8. બીજું પગથિયું – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

મુરાદેવીએ પોતાની પરિચારિકા દ્વારા સાધારણ ધારણાથી જે પત્ર પાઠવ્યું હતું, તે પત્રનું આટલું બધું સુખાવહ પરિણામ થશે, એવી બીજાઓને તો શું, પણ પરિચારિકા અને મુરાદેવીને પોતાને પણ આશા હતી નહિ. તે પત્રિકા પહોંચાડનારી પરિચારિકા વૃન્દમાલા જ હતી. માત્ર બે જ દિવસ પહેલાં એ જ વૃન્દમાલા પોતાની સ્વામિનીના વર્તન માટે ચિંતાતુર થઈને વસુભૂતિને એ વિશે શો અભિપ્રાય છે, તે પૂછવાને ગઈ હતી. તે વેળાએ વસુભૂતિએ પોતાનો અને મુરાદેવીનો મેળાપ કરાવી આપવાની ઇચ્છા દર્શાવી હતી અને તેના મનને શાંત કરવાનું વચન આપ્યું હતું, એટલે વૃન્દમાલા વસુભૂતિ અને મુરાદેવીનો મેળાપ કેવી રીતે કરાવવો, એના વિચારમાં નિમગ્ન થઈ ગઈ હતી. તેણે પોતાના મનમાં એવી યોજના કરી હતી કે, “સોમવારે મુરાદેવી કૈલાસનાથના દર્શને આવશે, ત્યારે કોઈ પણ ઉપાયે વસુભૂતિ સાથે એની વાતચિત થાય, એવો પ્રસંગ લાવીશું ને એકવાર એમનું પરસ્પર સંભાષણ થયું એટલે પછી ભગવાન વસુભૂતિ માર્ગને નિષ્કંટક બનાવી નાંખશે.” વૃન્દમાલા જ્યારે આવા વિચારોમાં હતી, ત્યારે મુરાદેવીના મનમાં વળી બીજા જ વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. પોતાના વૈરનો બદલો લેવાનું કામ ફતેહમંદીથી પાર પાડવા માટે શા ઉપાયો કરવા અને તેનો આરંભ કેવી રીતે કરવો, એ વિશેના વિચારો એક પછી એક તેના મનમાં થયા કરતા હતા. તે નીચે પ્રમાણે હતા;-

“પ્રથમ કાર્ય તો એ છે કે, રાજાનું અને મારું પરસ્પર દર્શન અને સંભાષણ થવું જોઈએ. પણ તે થાય કેવી રીતે? જો હું જ પોતે ચાલ ચલાવીને રાજસભામાં રાજા સમક્ષ જઈને ઉભી રહું, તો તે શક્ય નથી અને ઇષ્ટ પણ નથી; કારણ કે, સર્વ લજજાનો પરિત્યાગ કરીને રાજસભામાં અથવા તો જ્યાં રાજા બેઠા હોય ત્યાં જવું કેવી રીતે? ને કદાચિત જાઉં, તોપણ ત્યાં મારું અપમાન નહિ થાય, એનો શો નિશ્ચય ? અને એવી રીતે અપમાન કરવામાં આવે, તો તેનું પરિણામ શું આવે? કદાચિત્ મહારાજા પોતે અપમાન ન પણ કરે, પરંતુ બીજી રાણીઓ અને તેમના પક્ષના મનુષ્ય દ્વારા અપમાનની વિશેષ સંભાવના છે. અર્થાત્ પોતાના સ્થાનને છોડવાથી કાર્યની સિદ્ધિ કોઈ કાળે પણ થવાની નથી.

