સંપૂર્ણ ચાણક્ય નીતિ

[૧] જે સ્થાને તવંગર લોકો, વેદોના પાઠ કરનાર પંડિત, દયાળુ રાજા ન હોય અને બીમાર પડીએ ત્યારે દવા ન મળતી હોય તેવા સ્થાને રહેવું બેકાર છે.

[૨] મિત્રતા એવા સ્થાનના લોકો સાથે કરવી જોઈએ જ્યાં ભય, શરમ, ચતુરતા અને ત્યાગ જેવા ગુણો હોય, નહીતર એ દેશ અથવા એવા લોકો પાસે રહેવું ઉચિત નથી.

[૩] જ્ઞાન જો હલકી કોટિના પ્રાણીથી પણ મળતું હોય તો તેને ગ્રહણ કરવામાં સંકોચ રાખવો જોઈએ નહિ.

[૪] જો કોઈ દુષ્ટ વંશમાં બુદ્ધિશાળી કન્યા હોય તો તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. ગુણ જ સૌથી મોટી વિશેષતા છે.

[૫] ગાંડા, બુદ્ધિહીન માણસથી હંમેશા દૂર રહો, આવા લોકો પશુ સમાન હોય છે. ખરાબ સંગતથી દૂર રહો અને અજ્ઞાનીને પોતાની પાસે ન આવવા દો.

[૬] પોતાના હૃદયની ગુપ્ત વાતો કદાપી બીજાને ન કહો. પોતાની ગુપ્ત વાતો બીજાને કહેનાર લોકો હંમેશા દગો પામે છે.

[૭] જે જગ્યાએ ઝઘડો થતો હોય તે સ્થળે કદાપી ઉભા ન રહેવું. ઘણીવાર આવા ઝઘડા – લડાઈમાં નિર્દોષ લોકો માર્યા જાય છે.

[૮] જો ભયંકર દુષ્કાળ પડે તો આવા પ્રસંગે કોઈ બદમાશ – ગુંડાની મિત્રતા કરવાથી લાભ થાય છે. કારણ કે બદમાશ – ગુંડો પોતાની શક્તિના બળે ગમે ત્યાંથી ભોજન મેળવી લે છે અને પોતાના મિત્રોને પણ ખવડાવે છે.

[૯] દરેક માનવીએ વાસ્તવિકતાનો સહારો લેવો જ જોઈએ. કલ્પના કરી માઠા પરિણામો વિશે વિચારી પોતાનું લોહી બાળવું જોઈએ નહીં.

[૧૦] કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા તેનાથી ગભરાવવું જોઈએ નહિ, તેમજ તેને અધવચ્ચે છોડી પણ દેવું જોઈએ નહી.

[૧૧] કામ માનવીની સૌથી મોટી પૂજાનું બીજું નામ છે. જે માનવીઓ ખરા મનથી પોતાનું કામ કરે છે, તેઓ અવશ્ય સફળ થાય છે અને સદા સુખી રહે છે.

[૧૨] જો ધનનો નાશ થઇ જાય, મનની શાંતિ હણાઈ જાય, સ્ત્રી ચરિત્રહીન હોવાની શંકા હૃદયમાં આગ લગાવતી હોય…….આ બધી વાતો બુદ્ધિમાન પુરુષો બીજાને નથી કહેતા. જે માનવી આવું કરવાની ભૂલ કરે છે, લોકો તેની હાંસી ઉડાવે છે.

[૧૩] ધર્મમાં લેવડ – દેવડ અને વ્યાપારમાં હિસાબ – કિતાબ, વિદ્યા અને સાહિત્યમાં સંગ્રહ અને ખાવા – પીવાના વ્યવહારમાં જે માનવી સંકોચ નથી રાખતો તે સદા સુખી રહે છે.

[૧૪] સંતોષ અને ધીરજથી જે સુખ પ્રાપ્ત થઇ શકે છે તે બીજી કોઈ વસ્તુથી પ્રાપ્ત થતું નથી. સંતોષ અને ધીરજ શાંતિનું મૂળ છે.

[૧૫] પત્ની જેવી પણ હોય, ધન જેટલું પણ હોય, ભોજન જેવું પણ હોય. આ બધું જો સમયે મળી જાય તો સૌથી ઉત્તમ છે. આ બધું પ્રાપ્ત કર્યા બાદ માનવીએ એ ન ભૂલવું જોઈએ કે તેનું એક બીજું પણ કર્તવ્ય છે અને તે છે વિદ્યા પ્રપ્ત કરવાનું.

[૧૬ ] પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી નાખવો જોઈએ. જેના તરફથી પોતાના જીવને ખતરો હોય તેવાને કદાપી માફ કરવો જોઈએ નહિ, તેને નસ્ટ કરવામાં જ લાભ સમાયેલો છે.

[૧૭] અતિ ભલા બનીને જીવન પસાર કરી નથી શકાતું. ભલા અને સીધાસાદા માનવીને દરેક દબાવે છે. તેની ઈમાનદારી અને ભલમનસાઈને લોકો ગાંડપણ સમજે છે. એટલા માટે એટલા ભલા અને સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂંટીને ખાઈ જાય.

[૧૮] હંસ કેવળ ત્યાં જ રહે છે જ્યાં તેમને પાણી મળે છે. સરોવર સુકાઈ જતા તેઓ પોતાનું સ્થાન બદલી લે છે. પરંતુ મનુષ્યે આવું સ્વાર્થી ન બનવું જોઈએ. તેણે વારંવાર પોતાનું સ્થાન ન બદલવું જોઈએ.

[૧૯] આંખો માનવી માટે સૌથી કિંમતી અંગ છે. એની અંદર મગજનો નિવાસ હોય છે. એટલે એની વિશેષતા નકારી શકાય નહી.

[૨૦] પોતાના હાથો વડે કરેલું કામ સૌથી શ્રેષ્ઠ હોય છે. માનવીએ પોતાનું દરેક કામ પોતાના હાથે જ કરવું જોઈએ.

[૨૧] ભલા અને વિદ્વાન લોકો સાથે સંબંધ રાખો. જરૂર પડ્યે સ્ત્રીને દગો આપનાર અંતમાં કસ્ટ પામે છે.

[૨૨] અંધાધુંધ ખર્ચ કરનાર એટલે કે પોતાની આવક કરતા વધારે ખર્ચ કરનાર અને બીજા સાથે વગર કારણે કજીયો કરનાર લોકો ક્યારેય સુખી નથી થતા.

[૨૩] જેવી રીતે ધરતીને ખોદવાથી પાણી નીકળે છે. તેવી રીતે જ ગુરુની સેવા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ગુરુની સેવા કર્યા વિના માનવી કદાપી સારી શિક્ષા પ્રાપ્ત નથી કરી શકતો.

[૨૪] હંમેશા બીજાનું ભલું કરો. સ્વાર્થથી દૂર રહો. બીજાનું ભલું કરનારનું ખુદ ભગવાન ભલું કરે છે. આવા લોકોના સુખદુ:ખમાં ભગવાન હંમેશા સાથે જ રહે છે.

[૨૫] જીવન અને મૃત્યુનું ચક્ર તો હંમેશાથી ચાલતું રહ્યું છે. આત્મા અમર છે, એ કેવળ પોતાનું શરીર બદલે છે.

[૨૬] આત્મા સાથે પરમાત્મા છે. મનુષ્ય પોતાના દરેક શરીરની સાથે પોતાના જન્મોના કર્મોનું ફળ પામે છે.

[૨૭] જેવો ડર તમારી પાસે આવે કે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો.

[૨૮] મનુષ્યો કર્મોથી મહાન બને છે, જન્મથી નહિ.

[૨૯] મુર્ખ વ્યક્તિ માટે પુસ્તકો એટલાજ ઉપયોગી છે જેટલો એક અરીસો કોઈ અંધ વ્યક્તિને.

[૩૦] સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ.

[૩૧] વ્યક્તિએ અતિ પ્રમાણિક ના બનવું જોઈએ, સીધા વ્રુક્ષો જ પહેલા કપાય છે. અતિ પ્રમાણિક વ્યક્તિ જ પહેલા પહેલા ફસાય છે.

[૩૨] દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી, આ એક કડવી વાસ્તવિકતા છે.

[૩૩] મોટામાં મોટો ગુરુ મંત્ર છે : કોઈ સાથે તમારું રહસ્ય ન વહેચો. એ તમારો વિનાશ નોતરી શકે છે.

[૩૪] તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા પોતાની જાતને ત્રણ પ્રશ્નો પૂછો :
“હું આ શા માટે કરવા જઈ રહ્યો છું?
આનું પરિણામ શું આવશે?
શું હું સફળ થઇ શકીશ?
જયારે તમે આ પ્રશ્નોનો ઊંડાણ પૂર્વક વિચાર કરો અને તેના સંતોષકારક ઉતર મેળવી શકો
પછીજ એ કાર્યની શરૂઆત કરો.

