25. ભત્રીજો કે પુત્ર? – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

અત્યારે ચાણક્યને શામાટે બોલાવવામાં આવ્યો છે અને નવીન બનાવ શો બન્યો છે, એ સઘળું સુમતિકાએ ચાણક્યને કહી સંભળાવ્યું હતું. મુરાદેવીના આજસુધીના વર્તનને જોતાં તેનું મન ખરી અણીની વેળાએ એકાએક બદલાઈ જશે અને તે કારણથી કદાચિત્ ભયંકર પ્રસંગ પણ આવશે, એ ચાણક્ય પ્રથમથી જ જાણતો હતો. અર્થાત્ તે અસાવધ હતો નહિ. “ગમે તેટલી કારસ્થાની છતાં પણ મુરાદેવી એક અબળા છે. તેના મનની સ્થિતિ ક્યારે બદલાઈ જશે, એનો નિયમ નથી. પોતાના દાયાદોથી યુદ્ધ કરવાને તૈયાર થએલા અર્જુનનો પણ નિશ્ચય ડગી ગયો હતો, ત્યારે મુરાદેવી તે શી ગણનામાં !” એવો વિચાર કરીને કદાચિત્ મુરાદેવીની પણ એવી જ દશા થાય, તો તે વેળાએ કેવા પ્રકારનું વર્તન કરવું, એનો નિશ્ચય તે દૂરદર્શી ચાણક્યે પ્રથમથી જ કરી રાખ્યો હતો. જે કાર્યનો આરંભ કર્યો હોય, તેનો અંત કરવો જ જોઈએ, એવા સ્વભાવના મનુષ્યોમાં સર્વથી અગ્રસ્થાને શોભે એવો ચાણક્ય હતો, એ નવેસરથી કહેવું જેઈએ તેમ નથી. તેણે પ્રથમથી જ એવી બધી બાબતોનો વિચાર કરી રાખ્યો હતો. સુમતિકાએ નવીન બનેલા બનાવના સમાચાર આપતાં જ હવે પછી શા શા ઉપાયોની યોજના કરવી, એનો તેણે મનમાં જ નિર્ણય કરી નાંખ્યો. સુમતિકાએ તેને લઈ જઈને યજ્ઞશાળામાં બેસાડ્યો. તેના આગમનના સમાચાર સાંભળતાં જ મુરાદેવી પણ તત્કાળ ત્યાં આવી પહોંચી. ચાણક્ય તેની સામે ઊભો રહ્યો અને તત્કાળ તેને સંબોધીને બેાલ્યો કે, “મુરાદેવી ! મને તેં આટલો બધો ઉતાવળો કાં બોલાવ્યો? શું આપણા કાર્યની સિદ્ધિમાં કાંઈ પણ વિઘ્ન આવવાનો સંભવ છે? જો તેવું કાંઈ હોય તો જલ્દી બોલી દે, કે જેથી તેને ટાળવાનો હું યોગ્ય ઉપાય કરી શકું.”

“વિપ્રશ્રેષ્ઠ !” મુરાદેવીએ તે જ ક્ષણે ઉત્તર આપવા માંડ્યું. “આપણા આરંભેલા કાર્યમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન તો નથી આવ્યું: કિન્તુ આવું રાજાની હત્યા કરવાનું કાર્ય ન કરાય તો વધારે સારું, એવો મારો પોતાનો જ મનોભાવ થએલો છે; અને એ જ કારણથી આટલી ઊતાવળથી મેં આપને બોલાવ્યા છે. આપણા વ્યુહનો નાશ કરો, અને જો તેમ થવું શક્ય ન હોય, તો મહારાજ આજે રાજસભામાં ન જાય, એવી વ્યવસ્થા હું કરીશ. છતાં પણ જો તે જવાનો આગ્રહ જ કરશે, તો આ બધાં પાપો હું તેમના સમક્ષ કબૂલ કરીશ અને તેમની ક્ષમા માગીશ. માટે ચંદ્રગુપ્તને લઈને આ૫ અહીંથી અત્યારેને અત્યારે ચાલ્યા જાઓ. નહિ તો કદાચિત્ આપના પ્રાણ પણ જોખમમાં આવી પડવાનો સંભવ થશે.”

