37. ચાણક્યનો વિચાર – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

મિત્રનો મરણસંકટમાંથી છૂટકો કરવા માટે રાક્ષસ મારી આજ્ઞાનો સ્વીકાર કરશે જ અને ચન્દ્રગુપ્તને મગધનો રાજા માનીને તેના મંત્રિ૫દને પણ વિભૂષિત કરશે.” એવી ચાણક્યને પૂરેપૂરી આશા હતી. પણ તે આશા સમૂલ નષ્ટ થઈ ગઈ, “એની સત્ય નિષ્ઠા સમક્ષ અને નન્દનિષ્ઠા સમક્ષ આપણા કપટકૌશલ્યનું જરા પણ બળ ચાલનાર નથી,” એ તેને સારી રીતે દેખાઈ આવ્યું અને તેથી હવે પછી શો ઉપાય કરવો, એ વિશેના તે મહા ગંભીર વિચારમાં પડી ગયો. “રાક્ષસને છૂટો તો ન જ મૂકવો જોઈએ. કારણ કે, જો તે છૂટો રહેશે, તો અવશ્ય કોઈ બીજા રાજ્ય સાથે મળીને ચન્દ્રગુપ્તના નાશનો ઉપાય યોજવાનો જ. નવ નન્દોનો મેં નાશ કર્યો, તેથી કાંઈ પૃથ્વી નન્દહીન થઈ નથી ગઈ. ચન્દ્રગુપ્તનું ઉચ્ચાટન કરીને જો એ પુનઃ નન્દનું અધિષ્ઠાન કરવાનો વિચાર કરશે, તો અવશ્ય એને કોઈપણ નન્દ નામધારી કુમાર અથવા તો વૃદ્ધ પુરૂષ મળી આવશે. અત્યાર સુધીના પરાજયથી ક્રોધિષ્ટ થએલો રાક્ષસ એ સર્વ ઉપાયોની યોજના કરવામાં કદાપિ પાછી પાની કરવાનો નથી જ. ત્યારે એને પાછો પોતાને સ્થાને લાવવા માટે શી યુક્તિ યોજવી? અત્યાર સુધીના બધા પ્રયત્નો તો વ્યર્થ ગયા. પર્વતેશ્વર તારી મુદ્રાવાળાં પત્રો દેખાડે છે અને હમણા સુધીનો જે બનાવ બન્યો છે, તે જોતાં આ લોકોનો સાહજિક એવો જ નિશ્ચય થઈ ગયો છે કે, નન્દના નાશનું મૂળ રાક્ષસ જ છે. પરંતુ લોકોનો એ નિશ્ચય ફેરવી નાંખવો, એ ઘણું જ સરળ કાર્ય છે.