[૩૫] એક સ્ત્રીનું યૌવન અને તેનું સ્વરૂપ એ આ જગતની મોટામાં મોટી તાકાત છે.

[૩૬] ફૂલોની સુગંધ ફક્ત પવનની દિશામાં જ ફેલાય છે, પણ એક સારા માણસની સારપ બધી દિશામાં ફેલાય છે.

[૩૭] તમે કોઈ કાર્યની શરૂઆત કરો, તે પછી નિષ્ફળતાનો વિચાર કરીને ડર્યા ના કરો અને તે કાર્યને અધૂરું ન મુકો. જે લોકો ખંતથી અને નિષ્ઠાથી કાર્ય કરે છે તે જ સુખી હોય છે.

[૩૮] ભગવાન મૂર્તિઓમાં નથી. તમારી લાગણીઓ ઈશ્વરનું જ સ્વરૂપ છે. આત્મા મંદિર સમાન છે.

[૩૯] તમારાથી ઉપર કે નીચેના પરિસ્થિતિવાળા સાથે મિત્રતા કરશો નહિ. આવી મિત્રતા ક્યારેય સુખી કરતી નથી.

[૪૦] પહેલા પાંચ વર્ષ તમારા બાળકને ખુબ પ્રેમ આપો, પછીના પાંચ વર્ષ તેમને વઢો એટલે કે તેમની સાથે થોડી સખ્તાઈથી વર્તો, તેઓ સોળ વર્ષના થાય તે પછી તેમના મિત્ર બની જાવ. તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે.

[૪૧] શિક્ષણ એ સાચો મિત્ર છે. એક શિક્ષિત વ્યક્તિ બધેથી માં મેળવે છે. શિક્ષણનો સુંદરતા અને યૌવન બંને પર વિજય થાય છે.

[૪૨] બુરા માનવીની મિત્રતા અથવા તેનો સંગ કરવા કરતા સાપનો સંગ સારો. સાપ ત્યારે જ કરડશે જયારે તમે એની ઉપર ક્યારેક પગ મુકશો, (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) પરંતુ મૂર્ખ અને બુરો માનવી તો ગમે ત્યારે તમને દગો દઈ શકે છે, એનો ભરોશો રખાય જ નહિ.

[૪૩] સારા વિદ્વાન માણસો ગમે તેવા કપરા સમયે પોતાના માલિકનો સાથ નથી છોડતા બલકે આવા સંજોગોમાં તેઓ પોતાના માલિક કે રાજાને સારી સલાહ આપી સાચો માર્ગ દેખાડે છે.

[૪૪] ખુશામતખોર લોકોની સલાહ લેવા કરતા દુશ્મનની સલાહ લેવી સારી.

[૪૫] સમુદ્રની તુલનામાં ધીરગંભીર વિદ્વાન માનવી જ શ્રેષ્ઠ છે. સમુદ્ર તોફાન આવતા પોતાનું સંતુલન, ધીરજ ખોઈ બેસે છે પરંતુ વિદ્વાન અને બુદ્ધિશાળી માનવી મોટામાં મોટા સંકટ સમયે પણ પોતાની ધીરજ નથી ગુમાવતો. કપરા સમયે તે પોતાની મર્યાદા ભંગ થવા દેતો નથી.

[૪૬] મુર્ખ માનવી પશુ સમાન હોય છે. એને સારા – નરસાની જાણ નથી હોતી. બુદ્ધિશાળી માણસો તેમની ગણના પશુઓમાં કરે છે.

[૪૭] આ સંસારમાં ઈશ્વરે દરેક વસ્તુની સીમા બાંધી રાખી છે. સુખ હોય કે દુ:ખ, ખુશી હોય કે ગમ, જીવન હોય કે મૃત્યુ, દિવસ હોય કે રાત્રી જે કંઇ પણ બધું એક હદ સુધી જ હોય છે. હદની અંદર દરેક વસ્તુ સારી કે ખરાબ લાગે છે.

[૪૮] દરેક માનવીએ પોતાની સીમાની અંદર જ રહીને કાર્ય કરવું જોઈએ. અતિશયતા માનવની દુશ્મન છે.

[૪૯] ગુણવાન, જ્ઞાની, વિદ્વાન પુત્ર જો માત્ર એક જ હોય તો પણ આખા કુળનું નામ ઉજાળે છે. એના કારણે જ લોકો તે કુળને સારું કહેવા લાગે છે.

[૫૦] એ બુદ્ધિહીન, ચરિત્રહીન, અને બગડી ગયેલો પુત્ર આખા વંશને કલંકિત કરી તેને નામોશીની, શરમની રાખમાં ફેરવી નાખે છે.

[૫૧] એક વિદ્વાન, જ્ઞાની જયારે માત્ર એક જ ભૂલ કરી બેસે તો એ જીવનભરનો આદર ખોઈ બેસે છે.

Chanakya Niti

[૫૨] માનવ તરીકે જન્મ પામી જો કોઈ માનવી ધર્મ, કર્મ, કામ અને મોક્ષમાથી કોઈ એકને પણ પામવાનો પ્રયત્ન નથી કરતો તેનો માનવ જન્મ વ્યર્થ છે.

[૫૩] જે દેશમાં અજ્ઞાની ( મૂર્ખ ) માનવીને આદર આપવામાં નથી આવતો, તેમને મહત્વ આપવામાં નથી આવતું ત્યાં અન્ન કદી ખૂટતું નથી. એ સુરક્ષિત રહે છે.

[૫૪] જે ઘરમાં પતિ – પત્ની વચ્ચે ઝઘડો ન થતો હોય ત્યાં લક્ષ્મી આપોઆપ પધારે છે. તેમને લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે કશું કરવાની જરૂર પડતી નથી.

[૫૫] કોઈપણ દેશને મહાન બનવું હોય તો ત્યાં બુદ્ધિમાનો, જ્ઞાનીઓને પુરેપૂરો સન્માન, આદર આપી મુર્ખોને રાજ્યના કારભારથી દૂર રાખવા જોઈએ તેમજ અન્ન અને ધનના ભંડારો ભરેલા રાખવા જોઈએ.

[૫૬] વિદ્યા તો કામધેનું ગાય સમાન છે. વિદ્યા માનવીને બધા સુખ આપે છે જે એને ખરા મનથી પોતાની બુદ્ધિમાં ગ્રહણ કરી લે છે.

[૫૭] વિદ્યા એક ગુપ્ત ધન છે જેને કોઈ જોઈ શકતું નથી, કોઈ ચોર તેને ચોરી શકતું નથી, કોઈ તેને લુંટી શકતું નથી. તે બધી રીતે સુરક્ષિત રહે છે. એ કદાપી ખોવાતું નથી.

[૫૮] વિદ્વાનો અને જ્ઞાનીઓની સંગત ભગવાનના ધ્યાન, દર્શન માટે પુરતી છે. પ્રયાસ કરવો એ શ્રદ્ધા છે. જો માનવીના હૃદયમાં શ્રદ્ધા છે તો કોઈ કામ અશકય નથી.

[૫૯] જેનું સ્વાસ્થ્ય સારું છે, જેને કોઈ રોગ નથી તેણે મુત્યુ આવે તે સમય સુધી મોક્ષ પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરવા જ જોઈએ. માનવી માટે એ જરૂરી છે કે તે દાન – પુણ્ય, લોક કલ્યાણ તથા દીન – દુ:ખીની મદદ કરે.

[૬૦] ખરાબ કર્મોથી બચનાર માનવી ઉપર ઈશ્વર પ્રસન્ન રહે છે. સારા કર્મો જ સૌથી મોટો માનવધર્મ છે, આ જ જ્ઞાન કલ્યાણ માર્ગ છે.

[૬૧] આ શરીર અમર નથી તેને એક દિવસે નાશ થવાનું જ છે તો પછી આવા શરીરથી શુભ કર્યો કેમ ન કરવા ?

[૬૨] દરેક માતા – પિતા માટે એ જરૂરી છે કે તેઓ અજ્ઞાની અને મુર્ખ સંતાનના દીર્ઘાયુની કામના ન કરે, દુવા ન માંગે, કારણ કે આવા સંતાનના મૃત્યુનું દુ:ખ તો થોડા સમય માટે રહેશે. પરંતુ જો તે લાંબા સમય સુધી જીવશે તો એનું દુ:ખ લાંબા સમય સુધી રહેશે.

[૬૩] જ્ઞાની પુત્ર માતા – પિતાનું નામ ઉજાળે છે. જયારે અજ્ઞાની અને મૂર્ખ તેમજ બુદ્ધિહીન સંતાન વંશના માથે કલંક સમાન હોય છે.

[૬૪] કોઈ નીચ માનવીને ત્યાં નોકરી, વાસી અને બગડેલું ભોજન, પુત્રી, સ્ત્રી, મુર્ખ સંતાન, વિધવા પુત્રી આ બધા માનવીના શરીરને વગર અગ્નિએ અંદરને અંદર બળતા રહે છે.

