સંતના સાંનિધ્યથી સાંપડતી શીતળતા જેવો શીળો સમિર વડોદરાને વિંઝળો ઢોળી રહ્યો છે. લક્ષ્મીવિલાસ મહેલને વિંટળાઇને વિસ્તરેલી આમ્રકુંજમાં પરભૃતિકાના નીતરતા ટહુકાથી ઉપવન ઉભરાઇ રહ્યું છે.
વિવિધરંગી સુગંધસભર પુષ્પો પર ઝળુંબી ઝળુંબીને મધુકરો ગુંજારવ કરી રહ્યા છે. એવે વખતે મહેલના સભાખંડમાં દોઢેક હજાર શ્રોતાઓના કાન સરવા થઇ રહ્યા છે. તેમાં અમીર ઉમરાવ, નગર શ્રેષ્ઠિઓ, પ્રકાંડ પંડિતો, વિદ્યા-વાચસ્પતિઓ, શાસ્ત્રીઓ, ધર્મધુરંધરો, મહેતા મુત્સદ્દીઓ, કાબેલ કારભારીઓએ આસન વાળ્યાં છે તો સામા સેના ખાસ ખેલ શમશેર બહાદૂર દોલતે ઈંગ્લીશીઆ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ ગાદી પર આરૂઢ થયેલા છે. તેમની લગોલગ શાસનસમ્રાટ બુદ્ધિસાગર મહારાજ સાહેબ પાટ પર બિરાજમાન છે. આમ સંત અને શાસકનો સંયોગ સર્જાયો છે.
વાત એમ બની છે કે તે દિ’ ગુણવંતી ગુજરાતની ભૂમિ ઉપર કર્મ, ધર્મ અને મર્મનો જેના જીવનમાં ત્રગડ રચાઇ ગયો છે એવા શ્રીમદ્ બુદ્ધિસાગર મહારાજ સાહેબે મહારાજા સયાજીરાવના ભક્તિભાવભર્યા આમંત્રણથી વડોદરાના મહેલમાં પુનિત પગલાં પાડયાં છે. તે સાથે મહારાજશ્રીએ દેશભરના પંડિતો, વિદ્વાનો અને વ્યાખ્યાતાઓને નોતરીને આત્મઉદ્ધારનો મારગ ગોતવાની ગોઠડી માંડી છે.
ગુરુદેવની નજર શ્રોતાઓ પર ફરી રહી છે. સંસારીઓના આત્માઓનો ઉધ્ધાર અને ઉજાગર કરવા નિર્મળ ઝરણાં નીતરે છે. જેની સાધુતાની સુવાસ ચારેય છેડાને છબી ગઇ છે એવા યોગનિષ્ઠની વિદ્વત્ વાણીમાં તરબોળ થતા શ્રોતાઓના ઉરમાંથી ‘અહિંસા પરમો ધર્મ‘ના આંદોલનો ઊઠી રહ્યાં છે. ભોગને ભાંગીને ભુક્કો કરી યોગને આંબી ગયેલા આ અવતારી આત્માના ઓજસ સાંભળનારાના ચિતને અંજવાળી રહ્યા છે. ભીતરમાંથી ઊઠતી ભક્તિની ભભકથી મહેલનો દરબારી ખંડ તરબોળ થઇ રહ્યો છે.
શ્વેત વસ્ત્રધારી સંત અને શ્વેત વસ્ત્રધારી શાસક બ્રહ્માંડના નક્ષત્રની જેમ શોભી રહ્યા છે. બન્ને પૂર્વાશ્ચમના અને વર્તમાનના ખેડૂતો છે. એક અધ્યાત્મિકના ખેતરમાં ચાસ પાડી ધર્મનાં બીજ રોપી રહ્યા છે તો બીજા શાસનનું ખેતર ખેડી સુશાસનના ચાસ પાડી પ્રજાને માટે સમૃદ્ધિનાં બીજ બોઇ રહ્યા છે. એકને ભૌતિક સુખ આપવું છે, બીજાને આત્મજ્ઞાાનની અનુભૂતિ કરાવવી છે. બન્નેના મનોરથ સદ્ભાવનાથી છલોછલ છે.
આમ આત્મઉદ્ધાર ને આઝાદીની ઈચ્છાને પરિપૂર્ણ કરવાનો યજ્ઞ માંડીને બેઠેલા મહારાજ સાહેબને સૌ એક ચિત્તે સાંભળી રહ્યા છે. પંડિત પુરોહિતો, વેદવેદાન્તના જાણકારો, અખંડ ઉપાસકો, જ્ઞાાનીઓ, એકધારી બે કલાક સુધી વહેલી વાણીના શબ્દને ચિત્તમાં સંઘરવા લાગ્યા.