એ સાંભળીને ચાણક્ય હસ્યો અને કહેવા લાગ્યો કે, “ મુરાદેવી ! આપણા વ્યૂહને તોડી પાડવો એ તો ઠીક, પણ તે તોડવાની વેળા તેં ઘણી સારી બતાવી હો ! મારા જેવા એક યજન યાજન અને પઠન પાઠન કરનારા બ્રાહ્મણને તે વ્યર્થ આ જાળમાં ફસાવ્યો ! તારી પ્રતિજ્ઞા પૂરી થાય, તેટલા માટે તો હું ચન્દ્રગુપ્તને અહીં લઈ આવ્યો, અને એને રાજ્ય મળવાની જ્યારે સઘળી તૈયારી થઈ ચૂકી, ત્યારે છેક છેલ્લે તું આમ બોલી; ઉઠી? આને તે શું કહેવું? ગાંડી ! તું હવે પોતાના નિશ્ચયને ડગાવીને લાભ મેળવવાની આશા રાખે છે કે ? ના ના………”

એ વાક્ય ઉરચારતાં ચાણક્યનો અવાજ એટલો બધો માટો થઈ ગયો કે મુરાદેવીને ખાસ તેને બોલતો અટકાવવાની ફરજ પડી. તે બોલી “વિપ્રવર્ય ! જો આપ આમ સિંહ સમાન ગર્જના કરવા માંડશો, તો કાલે આવનારું સંકટ આજ જ આવીને ઊભું રહેશે. જો આપ અત્યારે મૌન્ય ધારી પાટલિપુત્ર છોડીને ચાલ્યા જશો, તો આપના પ્રાણ ઊગરશે; નહિ તો તેમ થવું સર્વથા અશક્ય છે. તમારા આ ભીષણ ધ્વનિથી મહારાજા જાગી ઉઠે અથવા તો તે બીજા કોઈના સાંભળવામાં આવે, તો આપની શી દશા થાય વારુ ? હવે જો આપ વ્યર્થ વધારે ન બોલતાં ચંદ્રગુપ્તના અને પોતાના પ્રાણ બચાવવાના પ્રયત્ન કરો તો વધારે સારું. મારો તો હવે દૃઢતમ નિશ્ચય થઈ ચૂક્યો છે. ગમે તેમ કરીને મહારાજને રોકવાનો પ્રયત્ન કરીશ, અને નહિ તો આપણો બધો ભેદ – આ સઘળાં કારસ્થાનનો વૃત્તાંત સંભળાવીને તેમને સાવધ કરીશ – કોઈપણ પ્રકારે હું તેમનો ઘાત થવા દઈશ નહિ.”

“તું તેનો ધાત થવા દેવાની નથી અને પોતાના પેટના પુત્રનો તો ઘાત થવા દેવાની છે ને ?”ચાણક્યે જરાક વધારે ઉગ્રતાથી કહ્યું.

“મારા પેટના પુત્રનો ઘાત ? અને તે હું કરનારી ? મારે પુત્ર જ ક્યાં છે ? આપ શું બોલે છો ?” મુરાદેવીએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. ચાણક્યના બોલવાના અર્થને તે સમજી શકી નહિ. એટલે ચાણક્ય પુનઃ તેને કહેવા લાગ્યો કે “મારા પુત્રનો ધાત કર્યો છે, તેને હું શાસન કરીશ અને મને વૃષલી કહી છે, માટે મારા પિયરિયાંમાંથી જ કોઈને આ પાટલીપુત્રના સિંહાસન પર બેસાડીશ, એવી તેં પ્રતિજ્ઞા કરી હતી અને અત્યારે જોઉં છું તો તે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરીને તું પોતાના પુત્રનો ઘાત કરવાને તત્પર થએલી છે. એનો ભાવાર્થ શો હશે, તે તો પ્રભુ જાણે !”

