‘ચાતકપક્ષી માત્ર વરસાદનું જ પાણી કેમ પીએ છે?’

લોકસાહિત્ય એટલે લોકજીવનનો સ્મૃતિ ગ્રંથ, આ સ્મૃતિગ્રંથના સીમાડા નિર્બદ્ધરીતે વિસ્તર્યા છે. વિદ્વાનો જેને લોકશાસ્ત્ર તરીકે ઓળખે છે એ લોકશાસ્ત્ર અજાયબીભરી અનેક પ્રકારની લોકકથાઓથી સમૃધ્ધ છે. આ બધી લોકકથાઓમાં ‘ઉત્પત્તિકથાઓ’ વાચકના ચિત્તમાં અદ્ભત રસની આખી સૃષ્ટિ ખડી કરી દે છે. આવી કથાઓ માત્ર ગુજરાત, સૌરાષ્ટ્ર કે ભારતના વિવિધ પ્રાંતોમાંથી જ મળે છે એવું નથી. જગતમાં ધરતી, માનવ, પાણી, સૂર્ય, ચંદ્ર, પહાડ, ઝરણાં, વનસ્પતિ, અવકાશી પદાર્થો વગેરેની ઉત્પત્તિને લગતી જાતજાતની દંતકથાઓ વિશ્વભરના સાહિત્યમાંથી સાંપડે છે.

સ્વ. ગિજુભાઈ બધેકાની પ્રસ્તાવના સાથે આપણે ત્યાં ‘કુદરત કથાઓ’ પ્રગટ થઇ છે. ‘શિવમ્ સુંદરમે’ આવી લોકકથાઓનો સંગ્રહ આંતરરાષ્ટ્રીય લોકકથાઓના નામે પ્રગટ કર્યો છે. પાવી જેતપુર (વડોદરા) આદિવાસી વિસ્તારમાંથી આવતા શંકરભાઈ તડવી અને રેવાબહેન તડવીએ આવી કથાઓ આપી છે. તેઓ નોંધે છે કે પ્રકૃતિના કેટલાક તત્ત્વોની ઉત્પત્તિ કેવી રીતે થઇ તેની આદિવાસી લોકકથાઓ મળે છે. આ બધી કથાઓ અને કિંવદંતી-દંતકથાઓનો જન્મ અસાધારણ લાગતી બાબતોનો યોગ્ય ખુલાસો શોધવાની મથામણમાંથી થયો હોય એમ લાગે છે. આથી કુદરતી બનાવો ચમત્કારો, તારાની ગતિ, જન્મ અને મરણ તથા પ્રજોત્પત્તિનું રહસ્ય વગેરે વિષયો ઉપર દરેક દેશના સુધરેલા કે જંગલી લોકોએ પોતાની સૂઝબૂઝ પ્રમાણે કંઇને કંઇ ઉત્પત્તિ બેસાડેલી જોવા મળે છે. દંતકથાઓ પ્રકારની આ કથાઓ નૃવંશશાસ્ત્રીઓ સંશોધનની તક પુરી પાડે છે. અહીં, મારે વાત કરવી છે ‘ચાતકપક્ષી માત્ર વરસાદનું જ પાણી કેમ પીએ છે !’ એ આદિવાસી દંતકથાની, પણ એ પહેલા ચાતક પક્ષી પર એક ઉડતી નજર કરી લઈએ.

ચાતક એક પંખી છે જે બપૈયાના નામે પણ ઓળખાય છે, આ પક્ષી વરસાદના ફોરાનું જ પાણી પીએ છે, બીજું પાણી પીતું નથી. તેના ગળામાં કાણું હોવાથી બીજું પાણી તેના પેટમાં જતું નથી એવી પણ માન્યતા છે. આકાશમાંથી પડતું ફોરું અધ્યરથી ઉઘાડા મોંમાં ઝીલતાં તેના પેટમાં જાય છે. એકાદ ફૂટ  જેટલો દેહ, આઠ આંગળ લાંબી પૂંછડી અને દેખાવ દૈયડ-પક્ષી જેવો લાગે. ઉપરનો રંગ કાળો, પાંખમાં સફેદ પટ્ટો પૂંછડીના પીંછાના છેડા ધોળા, દાઢી, ગળું, છાતી પેટ વગેરે શ્વેતરંગી હોય છે. ચાતકની વિશેષતા એ છે કે માથા ઉપરની બુલબુલની ટોપી જેવી ત્રિકોણાકાર કાળી શિખા છે. એના લીધે એને પક્ષીવિદો ‘શાહી બુલબુલ’ તરીકે પણ ઓળખે છે. તે ચોમાસાના આરંભમાં આપણા દેશમાં આવે છે. સમગ્ર વર્ષાકાળ અહીં પસાર કરીને શરદ અને હેમંતના વચલા ગાળામાં વિદાય લે છે.

