ભીમનાથ મહાદેવ – ભીમનાથ (તા. બરવાળા જી. બોટાદ)

હવે તો એવું જ લાગે છે કે ગુજરાતમાંજ કદાચ સૌથી વધારે પૌરાણિક કથાઓવાળાં મંદિરો આવ્યાં હોય કારણકે રામયણ કે મહાભારતમાં પણ ગુજરાતનું વર્ણન છે. સોમનાથ અને નાગેશ્વર એમ બે પ્રાચીન જ્યોતિર્લિંગ પણ છે. શક્તિપીઠો અને માતાજીના મંદિરો પણ છે જ, પણ એક વાત ખાસ ધ્યાન ખેંચે એવી એ છે કે ગુજરાતમાં દેવાધિદેવ મહાદેવનાં ઘણાં મંદિરો સ્થિત છે. જેનો ઉલ્લેખ પુરાણોમાં થયો છે કે મહાભારતમાં થયો છે. સોમનાથ, દ્વારિકા અને ધોળકા, ગણપતપુરા વગેરેનો ઉલ્લેખ મહાભારતમાં થયો જ છે

એમ કહેવાય છે કે ધોળકાની આજુબાજુનો વિસ્તાર જ વિરાટનગર હતું. જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસનું અંતિમ વર્ષ ગાળ્યું હતું. અર્જુને પોતાનું ગાંડીવ ગણપતપુરાનાં શિમળાનાં વૃક્ષ પર છુપાવ્યું હતું અને અહી ગણપતિજીની સ્થાપના કરી મંદિર બનાવ્યું હતું. અર્જુને આમ તો ઘણાં બધાં શિવલિંગોની સ્થાપના કરી હતી જેમાં મહાબલી ભીમે એને મદદ કરી હતી આ મંદિરો બનાવવામાં મદદ કરી હતી. એક મંદિર તો નિષ્કલંક મહાદેવ મંદિર છે જેની સ્થાપના અર્જુને જ કરી હતી. જેનો ઉલ્લેખ મહાભારતમાં થયો જ છે. આવું જ એક બીજું મહાદેવ મંદિર છે અને તે છે ——ધંધુકા પાસે આવેલું ભીમનાથ મહાદેવ !!!

હવે થોડી વાત ભૂગોળની કરી લઈએ અમદાવાદથી રાજકોટ જવાના રસ્તે બાવળા આવેલું છે ત્યાંથી જ એક ફાંટો ગણપતપુરા જાય છે અને આજ રસ્તે એક ફાંટો ધોળકા પણ જાય છે. જો કે અમદાવાદથી સીધું ધોળકા પણ જઈ શકાય જ છે. બગોદરાથી પણ એક રાષ્ટ્રીય માર્ગઉપરથી ધોળકા જઈ જ શકાય છે. આજ ધોળકાની આજુબાજુના વિસ્તારને વિરાટનગર કહેવામાં છે જે તે સમયમાં એક વન હતું.

હવે…… બગોદરાથી ડાબી બાજુએ એક ફાંટો પડે છે જે રાષ્ટ્રીય ધોરી માર્ગ છે જે ધંધુકા થઈને ભાવનગર જાય છે. આ અવિસ્તાર પણ વિરાટનગરનું વન જ ગણાય !!! કારણકે વન એ અમુક ચોક્કસ કીલોમીટરમાં વિસ્તરેલું નથી હોતું. એ વિશાળ જ હોય અને અત્યારે જ્યાં ગામડાઓ અને નગરો વિસ્તરેલાં છે એ સમયમાં નહોતાં બહુ ઓછાં નગરોનો ઉલ્લેખ એ સમયમાં થયો છે. કહેવાનું તાત્પર્ય એ કે એ સમયમાં આ બધો વિસ્તાર એ જંગલ (વન) જ હતું. પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર આ વિરાટનગરનું વન હતું ? એ જો હોય તો જ પાંડવો અહી આવ્યાં હોયને વળી ? કે પછી આ બધી કથાઓ ઉપજાઉ છે ?

