23. ચિત્તની ચંચળતા – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

ચાણક્યના જવા પછી મુરાદેવીના મનમાં પ્રથમ તો થોડીકવાર શાંતિ રહી. “ઘણા દિવસની, મહત્ત્વાકાંક્ષા નહિ, કિન્તુ વૈર વાળવાની ઇચ્છા હવે તૃપ્ત થશે અને મારા પુત્રને સર્વથા અન્યાયથી નાશ કરીને મને કારાગૃહમાં નાંખનાર અન્યાયી રાજાને પોતાના દુષ્કર કર્મનું પ્રાયશ્ચિત્ત મળશે. તેમ જ મારી પ્રતિજ્ઞા પ્રમાણે પાટલિપુત્રનું રાજય મારા ભત્રીજાને મળશે – અહા કેવા સુખનો સમય !” એવા એવા વિચારોથી તેને સ્વાભાવિક આનંદ થવા લાગ્યો. આર્ય ચાણક્યે પાટલિપુત્રમાં રહીને ધીમે ધીમે પોતાની નાના પ્રકારની યુક્તિઓથી જેવી રીતે એકે એક મનુષ્યોને વશ કરી લીધા હતા, તેવી જ રીતે તેણે મુરાદેવીને પણ વશ કરીને પોતાની શિષ્યા બનાવી લીધી હતી. પ્રથમ તે શા નિમિત્તે તેની પાસે ગયો અને ધીમે ધીમે તેને પોતાના કહ્યામાં કેવી રીતે લાવી શક્યો, એનું વિવેચન કરવાની કાંઈ પણ આવશ્યકતા નથી. “જે ઇચ્છા મારા મનમાં છે, તે જ ઇચ્છાએ એ રાજમહર્ષિના મનમાં પણ વાસ કરેલો છે.” એની ખબર પડવા પછી એને બીજું તો શું જોઈએ તેમ હતું? ચાણક્યના ભાષણમાં જ એક પ્રકારનો એવો આકર્ષક ગુણ સમાયલો હતો, કે તે ગુણના પ્રભાવથી જે કોઈ પણ એકવાર તેના વાક્પાશમાં સપડાયું, તે કોઈ કાળે પણ તેમાંથી પાછું છૂટવા પામે, એ સર્વથા અશક્ય હતું. તે સામું તેમાં વધારે અને વધારે જ ફસાવાનું,

એટલું જ નહિ, પણ તેને તેમાંથી છૂટવાની ઇચ્છા પણ થવાની નહિ. મુરાદેવીના મનમાં વૈર વાળવાની પ્રબળ ઇચ્છા હતી અને તે ઇચ્છાને પૂર્ણ કરવા માટે ચાણક્ય એક ઉત્તમ સાધન મળી આવ્યું છે, એવી તેની ધારણા થએલી હતી. અર્થાત્ એથી જ ચાણક્યનું વર્ચસ્વ મુરાના મનમાં વિશેષ અને વિશેષ થવા લાગ્યું. એવામાં વળી અત્યારે તેની ઇચ્છાને પાર પાડવાનો પ્રસંગ તેણે ઘણો જ પાસે આવેલો દેખાડ્યો, એટલે તો મુરાને હવે સ્વર્ગ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થવા લાગ્યું. ચાણક્યના ગયા પછી થોડીકવાર અહીં તહીં ફરીને તે શયનગૃહમાં ચાલી ગઈ. રાજા ધનાનન્દ અદ્યાપિ કોણ જાણે શાથી, પણ ઘોર નિદ્રામાં પડેલો હતો. મુરાદેવી પણ તેની બાજૂમાં પેલી તરફ સૂઈ ગઈ; પરંતુ તેના મનમાંની સ્વસ્થતા આ ક્ષણે જતી રહી હતી. આર્ય ચાણક્યે રાજાના વધની કરેલી સધળી તૈયારીઓનું તે અખંડ ચિંતન કરવા લાગી, અને તેવામાં તેના મનમાં “જો આજે મારો પુત્ર જીવતો હોત, – જો રાજાએ બીજાંની વાત સાંભળી મારામાં અવિશ્વાસ લાવીને મારા ચિરંજીવીનો ઘાત કરાવ્યો ન હોત, તો આજે રાજાને પોતાનો નાશ થવાનો પ્રસંગ શાને આવ્યો હોત? આજે સુમાલ્યને સ્થાને મારો સુત જ સિંહાસને વિરાજેલો હોત!” એવા પણ કેટલાક વિચારો તેના મનના માર્ગમાંથી વાયુવેગે પસાર થઇ જતા હતા.