ત્યારે બીજો ઉપાય શો? એ જ કે અચિન્ત્ય ક્યાંક મહારાજાની દૃષ્ટિએ પડવું:–પણ હાલની સ્થિતિ જોતાં એમ થવું પણ સંભવિત દેખાતું નથી. બીજી રાણીઓએ પોતાના મંડળમાંથી મને દૂર કરેલી છે, માટે તેમના મંડળમાં જઈને પાછું કેમ બેસી શકાય? અને તેમના મંડળમાં ન બેસાય, તો અચિન્ત્યરીતે મહારાજની દૃષ્ટિએ પડીને કાર્ય સાધવાની આશા રાખવી પણ વ્યર્થ છે. ત્યારે ત્રીજો ઉપાય માત્ર એ જ કે, સાહસ કરીને મહારાજના નામે એક પત્ર લખવું, અને તે પત્ર મારી પરિચારિકા વૃન્દમાલા દ્વારા મોકલીને તે મહારાજાના પોતાના જ હાથમાં જાય એવી વ્યવસ્થા કરવી. એ પત્ર તેમને પહોંચે, તો જ આપણા કાર્યની સિદ્ધિનો કાંઈક સંભવ રાખી શકાય; અન્યથા તેમ થવું સર્વથા અસંભવિત છે. એ સંભવ પ્રમાણે જો સર્વ થયું, તો તો ઉત્તમ જ, નહિ તો ગયા સોળ વર્ષમાં જે સ્થિતિ હતી, તેથી વધારે ખરાબ સ્થિતિ તો થવાની નથી જ” એવો દૃઢ નિશ્ચય કરવા પછી જ તેણે વૃન્દમાલાને ગત પ્રકરણમાં જણાવેલું પત્ર રાજાને આપવા માટે આપ્યું હતું અને કહ્યું હતું કે, “ગુપ્ત રીતે અને કોઈને પણ જાણ થયા વિના એ પત્ર રાજાને પહોંચે એવી વ્યવસ્થા કરજે. એકદમ તારું કે મારું નામ જણાવીશ નહિ; મોઘમમાં એટલું કહેજે કે, ‘હું દેવીની પરિચારિકા છું અને દેવીનું પત્ર મહારાજાને આપવામાટે આવેલી છું.”

વેત્રવતી અને કંચુકી ઇત્યાદિને એટલું જ કહેવાનું, એનો હેતુ એ જ કે, દેવી એ મોઘમ શબ્દથી રાજાના મનમાં “મુરાદેવી” નું સ્મરણ ન થતાં સુમાલ્યની માતાનો જ ભાસ થશે અને તે ઉત્સુકતાથી પત્ર ઊધાડીને વાંચશે. એકવાર પત્ર ઉઘાડ્યું અને રાજાએ લક્ષપૂર્વક તેમાંનો લેખ વાંચ્યો, એટલે પછી મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે.” એવી રીતે વૃંદમાલાને સારી રીતે પાઠ પઢાવીને તેણે રાજાસમક્ષ જવાને રવાની કરી હતી. પોતે કાંઈ આડું અવળું લખ્યું છે, એવો જો વૃન્દમાલાના મનમાં સંશય આવશે, તો પત્રને તે માર્ગમાં જ ક્યાંક નાંખી દેશે, એવી શંકા આવવાથી વૃન્દમાલાને તે પત્ર મુરાદેવીએ પ્રથમથી જ વાંચી સંભળાવ્યું હતું અને તેને શાંત રાખવાના હેતુથી “મારા કોપ માટે મને ઘણો જ પશ્ચાત્તાપ થાય છે અને તેથી મહારાજાની ક્ષમા મેળવવા માટે જ હું આ બધા પ્રયત્ન કરું છું. વૈર લેવાના અને બીજા એવા અશુભ વિચારોનો મારા હૃદયમાંથી સર્વથા નાશ થએલો છે.” એવી અસત્ય વાક્ય પરંપરા પણ ઘણી જ ગંભીરતાથી કહી સંભળાવી હતી.

વૃન્દમાલાના મનમાં જેમ એ પત્રથી કાંઈ પણ લાભ થશે, એવો ભાસ પણ થયો નહિ, તેમ જ એમાં કાંઈપણ કપટનાટકની રચના છે, એવો પણ ભાસ થયો નહિ. “લાગે તો તીર નહિ તો તુક્કો.” એ કહેવતને અનુસરીને તેણે તે પત્ર ચાતુર્યથી મહારાજાના હાથમાં પહોંચાડ્યું, એ તો આપણે જાણી આવ્યા છીએ. એનું જે પરિણામ થયું, તે પણ વાચકો જાણી ચૂક્યા છે. વૃન્દમાલાએ રાજમહાલયમાં પોતાના નામનો નિર્દેશ કર્યો નહોતો; માત્ર પોતાને દેવીની પરિચારિકા તરીકે જ ઓળખાવીને પોતાનું કાર્ય સાધી લીધું હતું. પત્રવાચનથી મહારાજાની મનોવૃત્તિ આમ એકાએક બદલાઈ જશે અને તે તત્કાળ મુરાદેવીના નિવાસસ્થાનમાં આવશે, એવી વૃન્દમાલાને સ્વપ્ને પણ કલ્પના હતી નહિ, અર્થાત્ આપણે જે વસ્તુને અશક્ય માનતા હોઈએ, તે જ પ્રત્યક્ષ બને ત્યારે આપણને કેટલું બધું આશ્ચર્ય લાગે છે? એવી જ સ્થિતિ બિચારી વૃન્દમાલાની થએલી હતી.

