સોગઠાબાજીની રસપ્રદ વાતો

લોકજીવનમાં જૂના કાળે મનોરંજનનું માધ્યમ બનેલી સોગઠાબાજી કે ચોપાટની રમત આજે પ્રચાર માધ્યમોની ભરમાર વચ્ચે ભલે ભૂલાઈ ગઈ હોય પણ લોકગીતોમાં એ ચિરંજીવ બની છેઃ

રામ સીતા બે સોગઠે રમે
રમે મઢની બહાર
પાસા નાખે પદ્મણિ
કુંથ કુંચવો સિવડાવ્ય

ચોપાટ શબ્દ સંસ્કૃત ‘ચતુષ્પટ’ પરથી ઊતરી આવ્યો છે. એનો અર્થ થાય છે સોગઠાં વડે ખેલાતી એક દેશી રમત. જૂનાકાળે રાજરજવાડાઓ અને કાઠીદરબારોની અંતઃપુરની રાજરમત તરીકે ચોપાટ અગ્રસ્થાન ભોગવતી ભોગવતી એ લોકજીવન સુધી પ્રસાર અને પ્રચાર પામી હતી. શ્રી સારાભાઈ સંઘવી નોંધે છે કે ‘ચોપાટ બે પ્રકારે રમાતી. પાસાથી અને કોડીથી. રાજઘરાનાઓમાં ચોપાટ પાસા વડે રમાતી. જ્યારે જનસાધારણ આ રમત કોડી-દાણિયા દ્વારા રમતા.’ ૧૨મી સદીમાં રચાયેલા ‘માનસોલ્લાસ’ ગ્રંથમાં સોગઠાબાજી પર ઠીક ઠીક પ્રકાશ પાડવામાં આવ્યો છે એ કાલે ચોપાટના પટ પર ઘરો બનેલાં હતાં. તેમાં આ રમતની ચાલોનું વર્ણન પણ આપ્યું છે. મહાભારતના સમયમાં કૌરવો-પાંડવો ચપાટ દ્વારા જુગાર-ધૂત રમતાં. તેમાં પાંડવો હારી જતાં ૧૨ વરસ વનમાં ગયા હતા.

કાઠિયાવાડના ગામડાંઓમાં જૂનાકાળે જન્માષ્ટમીના અવસરે મહિનો મહિનો ચોપાટ રમાતી. કોઈ મહેમાન આવે ત્યારે રાતના ચોપાટ મંડાતી. કન્યાઓ વ્રત કરતી વેળાએ કે જાગરણ વખતે ચોપાટે રમતી. ચોમાસાની ઋતુમાં વાવણી પુરી થઈ ગઈ હોયને ખેડૂતો નવરા હોય ત્યારે મનોરંજન મેળવવા માટે ચોપાટે રમે છે. રમત માટેની ચોપાટને ચાર પાટ હોય છે. દરેક પાટમાં ૨૪ ખાનાં અને ત્રણ ફૂલ રહે છે. રમવા માટે લીલા, પીળા, રાતા અને કાળા સોગઠાં હોય છે. લીલા રંગના સોગઠાને પોપટ, રાતા રંગને ગાયો, કાળા રંગને ભેંસો અને પીળા રંગને ગઘેડાં તરીકે ઓળખવામાં આવે છે. આ સોગઠાં લાકડાના, રંગીન અને શંકુ આકારના હોય છે જે દુકાનો અને મેળામાં વેચાતા હોય છે.

સોગઠાબાજી કેવી રીતે રમાય એ આજે ભાગ્યે જ કોઈ જાણતું હશે. ડો. સતુભા ઝાલા આ રમત ઉપર પ્રકાશ પાડતા લખે છે કે દાવ નાખવા માટે કોડા દાણિયા કોઈ ૬-૭-૧૦-૧૨-૧૫ કે ૨૦ રાખે છે. દાણિયા પિત્તળના કપમાં રાખી ખખડાવીને નાખવામાં આવે છે. મોટેભાગે રમનારા ૬ દાણિયાથી રમે છે. આ રમત રમવા માટે ચાર ભેરુ હોય છે. ઘણી વખત બે બે ભેરુ થાય એટલે આઠ ભેરુ હોય છે. રમત શરૃ થાય અને દાણિયા-કોડા નાખે ત્યારે ૬ ચત્તા પડે તો ૧૨ ગણાય છે. ૬ બઠ્ઠા પડે તો ૬ ગણાય છે. ૫ ચત્તા પડે તો ૨૫ ગણાય છે. તેનું પગડું ૧ દાણો ગણાય છે. ઘર પાસે પડેલ હોય સૂતી હોય કાંકરી તે બુંધમાં પડી છે એમ કહેવાય. પગડું આવે તો ઘરમાં જાય છે.