એટલામાં રાજા ધનાનન્દ કાંઈક બોલે છે, એવો તેને ભાસ થયો; તેથી તે ધ્યાનપૂર્વક સાંભળવા લાગી. જે શબ્દો તેને સંભળાયા, તે આ પ્રમાણે હતાઃ- “પ્રિયે – મુરે ! હું તને કેટલીવાર કહું? હવે કૃપા કરીને મારા હસ્તે થએલા કુકૃત્યનું મને સ્મરણ ન કરાવ. જો એકવાર મને એવી ખબર મળે કે, તે તારો પુત્ર જીવતો છે અને અમુક સ્થાને વસે છે, તો તેને ત્યાંથી બોલાવીને હું તત્કાળ તેનો યૌવરાજ્યાભિષેક કરીશ, પણ તેનું સ્મરણ કરીને હવે તું મારા પર કોપ ન કર. હવે હું તારી આજ્ઞાથી તિલમાત્ર પણ બહાર જવાનો નથી. ક્ષમા કર…..……………….” એ શબ્દો સ્પષ્ટતાથી તેના સાંભળવામાં આવ્યા. એનાથી વધારે તે કાંઈ પણ સાંભળી શકી નહિ. એ શબ્દ રાજાએ આજે પહેલી જ વાર ઉચ્ચાર્યા હતા અને તે મુરાદેવીના સાંભળવામાં આવ્યા હતા, એમ નહોતું. તેણે રાજાના મુખમાંથી નીકળેલા એવા શબ્દો અનેકવાર સાંભળ્યા હતા. પરંતુ આજે ચમત્કાર એ થયો, કે આજના એ શબ્દોનું મુરાના મનમાં કાંઈક વિચિત્ર અને અકલ્પ્ય પરિણામ થયું.”રાજાનાં ધ્યાન, મન અને સ્વપ્નમાં પણ નિરંતર મારો જ નિવાસ છે, જે બની ગયું છે, તેને ન સંભારવાનો એણે અનેકવાર આગ્રહ કરેલો છે; પરંતુ આજે ગાઢ નિદ્રામાં સ્વપ્નમાં પણ એ મારી ક્ષમા યાચે છે;-ત્યારે એને મારામાં કેટલો બધો નિષ્કપટ પ્રેમ હોવો જોઇએ!”

