ચોરીની ૩૬ કળાઓ

લોકસમાજમાં માનવીની બોલી અને લખણ-અપલખણને વર્ણવતી એક કહેવત છે:
બાર ગાઉએ બોલી બદલે, તરુવર બદલે શાખા,
જાતે દા’ડે કેશ બદલે, લખણ ન બદલે લાખા.

તમે પગપાળા કે ગાડામારગે બાર ગાઉનો પલ્લો (વાટ) કાપો એટલે બીજા પંથકની બોલી બદલાઈ જાય. ઝાડને નવી ડાળીઓ ફૂટે. ઘડપણમાં માનવીના મોવાળા ય ધોળા થઈ ગયા હોય ને જમ હાર્યે વાદ કરતો હોય તોય એના લખણ બદલાતાં નથી. એવું તસ્કરવિદ્યાના માલમી છનિયાનું હતું. છનિયો જાતનો છારો હતો. એની નાતમાં મુરતિયાની લાયકાત ચોરીમાં કેટલી હોંશિયારી છે એના આધારે મપાતી. છનિયાના નામાકામાની નોંધ પોલિસના ચોપડે ચાર પાંચ વાર ચડી ચૂકી હતી એટલે નાતમાં એ પૂછાતો. એને છોકરી આપવા નાતીલા સૌ એના બાપની દાઢીમાં હાથ ઘાલતા, પણ અહીં એના લગ્નની નહીં પણ ચોર તરીકેની કરામતો, કોઠાસૂઝ અને ચોરોની ૩૬ કળાઓની વાત કહેવી છે.

છનિયો ચોર હોવા છતાં ધર્મમાં આસ્થા રાખતો. ભાંગતી રાતના ચોરીની ખેપ કરવા નીકળે તે પહેલાં જે તે સ્થળની ચોક્કસ માહિતી મેળવી તેરસ, અંધારી અમાસ જેવા શુકનવંતા દિવસે ખોડિયારની સવા શેર સુખડીની બાધા-માનતા રાખી મસાણની આગમાં તપાવીને બનાવેલો ગણેશિયો (ખાતરિયું) લઈને બે ચાર સાગરિતો સાથે ચાર રસ્તાના ચોવટે જતો. જો સામી ચીબરી બોલે તો પાછો ફરી જતો અને પાછળથી ચીબરી બોલે તો શુકન સમજી આગળ વધતો. ચોવટામાં દેવદેવીની પૂજા પતાવીને નક્કી કરેલા ગારમાટીના ઘરની પછીતે ગણેશિયા વડે બાકોરું પાડતો. છનિયો અંદર જાય એટલે બીજો સાથીદાર એ બાકોરું લૂગડા વડે ઢાંકી દેતો, જેથી ઘરમાં પવનના સુસવાટા ન જાય ને ઘરધણી જાગી ન જાય. બીજો કાનેવાળિયો થઈને શેરીના નાકે ઊભો રહે. કંઈ સંચળ થાય તો જાનવર કે કૂતરા જેવા અવાજ વડે સંકેતો મોકલે. પછી તે ઊભેલો માણસ ભીંત ઉપર હાથ વડે ડાકલી વગાડીને સબ સલામતની આલબેલ મોકલે એટલે છનિયો પેટી-પટારા તોડી જે હાથ લાગે તે જણસો લઈને દૂર જઈ જમીનમાં ખાડો કરીને દાટી દે. કોઈને ગંધ આવી જાય તો છનિયો રાતોરાત ઘરે આવી આખા શરીરે હાથેપગે હળદર અને ગોળનું પાણી ચોપડી ટુટલ ખાટલીમાં સૂઈ જાય. પછી બે હાથ જોડીને કહે ‘મને તો બાપ, આઠ દિ’ની માતરાયું (ઉપવાસ) થઈ છે. માંદો છું.’

ઈ કરામતી છનિયાને વિશ્વાસમાં લઈને મેં એક દિવસ એની ચોરી કરવાની કળા વિશે પ્રશ્ન કર્યો ઃ ‘જૂનાકાળમાં ચોર લોકોના ચોરીના કસબ વિશે બહુ વાંચ્યું છે. મારે તારા કસબ વિશે જાણવું છે.’

‘ઈમાં શું જાણવું છે? અમારો ધંધો કંઈ થોડો શાવકારીનો ધંધો છે? કાળઝાળ મોંઘવારીમાં પેટનો ખાડો પૂરવા જાકુબીનો ધંધો કરવો પડે છે. અમનેય આ કામ નથી ગમતું પણ છોડી દેવી તો કહળું કુટુંબ ભૂખે મરે, એટલે માથા સાટે માલ ખઈએ છીએ.’