“આર્ય ચાણક્ય ! આપના ચિત્તમાં ભ્રમ તો થયો નથી ને? મારા પુત્રની હત્યા કરવાને હું તત્પર થએલી છું, એમ આપ વારંવાર કહો છો, એનો અર્થ શો છે ? હું ગર્ભવતી છું, એવી મેં ખોટી અફવા ઉડાવી છે, તેને આધારે તો આપ આમ નથી બોલતા ને? એટલે કે, રાજા સમક્ષ મારા અપરાધો હું કબૂલ કરીશ અને તેથી તે મને દેહાંતદંડની શિક્ષા આપશે – એ શિક્ષા થતાં જ મારા પેટમાંના પુત્રનો નાશ થશે, એવી તો આપની ધારણા નથી ને ? પણ હું ગર્ભવતી જ નથી. જો એવો આપને ભ્રમ હોય, તો તેને દૂર કરી નાંખો.” મુરાદેવીએ પોતાની કલ્પના લડાવી.

“દેવિ ! મારા ચિત્તમાં તો ભ્રમ નથી થયો, પણ તું આજ સુધી ખરેખર ભ્રમમાં જ રહેલી છે. રાજાએ જો કે તારા પુત્રને મારી નાંખવાનો યત્ન કર્યો હતો, પણ તે સિદ્ધ થયો નથી. હવે તું પોતે જ તેના ઘાતની સર્વ તૈયારીઓ કરે છે, સમજી કે?”

ચાણક્યનાં એ માર્મિક વચનો સાંભળીને મુરાદેવી આશ્ચર્યપૂર્ણ અને જાણે કે કાંઈક પૂછવા ઇચ્છતી હોયની! તેવી મુદ્રાથી તેને જોવા લાગી. પરંતુ તેના મુખમાંથી એક પણ શબ્દનો ઉચ્ચાર થઈ શક્યો નહિ. શું બોલવું, એની તેને સૂઝ ન પડી. ચાણક્યને પણ એટલું જ જોઈતું હતું. તે તેને ઉદ્દેશીને કહેવા લાગ્યો; “દેવિ ! હવે હું તને વધારે વાર ભ્રમમાં રાખવા ઇચ્છતો નથી. તું જ એની જનની છે. તને તારા પુત્રની તે જ વેળાએ ઓળખ થવી જોઈતી હતી, પણ તે થઈ ન શકી, એ તારા વાત્સલ્યની કેટલી ન્યૂનતા ? પણ હવે હું તેને લંબાવતો નથી. જો કે થોડા વખતપછી તો અમથો પણ હું એની ઓળખાણ આપવાનો જ હતો – પણ તેં આજે જ તેની આવશ્યકતા કરી આપી. દેવિ ! તારો પુત્ર જીવતો છે……..”

“મારો પુત્ર જીવતો છે?” મુરાદેવીએ એકાએક ઉત્કંઠાથી પૂછ્યું. તે પોતે ક્યાં છે અને શું કરે છે, એનું તેને ભાન રહ્યું નહિ, તે પોતાને સર્વથા ભૂલી ગઈ.

“હા – તારો પુત્ર જીવતો છે.” ચાણક્ય કિંચિત્ હસીને કહ્યું.

“આર્ય ! આપ મારાથી વિનોદ તો કરતા નથી ને?” મુરાએ શંકા કરી.

“આ વેળા વિનોદની નથી, અને અત્યાર સુધીમાં મેં કોઈ જોડે વિનોદની વાર્તા કરી નથી.” ચાણક્યે ગંભીર ભાવથી જણાવ્યું. “ત્યારે શું મારા પુત્રનો તે વેળાએ ઘાત નથી થયો ?” મુરાએ પૂછ્યું.