આ બધાં પ્રશ્નોનાં જવાબ આપણને ક્યારેય મળવાનાં જ નથી ? પણ એ જગ્યા એ અતિપ્રાચીન છે એટલું તો સિદ્ધ છે અને સ્વીકાર્ય પણ !!! બહુ બધાં તજજ્ઞોનું માનવું છે કે આ જ વિરાટનગર હતું અને એની બાજુનો વિસ્તાર એ વિરાટનગર રાજ્યનું વન હતું જે આપણે ના સ્વીકારીએ એમ તો છીએ જ નહીં !!! કારણકે એ સમયનો ઉલ્લેખ હોય કંઈ પુરાવાઓ ના હોય વળી. મંદિર ભલે નવું હોય પણ મહત્વ હોય છે એ જગ્યાનું અને એ જગ્યાએ સ્થાપિત મૂર્તિઓ કે શિવલિંગોનું ? અને પૂજા આની જ થાય છે નહીં કે મંદિરોની !!! આવું જ આ મંદિરની બાબતમાં પણ બન્યું છે !!!

bhimnath

આ મંદિર વિષે વાત કરીએ તે પહેલાં એક વાત જણાવી દઉં કે આ મંદિર વિષે મેં જ્યાં જ્યાં વાંચ્યું છે તે બધું જ બધે એક સરખું છે. ન્યુઝ ચેનલો કે છાપાંનાં પત્રકારો જે રીતે રજૂઆત કરે એવી જ બધે રજૂઆત થઇ છે એટલે સુધી કે ફેસબુક અને વેબ પોર્ટલોમાં પણ આનીજ ડીટ્ટોટુ ડીટ્ટો કોપી જ મરાઈ છે એટલે હું વિમાસણમાં મુકાઈ ગયો કે આની કોપી તો નથી જ મારવી મારે પણ જો એની રજૂઆત અને ભાષા બદલી શકાય કે થોડું ઉમેરણ કરી શકાય તો વધુ સારું. ચાલો આજ કુછ નયા કરતે હૈ એમ માનીને જ હું આ લખવાં પ્રેરાયો છું પણ તોય માહિતી તો એની એજ છે પણ એમાં કૈંક નવું ઉમેરવાની ઈચ્છા હું રોકી શકતો નથી. કદાચ એજ વધારે લોકોને પ્રિય થઇ પડશે એમ મારું માનવું છે !!! રજૂઆત સારી કરવી એ જ મારી નેમ છે !!!

ભીમનાથ મહાદેવ બે બાબતો માટે જાણીતું છે. એમાં પહેલી વાત તો એ છે કે આ ભારતનું અને સમગ્ર વિશ્વનું એક અને માત્ર એક એવું મંદિર છે જેનું શિખર જ નથી. કેમ નથી એ વાત પછી કરશું ? પણ …….. શું મંદિરમાં શિખર ખરેખર હોવું જોઈએ કે શિખર હોય તો જ એ મંદિર ગણાય ? શિખર વગર એ મંદિર નાં ગણાય એ માન્યતા કદાચ ખોટી પણ પડે આપણી !!! આમ જોવાં જઈએ તો શિખર એ મંદિરનું અવિભાજ્ય અંગ છે જ !!! જેણે મંદિરથી ક્યારેય છુટું ના પાડી શકાય પણ મંદિર એ મંદિર છે એને શિખર હોય તો ય શું અને ના હોય તો ય શું ફરક પડવાનો છે ? મંદિરમાં આપણે જઈએ છીએ તે તો ભગવાનનાં દર્શન કરવાં એ પુરતી આસ્થાથી અને શ્રદ્ધાપૂર્વક કરીએ એટલું પુરતું છે અને આપની આ શ્રધ્ધા જ બીજાંને શ્રધાળુઓ બનાવવાં માટે પુરતી છે માટે જ આવાં સ્થાનોએ લોકોની ભીડ જમા થયેલી હોય છે !!!

એક માન્યતા લોકોમાં એવી પણ પ્રવર્તતી હોય છે કે — ભગવાનની ભક્તિ માટે મંદિરથી બીજું કોઈ સારું અને સુંદર સ્થળ જ નથી. મંદિરનું વાતાવરણ જ મનને લોભાવનારું હોય છે. આ એજ સ્થળ છે જ્યાં આપણા મનને શાંતિ મળતી હોય છે. આજ હેતુસર બધાં લોકો મંદિરમાં જવાની ઈચ્છા રાખે છે પરંતુ સમયનાં અભાવને કારણે કે ત્યાં ઉપસ્થિત લોકોની ભીડને કારણે કે અન્ય કોઈ કારણોસર મંદિર નથી જઈ શકતાં !!! આવી પરિસ્થિતમાં આપણને જયારે પણ અને જ્યાં પણ મંદિર નજરે પડે તો કમસેકમ એના શિખરનું દર્શન અવશ્ય કરી લેવું જોઈએ. શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે શિખર દર્શન માત્રથી બધાં પાપોમાંથી મુક્તિ મળે છે !!!

