અંગ્રેજ અમલદારો સામે નીડરતાથી લડનાર ભાઈશંકરભાઈ

ભાઈશંકરભાઈ! ભલા થઈને મારી વાત માનો તો સારુ, બાંધી મુઠી લાખની ગણાશે.

તમારી લાખ વાત માનવા તૈયાર છું પણ આ બાબતમાં તમે બોલશો મા.

બોલવા જેવું છે એટલે તો, આ અડધી રાતે તમને ઉઠાડીને કહેવા આવ્યો છું કે તમે આ વાત પડતી મુકી દો. તમારો માન-મોભો રહી જાશે.

નો મુકુ તો? સવાલ સાથે ભાઈશંકર ભટ્ટની આંખોમાંથી અંગારા ઝર્યા.

તો આબરુ માથે હાથ પડશે, તમ જેવા શાણાં માણસ થઈને એટલું તો સમજો કે સત્તા આગળ શાણપણ નકામું છે.

મારુ શાણપણ સત્તાને પણ સમજાવી દેશે. કારણકે આ ભાઈશંકર સત્યની ભેરે ચડયો છે.

ભાઈશંકરભાઈ તમે ભીંત ભૂલો છો. બધા અમલદારો એક થઈ ગયા છે ને તમને ભરડો લઈ ભીંસી નાંખશે. તમારે માથે સાક્ષી પુરવા તોડવાનું તોમત મુકાશે, ને પકડીને પૂરી દેશે.

ભાઈબંધ છુ એટલે ચેતવવા આવ્યો છું, વાતને પડતી મેલો તો રંગ રહી જાય.

લલ્લુભાઈ તમે ચિંતા છોડી દો. હુુ છું ને અંગ્રેજના અમલદારો છે, ન્યાયના નગારા કાંઈ ઉંધા નથી પડી ગયા, લીધી વાત હું પડતી મુકું તો બ્રાહ્મણનો બોલ જાય.

લલ્લુભાઈએ જાણ્યું કે ભાઈશંકરભાઈ હવે હઠે ભરાણો છે. એકનો બે નો થાય એટલે
ઠીક ત્યારે તમને મન પડે તેમ કરો.

એટલું બોલીનેવાત ડાયો વાણીયો લલ્લુભાઈ ઉઠી નેહાલતો થયો ત્યારે અમદાવાદ માથે ઘોર અંધારા ઘુંટાય ગયા હતા. વાતના પરથમ પગરણ એવા મંડાણાતા કે કોક ગાંગડના દરબાર ભગવતસિંહજી દેવ થયાને ગઢમાંથી જાહેર થયું કે રાણી રુપાળીબાને ઓધાન છે તેની ગામ-ગ્રરાસનો કબ્જો ભોગવટો કરવા રાણી રુપાળીબા હક્કદાર છે. આ વાત ઉપર અમદાવાદની અંગ્રેજ કોઠીના કારભારી મી. રીચીને શક પડતાં કલેકટરને મળી સરકારમાં લખાપટ્ટી કરાવી કોઠ ઠકરાત માથે જપ્તી બેસાડી અને ભાઈએ ખોટો દીકરો ઉભો કર્યોનો આરોપ મુકી ફોજદારી રાહે ખટલો મૂકયો.

દરબારના દેવ થયા પછી આભ ફાટે એવી આવી પડેલી આફતમાંથી ઉગરવા કોઠના કારભારી દલસુખરામ સાહીબા અને રુપાળીબાના માજણ્યાભાઈ કેસરીસિંહે કમરકસી બેય જણાં પુગ્યા મુંબઈ. તે દિ મુંબઈમાં ભાઈશંકર સોલીસીટરનો સીક્કો પડે. એ જ્યારે વાતની વડછડ માંડે ત્યારે ભલભલાને ભા કહેવરાવે. એવી એની વાતની નાંખણી. તેણે મીસ્ટર સ્ટારલીંગને બેરીસ્ટર રસી આસ રેલમાં ભાઈશંકરભાઈનો બચાવ કરવા અમદાવાદ ઉતર્યાને બાઈનો બચાવ કરવા અમલદારો સામે બાથ ભીડી. બાઈ સગર્ભા હતા તે સાબિત કરાવ્યું.

