ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ – ચબૂતરાઓ

રાષ્ટ્રીય શાયર સદ્‌ગત ઝવેરચંદ મેઘાણી માત્ર બે પંક્તિમાં સૌરાષ્ટ્રના ગામડાનો સરસ પરિચય કરાવે છે:

નાના શા ગામડાના નાના વિસામા
ચૉરો ને ચબૂતરો જી રે.
ચૉરે બેસીને ગીત ગાતાં પટેલિયા
ચબૂતરે પારેવડાં જી રે.

મારે અહીં ગામડાની, એના વિસામાની કે ચૉરે બેસીને ગીત ગાતાં પટેલિયાવની નહીં, પારેવાં-કબૂતરો અને ધર્મધજા લહેરાવતા ચબૂતરાઓની વાત કરવી છે.

કબૂતર શબ્દ સંસ્કૃત કપોત (પક્ષી), તેના પરથી ખબૂતર અને કબૂતર એવો શબ્દ આવ્યો. વિશ્વના તમામ પ્રદેશોમાં મળી આવતું અને ખાસ કરીને ઉષ્ણ પ્રદેશોમાં મોટી સંખ્યામાં જોવા મળતું આ પક્ષી ગામોગામ દેવાલયો, મસ્જિદો, નાનાં મોટાં ઘરોની છતો વગેરે જગ્યાએ રહે છે. ધૂધૂ જેવો અવાજ કરે છે. આ બહુ ગરીબડું પંખી જમીન પર પડેલ દાણા અને બિયાંનો ચારો કરે છે. તે હંમેશા ટોળામાં રહે છે, અને પોતાના સ્થાનને કદી ભૂલતું નથી. માદા એકી સાથે બે ઈંડા આપે છે. માત્ર આનંદ-હર્ષ વ્યક્ત કરવા માટે ગૂ ર ર ગૂ એવો અસ્પષ્ટ સ્વર કાઢે છે. સૌ પંખીઓમાં તે બહુ ઉપયોગી, વફાદાર અને પ્રેમાળ છે. પ્રાચીનકાળમાં યુઘ્ધના સંદેશા લઇ જવા માટે કબૂતરોનો ઉપયોગ થતો, કેમકે તેની સ્મરણશક્તિ અને દિશાજ્ઞાન અદ્‌ભૂત હોય છે. આ પંખી રાખોડિયા, ધોળા, કાબરા વગેરે રંગના હોય છે.

ભગવદ્‌ગોમંડલમાં કબૂતરની જાતો આ પ્રમાણે બતાવી છે. ૧. અક્કડ કે કસ્તા, ૨. કાસદ કે સંદેશા લઇ જનાર, ૩. લોટણ અને ૪. ગિરેબાજ. ગિરેબાજ કબૂતર એ હિંદુસ્તાનની અને કબૂતરની કેળવાયેલ જાત છે. આ જાતના કબૂતર ખૂબ ઝડપથી અને ઊંચે ઊડી શકે છે. તે ઉડતાં ઉડતાં ‘ગિરી’ કરી શકે છે અર્થાત્‌ ગુલાંટ મારી શકે છે. તેથી તેનું નામ ગિરેબાજ પડ્યું છે. હવાઇની પેઠે સૂસવાટ કરતું એ ઊડે અને એકાદ વાંસ જેટલે ઊંચે જાય કે ‘ફટાક’ કરતાં પાંખોનો અવાજ કરીને પાછલી ગુલાંટ ખાય. બ્રિટિશ ટાપુઓ પર કબૂતરની જોવામાં આવતી એક જાત ‘રિંગડવ’ છે. તે ખૂબ ખાનારું અને વિનાશક પક્ષી છે. કબૂતરનું આયુષ્ય ૨૦ વર્ષનું હોવાનું પક્ષીવિદ્‌ો માને છે. અંગ ઉપર થયેલું પાકેલું ગૂમડું ફોડવા માટે કબૂતરની હગાર- ચરકનો ઉપયોગ કરવામાં આવે છે. ગામડામાં દેશી વૈદું કરનારા કબૂતરની હગાર મધમાં મેળવી, ગોળી બનાવી દર્દીને આપતા. જેનાથી મોટા વધેલા વાળાનો નાશ થતો. કબૂતરની હગાર અને કાકડીના બિયાં ચોખાના ધોવણમાં વાટીને દર્દીને આપવાથી પથરીના દર્દમાંથી છૂટકારો થતો એમ અનુભવીઓ આજેય કહે છે.