પર્વતેશ્વરને લુચ્ચો ઠરાવીને તેણે આ બધી વ્યવસ્થા પોતાના દૂતો દ્વારા જ કરેલી હતી અને હવે પોતાના ખરા સાથી પ્રપંચીઓનાં નામો છૂપાવીને વ્યર્થ રાક્ષસ જેવા એક પાપભીરુ અને સ્વામિનિષ્ઠ મનુષ્યનું તે નામ લે છે; એમાં સત્યતાનો લેશ માત્ર પણ અંશ નથી. તપાસ કરતાં ખરા અપરાધીઓ પકડાઈ આવ્યા છે અને તેમને યથાન્યાયશિક્ષા પણ સત્વર જ કરવામાં આવશે. આવો ઉદ્દઘોષ જો સર્વ નાગરિકોને સંભળાવી દેવામાં આવશે, તો તારાપરનો સમસ્ત લોકાપવાદ ક્ષણના અર્ધ ભાગમાં દૂર થઈ જશે. પરંતુ એ બધી વ્યવસ્થા જો તું અમને અનુકૂલ થાય, તો જ કરવામાં આવે, નહિ તો અમે તારાપરનો એ લોકાપવાદને વધારવાની જ યોજના કરીશું – એવી ધમકીઓ પણ રાક્ષસને આપી પણ તે બીતો જ નથી. તે તો પોતાના હઠને પકડીને જ બેસી રહેલો છે. તેના મિત્રના વધની ૫ણ તેને ભીતિ દેખાડવામાં આવી, પણ તેનું ફળ કાંઈએ થયું નહિ. મિત્રનો વધ થયો તો ચિન્તા નહિ, પરંતુ નન્દવંશનો ઘાત કરનારા એ નીચોની સેવા તો ન જ કરવી અને ચન્દ્રગુપ્તને મગધનો રાજા ન માનવો, એવી તો તે પ્રતિજ્ઞા કરીને બેઠો છે. શાબાશ ! રાક્ષસ ! શાબાશ!! તું જો કે મહાન્ નીતિનિપુણ તો નથી જ, પરંતુ સત્યનિષ્ઠા અને સન્નિષ્ઠા એ બન્નેનો તારા હૃદયમાં પૂર્ણતાથી નિવાસ હોય, એમ જોવામાં આવે છે. તારા દેખતાં જ તારો મિત્ર મરતો હોય અને તેની સ્ત્રી સતી થતી હોય, એવી સ્થિતિ હોવા છતાં પણ તું પોતાની સ્વામિનિષ્ઠાનો ત્યાગ ન કરે અને સ્વામિદ્રોહીની સેવાનો સ્વીકાર ન કરે, એ કાંઈ જેવી તેવી દૃઢતાનું ઉદાહરણ નથી. તારા સ્થાને જો કોઈ બીજો પુરુષ હોત, તો તે ક્યારનોએ પોતાના પક્ષને ત્યાગીને સામા પક્ષમાં મળી ગયો હોત, પરંતુ તારો એ ધર્મ નથી અને તે જાણીને જ મેં તને આ ચન્દ્રગુપ્તનો સચિવ બનાવવાની ઇચ્છા કરી છે. ભાગુરાયણને તારા વિરુદ્ધ ઉઠાડવા માટે તેની મહત્ત્વાકાંક્ષા જાગૃત કરી – તું અને રાક્ષસ સમાન પદવીના હોવા છતાં રાક્ષસને નન્દ શ્રેષ્ઠ માને ને તને તેની આગળ તુચ્છ ગણે, એનું શું કારણ? એમ વારંવાર ઉશ્કેરીને અને એક સેનાપતિનું કેટલું બધું મહત્ત્વ હોય છે, એનું તેને ભાન કરાવીને ભાગુરાયણને તો ફોડ્યો – તેના મનમાં મત્સરની ઉત્પત્તિ થવાથી તે તત્કાલ ફૂટ્યો. એટલે તેના જેવા અલ્પનિશ્ચયી મનુષ્યને પ્રધાનપદ આપવાથી લાભની શી આશા રાખી શકાય? તેનું મૂલ્ય એટલું જ.

