5. ચાણક્યનો વિચાર – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

વસુભૂતિ ભિક્ષુ એ પ્રમાણે પોતાના હૃદયના ઉદ્દગારો બહાર કાઢતો હતો. તે વેળાએ ચાણક્યના અંતઃકરણમાં નાના પ્રકારના વિચાર- તરંગો ઊઠવા લાગ્યા હતા. “હું જે કાર્ય કરવાના ઉદ્દેશથી મારા આશ્રમને ત્યાગી આ નગરીમાં આવેલો છું, તે કાર્યને સિદ્ધ કરી આપનારી સ્થિતિ હાલમાં રાજકુળમાં થએલી છે, એટલું જ નહિ, પણ જે ગૃહકલહનો અગ્નિ પ્રજળવા માંડ્યો છે, તેમાં યથાસ્થિત ઘૃત હોમવાનું પણ હવે મારા હાથમાં છે,” ચાણક્યની એવી ભાવના થવા માંડી હતી, એટલે પછી બીજું શું જોઈએ? એક તો ચાણક્ય પ્રથમથી જ દીર્ધદર્શી અને સુક્ષ્મદર્શી હતો જ, અને વળી વસુભૂતિ ભિક્ષુકે કહેલી મુરાદેવીના પુત્રની કથા ચંદ્રગુપ્તની કથાથી એટલી બધી તો મળતી આવી, કે તેના આનંદનો પાર રહ્યો નહિ. છતાં પણ પોતાને અનુકૂલ થનારી સ્થિતિ એકાએક ખરી લાગતી નથી, એ નિયમને અનુસરીને તેના મનમાં શંકાનો ઉદ્દભવ થયો, “મારા સમજવામાં કાંઈ પણ ભૂલ થએલી હશે તો ? માટે સત્ય સ્થિતિ શી છે, એનો સંપૂર્ણ રીતે શોધ કરવા પછી જ અાનંદ કે વિષાદની ભાવના ધરવી જોઈએ. કોઈપણ કાર્યની સિદ્ધિ માટે પ્રથમ પૂરો નિશ્ચય થયા વિના તે સિદ્ધ જ થયું, એમ માનીને કરેલો આનંદ ઘણીક વેળા ખેદનું જ કારણ થઈ પડે છે,” એવો વિચાર કરીને ચાણક્યે વસુભૂતિને ઉદ્દેશીને કહ્યું કે:-

“ભિક્ષુવર્ય ! મને આ તમારી નગરીની કાંઈપણ માહિતી નથી. હું તો આટલા કાળ સૂધી હિમાલય પર્વતમાંની મરુદૂતી નદીને તીરે આવેલા મારા ચાણકય-આશ્રમમાં જ વસતો હતો, એટલે આવાં નગરોનું જ્ઞાન ક્યાંથી હોઈ શકે ? આ નગરી વિશાળ છે અને અહીંના રાજાની કીર્તિ દિગંતગામિની છે, માટે અહીં જો કોઈ સારો આશ્રય મળી જાય, તો સારું; એવા હેતુથી જ હું અહીં આવેલો છું. તેવામાં આ રાજકુળમાં સળગેલા કલહના અગ્નિની કથા સાંભળીને મારું મન નિરાશ થઈ ગયું છે. જયાં ગૃહકલહ ઉત્પન્ન થયો, ત્યાં લક્ષ્મીનો વાસ વધારે વાર રહેતો નથી. અસ્તુ. આપણે શું ? પણ ભગવાન વસુભૂતે ! મુરાદેવી કોણ છે ? અને તેના પુત્રનો ઘાત કોણે અને શામાટે કરાવ્યો? હું આ પ્રશ્નો કરું છું, એની ક્ષમા કરશો; પરંતુ મને જો એ સઘળી બીનાની જાણ થશે, તો હું એ કલહની શાંતિ માટે કાંઈ પણ અનુષ્ઠાન કરીશ.”

