મધ્યકાલીન ગુજરાતનાં ભાતીગળ વસ્ત્રોની જાતો, ભાતો, રંગ અને રૂપાંકનો

ગુજરાતનો સુતરાઉ, ઊની અને રેશમી વસ્ત્રવણાટ ઉદ્યોગ હજારો વર્ષ જૂનો છે. મહાભારતમાં, યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે તેમને જુદા જુદા દેશ તરફથી જે ભેટો મોકલવામાં આવી તેમાં પશ્ચિમ ભારતના ભરુકચ્છવાસીઓ તરફથી કાર્પાસ વસ્ત્રો હજારોની સંખ્યામાં “બલિ” (ખંડણી) તરીકે મોકલવામાં આવ્યાં હતાં, એનો ઉલ્લેખ મળે છે.

લાટ પ્રદેશના ગુપ્ત સમયના રેશમના વણકારોના ગૌરવનો ઉલ્લેખ મંદસૌરના ઈ.સ. ૪૩૭ તથા ૪૭ના શિલાલેખોમાં કરેલો છે, જેમણે પોતાનું સૂર્યમંદિર બાંધવા જેટલી સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરી હોવાનું ડૉ. મંજુલાલ મજમુદાર નોંધે છે. પટ્ટહુકુલ અર્થાત પટોળું આજે પણ પાટણનું ગૌરવ સાચવીને બેઠું છે. આ પટોળા સંબંધી મૂળ સંસ્કૃત શબ્દ પટ્ટોલિકા એટલે ચિત્રકારની રંગપેટી એવો થાય છે.

ગુજરાત વસ્ત્રઉદ્યોગ માટે મધ્યકાળમાં ઘણું જાણીતું હતું. અહીં જાતજાતનાં અને ભાતભાતનાં વસ્ત્રો તૈયાર થતાં. તેના ઉલ્લેખો પરદેશી મુસાફરોએ નોંધ્યા છે. આ વસ્ત્રો ગુજરાત પોતાના ઉપયોગ માટે અને પરદેશ નિકાસ કરવા માટે બનાવતું. સલ્તનત રાજ્યકાળમાં યુરોપીય વેપારીઓ અને મુસાફરો આવાં વસ્ત્રો ખરીદ કરી પરદેશમાં નિકાસ કરતાં. સોલંકી યુગમાં કાપડ કેવા પ્રકારનું વપરાતું, તેમાં કેવી કેવી ભાતો લોકપ્રિય હતી તેની માહિતી સને ૧૯૧૩માં જર્મનીમાં ડૉ. સુરેમને જૈન કલ્પસૂત્રની તાડપત્રીય અને કાગળ પરની પોથીઓમાં આપેલાં લઘુચિત્રો છપાવીને બહાર પાડ્યાં તેના પરથી- અગિયારમાંથી સોળમાં સૈકા સુધીનાં વસ્ત્રોની ભાત, રંગ, સિલાઇ વગેરેના વૈવિધ્યભરેલા આધારભૂત પ્રત્યક્ષ પુરાવા પ્રાપ્ત થયા છે.

ગુજરાતમાં સલ્તનતના અમલ દરમ્યાન તેમજ મોગલ સામ્રાજ્યના જમાનામાં ગુજરાતમાંથી છાપેલા કાપડની ધૂમ નિકાસ થતી. શાહી જમાનામાં ગુજરાતની કારીગરીના થોડાક છાપેલાં તથા રેશમ અને કસબથી ભરેલા નમૂના ઉમરાવો દ્વારા ખરીદાયેલા તે આજે લંડનના મ્યુઝિયમોમાં પ્રદર્શિત થયેલાં છે, એની નોંધ જર્નલ ઓફ ઈન્ડિયન આર્ટ સોસાયટી, કલકત્તા વોલ્યુમ ૧૯માંથી મળે છે. એ પછી ગુજરાતની વસ્ત્રવણાટની પરંપરા આજેય સચવાઈ રહી છે.