bhimnath 2

મંદિરનાં શિખરનું મહત્વ એટલું જ મહત્વનું હોય છે જેટલું મંદિરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિનું હોય છે. શાસ્તોમાં જે કહેવાયું છે તે આ છે —–

શિખર દર્શનમ પાપ નાશમ ।

અર્થાત —— શિખરનાં દર્શનથી પણ આપણા બધાં પાપોનો નાશ થઇ જાય છે.

જ્યાં મંદિર હોય ત્યાં શિખર હોય જ. એવું તો લગભગ બધે જ હોય છે કારણકે શિખર ફરકતી ધજા એજ મંદિરની આગવી પહેચાન છે ….. એની સ્વતંત્ર ઓળખાણ છે. પણ મંદિર એ કંઇ શિખરોનું મોહતાજ નથી હોતું. બીજાં સ્થાપત્યો જેવાંકે મકાનો-દુકાનો રહેણાક વગરેથી અલગ તારવવા માટે જ મંદિરોમાં શિખર બનાવવામાં આવે છે. એ શિખર બધેજ ઊંચા હોય એવું પણ જરૂરી તો નથી જ. નાની નાની ડેરીઓને પણ શિખર હોય છે. સામાન્ય રીતે મંદિર એ મકાનોથી દુર હોય છે કારણકે એને પરિસર હોય છે, પણ હવેનાં જમાનામાં એ મકાનની અડોઅડ હોઈ જ શકે છે અને હોય છે પણ ખરાં. કેટલાંક મંદિરોમાં ધજા ફરકાવવા માટેની હોડ લોકોમાં લાગે છે. જેમાં અમુક કોમના લોકોનો જ ઈજારો હોય એવું પણ બને છે ઘણી જગ્યાએ !!!

કેટલાંક પ્રખ્યાત મંદિરોમાં તો દિવસમાં ૫-૭ વાર ધજા બદલવામાં આવે છે. ધજા જો ફરકાવવી હોય તો શિખર હોવું જ જોઈએ અને બીજી વાત એ છે ગમે તે વિસ્તાર હોય પણ દૂરથી દેખાતી મંદિરના શિખર પર ફરકતી ધજાને લીધે જ આપણે એ જાણી -ઓળખી શકીએ છીએ કે આ હિંદુ મંદિર છે તે !!! શિખરને લીધે મંદિરને એક અલગ ઓપ મળે છે અને એની સાથ મજબુત બને છે માટે જ મંદિરોમાં શિખર હોય છે પણ ઇતિ સિદ્ધમ કે શિખર પર ફરકતી ધજાથી જ મંદિરો ઓળખાય છે અને ઓળખાતાં રહેશે !!! આ કોઈ બચાવ નથી જ કે શિખરો ના જ હોવાં જોઈએ એનો કે શિખરો હોવાં જ જોઈએ એનો !!! ખાલી આજ ભીમનાથ મહાદેવ ભારતનું એક અને માત્ર એક મંદિર હશે જેને શિખર નથી. પણ આનાથી કઈ મંદિરની મહત્તા વધતી નથી કે ઓછી નથી જઈ જતી. મંદિર એ તો મંદિર રહે જ છે કારણકે એમાં ભગવાન કે દેવી બિરાજમાન છે. જેની આપણે પૂજા -અર્ચના કરીએ છીએ પૂરી આસ્થાથી અને શ્રદ્ધાપૂર્વક !!!

