શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર -દ્વારકા

ભારત એ અનેક સંસ્કૃતિઓનો સુભગ સમન્વય સાધતો દેશ છે એટલે જ કદાચ આપણા ભારતમાં સનાતન ધર્મ ફૂલ્યો હોય …….ફાલ્યો હોય …….. પાંગર્યો હોય અને …….. વિકસ્યો હોય. જે એક ઘણી ઘણી જ સારી બાબત ગણાય. જો કે કોઈ પણ દેવસ્થાનોમાં દર્શન કરવાં કોઈપણ ધર્મનો વ્યક્તિ વિના રોકટોક જઈ જ શકે છે કારણકે મંદિર કે દેવ પર કોઈ વ્યક્તિ કે કોઈ એક કોમનો ઈજારો હોતો નથી !!!

ગુજરાત ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં ઐતિહાસિક સ્મારકો ઓછાં અને મંદિરો વધારે છે. આ શું દર્શાવે છે ? ગુજરાતની ધર્મપરાયણતા જ ને !!!! ગુજરાતની પ્રજા ખરેખર સંસ્કૃતિની ચાહક છે અને દેવ-દેવીપૂજક છે જ !!! આપણી આ ચાહના જ કદાચ આપણને ભક્તિ તરફ લઇ જતી હોય છે. જ્યાં ભક્તિ છે ત્યાં ઈશ્વર સાક્ષાત છે જ !!! ઈશ્વરનો સાક્ષાત્કાર કદાચ થાય કે ન પણ થાય પણ એકાદ ચમત્કાર આપણને આવાં મંદિરો તરફ જરૂર ખેંચતા હોય છે !!! આપણે મંદિરમાં ફરવાં જતાં હોતાં જ નથીને. મંદિરમાં દર્શન કરવાં જઈએ છીએ. આપણી સુષુપ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એ માટે મનોકામના કરવાં જતાં હોઈએ છીએ અને જો આપણી ભક્તિ સાચી હોય તો ઈશ્વર આપણી મનોકામના જરૂર પૂર્ણ કરે છે. માત્ર પૂરતી આસ્થા અને અખૂટ શ્રદ્ધાપૂર્વક આપણે ઈશ્વરનાં ચરણમાં માથું ટેકવવું જોઈએ અને આપણી ઈચ્છાઓ વ્યક્ત કરવી જોઈએ.

ઈચ્છાઓ કૈં મેગી નથી કે એ 2 મિનિટમાં ઇન્સ્ટન્ટ પુરી થાય, થોડી રાહ અવશ્ય જોવી જોઈએ પણ ઈચ્છાઓ પુરી જરૂર પુરી થાય તો છે જ !!!ઈચ્છઓ તો આપણે મરીએ ત્યારેય એ બાકીની બાકી જ રહેતી હોય છે પણ મરતાં પહેલાં એકાદ ઈચ્છા પણ જો પરિપૂર્ણ થાય એવી દરેક મનુષ્યની ખેવના હોય છે. આ ખેવનાઓ જ આપણે મંદિર તરફ આકર્ષતી હોય છે અને વિજાતીય આકર્ષણ કરતાં આવું ચુંબકીય આકર્ષણ વધારે સારું !!! કમસેકમ આપણે ઈશ્વરની નજીક તો પહોંચી શકીએ છીએ. આમેય આપણે મર્યા પછી ઈશ્વર પાસે જ જવાનું જ હોય છે ને !!! તો પછી જીવતાં જીવત કેમ ઈશ્વરનું સાંનિધ્ય ના કેળવાય ? જો કેળવાય તો સારી બાબત છે નહીંતો મંદિરમાં ફરીને પાછાં આવવાનું અને કહેવાનું કે આ મંદિર મેં જોયું છે એનાથી વિશેષ બીજું કઈં જ નહીં !!!