સચિવ તરીકેની સત્તા તો રાક્ષસના હાથમાં જ રહેવી જોઈએ. પરંતુ એ કાર્ય સિદ્ધ કેવી રીતે થાય? અત્યાર સુધીની બધી યુક્તિઓ તો વ્યર્થ જ નીવડી છે. રાક્ષસનો નિશ્ચય ફરી શકે, તેમ દેખાતું નથી, તેના અભિપ્રાય પ્રમાણે ચન્દ્રગુપ્ત બહુ જ નીચ કુળનો પુરુષ છે, અને, તે વળી નન્દનો ઘાત કરીને આવી રીતે સિંહાસનારૂઢ થયો, એટલે તેની સેવાને સ્વીકારી, તેને પોતાનો સ્વામી માનવાનું કાર્ય એનાથી કેમ થઈ શકે ? તેમ જ રાક્ષસને ગમે તેમ કરવા દેવાની અને તેને છૂટો છોડી દેવાની ઉદારતા આપણાથી દેખાડી શકાય તેમ નથી. કારણ કે, છૂટો છોડવાથી તે કદાપિ શાંત થઈને તો બેસવાનો નથી જ. બહુધા તે મલયકેતુને જઈ મળશે. મલયકેતુ એકલો જ મગધપર ચઢી આવે, તેટલો શક્તિમાન્ નથી, અર્થાત્ તેને બીજા કોઈ મોટા રાજાની સહાયતા અવશ્ય લેવી જ જોઈએ, તો જ કાર્ય થાય અને તેવી સહાયતા આ૫નાર રાજા આજે માત્ર એક જ છે, અને તે યવનોનો ક્ષત્રપ સલૂક્ષસ નિકત્તર જ, બીજો નહિ. સલૂક્ષસ નિકત્તર અને મલયકેતુનો મેળાપ થયો, તો તેથી કાંઈ આપણને એટલું બધું બીવાનું કારણ નથી. પણ જો રાક્ષસ જેવો મંત્રી તેમના મંડળમાં જઈ મળ્યો હોય, તો સર્વ પ્રજાજનો નહિ, તો પણ કેટલાક લોકો તેને અનુસરનારા થવાનો સંભવ ધારી શકાય ખરો. માટે એ બીનાને પણ બનતી અટકાવવી જ જોઈએ. પોતાના જ દેશમાં અને નગરમાં કોઈ પણ પ્રકારનો અંત:કલહ હોય, તો તેનો બને તેટલી ઉતાવળે નાશ થવો જ જોઈએ. ઉપરાંત જ્યાં સૂધી હું અહીં છું, ત્યાં સૂધી તો ગમે તેમ કરીને પણ વિજય મળવાનો સંભવ છે; પરંતુ મારાથી હવે અહીં કેટલાક દિવસ રહી શકાશે ? ચન્દ્રગુપ્તના રાજ્યની સારી વ્યવસ્થા રાખવા માટે રાક્ષસની ઘણી જ આવશ્યકતા છે. પણ તેને આપણા પક્ષમાં લેવા માટે હવે કોઈ પણ યુક્તિ ઉપયોગી થવાની નથી જ – હવે એ કારસ્થાનો નિષ્ફળ જ નીવડવાનાં, હવે તો હું પોતે જ તેને એકાંતમાં મળું અને બધી ખરેખરી હકીકત જણાવી દઉં, એથી જો કાંઈ વળે તો વળે એવી આશા છે.

