જૂના કાળે લગ્નપ્રસંગે વેલ્ય જોડીને જાનમાં જવાના રિવાજની વિસરાય ગયેલી વાતો

દિવાળીનું સપરમું પરબ રૂમઝૂમ કરતું વહી જાય, કારતક સુદ અગિયારસના તુલસીવિવાહનો લોકોત્સવ ઉજવાઈ જાય તી કેડ્યે લોકજીવનમાં વિવાડો ઉમટી પડે. ઢોલીડાના ઢોલ ધડૂકવા માંડે, શરણાયુંના સૂર વાતાવરણમાં નવો ઉછરંગ જગાડે. ઠેર ઠેર રૂડા માંડવા રોપાય. કે’દાડાના પૈણું પૈણુ કરતા જુવાનડાઓને અંતરમાં આનંદના રંગસાથિયા પુરાય. કોડભરી કન્યાઓના હૈયામાં આનંદ-મોરલા એકસામટા ટહૂકા કરવા માંડે એવા ટાણે તમે કાઠિયાવાડના કોઈ અંતરિયાળ ગામડે જઈ ચડો તો લટિયેલ લાડડીને પરણવા જતા કળાયેલા મોરસરખા હરખુડા વરરાજાની ધૂઘરા ઘમકાવતી વેલ્ય તમને અચૂક જોવા મળે. જાનડિયુંના ઝકોળા લેતાં લગ્નગીતો તમને ત્યાં સાંભળવા મળે. પણ… યાંત્રિક વાહનોની વણઝાર વચ્ચે લગ્ન પ્રસંગની વેલ્ય, વેલડાં સાવ જ અદ્રશ્ય થઈ ગયાં છે. આજે મારે અહીં વાલમિયાની વીસરાઈ ગયેલી વેલ્યની વાત માંડવી છે.

એકો, ગાડુ, રાગણુ ગાડું, માફો, સીગરામ અને વરવેલ્ય એ ભારતીય કૃષિ સંસ્કૃતિ અને સંસ્કાર સાથે જોડાયેલાં પુરાતની વાહનો છે. લોક સંસ્કૃતિની છડી પોકારતાં વિશિષ્ટ પ્રતીકો છે. આપણા કળારસિક લોકજીવનમાં વેલ્ય અને વેલડાં ક્યારથી આવ્યા એવો જો કોઈ પ્રશ્ન કરે તો એનો ઉત્તર શોધવા વેદકાળના વખતના સમાજ ઉપર નજર નાખવી પડે. એ કાળે આર્યસંસ્કૃતિનો ઊગમ થઈ ચૂક્યો હતો. લગ્નપ્રથા સુવ્યવસ્થિત રીતે આરંભાઈ ચૂકી હતી. આર્યલગ્નની ભાવના સમાજમાં સુચારુરૂપે પ્રસ્થાપિત થઈ હતી. એ કાળે વરરાજા રથમાં બેસીને કન્યાને પરણવા માટે જતા. રથને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવતો. રંગેચંગે લગ્ન ઉકેલાઈ ગયા પછી કન્યા રથમાં બેસીને પતિગૃહે પગલાં માંડતી. એ લગ્નરથની પરંપરામાં આપણી વેલ્ય આવે છે.

