આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા
‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનારા ‘ગુજરાતના કબીર’ભોજા ભગતનો જન્મ તા. ૭-૫-૧૭૮૫ના રોજ વૈશાખી પૂર્ણિમાએ જેતપુર પાસેના દેવકીગાલોલ ગામમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ લેઉવા પટેલ હતા અને તેમની અટક સાવલિયા હતી. આર્થિક દ્રષ્ટિએ સામાન્ય પરંતુ આંતરિક સમૃદ્ધિ અને ભક્તિએ અસામાન્ય હતા. બાલ્યબાળમાં ઈશકૃપાએ સર્જેલા ચમત્કારોથી અસંખ્ય શ્રદ્ધાળુ તેમના દર્શન આવવા લાગ્યા. ગાયકવાડી પ્રાંત અમરેલી પાસેના ફતેપુર ગામમાં આવી આશ્રમ બાંધ્યો. અમરેલીના દીવાન વિઠ્ઠલરાવ પણ તેમના શિષ્ય બન્યા હતા. તેમને સંબોધીને તેમણે ગાયેલા પદો ગુજરાતી સાહિત્યમાં ‘ચાબખા’નામથી જાણીતા છે. જેમાં ધારદાર અને બળુકી વાણીમાં અંધશ્રદ્ધા, પાખંડ અને દંભી વ્યવહારો પર ભારે પ્રહારો કર્યા છે. એનો ગેય ઢાળ પણ ખૂબ મનમોહક છે. ‘પ્રાણિયા ભજી લેને કિરતાર’ અને ‘કાચબા-કાચબીનું ભજન’ મહાત્મા ગાંધીજીને ખૂબ ગમતું. ઉપરાંત કીર્તન, હોરી, ધોળવાર વગેરે અનેક પદોનું સર્જન કર્યું છે. એમની વાણીમાં કુલ ૨૦૪ પદોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તોઓ બિલકુલ નિરક્ષર હોવા છતાં તેમની કાવ્યવાણીમાં શબ્દ તથા અલંકારો, રંગીન આતશબાજીની જેમ રંગબેરંગી પ્રકાશ ફેલાવે છે. આ ભક્ત કવિએ પોતાનો દેહત્યાગ તેમના શિષ્ય જલારામના સાંનિધ્યમમાં વિરપુરમાં ઈ.૧૮૫૦માં કર્યો હતો. ભક્તભૂષણ ભોજા ભગત જ્યાં સુધી ગુર્જરભાષા જીવશે ત્યાં સુધી અમર રહેશે.
કાઠિયાવાડના કોઈ ઊંડાણના ગામડામાં જઇ ચડીએ ને ગળતી રાતના ગામના ચોરે રામજીમંદિરની પાર્યે બેસીને ગાતા કોઈ ભાવિક ભજનિકના તંબૂરાના તારથી ટપકતું ‘હાલો કીડીબાઈની જાનમાં’ ભજન સાંભળીએ ત્યારે ભાવવિભોર બની જઇએ છીએ. ભજનાન્તે ભોજા ભગતનું નામ આવે છે. સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ સંતકવિ ભોજા ભગતના જીવન – કાર્ય વિશે આપણે ભાગ્યે જ ઝાઝું જાણતા હોઈએ છીએ. આજથી સવા બસો વર્ષ પૂર્વે થઇ ગયેલા ભોજા ભગતના અવતારકાર્ય અને તેમના સર્જનકાર્યનો અછડતો પરિચય કરાવવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે.