વર્ષાઋતુઓનો ગર્ભાધાનકાળ ગણાય છે. તેનું નિવાસસ્થાન સ્વાભાવિક રીતે જળાશયની ઢુંકડુ હોય છે, એમ ભગવદ્ગોમંડલ નોંધે છે. જગત આખાને જીવાડનાર અને ધરતીમાથે અઢળક ધનધાન્ય ઉગાડનાર મેઘરાજાને માટે એક ઉક્તિ જાણીતી છે :

‘રાજા તો મેઘરાજા, ઓર રાજા કાયકા,
દૂધ તો માયકા ઓર દૂધ કાયકા !’

એવા મેઘરાજા અને માત્ર વરસાદના સરવડાંથી પોતાની તરસ છીપાવના શાયિત ખેડૂત કન્યા ચાતક પક્ષી રૂપે કેમ અવતરી તેની એક મજેદાર કિવદંતી આદિવાસી સાહિત્યમાંથી આ પ્રમાણે સાંપડે છે. એ જોઇએ તે પહેલા મેઘ, ધરતી અને દેડકાની કથા પર જરાક નજર કરી લઈએ.

એક વખતે ધરતીમાતા અને મેઘરાજા વચ્ચે ઝઘડો થયો. બેમાંથી મોટું કોણ ?

ધરતીમાતા કહે : ‘હું મોટી. મારી ઉપર કાળા માથાંના માનવીની આખી સૃષ્ટિ વસે છે. જાતજાતના પશુપંખીઓ વસે છે ને મોજ કરે છે ?’

મેઘ કહે : ‘હું એક વરસ ન વરસું તો તારા માનવો અનાજ પાણી વગર શી રીતે જીવી શકે ? ભૂખ્યાં તરસ્યાં મરી જાય.’

ધરતીમાતા અકળાઈને બોલ્યાં : મેઘા, તું છાનો રહે. મારી ઉપર મહાસાગર હિલોળા લે છે. પૃથ્વીને પોણો ભાગ પાણી છે, સમજ્યો ?

મેઘ કહે : ‘ચાલ આપણે પારખું કરી લઈ. જે હારે તે નાનું ને જે જીતે તે મોટું.’

આ વાત કબૂલીને વડછડ કરતાં બેય છૂટા પડયા. બંને એકબીજાને પરાજીત કરવાની ગડભાંજમાં પડયા. એવામાં અચાનક એક દિવસ મેઘ ધરતી માથે ગાંડો થઇને વરસવા મંડાણો. કાળા ભમ્મર આકાશમાં વાદળાંની વચ્ચે સળાવા લેતી વીજળી ધરતીના ઓવારણાં લેવા મંડાણી. બારે મેઘ ખાંગા થયા. ચોતરફ જળબંબાકાર. મલક આખાના માણસો, પ્રાણીઓ, પશુઓ, પંખીઓ થરથરવા મંડાણાં. જીવ બચાવવા આમતેમ દોડવા મંડાણાં. નદીનાળાં છલકાઈ ગયાં. તોતીંગ વૃક્ષો ધરાશાયી થઇ ગયાં. ઘરબાર ધરાશાયી થવા મંડાણાં. પાણી ક્યાંય મારગ દેતું નથી. જ્યાં ખાડા હતાં ત્યાં ટેકરાને ટેકરા હતાં ત્યાં ખાડા પડી ગયા. વન-વાડી, ખેતર-પાદર, જંગલ ઝાડી બધું જ નાશ પામ્યું. ધરતીમાતા મેઘરાજાના મારથી બહાવરી બનીને બૂમો પાડતી હતી : ‘છે કોઈ માઈનો પૂત ? છે કોઈ શૂરો ?’ ધરતી માતાની લાજ રાખે એવો કોઈ બળિયો ? ધરતીની બૂમો સાંભળીને મેઘો મનમાં મલકાતો તો. વરસી વરસીને એ પણ થાકીને લોથ થઇ ગયો હતો. એને મનમાં હતું કે ધરતી મીનો ભણે – હાર સ્વીકારે તો હું આરામ કરું. આમ ઘણો વખત વીતી જવા છતાં ધરતીએ હાર કબૂલી નહીં. મેઘરાજા હામ હારી જવા આવ્યા હતા. બહાવરી બનેલી ધરતી માતા હજુ મદદ માટે બૂમો પાડતી હતી. ત્યાં એક ખૂણામાંથી તીણો અવાજે સંભળાણો :