એવા વિચારથી મુરાના મનની સર્વથા ચમત્કારિક સ્થિતિ થઈ ગઈ. “મેં  કારાગૃહમાંથી બંધનમુક્ત થતાં જ શી શી યુક્તિઓ કરી અને રાજાનું મન પાછું મારા તરફ વાળી લીધું – એને સર્વથા મારા વિશ્વાસમાં લઈ લીધો – એ તો જાણે ઠીક. પણ હવે જે હું કરું છું, તે સારું છે કે શું? સ્વપ્નમાં પણ મારા વિષે એના મનમાં કપટભાવના નથી – સ્વપ્નમાં પણ મને એ ભવિષ્યમાં ત્રાસ ન આપવાનું આશ્વાસન આપે છે ! ત્યારે હું એનો ઘાત કરવાને તૈયાર થએલી છું ! એ નિત્ય એકવાર તો અવશ્ય મારી ક્ષમા માગે છે જ, એવા પતિને મારા હાથે જ હું કાળના મુખમાં હડસેલું, એ શું યોગ્ય છે?” એવા પ્રકારના પ્રશ્નો તેના મનમાં ઉદ્દભવતાં તેનું ચિત્ત ચંચળ થવા લાગ્યું. ગત પ્રકરણના અંતમાં જણાવ્યા પ્રમાણે તેના મનની નૈસર્ગિક કોમળતા જાગૃત થઈ અને તે એકાએક શય્યામાં બેઠી થઇને કાવરી બાવરી મુખમુદ્રાથી આસપાસ નજર કરીને જોવા લાગી. આવતી કાલે જે ભયંકર કાવત્રું થવાનું હતું, તે તેના નેત્રો સમક્ષ આવીને ઉભું રહ્યું. એથી તેને ઘણો જ ગભરાટ થયો. થોડીક વાર પહેલાં આવતી કાલે બનનારા એ બનાવ માટે તેને આનંદ થતો હતો, તે જ પ્રસંગનું ચિત્ર તેની આંખો સામે ખડું થતાં તેને અત્યંત ખેદ થવા લાગ્યો. મુરાદેવી અત્યારે જ્યાં બેઠી હતી, તે મંદિરમાં બીજું કોઈ હતું નહિ – ત્યાં દીપક પણ એક જ હતો અને તે મંદ મંદ બળ્યા કરતો હતો. વળી એના પ્રકાશથી રાજાને ત્રાસ ન થાય અને મહારાજાની નિદ્રાને ભંગ ન થાય, તેટલા માટે તે દીપકને આડે એક પડદો પણ નાંખી દીધો હતો. એથી એ સ્થળે અંધકારની ચમત્કારિક છાયાઓ પડેલી જોવામાં આવતી હતી. એ છાયા પણ તેને ભયંકર દેખાવા લાગી. મનુષ્યના મનની સ્થિતિ ઘણી જ ચમત્કારિક હોય છે – તેમાં પણ સ્ત્રીઓના મનની સ્થિતિ તો એટલી બધી ચમત્કારિક હોય છે કે, જેનું વર્ણન થવું પણ અશક્ય છે. આજસુધીમાં જેટલી ઉગ્રતાથી રાજા ધનાનન્દનો નાશ કરવાની તેની ઇચ્છા થઈ હતી, તેટલી જ ઉગ્રતાથી તેની હવે એવી ભાવના થવા માંડી કે, “મારી ઇચ્છા પાપ કરવાની છે – એમાં મારી દુષ્ટતા અને અધમતા વિના બીજું કાંઈ પણ નથી. વૈર વાળવાનું છે, તો રાજા ઊપર શાને વાળવું ? જેણે મારા વિશે ખોટી ખોટી વાતો કહીને એને ભંભેર્યો હતો, તેમના પાસેથી જ એનો બદલો લેવો જોઇએ ! તેમને જતાં મૂકીને મહારાજાના નાશનો જ મેં ઉપાય કર્યો, એ મારો અક્ષમ્ય અપરાધ છે ! મહારાજાનો એમાં શો દોષ? મહારાજાએ તો મારું પાણિગ્રહણ કર્યું અને તેથી એક પુત્ર પણ મને થયો. તે સહન ન થઈ શકવાથી બીજાંએ મહારાજનું મન મારા વિશે કલુષિત કર્યું,

એમાં રાજાનો જે કાંઈ પણ અપરાધ હોય તો તે એટલો જ કે, એવાં જનોના વચનોમાં પૂર્ણ વિશ્વાસ રાખી સારાસારનો વિચાર ન કરતાં એણે મને કારાગૃહમાં નાંખી ! ત્યારે મારે એના કંઠપર શસ્ત્રનો પ્રહાર શામાટે કરવો જોઇએ વારુ ? આ વિચાર મારે પ્રથમથી જ કરવાનો હતો, તે ન કર્યો; એમાં મારી મોટી ભૂલ થઈ છે. જો એવો વિચાર મેં આગળથી જ કર્યો હોત, તો આવતી કાલે જે આપત્તિ રાજાના શિરપર આવવાની છે, તે આવવા પામત નહિ, અને એને ટાળવાની જે વિડંબના આજે મને થઈ પડી છે, તે પણ થાત નહિ.” એવા વિચારો તેના મનમાં આવતાં તેનું મન એકાએક ફરવા લાગ્યું, “શું? મારા જ હાથે અને મારી જ અનુમતિથી મારા પોતાના પતિનો નાશ થશે ? શું મારા પોતાના જ પ્રયત્નથી મારા સૌભાગ્યનો સર્વથા સંહાર થશે ? એ અત્યંત ક્રૂરતા અને અધમતાનો વિચાર મારા હૃદયમાં આવ્યો જ કેવી રીતે? મને હવે એનું આશ્ચર્ય થાય છે. પોતાના જ શરીરપર આવો ભયંકર પ્રસંગ લાવવાથી અંતે લાભ શેા થવાનો છે? એ જ કે ભત્રીજાને રાજ્ય મળશે ! ભત્રીજાને રાજ્ય મળ્યું તોય શું અને ન મળ્યું તોય શું ! એને રાજ્ય મળવાથી મને શો લાભ ? પ્રત્યક્ષ પતિના પ્રાણની હાનિ કરીને ત્રિભુવન પતિઘાતિનીના અપકીર્ત્તિયુક્ત નામથી ઓળખાવાથી વિશેષ બીજા કોઈ પણ લાભની મને પ્રાપ્તિ થવાની નથી જ.