ચાણક્યનું એ ભાષણ સાંભળીને વસુભૂતિ હસ્યો અને કહેવા લાગ્યો, “બ્રહ્મદેવ ! હું તને શું કહી સંભળાવું ? તમો દૂરના લોકોને આ પાટલિપુત્રની કીર્તિ જેટલી ઉજ્જવળ દેખાય છે તેટલી તે ઉજ્જવળ નથી. રાજા ધનાનન્દ અત્યંત અવિચારી અને બીજાની મતિથી જ ચાલનારો છે. એની સભામાં મંત્રીઓ તો અનેક છે, પરંતુ દૈવની ગતિ કાંઈક એવી વિલક્ષણ છે કે, તે મંત્રીઓમાંના જેટલા મૂર્ખ અને સ્વાર્થસાધુ અધિકારી જનો છે, તેમની જ બુદ્ધિથી ધનાનન્દનો, સઘળો વ્યવહાર ચાલે છે. મુરાદેવી, એક વેળાએ રાજાની ઘણી જ પ્રીતિપાત્ર રાણી હતી, એના વિના રાજાને ક્ષણ માત્ર પણ ચેન પડતું નહોતું. એથી રાજાની બીજી રાણીઓના મનમાં એનાવિશે દ્વેષ ઉત્પન્ન થતાં તેમણે એના નાશના પ્રયત્નો કરવા માંડ્યા. સેનાપતિ ભાગુરાયણે કિરાત રાજાનો પરાજય કરીને તેની કન્યાને હરી મહારાજને અર્પણ કરી. એનું અલૌકિક સૌન્દર્ય જોઈને મહારાજાએ એનાથી વિવાહ સંબંધ કર્યો અને એ ગર્ભવતી થઈ એ સમય સુધી મહારાજાની એક પણ પત્નીને પુત્ર થયો ન હોતો. એ કારણથી મુરાદેવી વિશેના તેમના દ્વેષે વધારે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને એની વિરુદ્ધ તેમના કારસ્થાનો શરુ થયાં. અંતે તેમણે રાજાના મનમાં એમ ઠસાવી દીધું કે, એ કિરાત રાજાની રાણીના પેટે જન્મેલી પુત્રી નથી, કિન્તુ કિરાત રાજાની દાસીની પુત્રી છે અને એનું વર્તન પણ જોઈએ તેટલું શુદ્ધ નથી. એ ખોટી શંકાને તાબે થતાં રાજાએ એવી આજ્ઞા આપી દીધી કે, મુરાદેવીને કારાગૃહમાં રાખવામાં આવે અને તેને જે બાળક અથવા બાળિકા અવતરે તે અર્ભકને તત્કાળ મારી નાંખવામાં આવે. થઈ ચૂકયું – રાજાની આજ્ઞાથી વિરુદ્ધ કોણ થઈ શકે ?

તત્કાળ તે આજ્ઞા પ્રમાણે સર્વ વ્યવસ્થા કરવામાં આવી. મુરાદેવીને કારાગૃહમાં રાખી અને તે પ્રસૂતા થતાં જ તેના ઉદરમાંથી જે પુત્રનો જન્મ થયો, તે પુત્રના ઘાતની આજ્ઞા આપવામાં આવી. એ અર્ભક અત્યંત સુંદર અને તેજસ્વી હતું, તેથી જે પરિચારકને શિરે એને મારવાનું કાર્ય આવી પડ્યું હતું તેને અમાત્યોએ અને બીજી રાણીએાએ નાણાંની એક સારી રકમ આપીને તે બાળકનો નાશ કરાવી નાખ્યો. એ ઘટનાને આજે ઘણાં વર્ષો વીતી ગયાં છે. રાજાની બીજી એક રાણીના ત્યાર પછી જન્મેલા સુમાલ્ય નામક પુત્રને – તે સર્વથી મેાટો હોવાથી થોડા જ દિવસ પહેલાં યૌવરાજ્યાભિષેક થયો. એ ઉત્સવ પ્રસંગે નિયમ પ્રમાણે જે કેટલાક બંદીવાનોને છોડવામાં આવ્યા હતા, તેમાંની મુરાદેવી પણ એક હતી. કારાગૃહમાંથી મુક્ત કરીને અંત:પુરમાંની બીજી સ્ત્રીઓ પ્રમાણે એને પણ રાજમહાલયમાં રહેવાની સર્વ વ્યવસ્થા કરી આપવામાં આવી. પરંતુ એથી મુરાદેવીના હૃદયમાં આનંદ થવાને બદલે દૈવની પ્રબળતાથી તેની શી દશા થએલી છે, એ તો વૃન્દમાલાએ હમણાં જ કહી સંભળાવેલું હોવાથી વધારે કહેવાની કાંઈપણ આવશ્યકતા નથી. એ મુરાદેવીને જો ભગવાન તથાગતના ઉપદેશામૃતનું પાન કરાવવાનો પ્રસંગ મને મળશે, તો હું એને આ સંસારમાંથી મુક્ત કરીને નિર્વાણ પ્રાપ્તિનો માર્ગ દેખાડીશ, એટલે તે આ રાજકુળના લોકોની સંગતિનો અભાવ થતાં પોતાની મેળે જ સંન્યસ્ત દીક્ષાનો સ્વીકાર કરશે અને સર્વ સંગનો પરિત્યાગ કરીને સત્ય માર્ગમાં વિચરશે.”