“ના; તે જીવતો છે, એમ સિદ્ધ કરી બતાવવા હું તૈયાર છું.” ચાણક્યે કહ્યું.

મુરાદેવી આશ્ચર્યથી સ્તબ્ધ બની ગઈ જાણે ચાણક્યનાં વચનોનું તેને જ્ઞાન જ થતું ન હોય, તેવો તેના મુખમંડળમાં ભાસ થવા લાગ્યો. તેણે એકાએક ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો કે, “વારુ ત્યારે તે અત્યારે ક્યાં છે?”

“પ્રસ્તુત પળે પાટલિપુત્રમાં છે અને તારા સાંનિધ્યમાં જ છે – તે જ તારો….….”

“શું કહો છો? મારો પુત્ર મુઓ નથી? તે પાટલિપુત્રમાં છે? આર્ય ચાણકય, મને આમ સંદેહમાં ન રાખો. જે કહેવાનું હોય તે સ્પષ્ટ કહી દ્યો.” મુરાદેવી વચમાં જ બોલી ઊઠી.

“દેવિ ! હવે વધારે સ્પષ્ટ તે શું કહું ? તને હજી તર્ક નથી થતો ?”

“જોકે મારા હૃદયમાં તર્ક તો થયો છે, પણ તે સત્ય હશે, એની ખાતરી શી રીતે થાય ?” મુરાએ ચાણક્યને ઉત્તર આપ્યું.

“આપણો તર્ક ખરો કે ખેાટો હોય તો તેની મન જ સાક્ષી આપે છે.”

“અદ્યાપિ મારા મને તો એવી પ્રતીતિ આપી નથી.” મુરાએ કહ્યું.

“યત્ન કર્યા વિના પ્રતીતિ કેવી રીતે થઈ શકે?” ચાણક્ય બોલ્યો.

“ત્યારે શું ચન્દ્રગુપ્ત મારો પુત્ર છે? જેનો જન્મ થતાં જ મારો કારાગૃહમાં વાસ થયો હતો અને જેનો નાશ કરવાની મહારાજે આજ્ઞા આપી હતી, તે મારો પુત્ર અદ્યાપિ જીવતો છે ? તે એ જ ચંદ્રગુપ્ત કે? આર્ય ચાણક્ય ! મને આપ બનાવતા તો નથી ને? હું તમારાં કારસ્થાનોમાં અનુકૂલ રહું, એવા હેતુથી તો આ કલ્પના કરવામાં નથી આવીને ! એ ચન્દ્રગુપ્ત મારો પુત્ર ? આશ્ચર્ય !” મુરાદેવીએ અત્યંત આશ્ચર્યથી કહ્યું.

“હા-હા-જો એને ધનાનન્દે મારાઓના હાથમાં સોંપ્યો ન હોત, તો આજે જે યૌવરાજ્ય સુખનો અનુભવ લેતો હોત, તે જ તારો પુત્ર એ ચન્દ્રગુપ્ત ! મુરાદેવિ! તારા અને એના સ્વરૂપમાં રહેલા સામ્યને તું જોઈ નથી શકતી કે શું ? એને જોતાં કોઈ દિવસે તારા હૃદયમાં પુત્રવાત્સલ્યનો ભાવ થાય છે ખરો કે નહિ ? તેં પોતે જ એ વિષે મને પૂછ્યું હોત, પણ તને તેવો પ્રશ્ન પૂછવાનો પ્રસંગ ન આપવા માટે જ એને મેં તારા ભત્રીજા તરીકે ઓળખાવ્યો હતો. કારણ કે ભત્રીજો કહેવાથી તારા અને એના રૂપમાં આટલું બધું સામ્ય છે, તે વિષે કોઈને આશ્ચર્ય થવાનો સંભવ નહોતો; પરંતુ મારા એ કથનથી તું પણ ભૂલાવામાં પડી જઇશ, એવી મારી ધારણા હતી નહિ. તથાપિ જે દિવસે તું શંકા કરે, તે જ દિવસે એ સઘળો ભેદ તને જણાવવાનો મેં વિચાર કરી રાખ્યો હતો. પણ આજ સુધી તેવો અવસર જ આવ્યો નહિ.” ચાણક્યે ચાતુર્ય બતાવ્યું.

