ગુજરાત અને રાજસ્થાનના લોકજીવનમાં મનોરંજનની જે લોકકલાઓ વિકાસ પામી તેમાંની એક કલા બહુરૂપીઓની છે. જૂના જમાનામાં મનોરંજનના માધ્યમો બહુજ મર્યાદિત હતાં ત્યારે બહુરૂપીઓની કળાએ હાસ્યવિનોદના ગમ્મત ગુલાલ દ્વારા લોકજીવનને આનંદથી હર્યુંભર્યું રાખવામાં મૂલ્યવાન ફાળો આપ્યો હતો. આપણે ત્યાં સદીઓથી ચાલતી આવેલી આ પરંપરાને કલાપ્રેમી દેશી રજવાડાંઓ પ્રોત્સાહન પૂરું પાડતા. પરિણામે આ કલા એમના સમયમાં પૂર્ણપણે ખીલી હતી. રજવાડાંઓની જાહોજલાલીનો યુગ આથમી ગયો. લોકજીવનમાં મનોરંજનના અનેક નવાં માધ્યમો દાખલ થયાં. આઝાદી પછી લોકકલા પરંપરાઓને જાળવવાની આપણી ઉદાસિનતાને કારણે બહુરૂપીઓની કલા અસ્તાચળના આરે આવીને ઉભી છે. આજે ક્યાંક ક્યાંક ગરીબાઈમાં સબડતા આ કળાના અવશેષસમા દયાપાત્ર બહુરૂપીઓ અલપઝલપ જોવા મળે છે.
બહુરૂપી શબ્દ સંસ્કૃત બહુરૂપીન પરથી ઉતરી આવ્યો છે. વિધવિધ પ્રકારના બહુરૂપ ધારણ કરે એનું નામ બહુરૂપી. ભગવદ્ ગોમંડલ નોંધે છે કે બહુ + રૂપ + ઈન. માયાવી, અનેક રૂપ ધારણ કરનાર, જુદા જુદા વેશો કાઢનાર બહુરૂપી નામની ધંધાદારી એક જાતિ. આ બહુરૂપીની કલાપરંપરાનો પ્રારંભ ક્યારથી થયો તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. કહેવાય છે કે સામવેદમાં તાલ અને સૂરમાં ગાવાના મંત્રો છે. કાળક્રમે તેમાંથી ભૂતલીલા, પ્રેમલીલા અને રામલીલા ઉદ્ભવી. આ રામલીલાનું એક અંગ એટલે બહુરૂપીની વેશભૂષા.
લોકગીતોની પરંપરા અનુસાર નટરાજ ભોળા શંભુએ પાર્વતીને છેતરવા માટે મણિયારાનો વેશ ધારણ કરી એમના હાથમાં રાતા રંગના ચૂડલા પહેરાવ્યા. મોચીડાનો વેશ લઈ ખભે લાલ મોજડી લટકાવી, મોજડીના પ્રલોભન દ્વારા એમના હાથે ભાવતાં ભોજન જમ્યા. એક પૌરાણિક કથા અનુસાર બલિરાજાના દ્વારે વિષ્ણુ ભગવાને બાવન રૂપ લીધાં હતાં. આવી પારંપરિક ભૂમિકામાંથી બહુરૂપીઓ અસ્તિત્વમાં આવ્યા અને બાવન વેશો કરવા લાગ્યા એમ માનવામાં આવે છે. વિવિધ વેશો લેવામાં નટખટ કાનુડો પણ મોખરે રહ્યો છે. એમણે છૂંદણાં છૂંદનારાનો વેશ લઈને રાધાને પણ ભોળવી હતી. સાંદીપનિ ૠષિને ત્યાં ભણવા ગયેલા શ્રી કૃષ્ણે ૧૪ વિધા અને ૬૪ કલાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ કલાઓમાં બહુરૂપીની કલાનો પણ સમાવેશ થતો હતો. આમ બહુરૂપીની કલા દેવોની દેણગી ગણાય છે. એના આધ સર્જક ભોળા શંભુ છે. એને વિકસાવનાર શ્રીકૃષ્ણ છે.
ગુજરાતમાં બહુરૂપીનો વ્યવસાય કરનાર કલાકારો મોટે ભાગે મુસલમાન, વાઘરી, ભાંડ, વગેરે જાતિમાંથી આવે છે. રાજસ્થાનના શ્રીગોડ બ્રાહ્મણોએ બહુરૂપીની કલાને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. બ્રહ્માણી માતા એમનાં કૂળદેવી છે. એમના કુટુંબમાંથી એક જણાએ ફરજિયાત બહુરૂપીનો વ્યવસાય કરવો પડે એવો એમના દેવસ્થાનનો આદેશ છે.
