ તળાવની રૂપરેખા દોરવા વિનંતી કરી કે જે તળાવ પાણીનું જ નહિ, ધર્મની સરવાણીનું પણ વાહક બની રહે.

રાજા સિદ્ધરાજની આ વિનંતિનો જવાબ સ્થપતિઓએ લાંબા વિચાર-વિમર્શને અંતે ‘સહસ્ત્રલિંગ-સરોવર’ની રૂપરેખા દોરીને આપ્યો. એ રૂપરેખાને સિદ્ધરાજે પહેલી નજરે જ વધાવી લીધી અને સ્થપતિઓના માર્ગદર્શન મુજબ એક એવું નિર્માણકાર્ય આરંભાયું કે જે તૃષાતુરોની તૃષા દૂર કરવા સાથે હિન્દુત્વના સંસ્કારોને સુદ્રઢ બનાવતાં સહસ્ત્ર લિંગોથીય મંડિત હોય.

સહસ્ત્રલિંગ સરોવરના નિર્માણની વાત આસપાસ ફેલાતાં ગુજરાતમાં આનંદ છવાઈ ગયો. કારણ કે આ એક એવું સ્થાપત્ય બનનાર હતું કે જેમાંથી પ્રજા પાણીની જેમ જ સંસ્કૃતિની સરવાણી પણ મેળવી શકે ! એક તરફ આ નિર્માણકાર્ય ધમધોકાર શરૂ થયું પણ આદર્યા અધૂરાં રહે એવી એક પરિસ્થિતિનું નિર્માણ પણ બીજી તરફ થઈ રહ્યું હતું. પરંતુ એની જાણ તો સૌને ત્યારે જ થઈ કે, જ્યારે એકાએક માળવા સામે ચડાઈ લઈ જવાની રણભેરી સિદ્ધરાજને વગાડવી પડી.

માળવા અને ગુજરાત વચ્ચે વર્ષોજૂની વેરપરંપરા ચાલુ હતી. સિદ્ધરાજ બળવાન હતા, છતાં સામેથી સંગ્રામની સુરંગમાં ચિનગારી ચાંપવાની એમની ઈચ્છા ન હતી. પણ જ્યારે માળવાએ સામેથી જ ગુજરાત સમક્ષ પડકાર ફેંક્યો, ત્યારે સહસ્ત્રલિંગના એ સર્જનકાર્યને જરા ગૌણ બનાવીનેય સિદ્ધરાજે એક દહાડો માળવાનો મુકાબલો લેવા યુદ્ધપ્રયાણ કર્યું.

થોડા જ સમયમાં ગુજરાત-માળવા વચ્ચે ખૂનખાર જંગ જામી ગયો. પાટણનાં સત્તાસૂત્રો સંભાળવાની તેમ જ સહસ્ત્રલિંગ સરોવરના સર્જનની બધી જ જવાબદારી મહામાત્ય મુંજાલને સોંપવામાં આવી હતી. એથી સિદ્ધરાજ નિશ્ચિંત બનીને યુદ્ધ ખેલી રહ્યા. પરંતુ યુદ્ધ ધાર્યા કરતાં વધુ લંબાયું. અને એથી રાજ્યખજાનો ખૂટવા આવ્યો. મહામાત્ય મુંજાલ માટે સૂડી વચ્ચે સોપારી જેવો ઘાટ ધડાયો. એક બાજુ યુદ્ધના ખર્ચને પહોંચી વળવું જરૂરી હતું, કેમ કે આ તો ગુજરાતના ગર્વ અને ગૌરવનો સવાલ હતો. તો બીજી બાજુ સરોવરનું સર્જન પણ ઓછી મહત્તવની બાબત નહોતી. કેમ કે એ પ્રજાહિતનો પ્રશ્ન હતો. પણ થોડા વધુ દિવસો વીત્યા અને મંત્રીશ્વર મુંજાલને માટે સરોવરનું કાર્ય તત્કાળ પૂરતું બંધ રાખીનેય ગુજરાતના ગૌરવની રક્ષાના પ્રશ્નને જ મહત્તવ આપવાની ફરજ અદા કરવી અનિવાર્ય થઈ પડી. એથી ધમધોકાર ચાલતું સરોવર સર્જનનું કાર્ય બંધ પડ્યું.

