ભગવાન મહાવીર

જેમ ભગવાન બુદ્ધ ઐતિહાસિક વ્યક્તિ છે તેમ ભગવાન મહાવીર પણ એક ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિ છે. ભગવાન મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ છે અને માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશીય ક્ષત્રિય હતા. જ્યારે માતા ત્રિશલાદેવી ગણસત્તાક રાજ્યના અધિપતિ ચેટકની બહેન હતાં.

મહાવીર તત્કાલીન સત્તાધારી ક્ષત્રિય રાજવંશો સાથે સંકળાયેલા હતાં. માતા પિતાએ પાડેલું મહાવીરનું મૂળ નામ વર્ધમાન છે. કારણ કે તેમના જન્મ સમયે તેમનાં ધન-ધાન્યથી વૃદ્ધિ થઇ હતી. જેઓ ઇતિહાસને જાણતા નથી તેમને મન બુદ્ધ અને મહાવીરની ઓળખમાં ભેળસેળ થઇ જાય છે. તથા એ બંને એક જ વ્યક્તિ છે.

અર્થાત જુદી જુદી વ્યક્તિઓ છે એવો ગુંચવાડો પણ ઉભો થાય છે. વળી બુદ્ધના ઉપદેશમાં અને મહાવીરના ઉપદેશમાં કેટલાક શબ્દો તદ્દન સરખા છે. અને એક સમાન અર્થમાં વપરાયેલા છે.

ભગવાન મહાવીરે યુવાન વયે જ ત્યાગ અને તપશ્ચર્યામય જીવનનો કઠિન માર્ગ સ્વીકાર્યો. તેમની ઘોર, અતિ ઉત્કટ સાધનાને કારણે તેઓ મહાવીરપદને પામ્યા અને તે જ નામે પ્રસિદ્ધ થયા.

પ્રાચીન સાહિત્યમાં તેમને – ‘જ્ઞાત ક્ષત્રિય’, જ્ઞાનપુત્ર, વિદેહત્તાના પુત્ર, વિદેહ નિવાસી, વિદેહના રાજકુમાર તથા વૈશાલિક, નામે પણ ઓળખવામાં આવ્યા છે. આજથી આશરે પચ્ચીશ સૈકાઓ પહેલાં પ્રાચીન નામ વિશાલા કે વૈશાલી નગરી (હાલ નામ વસાડ – જિલ્લા- મુજપ્ફરપુર, બિહાર)માં મહાવીરનો જન્મ ચૈત્ર સુદ તેરશને દિવસે થયો હતો.

મહાવીર સ્વામિના જન્મને કારણે વૈશાલી નગરી વિશેષ પ્રકારનું યાત્રાળું સ્થળ છે. જૈન યાત્રીઓ રાજગૃહ પાવાપુરી વગેરે સ્થાનોમાં યાત્રા માટે પરિભ્રમણ કરે છે. જૈન પુરાણો અનુસાર મહાવીરનો જીવ પ્રથમ તો ૠષભદત્ત નામે બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુક્ષિમાં ગર્ભરૂપે અવતરેલ અને પછી સૌધર્મેન્દ્રે તેનું હરણ કરી ત્રિશલાની કૂખમાં મૂક્યો.

ત્રિશલાએ પછી જન્મ આપ્યો. જૈન પરંપરામાં તેમનાં બીજાં નામો પણ પ્રચલિત છે. તેમનું એક નામ શ્રમણ– પોતાની ચિત્ત શુદ્ધિ માટે અને તે દ્વારા સમસ્ત લોકના કલ્યાણને સારૂ સતત શ્રમ કરનાર.

બીજુ નામ મહાવીર જેનો અર્થ- ચિત્ત શુદ્ધિની સાધના કરતાં આવી પડેલાં ગમે તેવાં ભયંકર વિઘ્નો, દુસ્સહ આપત્તિઓ ને ધીરતાપૂર્વક સહન કરનાર વીર.