‘તું ચોરી કરવાનો કસબ ક્યાંથી શીખ્યો?’
‘ઈ શીખવાનો થોડો હોય. ઇ તો અમારા લોઈમાંથી જ આવે. મારી ફોઈ કહેતી હતી કે હું જન્મ્યો ત્યારે સુયાણીના હાથમાંથી સોનાની વીંટી ખોવાઈ જઈ હતી. હું જીવતો છું કે નઈં ઈ જાણવા સુયાણી મને રોવરાવવા ધબ્બા મારવા મંડાણી પણ હું નો રોયો. ઈ થાકીને રોવા મંડાણેલી. આ વીંટી પેરી ઈ ઈની છે.’

‘તું બત્રીસલક્ષણો તો ખરો. પણ ચોર વિદ્યાની કેટલી કળાયું જાણે છે?’
‘મારા બાપુ કહેતા પાકા ચોરે ચોરી કરવાની ૩૬ કળા જાણવી જોવી.’
‘ઈ ૩૬ કળા કોને કહેવાય?’

છનિયે હૈયાકપાટ ઉઘાડો મૂક્યો ઃ
‘અંધારિયામાં ને ચોમાસાના વરહતા વરસાદમાં ચોરી કરવા જવાની પહેલી કળા. અંધારી રાતના કાળાં કપડાં પહેરીને નીકળવાની બીજી કળા. ભૅ ભાળીએ ત્યારે ટપલેતાં લૂગડાં બદલી બાવા બની જવાની અને ચોરી કરવા જતી વખતે હથિયાર સંતાડી રાખવાની ત્રીજી કળા. એ હથિયારમાં તરવાર, ગણેશિયો, કોસ, સાંગ, કાતર, સાણસી, હથોડી, સર્પાકાર યંત્ર અને રેશમના દોરડાની નિસરણી હોય. જાનવરોને સાથે રાખવાની ચોથી કળા. ચોર જાનવરોમાં પાટલાઘો સાથે રાખે. એની કેડ્યે રેશમી દોરી બાંધીને ઉપરના માળે ફેંકે. ઘો ચોંટી જાય એટલે ચોર દોરી વાટે ઉપર ચડી જાય. ચોરી કરીને ઊતર્યા પછી અમુક ઠમકાં મારે એટલે ઘો પકડ મૂકી દે. દોરડું છૂટી જાય.

જૂના કાળે બાજંદા ચોર બાજ પક્ષી સાથે રાખતા. આ પક્ષીની ચાંચમાં રેશમી દોરી આપો એટલે બારીના સળિયા જોડે મજબૂત બાંધી દેતું. કોઈ કોઈ ચોર ભમરાનો કંડિયો સાથે રાખતા. લોકો પાછળ પડે તો ભમરાને પાછળ છોડી દેતા. રાતવેળાએ ભૂતાવળ બતાવવાની પાંચમી કળા કહેવાય. ભદ્રકંથ નામના પતંગિયા રાખવાની છઠ્ઠી કળા હતી. આ પતંગિયાને હાથમાં છુટ્ટું મૂકો એટલે સીઘું દીવા ઉપર જઈને બેસી જતું અને દીવો રામ કરી દેતું.

ખાતર પાડવાની ચોરની સાતમી કળા કહેવાય છે. તે રાજમાર્ગ પર નહીં પણ ગલીકૂંચીમાં, જાળિયાં કે ગોંખવાળી, ઉંદરે કોચેલી કે પાણિહારાથી ભીંની થએલી દિવાલમાં પદ્માકાર, સૂર્યાકાર, બીજચંદ્રાકાર, કુંડળી આકાર, વાળી આકાર કે ચોરસ આકારે, એમ છ જાતનાં ખાતર પાડે છે. ખાતર પાડવા ઘરમાં દાખલ થતાં પહેલાં પગ મૂકવાની આઠમી કળા છે. ચોર માથે તાંસળી બાંધે છે જેથી ઘરધણી જાગી જાય ને ફટકો મારે તો માથું બચી જાય. કાંકરીચાળો કરવાની ચોરની નવમી કળા ગણાય છે.’

‘ચોર ઘરવાળાની છોકરી ઉપર મોહી પડીને કાંકરીચાળો કરતો હશે?’

‘સાહેબ, ચોર પ્રેમ કરવા જાય તો કો’ક ડેબો ભાંગી જ નાખે ને? ઘરમાં કોઈ માણહ જાગે છે કે નંઈ ઈ જોવા કાંકરીચાળો કરે. ઘરમાં ધુંસ્યા પછી ભાગી જવાનો મારગ તપાસવાની દસમી કળા છે. બારણું ખુલ્લું મૂકે ને કિસુડ એવો અવાજ આવે તો નકુચામાં પાણી રેડે છે.