પાટણને જ્યારે આ સમાચાર પાકે પાયે જાણવા મળ્યા, ત્યારે સૌ જુદા જુદા પ્રતિભાવ વ્યક્ત કરી રહ્યા ઃ કોઈએ માળવા પર ગુસ્સો ઉતાર્યો, તો કોઈએ યુદ્ધ સામે અણગમો વ્યક્ત કર્યો. પણ શ્રીપાલ શેઠે જે પ્રતિક્રિયા વ્યક્ત કરી, એ તો સાવ જ અનોખી હતી ! એઓ સોનામહોરોથી ભરેલી થેલીઓ લઈને મહામાત્ય સમક્ષ ઉપસ્થિત થયા. કોઈ દાનેશ્વરી નહિ, પણ યાચકની અદાથી એમણે પ્રાર્થના કરી કે, ‘મહામાત્ય! સાંભળવા મુજબ નાણાંની તંગીના કારણે જ પાટણની પ્રજા જેને અંતરથી ઈચ્છી રહી છે, એ સરોવરસર્જનનું કાર્ય બંધ થયું છે. મારા ભંડારમાં રહેલાં નાણાં આવા અવસરે ઉપયોગી નહિ થાય તો ક્યારે થશે ? અને આ સરોવરમાં તો અનેક દેવાલયોનું સર્જન પણ આવરી લેવામાં આવ્યું છે. આ લાભની ભિક્ષા લેવા કાંડે ઝોળી ભરાવીને હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. લો, આ સોનામહોરોથી ભરેલી થેલીઓ અને સરોવરસર્જનના કાર્યને પુનઃ ચાલુ કરો. વધુ સોનામહોરોની જરૂર જણાય તો મને ફરીથી નિઃસંકોચ યાદ કરશો.’

આ એક અનોખો જ પ્રતિભાવ હતો. છતાં મંત્રીશ્વર મુંજાલ આ વિષયમાં સિદ્ધરાજની રજા લીધા વિના કશું જ કરી શકે એમ ન હતા. એથી એમણે કહ્યું ઃ ‘શ્રીપાલ શેઠ ! આ સરોવરનું સર્જન રાજ્ય તરફથી થઈ રહ્યું છે, માટે પ્રજાનો પૈસો આમાં સ્વીકારવો કે કેમ ? આ પ્રશ્ન આજે એકાએક ઉપસ્થિત થયો છે, ત્યારે આનો ઉકેલ લાવવાની મારી પાસે કોઈ જ સત્તા નથી. એથી તમને લાભ આપવાની ઉદારતા જેમ હું ન દાખવી શકું, તેમ સરોવરના સર્જનનું કાર્ય પણ હું ફરી શરૂ કરાવી શકું એમ નથી. બંને રીતની મારી આવી આ અશક્તિ તમારા દિલને દૂભવવામાં નક્કી નિમિત્ત બની જશે, એનો મને પૂરો ખ્યાલ છે. પણ આ માટે હું નિરુપાય છું.’

વિચારોની એ લેવડદેવડ લાંબા સમય સુધી ચાલી. પણ શેઠ શ્રીપાલનું એ દાન મંત્રીશ્વરે જ્યારે ન જ સ્વીકાર્યું ત્યારે બીજી કોઈ રીતેય રાજાનો ખજાનો ભરપૂર બનાવવા દ્વારા સરોવર સર્જનના કાર્યને શરૂ કરવાનો એક વ્યૂહ મનોમન વિચારતા શેઠ મહેલે આવ્યા અને એના અમલીકરણ માટે પોતાના પુત્ર ઉદયકુમારને લઈને તેઓ એક ગુપ્ત ખંડમાં મંત્રણા માટે ચાલ્યા ગયા.