મુરાદેવી ચાણક્યનું એ ભાષણ ધ્યાનપૂર્વક સાંભળતી હતી કે નહિ, એની શંકા જ હતી. કારણકે, તેનું ચિત્ત ચાણક્યના બોલવામાં હોય, એમ દેખાતું નહોતું. “ચાણક્ય કહે છે, તે વાત ખરી હશે કે ? ચન્દ્રગુપ્ત મારો પુત્ર હશે કે ? કે આ વેળાએ હું ચાણક્યથી વિરુદ્ધ ન થાઉં, તેટલા માટે એણે આ યુક્તિ શોધી કાઢી હશે?” એવી એવી અનેક શંકાઓ તેના મનમાં આવવા લાગી. તેથી તેણે એકાએક ચાણક્યને કહ્યું કે, “આપ એને મારો પુત્ર કહો છો, પણ તેની સત્યતા માટે આપ પાસે આધાર શો છે?”

“આધાર ? તારા અને એના સ્વરૂપમાં રહેલું સામ્ય !” ઉત્તર મળ્યું.

“એ આધાર તો દૃઢ આધાર કહેવાય નહિ. એથી પણ વધારે પ્રબળ જો બીજો કોઈ આધાર હોય તો બતાવો.” મુરાદેવીએ પુનઃ શંકા કાઢી.

“મુરાદેવી! એવા આધારો જાણવાની આ વેળા છે કે ?”

“વેળા ગમે તેવી હોય, પણ મારા મનની સ્થિતિ અત્યારે ચમત્કારિક થઈ ગઈ છે; એટલે આધાર જાણવા ન માગું તો શું કરું?” મુરાદેવીએ પોતાનો મનોભાવ જણાવ્યો.

“તને આધાર જોઇતો જ હોય, તો આ શું છે તે જો. એ વસ્તુ એ નવા જન્મેલા બાળકના મણિબંધમાં હતી. એ બાળકને હિમાલયના એક અરણ્યમાં નાંખી દેવામાં આવ્યો હતો અને ત્યાંના ગોવાળીઆઓને એ એક દિવસે ચાંદરણી રાત્રે ત્યાંથી મળી આવ્યો હતો. ભગવાન ચંદ્રમાએ જ પોતાનાં શીત કિરણોવડે એનું સંરક્ષણ કર્યું હતું. એ કારણથી તે ગોવાળિયાઓએ એનું ચન્દ્રગુપ્ત એવું નામ પાડ્યું.”

એમ કહીને આર્ય ચાણક્યે તે રક્ષાબંધન મુરાદેવીને આપ્યું. તેને જોતાં જ અંધકારમાં સબડતા પડેલા મનુષ્યને એકાએક દીપકનો પ્રકાશ દેખાતાં જ તેની આંખે અંધારાં આવવા માંડે છે, તેવી જ મુરાદેવીની પણ દશા થઈ ગઈ, સંશય – અંધકારમાં ઘેરાયલી મુરાદેવીને એ રક્ષાબંધન એક ઉજ્જવલ દીપક સમાન દેખાવા લાગ્યું. આશ્ચર્ય, હર્ષ અને કિંચિત ઉદ્વેગ એ ત્રણ વિકારોની પ્રબળતાથી તે નિઃસ્તબધ બની ગઈ. એવી રીતે કેટલોક સમય નીકળી ગયો. એને થોડીકવાર શાંતિમાં જ બેસી રહેવા દેવાનું શ્રેયસ્કર જાણીને ચાણક્ય પણ ચુપ બેસી રહ્યો. થોડીવાર પછી મુરાદેવી કહેવા લાગી કે, “આર્ય, ચન્દ્રગુપ્ત મારો પુત્ર છે, એમ આપે કહ્યું છે, ત્યારથી.………………”

“એમાં આપે કહ્યું, એમ હવે શા માટે બોલે છે? હવે તો તારી ખાત્રી થઈ ને?” ચાણક્યે તેને વચમાં જ બોલતી અટકાવીને કહ્યું.

