ભીમ દ્વારા બકાસુરનો વધ

પાંડવોએ કૌરવોથી છુપાઈને ૧૨ વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું હતું. એક વખત તેઓ વેશપલટો કરીને બ્રાહ્મણનો વેશ લઈને એકચક્ર નામના નગરમાં ગયા. ત્યાં એમણે એક બ્રાહ્મણના ઘરમાં આશરો લીધો. તેઓ દિવસ દરમ્યાન શાસ્ત્રનો અભ્યાસ કરતા અને સુર્યાસ્ત બાદ ભિક્ષા માટે જતા જેથી કોઈ એમને ઓળખી ન લે.

એક દિવસ પાંડવોના માતા કુંતીએ જોયું કે એમના યજમાનનું કુટુંબ બહુ જ દુ:ખી હતું. તેઓ રડતા પણ હતા. કુંતીએ એમને પૂછ્યું કે તેઓ શાથી આટલા પરેશાન છે?
યજમાને કહ્યું, ”
જંગલમાં બકાસુર નામનો એક રાક્ષસ રહે છે. એને દરરોજ એક માણસ, બે પાડા અને ઘણું બધું ખાવાનું જોઈએ છે. એકચક્રના દરેક કુટુંબે વારાફરતી એક માણસને બકાસુરને ખાવા મોકલવો પડે છે. આવતીકાલે અમારો વારો છે. જો અમે અમારા એકમાત્ર દીકરાને મોકલીશું તો અમે તેને ગુમાવી દઈશું”. આમ કહીને બ્રાહ્મણ અને એની પત્ની ચોધાર આંસુએ રડવા લાગ્યા.

કુંતીએ એમને કહ્યું,
“કોઈ ચિંતા ન કરો. તમારા દીકરાને બદલે મારો પુત્ર જશે”.
યજમાને કહ્યું કે
અતિથીને બકાસુર પાસે જીવતા ખાઈ જવા મોકલવા એ તો બહુ મોટું પાપ થાય.
પરંતુ કુંતીએ એમને કહ્યું કે કશું નહીં થાય
કારણકે એનો પુત્ર તો ઘણો જ બળવાન છે.
ભીમે જયારે આ જાણ્યું ત્યારે એ તો ખુશીથી ઝુમી ઉઠ્યો કારણકે કેટલાય સમયથી એણે કોઈ રાક્ષસ સાથે લડાઈ નહોતી કરી. ઉપરાંત એ વાત જાણીને તે અત્યંત ખુશ થઇ ગયો કે એને ખુબ જ ખાવાનું પણ મળવાનું છે!

બીજે દિવસે ભીમ એક ગાડું ભરીને ખાવાનું લઈને જંગલમાં ગયો. તે ઘણો ભૂખ્યો થયો હતો એટલે એણે ખાવાનું શરુ કરી દીધું. જાત જાતની અને ભાત ભાતની વાનગીઓ હતી એટલે ભીમ તો બે હાથથી ખાવા લાગ્યો! એણે લાડુ, મીઠાઈઓ, રોટલી, શાક, કઢી, ભાત વિ. ખાધું. ઘર છોડ્યા પછી ઘણા સમય બાદ આટલું ખાવાનું મળતું હતુ. એટલે એ તો બધી જ વાનગીઓ લિજજતથી ખાતો હતો.

બકાસુર ઉંઘતો હતો પણ ખોરાકની સુગંધથી જાગી ગયો. એણે જોયું કે એક માણસ આનંદથી બધું ખાવાનું ખાય છે. આથી તે એકદમ ગુસ્સે થઇ ગયો. એણે રાડ પાડી કહ્યું, “એ માણસ! કોણ છે તું? હું તને ખાઈ જાઉં એ પહેલાં તું મારું ખાવાનું ખાઈ જાય છે?”