* * *

મહારાજ સિદ્ધરાજના રાજ્યભંડારમાંથી એકાએક ચોરાઈ ગયેલા કીમતી હારની ખબર જેમ જેમ ફેલાતી ગઈ, એમ એમ સૌ વજાઘાત અનુભવી રહ્યા. રે ! આ શું થઈ ગયું ? પાટણના માથે કોઈ પનોતી તો બેઠી નથી ને ! એક તરફ સરોવરસર્જનનું કાર્ય અટકી પડ્યું છે, બીજી તરફ માળવામાં જામેલું ખૂનખાર યુદ્ધ હજી પણ ગુજરાતને ગર્વ કે ગૌરવ અપાવતું નથી, અને ત્રીજી તરફ આ ચોરી !

લાખેણો એક હાર ચોરાયો હતો. જેટલી શોક કરવા જેવી આ ઘટના ન હતી એથીય વધુ જે પરિસ્થિતિમાં આ ચોરી થઈ હતી અને એથી રાજ્યની સુરક્ષા-વ્યવસ્થા સામે જે પડકાર ફેંકાયો હતો, એ શોચનીય હતું. સિદ્ધરાજ અત્યારે માળવાના મોરચે ઝઝૂમી રહ્યા હતા, ત્યારે ખજાનો આ રીતે ખાલીખમ થઈ જાય, એને મંત્રીશ્વર કઈ રીતે સહી શકે ? આમાં પોતાની આબરૂનોય સવાલ હતો. એથી મંત્રીશ્વરે જ્યાં ચોરીના આ સમાચાર સાંભળ્યા, ત્યાં જ તલવાર તાણીને એમણે ભરસભામાં પ્રતિજ્ઞા કરી કે, હારના ચોરને પકડી ન શકું ત્યાં સુધી મારે અન્ન-પાણી હરામ છે !

આ પ્રતિજ્ઞા સાંભળીને પ્રજા સ્તબ્ધ બની ગઈ. સૌ સમજતા હતા કે સુરક્ષાની કડક સીમાઓને ઘોળી પીને આ રીતે હાર ચોરવામાં જે ચોર સફળ બન્યો હશે, એ કંઈ કાચી બુદ્ધિનો તો નહિ જ હોય કે, આમ સહેલાઈથી મંત્રીશ્વરને તાબે થઈ જાય ! મંત્રીશ્વરના મોં પર પ્રતિજ્ઞાના સ્વીકારની પળે પ્રજાએ જે જુસ્સો-ગુસ્સો જોયો હતો એ અદ્‌ભુત હતો. એથી મંત્રીશ્વરની સફળતા ઈચ્છતા સૌ વીખરાયા. પાટણમાં દિવસભર આ જ વાત ચર્ચાતી રહી. અંધકારના ઓળા ધરતી પર અવતરે એ પૂર્વે તો મંત્રીશ્વર વેશપલટો કરીને ચોરની શોધ કરવા કાજે નીકળી પડ્યા.

પરિશોધનાં એ પગલાં થોડાં આગળ વધ્યાં ન વધ્યાં, ત્યાં તો મંત્રીશ્વરની ચકોર નજરે શ્રીપાલ શેઠના મહેલ તરફ છૂપા પગલે જતા એક માણસને પકડી પાડ્યો. એની ગતિ ચોર જેવી જણાતાં મંત્રીશ્વરે પોતાની ઝડપ વધારી. પેલા માણસની નજર પાછળ ગઈ. એ ધૂ્રજી ઊઠ્યો. એ ધુ્રજારીને એક સબળ પુરાવો ગણીને મંત્રીશ્વરે એ માણસને પડકાર્યો ઃ ‘ખબરદાર, એક પગલું પણ આગળ વધ્યો છે તો ! તારા હાથમાં આ દાબડો શેનો છે ? ચોરીની ચીજ તો એમાં ભરી નથી ને ?’