“આપ કહો છો તેમ જ સહી. પણ એ બીના જાણતાં જ મારા મનની કાંઈક વિચિત્ર સ્થિતિ થઈ ગઈ છે. હવે હું શું કરું? મહારાજને જવા દઉં? તેનો ઘાત થવા દઉં? શું – હવે હું કરું શું ? બાઈ ! મને તો કાંઈ પણ સૂઝતું નથી.” મુરાદેવીએ એ શબ્દો ઉચ્ચારીને સ્ત્રીજાતિની સ્વાભાવિક નિર્બળતાનું દર્શન કરાવ્યું.

“એમાં સૂઝવું તે શું હતું? જો તારા મનમાં તારા પુત્રને રાજ્ય અપાવવાની ઇચ્છા હોય, તો ગુપચુપ બેસી રહે અને તારા પુત્રનો તે વેળાએ ઘાત ન થયો તે અત્યારે કરાવવો હોય, તો ભલે આ બધી વાત જઈને રાજાને કહી દે. તું મને એને લઈને ન્હાસી જવાનું કહે છે તો ખરી, પણ હું કાંઈ એમ જવાનો નથી. એને હું નંદના સિંહાસનપર બેસાડીશ, અથવા તો મારા પ્રાણનું બલિદાન આપીશ, એવી મારી પ્રતિજ્ઞા છે. મારો વ્યૂહ સિદ્ધ થાય, તો જ મારી પ્રતિજ્ઞા સિદ્ધ થવાનો સંભવ છે. જો તારી આ ભયભીતતાથી મારો વ્યૂહ ધસી પડશે, તો રાજા અવશ્ય મારો જીવ લેશે, તેમ જ ચન્દ્રગુપ્તનો પણ ઘાત કરશે. મારે મન તો બન્ને વાતો સરખી જ છે. પ્રતિજ્ઞા સિદ્ધ ન થાય તો પ્રાણ આપવાનો મારો નિશ્ચય છે – અર્થાત્ રાજા મારા પ્રાણ લેશે, એટલે એ નિશ્ચય પૂરો થશે. સંભાળ માત્ર તારે તારા પુત્રના પ્રાણરક્ષણ માટે રાખવાની છે. હવે તને જે માર્ગ યોગ્ય લાગે, તેમાં વિચર. ગમે તો પુત્રનો ઘાત કરાવ ને ગમે તો તેને રાજયાસન અપાવ. જો તું મૌન ધારી બેસી રહીશ તો એને રાજ્ય મળ્યું જ સમજવું અને વાત ફૂટી તો એના પ્રાણ ગયા જ સમજવા. હવે તારે જે કાંઈ પણ કરવું હોય તે શાંતિથી કર. હું હવે અહીં વધારેવાર રોકાઈ શકું તેમ નથી. મારી વેળા નકામી જાય છે.” એમ કહીને ચાણક્ય ખરેખર ચાલ્યા ગયા.