ગુજરાતના ભાતીગળ વસ્ત્રવણાટ અને રંગબેરંગી વણેલાં, છાપેલાં ભરેલાં, બાંધેલાં સુતરાઉ અને રેશમી વસ્ત્રોના જૂનાં દેશી નામો “વર્ણકસમુચ્ચય’માં ડૉ. ભોગીલાલ સાંડેસરાએ નોંધ્યાં છે. તેમાં રાજા, રાણી, શ્રાવિકા વગેરેનાં વસ્ત્રોનાં વર્ણનો છે. કપડા કુતૂહલ’ જેવી પદ્યકૃતિમાં સ્ત્રીપુરૂષોએ પહેરવાનાં વસ્ત્રોમાંથી મળતા દેશી નામો મધ્યકાલીન ગુજરાતમાં વસ્ત્રોનાં કેવા નામો હતાં તેનો ખ્યાલ આપે છે. આ નામોમાં કેટલાંક અરબી અને ફારસી નામો પણ દાખલ થયેલાં જોઇ શકાય છે. મધ્યકાળે ગુજરાતમાં વપરાતાં વસ્ત્રોની વિવિધ ભાતો અને નામો સાહિત્યમાંથી પણ જાણવા મળે છે. કુંવરબાઈના મામેરામાં પ્રેમાનંદે નારીનાં કેટલાં ઓઢણાં (સાડી). વર્ણવ્યાં છે? એમાંનાં થોડાંક :

ગંગા વહુને ગજિયાણી સાડી,

સુંદર વહુને સાળુ જી

છબીલી વહુને છાયેલ ભારે

કોડ વહુને કલમેર આપી

પ્રેમ વહુને પટોળીજી

છેલ વહુને પટોળીજી

છેલ વહુને છીંટ જ આપી

નાની વહુને નાટજી

સમકુંવરને, કૃષ્ણકુંવરને

આપ્યાં ભારે ઘાટ જી

લક્ષ્મી વહુને, લાછી વહુને

લાલ વહુને પટોળું જી’

આખ્યાનમાં ઓઢણાંની જાતો મળે છે તો લોકગીતમાં કાનાની પછેડીની ભાતો મળે છે :

“આવી લવારણ દીવડો લઈ
વળતાં પછેડી લેતી ગઈ

ધોળી પછેડી ઢંઢણ ભાત
પીળી પછેડી પોપટ ભાત

રાતી પછેડી રીંગણ ભાત
કાળો કાનુડો ને આઠમ રાત.”

ગુજરાતમાં પ્રાચીન પરંપરાને લીધે ઘણાં વસ્ત્રોનાં નામો આજે પણ યથાવત રહેલાં જોઈ શકાય છે. વસ્ત્રોનાં નામો વિવિધ રીતે પડે છે. કેટલાંક વસ્ત્રો તેનાં તંતુઓ ઉપરથી સુતરાઉ, રેશમી કે ઉની વગેરે નામે ઓળખાય છે. જ્યારે કેટલાંક વસ્ત્રો તેની વણાટ પધ્ધતિએ સાદાં, સાટીન, કિનખાબ વગેરે નામે જાણીતાં છે તો કેટલાક વસ્ત્રોની ભાત, રંગો કે તેના ઉત્પતિસ્થાનના નામે પણ જાણીતાં છે.

અતલસ’ એ આપણું જાણીતું કાપડ છે. તે સાટીન પધ્ધતિએ તૈયાર થાય છે. વિજયનગર રાજયમાં “અતલસ એ ઝતુની” ઈ.સ. ૧૪૪૦માં જોયાનું અબ્દલ અલ અઝાકે નોંધ્યું છે. અતલસ પર ફૂલોની ભાતો જોવા મળતી. ઈ.સ. ૧૬૭૩માં ડૉ. ફ્રાયરે મુગલ વેપારીઓને અતલસના કોટ પહેરેલા જોયા હોવાની વિગત કર્ણકસમુચ્ચયમાંથી સાંપડે છે. ગજી, ગજીયાણી અને સાટીન અતલસના પર્યાય નામો છે.

ઈલાયચા” ૧૭મી સદીના ગુજરાતનાં લાલ, સફેદ અથવા ભૂરા અને સફેદ પટાવાળા સુતરાઉ કે રેશમી વસ્ત્રનું નામ હતું. તેની પર ફૂલોની ભાત પાડવામાં આવતી અને તેને સોના અથવા ચાંદીના તારથી સુશોભિત કરાતું. અમદાવાદમાં આજે એ “અલૈચા’ના નામે ઓળખાય છે.