bhadkeshwar mahadev 4

ગુજરાતમાં દરિયા કિનારો ભારતમાં સૌથી લાંબામાં લાંબો છે એ મેં પહેલાં જ કહ્યું છે. આ દરિયાકિનારે કે નદીકિનારે કે કોક પહાડ પર કે જંગલોમાં ઘણાં મંદિરો સ્થિત છે. સૌરાષ્ટ્ર અને કચ્છને દરિયા કાંઠો વધુ હોવાથી ત્યાં વધારે મંદિરો છે !!! સૌરાષ્ટ્રનો ઇતિહાસ પણ આની સાક્ષી અવશ્ય જ પુરે છે !!! પણ….. સૌરાષ્ટ્રમાં દેવાધિદેવ મહાદેવનાં મંદિરો વધુ છે. આ મંદિરોનું સ્થાન જ એવું વિશિષ્ટ હોય છે ને કે ત્યાં જયા વગર આપણું મન લલચાયા વગર રહે જ નહીં !!! એમાં પણ દરિયામાં સ્થિત એવા મહાદેવ મંદિરો વધુ જોવાં મળે છે. આની યાત્રા જ મનમોહક હોય છે આવું સુંદર સ્થાન તમે જોયા વગર કેમ જ રહી જાવ એવું થયાં વગર રહેજ નહીં એવાં રમણીય સ્થાનો હોય છે આ !!!

દરિયામાં સ્થિત અને એમાંય પાછાં સ્વયંભુ શિવલિંગોનું મહત્વ ને માહત્મ્ય આમેય વધારે હોય. ભગવાન શિવજીનું શિવલિંગ સ્વયંભૂ હોય એટલે એ સદીઓ પુરાણું તો હોવાનું જ અને એની સાથે કોકને કોક પૌરાણિક કથાઓ તો જોડાયેલી હોવાની જ !!! જો એ કથા પૌરાણિક ના હોય તો એ કોક ઐતિહાસિક કથા પણ હોવાની જ !!! દ્વારકા તો આમેય પૌરાણિકકાળથી જાણીતી નગરી છે. એમાં ઘણા મંદિરો સ્થિત છે પણ એની આજુબાજુ કે એનાથી થોડેક જ દૂર પણ ઘણાં મંદિરો સ્થિત છે. આ દ્વારકા એ દરિયાકિનારે છે એટલે દરિયાની નજીક કે દરિયામાં પણ મંદિરો તો હોવાનાં જ !!! અરબી સમુદ્ર એ મંદિરોનો પોતાનો સમુદ્ર છે એવું લાગ્યાં વગર રહે જ નહીં !!! જે સાચું પણ છે જ !!!

bhadkeshwar mahadev

દ્વારકાની બિલકુલ નજીક કોઈ અતિપ્રખ્યાત મંદિર હોય તો તે છે—- ભડકેશ્વર મહાદેવ મંદિર.. આ દ્વારકાની નજીક આવેલાં મંદિરોમાં પ્રમુખ મંદિર છે. આમ તો સમગ્ર ભારતમાં ભગવાન શિવજીનાં ઘણાં મંદિરો છે પરતું આ મંદિર અનોખું છે !!! દ્વારકાનાં ત્રણ બત્તી ચોકથી માત્ર ૨ જ કિલોમીટર દૂર અરબી સમુદ્રના દરિયા કિનારે આ મંદિર સમુદ્રની અંદર એક મોટી શીલા (ખડક)પર બનેલું છે !!! આ મંદિરમાં જવાં માટે દરિયાનાં પાણીમાં થઈને જ જવાનું હોય છે. દરિયા કિનારે એક નાનકડો પૂલ બાંધવામાં આવ્યો છે. તેના પરથી સમુદ્રનાં પાણીના મોજાં અને છાલકોથી ખેંચાઈને આપણે દરિયામાં ના તણાઈ જઈએ એ માટે વચ્ચે દોરડાની રેલીંગ બનાવવામાં આવી છે. જેને પકડીને જ આ મંદિરમાં જઈ-આવી શકાય છે.

આ દ્રશ્ય આપણને ટગ ઓફ વોરની યાદ અપાવવાં માટે પુરતું છે પછી ખડક પર ૫-૧૦ પગથીયાં ચડીને આ મંદિરમાં જવાતું હોય છે. આ મંદિર ખુબ જ નાનું અને પુરાણું છે એમાં એકસાથે વધારે માણસો દાખલ થઇ શકતાં નથી !!! અંદર પણ જવાની કે ઊભાં રહેવાની જગ્યા ઓછી છે. એમાં પણ આરતી વખતે ઢોલ-નગારાંવાળાંની જ વધુ ભીડ હોય છે અને પૂજારીજી જે આરતી ઉતારતાં હોય છે એની પણ.. પણ એ તો હોય જ ને વળી પણ એને લીધે માણસોને દર્શન કરવાં માટે રાહ બહુ જ જોવી પડતી હોય છે !!! એમાં પણ દરિયાનાં પાણી ઓસરવાની રાહ જોવી પડે છે એ નફામાં.. આને લીધે લોકોની ભીડ બહુજ એકત્ર થતી રહેતી હોય છે દિવસભર.. કયારેક ક્યારેક તો આ મંદિર દરીયામાં ડૂબી પણ જતું હોય છે જે દરિયાનું પાણી ઓસરી જાય પછી જ બહાર આવતું હોય છે આને માટે જ રાહ જોવી પડતી હોય છે દરેકે !!! પણ દર્શન થાય છે તો ખરાં જ ભગવાન રાહ જોવડાવીને આપણને દર્શન કાર્ય વગર પાછાં મોકલતાં નથી !!!