પશ્ચિમ ભારતના નાનામોટા પ્રત્યેક ગામમાં ભારતીય શિલ્પ સ્થાપત્યની છડી પોકારતા અનેકવિધ અલંકરણોવાળા ચબૂતરાઓ જોવા મળે છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પંખીઓને ચણ નાખવા માટે પરંપરિત પઘ્ધતિઓ વાળા ચબૂતરાઓ આજેય પોતાનું અસ્તિત્વ જાળવીને બેઠા છે. ગુજરાતમાં ગામડે ગામડે, જૂના નગરોમાં પોળે પોળે અને ચૌટે ચૌટે પર્યાવરણપ્રેમી લોકજીવનની ધર્મભાવનાની ધજા લહેરાવતા ચબૂતરાઓ પર પંખીઓના વૃંદો કણ – ચણ અને પાણી પામે છે. આ બધાં પંખીઓમાં વિશેષ સંખ્યા કબૂતરોની હોય છે. એના ઉપરથી ‘ચબૂતરો’ શબ્દ આવ્યો હોવાનું માની શકાય.

‘ચબૂતરો’ ભાલપ્રદેશ, ગોહિલવાડ અને સૌરાષ્ટ્રમાં પરબડીના નામે પ્રચલિત છે. ભગવદ્‌ગોમંડલકારે ચબૂતરાના અર્થો આ પ્રમાણે આપ્યા છે. ૧. ઓટલો, મોટો પ્રસ્તાર, ચોતરો. ૨. કર ઉઘરાવવાની જગા, ચૉકી, માંડવી ૩. ગ્રીષ્મ ૪. ચકલામાં પંખી માટે દાણા નાખવાનો ઊંચો ઓટલો, પરબડી, પંખીને ચણ નાખવાની જગા, પક્ષીને દાણા નાખવાનું ગામ વચ્ચેનું સ્થળ. ૫. છાપરાવાળી અગાશી. ૬. જાહેર સભા ભરવાનું સ્થળ. ૭. નવરાનો અખાડો, ચૉરો. ૮. ન્યાયની કચેરી, કોર્ટ, કાજીની કચેરી. ૯. પોલીસના સિપાઇઓને રહેવાનું સ્થાન, ચૉકી, ગેટ. પોલીસ થાણું. ૧૦. ચબૂતરે લઇ જવું- પોલીસ થાણે લઇ જવું- ફરિયાદ કરવી. ૧૧. સીમાડાનો ખાંભો.

ચબૂતરાનો મૂળ અર્થ કબૂતરોને ચણવા માટેની જગ્યા. કબૂતર એ ભોળું પારેવું મનાય છે. અનાજ સિવાય બીજાં જીવજંતુ ખાતું નથી. અન્ય પંખીની જેમ વગડામાં રહેવાને બદલે ગામડાંમાં અને નગરોમાં માનવવસાહતોની વચમાં રહેવાનું પસંદ કરે છે.