વસુભૂતિની એ વાક્ય પરંપરાને ચાણક્ય શાંતિથી સાંભળતો બેઠો હતો. તેના મનમાં પણ પોતાના કાર્ય માટેના વિચારો તો ચાલતા હતા. અંતે વસુભૂતિએ જ્યારે મુરાદેવીને સંન્યસ્ત દીક્ષા આપીને બુદ્ધ રક્ષિતા બનાવવાનો પોતાનો મનોભાવ દર્શાવ્યો, ત્યારે જ માત્ર ચાણક્યની મુખમુદ્રામાં હાસ્યનું મંદ દર્શન થયું. તથાપિ તેણે “ભગવાન શંકરની જેવી ઇચ્છા – તેને જેમ સારું લાગશે, તેમ તે કરશે – આપણે શું કરી શકીએ તેમ છીએ ?” એમ બોલીને વાતને ટાળી દીધી અને કૈલાસનાથના મંદિરમાં જઈને સૂઈ જવાના વિચારથી તે ઊઠીને ઊભો થયો. રાત્રિ ઘણી જ વીતી ગઈ હતી, તેથી કે બુદ્ધભિક્ષુને એકાંતમાં કાંઈક વિચાર કરવાનો હતો તેથી – ગમે તે કારણથી હોય, પણ ચાણક્યને તેણે વધારે વાર બેસવાનો આગ્રહ કર્યો નહિ.

ચાણક્ય કૈલાસનાથના મંદિરમાં આવ્યો અને પેાતાના કૃષ્ણાજિનપર સૂતો. પરંતુ અનેક ઉપાયો કરવા છતાં પણ તેનાં નેત્રોમાં નિદ્રા આવી નહિ. નાના પ્રકારના વિલક્ષણ વિચારો તેના હૃદયમાં આવીને મૂર્તિમંત ઊભા રહ્યા અને તે પાછો ઉઠીને બેઠો થયો. “હવે મારે પહેલું કામ કરવાનું છે, તે એ કે, વૃન્દમાલાને મળી તેની સ્વામિની મુરાદેવીની મુલાકાત થઈ શકે, એવી તજવીજ કરવી જોઈએ. એક વાર મુરાદેવીનો અને મારો મેળાપ થયો કે, હું તેની મહત્ત્વાકાંક્ષાને એકદમ વધારીને તેને મારા સ્વાધીનમાં કરી લઈશ. ચંદ્રગુપ્તની કથા અને એના પુત્રની કથા પરસ્પર ઘણી જ મળતી હોવાથી એ ચંદ્રગુપ્ત જ એનો પુત્ર છે, એવી ભાવના એના મનમાં ઉપજાવવામાં કાંઈ પણ કઠિનતા થવાની નથી. જો ચંદ્રગુપ્ત ખરેખર એનો જ પુત્ર હોય, તો તો સોના કરતાં પણ પીળું. પરંતુ કદાચિત્ ન હોય, તો પણ એ જ તારો પુત્ર છે, એમ તેના મનમાં પક્કઈથી ઠસાવીને ચંદ્રગુપ્તને રાજ્યાસને બેસાડવાના પ્રયત્નમાં એને લગાડવી. એને એકવાર એમ ભાસ્યું કે, આ દીકરો મારો છે, તો પછી બીજું શું જોઈએ? મારે બીજો કોઈ પ્રયત્ન કરવાની અગત્ય જ રહેનાર નથી. માત્ર કોઈ પણ જાતિનો અવિચાર ન થાય અને આ સર્વ કારસ્થાન તેની મૂર્ખતાથી બહાર ન પડી જાય, એ વિશે પૂરી સંભાળ રાખવી જોઈએ.