[૬૫] જેવી રીતે દૂધ ન આપનાર ગાયથી કોઈ લાભ નથી મળતો તેવી રીતે એવા પુત્ર થી પણ કોઈ લાભ નથી જે માતા-પિતાની સેવા ન કરતો હોય.

[૬૬] જેવી રીતે લોકો વાંઝણી ગાયને ઘરમાં રાખવાનું પસંદ નથી કરતા, એવી રીતે જ ચરિત્ર હીન અને નાકમાં સંતાનને પણ ઘરમાં રાખવું જોઈએ નહિ.

[૬૭] જો તમે કોઈપણ વસ્તુની સાધના તથા તપ કરવા ઈચ્છતા હો તો આ કાર્ય તમારે એકાંતમાં જ કરવું પડે. એકાંતમાં જ મન શાંત અને સ્થિર રહે છે. આત્મ અને પરમાત્મા નો મેળાપ માત્ર એકાંત માં જ થાય છે.

[૬૮] સન્માનિત વ્યક્તિને પોતાનું અપમાન મૃત્યુ કરતા વધારે વસમું લાગે છે.

[૬૯] નિર્ધન માનવીઓ પોતાની ગરીબાઈથી એટલા દુ:ખી થઇ જાય છે કે તેમને કશું સારું નથી લાગતું. ગરીબ તથા દુ:ખી માનવીને જોઈ તેના નીકટના મિત્રો, સગા પણ તેનાથી નજર બચાવી એટલા માટે સરકી જાય છે કે કદાચ એ કોઈ મદદ ના માંગે.

[૭૦] જે જ્ઞાની લોકો શાસ્ત્રોનું નિરંતર અધ્યયન નથી કરતા તેઓ નામના તો પંડિત જરૂર બની જાય છે પરંતુ જયારે પંડિતોની સભામાં જઈ જ્ઞાનની વાતો કરે છે, તો લોકો તેમની હાંસી ઉડાવે છે.

[૭૧] નિર્ધન તથા ગરીબ માનવી માટે દરેક પ્રકારની સભાઓ નકામી છે. તે કોઈ સારી સભા, સમાજમાં જતો રહે તો ત્યાં તેનું અપમાનજ થાય છે. તેથી તેઓએ આવી સભાઓમાં ન જવું જોઈએ કે જ્યાં તેનું અપમાન થતું હોય.

[૭૨] નિર્ધનતા, ગરીબાઈથી સંઘર્ષ કરવા માટે બુદ્ધિની જરૂર પડે છે. બુદ્ધિની શક્તિથી જ તમે ગરીબીના શ્રાપમાંથી મુક્તિ પામી શકો છો.

[૭૩] ધર્મ માત્ર દયાનું જ નામ છે. એ ધર્મ ને કદી ધર્મ માની શકતો નથી જેમાં દયા ના હોય.

[૭૪] જે ગુરુ પાસે જ્ઞાન ન હોય, તેના શિષ્ય થવાથી શો લાભ? જે સ્ત્રી પોતાના પતિ સાથે દરરોજ ઝઘડા કરતી હોય એને પણ ઘરમાં રાખવાથી શો લાભ? જે લોકો સંકટની ઘડીએ તમારો સાથ ના આપતા હોય તેવા લોકોની સાથે સંબંધ રાખવાથી શો લાભ? સારા અને જ્ઞાની લોકો હમેશા આવી વસ્તુઓથી દુર રહે છે.

[૭૫] જે લોકો હમેશા પગપાળા યાત્રા કરે છે તેમને ખાવા પીવાની કોઈ ચિંતા નથી રહેતી. કારણકે તેઓ જાણે છે કે એમના માટે એનો કોઈ નિયમ કે નિર્ધારિત સમય નથી હોતો. જે મળશે, જેવું મળશે તે ખાઈ લઈશું. આ વાતો થી તેમના શરીર સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. અને તે સમય પહેલા જ ઘરડા થઇ જાય છે. આથી મુસાફરી કરનાર પુરુષ, અમૈથુન સ્ત્રીઓ માટે, અને કરડા તડકામાં કાપડ માટે હમેશા નુકશાન જ છે.

[૭૬] બુદ્ધિમાન મનુષ્ય એ છે કે જે હર ઘડીએ એવું વિચારતો રહે કે મારો સાચો મિત્ર કોણ છે ? મારો સમય સારો છે કે ખરાબ ? સારા મિત્રો કેવી રીતે બને ? સારો સમય ક્યારે આવશે ? જો તમે જીવનનું સાચું સુખ પામવા માંગતા હોવ તો આ બધી વાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો પડશે કે મારા માટે સારું શું છે અને ખરાબ શું છે ?

[૭૭] સુખ દુઃખના વચ્ચે રહેલા અંતરને ઓળખો. સુખ પ્રાપ્ત કરવા માટે દુઃખથી મુક્તિ પામવું જરૂરી છે.

[૭૮] બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય આ બધાના ગુરુ ઇષ્ટદેવ અગ્નિ છે. બ્રાહ્મણ બધી જ જાતિઓનો ગુરુ છે. નારીનો ગુરુ એનો પતિ છે.

[૭૯] સોનાને જયારે આગમાં તપાવીને ઓગાળવામાં આવે છે ત્યારે જ જાણ થાય છે કે તે અસલી સોનું છે કે નકલી. તેવી જ રીતે કોઈ માનવીને જાણવા માટે તેની ચારે પ્રકારે કસોટી કરવામાં આવે છે. (1) ત્યાગ (2) વર્તન (3) ગુણ (4) તેણે જેટલા કર્યો કર્યા હોય તેની સમીક્ષા.

[૮૦] સારા લોકોની ઓળખાણ આવી રીતે થાય છે. તેના ગુણ કેવા છે ? તે કેટલો જ્ઞાની છે ? બુદ્ધિ કેવી છે ? સમાજમાં તેનું ચારિત્ર્ય કેવું છે ? શ્રેષ્ઠ માનવીઓ પોતાના ગુણોના આધારે જ ઓળખાણ પામે છે.

[૮૧] જેવી રીતે એક જ વૃક્ષ ઉપર ઉગનાર બોર અને કાંટા એક સ્વભાવના નથી હોતા તેવી રીતે જ એક માતાના ગર્ભમાંથી જન્મ લેનાર બાળકો પણ એક સ્વભાવના નથી હોતા. આજ પ્રભુની વિચિત્ર લીલા છે. એની ઉપર માનવીનો કોઈ અધિકાર નથી.

[૮૨] જે લોકો મૂર્ખ હોય છે તેઓ ક્યારેય મૃદુભાષી નથી હોત।. જે લોકો ચોખ્ખી વાત મોંફાટ કહી દે છે તેઓ ક્યારેય દગાબાજ, જુઠા નથી હોતા. આવા માણસો જ સુખ પ્રાપ્ત કરે છે કારણ કે તેઓ કોઈનું બુરું નથી કરતા.

[૮૩] મૂર્ખ ( અજ્ઞાની ) લોકો જ્ઞાનીઓની નફરત કરે છે. જે લોકો ગરીબ છે તેઓ ધનવાનને જોઇને બળે છે. વેશ્યાઓ પતિવ્રતા ધર્મ પાળનાર સ્ત્રીઓને જોઇને અને વિધવાઓ સૌભાગ્યવતી સ્ત્રીઓને જોઈ ઈર્ષાથી સળગવા લાગે છે. હું એમ કહું છું કે જ્ઞાની લોકો અજ્ઞાનીઓની, ધનવાન લોકો નિર્ધનની, પતિવ્રતા સ્ત્રીઓ વેશ્યાઓની અને સૌભાગ્યવતી સ્ત્રીઓ વિધવાઓની ઉપેક્ષા કરે.

[૮૪] જો તમે જ્ઞાનની શક્તિ ધરાવો છો તો ભય તમારી પાસે આવશે જ નહિ, જ્ઞાનથી મોટી શક્તિ બીજી કોઈ નથી. તમારું ધન ચોરાઈ શકે છે પરંતુ જ્ઞાનને કોણ ચોરી શકવાનું હતું ? કોઈ નહિ.

[૮૫] સંસારમાં સૌથી મોટો રોગ કોઈ હોય તો એ છે કામવાસના. આ રોગ એવો છે જે માનવ શરીરને અંદરોઅંદર ઉધઈની જેમ ખાઈ જાય છે. માનવીના બીજા શત્રુનું નામ છે મોહ. ક્રોધથી ભયંકર બીજી કોઈ આગ નથી, જે માનવ શરીરને અંદરોઅંદર બાળતી રહે છે. અને માનવીને તેની જાણ પણ થતી નથી. જ્ઞાન જ માત્ર એવી શક્તિ છે, જેના વડે આ બધા શત્રુઓથી મુક્તિ પામી શકાય છે.