ત્યારે હવે આ અશુભ પ્રયત્નથી થનારા અશુભ પ્રસંગને ટાળવા માટે ઉપાય શો કરવો ?” એ પ્રમાણે વિચારો પર વિચારો અને કલ્પનાઓ પર કલ્પનાઓ તેના મનમાં ઉદ્ભવતાં તે કોમલાંગી ઘણી જ ગભરાઈ ગઈ – આવતી કાલે બનનારા અનિષ્ટ પ્રસંગને ટાળવાનો તો તેનો દૃઢતમ નિશ્ચય થઈ ગયો હતો. “વૈધવ્ય આવ્યું તો ચિન્તા નથી, પણ મને છળીને મારા પુત્રનો ઘાત કર્યો છે, તે વૈરનો બદલો તે હું લેવાની જ.” એ પોતાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાનો તેનો જે આજ સૂધીનો મનોભાવ હતો, તે એકાએક મનમમાંથી નીકળી જતાં તેને સ્થાને તેને એવી ભાવના થવા માંડી કે, “મારા જ ઉત્પન્ન કરેલા સંકટમાંથી હવે હું કેવી રીતે મુક્ત થાઉં ! મહારાજાના પ્રાણ કેવી રીતે બચાવું? મારા જ હાથે થનારા આ રાજહત્યા અને પતિહત્યાના પ્રસંગને કયા ઉપાયથી ટાળું ?” એવા અનેકવિધ પ્રશ્નો તેના મનમાં આવીને ઊભા રહ્યા અને તેના મનમાં ઘણી જ ચિન્તા થવા લાગી. સ્ત્રીઓને સર્વથા અનુચિત એવા વિચારો પોતાના મનમાં આવ્યા જ કેમ ? એનું જ રહી રહીને તેને આશ્ચર્ય થવા લાગ્યું.

જ્યાં સૂધી અમુક દુષ્કૃત્ય આપણાથી દૂર હોય છે, ત્યાં સુધી તે કરવાની જેટલી ઉત્સુકતા રહે છે, તેટલી ઉત્સુકતા તે દુષ્કૃત્ય પાસે આવીને ઉભું રહે છે, એટલે રહેવા નથી પામતી. મુરાદેવીના મનની પણ અંશેઅંશ એવી જ સ્થિતિ થએલી હતી. જ્યાં સુધી પોતાના પતિનો વધ કરવાની અથવા કરાવવાની તેની ભાવના હતી, ત્યાં સુધી તેમાં [ ૨૦૦ ] તેને કશી૫ણ અયોગ્યતા દેખાઈ નહોતી, પણ હવે તે કૃત્ય થવાનું છે, એમ જોતાં જ તેની ભાવના બદલાઈ ગઈ અને સામો તેને ટાળવાનો ઉપાય તે શોધવા લાગી. પ્રથમત: સહજ જ તેના મનમાં એમ આવ્યું કે, “રાજાને જાગૃત કરીને આ બધો ભેદ જણાવી દેવો જોઇએ.” પણ એ વિચાર વધારે વાર તેના મનમાં ટકી શક્યો નહિ, તત્કાળ તેને એવી ભીતિ થવા માંડી કે, “જો હું એ બધા વૃત્તાંત રાજાને જણાવી દઇશ અને તો તત્કાળ મને સૂળીએ ચઢાવવાનો અથવા તો પુનઃ કારાગૃહમાં નાંખવાનો હુકમ કરશે તો? માટે એમ તો ન જ કરવું. ત્યારે બીજો ઉપાય એ જ કે, આવતી કાલે રાજાને અહીંથી સભામાં જવા જ દેવો નહિ.” પોતાવિશે રાજાના મનમાં ઘણો જ પ્રેમ હોવાથી તે અવશ્ય એ પ્રમાણે વર્તશે, એવી ધારણાથી એ ઉપાય તેને ઘણો જ સારો ભાસ્યો. તેને જતો અટકાવવાની તેણે આવી યુક્તિ કરી;-“રાજા જવા નીકળે, એટલે અણીને સમયે એકાએક કાંઈપણ રોગ થવાનું અથવા તો કોઈ ભયંકર સ્વપ્ન આવવાનું નિમિત્ત કાઢવું અને તેને રોકી રાખવો.” એ જ એક ઉપાય તેને યોગ્ય દેખાયો. તથાપિ પુનઃ તેના હૃદયમાં એવો વિચાર આવ્યો કે, “રાજા ત્યાં ન જાય અને ભૂલમાં બીજે જ કોઈ તે તોરણ તળેથી નીકળે અને એકાએક ધડાકો થાય, તો એ બધો ભેદ ફૂટી જવાનો સંભવ છે.

