23. ચકડોળ ઉપર – રા’ ગંગાજળિયો

નાગર જુવાન નરસૈયાને વિષે રા’ની પહેલી ધારણા હવે જૂની બની હતી. નરસૈયો ક્યાં રહે છે, એ ઘ્યાન વચગાળાનાં વર્ષોમાં રા’માંડળિકને રહ્યું નહોતું. વચગાળો રા’ના માટે આપદા ને ચિંતાઓથી ભરેલો હતો. ને હવે તો રા’નું હૃદય વધુ વધુ ડોળણોમાં ને વમળોમાં ઘૂમરીએ ચડ્યું હતું.

કોઇ કોઇ વાર આગળની રાત્રિએ નરસૈયા વિષેની વાતો રસભરી બનતી હતી. કુંતાદેને મોંયેથી સાંભળવા મળતું. રાસમંડળ જમાવીને વચ્ચે મશાલ ધરી ઊભો ઊભો નરસૈયો જે રાત્રિએ સ્ત્રીઓ અને પુરુષોનાં સૈયારાં વૃંદોને ગવરાવી રહ્યો હતો કે

‘આશાભર્યાં અમે આવિયાં રે
‘મારે વાલે રમાડ્યાં રાસ રે
‘આવેલ આશા ભર્યાં રે

તે રાત્રિએ મહેતાજીના ચોરામાં પોતે વેશપલટો કરીને હાજર હતી. તે રાત્રે રાસ ચગ્યો હતો. સમયનું ભાન ભૂલાયું હતું. ભક્ત નરસૈયાના હાથની આખી મશાલ સળગી રહી હતી. તે પછી એનો હાથ સળગતી મશાલ બન્યો હતો. અગ્નિ-ઝાળ નરસૈયાની કોણી સુધી પહોંચી ગઇ હતી.

એવામાં વીશળ કામદારે રા’ પાસે આવી એક વધુ ચમત્કારી વાત કરી હતી કે કોઇક પરદેશી જાત્રાળુઓ દ્વારકા જતા હતા. તેમની પાસે રોકડ ખરચી હતી. પણ વાધેરો લૂંટશે એવી બ્‍હીકે આ શહેરમાં હુંડી ખરીદવા નક્કી કર્યું. હુંડીનો ખરીદદાર કોઇ ન જડ્યો. કોઇક ટીખળીએ આ પરદેશીઓને વિભ્રમમાં નાખ્યા કે નરસૈ મહેતા અમારા શહેરના માતબર શરાફ છે. એ તમને હુંડી લખી આપશે.

નરસૈયાને ઘેર તે દિવસે પચાસ સો સંતો અભ્યાગતોનું કટક પડ્યું હતું. ઘરમાં તેમને ખવરાવવાના તાકડા નહોતા. ઠીક થયું, ટાણાસર નાણાં પહોંચાડ્યાં મારા વાલાજીએ ! એમ કહીને નરસૈ મહેતાએ નાણાં સ્વીકારી લઇ એક કાગળના કટકા ઉપર હુંડી લખી દીધી કે ‘શેઠ શ્રી શામળાજી ! રૂપિયા આટલા પૂરા ગણી દેજો.’

એ જ યાત્રાળુઓ દ્વારકાથી આંહી પાછા ફર્યા છે. એમણે નરસૈ મહેતાને વાત કરી છે : અજબ વાત છે. યાત્રાળુઓ કહે છે કે શેઠજી, આખી દુવારકાપુરીમાં આ હુંડીનો ધણી શામળીઓજી નામે કોઇ વેપારી છે જ નહિ ને કોઇકે તમને ફસાવ્યા છે એમ અમને એકેએક દુકાનેથી જવાબ જડ્યો. અંતે અમે થાકીને દ્વારકા બહાર નીકળ્યા ત્યારે દરવાજામાં એક પુરુષ સામે મળ્યો. એણે કહ્યું કે ભાઇ, હું જ એ શામળો શેઠ. હું ગામતરે ગયો હતો. લાવો હુંડી સીકારી આપું. એમ કહી રૂપિયા ગણી આપ્યા.

વાત સાંભળી નરસૈયો તો ખડખડ હસવા લાયો છે. એ તો કહે છે કે ભાઇ, મને તો હુંડીની વાત જ યાદ નથી. મારે તો કોઇ શરાફી વેપાર પણ નથી. એ તો મારો વાલોજી મળ્યા હશે.