ને રાજ માથેની જપ્તી ઉઠાડી મુકી. બાળપુત્રના વાલીપણાનું એને વહીવટનો અધિકાર અપાવ્યો. ત્યારથી પોતાની બાજીને ઉંધી વાળનાર ભાઈશંકર સોલીસીટર ઉપર અંગ્રેજ અમલદારોની આંખ કરડી બની. અમલદારોએ ડારો દેખાડેલો પણ ભાઈશંકર તે દિ ભડ થઈને ઉભો રહયો, આખા ગુજરાતમાં ડંકો વાગ્યો.

આ વાતનો ખટકો રાખી અમદાવાદના અમલદારોએ કોઠ માથે બીજો કોરડો વીંઝયો. ને એક નવો આરોપ ઉભો કર્યો કે રુપાળીબાનો પ્રથમ પુત્ર દેવ થઈ ગયો છે ને તેમણે બીજો દીકરો ઉભો કરી તેના દીકરા તરીકે ગોઠવી દીધો છે. તે કામમાં તેના દલસુખરામ સાહીબાએ મદદ કરી છે. તેથી આપેલો વહીવટનો અધિકારી રદ બાતલ કરી જપ્તી મુકી. વળી પાછા ભાઈશંકર સોલીસીટર કોઠના કુંવરની ભેરે ચડયા. લલ્લુભાઈની વાતને પાછી વાળી. ભાઈશંકરભાઈ પોઢ્યા ત્યારે પંડયની હવેલી માથેથી રાત પડખુ ફેરવી ગઈ હતી.

રાયપુર માથેથી રઢીયાળી રાત સરી ગઈ હતી ને પરોઢનો પ્રકાશ પથરાઈ રહયો હતો. ત્યોર દસક્રોઈ પરગણાના ભુુવાલડી નામના ગામમાં રાયકવાળ બ્રાહ્મણ નાનાભાઈ ભટ્ટને ખોરડે જન્મેલો ભાઈશંકરભાઈ શિવને સંભારી રહયો હતો. ધૂપદીપથી આખી હવેલી ભભકી રહી હતી. એવે ટાણે અંગ્રેજ સરકારના સિપાઈઓએ પકડી લીધા અને જામીન પર પણ ન છોડવાનો સાણસો ગોઠવ્યો. આખરે એ કામ નામદાર વડી અદાલતને આંગણે આવ્યું. અદાલતે જામીન પર છોડવા ફરમાન છોડયું ને શેઠ ભગુભાઈ પ્રેમચંદ અને કરમચંદ પ્રેમચંદ ભાઈશંકરભાઈના જામીનખતમાં મતુ માર્યું ને ભાઈશંકરભાઈ છુટયા ત્યારે આંખું અમદાવાદ આ ભડવીર બ્રાહ્મણની બહાદુરીને બીરદાવવા ભેગું થયું હતું.

આખો મુકરદમો મુંબઈની વડી અદાલતના ઉંમરે પુગ્યો ને વડી અદાલતમાં ન્યાયનું ત્રાજવું રેમન્ડવેસ્ટે તોળ્યું. તેણે ફરમાન કર્યું કે-
રુપાળીબા નિર્દોષ છે. સરકારી અમલદારોનું વલણ અને કૃત્ય આપખુદી ભરેલું ઠરાવી જપ્તી ઉઠાડી લેવા ઠરાવ્યું તેમજ રુપાળીબાને થયેલ ખર્ચ પણ સરકારે ભોગવવાનો હુકમ કર્યો. ભાઈશંકરભાઈ સીલીસીટર સામેનું તહોમત સરકારે પાછું ખેંચી લીધું.

નોંધ-તેમનો જન્મ સ.૧૯૦૧ના શ્રાવણ સુદ ૧૦ના રોજ થયો હતો.
આ બનાવ ઈ.સ.૧૮૭૪માં બન્યો હતો.
એ વખતે અમદાવાદ જિલ્લાના તાલુકાદારી સેટલમેંટ ઓફીસર તરીકે મી. રીચી હતા.
શ્રીયુત ભાઈશંકરભાઈ સોલીસીટરે સાહિત્ય ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. તેમણે ભારતાર્થ ચોપાનીયું બહાર પાડી મહાભારતના અઢારે પર્વ ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ કર્યા હતા. તેમણે સંસાર દુખ દર્શન રૃપસુંદરી કામનાથ, શિક્લક્ષ્મી વિગેરે ગ્રંથો લખ્યા છે. તેઓ અમદાવાદ મ્યુ.ના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ હતા.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!