નળરાજા એ સ્થાપેલ બાર શિવલિંગની અજાણી વાત

કોળાબાનો લગભગ બારેક ગાઉનો અડાબિડ પર્વતોનો પટ્ટો જેમા શેત્રુંજો એટલે કે જૈનો નો પવિત્ર અને પાવન ગણાતો શેત્રુંજય જે પર્વતના દર્શન માત્રથી માનવીના પાપ ધોવાઇ જાય એ પર્વત પણ આ પટ્ટામા આવી જાય એમા લોંચ નો ડુંગર એટલે કે હસ્તગીરી એ પણ જૈંન ધર્મ નુ અગત્યનુ ધર્મસ્થાન છે આ બંન્ને ડુગરને એવા સણગાર્યા કે જોતા એવુ લાગે કે રૂપેરી મુગુટ પહેરીને કોઇ દેવ ન બેઠુ હોય, આ પટ્ટામા ભાડવો ડુંગર આવી જાય અને આ બધી ઉઘાડી ગીરીમાળા મા વર્ષો પહેલા મહાભારત કાળમા ભયંકર જંગલ હતુ જે હેડંબાનુ વન માનવામા આવે છે. આજે પણ કયાક કયાક પાંડવો ના સરણની સુવાસ આવી રહી છે… આ પર્વતીય પ્રદેશ મા કોળાંબા ના ડુંગરપર બિરાજતા આઇ કમળાઇ ના પાવન પાવલા માથી પ્રગટતી કેવડી નદી ડુંગરે હેઠી ઉતરતાની સાથે જ ધરતી માતાના પંડને ખોતરતી ખોતરતી બંન્ને કાઠે વાહઝાળ…. વાહઝાળ… વખંભર ભેખડો ની વચ્ચે રમતી રમતી જાણે હરખઘેલી થઇને દરીયાને મળવા જતી હોય એમ લાગે.

આ કેવડીના કાઠે સતજુગમા નૈશધ પતી નળરાજા આવતો એ વાત જાણતાજ હશો કે જેને કળયુગ સાથે દમયંતીને લઇને વાંધો પડીયો અને નારદજીની ખટપટનો ભોગ બનીને કળજુગ ની કનડગતને કારણે નળરાજાને રાજપાટ છોડીને વનમા વિશ્રામ કરવો પડીયો હતો એ કાળ દર્મિયાન સાથે રહેલી દમયંતીનો પણ એમણે ત્યાગ કરેલો એવી કથા આવે છે પણ મારે જે વાત કરવી છે તે કોઇ ગ્રથમા નહી જડે પણ લોકહૈયે સંઘરાયેલી આ વાત છે કે દમયંતીના ત્યાગ પછી નળરાજાએ શિવજીની ભક્તિ આદરેલી અને કેવડીનદીના ઉભા કાઠે ડુંગરમાળ થી દરીયાની પાળ સુધી પંદર ગાઉના પલ્લામા એમણે બાર શિવલિંગની સ્થાપના કરેલી જેની તે રોજ પુંજા કરીને પોતે જમતા એવી ત્યાના સ્થાનીક લોકોનુ કહેવુ છે. આજે પણ એ બારેબાર શિવલિંગ બારબાણના સ્વરૂપે મોજુદ છે અને જયા જયા શિવલિંગ છે ત્યા ત્યા આજે ગામડા બંધાયા છે જેમાનુ એક શિવલિંગ અમારા કોદીયા ગામના પાધરમા કેવડી નદીના કાઠે બિરાજે છે એમના દર્શન કરીને અમે ધન્યતા અનુભવિયે છીયે.

આવો આ બારે શિવલિંગ કયા કયા આવી છે અને તેના વિષે વધુ વાત કરીયે પહેલાતો આપને જણાવી દઉ કે એ શિવલિંગની એવી રીતે સ્થાપના કરવામા આવી છે કે એક આ કાઠે તો બિજી સામા કાઠે અને એક ગામ મુકી ને એક ગામે સ્થાપના જોવા મળે છે કારણતો જે હોય તે(જોકે સ્થાપના સમયેતો એકેય ગામ નહી જ હોય)પણ આજે એક ગામ મુકીને બીજા ગામે નળરાજાની સ્થનાના શિવજીના દર્શન થાય છે આજે પણ લોકોના હૈયે આ શિવજી મહારાજ પર લોકોને એવી શ્રધ્ધા છે કે ગમે તેવી આશા રાખીને આત્મવિશ્વાસ સાથે એ બારે બાર શિવલિંગની પ્રદિક્ષણા કરવામા આવે તો ધારેલુ કામ પાર પડે છે એક વખત આ કાઠાના શિવદર્શન કરવાના અને વળતી વખતે સામા કાઠાના શિવ દર્શન કરવાના આવી રીતે પર્દિક્ષણા કરવા થી શિવજી રીજે છે.

