સૂર્ય પ્રભાના પ્રસરતા તેજ પૂંજો પુષ્પ પાંખડીઓ પર ઠેરી ગયેલા ઝાંકળ બિંદુઓ જીવી રહ્યાં છે. દેવ મંદિરોમાં આરતીની જયોત ઝળરળી રહી છે. જેની ઉપર શ્રીજી મહારાજની મહેર ઉતરી છે. એવા મુળી ગામના મંદિરે મંગળ તુરીના નાદ ઉઠી રહ્યા છે. હરિ હારે હેતની હિર ગાંઠયે ગંઠાયને હરિભક્તો આરતી પૂર્ણ થતા સૌ પોતાના ઘર ઢાળા હાલ્યા ગામના ગરાસદારો અને ખેડૂતો પૂગ્યા બ્રહ્માનંદ સ્વામી પાસે.
તે દિ’ મુળીમાં બ્રહ્માનંદસ્વામી શિખબંધ મંદિર બંધાવીને સૌને રાજીના રેડ કર્યા હતા. બ્રહ્માનંદસ્વામીનું પુર્વાશ્વીમનું નામ લાડુદાનજી ગિરિરાજ આબુની તળેટીમાં આવેલ ડુંગરપુરુના ખાણ ગામમાં એમનો જન્મ મોટા થયા મા શારદા એની જીભને ટેરવી બેઠા પિતા શંભુદાનજી શિરોહીના રાજકવિ એક દિવસ પુત્ર લાડુદાનજીને રાજદરબારમાં લઇ ગયા કિશોરવયના લાડુદાનજીએ દુહા – છંદની એવી તો રજુઆત કરી કે રાજી રાજી થઇ રૂડા રાજવીએ કહ્યું કે લાડુદાનજીને ડીંગળ – પીંગળનું ભણવા કચ્છ મોકલો માતા-પિતાનું મન પુત્રને આંખથી અષ્ઠિ કરવાનું ન માન્યું. પણ કિરતારે જેના લલાટમાં શ્રીહરિના ચરણ સેવીને ગુણગાન ગાવાની ટાંક ત્રોફી હતી એવા લાડુદાનજીને કચ્છથી મહેમાન તરીકે આવેલા ભૂદેવ પોતાની ભેળા લઇ ગયાં.
વૃજ પાઠશાળામાં લાડુદાનજીનો અભ્યાસ આરંભાયો અભયદાનજી પાસેથી તેમને એષ્ટાવધાન-શતાવધાન પર સહજ સિદ્ધિ પ્રાપ્ત કરી. ભાંગતી રાત્રે જ્યારે લાડુદાનજી રેણકીછંદ લલકારે ત્યારે અર્ધુનગર ભર નિંદરમાંથી જાગી જઇને તેમની અમૃતવાણીમાં વિહરી રહેતું. પૂર્ણ અભ્યાસને આંબી જઇને લાડુદાનજીએ પોતાના વતન ભણી વળી નિકળવા પરીઆણ આદર્યું એની જાણ કચ્છના મહાજાવને થતાં તેમણે લાડુદાનજીને કહ્યું કચ્છમાં કાયમી મુકામ કરોતો પસાવા અને બાર ગામ બક્ષિસ આપું.
મહારાવ મારા માતા-પિતાને મારા વિયોગ વસમો લાગે છે. રોકાય થઇ રહેવાનું કથિન છે. પછી તો લાડુદાનજી ધ્રાંગધ્રાના રાજવીને રીજીવીને પાંચ હજારનો શિરપાવ મેળવ્યો. જામનગર-માળીઆ થઇને જુનાગઢના નવાબને પોતાની કાવ્ય ચાતુરીથી ચકિત કરીને ફલદાર અને કીર્તિ મેળવીને ફરતા ફરતા ભાવનગરના ભૂપ સામે ખડાં થયા બળકટ બાની વહેતી કરીને કવિએ ભરી કચેરીને રસ તરબોળ કરી દીધી.
ભાવનગરની કચેરીમાં રાજુલાના સોની નાગભાઇના કપાળમાં સ્વામીનારાયણનું તિલ્લક નિહાળીને લાડુદાનજીએ પુછ્યું.