પેલો માણસ ગભરાઈ જઈને મંત્રીશ્વરના પગ પકડતાં બોલવા માડ્યો ઃ ‘હું ચોર છું, એની કબૂલાત કરું છું, એટલું જ નહિ, મોતીના હારનો આ દાબડો પણ આપને હાથોહાથ સુપરત કરું છું. આના બદલામાં મારી માગણી એક જ છે કે, આપ મને કેદી ન બનાવતા ! ગઈ કાલની ચોરીનો આ માલ હું આજે ઘરભેગો કરવા નીકળ્યો ત્યારે મને કલ્પના ન હતી કે, આમ હું મુદ્દામાલ સાથે આપના હાથમાં ઝડપાઈ જઈશ!’

હવે તો મંત્રીશ્વરની આબરૂનોય સવાલ હતો. ચોરના હાથમાં બેડીઓ નાખીને અને એને જેલના સળિયા પાછળ ધકેલી દઈને મંત્રીશ્વર પાછા ફર્યા. આ ચોરી અંગેની વધુ વિગતની ચર્ચા બીજા દિવસની સભામાં કરવાનું નક્કી કરીને મંત્રીશ્વર નિરાંતે સૂઈ ગયા. સવારનો સૂર્ય પ્રકાશનાં કિરણો ઘરેઘરે પહોંચાડે, એની સાથે ચોરના પકડાઈ જવાના સમાચાર પણ ફેલાઈ ગયા. એથી સભામાં જાણે માણસોનું કીડિયારું ઊભરાયું. પ્રારંભિક કાર્ય પૂરું થતાંની સાથે જ પકડાયેલા ચોરને સભામાં હાજર કરવાની આજ્ઞા છૂટી. થોડી જ પળોમાં ચોરને મંત્રીશ્વર સમક્ષ હાજર કરી દેવામાં આવ્યો. ચોરને જોતાં જ સભા સહિત મંત્રીશ્વર અકલ્પ્ય આશ્ચર્ય અનુભવી રહ્યા રે ! આ તો શ્રીપાલ શેઠનો પુત્ર ઉદયકુમાર છે ! શેઠ પૂરા શાહુકાર અને દીકરો આવો ચોર !

સભામાં શેઠ પણ હાજર હતા. એથી ઉદયકુમારની સાથે પૂછપરછ કરવામાં સમય બગાડયા વિના મંત્રીશ્વરે સીધા જ શ્રીપાલ શેઠને બોલાવ્યા અને જરા ગુસ્સા સાથે પૂછયું ઃ ‘શેઠ ! હું આ શું જોઇ રહ્યો છું ? ચોર તરીકે પકડાયેલા આ કેદીમાં મને તમારા દીકરાનો દીદાર દેખાય છે. આ મારી દ્રષ્ટિનો ભ્રમ તો નથી ને ?’

બેટાનો બચાવ કર્યા વિના શેઠે કહ્યું ઃ ‘પૂત કપૂત થાય, એથી માવતરને કમાવતર થઈ જવાની છૂટ નથી મળી જતી ! મારી આંખ પણ આ ચોરમાં મારા દીકરાનું જ દર્શન મેળવી રહી છે. એથી આના ગુના અંગે બચાવમાં મારે કંઈ જ કહેવું યોગ્ય નથી. આપ જે દંડ ફરમાવશો, એને ભરપાઈ કરી આપવા હું વચનબદ્ધ બનું છું.’

શેઠની આ વાત સાંભળીને સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. દીકરા તરફ આવી ઉદાર દ્રષ્ટિ રાખનારા શેઠ ઉપર મંત્રીશ્વરને મનોમન ગુસ્સો તો બહુ જ ચડ્યો પણ એ ગુસ્સાને વ્યક્ત કરવા જેવાં સ્થળકાળ આ ન હતાં. ઉદયકુમાર અપરાધી તો હતો જ એથી ન્યાયની દ્રષ્ટિએ પણ એના દંડની રકમ ભરી આપવાની શેઠની ફરજ હતી. રાજ્યનો ખાલી ખજાનો પણ મંત્રીશ્વરની નજર સામે તરવર્યો. એથી મંત્રીશ્વરે શેઠને કહ્યું ઃ ‘શેઠ ! આ દીકરાને કેદમાંથી મુક્ત કરવો હોય તો અબઘડી જ ત્રણ લાખ સુવર્ણમુદ્રાઓનો દંડ ભરપાઈ કરવા પડશે.’