મેં પાટલિપુત્રમાં શુભ મુહૂર્તેજ પગ મૂકેલો. હોય એમ જણાય છે. કારણ કે, હજી મને આવ્યાને આઠ પ્રહર તો થયા નથી, એટલામાં તો ઇષ્ટ કાર્યની સિદ્ધિ માટેનું આવું મોટું સાધન મને પોતાની મેળે જ મળી ગયું. એ સર્વ ઠીક થયું. મુરાદેવીનો અને મારો મેળાપ થયા પછી હું તેના મનમાં નાના પ્રકારની વાર્તાઓ ભરી દઈશ અને તેનો પુત્ર જીવતો છે, એ વિશે જોઈશે એવી ખાત્રી આપીશ; પરંતુ પ્રથમ તેનો અને મારો મેળાપ કેવી રીતે થાય? મેળાપ થવાનું પહેલું સાધન તો એ જ કે, વૃન્દમાલાનો વિશ્વાસ મેળવવો જોઈએ. વૃન્દમાલા વસુભૂતિ પાસે આવે છે તો ખરી, પરંતુ તેના દેખતાં આ વાત કાઢવી, એ યોગ્ય નથી. તેને એકાંતમાં જ મળીને મુરાદેવી સમક્ષ જવાનો પ્રયત્ન કરવો જોઈએ.” એવો નિશ્ચય મનમાં જ ચાણક્યે કર્યો, થોડીક વાર તે શાંત રહ્યો – પુનઃ વિચારોના પ્રવાહથી તેનું મન ચંચળ થવા લાગ્યું. “વસુભૂતિને મારાં આ કારસ્થાનોથી જ્ઞાત કરવો કે નહિ? એ ભિક્ષુને કાંઈ પણ ન જણાવતાં વૃન્દમાલાનું ચિત્ત મારા તરફ વાળીને જ આ કાર્ય સાધવું કે કેમ? પરંતુ વસુભૂતિને જણાવ્યા વિના મારા કાર્યની સિદ્ધિ અશક્ય અને સાથે અનિષ્ટ પણ છે. વસુભૂતિને જો મારા પક્ષમાં લાવી શકાય, તો તેથી મને ભવિષ્યમાં ઘણા જ લાભની આશા છે. કારણ કે, વસુભૂતિ સારા સારા શ્રીમાનોને ત્યાં આવે જાય છે અને તેના પોતાના કહેવા પ્રમાણે કેટલાક ધનાઢ્ય ગૃહસ્થો તેના શિષ્ય પણ છે. માટે પ્રારંભથી જ જો એને આ વિચાર જણાવી દીધો હોય, તો કદાચિત એ સહાયતા કરે પણ ખરો.” એવો વિચાર તેના મનમાં આવ્યો, પણ તે વધારે વાર ટકી શક્યો નહિ. પાછી તેને એવી શંકા થવા લાગી કે, “હું આ પાટલિપુત્રમાં સર્વથા એક નવો આવેલો મનુષ્ય છું – મને આવ્યાને હજી પૂરા આઠ પ્રહર પણ થયા નથી, એટલામાં જો આવાં કારસ્થાનોની વાત વસુભૂતિ પાસે કાઢીશ, તો વિના કારણ મારા વિશે તેના મનમાં ખેાટો જ વિચાર બંધાઈ જશે. એના કરતાં કોઈ પણ રીતે વૃન્દમાલાને જ હાથમાં લઈને અંત:પુરમાં પ્રવેશ કરવાના કાર્યનો આરંભ કરવો, એ જ વધારે ઉત્તમ છે. ત્યાર પછી કદાચિત્ એમ જણાશે કે, આ વાત વસુભૂતિના કાને ગયા વિના રહેવાની નથી જ, તો પછી યુક્તિથી તેને હું જ બધી વાત કહીશ અને તેની સહાયતા પણ માગીશ.” એવો ચાણક્યનો અંતનો દૃઢ નિશ્ચય થયો. વિચારમાંને વિચારમાં ઉષઃકાળ થઈ ગયો. સમસ્ત સૃષ્ટિના અને ખાસ કરીને પાટલિપુત્ર નગરીના નિવાસિજનોએ નિદ્રાનો ગમે તેટલો ઉપભેાગ લીધો હોય, પરંતુ આપણા એ ચાણક્ય ઋષિએ નિમિષ માત્ર પણ નિદ્રાનો આસ્વાદ લીધો નહોતો. ચિન્તાતુરને નિદ્રા ક્યાંથી આવી શકે?

ઉષ:કાલ થયો. પૂર્વ દિશાના આકાશ પ્રતિ તેણે દૃષ્ટિ કરી, એટલે તે દિશા તેને અરુણ તેજથી સર્વથા આરક્ત થએલી દેખાઈ. “આ આજના દિવસનો નહિ, કિન્તુ મારા કરવા ધારેલા મહત્ કાર્યનો જ આ ઉષ:કાલ છે.” એમ તેના મનને ભાસ્યું. અને “નિદ્ર! તું આજે જેવી રીતે ન આવી તેવી જ રીતે આ ધનાનન્દનો અને તેના આઠ પુત્રોનો નાશ થાય અને મારો ચંદ્રગુપ્ત આ પાટલિપુત્રના પવિત્ર સિંહાસને વિરાજમાન થાય, ત્યાં સુધી જો હવે પછી પણ નહિ આવે, તો ચાલી શકશે. તારી અગત્ય સુખના સમયમાં છે. કાર્ય કરવા સમયે તો તારી સંગતિ ન હોય, તે જ સારું” એવી રીતે પોતાના મન સાથે જ વિચાર કરીને તે પોતાનો પ્રાતર્વિધિ કરવાને ઊઠ્યો.