‘કોણ છે એનો વાલોજી કે જે વાતવાતમાં એનાં કામ કરી જાય છે ?’ રા’માંડળિકના લલાટમાં આ પ્રશ્ન પૂછતે પૂછતે કરચલીઓ ચડી.

‘એ તો કહે છે કે મારો વાલોજી દામોદરરાય.’ કામદારે દુત્તું મોં કરીને કહ્યું.

‘દામોદરરાય !’

‘એટલે પ્રભુ શ્રી હરિ.’

‘શ્રી હરિ એટલા સસ્તા છે ! હેં કામદાર ?’ રા’ના માથામાં કશાંક ગૂંચળાં વળતાં હતાં.

‘એ તો એ કહે છે. ગામના ડાહ્યા લોકો તો એવું કાંઇ નથી માનતા. બીજું તો કાંઇ નહિ મહારાજ, પણ આમ હુંડીઓ લખી આપવાથી આપણા નગરની આંટ બગડશે.’

‘પણ એને ભક્તને આવા ધંધા સૂઝ્યા ક્યાંથી ?’

‘મહારાજ ! ગામ તો બોલે છે કે આ તો ધૂતવાના ધંધા કહેવાય.’

‘એને કહી દેજો કે મારી નગરીમાં ધૂતારાવેડા નહિ ચાલે.’

‘મારાં બા કુંતાદેને તો આ બધું સત્ય લાગે છે.’

‘કુંતાને એનું ઘેલું લાગ્યું છે ત્યારથી જ મને બ્‍હીક લાગી છે.’

‘નગરમાં તો નરસૈયાની સામે બૂમ વધતી આવે છે. આપણું રાજ ચાહે તેમ તો ય શિવભક્ત. આપણે આંગણે ગિરનારનું બેસણું. એટલે રાડ વધી રહી છે.’

‘શિવને નામે સોમનાથનું તીર્થ હાટડી બન્યું છે, તેમ દામોદરરાયજીને નામે આંહી પાછું પાખંડ ક્યાં શરૂ થયું !’

‘હાં-હાં, પાખંડ જ મહારાજ !’ વાણિયાએ બોલ પકડ્યો : ‘આપ બરોબર શબ્દ બોલ્યા.’

‘મારા સામે શિવભક્તો બબડતા હતા ત્યારે હવે અની સામે કેમ સૌ ચૂપ છે ?’

‘મહારાજની બીકે.’

‘મારી બીક ?’

‘અરે ભૂલ્યો, મહારાણીની બીકે.’

‘રાણીજીને કહી દેવું પડશે.’

‘બીજું તો કંઇ નહિ, પણ આંહીના શૈવીઓ અમદાવાદ જઈ ચાડી ખાય તેની મને ધાસ્તી છે.’

‘એથી તો હું જરાયે ડરતો નથી કામદાર ! અમદાવાદમાં તો બખેડા ચાલ્યા છે, ને મારા બે ઊપરકોટ અભેદ્ય છે.’ રા’ હવે આ તોરમાં તણાયા હતા; ‘ને સાંઇ જમીયલશા સરીખા દરવેશની મને સહાય છે. પણ મને આ નરસૈયાનું પાખંડ પાલવતું નથી.’

‘બીજી પણ એક અરજ કરવા આવ્યો છું.’ વીશળ કામદારના પચાસ વર્ષે પણ લાલ ટમેટાં જેવા રહેલા ગાલમાં ગલ પડ્યા. ‘એક વાર ઘરમાં પગલાં કરો.’

‘કેમ?’

‘સારો અવસર ગયો, પણ આપને નોતરી શક્યો નથી.’

‘કેટલામી, ત્રીજી વારનું ઘર કે ?’ રા’ને ખબર હતી કે વીશળ કામદાર ત્રીજી વાર લગ્ન કરી આવ્યા હતા. ‘આવશું ખુશીથી.’