અહિંસાના અમોઘ શસ્ત્રને એવી તો ચિત્તવેધક વાણીમાં મહારાજ સાહેબે છોડયું કે બુદ્ધિસાગર મહારાજ સાહેબના બોલ ઉપર વડોદરા મહારાજાએ પોતાના રાજ્યમાં દશેરાના દિવસે પરંપરાગત રીતે ચાલતા પશુબલીના રિવાજને બંધ કરવાની જાહેરાત કરી, અહિંસાના ઉપદેશનો સ્વીકાર કર્યો. બુદ્ધિસાગર મહારાજ સાહેબનો પિંડ પટેલ કુળનો. વતન વિજાપુર. પિતાનો ધંધો ખેતીવાડીનો. સંસારી નામ બહેચરદાસ. આ બહેચરદાસને કર્મે કોદાળી નહીં પણ ધર્મની ધજા ફરકાવવાના લાખેણા લેખ લખાણા હતા. કિશોર વયે ધર્મનો ઉદય થઇ ગયો. પૂરવ જનમના સંસ્કારનો સૂરજ ઊગી ગયો. બેચરદાસે જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ નામ ધારણ કર્યું. તે દિવસથી તેઓ ગહન જ્ઞાનના સાગરને ડખોળવા લાગ્યા. તેને તળિયેથી સત્ય, અહિંસા અને સેવાનાં અણમૂલ મોતી વીણીવીણીને સમાજને અર્પણ કરવા માંડયાં. ઉર્દુ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃતમાં પારંગતતા પ્રાપ્ત કરી. ચિંતન-મનન સમૃદ્ધ થતું ચાલ્યું. તેમાંથી એક પછી એક ગ્રંથોનું સર્જન થવા માંડયું.
યોગ, કાવ્ય, તત્ત્વજ્ઞાન, ઈતિહાસ, ભજનો વગેરેના ૧૩૫ ગ્રંથોનો ગંજ ખડકાયો. પોતે લખેલા ગ્રંથોને શિષ્યો ગણનાર અદ્ભુત યોગીએ જ્ઞાન અને ધ્યાનને વિરાટ સ્વરૂપે વિકસાવી તેમાંથી આ પુનિત પુરૂષે પાષાણમાંથી પુષ્પ પ્રગટાવવાની પ્રચંડ સાધુતાની શક્તિ પ્રાપ્ત કરી.
આજીવન ખાદી વસ્ત્ર ધારણ કરનાર આ વિરલ વિભૂતિએ સુરતમાંથી શરૂ કરેલી સાહિત્યસાધના ચોવીસ વર્ષના સાધુ જીવનની છેલ્લી ક્ષણ સુધી અસ્ખલિત રાખી.
ભારતના ભડવીર લોકમાન્ય તિલક મહારાજે લખ્યું કે, ‘જો મને પહેલેથી ખબર હોત કે તમે કર્મયોગ લખી રહ્યા છો તો હું મારો કર્મયોગ કદી ન લખત.’
મહાત્મા ગાંધી, લાલા લજપતરાય અને પંડિત મદનમોહન માલવીયા સાથે દેશ અને ધર્મોન્નતિની વિશદ છણાવટ કરનાર આ સંતશિરોમણિને કાશીના પંડિતોએ ‘શાસ્ત્ર વિશારદ’નું બિરુદ આપ્યું.
માત્ર ગુજરાતમાં નહિ પરંતુ સમગ્ર ભારતમાં તેમનો પુનિત પ્રભાવ પથરાઇ રહ્યો. જાહેર વ્યાખ્યાનની પહેલ કરનાર આ દ્રષ્ટિવંત દેશભક્તે અમદાવાદના આંગણે ભરાયેલું મહાસભાનું અધિવેશન સમજપૂર્વક નિહાળ્યું હતું. મહેસાણામાં રામાનંદી સંપ્રદાયના પૂ. સમર્થરામજી મહંતે વેણ ઉચ્ચાર્યાં કે, હિન્દુસ્તાનના ઘણા ભાગોમાં મેં પરિભ્રમણ કર્યું પણ આવો ત્યાગી અને યોગી મેં ક્યાંય જોયો નથી.
વડોદરાના મહારાજ સયાજીરાવને બે કલાક સુધી પોતાની જ્ઞાનગંગા વહાવી ભીંજવી નાખનાર સમાજના તમામ વર્ગોમાં સત્ય, અહિંસા અને સદ્ભાવનાનો ત્રિવેણી સંગમ સર્જનાર પૂ. ગુરુદેવ બુદ્ધિસાગરજી અગાઉથી સર્વને જણાવી વિક્રમ સંવત ૧૯૮૧ના જેઠ વદ ત્રીજ ને મંગળવારના રોજ ધ્યાનસ્થ થયા.
વધુ માહિતી
– પૂ. બુદ્ધિસાગર મહારાજ સાહેબનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં વિક્રમ સંવત ૧૯૩૦ની મહાશિવરાત્રીના પર્વદિને થયો હતો.
– તેમના પિતાનું નામ શિવાભાઇ પટેલ હતું અને માતાનું નામ અંબાબહેન હતું.
– તેમની જીવનની સંયમયાત્રાનો સમય ૨૪ વર્ષ જેટલો હતો. તેમણે યોગસાધના, સાહિત્યસર્જન અને સમાજસેવાનાં કાર્યો કર્યાં હતાં. પ્રાંતિજ અને વિજાપુરમાં હરિજન બાળકો માટે શાળાઓ બનાવરાવી હતી.
– વિજાપુરમાં તેમના અગ્નિસંસ્કારના સ્થાને તેમના પરિવારના ગચ્છાધિપતિ આચાર્યશ્રી સુબોધસાગર સૂરીશ્વરજીએ બનાવેલ સમાધિ મંદિર આ મહાન યુગપુરુષનાં પુનિત સ્મરણોને સંઘરી રહ્યું છે.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..