પ્રાચીન સમયના એ રથમાં કાળક્રમે અવનવા ફેરફારો આવ્યા. રથને બે કે ચાર અશ્વો જોડવામાં આવતા. ત્યાર પછી વાહન વ્યવહારના અનેક સાધનો અસ્તિત્વમાં આવ્યા. કૃષિપ્રધાન લોકજીવનમાં બળદોનું સ્થાન મહત્ત્વનું બન્યું. ખેતીવાડીમાં બળદોનો બહોળો ઉપયોગ થવા માંડ્યો. સાંતી-ગાડાનો વપરાશ વઘ્યો, પરિણામે ખેડૂતોએ લગ્ન જેવા મંગળ પ્રસંગે ઘરઆંગણે રહેલા ગાડાનો ઉપયોગ આરંભ્યો. લગ્ન જેવા આનંદના અવસરે જાન જોડવા માટે સાદંુ ગાડું કંઈ થોડું જ ચાલે ? અભણ પણ ખંતીલા એવા લોકસમાજના કોઠાસૂઝવાળા માનવીઓએ પોતાની હૈયાઉલકતથી બળદો અને ગાડાંને ભાતીગળ ભરત વડે કળામય રીતે શણગારવા માંડ્યા. દૂર દેશાવર કન્યા પરણવા જતા વરરાજા રજે (ઉડતી ઘૂળ) ભરાઈને કે ઉનાળાના આકરા તાપથી શામળા ન થઈ જાય એવા વિચાર વલોણામાંથી વેલ્ય અસ્તિત્વમાં આવી હશે એવી કલ્પના કરી શકાય. આ વેલ્ય એ જ આપણી વરવેલ્ય. સુખી- સંપન્ન રાજપૂત દરબારો જૂના કાળે લગ્નપ્રસંગ માટે ગુર્જર સુથારો પાસે ખાસ પ્રકારની વેલ્ય તૈયાર કરાવીને ઘરઆંગણે રાખતા. સારા અશ્વો અને સારા બળદોની જેમ વેલ્ય જેવું રાસ રાખવાનો પણ એક શોખ હતો. લોકબોલીમાં વેલ્યને વેલડા તરીકે ઓળખવામાં આવે છે. લોકનારીઓએ લોકગીતોમાં એને વેલડી તરીકે લાડ લડાવ્યા છે. આવી વેલ્ય લગ્નપ્રસંગ ઉપરાંત વહુરાણીનું આણું તેડવા જતી વખતે પણ વપરાય છે. વીરો બહેનીને તેડવા જાય ત્યારે પણ વેલ્યે બેસીને જાય છે.

ગુજરાતમાં વિશેષતયા સૌરાષ્ટ્રમાં જૂના કાળે રથ જેવી ચાર પૈડાવાળી વેલ્ય ઉપયોગમાં લેવામાં આવતી. આજે પણ કાઠિયાવાડના શોખીન કાઠી દરબારો અને ગરાસદારોના આંગણે વેલ્યના જૂના નમૂના જળવાયેલા જોવા મળે છે. વેલ્યની હારોહાર સિગરામ અસ્તિત્વમાં આવ્યા. લાજ-મલાજામાં વઘુ માનનાર દરબારો અને જાગીરદારોની વહુ- દીકરીઓ સિગરામમાં બેસીને મુસાફરી કરતી. એ બધી પ્રથાઓ હવે ભૂંસાઈ ગઈ છે. આજે તો ગાડાને શણગારીને વરવેલ્ય તૈયાર કરવામાં આવે છે. મોટરમાં બેસીને પરણવા જનાર વરરાજાને વેલ્યમાં બેસીને પરણવા જવાની કેવી મોજ આવે એનો અણસાર પણ આવવો અઘરો છે.

આંગણે લગન લેવાય એટલે જુવાનિયા ને ઘરડાબુઢ્ઢાં સૌ કોઈનાં હૈયામાં હરખ ન માય. જાનમાં જવા સૌ પેટી-પટારામાં મૂકેલા નવાંનકોર કપડાં ને ઘરેણાં પહેરી તૈયાર થઈ જાય છે. સૌના અંતરમાં આનંદનો અબીલ- ગુલાલ ઉડે છે. જાનના ગાડાં ને બળદોને રંગબેરંગી ભરતકામથી શણગારવામાં આવે છે. ગાડાની ડાગળી માથે ખપાટુની ચોકડી પાડી માફો બનાવી આકળા, તોરણ અને ઢાંકણ ભરતથી લાટાપાટા શણગારવામાં આવે છે. ગાડામાં શિયાળુ કે ડાંગરનું પરાળ તેના પર મોદ પાથરી ઉપર ગાદલુ કે રજાઈ પાથરવામાં આવે છે. હાથમાં નાળિયેર ને ખભે તલવાર લઈ વરરાજા વેલ્યમાં બેસે છે. ફરતી જાનડિયુ ઢૂંગે વળીને બેસે છે. માતા પરણવા જતા પુત્રના દુઃખણા લઈ દસેય આંગળિયે ટચાકા ફોડી અંતરના આશિષ આપે છે. નાળિયેર ફોડી તેના પાણીથી વેલ્યના પૈડાંને શુકનરૂપે સીંચવામાં આવે છે. સારા શુકન જોઈને વેલ્ય કન્યાના ગામ ભણી વહેતી થાય છે. જાનડિયુ ગાણુ ઉપાડે છે ઃ