જો એક ચત્તુ પડે તો ૧૦ દાણા ગણાય છે. એક પગડું ગણાય છે. ૨૫ અને ૧૦ આવે તો બીજી વખત દાવ મળે છે. ૨૫-૧૦ એકધારા ત્રણ વખત આવે તો દાણા નકામા જાય છે. ઘરમાં જતી વખતે કુંકરી આડી સૂવડાવવામાં આવે છે. ઘર પાસે આડી સૂતેલ કુંકરી બુંધમાં પડી કહેવામાં આવે છે. પગડું દાણા આવતા ઘરમાં જાય છે. બધા સોગઠા ઘરમાં ઊતરી જાય તે મોક્ષ પામ્યા કહેવાય છે.

ચોપાટની રમત ૧૦ અને ૨૫ના પગડાથી ચાલુ થાય છે. બધા સોગઠાં ઘરમાં મૂકવામાં આવે છે. જ્યાં સુધી પગડું ન આવે ત્યાં સુધી રમત ચાલુ કરી શકાતી નથી. દાણા હાલતા નથી. તેને તોડ થયો કહેવાય છે. ૧૦ અને ૨૫ દાણા આવે તો તોડ થાય છે અર્થાત્ રમત ચાલુ થાય છે. દાણા જેટલા આવે એટલા ખાનાં ગણી સોગઠા-કુંકરી આગળ ચાલતા થાય છે. ઘરથી સોગઠાં જમણીબાજુ ચાલે છે. એક એક ખાનું દાણાવાર ગણવામાં આવે છે. જો ગાંડંુ કરે તો સોગઠી ઊંધી ડાબી બાજુથી જમણી બાજુ ચાલે છે. તે ગાંડંુ સોગઠું બધાને મારે છે. ફૂલ બાજુથી જમણી બાજુ ચાલે છે. તે ગાંડું કરી શકે છે. તે ઘરના હંધાણમાં સૂતેલ સોગઠાને મારે છે.

જે સોગઠું ઘર પાસે પડેલ હોય તે બુંધમાં પડેલ એક પગડું આવે તો ઘરમાં જાય છે. પછી જે બધાં સોગઠાં ઘરમાં જતાં રહ્યાં હોય તે બુંધમાં પડેલ ગાંડું કરીને મારીને એક પગલું આવે તો ગાંડું કરી શકે છે. તે કુંકરી ઊંધી જમણીથી ડાબી બાજુ ચાલે છે. તે ફૂલ ઉપર રહેલ કુંકરી-સોગઠને મારે છે. બધા સોગઠાં મારતી જાય છે તેને ગાંડિયું ગજ કહેવાય છે. બીજા સાદા ગજ કહેવાય છે.

ચોપાટ મનોરંજન કે સમય પસાર કરવાનું સાધન કે પતિ-પત્ની વચ્ચેના પ્રેમનું પ્રતીક જ નથી પણ આધ્યાત્મિક રમત પણ છે. ચોપાટના ચાર બાજુ પટના ૨૪ ટ ૪ = ૯૬ ખાનાં થાય. દરેક પાટમાં ૩ ફૂલ ગણતાં ૪ પાટના ફુલ બાર ફૂલ થાય. ૯૬માંથી ૧૨ ફૂલ બાદ કરતાં ૮૪ ખાનાં થાય. એ ૮૪ યોની જન્મ છે. ચાર પાટ વચ્ચેનું ઘર મોક્ષધામ છે. ફૂલ ઉપર બેઠેલી કાંકરી કોઈ મારી શકતું નથી. એ સલામત સ્થળ ભગવાનનું ઘર છે.

ચોપાટને ચાર રંગના ૧૬ સોગઠાં હોય છે. તેમાં લીલાં રંગના સોગઠાં એટલે સમાજનો સાધુ, સંત, ભક્તજનનો વર્ગ. પીળા સોગઠાં એ કંજુસાઈથી ભરેલા લાલચુ, લોભી, ખટપટીઆઓ અને દગાખોર માણસોનો વર્ગ. કાળાં સોગઠા કામી, આસહ્ત અને સમાજમાં કાળા કામો કરનાર માનવીનો વર્ગ અને રાતો રંગ એ ક્રોધી, ઉગ્ર સ્વભાવવાળા માનવીનો વર્ગ. સમાજમાં માનવી નીતિ અને પ્રમાણિક્તાથી ચાલે પૂણ્યકાર્યો કરે તો તે ઈશ્વરના દરબારમાં જાય છે ને મોક્ષ પામે છે. તેને ૮૪ લાખ જન્મના ચક્કરમાંથી કર્મો અનુસાર મોક્ષ મળે છે. આ વાત આપણે કવિ ‘દાદ’ ‘જીવનની ચોપાટ’માં સુપેરે સમજાવે છેઃ