ભીમે તો એની સામે જોયું પણ નહીં અને ખાવાનું ચાલુ જ રાખ્યું. આથી બકાસુર વધારે ગુસ્સે થઈને ભીમ તરફ ધસ્યો. ભીમે ગરમ કઢીની બાલદી બકાસુર પર ફેંકી. તે દાઝી ગયો પણ તેના શરીર પરથી કઢી ચાટવા લાગ્યો. ભીમ લાડુ મારવા લાગ્યો. બકાસુર લાડુ ભેગા કરીને ખાવા લાગ્યો. ભીમે બકાસુરના માથા પર શાક અને ભાત ફેંક્યા. બકાસુર એના લાંબા વાળમાંથી શાક-ભાત કાઢીને ખાવા લાગ્યો. ભીમને, બકાસુરને ચીડવવાની મજા આવતી હતી.

હવે ભીમે ધરાઈને ખાઈ લીધું હતું એટલે એણે ગંભીરતાથી લડવાનું નક્કી કર્યું. એણે બળપૂર્વક બકાસુરને એક મુક્કો માર્યો. બકાસુર દુર સુધી ફંગોળાઈને એક ઝાડ પર પડ્યો. એ ઝાડ ઉખેડીને ભીમ તરફ દોડ્યો. પરંતુ ભીમે ફક્ત એક હાથથી જ એને રોકી લીધો અને જોરથી લાત મારી. પછી ભીમે ઝાડ ઉખેડીને એને જોરથી ફટકાર્યું. આમ બંને વચ્ચે જોરદાર લડાઈ જામી.

બકાસુરે ક્યારેય આવા બળવાન માણસ સાથે લડાઈ નહોતી કરી એટલે એ તો સાવ ઢીલો પડી ગયો. પરંતુ ભીમ તો જરાય થાક્યો નહોતો. છેવટે ભીમે આ લડાઈ પૂરી કરવા નક્કી કર્યું. ભીમે ઢીંગલાની જેમ બકાસુરને હવામાં ઉંચે ફંગોળ્યો. બકાસુર જમીન પર પડ્યો ત્યારે એના શરીરના બધા જ હાડકાં ભાંગીને ભુક્કો થઇ ગયા હતા. ભીમે જોરથી ગર્જના કરી. આ સાથે જ બીજા બધા રાક્ષસો જંગલ છોડીને ભાગી ગયા.

હવે એકચક્ર નગર બકાસુરના ત્રાસમાંથી મુક્ત થયું.
લોકોએ એમને મળેલી મુક્તિની ઉજવણી કરી.
અને ભીમ એમનો માનીતો બની ગયો.
લોકો પાંડવોને પોતાના ઘરે ભોજન લેવા આમંત્રણ આપવા લાગ્યા.
પાંડવો તો કૌરવોથી છુપાઈને વનવાસ ભોગવી રહ્યા હતા એટલે હવે એમના માટે ત્યાં રહેવું સલામત નહોતું.
કારણકે કૌરવોને શક જાય કે આટલા બહાદુર બ્રાહ્મણો કદાચ પાંડવો જ હોઈ શકે. આથી તેઓ લોકોની રજા લઈને પાછા પરિભ્રમણ કરવા લાગ્યા.

ક્થામર્મ ——

ભીમની બકાસુર સાથેની લડાઈની આ વાર્તામાંથી પણ આપણને કાંઇક શીખવા મળે છે. ભારતમાં આપણે કહેતા હોઈએ છીએ કે, “અતિથી દેવો ભવ” – “અતિથી આપણા માટે ભગવાન જેવા છે”. આથી બ્રાહ્મણ કુટુંબ મુશ્કેલીમાં હતું છતાં એમણે પાંડવોને આશરો આપ્યો કારણકે એ તેમની ફરજ થઇ.

પાંડવો ક્ષત્રિય યોદ્ધા હતા. એમની ફરજ અન્યનું રક્ષણ કરવાની હતી. એટલે એમના માટે ઓળખાઈ જવાનું જોખમ હતું છતાં એમણે એમના યજમાનને અને એકચક્રના લોકોને બચાવવાની એમની ફરજનું પાલન કર્યું. દરેકે પોતાની ફરજનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ.

જ્ય હો ભીમ !!!!
——– જનમેજય અધ્વર્યુ

error: Content is protected !!