[૮૬] જે માનવી પાસે જ્ઞાનની શક્તિ છે. તેના માટે સ્વર્ગની કોઈ વિશેષતા નથી કારણ કે તેને સ્વર્ગના સુખ દુ:ખ શુ હોય છે તે વિશે જાણ હોય છે. બહાદુર અને વીર માનવો માટે મોહ નામની કોઈ વસ્તુ નથી હોતી. કારણ કે જો વીર માનવ જીવનથી મોહ કરવા લાગી જશે તો યુદ્ધ કોણ કરશે ?

[૮૭] જે લોકોએ પોતાની ઇન્દ્રિઓને પોતાના વશમાં કરી લીધી હોય તેમના માટે જીવનથી મોહની વિશેષતા નથી રહેતી. જે લોકો જ્ઞાની છે, બુદ્ધિમાન છે. તેમના માટે સંસારના તમામ ખજાના વ્યર્થ છે. ધન અને જ્ઞાનની તુલનામાં તેઓ જ્ઞાનને વધુ મહત્વ આપે છે.

[૮૮] સમુદ્ર ઉપર વર્ષા થશે તો તેનાથી શો ફાયદો થવાનો ? જેનું પેટ પહેલાથી ભરેલું હોય તેને ભોજન કરાવવું વ્યર્થ છે. જેની પાસે પહેલાથી જ ધનના ઢગલા હોય તેને દાન આપવાથી કોઈ લાભ નથી.

[૮૯] વર્ષાની ખરી જરૂર તો એ સુકા ખેતરોને છે. ભોજનનો આનંદ તો કોઈ ભૂખ્યા માનવી જ લઇ શકે છે. અને દાનનું પુણ્ય પણ એ જ સમયે મળશે જયારે તમે કોઈ નિર્ધનને મદદ કરશો.

[૯૦] સૌથી પવિત્ર પાણી એ જ હોય છે, જે વાદળોમાંથી વરસે છે. સૌથી મોટું બળ આત્મબળ છે. અન્નથી વધીને બીજો કોઈ ખાદ્ય પદાર્થ નથી. જ્ઞાની લોકો હંમેશા આ શિક્ષાને યાદ રાખે છે.

[૯૧] જે લોકો ગરીબ છે તેઓ હંમેશા ધનની આશા કરતા હોય છે, અને પશુઓ ઈચ્છે છે કે તેઓ પણ બોલીને વાતો કરે. દરેક માનવી સ્વર્ગલોકની આશાએ જીવતા હોય છે. આ દુનિયાનો નિયમ છે કે જે કંઈ તેમની પાસે નથી હોતું તેની આશા લગાવીને બેસી જાય છે. આ જીવન પણ એક આશા જ છે. દરેક માનવી પોતાનામાં કોઈને કોઈ ઉણપ મહેસુસ કરે છે. જે કાંઈ તેની પાસે છે તેને તેઓ ભૂલી જાય છે. અને જે નથી તેની આશામાં ગાંડા બની ફરે છે, ધીરજ તો કોઈની પાસે નથી.

[૯૨] સત્યની શક્તિ મહાન છે. આ સત્યની સૌથી મોટી સાબિતી આ પૃથ્વી છે. તમે જ કલ્પના કરો કે આ મહાન પૃથ્વી કઈ શક્તિના આધારે ટકેલ છે. હજારો લાખો કોસો દૂરથી આવનાર સૂર્યના પ્રકાશને જોઇ તમને સત્યની શક્તિ વિશે માન નહિ થાય ? આ બધું એ મહા શક્તિની ભેટ છે જેને આપણે પ્રભુ કહીએ છીએ અને તેજ સત્ય છે.

[૯૩] આ જગતમાં લક્ષ્મી સ્થિર છે પરંતુ જીવન સ્થિર નથી. આ ઘર, સગા – સંબંધીઓ બધા જ એક દિવસે નાશ પામવાના છે. આ દુનિયા આખી નાશવંત છે. આ સંસારના સર્જનહાર એકમાત્ર ભગવાન છે. અવિનાશી ભગવાન સંસારનો સ્વયં નાશ કરે છે. અને સ્વયં એની રચના પણ કરે છે. તે જ એક ધર્મ છે. તે જ ઈશ્વર છે. આપણા બધાનું એ કર્તવ્ય છે કે એ પ્રભુને સદા યાદ રાખીએ.

[૯૪] માનવીઓમાં હજામને, પક્ષીઓમાં કાગડાને, પશુઓમાં ઝરખને અને સ્ત્રીઓમાં માલણને મલીન માનવામાં આવે છે. આ ચારે જણા કારણ વગર કામ બગાડવા હંમેશા તત્પર રહે છે. કામ બગાડવામાં તેમને વાર નથી લાગતી.

[૯૫] માનવીને જન્મ આપનારા, યજ્ઞોપવિત સંસ્કાર કરાવનાર, પુરોહિત, શિક્ષા આપનાર, આચાર્ય, ભયથી મુક્તિ અપાવનાર અથવા રક્ષા કરનાર, આ પંચે જણા પિતા સમાન હોય છે. માણસની એ ફરજ છે કે તે આ લોકોની આજ્ઞા પિતાનો સંદેશ સમજી માને.

[૯૬] રાજાની પત્ની, ગુરુની પત્ની, મિત્રની પત્ની, પત્નીની માં, આ બધાને પોતાની માતા સમજી તેમની પૂજા કરવી. તેમન વિશે ક્યારેય ખરાબ વિચારો પોતાના મનમાં લાવવા નહિ. બુદ્ધિમાન લોકોની આ ફરજ છે.

[૯૭] માનવીએ આ સંસારમાં રહીને કાંઈ ને કાંઈ તો કરતા રહેવું જ જોઈએ. આ દુનિયા માયાજાળરૂપી છે એટલે પોતાની જાતને પાપોથી બચાવવા માટે ભગવાનની પૂજા કરવી જોઈએ.

[૯૮] જીવનની આ લાંબી મુસાફરીમાં એવું વિચારીને જ આગળ વધવું જોઇએ કે ગમે ત્યારે તમારો ખરાબ સમય આવશે. એટલે આવા સમય માટે થોડુંઘણું ધન અવશ્ય બચાવીને રાખવું . જયારે માનવીનો ખરાબ સમય આવે છે ત્યારે તેના પોતાના પણ પારકા થઇ જાય છે. જો આવા સમયે ધન પાસે હોય તો એ કપરા સમયનો મુકાબલો થઇ શકે.

[૯૯] કન્યા ભલે સુંદર ન હોય પરંતુ સારા કૂળની ગુણવાન હોય તો લગ્ન કરી લેવા જોઈએ. લગ્ન ત્યાં જ કરવા જે લોકો તમારા બરાબરીયા હોય.

[૧૦૦] આ સંસારમાં બંધનો તો ઘણા બધા છે પરંતુ પ્રેમના બંધન કરતા બીજું કોઈ બંધન મોટું નથી. લાકડીમાં કાણું પાડનાર હથિયાર કમળના ફૂલમાં કાણું નથી પાડી શકતું.

[૧૦૧] જે સ્ત્રી બીજાને પ્રેમ કરે છે, બીજાને જુએ છે, તે સ્ત્રીનો પ્રેમ ગમે ત્યારે દગો આપી શકે છે. આવી સ્ત્રીથી હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે તે કોઈ એકની બનીને નથી રહી શકતી.

[૧૦૨] એ સ્ત્રી સર્વોત્તમ માનવામાં આવે છે જે પવિત્ર હોય, ચાલાક હોય, પતિવ્રતા હોય, અને જે પોતાના પતિને પ્રેમ કરતી હોય, સત્ય બોલાતી હોય. આવા ગુણોવાળી સ્ત્રી જે ઘરમાં હશે તે ઘરમાં હંમેશા સુખ રહેશે, એ ઘરમાં હંમેશા ખુશીઓ રહેશે. એ ઘરને ભાગ્યશાળી ઘર કહી શકાય.

[૧૦૩] માનવી માટે એ જરૂરી છે કે તે જ્ઞાની વાતો સાંભળે અથવા ધર્મગ્રંથોનું અધ્યયન કરે, પરંતુ એ વાતનું ધ્યાન રાખે કે જે જ્ઞાન કોઈ મહાત્મા, વિદ્વાન, કે મુનિના મુખે સાંભળવાથી મળે છે અથવા જ્ઞાનને વિસ્તારપૂર્વક સમજી શકાય છે. તે સ્વયં વાંચીને પ્રાપ્ત નથી થતું .

[૧૦૪] પક્ષીઓમાં સૌથી નીચ અને ખરાબ વિચારવાળો પક્ષી કાગડો છે અને પશુઓમાં આ સ્થાન કુતરાને આપવામાં આવેલું છે. આવી જ રીતે આવું સ્થાન એ સાધુઓને આપવામાં આવેલું છે જે સાધુનો સ્વાંગ સજી પાપ કરે છે.