રાજા ધનાનન્દ મુરાદેવીના આમંત્રણ પ્રમાણે આવ્યા; એટલું જ નહિ પણ તેણે તો રાત્રે ત્યાં જ ભેાજન કરવાનું અને કેટલાક દિવસ સૂધી ત્યાં જ રહેવાનું સર્વત્ર કહેવડાવી દીધું. એ આજ્ઞા સાંભળતાં જ અંતઃપુરમાં સર્વત્ર આશ્ચર્ય, ખેદ અને ઈર્ષા એ ત્રણ પ્રબળ વિકારોનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું. સુમાલ્ય ઉપરાંત રાજાના બીજા સાત પુત્રો હતા અને તે જૂદી જૂદી સ્ત્રીઓથી જન્મેલા હતા. અર્થાત્ એ સર્વ પુત્રોની માતાઓને મુરાદેવીનાં ભાગ્ય આમ એકાએક કેમ ઉઘડી ગયાં, એનું ઘણું જ આશ્ચર્ય લાગવા માંડ્યું. આજ સુધી જેના નામનું પણ રાજાને સ્મરણ નહોતું, તેના જ મહાલયમાં રાજા કેટલાક દિવસ વીતાડવાનો છે, એ સાંભળીને તેમને ખેદ થયો; અને રાજાને વશ કરવામાટે દુષ્ટ મુરાદેવીએ કાંઈપણ માંત્રિક ઉપાયો કરેલા હોવા જોઇએ, તેમ જ એને જો એવા જ ઉપાયો કરવા દેવામાં આવશે, તો એ બીજી બધી રાણીઓનું ઉચ્ચાટન કરી નાંખશે, એવી ધારણાથી તેમના મનમાં દ્વેષની ઉત્પત્તિ થઈ. એક તો, બીજી સર્વ રાણીઓના હૃદયમાં પ્રથમથી જ મુરાદેવી વિષયક દ્વેષનો અગ્નિ બળ્યા જ કરતો હતો, એવામાં તેણે તેમને રાજાના પ્રેમસ્થાનમાંથી દૂર કરીને પોતે જ તે સ્થાનને અધિકાર લઈ લીધો, એટલે બળતામાં ઘી હોમાયું. પછી શું પૂછવું? એ બનાવ બન્યો કેવી રીતે ? એ વિશે સર્વત્ર શોધો થવા માંડ્યા, અને કંચુકી, વેત્રવતી તથા પ્રતિહારીએ અંદરખાનેથી કાંઈપણ કપટ કરેલું હોવું જેઈએ, એવો સ્ત્રીજનોને નિશ્ચય થવાથી તેમનાપર ગાળો અને શાપોની વૃષ્ટિ વર્ષવા માંડી.

“અમે ધનાનન્દ રાજાને જે પત્રિકા આપી, તે મુખ્ય રાણીની જાણીને જ આપી.” એવો કંચુકી, વેત્રવતી અને પ્રતિહારીએ વારંવાર ખુલાસો કર્યો; પરંતુ તે કોઈને પણ સાચો લાગ્યો નહિ. કપટ કરીને મુરાએ પત્રિકા મોકલી, તેથી તેનાપર અને તેના કારસ્થાનમાં શામેલ થઈને તે પત્રિકા રાજાના હાથમાં પહોંચાડી, એટલામાટે એ ત્રણેપર સર્વે રાણીઓને ઉગ્ર રોષ થયો અને અંત:પુરમાં જયાં ત્યાં અગ્નિની જ્વાળાઓ પ્રજળવા માંડી. બિચારી વૃન્દમાલા ઘણી જ વિડંબનામાં આવી પડી. પોતાની સ્વામિનીના સારા દિવસે આવ્યા માટે આનંદ કરવો કે હવે સર્વ સ્ત્રીસમાજ તેનો અને પોતાનો દ્વેષ કરવા લાગ્યો છે, તેથી શોક કરવો, એનો નિર્ણય તેનાથી કરી શકાયો નહિ; તથાપિ પોતાની સ્વામિનીને સુખમાં પડેલી જોઈને તેને આનંદ તો થયો જ. “એની સોક્યો હાલમાં જો કે એનો દ્વેષ કરે છે, પરંતુ તે ઝાઝા દિવસ ટકનાર નથી. ચાર દિવસ પછી એ બીનાને બધા ભૂલી જશે અને બીજી ચાર રાણીઓ પ્રમાણે એને પણ ગણવા માંડશે,” એવો તેનો અભિપ્રાય બંધાયો.