bhadkeshwar mahadev 2

મંદિર પણ નાનું છે અને અંદર શિવલિંગ પ્રમાણમાં નાનું છે. મંદિર બહાર ઉપરી ભાગમાં બરોબર મંદિરનાં ગર્ભગૃહની ઉપર જ લાલ અક્ષરોમાં “જય ભડકેશ્વર મહાદેવ”એવું લખાયેલું છે. આની આજુબાજુ “શિવ” એવું લખાયેલું છે. જય ભડકેશ્વર મહાદેવ જ્યાં લખાયેલું છે તેની ઉપર બહુ મોટા અક્ષરોમાં “ઓમ ” અંકિત કરાયેલો છે તેની આજુબાજુમાં ૪૫ અંશના ખૂણે ત્રિશુલ દોરાયેલાં છે. આ મંદિરનાં શિખર પર ફરકતી ધજા બહુજ લાંબી અને મોટી છે. મંદિર લગભગ ૨૦૦ વર્ષ પહેલાં જ બંધાયું હતું એવું ત્યાંનાં પુજરીજીનું કહેવું છે !!! મંદિરની અંદર ગર્ભગૃહમાં પણ જ્યાં શિવલિંગ સ્થિત છે ત્યાં હિન્દીમાં “જય ભડકેશ્વર મહાદેવ”એવું લખાયેલું છે. મંદિરમાં જ્યાંથી આપણે ભગવાન શંકરના દર્શન કરીએ છીએ તેની બાજુમાંથી પણ અરબી સમુદ્રનાં દર્શન કરાય છે

સંધ્યા આરતી વખતે જાણે દરિયો પણ એમાં સુર પુરાવતો હોય અને એ પણ સંગીત આપતો હોય એવું લાગે છે. મંદિરની બહારથી અરબી સમુદ્રને ખુબ નજીકથી માણી શકાય છે અને એને દુરદુર સુધી વિસ્તરેલો જોઈ શકાય છે. અહીં ફોટો પાડવાની મનાઈ હોવાં છતાં પણ કેટલાંક લોકોએ એનો વિડીયો ઉતાર્યો પણ છે અને યુ-ટ્યુબ પર અપલોડ પણ કર્યા છે જે કોઈ પણ આજે પણ જોઈ જ શકે છે પરંતુ હમણા એમાં ફોટાઓ પાડવાની છૂટ મળી છે ખરી. જેમાં ગર્ભગૃહનાં એટલે કે શિવલિંગનાં ફોટાઓ પાડી શકાય છે અને વિડીયો પણ ઉતારી જ શકાય છે જે આપણે યુ-ટ્યુબ પર કે નેટ પર જોઈ જ શકીએ છીએ !!! સુર્યાસ્ત સમયે મંદિર સોનાનું બની ગયું હોય એવો ભાસ થાય છે !!! મંદિરનું વાતાવરણ જ એવું છે ને કે કોઈ પણ ભાવવિભોર થઇ જાય. શિવલિંગનાં દર્શન ખરેખર સારાં છે !!!