[૧૦૫] સૌથી મોટો પાપી અને ચંચળ એ હોય છે જે બીજાની નિંદા કરે છે. જેની નિંદા આપ કરી રહ્યા છો તે એ સમયે તો ત્યાં હાજર નથી હોતો પરંતુ એ પાપને પ્રભુ તો જોઈ રહ્યા હોય છે. તેનાથી સંતાઈને તમે ક્યાંયે નથી જઈ શકતા, માટે નિંદાના પાપથી બચો તેમાં જ તમારી ભલાઈ છે.

[૧૦૬] રજાનો એ ધર્મ છે કે તે પોતાના રાજ્યમાં વેશપલટો કરી પોતાની પ્રજા વચ્ચે જઈ તેમના સુખ – દુ:ખ જાણે. જો એ મહેલમાં જ બેસી રહેશે તો તેને પોતાની પ્રજાની સ્થિતિનું જ્ઞાન કેવી રીતે થશે ?

[૧૦૭] જે લોકો પાસે ધન હોય છે તેના મિત્રોની સંખ્યા પણ આપોઆપ જ વધી જાય છે. ધન આવતા જે સગાસંબંધીઓ તેનાથી દૂર રહેતા હતા, તે પણ પોતાનો પ્રેમ દર્શાવવા દોડતા આવે છે.

[૧૦૮] જેની પાસે ધન હોય છે લોકો તેને જ મોટો માનવી માનવા લાગે છે. જ્ઞાની, બુદ્ધિમાન વ્યક્તિને ધનવાનની પાછળ ફેંકી દેવામાં આવે છે.

[૧૦૯] આ દુનિયામાં સૌથી મોટું બળવાન, શક્તિશાળી કોઈ હોય તો એ છે કાળ(મૃત્યુ). તેને પોતાના વશમાં કરવું અત્યંત કપરું અને અસંભવ છે. કાળની સામે કોણ ટકી શકે છે? કાળને છોડીને માનવી બધી વસ્તુઓને પોતાના વશમાં કરી લેવાની શક્તિઓ ધરાવે છે.

[૧૧૦] મૃત્યુ અટલ છે જે મનુષ્યના જન્મની સાથે જ લખી દેવામાં આવે છે. તેને ટાળી શકાતું નથી.

[૧૧૧] સારા અને ખરાબ કાર્યો માનવી જ કરે છે, એટલા માટે તેને સારા નરસા ફળ પણ મળે છે. તે જેવા કાર્યો કરે છે તેવા જ તેને ફળ મળે છે.

[૧૧૨] આ સંસાર તો માયાજાળ છે, એમાં જો કોઈ એકવાર ફસાઈ ગયો તે કદી બહાર નીકળી શકતો નથી. એ ન ભૂલવું જોઈએ કે માનવ માત્ર કર્મો કરવા માટે સ્વતંત્ર છે પરંતુ ફળ ભોગવવામાં તે સ્વતંત્ર નથી.

[૧૧૩] રાજ્યમાં પાપ થતું હોય તો સૌથી મોટો દોષી ત્યાંનો રાજા છે. જેણે આ પાપો થતાં રોક્યા નહીં.

[૧૧૪] રાજાની જેમ રાજ પુરોહિત પણ રાજ્યમાં થતા પાપનો દોષી છે. કારણ રાજાને પાપ અને પુણ્ય વિષે જાણ કરવાનું કામ તો રાજ પુરોહિતનું છે.

[૧૧૫] એવી જ રીતે એક પતિનું પણ કર્તવ્ય છે કે પોતાની પત્નીને પાપના રસ્તે ન જવા દે. તેને ખોટા કર્મોની શિક્ષા આપી સમજાવે કે બુરા કર્મોનું ફળ બુરું જ હોય છે.

[૧૧૬] જો કોઈ શિષ્ય પાપી બને તો ગુરુને પણ તે દોષનો ભાગીદાર માનવામાં આવે છે.

[૧૧૭] પાપીને પાપ બતાવવાથી પાપ રોકાય છે. આ કાર્ય માટે રાજા, ગુર, અને પતિ જ સૌથી વધુ ઉપયોગી સિદ્ધ થઇ શકે છે.

[૧૧૮] જે પિતા પોતાના સંતાનો ઉપર દેવાનો ભાર છોડી જાય છે તે પોતાના જ સંતાનનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે.

[૧૧૯] જે માતા પોતાના સંતાનોને ખરાબ કામો કરતા નથી રોકતી તેને પણ પોતાના સંતાનોની સૌથી મોટી શત્રુ માનવામાં આવે છે.

[૧૨૦] અત્યંત સ્વરૂપવાન સ્ત્રી પણ પતિની શત્રુ હોય છે. કારણ કે તેને પોતાના સૌંદર્યનું અભિમાન થઇ જાય છે.

[૧૨૧] મુર્ખ પુત્ર પણ કુળનું કલંક માનવામાં આવે છે.

[૧૨૨] એટલા માટે જ પોતાના પરિશ્રમથી કુટુંબનું પોષણ કરનાર પિતા, પતિવ્રતા સ્ત્રી, પોતાની સુંદરતા ઉપર ગર્વ ન કરનારી સ્ત્રી, અને જ્ઞાની પુત્ર આ બધા પરિવારના સુખના સાધન માનવામાં આવે છે.

[૧૨૩] કોઈ પાપી રાજાના દેશમાં રહેવા કરતા કોઈ અન્ય દેશમાં જઈને રહેવું સારું છે. પાપી, સ્વાર્થી, દગાબાજ, મિત્રો કરતા બહેતર એ જ છે કે મિત્રો જ ન હોય.

[૧૨૪] ચરિત્રહીન, કુલટા પત્ની કરતા કુંવારા રહેવું ઉત્તમ છે. ચરિત્રહીન પત્ની ઘરમાં હોય તો એ ઘરમાં કદાપી સુખશાંતિ નથી હોતા.

[૧૨૫] જ્યાં નો રાજા પાપી હોય ત્યાની પ્રજાને કદી સુખ નથી મળતું.

[૧૨૬] જો કોઈ દુષ્ટ વ્યક્તિને ગુરુ પોતાનો શિષ્ય બનાવી લેશે તો ગુરુને શાંતિ નહિ મળે, અને તેને બદનામી થશે.

[૧૨૭] દરેક બુદ્ધિમાન વ્યક્તિએ મરઘાથી ચાર ગુણો શીખવા જોઈએ. જેમકે, સવારે વહેલા ઊઠી જવું, યુદ્ધ માટે કાયરતા ન દાખવવી, કોઈ પણ ખવાની વસ્તુ લાવે તો પરિવાર સાથે વહેંચીને ખાવી અને પોતાની પત્નીને વફાદાર રહેવું. આ ચાર ગુણો અપનાવી જીવનારો માનવી ક્યારેય અસફળ નથી બનતો.

[૧૨૮] સારી રીતે લાભદાયક વાત જ્યાંથી પણ મળે, માણસે શીખી લેવી જોઈએ.

[૧૨૯] માણસે કાગડામાંથી ચાર ગુણો શીખવા જોઈએ. કાગડો હંમેશા એકાંતમાં મૈથુન કરે છે, લુચ્ચાઈમાં તે મોખરે છે, ક્યારેક આવનાર ખરાબ સમય માટે તે પોતાની પાસે ભોજનનો સંગ્રહ રાખે છે, તે કદી પણ આળસુ નથી બનતો અને કદી કોઈની ઉપર વિશ્વાસ નથી કરતો.

[૧૩૦] માનવીએ કુતરાથી પાંચ ગુણો શીખવા જોઈએ. વધારે ભૂખ હોવા છતાં જેટલું મળે તેટલું ખાઈને સંતોષ માનવો, હંમેશા ગાઢ નિંદ્રા માણવી, ગાઢ નિંદ્રામાં હોવા છતાં હંમેશા સજાગ રહેવું, વફાદારી નિભાવવી, શત્રુ અને મિત્રની ઓળખાણ રાખવી. અને શત્રુ પર આક્રમણ કરવું.

[૧૩૧] જો માનવી સારા ગુણો સમજી અને અપનાવી લે તો એ માનવીને જીવનભર નિષ્ફળતા નહી મળે. આવા લોકો હંમેશા ઉન્નતિ કરતા રહેશે. ધન, લાભ, યશ, કીર્તિ, બધા એ માનવીને મળે છે.

[૧૩૨] બુદ્ધિમાન એવા માનવીને માનવામાં આવે છે જે ધીરજવાન હોય, સહનશીલ હોય, જે દુ:ખ આવવાથી રડે નહિ અને સુખ મળવાથી એકદમ ફુલાઈ જાય નહિ.

[૧૩૩] ધનનો નાશ થવાથી દરેક માનવીને પીડા થાય છે. કોઈ દુષ્ટના અપમાન કરવાથી માનસિક કષ્ટ થાય છે. પરંતુ બુદ્ધિમાન માનવી એ જ છે જે દુ:ખને, કષ્ટને, હૃદય પર ભારરૂપ બનવા નથી દેતો.