એ દિવસે નિત્યના નિયમ પ્રમાણે તેણે પોતાનાં બધાં કર્મો યોગ્ય રીતે કર્યો તો ખરાં, પરંતુ એક પણ કર્મમાં તેનું ચિત્ત હતું નહિ. તેનું ચિત્ત તો વૃન્દમાલા, મુરાદેવી અને ચંદ્રગુપ્તમાં જ લાગેલું હતું. વૃન્દમાલાને પોતાના પક્ષમાં કરી લઈને રાજાના અંત:પુરમાં પ્રવેશ કેવી રીતે કરવો, અને મુરાદેવીને મળીને તેનો અને ચંદ્રગુપ્તનો માતા પુત્રનો સંબંધ છે, એ વિશે તેના મનનો નિશ્ચય કેમ કરાવવો; એ વિચારમાં જ ચાણક્ય સર્વથા લીન બની ગયો હતો એમ કરતાં કરતાં મધ્યાહ્ન પછી તેનાં સર્વ પવિત્ર કર્મોનો અંત થયો અને તે ભોજનની તૈયારી કરવા લાગ્યો. આગલા દિવસ પ્રમાણે જ વસુભૂતિએ સર્વ સામગ્રી મોકલી આપી હતી. એ દિવસે પ્રથમ દિવસ પ્રમાણે બુદ્ધભિક્ષુની સામગ્રીનો ચાણક્યે અનાદર કર્યો ન હોતો. એ સમયે સેવા માટે સાથે કોઈ શિષ્યને ન લાવવાથી તેને પશ્ચાત્તાપ થવા માંડ્યો, પરંતુ તત્કાળ “ કાંઈ શાસ્ત્ર શીખવવાનો ડોળ કરીશું, તો જોઈએ તેટલા શિષ્ય આવીને ઊભા રહેશે.” એવો વિચાર આવવાથી તે શાંત થયો. તેણે પોતાના અન્નને પરિપક્વ કરવા માટે ચુલ્લિકા પૂજન કર્યું – અર્થાત રાંધવા માટે ચૂલો સળગાવ્યો. રસોઈ તૈયાર થતાં ભોજન કરી લઈને શીઘ્ર જ તેણે વસુભૂતિના વિહારની વાટ લીધી. વસુભૂતિ પોતાનાં ધર્મ કર્મોને આટોપીને કાંઈક પત્ર લેખનમાં ગુંથાયલો હતેા. ચાણક્ય આવીને તેની પાસે બેસી રહ્યો. વસુભૂતિએ પત્ર લખી લીધું અને પોતાના એક સિદ્ધાર્થક નામના શિષ્યને બોલાવ્યો. તે આવતાં “આ પત્ર ગુપ્ત રીતે જઈને વૃન્દમાલાને આપી આવ.” એવી તેને તેણે આજ્ઞા આપી.

એ જ ક્ષણે ચાણક્યના મનમાં એક કલ્પના આવી અને તેને તત્કાળ કાર્યના રૂપમાં લાવવાનો નિશ્ચય કરીને તેણે વસુભૂતિને સંબોધીને કહ્યું કે, “ભિક્ષુવર્ય ! હું આ નગરીમાં સર્વથા એક નવીન મનનુષ્ય છું અને અદ્યાપિ મેં આ નગરની શોભા જોએલી નથી. માટે જો આપની આજ્ઞા હોય, તો હું પણ આ સિદ્ધાર્થક સાથે જાઉં. માર્ગમાં જતાં જતાં સહજમાં જ મને નગરની શોભા જોવાનો પ્રસંગ મળશે ને તેથી ઘડીભર આનંદ થશે.” વસુભૂતિએ એ વિશે જરાક વિચાર કર્યો અને ત્યાર પછી કહ્યું કે, “ભલે જા. જવામાં કાંઈ પણ હરકત જેવું નથી, પણ આને હું કોઈ ગુપ્ત કાર્ય માટે મોકલું છું માટે તું સાથે હોવાથી ……. ”

“હું સાથે હોવાથી કાર્યમાં કાંઈ પણ હરકત થતી હોય, તો જવા માટે મારો જરા પણ આગ્રહ નથી. પરંતુ આપના રહસ્યનો મારામુખે પ્રકાશ થઈ જાય, એવી શંકા તમારે કોઈ કાળે પણ કરવી નહિ. મેં આ નગરમાં પ્રવેશ કર્યો, તે જ ક્ષણથી જેણે આવી રીતે આદરથી અને પ્રેમથી મારું આતિથ્ય કર્યું છે, તેના જ કામને હું ઊધું વાળું, એ વાત ત્રણ કાળમાં થવી અશક્ય છે. મારાથી બનશે તો એમાં સ્‍હામી સહાયતા કરીને જ આપનું મારા શિરે થએલું ઋણ હું ફેડી આપીશ.”

ચાણક્યે એ વાક્યો એટલી બધી ગંભીરતાથી ઉચ્ચાર્યાં, કે તે સાંભળતાં વસુભૂતિના મનમાં લેશ માત્ર પણ સંશયની ભાવના રહી નહિ. તેણે તત્કાળ કહ્યું કે, “તેવું કાંઈ પણ નથી, સિદ્ધાર્થક! આને પણ તારી સાથે લેતો જા. માત્ર વૃન્દમાલાને પત્ર આપે, તે ગુપ્ત રીતે આપજે.” ચાણક્યને ઘણો જ સંતોષ થયો અને તે સિદ્ધાર્થક સાથે નગરમાં જવાને નીકળ્યો.