આ ભીમનાથ મહાદેવ એ ધંધુકા -ભાવનગર રોડ ઉપર ભીમનાથ નામનું જ ગામ છે. જે તાલુકા બરવાળાનું એક નાનકડું ગામ છે જે નિલ્કાનદીને કિનારે આવેલું છે અને એ બોટાદ જીલ્લામાં આવે છે !!! આ મહાદેવ મંદિર પરથી જ આ ગામનું નામ ભીમનાથ પડયું હશે એમ સહેજે અનુમાન લગાવી શકાય એમ જ છે કારણકે આ મહાદેવ મંદિર આશરે ૫૦૦૦ વર્ષ પુરાણું છે. અરે મંદિર પુરાણું નથી એ જગ્યા અને શિવલિંગ પુરાણું છે. આ મંદિર તો નવું જ બનેલું છે કારણકે એની બાહ્ય દીવાલો પર નવીનકોર ટાઈલ્સ લાગેલી છે. મંદિરનો દરવાજો નાનકડો પણ સરસ છે એની ઉપર ૩ મૂર્તિઓ છે જે આપણને આપણા ગુજરાતનાં શિલ્પ-સ્થાપત્યોની યાદ આપાવે છે. આ મંદિર એ જુના જમાનામાં હવેલીનાં મકાનો હોય છે એવાં મકાનમાં છે. અંદર જઈએ એટલે પરિસરમાં સામે જ આ મંદિર છે.

bhimnath 4

મંદિરનો દરવાજો વિશેષ ધ્યાન ખેંચનારો છે. મહાદેવનાં મુખ્ય મંદિરમાં અને એમાં પણ પુરાણા મહાદેવ મંદિરમાં મુખ્ય મદિરના દરવાજાની બહાર બે ક્ષેત્રપાલો (ખેતરપાળો)નાં શિલ્પો છે. જે આમ તો દરેક જગ્યાએ હોય છે મંદિરની અંદર એટલે કે પરિસરમાં. આમેય ખેતરપાળો એ ગુજરાતની આગવી વિશેષતા છે. એમાય પાછું સૌરાષ્ટ્ર ત્યાં તો ખેતરપાળ હોય, હોય અને હોય જ !!! કહેવાનો મતલબ એ છે કે ખેતરપાળોની મૂર્તિઓ વિપુલ માત્રામાં સૌરાષ્ટ્રમાં જ જોવાં મળે છે. મંદિરના દરવાજાની ઉપરનાં ભાગમાં ભગવાન શંકરની છબી મુકવામાં આવેલી છે. જેથી કરીને લોકોને ખબર પડે કે આ ભગવાન શંકરનું મંદિર છે !!! મંદિરની બાહ્ય દીવાલોની ઉપરનાં ભાગમાં ગુલાબી. ભૂરો , સોનેરી લીલો અને આછો લીલો, ઓફ વ્હાઈટ વગેરે કલરથી રંગેલી છે જે મંદિરને નોખું બાનાવે છે એક અલગ જ ભાત પાડનારું છે !!! નાનકડાં ગામમાં હોય એવું જ આ મંદિર છે. બાકી મંદિરના દ્રષ્ટિકોણથી કઈ આ કઈ વિશેષ ભાત પાડનારું નથી પણ આ ગામના નદીકિનારે એક ઘાટ છે ત્યાં લગભગ નદીમાં જ એક નાનકડું દેરું છે નદીમાં વચ્ચોવચ્ચ એક મોટું શિવલિંગ બનાવેલું છે જે ખરેખર જોવાંલાયક જ છે. આ સ્થાન તમને અમરકંટકની યાદ અપાવી દે એવું છે !!!

પૌરાણિક કથા —–

આ મંદિર સાથે પૌરાણિક કથા પણ જોડાયેલી છે એટલે જ આ મંદિર પૌરાણિક છે. એ કથા આ પ્રમાણે છે —- આશરે સાડા પાંચસો વષૅ પહેલા રાજસ્થાન તરફથી દશનામ ગૌસ્વામી મહંત તેમની જમાત સાથે યાત્રાર્થે જુનાગઢ જતા માગૅમાં અત્યારે જયાં શ્રી ભીમનાથજીનું પ્રસધ્ધિ મંદિર છે ત્યાં રોકાયા હતાં. એ લોકો અહી આવ્યાં ત્યારે તેમની સાથે કેટલીક ગાયો હતી. તેમાની એક ગાય નામે પિયાળે હાલમાં જયાં ભીમનાથ દાદાનું શિવલીંગ છે અને પાસેજ જાળ (વરખડી) પ્રકારનું પ્રાચીન વ્રુક્ષ છે તેની નીચે ઉભી રહેતી હતી. તેના આંચળમાંથી દુધનો અભિષેક સ્વયં થતો. મહંતશ્રીને એમ લાગ્યું કે તેમની આ પ્રિય ગાયનું દુધ કોઈ દોહી લઈ જાય છે. તેવી શંકા જતા તેનો પીછો પકડતા એક દિવસ પ્રાતઃ સ્વનજરે આ ચકિત કરનાર દ્રશ્ય જોયું રાત્રે. આ વિશે વિચાર કરતા કરતા તેઓ નિદ્રાધીન થયા…