કેટલાક મનુષ્યોનો સ્વભાવ એવો હોય છે કે, જેમ જેમ તેમને ચીડાવીએ તેમ તેમ તેમનું તેજ વધારે અને વધારે પ્રજ્વલિત થતું જાય છે. તેમનાં કરવા ધારેલાં કાર્યોમાં જેમ જેમ વિઘ્નો આવતાં જાય છે, તેમ તેમ તે વિઘ્નોને દૂર હટાવીને પોતાના કાર્યની સિદ્ધિ માટેનો તેમનો ઉત્સાહ વિશેષ અને વિશેષ વધતો જાય છે. મુરાદેવી પણ એવા જ પ્રકારની સ્ત્રી હતી; અથવા તો સોળ સત્તર વર્ષના કારાગૃહવાસે તેને એવી દૃઢ હૃદયની બનાવી મૂકી હતી. પોતાના પતિને વશ કરવાના પ્રયત્નમાં નિર્વિઘ્ન યશની પ્રાપ્તિ થતાં તેને જેટલો આનંદ થતો હતો, તેના કરતાં પોતાની સોક્યોની બળત્રાને જોઇને અધિક આનંદ થતો હતો; પરંતુ એ આનંદથી તે ફૂલી ગઈ નહોતી. તેણે પોતાનું માથું ઠેકાણે અને ઘણું જ શાંત રાખ્યું હતું: કારણ કે, જેટલો ન ધારેલી રીતે એ આનન્દ આવ્યો છે, તેટલો જ ન ધારેલી રીતે કદાચિત નષ્ટ પણ થઈ જાય, એ તે સારી રીતે જાણતી હતી. તેમ જ આ પ્રસંગ હાથમાંથી ગયો તો પછી મરણ સુધી એવો પ્રસંગ મળવાનો નથી; એમ ધારીને મહારાજાના મનમાં વ્યાપેલા પોતાના સામ્રાજ્યને તેણે ક્ષણે ક્ષણે દૃઢ કરવાના પ્રયત્નો કરવા માંડ્યા. સ્વસ્થ અને નિરુદ્યોગી બની બેસી રહેવામાં કશો પણ લાભ નથી, એવો તેનો દૃઢ અભિપ્રાય હતો.

તે ધનાનન્દની ઇચ્છા પ્રમાણે જ પોતાનું પ્રત્યેક વર્તન કરતી હતી. પ્રત્યેક શબ્દનો ઉચ્ચાર પણ રાજાની ઇચ્છાને અનુસરીને જ કરવામાં આવતો હતો. ભાષણ ચાલતું હોય અને રાજા વચમાં અટકાવે તો તેને ત્યાંથી જ બંધ કરવાનું અને અનુકૂલતા હોય, તો બે શબ્દો વિરુદ્ધ પણ બોલી દેવા, એવો તેણે નિત્યક્રમ રાખેલો હતો. બીજી રાણીઓ વિનાકારણ પોતાનો કેવો દ્વેષ કરે છે, એ બીના જેટલી દૃઢતાથી રાજાની દૃષ્ટિ સમક્ષ આવે તેટલી લાવવા માટેના સર્વ ઉપાયો તે યોજ્યા કરતી હતી. એક વેળાએ એક રચના તો તેણે ઘણી જ ચતુરતાથી કરી.