સિદ્ધાર્થક એક તરુણ કાયસ્થ હતો, તેને કોઈ કારણથી રાજદંડ થતાં તે વિમાર્ગમાં પડી ગયો હતો – વસુભૂતિએ તેને સારો ઉપદેશ આપીને પોતાનો શિષ્ય બનાવ્યો હતો. તે પણ વસુભૂતિમાં અતિશય ભક્તિભાવ રાખીને તેની એક નિષ્ઠાથી સેવા કરતો હતો. ચાણક્યે સિદ્ધાર્થકને જોતાં જ એવો નિશ્ચય કરી રાખ્યો હતો કે, “મારા ધારેલા કાર્યમાં આ મૂર્તિ મને ખરેખરજ ઉપયોગી થઈ પડશે.” એ નિશ્ચય થવાથી તેનો પ્રેમ પોતા તરફ વાળી લેવાના અને તેની સાથે મિત્રતા કરવાના હેતુથી જ ચાણક્ય તેની જોડે નગરમાં જવાને તત્પર થયો હતો.

વૃન્દમાલાને આપવા માટેનું સિદ્ધાર્થકના હાથમાં જે પત્ર હતું, તેમાં શી હકીકત હશે, તેની ચાણક્યે સહજ જ મનમાં કલ્પના કરી લીધી. કારણ કે, આગલે દિવસે વસુભૂતિ અને વૃન્દમાલાનું પરસ્પર ભાષણ થયું, તે વેળાએ ચાણક્ય પણ ત્યાં હતો જ. માર્ગમાં જતાં જતાં સિદ્ધાર્થકે ચાણક્યને ભિન્ન ભિન્ન સ્થળોનાં, મંદિરોનાં અને મહાલયોનાં નામો કહી સંભળાવ્યાં. મોટા મોટા શેઠો, ધનવાનો અને વ્યાપારી લોકોના બજારોમાંથી વિચરતાં તેમનામાં જે મુખ્ય મુખ્ય શેઠો હતા, તેમનાં નામો પણ મુખથી વર્ણવ્યાં. તે પ્રમાણે જૂદા જૂદાં બાગ બગીચા, વાડીઓ અને જોવાલાયક જગ્યાઓ જેમ જેમ આવતાં ગયાં, તેમ તેમ તે સઘળાનું સિદ્ધાર્થક થોડું ઘણું વર્ણન કરતો ગયો. અંતે તેઓ એક જલમંદિર પાસે આવી પહોંચ્યા – એના વર્ણનમાં ધનાનન્દ રાજાનું નામ આવ્યું અને રાજાનું નામ આવતાં જ સિદ્ધાર્થકે ધનાનન્દની નિન્દાને આરંભ કર્યો. તેણે કહ્યું કે, “આ ભૂમિતલમાં ધનાનન્દ જેવો અન્યાયી રાજા બીજો એક પણ હશે કે નહિ, એની શંકા છે. વળી એના જેવો કુચ્છંદી અને દુરાગ્રહી પણ બીજો કોઈ થવાનો નથી. સત્યશીલતાનું તો એને જ્ઞાન જ નથી. મારો કાંઈ પણ અપરાધ ન છતાં દુષ્ટ બુદ્ધિથી એણે મને રાજદંડ કરાવ્યો. આ પાટલિપુત્રમાં આ૫ એક પણ મનુષ્યના મુખથી એની પ્રશંસા સાંભળશો નહિ, એટલો બધો એ દુષ્ટ રાજા છે.” એવી જાતના પ્રલાપો તેના મુખમાંથી નીકળતા હતા. એ સાંભળીને પ્રથમ તો ચાણક્યને કાંઈક આશ્ચર્ય થયું; પરંતુ સિદ્ધાર્થકને રાજદંડ થએલો હોવાથી જ તે રાજાની નિન્દા કરે છે, એમ જણાતાં જ તેના આશ્ચર્યનો અસ્ત થઈ ગયો. પરંતુ તેને પૂછીને તેની હકીકત શી છે અને કારાગૃહમાં તેણે કેટલા દિવસ કાઢ્યા હતા, એ સઘળું જાણી લેવાનો ચાણક્યના મનમાં વિચાર આવ્યો, અને તે પ્રમાણે તેણે સિદ્ધાર્થકને પ્રશ્નો કરવાનો આરંભ પણ કર્યો.

સિદ્ધાર્થકે તેને પોતાનો આદિથી અંતપર્યન્તનો વૃત્તાંત કહી સંભળાવ્યો. અર્થાત્ “મારો કોઈપણ પ્રકારનો અપરાધ ન છતાં રાજાએ મને દંડ દીધો.” એમ જ તે છેવટ સુધી કહેતો રહ્યો અને ધનાનન્દને જેમ ફાવે તેમ ગાળો ભાંડતો ગયો. એટલે ચાણક્ય હસતો હસતો તેને કહેવા લાગ્યો કે, “સિદ્ધાર્થક ! રાજા માટે તારા હૃદયમાં ઘણો જ રોષ હોય, એમ દેખાય છે. મને લાગે છે કે, રાજાના નાશનો કોઈ પણ પ્રસંગ તારા હાથમાં આવે, તો તો તું જરા પણ વિચાર કર્યા વિના તેનો નાશ કરી નાખે, નહિ વારુ?