સ્વપ્નામાં શ્રી આસુતોષ ભગવાન સન્મુખ થયા. તેમણે પિયોળ ગાયના દુધનાં સ્વયં અભિષેકનું રહસ્ય ખોલ્યું તથા પોતાની પાછળ રહેલ કથા કહી. ભગવાન શ્રી શિવે મહંતશ્રીને ત્યાં રોકાઈ જઈ પોતાના પ્રાચિન મહાભારત સમયમાં શિવલીંગને સમય જતા માટીમાં દટાઈ ગયેલ તેને જાળવળક્ષની નીચેની જમીન ખોદીને દ્રશ્યમાન કરવાનો આદેશ આપ્યો. મહંતશ્રીએ આજ્ઞાનું પાલન કરી આ પવિત્ર પાંડવ પુજિત શિવલીંગને પ્રગટ કર્યુ. મહાદેવજીએ એમણે આ શિવલીંગની કથા સંભળાવી કે કેમ આ મારું આ શિવલિંગ દટાઈ ગયું છે એ કેવી રીતે પ્રગટ થયું હતું એ વખતે.

શ્રી મહાદેવજીએ કહેલ કથા આ પ્રમાણે છે —– સાડા પાંચ હજાર વષૅ પહેલાંદ્વાપર યુગનાં અંતમાં મહા પરાક્રમી પાંડવો ઈન્દ્રપ્રસ્થમાં તથા કૌરવો હસ્તિનાપુરમાં શાસન કરતા હતા. બંને પિતરાઈ ભાઈઓમાં કારણોસર વૈમનસ્ય જનમ્યું કૌરવોએ પાંડવોને હેરાન પરેશાન કરવા જુગઠા બાજીની રકમ રમવાં આમંત્ર્યાં. આંમત્રણને તે સમયની રાજયપ્રણાલીકા અનુસાર માન્ય રાખી તેઓ ઈન્દ્રપ્રસ્થ પહોંચ્યા. ત્યાં કૌરવ કુલભુષણ દુર્યોધન તથા મામા શકુનીએ રમતની બાજીઓ દરમ્યાન છળકપટનો આશ્રય લઈ જયેષ્ઠ પાંડુપુત્ર શ્રી યુધિષ્ઠિરને પરાસ્ત કયૉ. તેઓ તેમનું સંપુણૅ રાજય ધનસંપતિ તથા સેના હારી ગયા શરતોને આધિન પાંડવ પુત્રોને કુટુંબ સાથે ફકત પહેરેલ વસ્ત્રો એ બાર વરસ વનવાસ જવુ પડયુ. તેમા પણ એક વષૅનો ગુપ્ત વનવાસ ભોગવવાનો હતો. આ છેલ્લા ગુપ્તવનવાસ સમયે પશ્વિમ ભારત ભ્રમણ દરમ્યાન તેઓ અત્યારે જયાં શ્રી ભીમનાથ મહાદેવની જગ્યા છે ત્યાં આવી ચડયા

ભગવાન શિવમાં અતુટ શ્રધ્ધા ધરાવનાર બાણાવાળી શ્રી અર્જુને પ્રણ લીધેલું કે મહાદેવની પુજા કયૉ સિવાય જમવું નહી. તપાસ કરતા આજુ બાજુ કયાય શિવલીંગ નજરે ન ચડયુ ગદાધારી યોધ્ધા ભીમ જે અતિ બળવાન તથા વિશાળ શરીરવાળા હતાં. તેમનાથી ક્ષુધા સહન ન થતા એક યુકિત અજમાવી તેમણે જાળવળક્ષની નીચે એક શિવલીંગાકાર પાષાણ જોયો. આસપાસથી જંગલી ફુલો તથા જળ લાવી તે પાષાણ પર ચડાવ્યા પછી સૌ કુટુંબીજનોને લઈ જઈ બતાવ્યું. કોઈ અલ્પ સમય પહેલાંજ પુજા કરી ગયુ હોય તેવું દ્રશ્ય હતું આ. મહાશિવભકત અર્જુન ભાવવિભોર થયો. તેણે પરમશ્રધ્ધા ભાવથી બાજુમાં વહેતી પવિત્ર શ્રી નલિકા નદીમાંથી જળ ભરી લાવી પોતાની સાથે જે પુજા સામગ્રી હતી તે ચડાવી પુજા સંપન્ન કરી સૌ ભોજન બનાવી જમ્યા,

