ભાઇબીજ વિશેની કથા અને લાગણીસભર વાતો

બીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે, હો વીર !
ઊર ઉછળાવજે, હો વીર !
મારી અંધારી રાતલડીને વિસરાવજે, હો વીર !
મહિયર લાવજે, હો વીર !

ઉપરની પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવવંતા કવિ શ્રીઅરદેશર ફરામજી ખબરદારે ભાઇબીજના દિવસે ભાઇને કરેલો બહેનનો પોકાર કેટલો વાસ્તવિકતાની ઢબે વણ્યો છે….!ભાઇબીજ એટલે ભાઇ અને બહેનના ભાવભર્યા મિલનનો એક સદાબહાર અવસર. એક જાતનું રક્ષાબંધન જ ને….!સંસારમાં સર્વશ્રેષ્ઠ અને સૌથી પવિત્ર પ્રેમ હોય તો એ ભાઇબહેનનો છે. જેમાં લેશમાત્ર અપેક્ષાની ભાવના વિના બસ એકબીજાને ખુશ રાખવા માટે ફના થઇ જવાની ભાવના છે, લોહીના સબંધોની ઉત્કૃષ્ટતા છે.

ભાઇબીજ એટલે નવા વર્ષના આરંભને બીજે દિવસે આવતો તહેવાર. દિપાવલીના મહાપર્વની હારમાળામાં આવતા સંસ્કૃતિની ઓળખ સમો એક લાગણીભીનો ઉત્સવ. ઠાઠમાઠ વિનાનો આ ઉત્સવ અંતરના સબંધોને છૂટો દોર આપનાર ઉત્સવ છે અને એથી જ તો સંસારમાં એનું મુલ્ય અધિકાધિક છે. આજના દિવસે ભાઇ બહેનના ઘરે જમવા જાય છે. બહેન પ્રેમથી ભાઇને જમાડે છે. ભાવઘેલી બહેન ભાઇના જમ્યાં પછી જ જમે છે. વિદાય વખતે ભાઇ બહનને બક્ષીસ આપે છે. ભાઇબીજને “યમ દ્વિતીયા” તરીકે પણ ઓળખાય છે. આજના દિવસે યમરાજનું પૂજન કરવાથી યમરાજની કૃપા ઉતરે છે એવી માન્યતા છે. આ પર્વ આપણા ધર્મનુ અવિભાજ્ય અંગ છે.

કાર્તક મહિનાની આ બીજ “યામ્યા” તરીકે ઓળખાય છે, એટલે કે તેમાં “યમપૂજન”નું મહત્વ રહેલું છે. આમેય ભાઇબીજ યમ અને યમી – આ ભાઇબહેનથી જ ઉદ્ભવ્યું હોવાનું કહેવાય છે. યમ એટલે યમરાજ અને યમી એટલે તેમની બહેન યમુના નદી.

કહેવાય છે કે,આજે સવારમાં પ્રાત:કાલે યમુના નદીમાં સ્નાન કરી તેમની અર્થાત્ યમીદેવીની પૂજા કરવાથી સર્વપ્રકારના વિઘ્ન નાશ પામે છે. અને એટલું જ મહત્વ યમરાજના પૂજનનું પણ છે. એમ કરવાથી ક્યારેય અકાલે મૃત્યુછાયા ભાવિક ઉપર યમરાજ પડવા દેતા નથી. ભાઇબીજ પાછળ એક રોચક વ્રતકથા છે,જેનો ટૂંકસાર અહિં આપ્યો છે –

ભાઇબીજ પાછળ રહેલ વ્રતકથા –
યમરાજ અને યમુના નદી એટલે કે યમ અને યમી બંને ભાઇબહેન હતાં. યમી વારેવારે યમને પોતાને ઘરે જમવા બોલાવે પણ યમને તો કેટલાંય કામ હોય…!એ કદિ નવરા થાય જ નહિ. પણ કાર્તિક માસની સુદ બીજના દિવસે તે બહેન યમીના ઘરે જમવા આવ્યાં. બહેને પ્રેમ પૂર્વક ભાઇને જમાડ્યાં. ભોજન પછી યમે યમીને જે માંગવુ હોય એ કહ્યું. યમીએ યાચના કરી કે – આજ પછી દર વર્ષે આ દિવસે તમે જમવા આવશો. અને જે ભાઇ આવી રીતે બહેનના ઘરે જમવા જાય એનું કદી અકાલ મૃત્યુ થશો નહિ, એટલે કે કમોત થશો નહિ. વળી,જે પણ આજે યમુનામાં સ્નાન કરી અને યમની પૂજા કરશે એને ફલ પ્રાપ્ત થશે. એ પૂર્ણ આયુષ્ય ધરાવશે અને એની બહેન અખંડ સૌભાગ્યવતી રહેશે. યમરાજે “તથાસ્તુ” કહ્યું. બસ,કહેવાય છે કે એ જ દિવસ અને એ જ પ્રસંગથી ભાઇબીજનો ઉત્સવ મનાવવો શરૂ થયો.

આજના દિવસે યમીદેવી અને યમરાજની પૂજા થાય છે. યમરાજની પ્રાર્થના થાય છે. માટે આ દિવસને “યમ દ્વિતીયા” તરીકે પણ ઓળખાય છે. ભાઇબહેનના સ્નેહમિલનનો આ અનેરો ઉત્સવ છે. પ્રત્યેક ભાઇ એની બહેનના સાસરે જઇ બહેનના હાથની વાનગીઓ ભાવપૂર્વક જમે છે. પછી માંડીને એકબીજાના સુખ-દુ:ખ કહેવાય છે. આજના જમાનામાં તો ઠીક પણ પહેલાંના વખતમાં તો ભાઇ બહેનના ઘરે પધારે એ બહેન માટે અવર્ણિત મહોત્સવ જ બની જતો. પોતાના માડીજાયા સાથે સાસરીયાની ખટમીઠી વાતો વહેંચતી બેનને ભાઇ ખરેખર એના જીવનનો સૌથી મહાન આધારસ્તંભ સમાન લાગતો….!

કહેવાય છે કે,આજે પ્રત્યેક ભાઇએ બહેનના ઘરે જઇ ભોજન કરવું જોઇએ. વળી,અમુક વાતો એમ પણ કહે છે કે અગમ્ય કારણોસર પહોંચી ના શકાય તો ઉપરની કથાનું શ્રવણ-પઠન કરવું જોઇએ,જેથી જમ્યાંનો આર્શીવાદ પ્રાપ્ત થઇ જાય. જે ભાઇ બહેનના ઘરે જમે અને યમપૂજા થાય તો યમરાજની રહેમ એના પર સદાય બની રહે એ અર્થનો એક શ્લોક છે –

यमद्वितियां यः प्राप्य, भगिनी ग्रहभोजम् ।
न कुर्याद्वर्षजं पुण्यं नश्यतीति रवेः श्रुतम् ॥

અંતમાં,ભારતીય સંસ્કૃતિના આ મોંઘેરી વિરાસત સમા અને અણમોલ ધરોહરરૂપ તહેવાર ભાઇબીજની સૌને શુભેચ્છાઓ….!

– Kaushal Barad.

error: Content is protected !!