તેમના માટે એવું કહેવાય છે કે જ્યારે ત્રિશલા માતાના ગર્ભમાં હતા ત્યારે જ તેમણે એવો સંકલ્પ કરેલો કે માતાપિતા હયાત હોય ત્યાં સુધી માતા-પિતાને આઘાત થાય તેવી કોઇ પ્રવૃત્તિ ન કરવી, એટલું જ નહીં, તેઓ મા-બાપના અવસાન બાદ પણ મોટાભાઇના કહેવાથી એક બે વર્ષ નિસ્પૃહભાવે તેમની સાથે રહેલા.

મહાવીર જન્મથી ચતુર અને કુશાગ્રમતિ તો હતા જ, શસ્ત્ર અસ્ત્રનો અભ્યાસ, ઘોડે સવારી, યુદ્ધ વિધા વગેરે વીર ક્ષત્રિયોચિત વિધાઓ ઉપરાંત તેઓ વ્યાકરણશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, વ્યુત્પતિ શાસ્ત્ર, તત્કાલીન વેદવિધા પણ શીખેલા અને તે સમયમાં મુક્તિના ઉદ્દેશથી જે જે સાધનાઓ પ્રવર્તતી, જે અનેક પ્રકારનાં કર્મકાંડો પ્રસરેલાં તેમનો પણ તેમણે ઝીણવટથી કાર્યકારીણી દ્રષ્ટિથી અભ્યાસ કરેલો. તદોપરંત પોતાની કુલ પરંપરામાં ચાલતી શ્રી પાર્શ્વાનાથની ઉપાસના શ્રી પાર્શ્વનાથનો તત્તવવિચાર, આચારયોજના એ પણ એમના ધ્યાનમાં જ હતાં.

ભગવાનમાં કોઇનેય પણ ઉદ્વેગી ન કરવાની અને સ્વયં સહન કરવાની વૃત્તિ પહેલેથી જ હતી એ વાત આગળ જણાવાઇ ગઇ. માતા-પિતાના સ્વર્ગવાસ પછી ત્રીસ વર્ષની યુવાવસ્થામાં જ તેઓ સંસારના સુખ વૈભવ ઇતિયાદિનો ત્યાગ કરી ત્યાગી બની ગયા.

ત્રીસ વર્ષ સુધી તમણે જે ગૃહવાસ સ્વીકાર્યો હતો તેનું મૂખ્ય કારણ પણ પોતાનાં માતા-પિતા તેમજ મોટાભાઇની ઇચ્છાને માન આપવા પૂરતું જ હતું. સંસાર રહેવા છતાં તેમનું મન સાંસારિક પદાર્થોમાં આસક્ત ન હતું. અંતિમ વર્ષમાં તેમણે પોતાની પાસે જે કંઇ હતું તે તમામ દીન-દુઃખીયાઓને આપી દીધું અને પોતે અકિંચન બની ઘરબાર છોડી ચાલી નીકળ્યા હતા અને કઠોર તપસ્યાનો પ્રારંભ કર્યો.

આ બાર વર્ષના તપસ્યામય જીવન દરમિયાન તેમને અનેક કઠિનાઇઓનો સામનો કરવો પડયો- કાનમાં ખીલા જેવા કાષ્ઠશૂળ ઠોકવાથી માંડી ચંડકૌશિક સર્પના દંશ જેવા ઉપસર્ગો સહન કરવા પડયા. અનેક દિવસોના લાંબા લાંબા ઉપવાસ કરવા, રાઢ જેવા જંગલી પ્રદેશના ક્રૂર લોકોની વચ્ચે સમતાભાવથી વિહરવું જેવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ બાર વર્ષના અંતે વર્ધમાને કેવળ સર્વ જીવ જગતનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ મહાવીર તીર્થંકર બન્યા.

મહાવીર ચોવીસમા તીર્થંકર ગણાય છે. તીર્થંકર બન્યા બાદ સર્વપ્રથમ ભગવાન મહાવીરના ઉપદેશથી અભિભૂત થઇને ગૌતમ ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર બ્રાહ્મણ પંડિતો તેમના શિષ્યો બન્યા. આ પંડિતો વેદના લૌકિક અર્થે તથા તેના સ્વાધ્યાયમાં નિપૂણ હતા.