કામદારે માનેલું કે રા’ કૃપા વરસાવી રહેલ છે. રા’એ કામદારના ગયા પછી પોતાના અંતરમાં એક થડકાર અનુભવ્યો. અવતાર ધરીને કોઇ દિવસ કોઇને ઘેર ન ડોકાનાર રા’ પોતે પોતાના દિલને પૂછવા લાગ્યા : ત્રીજી વાર પરણેલાને ઘેર જવા હું શા માટે લોભાઊં છું ? શું વણિકોને ઘેર અપ્સરાઓ હોય છે ? મારી કલ્પનાની અપ્સરાનો ચહેરો મોરો, ક્યાંય, શું કોઇના મોં પર નહિ મળે ? હું શા માટે આ શોધે ચડ્યો છું? આવી પૂછપરછ પણ કોને કરી શકાય ? નાગાજણને હવે જેટલું પૂછી જોયું તેથી વિશેષ કેમ કરી પૂછી શકાય ?

‘હા-હા-હા’ પોતાની હજામત કરવા વાળંદને પૂછી જોવાની જુક્તિ સૂઝી.’વાળંદ સાથે વાતો કરવાનો વાંધો નથી. વાળંદને કહીશ કે વાત પેટમાં રાખજે. ને વાળંદ કોઇને વાત કહી નાખે તો પણ શું છે ? કોના બાપની બીક છે ? શું કોઇ મારા જીવનનું મુખત્યાર છે ? હું ચાહે તે કરીશ. હું નથી દેવસ્થાનોના પૂજારીઓથી ડરવાનો, કે નથી અમદાવાદના સુલતાનથી દબાવાનો. મારે આંગણે બે ઊપરકોટ છે, ને હું તો જ્ઞાન દૃષ્ટિથી માનવા લાગ્યો છું, કે વાસનાને દબાવવી નહિ. એ દબાઇ રહે તો પણ કોઇક દિવસ ફાટે ને ! વાસનાને તો હળવા હાથે જ ઠેકાણે પાડવી રહી.

‘નરસિંહ મહેતાની પાછળ ટોળાં કેમ ભમે છે ? રાસ મંડળોમાં સેંકડો નાચે છે ને ગાય છે ? કેમકે તેમની વણપૂરાયેલી વાસનાઓને ત્યાં વાણી વડે શાંતિ મળે છે. મનડાં માનવા લાગે છે કે વ્હાલોજી મળી ગયા. નારીઓ કલ્પના કરી લ્યે છે કે કૃષ્ણે તેમને પોતામય બનાવી લીધી. પુરુષો અનુભવ કરી લ્યે છે કે રાધિકા સાથે રાસરમણ રમાયાં. કોની નારીઓ, ને કોના પુરુષો ! ઘેર ઘેર અતૃપ્તિનાં આંધણ ઊકળે છે. નરસૈયાએ તેમને સંતોષવાની સૂક્ષ્મ કળા ન ગોતી હોત તો ઘેર ઘેર કજીયા થાત, ઘેર ઘેર વ્યભિચાર ચાલત, ઘેર ઘેર મારપીટ ને હત્યા થાત. નરસૈયો ડાહ્યો છે. નાગાજણ પણ ડાહ્યો છે. મુસ્લિમ દરવેશો પણ ડાહ્યા છે. અપ્સરાઓની કલ્પનાએ મને ચડાવી દીધો છે, એટલે જ હું કુંતાદેને સતાવતો નથી.

‘રસુલાબાદ વાળા સાંઇ શાહાઆલમ મૂવા સુલતાનની બીબી મુઘલીને રૂપાળી જોઇ પરણી બેઠા, અને એ બીબીના છોકરા સુલતાન મહમદશાહ વેરે પણ એના સાવકા ભાઇ સુલતાન ક્તુબશાહની વિધવા રાજપૂતાણી રૂપમંજરી વેળાસર પરણાવી દીધી. આ બનાવો એક જ રહસ્ય બોલે છે : વાસનાને દબાવી ન દેવી, માર્ગ આપી દેવો, ઠંડી પાડી દેવી. હું તો જ્ઞાન દૃષ્ટિએ વાસનાને કામે લગાડી દઊં છું. હું ખોજ કરૂં છું – અપ્સરાની. ખોજ કરો ! ઓ માનવીઓ, તમારા મનમાં બેઠેલા અંતર્યામીની ખોજ કરો. હું પણ ખોજ જ કરૂં છું ને ! અંતર્યામીની જ ઓળખાણ ગોતું છું ને ! નરસૈયો મને ગમત, જો એ ભેગો ભેગો પાખંડ પણ ન કરી રહ્યો હોત તો. પણ એ તો ઢોંગી દેખાય છે. જે કાંઇ થાય છે તે શ્રી પ્રભુ પોતાને માટે ખાસ આવીને કરી કરી જાય છે એવું કહેનારો કાં તો મૂરખ છે, કાં શઠ છે, કાં ભોળો વિભ્રમી છે, કાં જાદુગર છે, ને કાં મંતર ને તંતર કરનાર છે. નહિ તો મને-રોજ ગંગાજળે ન્હાનારા પરમ શિવભક્તને કેમ ક્યાંય શંભુ સહાય કરવા નથી આવતા ? હમીરજી ગોહિલને કેમ શંભુએ ન રક્ષી લીધો ? અરે, શિવે પોતાનું જ જ્યોતિર્લીંગ તૂટતું કેમ ન રોકી લીધું ? નરસૈયો મને ગમતો, હવે અણગમતો થયો છે. એનું રાસરહસ્ય મને ભાવે છે, એના પ્રભુના નામના ગપટા મને અકળાવે છે.