આ શિવલિંગની સરૂઆત પ્રથમ કોળાંબાની ભીત માથી થાય છે, બિજી શિવલિંગ અવળેશ્વર મહાદેવના સ્વરૂપે કળમોદર ગામમા બિરાજે છે, ત્રીજી શિવલિંગ રાળગોન ગામે જોવા મળે છે, જયારે ચોથી શિવલિંગ ખાંભેશ્વર મહાદેવના સ્વરૂપે આમારા કોદીયા ગામના પાધરમા કેવડીના કાઠે શોભાયમાન છે. એક કાળમા ત્યા ખાંભ નામનુ નગર વસતુ હતુ એટલે ખાંભેશ્વર મહાદેવ કહેવાયા અને ત્યાથી ખારડી ગામે પાચમી શિવલિંગ નિલકંઠ મહાદેવના નામે બિરાજે છે, અહી કેવડી નદી બગડ નદીમા ભળી જાય છે એટલે હવે કેવડી નદી કેવડી મટીને બગડ બની જાય છે અને એક ત્યાની સ્થાનિક નદી પણ બગડ સાથે ભળે એટલે ત્યા ત્રિવેણી સંગમ સર્જાય છે અને ત્યાથી આગળ હાલો એટલે છઠ્ઠી શિવલિંગ બોરડી ગામે હુ ન ભુલતો હોવતો બિલેશ્વર મહાદેવના નામે મહાદેવ બિરાજમાન છે અને બોરડી ગામે તો બાપલા ભાદરવીનો મેળો ભરાતો, હવે તો સમયના વહેણમા એ મેળો વિહરાય ગયો છે એક વાર મે એ મેળો નાનપણમા કરેલો અને એક પાવો ત્યા થી લાવેલો એવુ યાદ છે.. સાતમી અને આઠમી શિવલિંગ એક ભગુડા ગામના પાદરમા નદીને કાઠે અને એક શિવલિંગ ભગુડાના ડુંગરના ભોયરામા છે એવુ જાણવા મળ્યુ છે અને નવમી શિવલિંગ જાગધાર ગામમા આવેલી છે દસમી દાઠા ગામે આવેલી છે… વાલર ગામે અગ્યારમી શિવલિંગ ના દર્શન થાય છે અને બારમી ને છેલ્લી બાંભરના દરીયા કાઠે સદાશિવ ભોળાનાથ ની શિવલિંગ આવેલ છે આ બારબાણના દર્શન કરવા થી મનોકામના પુરી થાય એવી માનવીઓ મા આજે પણ શ્રધ્ધા સચવાયેલી પડી છે એટલે કહેવુ પડે છે કે

આવી અનેક વાતુ અવનીમા. (ઇતો) ચોપડીયે ચંપાણી નય
હરખતા લોકહૈયા મહી (અમે) રમતી દિઠી”રામડા”

આવીતો બાપલા અનેક વાતુ ગ્રથોમા ગુંથાયા વગર લોકહૃદયમા ઘુંટાય રહી છે અને હજારો વર્ષો થી અમરને અકબંધ અને ઉજવળ છે આવી વાતુને વાગોળવાનો મોકો મળવો એ પણ એક દુર્લભ લહાવો છે હો… મારા વાલા આવી આવી વાતુ માનવી કેવી રીતે સંઘરતા આવ્યા છે શુ એનુ જતન થયુ છે કે જે ઠેઠ નળરાજાના વખતથી લોકરદયમા કાળનાકાળની થપાતુ ખાતી ખાતી આવી ઘણી બધીય વાતુ આજે એક પાસે બિજા પાસે આવી રીતે હિરના કપડે વિટાઇને પડી છે આવી કોઇ વાતુ તમારા માનસ પટપર પડી હોય તો એને એકલા એકલા ગોંખવાના બદલે આવા કોઇ માધ્યમ દ્વારા એને ઉજાગર કરજો એને પાંખ આપજો તો આપણુ સાહિત્ય રૂપી પંખીડુ રાજી થશે. જેમ ફાવે તેમ અને ગમે તેવુ લખવાના બદલે આપણી ધિરી પડેલી સાહિત્યની નદી મા એકાદુ આવી કોઇ અજાણી વાતુનુ પવિત્ર ટીપુ પધરાવજો તો દેવી શારદા તમારા પર રાજી થશે ને તમને શબ્દોનો ભંડાર દઇ દેશે….જય મહાદેવ..

લેખક : રામભાઇ આહીર

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!