પરંતુ તત્વસંબંધમાં તેમને દરેકને ભિન્ન- ભિન્ન શંકાઓ હતી. ભગવાન મહાવીરે જ્યારે આ શંકાઓ વિશે નૂતન આધ્યાત્મિક અર્થ બતાવી તેમની શંકાઓનું સમાધાન કર્યું ત્યારે અગિયાર પંડિતોએ ઘરબાર છોડી ભગવાન પાસે જૈન માર્ગની દીક્ષા લીધી.

તેમના શિષ્યોએ પણ જૈન માર્ગનું જ અવલંબન સ્વીકાર્યું. આમ તેમણે બ્રાહ્મણ વર્ણમાં જ સૌથી પ્રથમ પોતાના ધર્મચક્રની શરૂઆત કરેલી.

વાસ્તવિક યજ્ઞ, વાસ્તવિક સ્નાન વગેરેની સ્પષ્ટ વ્યાખ્યાઓ તમામ જનતાને સમજાવી, વાસ્તવિક બ્રાહ્મણ કોને કહેવાય? ખરો વેદવિદ કોને સમજવો? એ વિશે મહાવીરે સ્પષ્ટ પ્રવચનો કર્યા હતા.

ભગવાન મહાવીરના જમાનામાં ઘણા લોકો એમ કહેનારા હતા કે રણસંગ્રામમાં મરનારા લોકો સ્વર્ગમાં જાય છે અને એ રીતે ઘોર હિંસામય ક્રૂરતાભર્યા સંગ્રામ માટે લોકોને લલચાવાતા. આ વિચાર સામે મહાવીરે સાફ સાફ શબ્દોમાં નિડરતાપૂર્વક ઘોષણા કરી કે – ‘‘સંગ્રામમાં મૃત્યુને ભેટનારો સ્વર્ગે જાય છે, રણસંગ્રામમાં મૃત્યુને ભેટનારો અપ્સરાઓ વરમાળા આરોપે છે અને તે, સ્વર્ગનાં અનુપમ સુખોને ભોગવે છે.’’ એમ જે ઘણા લોકો વાત કરે છે તે મિથ્યા છે. ખોટી છે. કેવળ કષાયવૃત્તિનું જ્યાં પ્રધાનપણું હોય ત્યાં સ્વર્ગ પ્રાપ્તિનો સંભવ જ નથી.

સ્વર્ગ પ્રાપ્તિના સાધનો તો દયા, પરોપકાર, સંયમ, ત્યાગ અને સદાચાર છે. અને ક્રૂરતા, અન્યના પ્રાણોનો નાશ, અસંયમ, અસદાચાર, તીવ્ર કષાયભાવ અને નર્યો અત્યાગભાવ એ બધાં તો નરકમાં જવાના કારણો છે. માટે જે કોઇ લોકો યુદ્ધ પછી સ્વર્ગનું પ્રલોભન સમજી યુદ્ધમાં જશે તો તેમને સ્વર્ગ મળવાની જરા પણ સંભાવના નથી.

ભગવાન મહાવીરના પ્રવચનોમાં સંયમ, સદાચાર, ઇન્દ્રિયજય, તપ, અપરિગ્રહ, ત્યાગ, બ્રહ્મચર્ય વગેરે જીવનશોધક પ્રવૃત્તિઓ ઉપર વધારેમાં વધારે ભાર અપાયો છે.

ભગવાન મહાવીરના મતે જે કર્મયોગી છે તે જન્મ-મરણનો નહીં, શાશ્વત આત્મતત્વનો વિચાર કરે છે. જેનો જન્મ છે, તેનું મૃત્યુ અટળ છે અને જે મૃત્યુ પામે છે તેનો નવજન્મ પણ અવશ્ય છે. આ અવિરત ચક્ર છે. મહાવીરના વિચારે જો આપણે જીવનને જાણવું હોય તો વસ્તુના કોઈ એક ભાગને પકડી કે અટકાવી ના રાખીએ. ફક્ત જન્મ-મરણ જ સત્ય નથી, સત્ય એ પણ છે જે જન્મ-મરણથી ભીન્ન છે. જે મરણથી ભયભીત થાય છે, માનો તેનું જીવન થંભી જાય છે. પરંતુ જે મરણ પ્રતિ નિશ્ચીંત છે, મરણના સત્યને જે સ્વીકારે છે તેનું મૃત્યુ પણ પ્રકાશમય બની જાય છે. તેનું જીવન અવિસ્મરણીય બની રહે છે. તે પોતાની સાધના ના બળે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લે છે. જીવનના આદિ અને અંતની એકસાથે અનુભૂતિ થવાથી આપણો પથ પ્રકાશમય થઈ શકે છે. અનેકાંતયુક્ત દ્રષ્ટી આપણને ચિંતામુક્ત કરવામાં સહાયક, મદદરૂપ થાય છે. સમતા અનેકાંતનું હૃદય છે. સામોપક્ષ આપણને જે કહે છે, તેનો સહર્ષ સ્વીકાર કરો. જગતમાં કોઈ એવો મત નથી જે ભગવાન મહાવીરના દિવ્ય દેશનાથી હંમેશા અસંબંધીત રહ્યો હોય.