“હા-હા-એક પળનો પણ વિલંબ કર્યા વિના તેનો નાશ કરી નાખું. એવો પ્રસંગ આવે અને તેનો હું લાભ લીધા વિના જવા દઉં, એમ બને જ નહિ, ધનાનન્દ કેવો મૂર્ખ, કેવો દુષ્ટ અને કેવો અંધ છે, એની તમારા હૃદયમાં કલ્પના પણ થવી અશક્ય છે. પરંતુ અમાત્ય રાક્ષસ જ્યાં સુધી રાજયનો કાર્યભાર ચલાવે છે, ત્યાં સુધી કોઈથી રાજાનું કિંચિન્માત્ર પણ અનિષ્ટ કરી શકાય તેમ નથી. વૃન્દમાલા એક સમયે મને કહેતી હતી કે, મુરાદેવી જેવી સાધ્વી અને સદ્‌ગુણશાલિની સ્ત્રી બીજી કોઈ મળવાની નથી, પરંતુ રાજાએ તેના વિશે વ્યર્થ કુતર્ક કરીને અને બીજી રાણીઓએ મત્સરથી તેમાં બતાવેલા દોષોને સત્ય માનીને તેનો ત્યાગ કર્યો, એટલું જ નહિ પણ તેના પુત્રનો વધ કરાવ્યો ! એ દુષ્ટતા અને અંધતા નહિ તો બીજું શું ? હાલમાં રાજાના બીજા પુત્ર સુમાલ્યને યૌવરાજ્યાભિષેક કરવામાં આવ્યો છે અને એ પ્રસંગે મુરાદેવીને બંધનમુક્ત કરવામાં આવી, ત્યાં સૂધી તે પણ એક સાધારણ ચોર પ્રમાણે જ કારાગૃહમાં પૂરાયેલી હતી.” સિદ્ધાર્થકે એ વાક્યો એટલા બધા કોપથી ઉચ્ચાર્યાં કે, તેને આગળ બોલવાનું હતું પણ એ કોપના આવેશમાં તેનાથી બોલી શકાયું નહિ.

“શું, મુરાદેવી એટલી બધી ઉત્તમ સ્ત્રી છે ?” ચાણક્યે કહ્યું. “મેં જ્યારથી આ નગરીમાં પગ મૂક્યા છે, ત્યારથી જેના તેના મુખથી મુરાદેવીની પ્રશંસા જ હું સાંભળ્યા કરું છું. જો તે એવી જ પુણ્યવતી સતી સુંદરી હોય, તો ખરેખર એકવાર એ સાધ્વીનાં દર્શનનો લાભ તો લેવો જ જોઈશે.”

“પણ એમાં અશક્ય શું છે?” સિદ્ધાર્થક લાગલો જ બોલી ઊઠ્યો. “મુરાદેવી, એક મહા શિવભક્તા સ્ત્રી છે. તે પ્રત્યેક સોમવારે કૈલાસનાથના મંદિરમાં કૈલાસનાથનાં દર્શન કરવાને અને શિવનું ચરિત્ર સાંભળવાને આવે છે. તે કારાગૃહમાં હતી, ત્યારે પણ સિપાહીઓના ચોકી પહેરા સાથે તેને ત્યાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. પરમ દિવસે સોમવાર છે અને પક્ષ પ્રદોષ પણ છે, એટલે તે સૂર્યાસ્ત સમયે – પ્રદોષ કાળે અવશ્ય ત્યાં આવશે. હવે તેની સાથે પહેરેગીરો હોતા નથી. માત્ર તેના બે ચાર અનુચરો જ હોય છે, એટલે આપણે કોઈ પણ જાતની અડચણ વિના તે પરમ પુનિતા મુરાદેવીનાં દર્શનનો સુખેથી લાભ લઈ શકીશું.”

ચાણક્યે પોતાનું ડોકું ધુણાવ્યું – મુખથી એનું કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ, મૂંગે મોઢે ચાલવામાં કેટલોક વખત વીતી ગયો, એટલામાં વળી પણ સિદ્ધાર્થક તેને કહેવા લાગ્યો, “આ રાજમહાલયના આગલા ભાગમાં એક નાનકડું ઉપવન છે, તેમાં પ્રવેશ કરીને એક છાયા વૃક્ષનીચે શિલા ઉપર બેસો. હું ગુરુજીએ આપેલું પત્ર ગુપ્તરીતે વૃન્દમાલાને આપીને અથવા તો જરૂર તે તેના જ હાથમાં જાય એવી બીજી વ્યવસ્થા કરીને હમણાં જ પાછો ફરું છું.” ચાણક્ય કિંચિત સ્તબ્ધ ઊભો રહ્યો; ત્યારપછી તે કહેવા લાગ્યો, “સિદ્ધાર્થક ! શું તારા હૃદયમાં મારા માટે એવી શંકા છે કે, હું ગુહ્યને ખોલી નાંખીશ? અને એવા જ હેતુથી તો તું મને અહીં બેસવાનું નથી કહેતો ? એ પત્રમાં તારા ગુરુએ જે જે વાતો લખેલી છે, તે સઘળી હું જાણું છું. વૃન્દમાલા ગઈકાલે રાત્રે શામાટે આવી હતી અને ગુરુજીને તેણે શું કહ્યું, એ સર્વે મેં સાંભળેલું છે. માટે હવે કોઈપણ વાતને મારાથી ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરીશ નહિ. ઉલટો મને પોતાસાથે લઈ ચાલ. એટલે જો તારા માથે જ કાંઈ અડચણ આવી પડી, તો હું તારા ઉપયોગનો થઈ પડીશ. હું અહીં એકલો જ ગાંડા પેઠે બેસી રહીને શું કરવાનો હતો ?”