જુનાકાળે જીવદયાપ્રેમીઓ ફળિયામાં દાણાની ચણ નાખતા ત્યારે કૂતરાં-બિલાડાં આવી કબૂતરોને મોંમાં પકડી એની મિજબાની માણતા. આથી ઊંચા ઓટલા કે અગાશી પર ચણ નાખવામાં આવતું. ત્યાંય કોઇવાર કૂતરા- બિલાડાં ઝપટ બોલાવતાં. આથી કબૂતરો માટે સલામત સ્થળ આપણા શિલ્પીઓએ શોધી કાઢ્‌યું, તે આપણા ચબૂતરા. ચબૂતરા માત્ર ને માત્ર ભારતીય સંસ્કૃતિ અને પર્યાવરણપ્રેમીઓની ભેટ છે. આપણા દેશી ચબૂતરાનો જોટો દુનિયાભરના કોઇ દેશમાં તમને જોવા નહીં મળે.

ચબૂતરાનો સંબંધ પ્રકૃતિપરાયણ માનવીની જીવદયા, અહિંસા અને ધર્મની સાથે જોડાયેલો છે. ભારતીય સંસ્કૃતિ ૠષિ અને કૃષિની સંસ્કૃતિ છે. વેદકાળથી આપણા ૠષિમુનિઓ કહેતા આવ્યા છે કે ઈશ્વરે અવનિ પર વિહરતા માનવીને ઉદારભાવે જે કંઇ આપ્યું છે તેમાં અને ધરતીમાતા કણમાંથી મણ આપે છે એમાં મૂગા પશુ-પક્ષીઓનો પણ ભાગ છે. ગ્રામ પ્રદેશના લોકજીવનમાં આ સંસ્કાર રૂઢ થઇ ગયો હોવાને કારણે તેઓ ગાયોને ઘાસ, કૂતરાને રોટલા અને કીડીઓનાં નગરાં પર ખાંડ-લોટ અને પક્ષીઓને ચણ નાખે છે.

ઉપનિષદના જ્ઞાનકાંડમાં જણાવ્યા અનુસાર પોતે કરેલાં સારાનરસાં કર્મો પ્રમાણે મનુષ્યની સારીનરસી ગતિ થાય છે. એવું માનવામાં આવે છે કે સંતપુરુષો ચંદ્રલોક કે બ્રહ્મલોકમાં જાય છે અને ઈશ્વરની અનુભૂતિ થાય છે પરિણામે જન્મ-મરણનો ફેરો ટળી જાય છે. જીવનસંઘ્યાએ કે મૃત્યુની પળે માનવી પોતે જીવનભર કરેલાં દુષ્કૃત્યોથી ડરે છે. મૃત્યુ પછી પોતાની સારી ગતિ થાય તે માટે પૂણ્યદાન કરવા પ્રેરાય છે. કોઇવાર ગાયોને ઘાસ, કૂતરાને રોટલા, સાઘુ- બ્રાહ્મણોને દાન દક્ષિણા કે ચબૂતરે ચણ અને ભૂખ્યાને ભોજન આપે છે. મૃત્યુ પછી મનુષ્યનો જન્મ બહુધા પંખી અને પ્રાણી સ્વરૂપે થાય છે એવી લોકમાન્યતાને લઇને જૂની વિચારસરણીવાળા ધાર્મિકવૃત્તિવાળા લોકો પોતાના દિવંગત પિતૃઓની પાછળ પંખીઓ માટે ચબૂતરા બંધાવીને ચણરૂપે ભોજન કરાવી, કાગડાઓને ‘કાગવાસ’ નાખી ભોજન કરાવ્યાનો સંતોષ માને છે.

ભારતમાં બૌદ્ધ અને જૈન ધર્મના પ્રચારે અહિંસા અને માનવતામાં મનુષ્યની શ્રદ્ધા વઘુ દ્રઢ કરી એને પ્રોત્સાહિત કરી. ધરતીના પટ પર વસતાં અબોલ નિર્દોષ અને ગભરુ પંખીઓની ચિંતા અને કાળજી ચબૂતરાના સ્વરૂપે પ્રદર્શિત થાય છે. ગામડાઓમાં જૂનાકાળે સર્પ-વીંછીનું વિષ ઉતારવાવાળા, ભાંગેલા તૂટેલા હાથેપગે પાટાપીંડી કરનારા સેવાભાવી લોકો સારવારના બદલામાં કંઇ જ મહેનતાણું નથી માગતા, પણ એટલું જ કહે છે ઃ ‘તમને શ્રદ્ધા હોય તો ચબૂતરે ચણ, ગાયને ઘાસ કે કૂતરાને રોટલા નાખજો.’ જૂનાકાળે પર્યાવરણની જાળવણી ઢોલ પીટ્યા વગર ગ્રામપ્રજા આ રીતે કરતી.