ભગવાન મહાવીરે અનેકાંત દ્રષ્ટીના દર્શન કરાવી વસ્તુના વાસ્તવીક સ્વરૂપનું જ્ઞાન આપેલ છે. આપણામાં વૈચારિક સહિષ્ણુતા અને પ્રાણીમાત્ર પ્રતિ દયાભાવ, સદ્‌ભાવના બીજ રોપેલ છે.

આત્મગુણ જે આપણી અંદર છે, તેને ઊંડે ઉતારી સ્વયંને જોવું, જાણવું અને સ્વયંમાં મગ્ન થઇ જવું એ જ આત્મોન્નતીનો માર્ગ છે. હું કોણ છું ? આવો ભાવ અંદરોઅંદર ઊંડે ઉતરતો જાય અને પરાવર્તિત થતો જાય જે સ્વયંને પણ ન સંભળાય, ફક્ત આત્મસ્વરૂપ પાત્ર જ આપણી સમક્ષ રહે તો તેમાં જ મહાવીર પ્રતિબિંબિત થઇ શકે છે.

આ જ ભગવાન મહાવીરનો ઉપદેશ છે. પ્રત્યેક આત્મામાં ભગવાન મહાવીર વિધમાન છે. આત્મા અનંત છે. ચેતનાની ધારા અક્ષુણ્ણ છે. જરૂર છે તેમાં ડૂબકી લગાવવાની. ભગવાન મહાવીરમાં આપણે સ્વયંને જોઈ શકીએ, એ જ આપણી મોટી સાર્થકતા કહેવાશે. દુઃખની વાત તો એ છે કે આત્માને અનંતકાળથી ભીન્ન ભીન્ન શરીર ધારણ કરવું પડે છે.

શરીરથી હંમેશ માટે મુક્ત થઇ જવું એ જ સાચું સુખ છે. ભગવાન મહાવીરે આત્મબળે મુક્તી મેળવી અને મનુષ્યને આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો. તેમના બતાવ્યા માર્ગે આગળ વધી માનવ પણ મુક્તી પામવા ડગ માંડી શકે છે.

ભગવાન મહાવીરના જીવનની વિશિષ્ટ માહિતી

શુભ નામ ઃ શ્રી મહાવીરસ્વામી

વિશિષ્ટ વિશેષણ ઃ ચરમ તીર્થંકર

તીર્થકરનો ક્રમ ઃ ચોવીસમા

પૂર્વ તીર્થકરો ઃ ૠભદેવ, પાર્શ્વનાથ આદિ ૨૩ તીર્થકરો

પૂર્વ તીર્થકરથી અંતર ઃ ૨૩મા ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી ૧૭૮ વર્ષે મહાવીરસ્વામીનો જન્મ

ગત જન્મોનું શ્રુતજ્ઞાન ઃ ૧૧ અંગ-આમગશાસ્ત્રો જેટલું

ગત જન્મ ઃ દસમા પ્રાણત દેવલોકના પુષ્પોત્તરાવતંસક વિમાનમાં વીસ સાગરોપમ આયુષ્યવાળા દેવ

