ગુરુગાદી ભીમનાથ મહાદેવ આશ્રમ

એક હજાર વર્ષથી ૧૮૦૦ વિઘાના વિશાળ જંગલમાં કુદરતના રંગમાં રંગાયેલ ગુરુગાદી ભીમનાથ મહાદેવ આશ્રમનું મંદિર ખૂબ જ મોટો ઇતિહાસ ધરાવે છે. આ મંદિર શિવજી તથા માતા પાર્વતી બન્ને નું સ્થાન છે.

ગામની લોકવાયકા, દંતકથા તથા બારોટના ચોપડાના ઇતિહાસોના પ્રમાણો મુજબ જ્યારે સૌરાષ્ટ્રના ઢાંક ગામના જેઠવા રાજપૂતોના ગુરુ, તથા ધુંધળીનાથના શિષ્ય સિધ્ધનાથજી જ્યારે ગુજરાતને ધુંધળીનાથના લાગેલા શ્રાપથી ઉધ્ધાર કરાવવા માટે નીકળ્યા હતા. ત્યારે સિધ્ધનાથજી આ ફુલેત્રા ગામે પણ આવ્યા હતા. ધુંધળીનાથ ના શ્રાપનું ભોગ હાલનું આ ફુલેત્રા ગામ પણ બન્યુ હતુ. તેથી તેમણે આ ગામનો ઉધ્ધાર કરવા માટે ફુલેત્રાની પાસે આવેલ ૧૮૦૦ વિઘાના જંગલના મધ્ય ભાગમાં કે જ્યાં તળાવના કિનારે, આંબલીના વૃક્ષ નીચે, તેઓએ નવરાત્રીના નવ દિવસ સુધી ખૂબ જ પ્રખર રીતે ભગવાન શિવજી તથા માતા પાર્વતીની પ્રાર્થના કરી હતી. ત્યારે દશેરાના દિવસે આંબલીના વૃક્ષ નીચે ભગવાન શિવજી તથા માતા આધ્યશક્તિ પ્રગટ થયા હતા. માતાજીને જોઇને સિધ્ધનાથજીએ તે સમયે મહાકાળી માઁ તથા અંબા માઁ એમ બે નામથી સ્તુતિ કરીને વંદન કર્યા હતા. બાદમાં શિવજીએ સિધ્ધનાથજી પર સદાય આધ્યશક્તિ માતાજીની કૃપા વરસતી રહે તે માટે ભગવાન શિવજીએ જ માતાજીનું પોતાના હાથે ત્યાં સ્થાપન કર્યુ હતુ. જેથી સિધ્ધનાથજી એ ફુલેત્રા ગામને જ પોતાનું આખરી સ્થાન બનાવ્યુ હતું.

તેઓએ ફુલોની વાડી બનાવીને આશ્રમને ચલાવવા ફુલો વહેંચતા હોવાના કારણે ગામના લોકોએ તેમને સિધ્ધનાથજીની જગ્યાએ ફુલનાથ નામ આપ્યું હતુ. બાદમાં આજ નામ તેમનું હંમેશા માટે બની રહ્યું. તેથી આજે પણ તેમનું સમાધિ સ્થાનકનું મંદિર ફુલનાથ મહાદેવના નામે જ ઓળખાય છે. જે આંબલીના વૃક્ષથી દૂર ટેકરાના ભાગ પર આવેલ છે.

સિધ્ધનાથજીએ આંબલીના વૃક્ષના આ સ્થાનની નજીક એક ભોંયરું બનાવડાવ્યું હતુ, જે ભોંયરું કડી તાલુકાના સૂરજ ગામના ગોચળનાથ મહાદેવ મંદિર, તરભ ગામના વાળીનાથ મહાદેવ મંદિર તથા કર્ણાવતી (હાલનું અમદાવાદ) ના માણેકનાથ મહાદેવ મંદિરે નીકળતુ હતુ. આ ભોંયરાને સિધ્ધનાથજીએ બનાવડાવ્યુ હતું. તેથી ભોંયરાને આજે પણ સિધ્ધનાથજીનું જ ભોંયરુ કહેવામાં આવે છે.

સિધ્ધનાથજી સ્વર્ગલોક પામતા ગામના લોકો દ્રારા જંગલના સૌથી ઉંચા ટેકરાના ભાગ પર તેમનું સમાધિ સ્થાન બનાવવામાં આવ્યુ હતુ. સિધ્ધનાથજીને ફુલનાથના નામે ગામ ઓળખતુ હતુ. તેથી ગામનું નામ ફુલનગર પાડવામાં આવ્યુ હતું. જે બાદમાં ફુલનગરનું અપભ્રંશ થઈને હાલમાં ફુલેત્રા થયુ છે.