માટે ચાણક્યને બોલાવીને એ સઘળી વ્યવસ્થાનો જ નાશ કરી નાખવો, એ જ સારો માર્ગ છે. અને રાજાને ખુશીથી ત્યાં જવા દેવો. દારુકર્મોદ્ધારા ચાણક્યે જે ઘાતક યુક્તિ કરાવેલી છે, તેનું નિરાકરણ થયું, એટલે બધી બીનાનો સારીરીતે નિવેડો આવી જશે. સર્વવિઘ્નોને પોતાની મેળે જ ટળી જશે. રાજાને જતા અટકાવવા કરતાં આ વ્યૂહને જ બદલી નાંખવો, એ વધારે સારું છે. પરંતુ ચાણક્ય મારી વિનતિ સાંભળશે ખરો કે ? તેણે કરેલી બધી વ્યવસ્થા તો ધૂળમાં મેળવી દેશે ખરો કે ? તે આ કુટિલ નીતિથી વેગળો રહેશે કે?” એવા પ્રશ્નો પણ તેના હૃદયમાં ઉદ્દભવવા લાગ્યા. તે કોઈ પણ એક જ પ્રકારના નિશ્ચયપર આવી શકી નહિ. તેનું ચિત્ત ચંચળ થઈ ગયું. તેનો જીવ સંશયોથી તળવળવા લાગ્યો. એટલામાં રાત્રિનો એક પ્રહર વ્યતીત થયો, અને ત્યાર પછી થોડીક વારે ધનાનન્દ નિદ્રામાંથી જાગૃત થયો. તેણે જોયું તો મુરાદેવી અદ્યાપિ તેને જાગતી બેઠેલી દેખાઈ. તેથી તેને તેણે પોતાપાસે બોલાવી. મુરાદેવીએ આવીને તેનાં ચરણ ચાંપવા માંડ્યાં, “તું આજે હજી સુધી જાગતી કેમ બેઠી છે વારુ ?” રાજાએ પૂછ્યું, એ પ્રશ્ન સાંભળતાં જ બધો ગુપ્ત ભેદ તેને જણાવી દેવાની મુરાની ઇચ્છા થઈ; પરંતુ પાછું તેનું મન હટી ગયું. કારણ કે, પોતે રાજાનો જીવ બચાવવાથી રાજા પણ તેનો જીવ બચાવશે અને તેના અપરાધની ક્ષમા આપશે, એ તેને સંભવનીય જણાયું નહિ. તેથી તેણે ઉત્તર આપ્યું કે, “શું કરું ? આજે ચિત્તમાં અસ્વસ્થતા હોવાથી કેમે કરતી ઊંધ મુઈ આવતી જ નથી. કોણ જાણે મનમાં શુંય થયા કરે છે!”

“કેમ? વળી શું થયું ? હું આવતી કાલે ક્ષણ બે ક્ષણને માટે રાજસભામાં જવાનો છું, તેથી જ તારા મનમાં અસ્વસ્થતા થએલી હોય એમ જણાય છે.” રાજાએ સર્વથા ભોળાઈના ભાવથી કહ્યું.