ધનાનન્દ પલંગમાં પડેલો હતો અને મુરાદેવી તેની ચરણ સેવા કરતી હતી. રાજાને કાંઈ ગાઢનિદ્રા આવેલી નહોતી, એ તે સારી રીતે જાણતી હતી. અને તે જાણીને જ તેણે એક દાસીને પોતાપાસે આવીને પોતાને કાંઈક કહેવાની આજ્ઞા કરી. એ દાસી આજ્ઞા અનુસાર પાસે આવીને ઊભી રહેતાં જ મુરાદેવી ઘણી જ ધીમા સ્વરથી, પરંતુ કાંઈક ત્રાસ પામી દાસીના શરીરનો સ્પર્શ કરી કહેવા લાગી કે, “અરે એ મૂર્ખી ! હમણાજ મહારાજાની આંખ લાગેલી છે – એ શું તું જાણતી નથી? આટલી બધી ઉતાવળી કેમ ચાલે છે? રોજ રોજ આવી વાતો આવીને મને કહેવાની શી અગત્ય છે ? ફલાણી રાણીએ આજે આમ કર્યું અને તેની દાસીએ આમ કહ્યું – એજ રોદણાં ને? જા – ચાલી જા – એવી નકામી વાતો સાંભળવાનો આ સમય નથી. મને તો હવે એ નિંદા બિલ્કુલ સાંભળવાની ઇચ્છા જ નથી. તેમણે મને કારાગૃહમાં નખાવી હતી, અને હવે મહારાજે મારો પાછો સ્વીકાર કર્યો છે, એ તેમનાથી કેમ દેખી શકાય વારુ? તેઓ તો મારા અહિતને ઇચ્છે જ. પરંતુ હું તેમનું અહિત ઇચ્છીશ નહિ, પોતાના પતિએ ત્યાગ કર્યો હોય, તે પતિવ્રતા પ્રમદાની શી અવસ્થા થાય છે, એનો અનુભવ તેમને નથી, પણ મને સારી રીતે થએલો છે અને તેથી જ તેમના શિરે એવો પ્રસંગ ન આવે, એવી જ મારી પરમેશ્વરપ્રતિ અનન્ય ભાવે નિરંતરની પ્રાર્થના છે. થોડા દિવસ પછી હું જ મહારાજને વિનતિ કરવાની છું કે, “મહારાજ ! મને સુખી કરવામાટે મારી બીજી સોક્યોને દુ:ખી કરશો નહિ,” હવે દાસી તું જા – કોઈ દિવસે પણ રાણીઓની વાત મારા આગળ કાઢીશ નહિ, શું તારું એમ ધારવું છે કે, તારી આ વાતોથી હું એ રાણીએ ઉપર કોપ કરીશ અને મારા હૃદયને શોકના સાગરમાં ડૂબાવી દઇશ? ના, ના એમ કોઈ કાળે પણ બનનાર નથી. મારા હસ્તમાં ક્ષમારૂપી ખડ્‌ગ કાયમ છે, તે પછી દુર્જનોથી મારું શું બગડી શકનાર છે!” મુરાદેવીએ એ વાક્યોનો ઉચ્ચાર ઘણી જ દક્ષતાથી કર્યો.

તથાપિ તે દાસી ધીમેથી મુરાદેવીને કહેવા લાગી કે, “દેવિ! તમારા મનમાં કોપ ઉપજાવવાના હેતુથી આ વાતો હું કહેતી નથી. કેટલીક વાતો એવી છે કે, જે તેમનો તમારા તરફથી યોગ્ય ઉપાય કરવામાં ન આવે, તો તેમનું ઘણું જ ભયંકર પરિણામ થવાને સંભવ છે, તેથી જ આજે હું દોડતી દોડતી અહીં આવી છું. સારું થયું કે, મહારાજ નિદ્રાવશ થએલા છે.”

એવી તે શી વાત છે? સત્વર કહી નાંખ. મહારાજને સાંભળવા જેવી નહિ એવી તે મુઇ શી વાત હશે ?” મુરાદેવીએ અત્યંત ઉત્સુક સ્વરથી પૂછ્યું.