દીવો ઓલવવો ને પાછો સળગાવવો એ અગિયારમી કળા કહેવાય છે. અંધારામાં પડેલી વસ્તુને ઓળખી કાઢવી તે બારમી કળા છે.’

‘ચોર અંધારામાં શી રીતે ભાળે?’

‘રીઢા ચોર અંધારે જોઈ શકાય ઈ સારું બિલાડીનું દૂધ પીતા.’

‘ચોર બિલાડીને દોહવા ક્યારે જતા હશે?’ મેં હસીને પ્રશ્ન કર્યો.

‘જોરુભાઈ, તમને મારી વાતમાં દાંત આવે છે પણ એક વાત નક્કી છે કે સિંહ, વાઘ, ચકોર, ધૂવડ, ચીબરી અંધારામાં ભાળે છે. બિલાડીય અંધારામાં ભાળે છે ઈમ ઈનું દૂધ પિનારા ય અંધારે ભાળે. મારા કાકા કહેતા કે બિલાડીનું દૂધ પિનારની આંખો પીળી અને ચપટી હોય છે.

તેરમી કળા શુકન જોવાની અને ચૌદમી પશુપક્ષીઓની બોલી જાણવાની છે.’

આ વાત સાંભળીને શામળ ભટ્ટની વારતાઓમાં પશુપક્ષીઓની બોલી જાણતા ચોર લોકોની વાત મારા મનમાં તાજી થઈ. છનિયે ચોરપુરાણ આગળ ચલાવ્યું ઃ ‘સાહેબ, પશુ જેવી બોલી બોલવાની પંદરમી અને પશુ જેમ ચાલવાની ચોરની સોળમી કળા ગણાય છે.’ ત્યારે મને યાદ આવ્યું કે વાસવદત્તા નાટકમાં સપડાયેલો ચોર ગધેડાનું ચામડું ઓઢીને હોંચી હોંચી કરતો કેવી રીતે છટકી ગયેલો!

‘પોતાના હાથને ગરમ રાખવાની ચોરની કળા ગણાય છે. (અંધારે ચોરનો ઠંડો હાથ માણસને અડે તો જાગી જાય.) યોગચૂર્ણ બનાવવાની અઢારમી કળા છે. આ ચૂર્ણના સેવનથી ચોર સાત માળની હવેલી ચડી જાય એવી તાકાત આવે છે એમ કહેવાય છે. યોગાંજન બનાવવાની ઓગણીસમી કળા છે. એ આંજીને ચોર નીકળે તો કોઈ જોઈ શકે નહીં. ઓલી નજરબંધી કે’વાય છે એ. વીસમી યોગવર્તીકાની કળા કહેવાય છે. આ કળાસાધક ચોર ચોરી કરવા ઘરમાં પગ મૂકે એટલે એને ખબર પડી જાય કે કાર્ય સફળ થશે કે નહીં? આ કળા વડે ચોર દીવીમાં દીવેટ સળગાવે છે. એનાથી ઘરમાં અનેક સાપ-વીંછી દેખાય છે. ઘરધણી એ જોઈને ભાગે એટલે ચોરનું કામ પતી જાય. નગરની વેશ્યા સાથે ભાઈબંધી રાખવાની એકવીસમી કળા અને સુરંગ ખોદવાની બાવીસમી કળા ગણાય છે. ધારણ મૂકવાની તેવીસમી, નિદ્રાજિત થવાની ચોવીસમી. પકડાઈ ગયા પછી સ્ત્રી દ્વારા પ્રપંચ કરવાની પચ્ચીસમી. દિવસના સાઘુ-બાવા કે બહુરૂપીના વેશે સ્થળ જાણવાની છવ્વીસમી અને કોઈ નગરશેઠની હવેલીમાં ખાતર પાડવા જોડીદારોને જમીન ઉપર ચિત્રો આલેખી મારગ ચીંધવાની સત્તાવીસમી કળા. પકડાયા પછી ગાંડા થવાની અઠ્ઠાવીસમી અને સંકટના સમયે મરણિયા બનીને નાસી જવાની કે પ્રાણ આપી દેવાની ઓગણત્રીસમી કળા કહેવાય.’

મારા પિતાશ્રી દાનુભાઈ કહેતા કે જૂના વખતમાં ચોર ઝલાઈ જાય તો ફજેતી ન થાય એ માટે મરવાનું પસંદ કરતા. મારામારીમાં કે અકસ્માતે ચોર મરી જાય તો જોડીદારો એનું માથું વાઢીને સાથે લઈને ભાગી જતા જેથી ચોરી કરનાર ઓળખાય નહીં. પછી ચોરના માથા જોડે લીમડાની ડાળખિયું બાંધી મરનારના ખોરડા માથે નાખી આવતા. આથી ઘરવાળા જાણી જતાં કે આપણું માણસ કામ આવી ગયું છે. આ વાત કોઈને કહેવાતી નહીં એટલે તો કહેવત આવી કે ‘ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રુવે’ જાહેરમાં બાપડી રોઈયેર નહોતી શકતી. આવી કરુણતા હતી ચોરની માની.