“હવે મારાં વચનોનું એના હૃદયમાં સારું પરિણામ થવાનું જ. હવે રાજ્યલોભથી નહિ, તો પુત્રના પ્રાણલોભથી તો એ અવશ્ય સ્વસ્થ રહેવાની જ.” એવો ચાણક્યનો દૃઢ નિશ્ચય થઈ ગયો હતો અને તેથી જ તે તત્કાળ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ચાણક્ય નિશ્ચિંત થયો અને મુરાદેવીના મનમાં પ્રબળ ચિન્તાએ વાસ કર્યો. “ચંદ્રગુપ્ત મારો પુત્ર છે અને તેને તત્કાળ રાજ્યલાભ થશે, પણ પતિના પ્રાણ જશે. જો પતિના પ્રાણ બચાવવાનો પ્રયત્ન કરવો હોય, તો તેને આ બધું સાફ સાફ કહીને તેની દયા પર જ આધાર રાખવો જોઇએ. હવે એ વિના બીજો કોઈ પણ માર્ગ નથી. જો રાજાને અહીંથી ન જવા દેવાનો મારો યત્ન સફળ થાય, તો તો ઘણું જ સારું; પણ જો નિષ્ફળ થાય તો પછી શું કરવું?” એવા એવા અનેક વિચારો તેના મનમાં આવવા લાગ્યા-તે ઉન્માદિની બની ગઈ. તેનું મન ત્રિવિધ થઈ ગયું. એક એક પ્રકારનો ઉપદેશ કરે, બીજું બીજા જ પ્રકારનો ઉપદેશ આપે અને ત્રીજું મન ત્રીજી જ જાતનો માર્ગ બતાવે, એવી સ્થિતિ થઈ. હવે શો ઉપાય કરવો, એના વિચારમાં જ તે હતી, એટલામાં રાજા ધનાનન્દ જાગૃત થયા અને તેણે મુરાદેવીને સાદ કર્યો.

રાજા ધનાનન્દ ઘણો વખત-એક પ્રહર દિવસ વીતી જતાં સુધી સૂતેલો હતો. રાત્રે મોડે સુધી જાગરણ કરેલું હોવા છતાં પણ મુરાદેવી વહેલી વહેલી ઊઠી ગઈ, એ જોઈને રાજાને ઘણું જ આશ્ચર્ય થયું. આશ્ચર્યથી તે તેને કહેવા લાગ્યો કે, “હું આજે સભામાં જવાનો છું, તેથી તને નિદ્રા આવી નથી, એમ જ લાગે છે. તારી હજી એવી જ ધારણા છે કે હું અહીંથી એકવાર ગયો એટલે પાછો આવીશ નહિ ? તું તો ગાંડી જ રહી ગઈ! પણ હું પાછો આવીને તારી એ ગાંડાઇને ભૂલાવી દઇશ.”

“ના-ના મહારાજ ! આપ આજે જશો નહિ–જવું હોય તો આવતી કાલે ભલે પધારજો.” મુરાદેવીએ ન જવાનો આગ્રહ કર્યો.

“આવતી કાલે જવાથી શું વધારે થવાનું છે ? અને આજે શું ઓછું છે ? તારા સંશયો વ્યર્થ છે. તું હવે મારા ગમનની તૈયારી કરવા માંડ. હું તો આજે જવાનો જ. રાક્ષસે સઘળી તૈયારી કરી રાખી હશે અને તે હમણાં જ મને બેલાવવાને આવી પહોંચશે.” રાજા ધનાનન્દે પોતાનો હઠ પકડી રાખ્યો.

“પણ પ્રાણનાથ ! આજે મારું ડાબું નેત્ર ઘણું જ ફરક્યા કરે છે- તેથી મારા મનમાં ભીતિ થયા કરે છે.” મુરાએ પાછી યુક્તિ કાઢી.

“તારી ભીતિ સંધ્યાકાળે જતી રહેશે. હું પાછો આવ્યો, એટલે તારી એ ભીતિ ગઈ જ જાણવી.” રાજા વિનેાદમાં જ બેાલ્યો.

મુરાદેવીની મુખમુદ્રા એકાએક મ્લાન થઈ ગઈ. તેના મુખમાંથી એક પણ શબ્દ નીકળી શક્યો નહિ. ભય અને આશ્વર્યના મિશ્રિત ભાવથી તે એક ધ્યાનથી રાજાના શરીરનું સૂક્ષ્મ અવલોકન કરવા લાગી. રાજા પણ હસતો હસતો તેના ચંદ્રસમાન મુખને વિનોદથી જોતો બેસી રહ્યો.

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!