ભારતીય સાહિત્યમાં રસિક બિહારીના કવિત, કેશવદાસની છપ્પય, તુલસીદાસની ચોપાઈ, બિહારીદાસના દુહા, સુરદાસનાં પદ અને ચંદ બરદાઈના છંદ સુપ્રસિઘ્ધ છે, ગુર્જરભાષામાં અખાના છપ્પા, નરસિંહના પ્રભાતિયાં, દયારામની ગરબી, પ્રીતમનાં પદો અને ધીરાની કાફી પ્રચલિત છે એમ સૌરાષ્ટ્રના સુરિલા ભજનિકો અને તંબુરિયાના હલકદાર કંઠે ગવાતાં ભોજા ભગતનાં ભજનો, પદો અને ચાબખા એટલાં જ લોકપ્રિય છે. ‘ચાબખા’ પ્રકારનાં ભજનો વડે એમણે મનુષ્યને ભક્તિમાર્ગનો ઉપદેશ પ્રબોઘ્યો છે. કાયા તોડીને ખેતરમાં કાળી મજૂરી કરનાર, કણમાંથી મણ અનાજ પેદા કરનાર કાઠિયાવાડના કણબી ખેડૂનો અભણ દીકરો ઇશ્વર સાથે અંતરના તાર બાંધી પ્રભાતિયાં, કીર્તન, ભજન, ધોળ, કાફી, હોરી, બાવનાક્ષરી, કવિત અને સરવડાંની સરવાણી વહાવી સમગ્ર સૌરાષ્ટ્રના લોકજીવનને ભક્તિથી ભીંજવી દે એને પૂર્વજન્મના જ્ઞાન-વૈરાગ્યના સંસ્કારો જ સમજવા પડે, માનવા પડે. ભગવદ્ગીતાના કથન અનુસાર યોગભ્રષ્ટ આત્મા ધનવાન કે પવિત્ર પુરૂષને ત્યાં જન્મ લે છે.
સૌરાષ્ટ્રમાં જેતપુર પાસે આવેલા દેવકીગાલોલ નામના નાનકડા ગામના ભોળા હૃદયના કૃષ્ણભક્ત શ્રી કરશનદાસના ખોરડે ભોજા ભગતનો જન્મ થયો. એ વર્ષ હતું સને ૧૭૮૫નું. એમનાં માતાનું નામ ગંગાબાઈ. જ્ઞાતિએ લેઉવા કણબી. અટક એમની સાવલિયા. કહેવાય છે કે પૂર્વ જન્મનું અઘૂરું રહેલું કાર્ય પૂરું કરવા ધર્મપરાયણ જીવન જીવતાં દંપતીને ત્યાં તેમણે અવતાર ધારણ કર્યો. શ્રી મનસુખલાલ સાવલિયા ભોજા ભગતની વાણીમાં લખે છે કે માનવ કલ્યાણનું મહાન કાર્ય કરવા અવતરેલ આવા પુરૂષોમાં સામાન્ય લોકસમુદાયથી ભિન્ન એવી વિલક્ષણતા હોય છે. પરિચિત ચીલાને ચાતરીને તેઓ નવો પંથ શોધે છે. જન્મથી માંડીને બાર વર્ષની ઉંમર સુધી ભોજા ભગત ફક્ત દૂધ પીને જ રહેલા. દિવ્ય તેજવાળા દુધાહારી બાળક ભોજલની ખ્યાતિ લોકવાયકાના વેગીલા અશ્વ પર સવાર થઇને ગુજરાતના ખુણે ખુણે ધૂમી વળી. અસંખ્ય લોકો તેમના દર્શને આવવા લાગ્યા. જ્ઞાનના આ નાના તણખામાં અજ્ઞાન અને અધર્મના ઘોરવનને બાળી નાખનાર મહાજ્યોતિનાં દિવ્ય દર્શન તેઓને થવા લાગ્યા.
સંતોના જીવન સાથે ચમત્કારોની અનેક વાતો જોડાઈ જાય છે એમ ભોજાભગતના જીવન સાથે વીટળાયેલી અનેક વાતો લોકમુખે સાંભળવા મળે છે. કહેવાય છે કે અઢાર મહિનાની ઉંમરે બાળ ભોજા ભગતને વ્રણવ્યાધિ ભરનિંગળ ગૂમડું થયું. આવા રોગ મટાડવા માટે એ કાળે વીરપુર ગામમાં મીનળદેવીની માનતાઓ ચાલતી. આ મીનળદેવી કોણ એની વાત પણ મજાની છે. એ સિઘ્ધરાજની માતા હતી એણે વીરપુરમાં વાવ બંધાવી હોવાનું કહેવાય છે.