હવે પછી બીજી યુક્તિઓ કરવામાં અને દિવસો વીતાડવામાં કાંઈ પણ સાર નથી. તેના માણસોને ફોડવાનું કામ તો ઘણું જ સહેલું હતું. કોઈ પોતાની મહત્ત્વાકાંક્ષા અને મત્સરને લીધે ફૂટ્યા, કોઈ દ્રવ્યલોભથી તો કોઈ સ્ત્રી-મોહથી ફૂટ્યા અને કેટલાક પોતાના ભોળાપણાથી ફસાયા. સારાંશ કે, બીજી સર્વ યુક્તિઓ કરીને તે તે પદવીના અને સ્વભાવના મનુષ્યોના માનસિક વ્યંગોનો શોધ કરીને તેમના પર યોગ્ય અૌષધિપ્રયોગ કર્યો અને કાર્ય સાધી લીધું. પરંતુ રાક્ષસ તેવા કોઈપણ પ્રકારના માનસિક વ્યંગથી રહિત છે. રાક્ષસના મનુષ્યોને ફોડવાનું કામ જુદું હતું અને વ્યર્થ આત્મવિશ્વાસમાં સર્વથા નિમગ્ન થએલા અંધ રાક્ષસને ફસાવવાનું કામ જુદા પ્રકારનું છે. મારા અંધત્વથી હું ફસાયો અને તેથી જ આ હાહાકાર તથા આવી વિલક્ષણ રાજ્યક્રાંતિ થવાનો સમય આવ્યો, એવા વિચારવાળા અને જાગૃત થઈ આંખો ફાડી ફાડીને જોનારા રાક્ષસને દાવમાં લાવવો, એ કાંઈ જેવું તેવું કાર્ય નથી. સામ, દામ, દંડ અને ભેદ! એમાંથી દામ, દંડ અને ભેદ એ ત્રણ પ્રકારના પ્રયોગો એનાપર કરવાથી નિરાશા જ મળવાની છે – કદાચિત સામ પ્રયોગથી જ એ વશ થાય તો થાય, એ સામનો પ્રયોગ મારા પોતા વિના બીજા કોઈથી પણ કરી શકાય તેમ નથી. એ કાર્ય માટે મારે જ અગ્રણી થવું જોઈએ. તેની સત્ય નીતિ સમક્ષ આપણી વક્રનીતિ સર્વથા નિરુપયોગી છે, અને તેની સરળતા સમક્ષ મારી કુટિલતા સર્વથા નિર્બળ જ છે. કુટિલતા નિર્બળ શા માટે ? કારણ કે, જ્યાં કૌટિલ્યનો ઉપયોગ થતો હોય ત્યાં કૌટિલ્યનો અને જયાં સરળતાનો પ્રયોગ થવો જોઈએ ત્યાં સરળતાનો જ પ્રયોગ કરવો, એ વધારે ઉચિત છે. અર્થાત્ સાધ્ય કાર્યમાં દૃષ્ટિ રાખીને પછી જ જે કરવાનું હોય તે કરવું, સાધનમાં વધારે ધ્યાન રાખવાની કશી આવશ્યકતા નથી. કારણ કે, આજે એક સાધન છે, તો કાલે બીજું થવાનું અને પરમ દિવસે ત્રીજું, જે વેળાએ જે સાધન યોગ્ય લાગે, તે વેળાએ તેની યોજના કરીને પોતાનો હેતુ સાધી લેવા રાક્ષસને મારે મળવું અને તેને બધો સરળતાનો જ ભાવ દેખાડવો.

તેના મનમાં નન્દવંશ માટેનું જે અભિમાન છે, તેને વિશેષ જાગૃત કરીને તેના જ યોગે કાર્ય સાધી લેવું. મગધદેશપર બીજા રાજાઓ સંકટ લાવવાના છે અને વેળાસર જો તેનું નિવારણ કરવામાં નહિ આવે, તો મગધદેશ રસાતળમાં પહોંચી જશે, યવનો એને પાદાક્રાન્ત કરી નાંખશે. એવાં એવાં ભાષણો કરીને તેના મનમાંની સ્વદેશભક્તિને ઉદ્દીપ્ત કરીને અવશ્ય હું મારું કાર્ય સાધીશ, નહિ તો પ્રાણ ત્યાગીશ. ચાણક્ય જે પ્રતિજ્ઞા કરે, તેને સિદ્ધ કરી બતાવ્યા વિના તે કદાપિ જંપીને બેસનાર નથી જ. ચાણક્યની દૃષ્ટિ સાધ્યમાં છે, સાધનમાં નથી, રાક્ષસ પાસેથી ભિક્ષા માગવાની, અને તેની આગળ પલ્લવ પાથરવાની વેળા આવશે, તો પણ કાંઈ ચિન્તા જેવું નથી. આપણે તો આપણા કાર્યની સિદ્ધિમાં જ દૃષ્ટિ રાખવાની છે. ચંન્દ્રગુપ્તને જો સારી વ્યવસ્થાથી મગધદેશના સિંહાસન પર બેસાડવો હોય, તો રાક્ષસની સહાયતા અને અનુકૂલતાની ઘણી જ આવશ્યકતા છે. એકવાર એ અનુકૂલ થયો – જો એણે પ્રધાન પદવીનો સ્વીકાર કર્યો, તો પછી કાર્ય સિદ્ધિમાં કાંઈ પણ પ્રત્યવાય રહેશે નહિ. એકવાર એ હા પાડશે, તો પછી કોઈ કાળે પણ ના પાડવાનો નથી…….”