એમ કહેવાય છે કે અહીં સમુદ્રનાં જળની વચમાંથી ભગવાન શિવજી પોતાની જાતે જ ભડકીને પ્રગટ થયાં હતાં એટલાં જ માટે આને ભડકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે !!! આ મહાદેવનાં મંદિરમાં આવીને અદભુત શાંતિ મળે છે. મંદિરનાં પ્રચીર સાથે અટખેલીયા કરતો અરબી સમુદ્ર બહુ જ મનોરમ્ય લાગે છે. જ્યારે દરિયામાં ભરતી આવે છે ત્યારે મંદિરમાં પહોંચવાનો રસ્તો બંધ થઇ જાય છે. મંદિરમાં આસપાસ પવન એટલો બધો વાતો હોય છે ને કે બપોરમાં પણ અહીં ઠંડકનો અહેસાસ થાય છે !!!

bhadkeshwar mahadev 5

ભડકેશ્વર મંદિરની પાસે દ્વારકામાં ગુજરાત સરકાર તરફથી ચોપાટી પણ બનવવામાં આવી છે. અહીંયા ભક્તો અને સહેલાણીઓ માટે ૩ વિશ્રામાલય બનાવવામાં આવ્યાં છે. જ્યાં બેસીને તમે બપોરના પહોરમાં આરામ પણ ફરમાવી જ શકો છો જેવી સાંજ ઢળવાં આવે છે ને કે તરતજ આ ચોપાટીની રોનક જ બદલાઈ જાય છે.. નારિયેળ પાણી, ભેળપુરી, ચાટ, જ્યુસ, મકાઈ ભૂટ્ટા અને પાણીપુરીની લારીઓથી એ પુરેપુરી મુંબઈની ચોપાટી જેવી જ બની જાય છે !!! અહી સાથોસાથ રંગબેરંગી કપડાઓથી સજાવેલાં ઊંટની સવારી કરાવાનો આનંદ પણ અદકેરો જ હોય છે એ પણ બિલકુલ રસ્તા ઉપર જ !!! આ ચોપાટી પાસે જ સનરાઈઝ પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ પણ છે !!! અહીંયાથી ડૂબતા સૂર્યનું દ્રશ્ય અને એમાં પાછું મંદિરને જોવું એ નયનાભિરામ દ્રશ્ય પણ નિહાળી શકાય છે.. અહીં બિરલા ગ્રુપ દ્વારા બનાવેલું એક સુંદર ગીતા મંદિર અને બિરલા અતિથિગૃહ પણ છે. દ્વારકાની આ ચોપાટીથી થોડેક જ દૂર એક દીવાદાંડી (લાઈટ હાઉસ) પણ છે !!! જો કે કેટલાંક ટુરિસ્ટ પેકેજોવાળાં પોતાની બસો કે ગાડીઓ અહી ચોપાટી કે ભડકેશ્વર મહાદેવ નથી લાવતાં હોતાં પરંતુ જો તમે દ્વારકા ગયાં જ હોવ તો એક સાંજ પસાર કરવાં માટે અહીં જરૂરથી આવવું જ જોઈએ !!!

અહી ચોપાટીની નજીક ક્રિકેટ મેચનું પણ આયોજન થાય છે જેનું નામ છે ગુગલી પ્રીમિયર લીગ. દ્વારકાધિશ મંદિરની વ્યવસ્થા સંભાળતાં ગુગલી બ્રહ્મણો દ્વારા આ ક્રિકેટ કપનું આયોજન થાય છે. જેમાં ગુગલી બ્રાહ્મણોની ટીમ સહિત સૌરાષ્ટ્રની અનેક ટીમો ભાગ લેતી હોય છે. આપણ એક સારું જ કદમ છે અત્યારે વધતાં જતાં ક્રિકેટ ક્રેઝને જોતાં. આ મેચો ક્યારેક ચોપાટી પર તો ક્યારેક દ્વારકાનાં મેદાનો પર રમાતી હોય છે !!! આ મેચોની રનીંગ કોમેન્ટરી પણ આપવામાં આવતી હોય છે.bhadkeshwar mahadev 6

 

આ ભડકેશ્વર મહાદેવ મંદિર એ પોતાની મરજીનું માલિક છે. એ ઈચ્છે તોજ તમને દર્શન થાય નહીં તો ના પણ થાય કારણકે એ ક્યારેક ક્યારેક દરિયામાં ગાયબ પણ થઇ જાય છે. હકીકતમાં આ મંદિર અરબી સમુદ્રની વચ્ચોવચ્ચ જમણી બાજુએ બનેલું છે એટલાં માટે માટે જ્યારે દરિયામાં ઓટ આવે કે પાણી ઓછું થાય અલબત્ત કિનારા તરફ તો જ આ મંદિર દેખાઈ શકે છે નહીં તો નહીં !!! જેમ જેમ પાણીનું સ્તર વધતું જાય છે તેમ તેમ આ મંદિર અદ્રશ્ય થઇ જાય છે.. એક રીતે એમ પણ કહી શકાય કે પાણીથી ભડકીને દરીયામાં ગાયબ થઇ જતું મંદિર એટલે ———- ભડકેશ્વર મહાદેવ મંદિર !!!