“હા – કેટલેક અંશે એથી જ અસ્વસ્થતા થએલી છે, એમ પણ કહી શકાય ખરું. આપ કાલે સભામાં પધારવાના છો, તેથી મારું મન ફરી ગયું છે. ગમે તેટલા યત્નો કરવા છતાં પણ નિદ્રા આવતી નથી. ત્યારે અવશ્ય આપને જવું જ પડશે કે?” મુરાદેવીએ દ્વિઅર્થી ભાષણ કર્યું.

“જવું જ જોઈએ, એવું કશું પણ નથી. પણ આપણે જ્યારે કબૂલાત આપી ચૂક્યાં છીએ, ત્યારે જઈએ તો જરા ઠીક લાગે.” રાજાએ ઉત્તર આપ્યું.

“મારો જીવ બહુ જ મૂંઝાય છે. મનમાં એવું જ થયા કરે છે કે, આજે કાંઈ પણ અનિષ્ટ થવાનું છે !” મુરાએ પોતાના મનોભાવને કિંચિદ્ અંશે વ્યક્ત કર્યો.

“તારા મનની સ્થિતિ માટે તો હવે મને આશ્ચર્ય જ થાય છે ! તારું મન મહા પવિત્ર છે. તારા મનમાં સ્વાભાવિક ચિન્તા ઉદ્દભવી છે અને મેં એવું જ એક સ્વપ્ન આજે જોયું છે. કેવી સમાનતા ?” રાજાએ પેાતાનો મનોભાવ જણાવ્યો.

“તે સ્વપ્ન શું હતું વારુ? આપ નિદ્રામાં કાંઈક બબડતા તો હતા જો કે હું એ બેાલવાનો ભાવાર્થ બરાબર સમજી શકી નહોતી, પણ આપ કાંઈક બોલતા હતા, એટલું મારા ધ્યાનમાં છે ખરુ.” મુરાદેવીએ પુષ્ટિ આપી.

“એ મારો બડબડાટ સ્વપ્નમાં જે વિચિત્ર આદર્શ મારા જોવામાં આવ્યો હતો, તે વિશેનો જ હશે, બીજું શું હોય ? પણ સ્વપ્ન ઘણું જ વિચિત્ર હો !” રાજાએ કિંચિત્ હસીને પરંતુ ગંભીર ભાવથી એ વાક્યો ઉચ્ચાર્યા.

“એટલું બધું વિચિત્ર અને વિલક્ષણ તે શું સ્વપ્ન હતું? મને તે કહેવા જેનું નથી કે શું?” મુરાદેવીએ અત્યંત ઉત્સુકતાથી પૂછ્યું.

“તને એ કહેવું કે ન કહેવું, એનો જ હું ક્યારનો વિચાર કર્યા કરું છું. ઘડીકમાં કહેવું એવો વિચાર થાય છે અને ઘડીકમાં ન કહેવું એ જ સારું છે, એવી ભાવના થઈ જાય છે. ત્યારે હવે કયો માર્ગ લેવો?” રાજાએ પોતાની ડામાડોળ સ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું.

“કહી દેવું એટલે થયું. બીજું તે શું કરવાનું હોય ! જે કાંઈ હોય તે બોલી નાંખોને વહેલા વહેલા – એટલે મારા જીવને શાંતિ થાય.” મુરાદેવી બોલી.

“પણ મારું કથન સાંભળીને કદાચિત્ તને માઠું લાગશે અને તું મારા૫ર કો૫ કરીશ, એવી મને ભીતિ થયા કરે છે.” રાજાએ કહ્યું.

“હું આપના પર કોપ કરું? આ તે આપની કેવી વિચિત્ર કલ્પના?” મુરાદેવીએ તેની ભીતિના કારણને કાઢી નાંખ્યું.

“કલ્પના ખરી છે – મારો નિશ્ચય છે કે, તે સાંભળવાની સાથે જ તું કોપ કરી ઊઠીશ.” રાજા પાછા પોતાનો કકો ખરો કરતો બોલ્યો.

“એ કથન ગમે તેવું હશે, તો પણ હું કોપ ન કરવાનું વચન આપું છું, પછી તો થયુંને?” મુરાદેવીએ પોતાનો હઠ આગળ ચલાવ્યો.

“ત્યારે હું કહું છું – સાંભળ – આજે મેં એક ઘણું જ વિચિત્ર સ્વપ્ન જોયું છે.” રાજાએ કહ્યું.