લોકકથા કહે છે કે રાજરાણી મીનળદેવી તીર્થયાત્રાએ નીકળેલાં, ત્યારે સિઘ્ધજોગી વીરપુરાનાથની કૃપાથી વીરપુરની ભાગોળે સિઘ્ધરાજનો જન્મ થયેલો. આનંદના આ અવસરમાંથી કલાપૂર્ણ શિલ્પસ્થાપત્ય ધરાવતી વાવનો જન્મ થયો. આ વાવની અંદરના ભાગે બાળક સિઘ્ધરાજને સ્તનપાન કરાવતી મહારાણી મીનળની પ્રચંડ મૂર્તિ કંડારીને મૂકેલી છે. વાવમાં તો માતાજી જ બિરાજમાન હોય ને ! એવી લોકમાન્યતાને કારણે કાળક્રમે મીનળની મૂર્તિની પૂજા અને બાધા માનતાઓ શરૂ થઇ. બાળ ભોજા ભગતનો વ્રણવ્યાધિ મીનળની માનતાથી કુદરતી રીતે મટી ગયો. આથી માનતા પુરી કરવા માટે માતાપિતા એને વીરપુરની મીનળ વાવે લઇ આવ્યા. ત્યારે લધુ ભગતના મુખમાંથી દિવ્યવાણી સરી પડી ‘હે દેવી ! તું આજે મારી પાસેથી એક નાળિયેર લ્યે છે ને પણ એક દિવસ હું તારા ભેગાં કરેલાં બધા નાળિયેર લઇ લઇશ.’ ઉંમરલાયક થઇને ભોજાભગતે ભવિષ્યવાણી સિઘ્ધ કરી બતાવી. એમણે પોતાના સમર્થ શિષ્ય સંતશિરોમણી જલારામને વીરપુરમાં ધર્મસ્થાન બાંધી જનસેવા કરવાની આજ્ઞા આપી. એ પછી ભોજાભગત અવારનવાર વીરપુર શિષ્ય પાસે આવતા. વખત જતા મીનળ મહાદેવીની પૂજા ભૂતકાળની વાત થઇ ગઈ. આજે બધી બાધા-માનતાઓ કરવા લોકપ્રવાહ શ્રઘ્ધાપૂર્વક જલારામના મંદિરે આવે છે. આમ અંધશ્રઘ્ધાને ભોજા ભગતે દિવ્યશ્રઘ્ધામાં પલટાવી દીધી. વીરપુરની ભાગોળે મીનળવાવ અને મીનળદેવીની ભગ્નાવશેષ મૂર્તિ આજેય જોવા મળે છે.
બાળભોજા ભગત બાર વર્ષ સુધી દુધાહારરી રહ્યા ત્યારે વિસ્મયકારક ઘટના ઘટી. એ વખતે ગિરનાર ઉપરથી અતીતોની વનશાખાના રામેતવન નામના એક અતીત યોગી દેવકીગાલોલ ગામે આવી ચડ્યા. રામેતવને આ દિવ્યકાંતિવાળા બાળકની મહાદશાનાં દર્શન પળવારમાં જ કરી લીધા. ચાર આંખો મળી. અને આ તપસ્વીએ દ્રષ્ટિ દ્વારા શક્તિપાતની ક્રિયાથી ભોજા ભગતને દીક્ષા દીધી. મન, વચન અને કર્મથી જનસેવાનો મહામંત્ર આપી ભગતના માતાપિતાને કહ્યું ‘તમારો દીકરો માનવકલ્યાણ કરવા જન્મ લેનાર મહાન વિભૂતિ છે. સમાજનો ઉઘ્ધાર કરનાર મહાવિભૂતિ છે. ઇશ્વરમાં એકાકાર થઇ જનાર યોગી છે. સંસારના બંધનો એને બાંધી શકશે નહીં.’ આટલું કહીને સાઘુ ગિરનારના શેષાવન તરફ સિધાવી ગયા. કહેવાય છે કે ત્યાર પછી ભોજા ભગતને કદી પણ આ તપસ્વીના દર્શન થયા નહીં.