‘મા, મા ! મૂંઝાશો મા ! હજુ હું સો વરસનો બેઠો છું મેઘા રાજાને કહી દો કે નકામો શું કરાંજી મરે છે ? તારી શું ગુંજાશ છે કે તું ધરતીમાતાને હરાવી શકે ?’ પૃથવીના પટ ઉપરથી આવો પડકારો સાંભળી મેઘરાજાના હાંજા ગગડી ગયા. એક મુઠ્ઠી જેવડો દેડકો મેઘને પડકારતો હતો. ‘એ મેઘા, તું ગમે તેટલો ગાંડો થઇને વરસે તોયતારું બળ નકામું છે. તું આઠ આઠ દિ’થી વરસવા મંડાણો છું ને તોય મારું ડાબુ પડખું કોરું રહી ગ્યું છે,’

મેઘરાજાએ આવીને જોયું તો સાચે જ દેડકાનું ડાબુ અંગ સાવ કોરું ધાકોર રહી ગયેલું : પાણીનો છાંટો સરખો એને અડયો નહોતો, કોઈ પથ્થરની આડશે એ આવી ગયેલો એટલે એણે પાણીનો છાંટો ય અડયો નહોતો. ત્યારે મેઘરાજાએ પોતાની હાર કબૂલ કરી અને દેડકાને વરદાન આપ્યું કે ‘તું જ્યાં રહીશ ત્યાં મારો વાસ રહેશે. ગમે તેવા કાર્યમાં કાળદુકાળે તને પાણીનું દુ:ખ નઇ પડે. હું તારી સાથે જ રહીશ.’ આવું વરદાન દઈને મેઘરાજા તો જતાં રહ્યાં. ધરતીમાતા લીલીછમ અને નવપલ્લવિત થઇ ગઈ. ત્યારથી લઇને આજ લગી કોઈ દેડકો પાણી વગર તરસ્યો મરી ગયો જાણ્યો નથી. ચોમાસુ વિદાય થતાં જ પાણીમાંના દેડકા જમીનમાં જતાં રહે છે. સુષુપ્ત અવસ્થામાં પડયાં રહે છે અને મેહુલો મંડાતા પાછા પાણીમાંથી ડોકાં બા’રા કાઢીને રાતબધી ડ્રાઉં ડ્રાઉં રાગ આલોળવા માંડે છે. આવી દંતકથાઓ સાથે વિજ્ઞાની વાતને જોડીએ તો સાચો તાગ મળી શકે. જૂનીકાળે વિજ્ઞાનનો વિકાસ થયો નહોતો ત્યારે કોઠાસૂઝવાળા અભણ લોકોએ કુદરતી તત્ત્વોનાં પાર પામવા આવી કથાઓ-દંતકથાઓ રચી હતી જે આજે માનવ મનોવિજ્ઞાનને જાણવા માટે ખપમાં આવે એવી છે. સમાજશાસ્ત્રના અભ્યાસીઓને પણ ઉપયોગી બને છે.

ચાતક પક્ષી સાથે જોડાયેલી ગઢવાલી દંતકથા પણ એટલી જ રસપ્રદ છે. કવિઓએ કલ્પના કરી છે કે પૃથ્વીના પટ પર વસતું ચાતક પક્ષી ધરતી પર પડેલું તળાવ સરોવર કે ખાડા ખાબોચિયાંનું પાણી પીતું નથી. ચોમાસું આવતાં તરસ્યું ચાતક પક્ષી આકાશમાં ઉમટતાં કાળાડી’બાંગ વાદળાં ભણી મીટ માંડીને ‘સરગ દીદા પાણી દે. આઠ આઠ મહિનાથી તરસ્યે ટળવળું છું. તું વરસ તો હું તારું વરસતું પાણી પીને મારી તરસ છીપાવું.’ દંતકથા કહે છે કે ચાતકને પાણી વગર ટળવળવાનું કારણ એને મળેલો શ્રાપ છે. દંતકથા કંઇક આવા પ્રકારની છે.