ચાણક્યનું એ ભાષણ સાંભળીને સિદ્ધાર્થક થોડીક વાર તો ચુપ જ થઈ ગયો. ચાણક્યને તે ના પાડી શક્યો નહિ. એવી સ્થિતિમાં તેણે ચાણક્યને એટલું જ કહ્યું કે, “જો તમે આવતા હો, તો ભલે આવો; પરંતુ અમારે જ જ્યાં ખુલ્લી રીતે પ્રવેશ થઈ નથી શકતો, ત્યાં તમારો પ્રવેશ થાય, એ અશક્ય જણાય છે. એટલું જ, તમને બેસવાનું કહ્યું, તેનું કારણ હતું, બીજું નહિ.”

“શું ! મારા જેવા એક બ્રાહ્મણનો ત્યાં પ્રવેશ નહિ થઈ શકે ? વાહ ! રાજવ્યવસ્થા તો ઘણી જ ઉત્તમ ત્યારે ! ત્યારે તો હું તારી સાથે આવવાનો જ. ભૂલથી જો કોઈ બ્રાહ્મણ આવી ચડે, તો રાજા તેને કેવો અને શો દંડ આપે છે, એ મારે જોવાનું છે. વૃન્દમાલા મને સારી રીતે ઓળખે છે. હું તારી સાથે હોઈશ, એથી તેને જરા રતિ પણ ખરાબ લાગવાનું નથી. એ માટે તો તારા પર ક્રોધ કરવાની નથી.” ચાણક્યે પોતાનાં વાક્યોમાં દૃઢ રહીને ગંભીરતાથી કહ્યું.

એ ઉત્તરથી સિદ્ધાર્થક હવે સર્વથા નિરુપાય થયો અને “જ્યારે તમારી એવી જ ઇચ્છા છે, તો ભલે ચાલો.” એમ કહીને તે આગળ ચાલવા લાગ્યો. ચાણક્ય પણ તેની સાથે જ ચાલતો હતો. એ બંને રાજમહાલયના પાછળના ભાગમાં આવેલા અંતઃપુરના દ્વાર પાસે આવી પહોંચ્યા. કોઈ પણ પુરુષને અંત:પુરમાં જવાની છૂટ હોતી નથી, એ તો ખુલ્લું જ છે; પરંતુ દ્વારપાલનાં અને અંતઃપુરમાંનાં દાસ દાસી જનોના પરિચયના મનુષ્યોને અંત:પુરના બહારના ભાગમાં આવેલા ઉપવનમાં આવવાની પરવાનગી હતી. એ ઉપવનની સીમાનું ઉલ્લંધન કરીને આગળ વધવા માટે વિશેષ આજ્ઞાની આવશ્યકતા હતી, જે વેળાએ સિદ્ધાર્થક અહીં આવ્યો, તે વેળા, વૃન્દમાલા અને તેના મેલાપની હતી, અને તેથી જ તે એ વેળાએ ત્યાં આવ્યો હતો. ચાણક્ય અને સિદ્ધાર્થક એક નિયત સ્થાને ઊભા રહ્યા, એટલામાં વૃન્દમાલા પણ ત્યાં આવી પહોંચી. સિદ્ધાર્થકે ગુરુજીએ આપેલું પત્ર તેના હાથમાં મૂક્યું. વૃન્દમાલા ચાણક્યને ઉદ્દેશીને બોલી, “ગુરુજીના ઉપદેશામૃતનું પાન કરીને તેમની સેવાના વ્રતને તમે પણ સ્વીકાર કરવાના હો, એમ લાગે છે, ઠીક થયું. મારા મનમાં તેમની સેવા માટે જેટલી ઇચ્છા થાય છે, તેટલી સેવા મારાથી કરી નથી શકાતી; એથી મને ઘણું જ માઠું લાગે છે. પરંતુ દિવસે દિવસે તેમના શિષ્યોની સંખ્યામાં વધારે થતો જોઈને મારા મનમાં અવર્ણનીય આનંદનો ભાસ થાય છે.” એમ કહીને તેણે તેમને જવાની રજા આપી અને તે બને ત્યાંથી ચાલતા થયા.

આગળની વાત હવે પછીના ભાગમાં..

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!