“એ તો તમે પહેલાં પણ કહ્યું હતું, પણ એ વિચિત્ર સ્વપ્ન શું હતું, તે હું જાણવા માગું છું.” મુરાદેવી પોતાના પ્રયત્નમાં દૃઢ રહીને બોલી.

“પણ જો હું એ ન કહું અને તું ન સાંભળે, તો તેથી હાનિ શી થવાની છે?” રાજાએ પાછો ન બોલવાનો ભાવ દર્શાવ્યો.

“હાનિ તો બીજી શી થાય, પણ મારા મનમાં વસવસો થયા કરશે, એ જ!” મુરાદેવીએ સાંભળવાનું કારણ બતાવ્યું.

“ત્યારે સાંભળ – મને એવું સ્વપ્ન આવ્યું હતું કે, આપણ બન્ને જાણે એક ઘોર અરણ્યમાં ગએલાં છીએ અને ત્યાં ઘોરતમ અંધકાર છવાયલો છે………”

“ઘોર અરણ્યમાં ? અને આપણ બન્ને ?” રાજાને બોલતો અટકાવીને મુરાદેવી વચમાં જ બોલી ઊઠી.

“હા – આપણ બન્ને – માત્ર બે જ – ત્રીજું ત્યાં કોઈ પણ હતું નહિ. કોઈ પક્ષી પણ જોવામાં આવતું નહોતું.” રાજાએ ભાર મૂકીને જણાવ્યું.

“ખરેખર સ્વપ્ન વિચિત્ર અને ચમત્કારિક તો ખરું ! હં–પછી–પછી શું થયું ?” મુરાદેવીએ પુન: ઉત્સુકતાથી કહ્યું,

“પછી ?…… શું કહું? પણ તું આગ્રહ કરે છે, માટે કહું છું, પણ…” “પણ બણ કરવાની હવે અગત્ય નથી – હવે તો જે બન્યું છે તે કહેવું જ પડશે – સત્વર કહો – મને તલપાવો નહિ.” મુરાએ પાછો આગ્રહ કર્યો.

“ઠીક ત્યારે સાંભળ – તે અંધકારાવૃત અરણ્યમાં જાણે આપણે ઊભાં છીએ. એટલામાં ચમત્કાર એવો થયો કે, તેં સહજ હાસ્ય વિનોદમાં મારા ધનુષ્યબાણ અને ખડગ મારા હાથમાંથી લઈ લીધાં અને તેવામાં એક ભયંકર વ્યાધ્ર પોતાની પૂછડી હલાવતો હલાવતો અને મોટેથી અવાજ કરતો મારા શરીરપર ધસી આવ્યો – અરે રે તેનું કેવું ભયંકર સ્વરૂપ હતું !” રાજા પાછો અટકી ગયો.

મુરાદેવી એ સાંભળીને ગભરાઈ અને તે મહારાજાની પાસે આવી બેઠી. ત્યાર પછી કહેવા લાગી કે, “મહારાજ ! મારું રક્ષણ કરો ! એ વ્યાધ્રનું નામ સાંભળતાં જ મારા શરીરમાં કંપનો આવિર્ભાવ થયો છે. જાણે કે તે વ્યાધ્ર અત્યારે મારાં નેત્રો સમક્ષ આવીને ઉભો હોયને ! એવો મને ભાસ થાય છે. હં – પછી શું થયું વારુ? ભય પણ થાય છે અને સાંભળવાની ઇચ્છા પણ થાય છે – એ કેવી મનુષ્યસ્વભાવની વિચિત્રતા ?”

“જો તને ભીતિ લાગતી હોય, તો હું એ વાત આગળ કહીશ નહિ.” રાજાએ કહ્યું. એનું મુરાદેવીએ ઉત્તર આપ્યું કે, “મેં તો કહ્યું કે, ભય પણ થાય છે અને સાંભળવાની ઇચ્છા પણ થાય છે; માટે કહેવામાં કાંઈ પણ અડચણ નથી.”

“હું તો જો કે કહું છું, પણ જો તું હવે વધારે સાંભળવાનો આગ્રહ ન કરે, તો વધારે સારું.” રાજાએ પાછો પોતાનો વિચાર દર્શાવ્યો.