પછી એકાએક શ્રી ભીમે પ્રચંડ હાસ્ય વચ્ચે કહ્યું કે પોતે આ શિવલિંગ ઉપજાવી કાઢેલ હતું. અર્જુને કરેલ પુજા ખોટી હતી તે વ્યથૅ ગઈ અને તેમનું પ્રણ તુટી ગયું. તેમ કહેલ પોતાના પ્રણ તુટવાના દુઃખથી ચિંતતિ થઈ અર્જુને અશ્રુભીની આંખે શિવજીની આરાધના કરવાં લાગ્યો. ભીમે પોતાની યુકિત છતી કરવા ખાતર સહજ ભાવે ગદા ઉપાડી શિવલિંગાકાર પાષાણ પર જોરથી તેનો પ્રહાર કર્યો. એના બે ટુકડા થઇ ગયાં અને એક શિવલિંગ જેવો આકાર બની ગયો. અર્જુનની સાચી ભક્તિથી સૌના આશ્વયૅ વચ્ચે કણૅભેદી અવાજ સાથે તે પાષાણમાંથી દુધની ધારાઓ વચ્ચે ભગવાન શ્રી શિવ પ્રગટ થયાં. આ જોઈને ભીમને ધણો પસ્તાવો થયો. તેમણે શ્રી મહાદેવજી પાસે ક્ષમા માંગી. અર્જુનની ભક્તિથી પ્રસન્ન થયેલ તેમણે ક્ષમા આપી તથા પાંડવોને આશીર્વાદ આપ્યા. આમ એ શિવલિંગ ત્યાં બની ગયું. મહાદેવજીની કૃપાથી જ સ્તો !!!

bhimnath 3

અરે ભાઈ આ વાત તો મહાભારતમાં આવી જ જાય છે એમાં તો કંઇ જ નવીન નથી !!! આ કથા આજથી ૫૦૦ વર્ષ પહેલાં કોઈને ખબર નાં હોય એવું હું નથી માનતો કારણકે આપણે જો ગુજરાતની વાત કરીએ તો લગભગ આજથી ૧૦૦૦ વર્ષ પહેલાંથી જ ગુજરાતની શિલ્પ સ્થાપત્યકળામાં રામાયણ મહાભારતની કથા કંડારાઈ જ હતી એટલે મહાભારતની કથા તે વખતે કઈ નવી નહોતી અને આ વખતે કોઈ ભગવાને કોઈનેય દર્શન નહોતાં જ આપ્યાં એટલે આ વાત તો સાવ ખોટી જ છે કે સ્વપ્નમાં મહાદેવજી પ્રગટ થયાં હોય. આ ગાય વાળી વાત તો ઘણેબધે ઠેકાણે પ્રચલિત થઈ છે એનો પણ ઉલ્લેખ પુરાણોમાં મળે છે !!! આ કથા ખોટી તો નથી જ પણ આ જ સ્થાન છે કે નહીં એ જરૂર શંકાસ્પદ છે

આ સ્થાન હોઈ શકે છે એમ ના માનવાનું પણ કોઈ જ કારણ નથી !!! કારણકે વિરાટનગર અને વિરાટનગરનું વન ઈ આજ જગ્યાએ સ્થિત હતું એવું કહેવાય છે એટલે માની લઈએ કે આ જગ્યા કદાચ એ જ હોય. બીજું કે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જેટલી મહાભારતકાલીન કથાઓ પ્રચલિત છે એ બધી જ પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન જ થયેલી -કહેલી કે સાંભળેલી છે. ધોળકાથી ધંધુકા નજીક , ધંધુકાથી ભાવનગર નજીક ભાવનગરથી પણ સોમનાથ જવાય અને સોમનાથથી પણ દ્વારકા બહુ દૂર તો નથી જ. દ્વારકાથી નાગેશ્વર નજીક છે !!! આ બધી કથાઓ એક રસ્તાનો નિર્દેશ જરૂર કરે છે. જે રસ્તો આજે પણ પ્રચલિત છે જે અને આપણે પણ એ રસ્તેથી આ બધાં સ્થાનોનાં દર્શન કરીને જઈ જ શકીએ છીએ. જોકે સહેલાઈથી પહોંચવા માટેનાં બીજાં માર્ગો છે ખરાં !!! એ તો થઇ માર્ગોની વાત આપણે તો આ મંદિર અને તેને લગતી કથાઓની વાત કરવાની છે પણ મૂળ કથા તો ઉપર જે જણાવેલી છે એ જ છે !!!! આ કથાના સમર્થનમાં જો કહેવું હોય તો એમ કહી શકાય એમ છે કે ભીમે રસ્તો કરી આપ્યો પણ જ્યાં પણ અને જે પણ રીતે જ્યાં જ્યાં શિવમંદિરો કે શિવલિંગોની સ્થાપના કરી એ અર્જુને જ કરી હતી કારણકે અર્જુન પર ભગવાન મહાદેવજીની કૃપા હતી !!! એટલે આ વાત માનવાનું મન જરૂર થઇ જાય છે પણ આજ સ્થળ છે એવું ચોક્કસપણે કહી શકાતું નથી