‘હા ! હું પાછો ભૂલી જાઊં છું ! વાળંદ આવશે ત્યારે એને જ પૂછીશ, કે દીઠી છે, ક્યાં ય અપ્સરા? તારા હાથમાં આવી છે એની આંગળીઓ ? તેં ઉતાર્યા છે કોઇ એવા નખ, કે જે તડકે મૂકતાં પીગળી પાણી પાણી થઇ જાય ? એને કહી રાખીશ હું પહેલેથી જ, કે મારે બીજું કોઇ કામ નથી. ખોજ કરવી છે, સાચ જુઠ પરખવું છે, સત્યનો તાગ લેવો છે; એવા કોઇ નખ હોય તો તું જોતો રહેજે. તને ઇનામ આપીશ. તારૂં દળદર ફીટાડી દઇશ. બસ, ફકત એવા નખ જ જોઇએ મારે હો કે ? બીજું કાંઇ નથી જોતું.’

રા’નું હૃદય, વીશળ કામદારના ચાલ્યા ગયા પછી આવાં વિચાર ચક્રો ફેરવવા લાગ્યું. રા’ જાણે જીવતરના કોઇ એવા ચગડોળમાં ચડી બેઠા હતા, કે જેને અટકવાનું હોતું નથી. માનસ-સાગરના કિનારા પર ઇચ્છાઓનો મહામેળો મચ્યો હતો તેની વચ્ચે આ ચકડોળ ફંગોળા લેતો હતો. રા’ એમાં ચડી ચૂક્યો હતો. ચક્ડોળ જરાય ઊભો ન રહે, ચગે-હજી, હજી, હજી વધુ ચગે, અરે જાણે કદી જ ન થંભે, એવી રા’ની ધખના હતી. ફેર ચડતા હતા, પૃથ્વી પર ઊતરવા હામ નહોતી, પડવાની બ્‍હીક હતી, માટે ચગો ચકડોળ ! ફરો કાળ-ચક્ર ! અનંત કાળ લગી આંટા લો. નથી ઉતરવું. ધરતી પર નથી પગ મૂકવો. કુંતાદેવીનાં કરડાં નેત્રો ! દૂર થાઓ.

આવા વિચાર-વીંછીઓના ડંખો ખાતો માંડળિક ઘણી ઘણી વાર સંધ્યાકાળે એકલો પડી જઇને પોતાની બેઠકના ગોખે બેસતો. ગિરનાર ઉપર ચડતી એની કલ્પના ક્યાંય નહિ ને જાણે ભૈરવ-જપની શિલા પર ચડતી, ચડીને પાછું નીચે જોતી, તમ્મર ખાતી, વગર ધક્કે કેવળ પોતાનાં જ તમ્મરથી ખાબકી પડતી, અતલ ખીણમાં જઇ પડતી. કપાળ એનું કોઇ ઉનાળે સુકાઇ રહેલા ખાબોચિયામાં ખદબદતાં માછલાં શી કરચલીઓના ખદબદાટો ધારણ કરતું; ત્યારે થોડે દૂર આવેલી મહોલાતની બારીની ચીરાડમાંથી બે આંખો રા’ના કપાળ-ખાબોચીઆના એ ખદબદાટને જોઇ જોઇ છાનું છાનું રડી લેતી : એ બે આંખો હતી કુંતાદેની.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા’ ગંગાજળિયો માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!