શુકન જોઈ જોઈને સંચરજો રે
સામો મળિયો છે માળીડો રે
માળીડો ફૂલગજરા આપી
પાછો વળીઓ રે શુકન…

ગાડામાં બેસીને પરણવા જવાનો ચાલ સૌરાષ્ટ્રની રાજપૂત, કણબી, કોળી, ખરક પલેવાળ, રબારી, ભરવાડ વગેરે જાતિઓમાં જોવા મળે છે પરંતુ વેલ્યને કળામય રીતે શણગારવાનો શોખ અને સંસ્કાર રાજપૂત- ગરાસદારો, કાઠી, આયર, સથવારા વગેરે જાતિઓમાં સવિશેષ જોવા મળે છે. વરવેલ્યની સાથે જાનમાં ચાર- પાંચ ગાડાંની હારમાળા હોય, કાઠી દરબારોની જાનમાં પાંચ- પચ્ચીસ ઘોડા હમચીકૂંડું ખુંદતા હોય. બે ચાર હથિયારધારી વળાવિયા ભેળા હોય, વેલ્ય હાંકવા માટે શાંત પ્રકૃતિના ઠરેલ આદમીને બેસાડવામાં આવે છે. માલાજાળી ધૂઘરા ઘમકાવતા વઢિયારા બળદો ઉતાવળા પગે ઉપડે છે. તાંબાની ટબુડીમાં સોપારી, મગ, ખારેક, પૈસો ને વડાગરા મીઠાનો ગાંગડો નાખી વરલાડાની બહેની વીરને માથે ખખડાવે છે. કોકીલકંઠી જાનડિયુંના ગળાં લગ્નગીતોથી ગહેંકવા માંડે છે.

કોયલ બેઠી જૂનાગઢને ગોંખ
મારો મોરલિયો બેઠો રે
ગઢને કાંગરે હો રાજ !
કોયલ માગે ચૂંદડિયુની જોડ્ય;
લાલજીભૈ માગે રે લડિયેલ લાડડી હો રાજ

ધૂઘરમાળ ઘમકાવતી વેલ્ય એક ગામ મૂકે છે ને બીજા ગામની વાટ પકડે છે. ગામના પટલિયા જાનના ગાડાંને ચા-પાણી ને કાવાકસૂંબા પાવા રોકે છે. ચાપાણી કરી થાકોડો ઓગાળી જાનનાં ગાડાં કન્યાના ગામભણી ઉપડે છે… ગામ ઢૂંકડું આવતા ગાડાં આગળ કાઢવાની હરીફાઈ થાય છે. રીડિયા ને પડકારા વચ્ચે બળદો હરણફાળે ઉપડે છે. રંગબેરંગી ઝૂલ્યો હવામાં ઊડતી જાય છે. કોઈના બળદો આડફેટા ઉપડે છે. કોઈ ગાડું ઊંઘું નાખતા જાનૈયા જમીન માથે ફંગોળાય છે. આમાં જેનું ગાડું ગામમાં પહેલું આવે એના બળદોને માંડવાવાળા ઘીની નાળ્યુ પાય છે. જાનૈયાને ગાઢિયાગોળનું પાણી પાય છે. સૌ હેતથી છાયામાયા મળે છે પછી જાન ઉતારે જાય. રાતના ચૉરી ને માયરાં થાય. ધામઘૂમથી લગ્ન ઉકેલાઈ જાય પછી કન્યાને લઈને વેલ્ય વરરાજાના ગામ ભણી જવા નીકળે છે.