“દેવિ!” તે દાસીએ ઉત્તર આપવાનો આરંભ કર્યો.”હું કહેવાની છું તે વાર્તા મહારાજાને કાને જવી ન જોઈએ. કારણ કે, તે ઘણી જ ભયંકર વાર્તા છે, આપના પરના રોષને લીધે રાણીઓ હવે મહારાજાનું ભૂંડું કરવાને પણ તૈયાર થઈ ગઈ છે. પણ બાઈ ! મહારાજા ખરેખર નિદ્રામાંજ છે ને? નહિ તો એક કરતાં કાંઈક બીજું ન થઈ જાય, એની મને ભીતિ થયા કરે છે.”

“એક કરતાં બીજું કાંઈપણ થવાનું નથી. મહારાજાને ગાઢ નિદ્રા આવેલી છે. જે કહેવાનું હોય તે નિશ્ચિત થઇને કહે. જો ખરેખર એવું જ કાંઈ હશે, તો જ્યાંસુધી મારા શરીરમાં જીવ છે, ત્યાં સુધીતો હું એમનો એક વાળ પણ વાંકો થવા દેનારી નથી. પરંતુ જો મારો ત્યાગ કરીને ભૂપાલ બીજીના મહાલયમાં જશે, તો પછી મારો ઉપાય નથી. પણ કહે તો ખરી કે શી વાત છે તે? તારા એ ભેદ ભરેલા કથનથી મારું હૃદય કંપાયમાન થઈ ગયું છે.” મુરાદેવીએ ચાતુર્યના માર્ગમાં આગળ વધવા માંડ્યું.

કપટ નાટકની એ નાન્દી થઈ રહ્યા પછી દાસી મુરાદેવીના નિકટમાં આવી અને ધીમેથી મુરાદેવીના કાનમાં કાંઇક બબડી. એ શબ્દો સાંભળતાં જ તેણે પોતાના મુખના સ્વરૂપને ભયંકર બનાવી નાંખ્યું અને મહારાજ નિદ્રાવશ થએલા છે, એનું ભાન જ રહ્યું ન હોય, તેમ મોટેથી પોકાર કરીને કહ્યું કે, “શું ખરેખર એમ જ છે? મારા માટેના તેમના હૃદયના મત્સરની મર્યાદા હવે એટલી બધી વધી ગઈ છે ! ના ના – એમ તો ન જ હોય – તું અસત્ય ભાષણ કરે છે – નીચ જા તારું કાળું કર ! ક્ષણ માત્ર પણ અહીં ઊભી રહીશ નહિ – નીચ ક્યાંકથી ઉડતી વાત સાંભળી આવી હશે, તે પોતે પ્રિય થવાને મને કહી સંભળાવે છે – ખુશામદી ગુલામડી જો એમ જ હશે, તેા આજથી મહારાજને જમવાના સર્વ પદાર્થોની હું પોતે પ્રથમ જમીને પરીક્ષા કરીશ અને ત્યાર પછી જ તેમને જમાડીશ. બનતાં સૂધી તો સ્વયંપાક હું પોતે જ કરીશ. મત્સરના પર્વતની આટલી બધી ઉચ્ચતા થશે, એવું મને સ્વપ્નમાં પણ ભાસતું ન હતું. બાઈ ! હવે હું શું કરું?”

એમ કહીને તેણે જાણે અંગમાં રોમાંચ ઊભાં થયાં હોય, તેમ દેખાડવાને શરીરને કંપાયમાન કર્યું અને એક દીર્ઘ નિઃશ્વાસ નાંખીને સ્વસ્થ બેસી રહી. જાણે મહારાજાને એ ભયંકર વિપત્તિમાંથી કેવી રીતે બચાવવા, એના જ વિચારમાં તે નિમગ્ન થએલી હોયની, એવો ભાસ તેણે કરાવ્યો.