જીવનના ૨૪ વર્ષ સુધી દેવકીગાલોલ ગામમાં રહ્યા પછી દુષ્કાળ અને રાજકીય અંધાઘૂધીને કારણે એમનું કુટુંબ અમરેલી નજીક ચક્કરગઢ ગામે આવ્યું. અહીં માસીયાઈ ભાઈને ત્યાં થોડો વખત રહ્યા. ભોજા ભગતને કોઈ શાંત સ્થળમાં આશ્રમ બાંધી રામરટણમાં આઠેય પહોર રત રહેવાની ઝંખના જાગી. એ કાળે અમરેલીથી બે માઈલના અંતરે ફતેપુરિયા એક ઉજ્જડ ટીંબો હતો. બાજુમાં વહેતી ઠેબી નદીના કારણે આજુબાજુ ગાઢ વૃક્ષ વનરાજિની રમણીયતા હતી. પક્ષીઓના કલરવથી પ્રકૃતિનું વાતાવરણ ભર્યું ભર્યું લાગતું હતું. પણ લોકો કહેતા ટીંબો તો ભૂતાવળનું ધામ છે. વહેમ અને અંધશ્રઘ્ધાના અંધારા ઉલેચવા અવનિ પર અવતાર લઇને આવેલા ભોજા ભગતે અહીં જ આશ્રમ બાંઘ્યો. પ્રકૃતિદેવીએ પોતાની રમણીયતાથી ટીંબાને ભર્યો ભર્યો બનાવ્યો. ભોજા ભગતે અહીં વસવાટ કરીને કહ્યું પંચભૂતના બનેલા માનવીએ એક ભૂતથી ડરવાની શું જરૂર છે ? એવો ઉપદેશ આપી લોકોનો વહેમ દૂર કર્યો. એક સમયે જ્યાં નરી ભૂતાવળ ભટકતી હતી ત્યાં ઉજ્જડ ટીબાની જગા પર ભક્તિની ભાગીરથી પ્રગટી. મનને આઘ્યાત્મિક રંગે રંગતા શંખ ઘ્વનિ સંભળાવા લાગ્યા. ભોજા ભગત અહીં આશ્રમમાં રહીને અજપા જાપ જપવા લાગ્યા. લોકો તેમના દર્શન કરવા ને ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા. અનેક મનુષ્યો એમના શિષ્ય બન્યા. અમરેલી પાસે વસેલું ફતેપુર ગામ ભોજા ભગતના સંગમાં વૈકુંઠધામ બની રહ્યું.
ભોજા ભગતના જીવન જોડે જોડાઈ ગયેલી અનેક ચમત્કારિક વાતો પણ સાંભળવા મળે છે. શ્રી મનસુખલાલ સાવલિયા આવી એક ઘટના ઉલ્લેખે છે. ભોજા ભગત આશ્રમમાં રહીને શિષ્ય મંડળને ઉપદેશ આપીને કહેતાઃ જાતરા એટલે જીવનું ત્રાણ કરે, જીવને જે તારે તે જાતરા. આપણે હંધાય તીર્થોમાં જાતરા નહીં પણ ભ્રમણ કરતા હોઈએ છીએ. ભ્રમણ તો ભ્રમ વધારે. મન પવિત્ર હોય, અંતરમાં વિવેકના દીવડાની વાટ્યું પ્રજ્વલિત થઇ હોય તો જાતરાની કોઈ જરૂર નથી. શ્રીહરિ તો જાતરામાંથી નહીં પણ અંતર્યાત્રામાંથી મળે છે. દિલમાં દયાભાવ હોય તો કાશી- ગયાની જાતરાએ જાવાની કોઈ જરૂર નથી.
એવામાં વૈશાખી પુનમની રાતે જાતરા કરવા નીકળેલા એક સંઘે આશ્રમમાં આવીને પડાવ નાખ્યો. દ્વારકાની જાતરા જુવારવા જતા આ સંઘમાં બાવાજી બાળકદાસ દંડવત્ પ્રણામ કરતા કરતા જાતરામાં જોડાયા હતા. એ જોઇને ભોજાભગત વિચારવા લાગ્યા. અરેરે! આ તે તપનું કેવું અભિમાન ! ભક્તોએ એમને જાતરામાં જોડાવા વિનંતિ કરી. ત્યારે એમણે એટલું જ કહ્યું ‘એકાસન માથે બેસીને ભજન કરનાર અમારા જેવા વૈરાગીને જાતરાના રંગમાં રંગાવું ન શોભે.’