ઉત્તરાંચલનો ગઢવાલ પ્રદેશ. આ ગઢવાલનું ગામડું ગામ. આ ગામમાં એક ગરીબ ખેડૂત કુટુંબ રહે. પરિવારમાં ઘરડાં માજી. એની એક દીકરીને વહુ રહે. કામગરું કુટુંબ એટલે નાની ખેતીમાંથી બાર મહિનાનો રોટલો રળી લે. નણંદ ભાભી વચ્ચે હેતપ્રીત ઘણાં, પણ નણંદ અર્થાત્ ડોશીમાની દીકરી આળસુની પીર. હરામ હાડકાંની. ઘરકામમાં કે ખેતીકામમાં એનું ચિત્ત ચોટે નહીં. એક કામ બતાવ્યું હોય તે શે વાતેય પૂરું નો કરે ભોળી ભાભી બિચારી સાવ ગરીબડી. ઘણીવાર નણંદનું કામેય કરી નાખે. કામચોર નણંદને આથી જાણે બગાસું ખાતાં મોમાં ગોળનો ગાંગડો આવી ગયો હોય એટલો આનંદ થતો.

એક દિવસની વાત છે. ઉનાળાનો તાપ ધોમ ધખ્યો છે. મુઠ્ઠીક જુવાર ઉડાડો તો ધરતી માથે પડતાં ધાણી ફૂટી જાય એવો તીખો તાપ તપ્યો છે. શેરડીનું કોલું ચિચોડો ફરે છે. બપોરની રોંઢા વેળાએ ચિચોડેથી બળદોને છોડયા. તરસ્યા બળદોને પાવા માટે પુરતું પાણી ન મળે. ખેતરથી દોઢેક ગાઉના છેટે ડુંગરાની ગાળીમાં એક ઝરો વહેતો હતો. માંકડાના માથાં ફાટી જાય એવા ખરાં તાપમાં બળદ પાવા કોણ જાય ? દીકરી કે વહુ બેમાંથી કોણ જાય ? બેય વાદ દે. આ ડોશી બડા ચતુર હતાં. એમણે દીકરીને બહુને એકુકો બળદ આપીને કહ્યું કે ‘તમે બંને ડુંગરાના ઝરામાં જઇને બળદને પાણી પાઈ આવો. ત્યાં સુધીમાં હું રોંઢા માટેના રોટલા બનાવી નાખું. આજે તો શીરો પણ હલાવી નાખું છું. તમારા બેમાંથી બળદ પાઈને જે વહેલું આવશે એને ગરમ ગરમ શીરો મળશે. શીરાનું નામ સાંભળતા વહુ ને દીકરી બેયના મોઢામાં પાણી આવ્યું.’

નણંદ-ભાભી એકેય બળદ લઇને જુદા જુદા રસ્તે થઇને ડુંગરે જવા નીકળ્યાં. હૈયાં ઉકલતવાળી કામગીરી ભાભી ઝડપભેર નીકળી. નણંદ તો હરામ હાડકાંની હતી. એને થયું આવા બળબળતા તાપમાં ડુંગરા સુધી બળદ પાવા કોણ જાય ? અડધે રસ્તેથી જલ્દી ઘેર પહોંચી જાઉં તો અહીં કોણ જોવાનું છે ? આવું વિચારીને દીકરી તરસ્યા બળદને લઇને ઉપડતા પગે ઘેર પહોંચી ગઈ અને ગરમ ગરમ શીરો ખાવા બેસી ગઈ.

હવે અહીં તરસ્યો બળદ તરસથી ટાંગા ઘસીને સાંજે મરણને શરણ થયો. ગઢવાલી દંતકથા કહે છે કે તરસ્યા મૂંગા જાનવર બળદે મરતી વખતે ડોશીની દીકરીને કકળતે કાળજે શ્રાપ આપ્યો ‘તેં મને પાણી વગર તરસ્યો – તડપાવીને માર્યો છે એમ તું આવતે ભવે ‘ચાતક’ બનીશ અને બાર બાર મઇના સુધી પાણીના બુંદ વગર તરફડતી રહીશ.’ કહેવાય છે કે આ શ્રાપને કારણે ચાતક પક્ષી વાવ, કૂવા, તળાવ કે સરોવરનું પાણી પી શક્તું નથી. માત્ર ચોમાસામાં મેઘરાજા મહેર કરીને વરસાદ વરસાવે ત્યારે આકાશભણી ઊંચું મોં કરીને વરસતા વરસાદના પાણીથી પોતાની તરસ છીપાવે છે. એની પાછળનું વૈજ્ઞાનિક કારણ તો શોધવુંજ રહ્યું. કોઈ સમાજશાસ્ત્રી કે પક્ષીવિદ્ આના ઉપર પ્રકાશ પાડશે કે ?

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!