“કૌશય” કોશેટામાંથી તૈયાર થતું રેશમી વસ્ત્ર હતું. પાટણમાં મશરુ, ગજી, ગજિયાણાની જેમ પટકૂળ, પટાંશુક, પટપાટું જેવાં રેશમના તાકા તૈયાર કરાતા. “ક્ષૌમ’ એ શ્રુમાના રેસામાંથી બનતું કાપડ છે. તે લીનન જેવું હોવાનો સંભવ છે. પુરુષોએ પહેરવાના ઝીણી કોરના પીતાંબર માટે “કદ’ શબ્દ વપરાય છે. આ પીતાંબર પીળા રંગનું જીણું મર્દાની અને ઝનાની અર્થાત્ સ્ત્રી-પુરુષો બંને માટે હતાં.

જેના માટે ગુજરાત વિશ્વવિખ્યાત છે એવું પટોળું ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું છે. એના માટે જાણીતી કહેવત છે કે “પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં.” બીજા વિશ્વયુદ્ધ પહેલાના સમય સુધી પાટણનાં પટોળાં સિંધી વેપારીઓ મારફત જાવા અને સુમાત્રાનાં રાજકુટુંબોમાં જતાં. આ પટોળા ઉપરાંત રેશમી વસ્ત્રોમાં ‘સર’ની પણ ગણના થતી.

સોનાના તારનો ઉપયોગ કરીને પણ જૂના કાળે વસ્ત્રો બનતાં. આવાં વસ્ત્રો કસબી, જરકશી, જરબાફ, જરજરી વગેરે નામે જાણીતાં હતાં. સોનાના તારથી ભરત ભરેલાં વસ્ત્રો જરદોશી કહેવાતાં. ચપટા સોનાના કે રૂપાના તારનો ઉપયોગ થતો હોય તેવાં વસ્ત્રોને નાસ્તા કહેતાં. એ રેશમી વસ્ત્રોમાં સળી, ચોકડી વગેરે ભાતો રહેતી. “લોબડી’ એ ભરવાડણોનું ઉની વસ્ત્ર હતું. એ જાડા ઉનમાંથી કે બકરાના વાળમાંથી વણવામાં આવ્યું. ડાંગરિયા લોકો આવાં ઉની વસ્ત્રો વણતાં.
ભરવાડો કાંબળા કે રસકાંબળ વાપરતા. રત્નકંબલ એ જરી-ભરત અને ખાણું ટાકેલી કાબળી હતી.

મધ્યકાળે, કેટલાંક વસ્ત્રોનાં નામે ભાતો પરથી પણ પ્રચલિત બન્યાં હતાં. “ફૂલપગર’ અને રંગબેરંગી ફૂલભાતનું વસ્ત્ર છે. આ વસ્ત્રના ઘાઘરા બનતાં. ઉત્તર ગુજરાતની બાઇઓમાં એનું ચલણ વિશેષ હતું. એનો ઉલ્લેખ ગીતમાંથી પણ મળે છે :

ફૂલફગરનો ઘાઘરો, કમખે ટહૂક્યા મોર
કે બાઇ અમે ઘૂમટો તાણીને, મેળો મહાલિયા.’

આ વસ્ત્રોમાં પદ્માવલી એ કમળવેલી જેવી ભારતનું, પુષ્પાગર, જાદર એ રેશમી વસ્ત્ર માટે વપરાતો શબ્દ છે. દક્ષિણ ગુજરાતમાં જાદરની કંચુકી લગ્ન વખતે કન્યાને પહેરાવવામાં આવતી. નારીકુંજર એ પટોળામાં બનતી ભાતનું નામ છે. નારી અને હાથીની આ ભાત ૧૬મી સદીની શૈલીમાં દેખાય છે. ચારોળી જેવા રંગ કે નાની ગોળ ભાતવાળાં વસ્ત્રો “ચારુલિયા’ કહેવાતાં. ઉમાવડિ એ બૂટીવાળાં વસ્ત્રનો સૂચક અને ગવડી શબ્દ હાથી ભાતનો દ્યોતક છે.