[૧૩૪] જે લોકો ધનની લેવડ – દેવડમાં, વિદ્યા અથવા કોઈપણ પ્રકારનું જ્ઞાન શીખવામાં, ખાવા-પીવામાં અને હિસાબ-કિતાબમાં સંકોચ નથી રાખતા તેઓ સુખી થાય છે.

[૧૩૫] માનવી માટે એ જરૂરી છે કે લેવડ-દેવડમાં પોતાનો હિસાબ-કિતાબ (કાગળ ઉપર) ચોખ્ખો રાખે. એના વગર કોઈની સાથે લેવડ-દેવડ ન કરવી. એના લીધે જ સંબંધો પણ બગડતા નથી. કારણ કે પછી માનવી નહિ કાગળ બોલે છે.

[૧૩૬] જે લોકો સંતોષ અને ધીરજથી કામ કરે છે તેઓનું મન શાંત રહે છે. જેઓ ધનના લોભમાં આંધળાભીંત બની આમતેમ ભટકતા ફરે છે તેઓ પોતાના મનની શાંતિ ખોઈ બેસે છે. એવા લોકો પોતાની જાતે માનસિક રોગ લગાવી બેસે છે. જે એમના માટે ઘાતક સિદ્ધ થાય છે.

[૧૩૭] એવા લોકો ભાગ્યશાળી હોય છે જેઓ જે મળે છે તેમાં ખુશ રહે છે. તેમને ધનના અભાવનું કોઈ દુ:ખ નથી. હંમેશા ખુશ રહેવું તેમની આદત બની જાય છે.

[૧૩૮] દરેક પુરુષ માટે એ જરૂરી છે કે પોતાની પત્નીથી ખુશ રહે, ભલે પછી તે સ્વરૂપવાન ન હોય પરંતુ તેના હૃદયમાં પતિ માટે પ્રેમ હોય.

[૧૩૯] એવી રીતે ઘરમાં જેવું ભોજન હોય તેને ખાઈને ખુશ રહેવાની આદત રાખવી જોઈએ. ઘરનું ભોજન ગમે તેવું હોય, અમૃતથી ઓછું નથી હોતું. તેનાથી જ સુખ-શાંતિ મળે છે.

[૧૪૦] સંતોષથી વધીને માનવી માટે શાંતિનો બીજો કોઈ માર્ગ નથી. કારણ કે દરેક માનવીને કુદરતે તેના ભાગ્ય અનુસાર આપ્યું છે.

[૧૪૧] બે બ્રાહ્મણો, અગ્નિ, પતિ-પત્ની, સ્વામી અને સેવક, હળ અને બળદ આ બધાની વચમાંથી ક્યારેય પસાર થવું નહિ. કારણ કે બે બ્રાહ્મણો ગંભીર વિષય કે ધર્મ શાસ્ત્ર ઉપર ચર્ચા કરી રહ્યા હોય, આવા સમયે તેમની વચ્ચેથી કોઈ પસાર થાય તો તેમની ચર્ચામાં વિક્ષેપ પડશે અને ક્રોધે ભરાઈ કદાચ બ્રાહ્મણ તમને શાપ પણ આપી દે. પતિ-પત્ની વચ્ચેથી પણ પસાર થવું નહિ, તેમના રંગમાં ભંગ પડશે. અગ્નિ વચ્ચેથી પસાર થશો તો તે તમને બાળી નાખશે.

[૧૪૨] આગ, વૃદ્ધ, ગુરુ, બ્રાહ્મણ, ગાય, કુંવારી કન્યા, અને બાળકો આ બધાને ક્યારેય પગ લગાવવો જોઈએ નહિ. આવું કરવાથી પાપ લાગે છે. આ બધાનું સન્માન કરવું દરેક માનવીનો ધર્મ છે.

[૧૪૩] બળદગાડીથી પાંચ હાથ, ઘોડાથી દશ હાથ, અને હાથીથી સો હાથ દુર રહેવું જોઈએ. અને જો કોઈ પાપી, સ્વાર્થી અને દગાબાજ માનવી મળે તો તેનાથી દુર રહેવાની કોઈ સીમા નથી. એના માટે તો દેશ છોડીને નાસી જાઓ તો પણ સારું ગણાશે.

[૧૪૪] હાથીને કાબુમાં રાખી ચલાવવા માટે અંકુશ, ઘોડાને કાબુમાં રાખી ચલાવવા માટે ચાબુક અને શીંગડાવાળા પ્રાણીઓને કાબુમાં રાખવા માટે લાકડીની જરૂર પડે છે. પરંતુ પાપી, દુષ્ટ લોકો ક્યારેય સહેલાઈથી કાબુમાં નથી આવતા. સાધારણ ઠપકાનો તેમની ઉપર કોઈ પ્રભાવ નથી પડતો. એમને વશ કરવા માટે તો તલવાર ઉઠાવવી પડે છે. આવા દુષ્ટ લોકો આવા ભયથી પણ સીધા માર્ગે ન ચાલતા હોય તો તેમની હત્યા કરી દેવામાં કોઈ બુરાઈ નથી. બુરાઈને જડથી કાપી નાખવી મોટો ધર્મ છે.

[૧૪૫] બ્રાહ્મણને પ્રસન્ન કરવા માટે તેને ભોજન કરાવવું જોઈએ. કાળા ઘનઘોર વાદળો છવાયેલા જોઈ મોર ખુશ થાય છે. જ્ઞાની પુરુષને બીજાને સુખી જોઈ ખુશી થાય છે.

[૧૪૬] બ્રાહ્મણો હંમેશા પોતાના યજમાનોને ધનવાન અને ખાતા-પીતા જોવા માંગે છે. તેમની ઈચ્છા એવી જ હોય છે કે તેમના યજમાનના ધનના ભંડાર ભરેલા રહે અને તે એમના જેવાઓને ભોજન કરાવતા રહે.

[૧૪૭] જો શત્રુ તમારા કરતા વધુ શક્તિશાળી હોય તો તેની સાથે પ્રેમથી વ્યવહાર કરીને તેને પોતાના વશમાં કરી લો. મીઠી મીઠી વાતો કરી તેને કાબુમાં લેવો એ પણ એક કળા છે.

[૧૪૮] કોઈપણ બુરા માનવી સાથે ભલાઈ કરવી ઉચિત નથી. બુરાઈને બુરાઈથી જ મારી શકાય છે. જેવી રીતે લોખંડ વડે લોખંડને કાપવામાં આવે છે.

[૧૪૯] અધિક શક્તિશાળી શત્રુને નમ્રતા, પ્રેમનો આશરો લઇ તેને પોતાના વશમાં કર્યા બાદ તેનાથી બદલો લો. ધર્મયુધ્ધમાં દરેક હથિયારનો ઉપયોગ થઇ શકે છે.

[૧૫૦] રાજાની શક્તિ તેની બહાદુર સેના હોય છે. બ્રાહ્મણની શક્તિ તેનું જ્ઞાન અને ધર્મશાસ્ત્રોનું અધ્યયન હોય છે. નારીની શક્તિ તેનું રૂપ, સૌંદર્ય તથા યુવાની હોય છે.

[૧૫૧] જે તળાવમાં વધારે પાણી હોય છે હંસ ત્યાં જઈને જ નિવાસ કરે છે અને જયારે પાણી સુકાઈ જાય છે તો તેઓ બીજા તળાવની શોધમાં નીકળી જાય છે. વર્ષા થયા બાદ જયારે એ તળાવમાં પાણી ભરાઈ જાય છે, તો એ હંસો પાછા ત્યાં આવી જાય છે. આ કેવળ સ્વાર્થની વાત છે. દરેક કાર્ય પોતાના સ્વાર્થ માટે ન કરવું જોઈએ. કોઈનો હાથ પકડો તો હંમેશને માટે, સુખમાં અને દુ:ખમાં સાથે રહો. દુ:ખના સમયે કોઈનો સાથ ન છોડો.

[૧૫૨] રોધી સ્વભાવવાળા, કટુ વાણી બોલનારા, દરિદ્ર અને પોતાના સગા-સંબંધીઓ સાથે શત્રુતા રાખવાવાળા, ચરિત્રહીન તથા નીચ લોકો સાથે મિત્રતા રાખવાવાળા, નીચ લોકોની નોકરી કરવાવાળા લોકો, આ છ ખરાબ કર્મ કરવાવાળા લોકો માટે પૃથ્વી નરક ભોગવવા સમાન છે. આ છ કર્મ માનવીના સૌથી મોટા દુશ્મન છે, તેનાથી બચીને રહેવું જોઈએ.

[૧૫૩] અજ્ઞાનીઓ પોતાના માટે પણ કશું કરી શકતા નથી. ન તેમના પોતાના પરિવારના લોકોના હિત માટે પણ કશું કરી શકે છે, તેમજ શત્રુ સામે લડવાનું સાહસ પણ કરી શકતા નથી. તેમનું જીવન વ્યર્થ બની જાય છે.