ગામડામાં દયાળુ જીવદયાપ્રેમીઓએ પિતૃઓની સ્મૃતિમાં એમના જીવની સદ્‌ગતિ માટે ચબૂતરા બનાવ્યા છે, તેમ રાજા-મહારાજાઓએ, શેઠ- શાહુકારોએ, નાતના પંચોએ તેમજ ગામના મહાજનોએ પણ ચબૂતરા બનાવ્યાની નોંધ ત્યાં લગાવેલી તકતીઓ પરથી મળે છે. આ ચબૂતરામાં દરરોજ ચણ નાખવાની વ્યવસ્થા પણ પોળના પંચો, મહાજનો, ટ્રસ્ટો કે શ્રેષ્ઠિઓ દ્વારા કરવામાં આવે છે. આ પરંપરા આજેય ચાલુ છે.

આપણે ત્યાં મોટેભાગે ચબૂતરાની બનાવટમાં લાકડું અથવા પથ્થર વપરાયેલા છે. (આજે સિમેન્ટ કોક્રિટ કે લોખંડના પણ બને છે.) કાષ્ઠશિલ્પવાળા કે પથ્થરના શિલ્પસ્થાપત્યવાળા કલાપૂર્ણ ચબૂતરાઓના સર્જનમાં શિલ્પીઓ, સલાટો, સુથારો, લુહારો, કડિયા અને કમાંગરોનો સહિયારો પરિશ્રમ દ્રષ્ટિગોચર થાય છે. સૌરાષ્ટ્રમાં જ્યાં ડુંગરાળ ધરતી છે અને જ્યાંથી પુષ્કળ પ્રમાણમાં પથ્થર મળે છે ત્યાં પથ્થરના કલાકંડારણવાળા ચબૂતરા બન્યા છે. જૂના કાળે મોટે ભાગે લાકડાના ચબૂતરા બનાવવાનો ચાલ હતો. એ કાળે પરદેશથી મલબારી સાગનું લાકડું દરિયામાર્ગે આવતું. લાકડું પથ્થર જેટલું ટકાઉ ન હોવાથી કાળક્રમે પથ્થરનો ઉપયોગ વધતો ચાલ્યો. ધનિક શ્રેષ્ઠિઓ રાજસ્થાનમાંથી પથ્થરો મંગાવી સોમપુરાના સલાટો પાસે કંડારકામ કરાવી કલાપૂર્ણ ચબૂતરાઓ તૈયાર કરાવતા. આવા ચબૂતરા ક્યારેક એકદંડિયા મહેલ જેવા બનાવતા. સ્થંભ ઉપર ચબૂતરાનો થાળાનો ભાગ રહેતો. તેની નીચે વિવિધ વાદ્યો વગાડતી પૂતળીઓ મૂકવામાં આવતી. ચબૂતરે ચણ નાખવા માટે બાજુમાં લોખંડની નિસરણી મૂકાતી. ચબૂતરા પર કમાંગર ચિતારાઓ મનોહર ધાર્મિક ચિત્રો દોરી આપતા. અંબાજી પાસે દાંતા- ભવાનગઢ ગામે ચબૂતરા પર આવાં ચિત્રો જોવા મળે છે. કાષ્ઠકોતરણીવાળા ચબૂતરાને અલંકૃત કરવાનું કામ પથ્થરના પ્રમાણમાં વઘુ સરળ અને સસ્તું હોવાથી આવા ચબૂતરાની સંખ્યા વઘુ જોવા મળે છે. ચબૂતરા બંધાવનારે શિલ્પસ્થાપત્યની દ્રષ્ટિએ બાંધકામ કરાવ્યું ન હોવાથી ચબૂતરાના કદ, આકાર, બાંધકામ, શૈલી, ડિઝાઇન ગામોગામ અલગ અલગ હોય છે. ચબૂતરાનો બારીકાઇથી અભ્યાસ કરતાં રસપ્રદ વાત એ જાણવા મળે છે કે દરેક ગામમાં ગામની મઘ્યમાં ચબૂતરો હોય છે. શહેરોમાં પોળના નાકે જોવા મળે છે. ગામના પાદરમાં કે ગામને છેવાડે કોઇ ચબૂતરો હોય એવું આ લેખકની જાણમાં આવ્યું નથી. શ્રઘ્ધાળુ લોકોને ચણ નાખવાની સરળતા રહે એ માટે કદાચ ગામની મઘ્યમાં ચબૂતરા બનાવ્યા હશે.