ધનાનન્દ ખરેખર નિદ્રાવશ થએલો નહોતો. અર્થાત્ દાસીનું અને મુરાદેવીનું જે ભાષણ થયું, તે તેણે અક્ષરે અક્ષર આદિથી અંત પર્યન્ત સાંભળ્યું. પ્રથમ દાસી આવી, અને તેણે “મહારાજ નિદ્રાવશ થએલા છે, એ સારું થયું.” એવા શબ્દો ઉચ્ચાર્યો, એ સાંભળતાં જ રાજાના મનમાં ઊઠવાનો અથવા તો પોતે જાગૃત છે, એમ દેખાડવાનો વિચાર થઈ આવ્યો. પરંતુ તરત જ એ શું કહે છે, મારા સાંભળવા જેવી ન હોય, એવી એ શી વાત છે તે સાંભળીને પછી જ ઊઠવું, એવો તેણે નિશ્ચય કર્યો, અને તેથી પોતાને ઘણી જ નિદ્રા છે, એમ દેખાડવાનો વિશેષ પ્રયત્ન આદર્યો. મુરાદેવી એક ચતુર ચપળા હતી, તે એ રહસ્યને જાણી ગઈ અને તેથી તેને ઘણો જ આનન્દ થયો. વ્યૂહની રચના સારી થઈ અને એમાં વિજય પણ મળવાનો જ, એવો તેનો નિશ્ચય થઈ ગયો. રાજાએ એ બન્નેનું સમસ્ત સંભાષણ સાંભળ્યું. માત્ર અંતે સુમતિકા દાસી મુરાદેવીના કાનમાં શું બબડી, એ તેનાથી સમજી શકાયું નહિ, એથી તેની ઉત્સુકતામાં ઘણો જ વધારો થયો, પાછળથી મુરાદેવીએ જે આવેશદર્શક ઉદ્દગારો કાઢ્યા, તેથી તો રાજાની ઉત્કંઠાનો પાર જ રહ્યો નહિ. સુમતિકા ત્યાંથી ચાલી જવાની તૈયારીમાં હતી અને મુરાદેવી નિઃશ્વાસ નાંખતી બેઠી હતી કે, રાજા ધનાનન્દ પલંગમાં એકદમ ઊઠીને બેઠો થયો અને મુરાદેવીને આલિંગન આપીને પ્રેમથી પૂછવા લાગ્યો કે, “પ્રિય મુરે! સુમતિકાનો અને તારો જે પરસ્પર સંવાદ થયો, તે મેં બધો સાંભળ્યો છે. પરંતુ છેવટે તારા કાનમાં એણે શું કહ્યું, તે મારા સાંભળવામાં આવ્યું નહિ, માટે તે તું કહી સંભળાવ.”

“રાજાએ જે સાંભળવું ન જોઈએ તે સાંભળ્યું. હવે કોણ જાણે શું થશે” એવા વિચારથી ગભરાઈને જાણે તે થર થર કંપતી હોયની ! તેવો ભાવ દેખાડીને તે થરથરતા સ્વરથી કહેવા લાગી કે, “આર્યપુત્ર ! એ વાત આપ મને પૂછશો નહિ. હું આપને તે કહેવાની પણ નથી.”

“ તેનું કારણ ? જે વાત હતી, તે તો મારા વિશેની જ હતી, માટે એ હું સાભળું તો તેથી લાભ જ થશે કે હાનિ ?” રાજાએ સામી દલીલ મૂકી.

“લાભ થશે કે હાનિ, તે મારાથી કહી શકાય તેમ નથી. એ સાંભળીને ચિત્તને શાંત રાખી જે કાંઈ પણ કરવાનું હોય તે શાંતિથી કરશો, તો તો સારું; નહિ તો પરિણામ ઘણું જ ભયંકર આવશે. ગમે તે હો – હું તો તે મારા મુખથી કહેવાની નથી. કદાચિત એ વાર્તા ખોટી હોય, તો વિનાકારણ મારે શિરે વળી દુ:ખના પર્વત ઉલટી પડે; કેમ ખરું કે ખોટું?” મુરાદેવીએ કહ્યું.

“મને કાંઈ પણ દુઃખ થવાનું નથી, તું આ વાત બનાવીને થોડી જ કહે છે ?”

“છતાં પણ મને ભય લાગે છે.”

“ભય રાખવાની કાંઈ પણ આવશ્યકતા નથી.”

“આપની આજ્ઞા જ હોય, તો કહી સંભળાવું?”

“હા હા મારી આજ્ઞા છે માટે નિશ્ચિન્તતાથી જે હોય તે કહે.”

“ઠીક, ત્યારે કહું છું – મારું એમાં શું જાય છે?”

એમ બોલીને મુરાદેવીએ જે કાંઈ વાર્તા હતી, તે કહી સંભળાવી. ધનાનન્દનાં નેત્રો ધગધગતા અંગારા પ્રમાણે એકદમ લાલ થઈ ગયાં.

આગળની વાત હવે પછીના ભાગમાં..

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!