દરબારોમાં વેલ્ય કન્યાને લઈને ગામમાં પાછી ફરે ત્યારે વરરાજાની ચતુરાઈનું પારખું કરવા વેલ્યને સંતાડવાનો રસપ્રદ રિવાજ જાણીતો છે. વેલ્ય સાંજના ગામમાં આવે ત્યારે એને ગામઝાંપે નિશાળમાં કે પાદરમાં ઝાડ નીચે ઉતારો અપાય છે. દિ’ આથમી જાય ને અંધારું થાય એટલે ગામના મશ્કરા જુવાનિયા વહુરાણીને બેસાડેલી આખી વેલ્ય ખેંચીને કોઈના ખંઢોરિયામાં, વાડા કે ડહેલામાં જઈને સંતાડી આવે છે. વરરાજા ઘોડે ચડીને ગામમાં વેલ્ય ગોતવા નીકળે છે એ વખતે ગામનો રાત (વાળંદ) હાથમાં મશાલ લઈને મોર્યમોર્ય ચાલે છે. હરખઘેલા જુવાનિયા ને ગામલોકો આનંદથી રીડિયારમણ કરતાં કરતાં વાંહે દોડે છે. ત્યારે ટીખળી જુવાનિયાઓ જ્યાં વેલ્ય સંતાડી હોય એનાથી અવળી દિશામાં સંતાઈને હાથ વડે બળદના ધૂઘરા વગાડે છે. ધૂઘરા ઘડીક ઉગમણાં વાગે તો ઘડીકમાં આથમણાં ને ઓતરાદા વાગે ભોળિયા વરરાજાને સવાર સુધી ધૂઘરાના અવાજ વાંહે ફેરવ્યા કરે છે. ગામલોકોને મનોરંજન મળે છે. એમાં જો નજીકનો ગોઠિયો (ભાઈબંધ) ફૂટી જાય તો વરરાજાની વેલ્યને શોધી કાઢે છે. એને લડાઈ જીત્યા જેટલો આનંદ થાય છે. વેલ્ય શોઘ્યા પછી વર. કન્યાના લગ્ન લેવાય છે. ગરાસદારોમાં વરરાજાની વેલ્ય જ જાય. વરરાજા સાસરીમાં પરણવા જતો નથી. એમનું ‘ખાંડુ’ જાય એટલે તલવાર. કન્યા તલવાર હાર્યે ત્રણ ફેરા ફરે અને ચોથો ફેરો સાસરે આવીને વરરાજા સાથે ફરે એવો રિવાજ છે. આ રીતે ચાર મંગળ પૂરાં થાય છે.

વિરમગામ વિસ્તારના વઢિયાર પંથકમાં વરરાજા વેલ્ય બેસીને પરણવા જાય છે તે સાંગામાચીના નામે ઓળખાય છે. સાંગામાચી તેની વિશિષ્ટ રચનાને કારણે જાણીતી છે. વરવેલ્યની જેમ સાંગામાચીમાં ગાડાંનો ઉપયોગ કરવામાં આવે છે. ગાડાની ડાગળી (કોઠો) કાઢી લઈ તેની જગ્યાએ ખાટલા જેવડી મોટી પાયાની માચી મૂકવામાં આવે છે એથી એને સાંગામાચી કહે છે. એ ખાટલાની જેમ પાટીથી ભરેલી હોય છે. તેના આગળના બે પાયા ટૂંકા અને પાછળના બે પાયા લાંબા હોય છે જેથી ઢળતા ગાડામાં સમાન્તર બેઠક જળવાઈ રહે.