આ મંદિરમાં પથ્થરનાં બે ટુકડા જરૂર નજરે પડે છે જેમાનું એક શિવલિંગ છે અને એ સ્વયંભુ છે એટલે જ કદાચ આ વાત વહેતી થઇ હશે. આ મંદિરમાં શિવલીંગની માનતા બહુ જ છે. લોકો દુરદુરથી છેક અહીં આવે છે અને મહાદેવજીના શિવલિંગ પર જલાભિષેક કરે છે જ.

હવે જે વાત કરવાની છે એ એ છે કે આ મંદિરમાં શિખર કેમ નથી કારણકે અહી એક વરખડીનું ઝાડ છે જે એમ કહેવાય છે કે એ ૫૫૦૦ વર્ષ જુનું છે. અહીં ૫૦૦૦ વર્ષ પુરાણુ વરખડીનાં વૃક્ષ નીચે બિરાજમાન ભીમનાથ મહાદેવ આવેલ છે. મહાભારતના કાળમાં નજર ફેરવતા આ સ્થળે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આવેલા. વરખડી (જાળ)ના વૃક્ષ નીચે ભીમે મહાદેવની સ્થાપના કરેલ. હાલમાં પાંચ હજાર વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ હયાત છે. હવે મંદિરનું શિખર બનાવતા આ ઝાડ વચ્ચે આવતું હોવાથી અને એણે કાપી નાખવું પણ ઉચિત ના જ ગણાય. એ હેતુસર અહી શિખર બનાવવામાં જ નથી આવ્યું

બીજી મહત્વની વાત એ છે કે આ વરખડીનું ઝાડ આમ તો શિવલીંગની બિલકુલ બાજુમાં જ છે પણ એની ડાળીઓ અને થડ જો કાપવામાં આવે તો આ અતિપ્રાચીન શિવલિંગને ક્ષતિ પહોંચે અને એ શિવલિંગ ખંડિત થાય !!! તો પણ આપણા ફળદ્રુપ ભેજાંબાજ પુરાતત્વીય ઈજનેરોએ આ ઝાડ પાડવાનો પ્રયત્ન કરી જોયો પણ દરેક વખતે તેઓ નિષ્ફળ ગયાં પણ ઝાડ તો ત્યાનું ત્યાં જ રહ્યું. એ જરાય ટસનું મસ ના થયું તે ના જ થયું. આનું પરિણામ એ આવ્યું કે તેમણે પછી ઝાડ કાપવાનો વિચાર જ પડતો મૂકી દીધો !!! અને આમ શિખર બાંધવા પર પૂર્ણવિરામ આવી ગયું. લોકોએ તો આ ઝાડની રીતસરની પૂજા જ કરવાં માંડી. જેટલું મહત્વ તેઓ આ પ્રાચીન શિવલિંગને આપે છે એટલું જ નહીં પણ કદાચ એનાં કરતાં પણ વધારે મહત્વ આ વરખડીનાં ઝાડને આપવાં લાગ્યાં અને આમ વિધિવત આ વરખડીનાં ઝાડની પૂજા શરુ થઇ અને એમ કહેવા લાગ્યાં કે ——– ભગવાન મહાદેવજી અને અને આ વરખડીનાં ઝાડને બહુજ ગાઢ સંબંધ છે !!! ખરેખર છે કે નહીં એ તો રામ જાણે પણ આ ઝાડ પણ એટલું જ પુરાણું છે એમ કહેવાય છે !!!