મારી વિચારમાળા તોડતાં છનિયે શરૂ કર્યું ઃ ‘પકડાઈ ગયા પછી છુટી જવાની ત્રીસમી કળા. જેલમાં ચોરો સાથે ભાઈબંધી કરી પોતાની સાથે એને છોડાવવાની એકત્રીસમી કળા ગણાય છે. કુલટા નારીનો સંગ કરવાની બત્રીસમી કળા છે. કુલટા નારી ઘરોઘર ફરીને કોનું ધન ક્યાં સંતાડેલું છે તેની બાતમી આપે છે. ચોરની ઉદારતા એ એકત્રીસમી કળા છે. આવા ચોરો સોની, બ્રાહ્મણ અને વેશ્યાના ઘરમાં ધાપ મારતા નથી, એટલી ઉદારતા દાખવે છે. ભર્યા ભંડાર લૂંટવાની ચોત્રીસમી કળા છે. ચોર હોવા છતાં શાહુકાર બનીને રાજ દરબારમાં અવરજવર કરવાની પાંત્રીસમી અને ચોરીનું ધન કોઈ ન જાણે એમ કુનેહપૂર્વક વાપરવાની વિદ્યા છત્રીસમી ગણાય છે.’

મેં પૂછ્‌યું ઃ ‘છના, તમારું વડવાઓનું વતન કયું?’

‘અમે મૂળ મારવાડના.’

‘મારવાડ મેલીને ગુજરાતમાં કેમ આવ્યા?’

પેટ સામી આંગળી ચીંધીને એણે જવાબ આપ્યો ઃ ‘આ પેટને ખાતર. અમે મૂળે રાજપૂત. ઉપરાછાપરી દુકાળના વરહા આવ્યાં એટલે મારવાડનો મલક મૂકીને ગુજરાતમાં આવી ગ્યા. અમારા છારામાં ગુજરાતી, માળવી અને કાઠિયાવાડી એમ ત્રણ જાતો છે. અમારાં બૈરાંને નાચગાન બઉ સારા આવડે. એકવાર એક દરબારની ડેલીએ નાચગાનનો મેળાવડો કરેલો, દરબારે ખુશ થઈને ઈનામ અકરામ આપીને કહ્યું ઃ ‘બઉ સારા છે.’ ત્યારે અમે છારા તરીકે ઓળખાણા ઇમ અમારા વડવા કહે છે.

ઉંમરના ઉંબરે અલપઝલપ કરતો છનિયાનો લવરમૂછિયો છોકરો જાતની છોકરી સાથે છિનાળવું કરતાં પકડાઈ ગયો. પંચે ભેગા થઈને એને નાત બહાર મૂક્યો. છનિયો વીલું મો કરી પંચને હાથેપગે લાગ્યો ત્યારે નાતના આગેવાનોએ ભેગા મળી એના છોકરા મોડિયાને જમીન સાથે સુવડાવી એની છાતી પર ઘંટી મૂકીને શેર મગ ભરડ્યા. ઘઉના લોટના ગોળા બનાવી એને છાણામાં શેકી મોડિયાના બરડામાં મારતા મારતા પચ્ચીસ ડગલાં ચલાવ્યો. પછી ગંગાજળ અને દૂધ વડે નવરાવીને જનોઈ પહેરાવી. નાતે છનિયા પાસેથી ૪૦૦ રૂપિયા દંડના અને ૫૦ રૂપિયા નાતના ખીચડાના લઈને પાછો નાતમાં ભેળવ્યો.

એકવાર પેલી છોકરી મારગ માથે મળી ગઈ. એણે મોડિયાની મશ્કરી કરી ઃ ‘કાં શોખના શાહજાદા! નાતે કેવું કર્યું? ઈ લાગનો જ છું.’ એમ કહીને અંગૂઠાનો લીલીપોપો બતાવ્યો. દાઝે ભરાયેલા મોડિયે હાથમાં પકડેલા ડંડિકાનો ઘા કર્યો. છોકરીનો અંગૂઠો ભાંગી ગયો. છોકરી રોતી રોતી નાત પાસે ગઈ. નાતે મોડિયાને ૨૫ રૂપિયા દંડ કર્યો. જૂના જમાનાની ચોર જમાતની આવી વાતું છે મારા ભાઈ!

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!