નિત દિન રમ્યા જોડા જોડ
નવ પૂર્યા પુરા મનમાં કોડ
લાંબી લાંબી એની યાદ
આ તો જીવનની ચોપાટ.
કોઈ કોઈ ઓગઠા રૃપાળા
કોઈ નમણાં કોઈ કાળા
સહુનો જુદો જુદો ઘાટ
આ તો જીવનની ચોપાટ.
વછોયા મોટા મોટા મળે
ગોઠડી કરે લઈ ગળે
ઘડી બે ઘડીનો સંગાથ
આ તો જીવનની ચોપાટ
ફરતાં ચકે ન કોઈને ફેર
જીવન મીઠું મીઠું ઝેર
એની રમત્યું રખીયાત
આ તો જીવનની ચોપાટ.
દેગી સંગ ખેલી દાવ
ઝીલવા સામસામા દાવ
કાળજ જરીના કચવાટ
આ તો જીવનની ચોપાટ
કોઈના દુઃખોમાં લ્યે ભાગ
ખેલે ગાડાં થઈને બાણ
પોતે હારે બીજાને રાજ
આ તો જીવનની ચોપાટ.
ફેરા ફરવા લખ ચાર
લઈને સખ દુઃખનો ભાર
સહુને જવું એક જ ઘાટ
આ તો જીવનની ચોપાટ
એમાં ચાલે ન કોઈનું જોર
રમવું અદ્ધર નટને દોર
બાજી હારી વટને હાથ
આ તો જીવનની ચોપાટ.

માનવ જીવન ચોપાટના ખેલ જેવું છે. આ સંસારની ચોપાટમાં જીવો સોગઠાં-પાસારૃપે રમ્યા કરે છે. કોઈની આકૃતિને રંગ એક સરખા હોતા નથી તેમ સોગઠાં પણ વિવિધરંગી હોય છે. કોઈ કાળા કોઈ રાતા કોઈ પીળા તો કોઈ લીલા.

ક્યારેક કોઈ ભૂલાઈ ગયેલા સ્વજનોની ચિંતા ભેદી જાય એમ એક એક રંગના સોગઠાં ફૂલ માથે ક્યારેક ભેગાં થઈ જાય છે. પછી ઉપાડવાનું હોય તે ઘડી બે ઘડીના સોગઠા માણી ચાલી નીકળે છે.

સંસારમાં જેમ ઘણા દુશ્મનો પણ હોય છે, તેમ ચોપાટમાં પણ બીજાની કુંકરી સાથે લડવાનું હોય છે. તે ક્યારેક મર છે તો ક્યારેક મારે પણ છે. તેનો તેને તરત શોક થતો નથી.

જીવનમાં ક્યારેક બીજાનાં દુઃખમાં ભાગ લેવાનું પણ બને એમ ચોપાટમાં પણ જે હારતો હોય તેનો પક્ષ લઈ ગાંડી કુંકરી કાઢી પછી પોતે ભલે હારી જાય પણ હારેલાને જીતાડે.

ભલે ભવારવીમાં ગમે તેટલા ફેરા ફરવા પડે, અનેક જન્મો લેવા પણ જવાનું તો એક જ સ્થાન છે. તેમ ચોપાટમાં પણ પાકીને ઉતરવાની એક જ જગ્યા છે.

ચોપાટની બાજી જેમ માનવીના હાથમાં છે તેમ માનવીના જીવનની બાજી હરિના હાથમાં છે. ચોપાટ કોણ જીતશે ને કોણ હારશે તે કહી શકાય નહીં. સંસારમાં તો નટની જેમ દોર માથે ચાલવાનું છે. સામા છેડે પહોંચાય કે ન પણ પહોંચાય. આ જીવનની ચોપાટ છે.

આમ ચોપાટની રમત આધ્યાત્મિક હોવાને કારણે એ ઈશ્વર અને ધર્મની સાથે જોડાઈ હશે. ભારતીય શિલ્પો, ચિત્રો, પદચિત્રો અને લોકગીતોમાં શિવપાર્વતીને, રાધાકૃષ્ણને અને સીતારામને સોગઠે રમતાં દર્શાવ્યાં છે. વૈષ્ણવ હવેલીઓમાં જન્માષ્ટમીના મનોરથ પ્રસંગે શ્રીનાથજીને સ્નાન કરાવી, શણગાર સજાવી તેમની સમક્ષ ભાગવત્, ગાયો, મોર, પોપટ વગેરે રમકડાંની સાથે કલાપૂર્ણ ચોપાટ પણ મૂકવામાં આવે છે. ચોપાટનો સંબંધ મંદિરો અને કલાકારીગરી સાથે પણ જોડાયેલો છે. આજે લોકજીવનમાંથી ચોપાટ ગઈ પણ વાતું એની રહી.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!