‘ આ ટીલુ વળી ક્યાં પંથનું’ ?
સોની મહાજને હળવેથી ઉત્તરવાળ્યો.
કવિરાજ આતો સ્વામીનારાયણ સંપ્રદાયનું છે.
‘આ નવતર ક્યાંથી નિકળ્યું ?’
આવા સવાલના જવાબમાં નાગભાઇએ સહજાનંદ સ્વામીના અપરંપાર પરચાની માંડણી માંડી લાડુદાનજી સાંભળીને એટલું જ બોલતાં કે મારે એનો તાગ લેવો પડશે.
લાડુદાનજી આવીને ઉભા રહ્યા ગઢડાના દાદા ખાચરના દરબારમાં ત્યારે શ્રીજી મહારાજ પૂર્વે મુખે કાળા કામળા ઉપર બેઠાં હતા. ગળામાં તાજા ગુલાબનો હાર અરધી રહ્યો હતો. લાડુદાનજીએ આવેલા જોઇ સ્વામીએ ફૂલનોહાર કવિને પહેરાવ્યો પછી લાંબા પગ કરી કહ્યું અમારા ચરણમાં ચિહ્ન કેટલા છે ? ગણી બતાવો.
લાડુદાનજીએ નજરને ઝીણી કરી જોયું તો સોળ ચિહ્ન દેખાયા તેજ પળે તેમણે સોળે ચિહ્નની આ પ્રમાણે રચના સંભળાવી.
કમળ, ધ્વજ, અંકુશ, જવ, વ્રજ, જંબુ ઉર્ધ્વરેખા, અષ્ટકોણ, સ્વસ્તિક નવ, દરિછન પદ ચિહ્નદેખ ગોદ ધનુષ્ય ત્રિકોણ મછ ચંદ્રકળશ નભ સાત ચિહ્ન વામ પદ ચિંતવો પુરુષોત્તમ સાક્ષાત પછીનો લાડુદાનજી ગઢડામાં જ રોકાઇ રહ્યા શ્રી હરીએ કસોટીઓ કરી તેમાંથી પાર ઉતર્યા એટલે લાડુદાનજીમાંથી બ્રહ્માનંદસ્વામી રૂપે પ્રકટ થયાં.
આવા બ્રહ્માનંદ સ્વામીએ વડતાળ અને જુનાગઢમાં શિખરબંધ મંદિરો બાંધવાની આજ્ઞાને પરિપૂર્ણ કરી મુળીના મંદિરનું નિર્માણ કાર્ય કરી સૌને સુખીઆ કરનાર સ્વામીએ ગરાસદારો અને ખેડૂતોના બોલ સાંભળ્યાં.
‘સ્વામી અમારો ઉભો મોક સુકાય છે. કાંક ભગવાનને આરદા કરો કે વરસાદ આવે.
‘બ્રહ્માનંદસ્વામીએ આંખના પોપચા ઢાળીને કહ્યું શેઢે વાત.’
બપોર ઢળીને સ્વામીએ સિતાર હાથમાં લીધીને સ્વામીનારાયણ ભગવાનની પ્રતિમા સામે પલાંઠી વાળી સિતારના તાર પર ટેરવા ફેરવ્યા કંઠમાંથી મલ્હાર રાગને રમતો મુક્યો.
ધડી સાપડીમાં ઉઘાડા આભમાં વાદળાનો તોર બંધાયો ભગવાન ગેડીદડે રમતા હોય એમ આભમાં ગડેડાટના નાદ ઉઠવા લાગ્યા વિજળીએ વળાંક લીધા પાંચાળનાં ડુંગર કોટે મોરના ગહેંકાટ ગરજ્યાં જોત જોતામાં નભમાંથી પાણીના પરનાળા મંડાઇ ગયા હતા.
નોંધ: પૂ.બ્રહ્માનંદ સ્વામી વિષે જામનગરના રાજકવિ માવદાનજી ભીમજીભાઇ રત્નુએ ‘શ્રી બ્રહ્મસંહિતા’ નામનો ગ્રંથ રચીને આ સમર્થ સંતનો સુપેરે પરિચય કરાવ્યો છે.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