હવે વાત ચમત્કારની

આ મંદિર અને એમાય ખાસ કરીને આ વરખડીનાં ઝાડની છે. આ ઝાડ ખરેખર ચમત્કારિક છે. એક તો આ ઝાડ કોઈનાથીય કપાયું જ નહીં તેમાં વળી આ ઝાડ સાથે બીજો એક ચમત્કાર સંકળાયેલો છે જે આજે પણ હજી રહસ્ય જ છે !!! વરખડીનાં વુક્ષમાંથી ઉનાળામાં ચૈત્ર-વૈશાખ માસમાં ખાંડ જેવો સફેદ પદાર્થ ઝરે છે જેને યાત્રિકો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે.. આ માત્ર આખાં વરસમાં માત્ર આ બે મહિના દરમિયાન જ બને છે. કોઈક તો વળી એવું પણ કહે છે કે આ ખાંડ જેવો પદાર્થ વરસમાં માત્ર એક જ દિવસે ખરે છે. જેને લોકો પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે. આવું કેમ બને છે એ હજી સુધી તો કોઈ જ શોધી શક્યું નથી !!!

એક લોકવાયકા તો એવી પણ છે કે એક જમાનામાં અહી પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અહીંયા ચાલતું હતું. અહીંયા અનેક રાજા મહારાજા દર્શનાર્થે આવતા હતાં. આજે આ મંદિર એટલું બધું સમૃદ્ધ થઇ ગયું છે કે અહીંયા માત્ર ગુજરાતીઓ કે ભારતીયો જ નહીં પણ વિદેશમાંથી લોકો અહી દર્શનાર્થે ઉમટે છે. આની સમૃદ્ધિ એટલી બધી વધી ગઈ છે કે આજે અહીં ભક્તો માટે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન માટે ભંડારો પણ કરવામાં આવે છે. એમ કહેવાય છે કે અહીંયા સૌ પ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત મહારાજ છત્રપતિ શિવાજી દ્વારા કરવામાં આવી હતી. અલ્યા ભાઈ શિવાજી મહારાજ વળી ક્યારે સૌરાષ્ટ્ર આવેલાં ? આ તો શું છાપાંવાળાંને લખવામાં મસાલો મળી રહે એ માટે એમણે જ આવી વાતો લોકો પાસેથી કહેવડાવી હશે !!!

બાકી એકજ સરખી વાત બધાં એ કહી છે કોઈ શબ્દનો પણ ફેરફાર આ લોકોએ કર્યો નથી. એટલે સુધી કે આ જ માહિતી વિકિપીડીયાએ પણ આપી જ છે. એમાય શબ્દસહ આ જ વાત કરાઈ છે. એવું કહેવાય છે કે એમ માનવામાં આવે છે એમ કહીને છૂટી જતાં આ લોકોને જરાય વાર નથી લાગતી. કમસે કમ એમણે થોડીઘણી વાતો તો આ મંદિર વિષે કરવી જ જોઈતી હતી તો જ લોકોની કુતુહલતા વધે નહીં તો નહીં જ. એટલે આ વિષે લખવું હોય તો કંઇક તો ફેરફાર કરવો જ જોઈએ. દર્શન અને લખાણ હંમેશા પોતાનું જ હોવું જોઈએ એવું મારું તો સ્પષ્ટપણે માનવું છે !!!

બાકી……. આ મંદિર એની વિશેષતાઓને લીધે અને ખાસ તો એનાં અદભૂત શિવલિંગ અને વરખડીનાં વૃક્ષ અને અહીં થતાં ચમત્કાર અને ભંડારા માટે એક વાર તો જોવું જ જોઈએ. એમાંય જો શ્રાવણ મહિનામાં કે મહાશિવરાત્રીએ જો આ મંદિરમાં દર્શન કરવાં મળે તો જીવન ધન્ય બની જાય. હા એમાં વળી પૌરાણિકકાળનું હોય એ વાત જ આપણને લોહચુંબકની જેમ ત્યાં ખેંચે છે. આવું ચુમ્બકત્વાકર્ષણ દરેકને થવું જ જોઈએ તો બધાં એક વાર તો જઈને પાવન થઇ આવજો અહીં !!!

— ઓમ નમઃ શિવાય —–
——– હર હર મહાદેવ —–

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!