ચાણક્યના મનના વિચારો આટલી દૂરની સીમા સુધી પહોંચી ગયા, એટલામાં પાછો એક નવો વિચાર તેના મનમાં આવ્યો. એ વિચાર આવતાં જ પ્રથમ તેની મુખમુદ્રામાં કાંઇક સંતોષનો ભાવ દૃષ્ટિગોચર થવા લાગ્યો. એ વિચાર ઘણો જ સારો છે, એમ તેને ભાસવા લાગ્યું. તે વિચાર આ પ્રમાણે હતો;–“હું રાક્ષસ સાથે ભાષણ કરું, તેના કરતાં ચન્દ્રગુપ્ત જ તેને વિનતિ કરે તે વધારે સારું. પણ તેણે વિનતિ કરવી કેવી રીતે? મારે અને ચન્દ્રગુપ્તે પરસ્પર લડાઈ કરવી અને તે લડાઈપણ સારી રીતે કરવી. એ બનાવટી નાટકી લડાઇની વાત જરૂર રાક્ષસને કાને તો જવાની જ. એમ થયું, એટલે ચન્દ્રગુપ્ત મારા પ્રતિ તિરસ્કાર બતાવીને રાક્ષસને પોતાના પક્ષમાં આવવાનું આમંત્રણ કરે. “નન્દોને મારવાની કલ્પના મારી કે ભાગુરાયણની નથી; કિન્તુ ચાણક્યની છે, અને તે ચાણક્યે અંતપર્યન્ત અમને જણાવી ન હતી. આ બધો ભયંકર પ્રસંગ થયો ત્યાં સૂધી તે નન્દને માત્ર પ્રતિબંધમાં રાખવાની જ બધાની ધારણા હતી; પણ છેક છેલ્લી ઘડીએ બધો ગોટાળો કરી અમને કાંઈ પણ ન જણાવતાં દુષ્ટ ચાણક્યે આ બધો રાજઘાત કરાવ્યો. માટે અમને એ માટે દોષ ન આપતાં બનેલી વાતોને વિસરી જશે, એવી આશા છે, એવું જો ચન્દ્રગુપ્ત ભાષણ કરે, તો રાક્ષસ ફસાશે કે? કદાચિત ફસાય, પણ ખરો. પણ જો ન ફસાય, તો કામ માર્યુ જાય.

“જો તને હવે આટલો બધો પશ્ચાત્તાપ થતો હોય, અને રાજઘાતનો વિચાર તારા મનમાં હતો જ નહિ, એ તારાં વચનો જો સત્ય હોય, તો હવે પણ આ રાજ્યલોભને – રાજાનો ઘાત થવાથી ખાલી પડેલા સિંહાસનના લોભને તું છોડી શકે તેમ છે. અમે ગમે તે નન્દને અહીં લઈ આવીશું – તપશ્ચર્યા માટે વનમાં પધારેલા સર્વાર્થસિદ્ધિ નામક નન્દ રાજાને વનમાંથી પાછા લાવીને સિંહાસને બેસાડી નન્દવંશનો વિસ્તાર પાછો વધારીશું.’ એવું જો રાક્ષસ ઉત્તર આપશે તો ? પછી એનું ચન્દ્રગુપ્ત ખંડન કેવી રીતે કરી શકશે વારુ? એ યુક્તિ પણ નિરર્થક છે. કોઈ પણ કૌટિલ્યના પ્રભાવે રાક્ષસ હવે જાળમાં સપડાવાનો નથી. અત્યંત સ્વામિનિષ્ઠ અને અપૂર્વ સ્વદેશાભિમાન એ જ તેના અંગમાંના વ્યંગો છે; માટે એ બે વ્યંગોનો લાભ લઇને જે કાંઈ પણ કરવાનું હોય, તે આપણે કરવું જોઇએ. તે કેવી રીતે કરવું? હવે ખોટાં પત્રો કે ખોટા સમાચારો મોકલવાની યુક્તિ તો નિષ્ફળ જ થવાની. હવે તો કોઈ નવીન યુક્તિ જ શોધવી જોઇએ.” એમ ધારીને ચાણક્ય વિચારમાં નિમગ્ન થઈને શાંત થઈ બેસી રહ્યો.