[૧૫૪] માનવી માટે કેટલીક વસ્તુઓ અતિ આવશ્યક છે, જેમકે મીઠી વાણી બોલવી, વચનોનું પાલન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી.

[૧૫૫] તેમ જો ખરેખર સાચા માનવી બનવા માંગતા હોય તો, મહાન બનવા માંગતા હોય તો સૌથી પહેલા પોતાના હૃદયને શુદ્ધ કરો, કોઈનું પણ બુરું કરવાના વિચારો છોડી દો અને તેવા દરેક માનવીની મદદ કરો જે દુ:ખી છે, નિરાધાર છે, મજબુર છે. આજ સાચી માનવતા છે.

[૧૫૬] જેવી રીતે ફૂલોમાંથી સુગંધ આવે છે, તલમાંથી તેલ નીકળે છે, લાકડાને બાળવાથી આગ નીકળે છે, દૂધમાંથી ઘી અને માખણ નીકળે છે, શેરડીમાં રસ નીકળે છે અને તે રસથી ગોળ અને મોરસ બને છે. _આ બધી વસ્તુઓ કોઈને દેખાતી નથી પરંતુ તેની સત્યતાને નકારી પણ શકાય નહિ. આવી રીતે જ માનવીના શરીરની અંદર એક આત્મા વસેલો હોય છે જે આપણને દેખતો તો નથી પરંતુ તેને આપણે આપણી બુદ્ધિથી માનીએ છીએ.

[૧૫૭] આપણે આત્માના આ રહસ્યોને સમજીએ અને જાણી લઈએ. આપનું શરીર એક આત્મા છે. એની અંદર આત્મા એવી રીતે સમાયેલ છે જેવી રીતે તાલમાં તેલ, ફૂલોમાં સુગંધ.

[૧૫૮] મુર્ખ શિષ્યને ઉપદેશ આપવો. ચરિત્રહીન કન્યા અને સ્ત્રીનું ભરણ-પોષણ કરવું. દુ:ખી લોકો સાથે ઉઠવું-બેસવું. _ આ બધી વાતોથી બુદ્ધિમાન માણસો દુ:ખી થાય છે. આવા લોકો સાથે સુખી માણસો પણ બેસે તો દુ:ખી થઇ જાય છે.

[૧૫૯] ઘુવડ દિવસે જોઈ શકતો નથી, તેમાં સૂર્યનો શો વાંક છે ? કદીનના ઝાડ ઉપર પાંદડા તેમજ ફૂલ નથી ખીલતા તેમાં વસંતનો શો વાંક છે ? ચાતકના મોંમાં વર્ષાનું એક ટીપું નથી પડતું તેમાં વાદળનો શો વાંક છે ? આ બધું ભાગ્યને આભારી છે, વિધાતાની દેણ છે.

[૧૬૦] ભોજન કરતી વખતે માનવીએ હંમેશા મૌન રહેવું જોઈએ. ચુપચાપ ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભદાયી માનવામાં આવે છે.

[૧૬૧] સેવાનો અવસર આવતા સેવકની સેવાની જાણ થાય છે. દુ:ખ આવે ત્યારે સગા-સંબંધીઓના પ્રેમની જાણ થાય છે. સંકટની ઘડીએ મિત્રની મિત્રતાની જાણ થાય છે. નિર્ધન બની જતા પત્નીના પ્રેમની જાણ થાય છે.

[૧૬૨] નદી, શસ્ત્રધારી, લાંબા નહોર, શીંગડાવાળા પશુ, સ્ત્રી અને રાજદરબારના લોકો ઉપર વિશ્વાસ રાખવો ઘાતક સિદ્ધ થાય છે. નદીની લહેરો ક્યારેક ઊંડા પાણીમાં ઘસડી જાય છે. શસ્ત્રધારી ક્યારેક હુમલો કરી શકે છે. લાંબા નહોરવાળા પશુ, શીંગડાવાળા પ્રાણી ક્યારેક નહોર મારી કે શીંગડા મારી ઘાયલ કરી શકે છે. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) સ્ત્રી ક્યારેય પણ જુઠું લાંછન લગાવી શકે છે. તેમજ રાજકુળના લોકો નાની અમથી વાતે રોષે ભરાઈ શકે છે. એટલે તેમના તરફથી પણ ક્યારેક ખતરો ઉભો થઇ શકે છે. _ આ લોકો સાથે મિત્રતા કે શત્રુતા બંને ખરાબ છે.

[૧૬૩] ઉમદા, સ્વાદિષ્ટ ભોજન પચાવવાની શક્તિ, સુંદર પત્ની અને દાન આપવાની ક્ષમતા, આ બધી સાધારણ વાતો નથી. આ વસ્તુઓ પામવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે.

[૧૬૪] દરેક પર્વતના ગર્ભમાં હીરા નથી હોતા. દરેક હાથીના મસ્તકમાં મણી નથી હોતા. બધી જગ્યાએ સારા માણસો નથી મળતા. દરેક જંગલમાં ચંદનના ઝાડ નથી હોતા. દરેક ચળકતી વસ્તુ સોનું નથી હોતી.

[૧૬૫] દક્ષિણા લીધા બાદ બ્રાહ્મણ યજમાનને, વિદ્યા પ્રાપ્ત કર્યા બાદ શિષ્ય ગુરુને છોડીને જતા રહે છે. એવી જ રીતે આ સંસારનો નિયમ છે કે દરેક જીવજંતુ, મનુષ્ય પોતાનું કામ પૂરું થતા આ સંસાર છોડીને જતા રહે છે.

[૧૬૬] નદી કિનારે આવેલા વૃક્ષો ગમે ત્યારે તૂટીને પાણીમાં વહી જાય છે. તેમ મંત્રી વગરનો રાજા ગમે ત્યારે રાજપાટ ખોઈ શકે છે.

[૧૬૭] આ દુનિયામાં એવો કયો માનવી છે જેમાં કોઈ દોષ ન હોય. માનવીએ એ વાત ન ભૂલવી જોઈએ કે સદા કોઈ સુખી નથી રહેતું અને સદા કોઈ દુ:ખી નથી રહેતું. સુખ – દુ:ખ તો તડકા-છાંયડાની જેમ આવતા જતા રહે છે.

[૧૬૮] પોતાના પરિવારની રક્ષા કરવા માટે કોઈ એકની કુરબાની આપી દેવી જોઈએ. દેશની રક્ષા કરવા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેવું જોઈએ. આત્મરક્ષા કરવા માટે પોતાની જાતને કુરબાન કરવામાં સંકોચ રાખવો જોઈએ નહિ.

[૧૬૯] પોતાની શક્તિના બળે માનવી અશક્ય અને સખ્તમાં સખ્ત કામ આસાનીથી કરી શકે છે જો તેનામાં આત્મવિશ્વાસ હોય તો.

[૧૭૦] વેપારી માટે કોઈ પણ દેશ દુર નથી હોતો. તે પોતાના ધંધા માટે ગમે ત્યાં જઈ શકે છે. વિદ્વાનો માટે આ દુનિયામાં બધા માર્ગો ખુલ્લા હોય છે. તે લોકો ગમે ત્યાં જાય, દરેક દેશમાં તેનો આદર થાય છે.

[૧૭૧] રાજાની આજ્ઞા, કન્યાદાન અને પંડિતના શ્ર્લોકો એક જ વાર થાય છે. રાજા એક જ વાર હુકમ કરે છે. ત્યારબાદ એ હુકમનું પાલન કરવામાં આવે છે. ન કરનારને સજા મળે છે. કન્યાદાન જીવનમાં એક જ વાર કરવામાં આવે છે. પંડિતજી પણ દરેક કાર્યમાં માત્ર એક જ વાર શ્ર્લોક બોલે છે.

[૧૭૨] સંકુચિત માનસવાળા અને નીચ લોકોની નજરમાં ધન જ સૌથી મોટી શક્તિ છે. એ લોકો હંમેશા ધનના લોભમાં આંધળા બની ફરતા રહે છે. તેમના જીવનનો એકમાત્ર ધ્યેય હોય છે ધન પ્રાપ્ત કરવાનો.

[૧૭૩] મધ્યમ વર્ગના લોકો ધનની સાથે સાથે પોતાની માનમર્યાદા પણ જાળવી રાખવા માંગે છે. તેમને ધનની સાથે સાથે પોતાની ઈજ્જત -આબરૂ સાથે પણ પ્રેમ હોય છે.

[૧૭૪] પરંતુ આ બે વર્ગોની સાથે સાથે એક ત્રીજો વર્ગ ઉત્તમ પુરુષોનો છે. જે ધનની તુલનામાં સન્માનને જ શ્રેષ્ઠ માને છે. તેમના મત મુજબ જે માનવીની સમાજમાં પ્રતિષ્ઠા નથી, ઈજ્જત નથી તેમનું જીવન પણ મૃત્યુ કરતા બદતર હોય છે.