ભોજા ભગતના આશીર્વાદ લઇને સંઘ દડમજલ કરતો અઠ્ઠાવન દિવસે દ્વારકા પહોંચ્યો. એ રાત્રે બાવાજી બાળકદાસને પાછલા પહોરે સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં કોઈ સંતનો અવાજ સંભળાયો ‘હરિદર્શન કે લિયે તુમ દ્વારકા મેં આયા લેકીન સ્વયં શ્રી હરિ ભોજા ભગત કો દર્શન દેને કે લિયે યહાં સે ફતેપુર ગયે હુએ હૈ’ બીજે દિવસે સંઘ જાતરા કરીને વળી નીકળ્યો. વળતા ફતેપુર આશ્રમે આવીને ભોજા ભગતને સ્વપ્નની વાત કરી. ભોજા ભક્તે વિનમ્રભાવે કહ્યું ‘સ્વપ્નમાં તમને અલગારી સંતે વાત કરી હતી તે સાચી છે. દ્વારકાધીશ ભગવાનના દર્શન મને અહીં જ થયા હતા. તે દિ’રાતે એક હજાર સૂરજ ઊગે એવા અજવાળા ઓરડામાં પથરાઈ ગયા. હું આનંદની સમાધિમાં લીન થઇ ગયો. શ્યામ પ્રભુએ સ્વયં સ્વહસ્તે મારી ભૂજાઓ પર છાપ લગાડી દીધી. આ રહી જુઓ’ આટલું કહેતા ભોજા ભગતની જીભમાંથી દિવ્ય વાણી પ્રગટી
પ્રથમ આવ્યા પત રાખવા, ગુરુ તણે જ્ઞાન;
ભોજો ભગત કહે ચાલી આવ્યા, છાપું દેવા શ્યામ.
ભોજાભગત જીવનભર ઇશ્વરભક્તિ, યોગસાધના અને કાવ્યસર્જનમાં રત રહ્યા. દુનિયાદારીની રીતે ભગત નિરક્ષર હતા. તેમણે ૨૦૦ જેટલાં પદો – ભજનોની રચના કરી પણ તેમના હસ્તાક્ષરવાળી કોઈ પ્રત પ્રાપ્ત થઇ નથી. તેમના બાવનાક્ષરી પદ પરથી અભ્યાસીઓ કહે છેકે તેમને બાવન અક્ષરનું જ્ઞાન તો હશે જ. જેના અંતર્ચક્ષુ ઉઘડ્યાં હોય અને જે ત્રેપનમો અક્ષર જાણતા હોય તેવા યોગીકવિને નિરક્ષર કેવી રીતે કહેવાય ?
ભોજા ભગતનાં બધાં જ પદો તેમના વિદ્વાન શિષ્ય જીવણરામ લખી લેતા. ભોજા ભગતના કંઠે ભજન સરવાણી વહેતી જાય ને જીવણરામ કાગળ પર ઉતારતા જાય. કવિતામાં શબ્દો લયબઘ્ધ ક્રમમાં ઊતરી આવતા. જીવણરામની કાનામાતર વગરની બોડિયા લિપિમાં લખાયેલી અને તે પ્રતના આધારે નાગરી લિપિમાં તૈયાર કરાયેલી એક પ્રત ભોજા ભગતની જગ્યા (ફતેપુર)માં સચવાયેલી છે. એમાં ૧૮૨ પદો સચવાયાં છે. ભોજા ભગત પૂર્વ જન્મના યોગી હતા એટલે એમનાં પદોમાં યોગની ભાષા અને વાતો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. પ્રભાતિયાં, સરવડાં, મહિના, તિથિઓ, કીર્તન વગેરે પદોમાં નર્યો વૈરાગ્ય અને ઉત્તમ ભક્તિનું પૂર વહે છે. ‘જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ’માં સંસારની અસારતા સમજાવી નાશવંત શરીર લઇને આવેલા માનવીને ભક્તિના મારગે ચાલવાનો ઉપદેશ આપ્યો છે, તો ‘ચાબખા’ રૂપી ભજનો દ્વારા તત્કાલીન સમાજને કોરી ખાતાં અનિષ્ટોને આઘા હડસેલ્યા છે. આ અજાતશત્રુ ભક્તનું જીવન આદર્શમય, પવિત્ર અને પરોપકારી હોવાથી ભોજાભગત સમગ્ર સૌરાષ્ટ્રના લોકસમુદાયના પ્રીતિપાત્ર બની રહ્યા હતા.