પરંતુ એવી રીતે વિચારમાંને વિચારમાં વધારે વાર બેસી રહેવાની ચાણક્યને આવશ્યકતા રહી નહિ. જેના વિશે થશે કે નહિ થાય, એવી તેના મનમાં શંકા હતી, તે કાર્ય પોતાની મેળે જ થઈ ગયું. પર્વતેશ્વરને પકડીને કારાગૃહમાં નાંખવાના સમાચાર તેના પુત્ર મલયકેતુને મળતાં જ તે અત્યંત કોપાયમાન થઈ ગયો અને તેણે એકાએક મગધદેશ પર ચઢાઈ કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ આમ એકલે હાથે જ ચઢાઈ કરવાથી યુદ્ધમાં જય મળશે કે નહિ, એ વિશેની તત્કાળ તેના મનમાં શંકા થવા લાગી. એટલે બીજા કોઈની સહાયતા લઈને મગધપર ચઢાઈ કરીને વેર વાળવાનો તેને વિચાર થયો. આપણે પ્રથમથી જ જાણી ચૂક્યા છીએ કે, પર્વતેશ્વર ગ્રીક યવનોનો એક માંડલિક રાજા હતો, એટલે એ વેળાએ પોતાના સામ્રાજ્યાધિપતિની સહાયતા માગવામાં મલયકેતુને કશોય પ્રત્યવાય હતો નહિ. એ સારી રીતે જાણતો હોવાથી મલયકેતુએ અલક્ષ્યેંદ્ર (એલેક્ઝાંડર) બાદશાહના પ્રતિનિધિ સલૂક્ષસ નિકત્તરના નામે એક પત્ર પાઠવ્યું અને તે પત્રમાં નન્દના ઘાતનો અને તે ઘાતના સમયે પોતાના પિતા પર્વતેશ્વરને કપટથી પકડીને કેદ કરવા વિશેનો સઘળો વૃત્તાંત તેણે લખી જણાવ્યો. અંતે એ પત્રમાં તેણે એવી માગણી કરી હતી કે, “આવા પ્રસંગે આપે પોતાના સૈન્ય સહિત પધારીને અમને સહાયતા આપવી જોઈએ. એટલે અમે એ વિશ્વાસઘાતકો પાસેથી વૈરને સારો બદલો લઈ શકીએ.” ઇત્યાદિ.

સલૂક્ષસ નિકત્તરને આવા પ્રસંગો જેટલા બને તેટલા લાભકારક જ હતા. પોતાના યાવની રાજ્યનો વિસ્તાર જેટલો વધારી શકાય તેટલો વધારવો, એ તો તેની મુખ્ય ઇચ્છા હતી. પરંતુ મગધદેશમાં જ્યાં સુધી રાક્ષસ જાગૃત છે, ત્યાં સૂધી ત્યાં પ્રવેશ થવો અશક્ય છે, એમ ધારીને જ તે સ્વસ્થ થઈ બેસી રહ્યો હતો. નહિ તો ક્યારનું એ તેણે માથું ઉંચક્યું હોત.