આ સાંગામાચી પર લગ્નવાળા ઘરની સ્ત્રીઓ નાનકડા વરરાજાને ખોળામાં લઈને બેસે છે. (નાડોદા રાજપૂતોમાં જૂના કાળે બાળલગ્નો થતાં) સાંગામાંચીમાં એકાદ બે પુરુષ સિવાય બધી સ્ત્રીઓ હાથના આંકડા ભીડી વરરાજાની કોરેમોરે બેસતી. સૌના માથે રંગીન કામળી ઢાંકી દેતા. સાંગામાચી હાંકનાર બળદોને દોડાવે. ઘાસઘડિયા આવે ને સ્ત્રીઓ હેઠી પડે તો મધપુડાની જેમ સ્ત્રીઓનું આખું ઝોલું પડે. સાંગામાચી હાંકનારો પછી ઊભો રહેતો નથી. સ્ત્રીઓ ઘૂળ ખંખેરીને ચાલતી ચાલતી માંડવે પહોંચી જાય છે. ગાણાં ગાવામાં ને રમવામાં મશગૂલ બની જાય છે. વિદાય વેળાએ વેલ્ય સીમાડે પહોંચે ત્યારે પાછળ ઘોડેસ્વારો આવીને બાઇયુંના ભૂલાઈ ગયેલા નાનાં છોકરાં પાછાં આપી જાય. ગાણાં ગાવાનું આવું ગાંડપણ છે ભાઈ !

ગામડાગામની અભણ નારીઓએ વેલ્યને લોકગીતોમાં અજબ રીતે ગૂંથી લીધી છે. બાળપણમાં પરણીને સાસરે ગયેલી કન્યાને તેનો વીરો તેડવા આવે છે. બહેનીએ મેડીની બારી માથેથી પિયરના મારગભણી નજર નોંધી ત્યાં તો ઃ

ઊડા તે રણમાં કંઈ ઊડે ઝીણી ખેપું જો
વેલડિયું આવે વીરની ધડૂકતી રે.

વીરાની વેલ્ય આંગણે આવીને ઊભી રહી. બહેનીનું અંતર આનંદથી કૉળી ઉઠ્યું. એ વીરનું સ્વાગત કરતી કહે છે ઃ

વેલ્યું છોડજો રે વીરા લીલા લીંમડા હેઠ રે (૨)
ગોધા બાંધજો રે સામા ઓરડે
નીરજો નીરજો રે વીરા, લીલી નાગરવેલ્ય રે (૨)
ઉપર નીરજો રે સાકર શેરડી.

જૂના કાળે લોકજીવનમાં મંગળ પ્રસંગે વેલડાનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારે અંકાતું. માફાળી વેલ્ય ભલે ઓઝલ પ્રથામાંથી અસ્તિત્વમાં આવી હોય પણ દૂરદેશાવરથી આવતી કન્યા માટે ઘૂળ અને તાપતડકાથી રક્ષણ કરનારી બની રહે છે.

વેલ્ય સાથે જોડાયેલી કહેવતો પણ મળે છે. ઉ.ત. ‘વેલ્ય વળાવવી’, દીકરીબાને વેલ્યે બેસાડવાં અર્થાત્ એના લગ્ન થવાં તે. ‘વાત કરી ત્યાં વેલ્યમાં બેસી ગયાં.’ સગપણની વાત ચાલતી હોય ત્યારે એક પક્ષ જાતે નિર્ણય કરી લે ત્યારે આ કહેવત મજાકમાં કહેવાય છે. આવી કહેવતો ભાષાનું ઘરેણું બની રહે છે.

ગુજરાતના ગામડાંઓમાં જાનમાં વેલ્ય જોડીને જવાનો કે બહેન દીકરીના આણાં પરિયાણા પ્રસંગે વેલ્યમાં જવાનો રિવાજ લોકશાસ્ત્રના પાના પર જ રહી ગયો છે પણ એના આનંદને વાગોળવાની પણ એક મજા છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!