તીર્થકર પદની પ્રાપ્તિનું કારણ ઃ વીશ સ્થાનક નામના તપની શ્રેષ્ઠ આરાધના

ચ્યવનમાસ અને તિથિ ઃ આષાઢ સુદ ૬

ચ્યવન-નક્ષત્ર ઃ ઉત્તરાફાલ્ગુની

ચ્યવન-રાશિ ઃ કન્યા

ચ્યવન-કાળ ઃ મધ્યરાત્રિ

ગર્ભાહરણનો સમય ઃ ચ્યવન દિવસથી ૮૩મા દિવસે

ત્રિશલાના ગર્ભમાં રહ્યા ઃ ૬ મહિના અને ૧૫|| દિવસ

બંને માતાના ઉદરનો સંપૂર્ણ ગર્ભકાળ ઃ ૯ મહિના અને ૭|| દિવસ

જન્મનો આરો ઃ ચોથો આરો પૂરો થવાને ૭૫ વર્ષ અને ૮|| મહિના બાકી હતા

જન્મદેશ ઃ વિદેહ (વર્તમાન બિહાર)

જન્મદેશની રાજધાની ઃ વૈશાલી

જન્મ-નગર ઃ ક્ષત્રિયકુંડગ્રામ નગર

જન્મ-મહાદશા ઃ બૃહસ્પતિ

જન્મદશા ઃ શનિ

અંતરદશા ઃ બુધ

ગોત્ર ઃ કાશ્યપ

યોનિ ઃ મહિષ

જાતિ અને કુળ ઃ જ્ઞાતક્ષત્રિય અને જ્ઞાતકુલ

વંશ ઃ ઈક્ષવાકુ-જ્ઞાતવંશ

લાંછન-ચિહ્ન ઃ સિંહ

શારીરિક શુભ ચિહ્નો ઃ ૧૦૦૮

ૠદ્ધિ ઃ ૬૪ ૠદ્ધિના સ્વામી

શરીરનો વર્ણ ઃ પીત રંગના સુવર્ણ જેવો (હેમવર્ણ)

બાળપણની ક્રીડા ઃ આમલકી ક્રીડા અને તિન્દુષક ક્રીડા

બળ ઃ અનંત બળ ઃ શરીર બળની સાથે અતુલ આત્મબળ

મસ્તકની વિશેષતા ઃ શિખાસ્થાન (ઘણું ઉન્નત)

શરીર રચનાનું માપ ઃ પહેલું સમચતુરસ્ત્ર એટલે કે ચારે છેડાઓ સરખા હોવાથી અતિ સુંદર

ઉત્સેધ અંગુલથી દેહમાન ઃ ૭ હાથનું

પત્નીનું નામ ઃ વસંતપુરના મહાસામંત સમરવીરની પુત્રી યશોદા (શ્વેતાંબર મતે)

પુત્રીનું નામ ઃ પ્રિયદર્શના અથવા અનવધા

જમાઈ ઃ ક્ષત્રિય કુંડમાં વસતા જમાલિ નામના ક્ષત્રિય કુમાર

ગૃહસ્થાશ્રમનો સમય ઃ ૩૦ વર્ષ

માતા-પિતાની ગતિ ઃ માહેન્દ્ર દેવલોક

દીક્ષા પૂર્વે વાર્ષિકદાન ઃ ૩ અબજ, ૮૮ કરોડ, ૮૦ લાખ સોનામહોર

દીક્ષા માસ અને તિથિ ઃ માગસર વદી દશમ

દીક્ષા સમય ઃ દિવસનો ચોથો પહોર

દીક્ષા નક્ષત્ર અને રાશિ ઃ ઉત્તરાફાલ્ગુની, કન્યા રાશિ

દીક્ષા સ્થાન ઃ કુંડગ્રામના જ્ઞાતખંડવનમાં

દીક્ષા વૃક્ષ ઃ અશોક વૃક્ષ

દિક્ષાની શિબિકા ઃ ચંદ્રપ્રભા

દીક્ષા સાથી ઃ એકલા

દીક્ષા ગુરુ ઃ સ્વયં (સ્વયં બુદ્ધ)

દીક્ષા સમયનું તપ ઃ છઠ્ઠનું તપ (બે ઉપવાસ)

દીક્ષા સમયે દેવેન્દ્રનું વસ્ત્રપ્રદાન ઃ દેવદૂષ્ય

દીક્ષા પ્રાપ્તિ સાથે જ્ઞાન ઃ અઢી દ્વીપ અને બે સમુદ્ર સુધી સમનષ્ક પ્રાણીઓના મનોગત ભાવો જાણી શકતું મનઃપર્યવજ્ઞાન