જેવી રીતે અલક્ષ્યેંદ્રની એવી મહત્ત્વાકાંક્ષા હતી કે, દૃષ્ટિથી દેખાય છે, તેટલું સર્વ જગત પોતાના તાબામાં આવવું જ જોઇએ, તેવી રીતે સલૂક્ષસ નિકત્તરની એવી મહત્વાકાંક્ષા હતી કે, “મારે આર્યાવર્તનાં અને ગંગા નદીની પેલી બાજુના મગધ આદિ દેશોનાં રાજ્યો જિતીને ગ્રીક યવનોની સત્તાનો સર્વત્ર પ્રસાર કરવો અને સર્વ આર્ય જનોને મારા સામંત બનાવવા.” એલેક્‌ઝાંડરે જે જે દેશોને નમાવ્યા હતા, તે તે દેશોમાં એણે પણ પોતાનો પ્રભાવ બતાવવાનો પ્રયત્ન કરીને તેમાં સારી સિદ્ધિ મેળવી હતી. માત્ર નન્દના રાજ્ય પર હલ્લો કરતાં જ તે અચકાતો હતો. એ રાજ્ય પર આક્રમણ કરવાનો પણ એલેક્‌ઝાંડરે પ્રયત્ન કરી જોયો હતો, પરંતુ અનેક કારણોથી તેમાં તેને યશ મળી શક્યું નહોતું, એ બાબતમાં સલૂક્ષસ નિકત્તરને એલેક્‌ઝાંડરથી પણ આગળ વધવાનો વિચાર હતો. મગધના રાજ્યને ઊંધું વાળીને પાટલિપુત્રને પોતાની ગ્રીક-યવનોની-રાજધાની બનાવવાનો તેનો વિચાર હતો. એ પોતાની મહત્ત્વાકાંક્ષાને તૃપ્ત કરી લેવા માટેનો આ સંધિ ઘણો જ સારો છે. પર્વશ્વરને કેદ કરવાથી મલયકેતુ ઘણો જ ઉશ્કેરાઈ ગયો છે અને તેથી તે પોતાના સમગ્ર સૈન્ય સહિત આપણને સહાયતા આપવાને તૈયાર છે; માટે આપણું ગ્રીક, ગાંધાર, કાંબોજ અને પંજાબ ઈત્યાદિ દેશોમાંના સૈન્યો અને હાથીએાને એકત્ર કરીને અવશ્ય આપણે મગધદશપતિને પરાજય કરી શકીશું, એવો તેના મનમાં ભાસ થયો અને એવા વિશ્વાસથી તે કમર કસીને લડવાને તૈયાર પણ થઈ ગયો.

પ્રથમ તો મલયકેતુ અને સલૂક્ષસે એકાંતમાં બેસીને યુદ્ધવિશે કેટલાક વિચારો કર્યા. તેમાં પ્રથમ વિચાર એવો નીકળ્યો કે, “આપણે એકદમ યુદ્ધને આરંભ કરવો, કે એકવાર ચન્દ્રગુપ્તને પત્ર લખીને પર્વતેશ્વરને મિત્રતાથી છોડી દેવાની માગણી કરવી? અને જો તે માગણીનો અસ્વીકાર કરતા હો, તો અમે તમારું રાજ્ય નષ્ટ કરવા માટે આવી પહોંચીએ છીએ, એમ જણાવું?” સલૂક્ષસ નિકત્તરનો એવો વિચાર હતો કે, “આપણે એકદમ જઈને હલ્લો કરવો, એટલે હાલના ધામધૂમના અને લોકોમાં અસંતોષ ફેલાયલો છે, તેના પ્રસંગે વિજય મળવાનો ઘણો જ સંભવ છે.” મલયકેતુની એવી ધારણા હતી કે, “આપણે એકાએક આક્રમણ કરીશું. તે કદાચિત્ કોપીને તેઓ એકદમ પર્વતેશ્વર – મારા પિતાના પ્રાણને કાંઈ પણ જોખમ પહોંચાડશે. એ હાનિ ન થાય અને પિતા ક્ષેમ કુશળતાથી પાછા આવે, એટલે પછી ધારીશું ત્યારે આપણે હલ્લો કરી શકીશું.”

નિકત્તરે કહ્યું, “મલયકેતુ! તમે કહો છો, તે જો કે ખરું છે, પરંતુ હમણાંનો પ્રસંગ એવો છે કે, તેને વ્યર્થ જવા દેવો જોઇએ નહિ. આપણે જો પત્ર ઇત્યાદિ મોકલીશું, તો એક રીતે તેમને જાગૃત કરવા જેવું જ થશે અને તેઓ બરાબર તૈયારી કરીને આપણી સાથે લડવાને રણભૂમિમાં આવશે.”