આ મંદિર અત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દ્વારકામાં જ સ્થિત છે પહેલાં એ જામનગર જીલ્લામાં આવતું હતું !!! આ મંદિર સંપૂર્ણપણે દરિયામાં એક ખડક પર બનેલું હોવાથી અને કેટલાંક કહે છે તેમ આ મંદિરમાં સ્વયંભુ શિવલિંગ છે જે લગભગ ૪૫૦૦ થી ૫૦૦૦ વરસ જુનું છે !!! આવી જગ્યાએ આવું અનોખું મંદિર હોવું એને ચમત્કારી અને રહસ્યમય માને છે . આ મંદિર દરિયાનાં તોફાનો અને વાવાઝોડાંમાં ટકી શક્યું છે એ ખરેખર જ એક ચમત્કાર ગણાય !!! જુન-જુલાઈ મહિનામાં અરબી સમુદ્ર સ્વયં એકવખત આ શિવલિંગનો અભિષેક કરે છે અને પછી થોડાંક સમય કે કેટલાંક દિવસ માટે જળમગ્ન થઇ જાય છે.

આ મંદિરમાં સવારનાં ૮ વાગ્યાથી બપોરનાં ૧૨ વાગ્યાં સુધી જ શિવલિંગનો અભિષેક કરી શકાય છે પરંતુ ભક્તોનાં દર્શન હેતુસર આ મંદિર દરેક સમયે ખુલ્લું જ રહેતું હોય છે. મંદિરનું ગર્ભગૃહ નાનું હોવાને કારણે જળાભિષેક માટે સીમિત ભક્તોનું ગમન જ સંભવ થઇ શકતું હોય છે. અત: મંદિરનાં વ્યવસ્થાપકો સાથે સહયોગ અને સંયમ બનવી રાખવો અનિવાર્ય છે જેમ કોઈ પણ મંદિરમાં હોય છે એમ અહીં પણ છે. દેવાધિદેવ મહાદેવ નું આ પ્રાચીન મંદિર છે અને આ મહાદેવજીનું મંદિર હોવાથી અહીં શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રીએ લાખો લોકો દર્શનાર્થે આવતાં જ રહેતાં હોય છે !!!

bhadkeshwar mahadev 7

ઐતિહાસિક કથા ——

ઓખામંડળના વીર જોધા માણેક અને મૂળુ માણેકે તત્કાલીન અંગ્રેજ સરકાર સામે બગાવત કરી એ પછી આ મંદિરે લાંબો સમય આશરો લીધો હતો અને અહીં શિવલિંગને પખાળતા સમુદ્રજળથી પ્રાણાંતે પણ અંગ્રેજો સામે નમતું નહિ મૂકવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ વાત શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત સોરઠી બહારવટીયામાં આવે જ છે !!!

આ મંદિરમાં દર વરસે લાખો લોકો અહીં દર્શન કરવાં માટે આવે છે. આ મંદિર માટે એમ કહેવાય છે કે અહીં જે પણ કોઈ આવે છે અહીં જે પણ કંઇ માંગે છે એ દરેકની મનોકામનાઓ ભગવાન મહાદેવજી અવશ્ય પરિપૂર્ણ કરે છે !!! બસ ખ્હાલી ભગવાનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ એટલું જ !!!

એક તો દ્વારકાધિશનાં દર્શન સાથે બીજાં દ્વારકાનાં પ્રખ્યાત મંદિરોનાં દર્શન, ચોપાટી માણવાની મજા એમાં પાછું ચોપાટી પર ખાવાનું, ઊંટ પર સવારી કરવાનું અને આ ભડકેશ્વર મંદિરમાં દર્શન કરવાનો લ્હાવો અને દરિયાને મનભરીને માણી લેવાની મજા, સાથે સૂર્યોદય અને સુર્યાસ્તને પણ જોવાનો અવસર કોઈએ પણ ના જ ચૂકવો જોઈએ, આવી બહુવિધ જગ્યાની મજા બીજે કંઇ નહીં જ આવે તો જઈ જ આવજો બધાં !!!

!! જય ભડકેશ્વર મહાદેવ !!

—– ઓમ નમઃ શિવાય —-
——– હર હર મહાદેવ ——

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!