‘ત્રણ જ શા માટે ? કહો તો સાડા ત્રણ લાખનો દંડ ભરપાઈ કરવા તૈયાર છું. કારણ કે સુવર્ણ કરતાં સંતાનનું મૂલ્ય એના પિતાને મન હંમેશાં વધુ હોય એ સહજ છે !’ આમ કહીને શેઠે વળતી જ પળે સાડા ત્રણ લાખ સુવર્ણ-મુદ્રાઓનો ઢગલો મંત્રીશ્વરની સમક્ષ ખડકી દઈને સૌને આંજી નાખ્યા અને દાળમાં કંઈક કાળું હોવાની શંકાથી સૌને શંકિત પણ બનાવી દીધા.

શેઠની આવી રહસ્યભરી રીતરસમ જોઈને અને પૂર્વતૈયારી જોઈને મંત્રીશ્વરના મનમાંય વહેમ બેઠો અને થોડા દિવસો પૂર્વે જ આ શેઠ સરોવરનિર્માણ માટે લાભ આપવાની વિનંતિ કરવા આવેલા, એય યાદ આવ્યું. અંતરમાંથી અવાજ આવ્યો કે, આવા ઉદારદિલ શેઠનો દીકરો ચોર હોય જ નહિ ! એથી મંત્રીશ્વરે પૂછ્‌યું ઃ

‘શેઠ ! કોઈ રમત તો રમી જતા નથી ને ? દંડના આ પડદા પાછળ દાનનું કોઈ નાટક રમાતું હોય એવી ગંધ તમારી આ રીતભાત પરથી અત્યારે આવે એ સહજ છે !’

જવાબમાં શેઠે કહ્યું ઃ ‘મંત્રીશ્વર ! પહેલાં મારા દીકરાને કેદમુક્ત કરો અને દંડની આ રકમ આપ સ્વીકારી લો. પછી આપ જે કંઈ પૂછવા માંગતા હશો, એનો પૂરેપૂરો જવાબ આપવાની મારી તૈયારી છે.’

આ જવાબ સાંભળીને પ્રજાને વાત રહસ્યભરી લાગી. સૌના કુતૂહલમાં એટલી બધી વૃદ્ધિ થઈ ગઈ હતી કે, મંત્રીશ્વરને શેઠની એ બે માગણીઓ માન્ય રાખવી જ પડી. ત્યાર બાદ મંત્રીશ્વરના હાથમાં તાળી પાડતાં શેઠે કહ્યું ઃ ‘આપ સીધી રીતે દાન ન સ્વીકારો, તો પછી મારે દંડ ભરવાનું નાટક આ રીતે ભજવવું પડે, એમાં નવાઈ શી છે ?’

આટલા ટૂંકા જવાબ પરથી મંત્રીશ્વર તો બધું સમજી ગયા. પણ પ્રજાના મુખ પર હજી એવું ને એવું જ આશ્ચર્ય અંકિત જોઈને મંત્રીશ્વરે વિસ્તારથી બધી વાત કહી સંભળાવી, ત્યારે આવા દાનેશ્વરી શ્રીપાલ શેઠનાં બે મોઢે વખાણ કરતા સૌ બોલી રહ્યા કે, દીકરાના માથે ચોર તરીકેનું કલંક ચોડીનેય આવું દાન કરનાર શ્રીપાલ શેઠ જેવી વ્યક્તિ, શક્તિ અને ભક્તિનું અસ્તિત્વ જ્યાં સુધી પાટણમાં હોય, ત્યાં સુધી કોની તાકાત છે કે, સહસ્ત્રલિંગ સરોવરના સર્જનકાર્યને એ અટકાવી શકે અને પાટણની પ્રતિષ્ઠાપતાકાને માળવાના મેદાનમાં નમાવી શકે ?

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!