સિધ્ધનાથજીની કૃપાથી ફુલનગર સમદ્ધ હતુ, તેથી ગામની તથા આ મંદિરોની કિર્તીથી લોભાઇને કેટલાક ડાકુઓએ ગામ અને મંદિર પર લુંટ ચલાવવાની કોશીશ કરી હતી, જે સમયે ગામના “મામા” યુદ્ધે ચઢ્યા હતા. જેમા તેમનું મસ્તક કપાઇ ગયુ હતુ, અને ધડ લડ્યુ હતુ. લુંટારુંઓને માર્યા બાદ પણ તેમનું ધડ શૂરાતન ના કારણે શાંત પડતુ નહતુ. જેથી ગામના લોકોએ વિનંતી કરીને પ્રાર્થના કરી કે ગામ કોઇ પણ નવા પ્રસંગે તમને પહેલા યાદ કરી, પૂજા કરશે. બાદમાં જ ગામના કાર્યો થશે. આ સાંભળી મામા નું ધડ શાંત થઇને મામા બાપના પરામાં પડ્યુ. જ્યાં આજે પણ તેમનો પાળીયો છે.

વર્ષો વિતવાની સાથે, આંબલીના માતાજીના પ્રાગટ્ય સ્થાન પર કોઈએ વધુ ધ્યાન ન આપ્યુ. કારણ કે તે જગ્યા ગામથી ઘણી દૂર પડતી હતી. જેના કારણે આંબલીનું વૃક્ષ તેમનું તેમ જ રહ્યું. જેને આજે ૧૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે, તેને જોઈને પણ તેની ઉંમર હજારો વર્ષ કહી શકાય છે. જંગલના ઘણા ઝાડો ઉગ્યા અને સુકાઇ ગયા. પણ આ દૈવી ઝાડ આજે પણ તેમનું તેમ જ છે. ભોંયરું અવાર નવાર વરસાદ અને કુદરતી આપદાથી જમીનમાં ભળી ગયુ હતું. પણ ભગવાને પણ ગજબનો ચમત્કાર દર્શાવ્યો. આ ભોંયરાના સ્થાનને જીવંત રાખવા માટે ગોગા મહારાજ રૂપે વર્ષો સુધી નાગદેવતાએ વાસ કરીને ત્યાં રાફળો જમાવી રાખ્યો. જેના કારણે તે જગ્યાની ઓળખાણ બની રહી.

અહીંનું આ જંગલ ૧૮૦૦ વિઘાનું છે, જે સિધ્ધનાથજીની કૃપાના કારણે તેમનું તેમ જ આજે પણ જોવા મળે છે. ગામના લોકોના જણાવ્યા મુજબ આજ સુધી આ જંગલમાં ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને સંર્પદંશ નથી થયો. અહીંયા કોઈ ખૂન ખરાબા કે કોઈ પણ ખરાબ ઘટના નથી બની.

બાદમાં લગભગ ૨૦૦૬ની આસપાસ ગામના ભલાજી ઠાકોર નામના વ્યક્તિ એ તથા ગામના લોકો દ્રારા બારોટના ચોપડે લખેલ લખાણો અને પેઢી દર પેઢી ચાલી આવેલી લોકકથા મુજબ તે સ્થાન પર જઇને ખોદકામ કરાવ્યુ હતુ. જેમા ભોંયરાના તથા આંબલીના પુરાવા મળ્યા હતા. જોકે તે સમયે ભોંયરા આગળ અવાર નવાર નાગ દેવતા આવીને ઉભા રહેવાના કારણે તે ભોંયરાને વધુ ખોદી શકાયુ નહતુ. જેથી કરીને તે સ્થાન તેમનું તેમ જ રાખ્યુ હતુ. જે સમય જતા ભોંયરું ગામના લોકોએ સહમતીથી હંમેશા માટે બંધ કરાવ્યુ હતું.

આ સ્થાન પર ભગવાન શિવજીના અવતાર કહેવાતા ગોગા મહારાજનું મંદિર ભાવનગરની ગુરુગાદીના સંત દરિયાનાથજીના કહેવા પર ભલાજી ઠાકોર તથા ભક્તો દ્રારા મંદિર બનાવવામાં આવ્યું.

ત્યારબાદ ભલાજી ઠાકોરે નાથ સંપ્રદાય માંથી દિક્ષા લઇને ભીમનાથ નામ ધારણ કરી, મંદિરની ગુરુગાદી પર આવ્યા. તેમના સમાધિ પામ્યા બાદ નાથ સંપ્રદાયે તેમના ખૂબ જ સંઘર્ષોને દેખતા મંદિરનું નામ તેમના નામે ભીમનાથ મહાદેવ મંદિર કર્યુ. જેમા આંબલીનું વૃક્ષ તથા ભોંયરાનો સમાવેશ થાય છે. હાલમાં આ મંદિરમાં ગુરુ રાજનાથજી ગુરુગાદી પર બેસે છે.

આ મંદિરમાં ક્ષત્રિય સમાજના લોકોને ક્ષત્રિય ધર્મ શિખવીને તલવારબાજીનો ભવ્ય પ્રોગ્રામ મંદિરે કરાવ્યો હતો. જેમા ૫૦ દિકરા દિકરીયોએ તલવારબાજી કરી હતી. તથા આ મંદિરમાં ૬૬ શૂરવીરોના ફોટા લગાવેલા છે. જેનું દરોજ પૂજન થાય છે. આ પૂજન એટલા માટે થાય છે, કારણ કે આવા વિરોના કારણે જ ભારતના મંદિરો સુરક્ષિત છે.

આમ ભીમનાથ મહાદેવ મંદિર ધર્મ સંસ્કૃતિના કાર્યો કરે છે.

માહિતીઃ જીગર ઠાકોર

error: Content is protected !!