ભોજા ભગતના શિષ્યમંડળમાં બે શિષ્યો મુખ્ય હતા. ‘જલા જગમેં ઝગમગે જિમિ ગગન મંડલમેં સૂર’ એવા ખ્યાતિ પ્રાપ્ત વીરપુર નિવાસી સંતવર્ય જલારામ અને બીજા ગારિયાધારના ભક્ત વાલમરામ. વાલમરામની ગુરુભક્તિ અપાર હતી. તેમને સ્વપ્નમાં ગુરુદર્શન થયેલું અને ભોજા ભગતને જોતાં પૂર્વજન્મના સંસ્કાર જાગી ઉઠ્યા. ભોજા ભગતને ગુરુપદે સ્થાપી એમની પાસે પોતે દીક્ષા લીધી. ચરણસેવાથી ગુરુને પ્રસન્ન કર્યા પછી એક વચન માગ્યું કે ગુરુદેવની જગ્યામાં કાયમ માટે ગારિયાધારની ધજા ચડે. આજે પણ ગુરુએ આપેલા વચન મુજબ ફતેપુર ભોજા ભગતની જગ્યામાં જન્માષ્ટમીના ઉત્સવટાણે વાલમરામબાપાની જગ્યામાંથી આવેલી ધજા ચડે છે. વીરપુર અને ગારિયાધાર આ બંને શિષ્યોની ધાર્મિક જગ્યાઓમાં માનવકલ્યાણની જ્યોત અહર્નિશ જલતી રહી છે. બંને સેવાના અમરધામ બન્યાં છે, જ્યાં અભ્યાગતને મીઠો આવકાર, ભૂખ્યાને ભોજન અને દુખિયાને દિલાસો મળે છે.
જલારામ મહારાજને ભોજા ભગત ઉપર અનન્ય શ્રઘ્ધા હતી. તેમણે પોતાની સેવાવૃત્તિ અને પ્રેમભક્તિથી ગુરુને પ્રસન્ન કરી એક વચન માગી લીઘું કે અંતવેળાએ શિષ્યને દર્શનનો લાભ આપવો. ભોજા ભગત તો યોગી હતા. યોગી પુરુષને દેહલીલા સંકેલી લેવાની ઇચ્છા થાય ત્યારે અમલમાં મૂક્તા હોય છે. પોતાના દેહાવસાનનો ખ્યાલ આવી જતાં ફતેપુરથી વિદાય લઇ અંતિમ દિવસોમાં આપેલું વચન પાળવા વીરપુર આવ્યા. સ્વજનોને અને ભક્તોને કહ્યું ‘આ મારી અંતિમ વિદાય છે’ અને ‘છેલ્લી વેળાના રામરામ રે’ પદ પણ રચ્યું. વીરપુર આવ્યા પછી સમર્થ શિષ્ય જલારામના સાંનિઘ્યમાં મહાપ્રતાપી સંતરત્નનો દેહવિલય થયો. એ વર્ષ હતું ઇ.સ. ૧૮૫૦નું. વિદાયવેળાએ શિષ્યોને શીખ આપી ‘ભાઈઓ, બધા રંક ભાવે રહેજો. પ્રભુની ભક્તિ કરજો. અનંતના નામ અને ગુણોનું સ્મરણ કરજો. આટલું કરશો તો તમે તરશો ને બીજાને પણ તારશો.’
વીરપુરની ભાગોળે ભોજા ભગતનો અગ્નિસંસ્કાર કરાયો. ત્યાં સમાધિમંદિર બાંધવામાં આવ્યું છે. જલારામની જગ્યામાં રામમંદિર સામે ભોજા ભગતની ફૂલસમાધિનું મંદિર છે. ત્યાં એમનાં ફૂલ પધરાવાયાં હતાં. ફતેપુર ગામની જગ્યામાં ભજન કરવાના ઓરડામાં ભોજા ભગતના સ્મૃતિચિહ્નો, તેમણે ઉપયોગમાં લીધેલી તેમની પ્રસાદીની પાવન વસ્તુઓ ઢોલિયો, પાઘડી, માળા, સાદડી અને ચરણપાદુકા રાખવામાં આવ્યાં છે. ઢોલિયા પર બિરાજમાન ભોજા ભગતની તેજોમય મૂર્તિના દર્શન થાય છે.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –
– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ
– વાછરા દાદા ની શૂરવીરતા ની વાત
– જાણો દાનવીર “ગોદડીવાળા બાપુ” વિષે.