“તે શામાટે ? હવે તો મારા મનમાં ઘણી જ ઉત્કંઠા થાય છે. આપનો આશ્રય હોય, તો મારી ભીતિ કેટલીવાર ટકી શકે તેમ છે? આપનો સ્પર્શ થતાં જ ભય અને ભીતિ તો ક્યાંય ચાલ્યાં જવાનાં ! કહો કે આગળ શું થયું?” મુરાદેવીએ પોતાનો આગ્રહ પાછો ચાલુ રાખ્યો.

“પછી એમ થયું કે, તે વ્યાધ્ર મારા શરીરપર આક્રમણ કરીને મને ……….”

“અરે ભગવન્ ! મહારાજ ! આ શબ્દો સાંભળવાથી તો મને મૂર્ચ્છા આવવા જેવું જ થાય છે.” મુરાદેવીએ વચમાં જ કહ્યું.

“ગભરાવાનું કશું કારણ નથી. એ સર્વ સત્ય નથી – એ તો સ્વપ્નની ઘટના છે.” રાજાએ તેને આશ્વાસન આપતાં કહ્યું.

“હા-હા-હું તેા એ ભૂલી જ ગઈ હં, પછી શું થયું, મહારાજ ?” મુરા બોલી. “પછી જે થયું તે કહેવાને જીભ ઉપડતી નથી. એ સાંભળતાં તું કોણ જાણે શું કહીશ, એવા ભયથી હું તો બેાલતાં અચકાઉં છું.” રાજાએ કહ્યું.

“એવું તે શું છે, મહારાજ ? કહી દોને સત્વર, હું તો કાંઈ બોલતી પણ નથી ને ચાલતી પણ નથી.” મુરાદેવીએ પુનઃ આગ્રહપૂર્વક ઇચ્છા દર્શાવી.

“તે વ્યાધ્રે મારા અંગપર આક્રમણ કર્યું, એટલે મેં તારી પાસેથી મારું ખડ્‍ગ માગ્યું, પણ તેં તે આપ્યું નહિ અને સામી તું દૂર દૂર ન્હાસવા લાગી.”

“આ તો ધારવા કરતાં વિપરીત જ ! હું આપના પ્રાણ બચાવવાને દોડું કે દૂર ન્હાસું ? બાઈ ! આ તે કેવું સ્વપ્ન ? આપના હૃદયની જેવી ભાવના છે, તેને અનુસરતું તો આ સ્વપ્ન નથી આવ્યું ને?” મુરાદેવીએ પૂછ્યું.

“અરે ગાંડી ! આ તે તું શું બેાલે છે ? હજી તો આ કાંઈ પણ નથી; જો આગળ સાંભળીશ, તો તું શું કહીશ ?” રાજાએ પાછી શંકા કાઢી.

“કહું શું? હવે વાર ન કરો – મારી ઉત્કંઠાને ન વધારો. તે શીધ્ર કહી નાંખો. ત્યાર પછી શું થયું ?” મુરાદેવીએ પાછો આગ્રહ કર્યો.

“તું ન્હાસવા લાગી, એટલે હું તને વિનવવા લાગ્યો અને કહ્યું કે, જો તું આ વેળાએ ખડ્‍ગ નહિ આપે, તો આ વ્યાધ્ર અત્યારે મને મારી નાંખશે. પણ તેં એ મારી વિનતિ લક્ષમાં ન લેતાં ઉલટું એમ કહ્યું કે, ભલે ને મારી નાંખે ! તમને એ વ્યાધ્ર ખાશે, એટલે મારા પુત્રને વ્યાધ્રે જેવી રીતે ખાધો હશે, એની તમને સારી કલ્પના થશે ! મારી ખાસ એવી જ ઇચ્છા છે કે, એ વ્યાઘ્ર તમને ભક્ષી જાય તો બહુ જ સારું થાય ! તારું આ ભાષણ સાંભળીને હું ઘણો જ આશ્ચર્યચકિત થઈ ગયો.”

રાજાના એ સ્વપ્નનો વૃત્તાંત સાંભળીને મુરાદેવી માત્ર આશ્ચર્યચકિત થઈ ગઈ, એટલું જ નહિ, પણ તેની મુખમુદ્રા એકાએક કાળી ઠીકરા જેવી બની ગઈ – તેના તેજનો સર્વથા લોપ થઈ ગયો.

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!