દીક્ષા સમયે સ્વીકૃત ઃ અહિંસા, સત્ય આદિ

મહાવ્રતો ઃ પાંચ

સાડાબાર વર્ષના સાધનાકાળના ઉપવાસ ઃ ૪૧૬૬ દિવસ

સાધનાકાળમાં પારણાના દિવસો ઃ ૩૪૯

સાધનાકાળમાં નિદ્રા ઃ એકવાર અંતઃમુહૂર્ત

નિદ્રાનો કાળ ઃ ૪૮ મિનિ

સાધનાકાળમાં આસન ઃ મુખ્યત્વે ઊભા ઊભા કાયોત્સર્ગ મુદ્રામાં

પ્રથમ ઉપસર્ગ ઃ કર્મારગામની બહાર આવેલા વૃક્ષની નીચે બળદોના અછોડાથી માર

પ્રથમ પારણુ ઃ કોલ્લાક સન્નિવેશમાં દીક્ષાના બીજા દિવસે

ખીરથી પારણું કરાવનાર ઃ બહુલ નામના બ્રાહ્મણે પોતાના નિવાસસ્થાને ગૃહસ્થે આપેલા પાત્રમાં

પાંચ પ્રતિજ્ઞાનું સ્થળ ઃ મોરાક સન્નિવેશમાં દૂઈજંત તાપસોના આશ્રમમાં

શૂલપાણિ યક્ષનો ઉપદ્રવ ઃ અસ્થિક ગ્રામની બહાર ઉધાનમાં આવેલાં યક્ષના મંદિરમાં

ચંડકૌશિકના ઉપસર્ગનું સ્થળ ઃ દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા જવાના માર્ગમાં આવેલા કનકખલ આશ્રમમાં

ચંડકૌશિકની ગતિ ઃ શુભ ભાવોમાં આયુષ્ય પૂર્ણ કરી આઠમા સ્વર્ગમાં

ગોશાલક સાથે પ્રથમ મેળાપ ઃ રાજગૃહના ઉપનગર નાલંદાની તન્તુવાયશાળા કાપડ બનાવવાની ઉધોગશાળામાં

મેળાપનો સમય ઃ મહાવીરના બીજા ચાતુર્માસ સમયે

સંગમના ઉપસર્ગનું સ્થળ ઃ દ્રઢભૂમિમાં આવેલા પેઢાલ ઉધાનના પોલાશ ચૈત્યમાં

સંગમે કરેલાં ઉપસર્ગો ઃ ૨૦

સંગમની થયેલી સ્થિતિ ઃ ઈન્દ્રે એને દેવલોકમાંથી કાઢી મૂક્યો અને તે પોતાની દેવીઓ સાથે મેરુ પર્વતના શિખર પર રહેવા લાગ્યો.

અનાર્ય પ્રદેશ ઃ મોટેભાગે બંગાળના પશ્ચિમ કિનારાનો રાઢ પ્રાંત, જેના બે ભાગ એક ઉત્તર રાઢ અને બીજો દક્ષિણ રાઢ, વચ્ચે વહેતી અજય નદી

૧૧ ગણધરોનું શંકા નિવારણ સ્થળ ઃ મધ્યમ પાવાપુરી

વય ઃ મહાવીર સ્વામી ૪૨ વર્ષના અને ઈંદ્રભૂમિ ગૌતમ ૫૦ વર્ષના

કેવળજ્ઞાનનો સમય ઃ વૈશાખ સુદી દશમના સાયંકાળે, ૪૩ વર્ષની વયે

કેવળજ્ઞાનનું સ્થળ ઃ આજના બિહાર રાજ્યમાં આવેલા જંભિય ગ્રામ પાસે ૠજુવાલિકા નદી પાસેનું ખેતર

દિવસ અને મુહૂર્ત ઃ સુવ્રત દિવસ અને વિજય મુહૂર્ત

કેવળજ્ઞાનનું વૃક્ષ અને આસન ઃ શાલ વૃક્ષ અને ગોદોહિકા આસન

શાલવૃક્ષની ઉંચાઈ ઃ ૨૧ ધનુષ્ય

કેવળજ્ઞાન સમયનું તપ ઃ છઠ્ઠ (બે ઉપવાસ)