“આપની ધારણા પણ ખરી છે.” મલયકેતુએ ઉત્તર આપ્યું. “પરંતુ આપણે એકદમ હલ્લો કરીશું, તો મારા પ્રિયપિતાનો કદાચિત તેએા ઘાત કરી નાંખશે ! એટલે પછી આપના અને મારા શ્રમનું સાર્થક્ય શું? સામ ઉપચારથી જો તેઓ મારા તાતને આપણી પાસે મોકલી આપે, તો પાછળથી વિશ્વાસઘાત કરીને મગધદેશપર ચઢાઈ કરવામાં આપણને શી અડચણ પડવાની છે? પોતાનું કાર્ય સાધવા માટે ગમે તે યુક્તિઓ કરવી, એવો નીતિશાસ્ત્રને સિદ્ધાન્ત જ છે.”

એ પ્રમાણે નિકત્તર અને મલયકેતુનો પરસ્પર સંવાદ થયો અને અંતે એવો નિશ્ચય કરવામાં આવ્યો કે, “મલયકેતુએ પોતા તરફથી એક પ્રતિનિધિને મગધરાજ પાસે મોકલવો. તેણે ત્યાં પર્વતેશ્વરને છોડી દેવાની માગણી કરવી, અને માગણીનો જો અસ્વીકાર કરવામાં આવે, તો પછી મગધદેશ પર ચઢાઈ કરવી.” એવો ઠરાવ કરી કેટલાક યવન વીરોને સાથે આપી મલયકેતુએ શાકલાયન નામના એક બ્રાહ્મણને મગધેશ્વરની સભામાં મોકલ્યો. જતી વેળાએ “મગધરાજની સભામાં દૂતનું કાર્ય કરવા ઉપરાંત ત્યાંના લોકોના મનની કેવી સ્થિતિ છે અને આપણને અનુકૂલ થાય, એવાં માણસો ત્યાં કોણ કોણ છે, એનું પણ ધ્યાન રાખવું.” એવો ઉપદેશ પણ શાકલાયનને આપવામાં આવ્યો હતો.

શાકલાયન, સાગલપુરમાંથી નીકળ્યો, તે ક્યાંય વાજબી કરતાં વધારે વખત ન વીતાડતાં શીધ્રતાથી પુષ્પપુરીનાં દ્વારપાસે આવી પહોંચ્યો, પરંતુ શીધ્રતાથી તે નગરમાં પ્રવેશ કરી શક્યો નહિ, કારણ કે, “કોઈ પણ નવીન મનુષ્ય પુષ્પપુરીમાં આવે અથવા તો પુષ્પપુરીમાંથી જાય, તો તેને અટકાવવો – અને તેના ગમન કે આગમનના કારણના સમાચાર ચન્દ્રગુપ્ત મહારાજ પર્યન્ત પહોંચાડવા, ત્યાર પછી અંદર આવવાની કે બહાર જવાની પરવાનગી મળે, ત્યારે જ તેને જવા કે આવવા દેવો.” એવી કઠિન રાજાજ્ઞા હતી. શાકલાયનને તો મગધરાજને પોતાને જ મળવાનું હતું, એટલે પોતાનું શું કામ છે અને પોતે ક્યાંથી આવ્યો છે, તે સાફ સાફ કહી દેવામાં તેને કશો પણ વાંધો હતો નહિ. તેણે સર્વ યથાસ્થિત કહી સંભળાવ્યું – એટલે એ સમાચાર ચન્દ્રગુપ્તને પહોંચાડવામાં આવ્યા અને તત્કાળ તેને નગરમાં આવવાની આજ્ઞા મળી.

શાકલાયને અંદર જઇને પોતાના દૂત તરીકેના કર્તવ્યને કેવી રીતે પાર પાડ્યું અને તેને લીધે બીજા શા શા બનાવો બન્યા, એ સઘળું હવે પછીના પ્રકરણમાં વાંચવામાં આવશે.

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!