ચબૂતરાની સ્થાપત્ય કલામાં સ્થાનિક રંગો અને પ્રાદેશિક વિભિન્નતાઓ પણ જોવા મળે છે, જેમાં કારીગરોએ પોતાની આગવી સૂઝ, સમજ અને મૌલિકતાઓ દ્વારા સ્થાનિક રંગોની અસર ઉપજાવી છે. આવા ચબૂતરાઓમાં કચ્છી કલાસૌષ્ઠવનું દર્શન કરાવતો કાળા પથ્થરમાંથી ચણાયેલો ઐતિહાસિક ચબૂતરો ભૂજ (કચ્છ)ના ભીડ ચોકમાં આજેય ઊભો છે. ૫૫ થી ૬૦ ફૂટ જેટલી ઊંચાઇ ધરાવતો આ ચબૂતરો છ ઝરૂખા, ત્રણ અગાશીઓ અને કબૂતરોને માળા મૂકવા અને રહેવા માટે નાના નાના ગોંખથી સુશોભિત છે. તેનો ઘેરાવો ૪૦ ફૂટનો છે. ચબૂતરા પર લગાવેલી તકતી કથે છે કે ‘જાદવજી ખોડીદાસની વિધવા બાઇ રામકુંવરબાઇ તે મોરારજી હંસરાજની પુત્રીએ આ ચબૂતરો સંવત ૧૯૫૨ના જેઠ વદ ૧૨ ને રવિવારે ચણાવવાની શરૂઆત કરી અને મહારાવ શ્રી ખેંગારજીના ૨૧મા વર્ષમાં બંધાવીને ઈષ્ટદેવને અર્પણ કરેલ છે.’ તેના ખર્ચ પેટે ૨૦૦૦૧ કોરી (કચ્છી ચલણ) આપેલ છે. આજેય આ ચબૂતરામાં રોજ ૬૧૫ શેર ચણ કબૂતરોને નાખવામાં આવે છે. ગુજરાતમાં અજોડ ગણાય એવું વિશિષ્ટ શિલ્પસ્થાપત્ય ધરાવતો આ બેનમૂન ચબૂતરો છે.

ઉગમણા આભમાં સૂરજદાદાનું આગમન થાય ને રાશવા પંથ કાપે ન કાપે ત્યાં તો કબૂતરો અને રંગબેરંગી પંખીઓના મઘુર કલરવથી ચબૂતરો ગૂંજી ઊઠે છે. પક્ષીવિદોને અહીં પક્ષીઓનો અભ્યાસ કરવાની તક મળે છે. નાના બાળકોના ટોળામાં કોઇ બાઇ આવી ગઇ હોય તો એના માટે કહેવત કહેવાય છે: ‘કબૂતરખાનામાં ઢેલ આવી ગઇ.’ આવી વાતું છે કબૂતરો અને ચબૂતરાઓની…

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!