રંગ ઉપરથી ઓળખાતાં વસ્ત્રો પણ કેટકેટલાં? કબૂતરનાં રંગ જેવું વસ્ત્ર “પારેવઉ,” ભૂરા રંગવાળું “નીલનેત્ર’, વાદળાના રંગ જેવું “મેઘાવલી’, પોપટી લીલા રંગવાળું “પોપટિયું’, મગ જેવા રંગનું મુગળના- “મગિઉ,’ આકાશિયા રંગનું વસ્ત્ર “મેઘાડંબર’ નામે જાણીતું હતું. આ મેઘાડંબર ધોળકામાં જણાતું. રક્તાંબર એ લાલ રંગનું વસ્ત્ર હતું. જ્યારે રાજિયું કાળા રંગનું શોકદર્શક વસ્ત્ર હોવાનું ડૉ. ભોગીલાલ સાંડેસરા નોંધે છે. લખારસ એ લાખના રસનું રંગેલું વસ્ત્ર હતું. કદાચ રોગાનથી બનતાં રંગોનું (કચ્છી) વસ્ત્ર હશે!

વસ્ત્રઉદ્યોગમાંથી કેટલાક વીસરાઈ ગયેલાં નામો પર એક ઉડતી નજર..

ચંદ્રકળા- હાથવણાટની મહારાષ્ટ્રીય ઢબની સાડી,

સોવનસળી- રેશમી અગર બનારસી પોત ઉપર સોનેરી કસબી ઊભી કે આડી લીટીવાળી સાડી.

કલઘેર- લગ્ન પ્રસંગે પહેરાતું કિંમતી કસબી થપ્પો ચોટાડેલું રેશમી, લાલ લીલી બાંધણીવાળું વસ્ત્ર. એને બાંટ પણ કહે છે.

કામદાની- સુતરાઉ કપડાં ઉપર આજકાલ હકોબાનું હોય છે એવું કાણાંવાળા ભરતકામવાળું વસ્ત્ર.

જામદાની- સુતરાઉ કપડાં ઉપર રૂપેરી ઝીણી કસબી પટીથી ટીપકીના ભરતવાળું વસ્ત્ર.

છાંટણું- હોળીના તહેવારે પહેરાતું સફેદ પોત ઉપર પાકા કેશરી રંગની છાંટવાળું સુતરાઉ ઓઢણું.

દોરંગી દુનિયા- તડકો છાંયડો ધૂપછાંવ દેખાય એવી રેશમી સાડી.

સાળું- જરીની કિનાર મૂકેલું એકરંગી ઓઢણું.

મલમલશાહી- મલમલનું જીણું વસ્ત્ર. ઊંચા પ્રકારની મલમલની સાડી મલમલશાહી કહેવાતી.

ખીરોદક- ખીર એટલે દૂધ જેવું ઉજળું અને ઉર્દક એટલે પાણી જેવું પાતળું રેશમી વસ્ત્ર.

પાટ- મલમલની ધોયા વગરની સાડી.

ગવન- ગુજરાતમાં પછાત વર્ગની ગામડાની મહેનતુ સ્ત્રીઓમાં પહેરાતી ભાતીગળ સાડી.

મલીર-મોવન-મોવાનિયું- આ ત્રણે પ્રકારની સાડીઓ શોક વખતે પહેરાય છે.

સિંદુરિયો- મધરાશિયું- કસુંબો આ ત્રણે પ્રકારની સાડીઓ પાટીદાર, જૈન, મારવાડી વિધવા સ્ત્રીઓ પહેરે છે. જેનો રંગ કથ્થાઈ હોય છે. કસૂંબો ગૂઢા તપખિરિયા રંગનો હોય છે.

આ બધાં વસ્ત્રોની સાથે નગરોનાં નામો પણ જોડાયાં છે, જ્યાં આ વસ્ત્રોનું જૂનાકાળે વણાટકામ થતું : પાટણના પટોળાં, જામનગરના નગરિયાં, બાંધણી, ભરૂચી બાસ્તા, ભરુચિયાં, ધોળકાનું મેઘાડંબર, રક્તાંબર, માંગરોળના મગિયાં, વિજાપુરના પુરિયાં, અમદાવાદની અતલસ, ઐલચા, સૂરતી કિનખાબ દેશપરદેશમાં ગુજરાતના કારીગરોની યશપતાકા લહેરાવતાં. યુગયુગના આગમનથી હસ્તકલા કારીગરીના વળતા પાણી થયાં. છીપા, બંધારા, તુનારા, ખત્રીનો કસબ ઝાંખો થયો.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!