[૧૭૫] દીપક અંધકારને ખાઈ જાય છે એટલે કે તે પ્રકાશને જન્મ આપે છે. પરંતુ તેનાથી કાજલ (કાલીમા) પેદા થાય છે. એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જે લોકો પાપની કમાણી ખાય છે. તેમના સંતાન ગુણહીન, મંદબુદ્ધિ તથા બદમાશ હોય છે, જે માતા પિતાની સેવા નથી કરતા પરંતુ તેમને હંમેશા કસ્ટ આપે છે. માટે હંમેશા મહેનતની કમાણીથી ખાવું જોઈએ. બાળકોને પણ બુરાઈથી દુર રાખો કારણ કે પાપની કમાણી તમને તથા તમારા પરિવારને લઇ ડૂબશે.

[૧૭૬] બુદ્ધિમાનને આપેલું ધન દાની પાસે બમણું થઈને પાછું આવે છે. એટલા માટે જેઓ દાનવીર છે તેમણે હંમેશા બુદ્ધિમાનોને જ દાન આપવું. જે વિદ્વાન નથી, દાનને યોગ્ય નથી, એવા લોકોને દાન આપવાથી કોઈ લાભ નથી. બલકે આવું દાન કરવાથી પાપ લાગે છે.

[૧૭૭] દાન અને ગુણ અલગ અલગ નથી તેવી રીતે પાપ અને દાન પણ એક સાથે નથી મળી શકતા. જ્ઞાની પુરુષો આ બંનેના અંતરને સારી રીતે ઓળખે છે.

[૧૭૮] જયારે પણ માનવીનું પેટ ખરાબ થાય છે, તેમાં દર્દ થાય છે તો તેણે દવાના રૂપમાં શુદ્ધ પાણી પીવું જોઈએ. આનાથી તેના પેટનો રોગ મટી જશે.

[૧૭૯] ભોજન પહેલા પાણી પીવું શક્તિદાયક માનવામાં આવે છે. ભોજન કરતી વખતે વચમાં પાણી પીવું અમૃત સમાન છે. પરંતુ ભોજન પછી પાણી પીવું વિષથી ઓછું નથી.

[૧૮૦] જે લોકો જ્ઞાનને લક્ષ્ય માનીને કામ નથી કરતા તેમના માટે જ્ઞાન વ્યર્થ છે, કારણ કે તે કર્તવ્ય અને અકર્તવ્યનું અંતર નથી સમજી શકતો.

[૧૮૧] સેનાપતિ ન હોય તો સેના વ્યર્થ છે. તેવી રીતે જ પતિ વગર પત્નીનું જીવન વ્યર્થ છે. જે ભણેલા-ગણેલા જ્ઞાની લોકો સભ્યતાનું પાલન નથી કરતા તેમની શિક્ષા વ્યર્થ છે. જ્ઞાની પુરુષ તો ઠોકર ખાઈને પણ સુધરી જાય છે. પરંતુ જેઓ અજ્ઞાની છે તેમના માટે તો સુધરવાના દ્વાર પણ બંધ થઇ જાય છે.

[૧૮૨] વૃદ્ધાવસ્થામાં જેની પત્ની મરી જાય, એવા સમયે ભાઈબંધુઓ દ્વારા ધન હડપ કરી લેવાનું તેમજ ભોજન માટે બીજા લોકોની દયા ઉપર જીવવાનું, અ ત્રણ વાતો પુરુષ માટે અત્યંત કષ્ટદાયક માનવામાં આવે છે. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) વૃદ્ધાવસ્થામાં માત્ર પત્ની જ માનવીનો સાથ આપે છે જો પત્ની સાચી પતિવ્રતા હોય તો. આવી દશામાં વૃદ્ધાવસ્થા સૌથી વધુ કષ્ટદાયક બની જાય છે. માટે દરેક માનવીએ એ અવસ્થા માટે થોડુંઘણું ધન બચાવી રાખવું જોઈએ.

[૧૮૩] જે લોકો યજ્ઞ નથી કરતા, દાન-પુણ્ય નથી કરતા, તેમના માટે વેદોનો પાઠ બેકાર છે. દાન વિના કોઈપણ શુભકાર્ય સફળ નથી બનતું.

[૧૮૪] જે લોકો માત્ર દેખાડો કરવા દાન કરે છે, પોતાની પ્રશંસા માટે યજ્ઞ કરાવડાવે છે તેવા લોકોને પણ તેમના દાન-યજ્ઞનું શુભ ફળ નથી મળતું.

[૧૮૫] દેવતા ન તો લાકડીઓમાં વસે છે ન તો પત્થરોમાં. એ તો કેવળ ભક્તોના હૃદયમાં વસે છે. પોતાની આત્મશક્તિના બળે તમે તેને જોઈ શકો છો. પ્રભુ સુધી પહોંચવાનો એક માત્ર રસ્તો એ જ છે.

[૧૮૬] માનવીએ હંમેશા શાંત રહી સંયમથી કામ લેવું જોઈએ. ધીરજથી બધા કામો કરવા જોઈએ. ધનનો મોહ, લોભ છોડી ખાવા-પીવા સુધી જ વાત સીમિત રાખવી જોઈએ. એનાથી જ જીવનનું સાચું સુખ પ્રાપ્ત થાય છે.

[૧૮૭] મોહ માયાની જાળમાં ફસાયેલા કોઈપણ માનવીના આત્માને શાંતિ નથી મળતી.

[૧૮૮] જે વિદ્યાથી તમે પોતાનું પેટ નથી ભરી શકતા, તમારા પરિવારનું ભરણ – પોષણ નથી કરી શકતા એ વિદ્યાથી કોઈ લાભ નથી, તે વ્યર્થ છે. એ વિદ્યા ધનનો લાભ તો ત્યારે જ આપી શકે છે જયારે તમે એનો ઉપયોગ કરો.

[૧૮૯] જે ધનનો માત્ર સંગ્રહ કરવામાં આવ્યો હોય તેનો શો લાભ ! મૃત્યુ બાદ એ ધન અહી જ રહી જવાનું. ધનનો લાભ તો દાન આપવાથી જ થાય છે. ધનને ખરાબ કામમાં વાપરવું એ પણ પાપ છે.

[૧૯૦] જે પાણી ધરતીમાંથી નીકળે છે તેને શુદ્ધ માનવામાં આવે છે. પતિવ્રતા સ્ત્રી દેવી માનવામાં આવે છે. જે રાજા પ્રજાની ભલાઈની વાતો વિચારે છે તે જ રાજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને જે બ્રાહ્મણ સંતોષી હોય છે તે જ શુદ્ધ અને શ્રેષ્ઠ બ્રાહ્મણ માનવામાં આવે છે.

[૧૯૧] જે બ્રાહ્મણ ધનની પાછળ પાગલની જેમ દોડે છે, પોતાના ધર્મ-કર્મને ભૂલી જાય છે તે આદરને યોગ્ય નથી રહેતો.

[૧૯૨] જેની પાસે સંતોષ નથી અને તે આળસુ છે, તેમજ જે રાજા દ્રઢ મનોબળવાળો નથી એવા લોકોનો વિનાશ વહેલો થાય છે.

[૧૯૩] કેવળ ઉચ્ચ કુળમાં જન્મ લેવાથી કોઈ માનવી મહાન નથી બનતો. મહાન બનવા માટે તેને શિક્ષાની જરૂર હોય છે. માનવી ભલે હલકા કુળમાં જન્મ્યો હોય, નિર્ધન હોય, પરંતુ વિદ્યા પ્રાપ્ત કરી તે બુદ્ધિમાન, મહાન બની શકે છે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી.

[૧૯૪] જે લોકો માંસાહારી છે, મદિરાનું સેવન કરે છે તેવા લોકોને અભણ અને અજ્ઞાની જ ગણવામાં આવે છે. એવા લોકો માનવ જન્મમાં પણ પશુઓ જેવા છે. આવા માનવજાતિમાં જન્મ લેનાર પશુ મનોવૃત્તિ ધરાવનાર લોકોના પાપોથી ધરતી ભરાઈ ગઈ છે.

[૧૯૫] યજ્ઞને ધર્મ પૂજાનો મહાન માર્ગ બતાવવામાં આવ્યો છે કારણ કે યજ્ઞ કરવાથી જે વાદળો બંધાય છે તેનાથી વર્ષા થાય છે. આ વર્ષાને કારણે અન્ન પેદા થાય છે. જો યજ્ઞમાં અન્નદાન કરવામાં ન આવે તો યજ્ઞ આખા દેશને બાળી નાખશે તેટલું જ નહિ તે પુરોહિતને પણ બાળી નાંખશે. જે યજમાન પોતાના પુરોહિતને દાન-દક્ષિણા નથી આપતો યજ્ઞ તેને પણ બાળીને ભસ્મ બનાવી દે છે.

ઇતિ ચાણક્ય નીતિ સંપૂર્ણમ !!!!

——— જનમેજય અધ્વર્યુ

 

error: Content is protected !!