પ્રથમ દેશનાનો વિષય ઃ યતિ ધર્મ, ગૃહસ્થ ધર્મ, ગણધરવાદ

તીર્થ (શાસન)ની ઉત્પત્તિ ક્યારે ? ઃ કેવળજ્ઞાન પ્રાપ્તિના બીજા દિવસે બીજી વખતના સમવસરણ સમયે

તીર્થ સ્થાપનાના માસ ઃ વૈશાખ સુદી ૧૧ અને તિથિ

તીર્થનો વિચ્છેદ ઃ પાંચમા આરાના છેલ્લા દિવસના બે પ્રહર બાદ

પ્રથમ ગણધર ઃ ઈન્દ્રભૂતિ

પ્રથમ સાધ્વી ઃ ચંદનબાળા

પ્રથમ શ્રાવક ઃ શંખ

પ્રથમ શ્રાવિકા ઃ નાગસારથિની પત્ની સુલસા

મુખ્ય ભક્ત રાજા ઃ શ્રેણિક

શાસન યક્ષનું નામ ઃ માતંગ

શાસન યક્ષિણીનું નામ ઃ સિદ્ધાયિકા

ગોશાલકની ગતિ ઃ અચ્યુતકલ્પમાં ૨૨ સાગરોપમની સ્થિતિવાળો દેવ બન્યા પછી અનેક પરિભ્રમણો બાદ સમ્યકત્વની ઉપલબ્ધિ પામશે, દ્રઢ પ્રતિજ્ઞ મુનિના ભવમાં કેવળી બનીને દુઃખોનો અંત-નાશ કરશે.

મોક્ષ ગમન ઃ આસો વદ અમાસના સ્વાતિ નક્ષત્રની તુલા રાશિમાં બોંતેર વર્ષની વયે

મોક્ષનો સમય ઃ ચંદ્ર નામના બીજા સંવત્સરના પ્રીતિવર્ધન મહિનામાં નંદિવર્ધન પક્ષમાં, અગ્નિવેશ્ય અથવા ઉપશમ દિવસે

મોક્ષ સમયનું મુહૂર્ત અને સ્થાન ઃ સર્વાર્થસિદ્ધ (પાછલી રાતનું) મુહૂર્તમાં પ્રાચીન મગધ (અર્વાચીન બિહાર)માં આવેલા પાવા-મધ્યમા અપાપાપુરીમાં હસ્તિપાળ રાજાના કારકૂનોની શાળામાં

મોક્ષ સમયનું આસન ઃ પર્યકાસન અથવા પદ્માસન

મોક્ષ સમયનું તપ અને દેશના ઃ છઠ્ઠનું તપ અને ૪૮ કલાક સુધી અખંડ દેશના

મોક્ષ સમયનો આરો ઃ ચોથા આરાને અંતે ત્રણ વર્ષ અને ૮|| મહિના બાકી હતા ત્યારે

મોક્ષ માર્ગની પરંપરા ઃ ૩ ૫| સુધી એટલે કે ત્રણ શિષ્ય પ્રશિષ્ય સુધી

મહાવીરની દેશનાનું સ્થળ ઃ દેવનિર્મિત સમવસરણમાં અથવા સુવર્ણ કમલ પર

દેશનાની ભાષા અને સમય ઃ અર્ધમાગધી ભાષામાં – રોજ સવાર, બપોર એમ કુલ બે પ્રહર એટલે કે છ કલાક

મહાવીરના શાસનમાં કેટલાએ

તીર્થકર નામકર્મ બાંધ્યું ? ઃ પુરુષ અને સ્ત્રી મળીને ૯ વ્યક્તિ (૧) શ્રેણિક, (૨) સુપાર્શ્વ, (૩) પોટ્ટિલ, (૪) ઉદાયી, (૫) શંખ, (૬) દ્રઢાયુ, (૭) શતક, (૮) સુલસા, (૯) રેવતી

એમના તીર્થમાં રુદ્ર કયા ઃ સત્યકી

કયા દર્શનની ઉત્પત્તિ ઃ વૈશેષિક દર્શન….

error: Content is protected !!