આપણે ત્યાં જેમ સંતો, મહંતો અને ગુરૂઓની ગાદીઓ હોય છે એવી જ બહુરૂપીઓની પણ ગુરૂગાદીઓ જોવા મળે છે. બગદાદ, મકનપુર, જયપુર, અજમેર અને કર્નાલમાં આવી ગાદીઓ આવેલી છે. અજમેરના મેળા વખતે તાલાધોલામાં ભારતભરના બહુરૂપીઓ ભેગા થાય છે. ત્યાં ગુરૂ સૌની પરીક્ષા લે છે. કોઈ ખોટો માણસ ધંધામાં દાખલ થઈને બહુરૂપીની કલાને બદનામ કરતો હોય તો એને કડક સજા કરવામાં આવે છે. અહીં નવાસવા બહુરૂપીઓને ગુરૂદીક્ષા અપાય છે. કર્નાલમાં મનવા ભાંડની ટેકરી બહુરૂપીઓનું તીર્થસ્થાન ગણાય છે. બહુરૂપીનો ધંધો શરૂ કરતાં પહેલા કર્નાલની ગાદીના અધિપતિ ગુરૂ કનીલાલના આશીર્વાદ લેવા જવું પડે છે.
બહુરૂપીની ગાદીના બાવન વેશો ગણાય છે. જૂના કાળે ઉત્સાદ બહુરૂપીઓ બાવન વેશો કરતા. એક વેશ એક અઠવાડિયું ચાલે એટલે બાવન વેશોમાં વરસ નીકળી જતું. આજે બાવન વેશોના જાણકાર કોઈ બહુરૂપી બચ્યા નથી. જે છે તેઓ અર્ધનારીનટેશ્વર, હનુમાનજી, મહાકાળી, વિષ્ણુ, સરસ્વતી, નારદ મુનિ જેવા દેવ-દેવીઓ અને પૌરાણિક કથાઓનાં પાત્રો, ખાખીબાવા, ફકીર, સદી જલાલી ફકીર, પંજાબી ફકીર, અરબી ફકીર, તપસ્વી બાબા, અલખિયા બાવા, ગુરૂચેલો, નાથદ્વારના મુખિયાજી જેવા સંતો, મહંતો અને ફકીર બાવાના રૂપો, કાંસકીવાળી, ભરવાડ, ભરવાડણ, બિકાનેરની માલણ, લુવારિયા, રંગરેજ, મદારી, જયપુરનો ગવૈયો, અત્તરવાળો, મારવાડી શેઠ, ભૈયાજી, ચણાવાળો, કાબૂલી પઠાણ જેવા ધંધાદારીઓનાં રૂપો, મેવાડના મહારાણા, દિલ્હીના બાદશાહ, ચંદ બારોટ અને મેવાડી રાજપૂત જેવાં ઐતિહાસિક પાત્રોનાં રૂપો તેમજ લયલા-મજનું, નેપાળની જોગણ, શિરી-ફરહાદ, દેવર-ભાભી, જંગલી ભીલ, ભીખારી, ગાંડો, ટપાલી, ફોજદાર, ટીટી અને તોલમાપ ખાતાના અધિકારી જેવા વેશો રજૂ કરીને મનોરંજન પીરસે છે. બહુરૂપીઓ વર્ષ દરમ્યાન શહેરો કે ગામડાંઓમાં ઘર ભાડે રાખીને મહિનો-માસ રહે છે અને રાતના સમયે જ વેશો કાઢે છે. આવા વેશો મોટે ભાગે ધાર્મિક પ્રકારના હોય છે. શહેરોમાં વાનર, હનુમાન, ફોજદાર, અને રેલ્વેના ટી.ટી. જેવા વેશો લઈને દિવસે જુદા જુદા વિસ્તારોમાં ફરીને મનોરંજન કરાવી અઠવાડિયા પછી ફાળો ઉઘરાવે છે.
બહુરૂપીની કલા વ્યક્તિગત કલા હોવાથી વેશ અનુસાર એક કે બે વ્યક્તિ કલા રજૂ કરે છે. બહુરૂપીની કલામાં વેશ સાથેનું તાદાત્મ્ય બહુ જરૂરી ગણાય છે. એમાં ‘મેકપ’ બહુ ઉપયોગી બને છે. મેકપ માટે તેઓ ભભૂતિ, લાલી, પાવડર, મેશ તથા સાધનોમાં ચોટલા, વીગ, દાઢી-મૂંછ, બનાવટી આંખ, નાક, માળા, બંગડી, પાઘડી, નકલી દાંત, ગુરૂ તથા ભાભીના બનાવટી પૂતળા રાખે છે. ગુરૂ-ચેલા કે ભાભી-દેવરના વેશમાં બનાવટી પૂતળું કેડયે બાંધે એટલે તમને લાગે કે ચેલો ગુરૂને ખભે બેસાડીને જાતરા કરવા જાય છે. બહુરૂપીનું ગળું સૂરિલું હોય છે. તેઓ વેશોને અનુરૂપ દૂહા, છંદ, ભજનો, શેર, શાયરીઓ અને ગીતો ગાય છે.
વેશની સાથે બોલાતી બોલી બહુરૂપીની કલાનિપૂણતાની પ્રતીતિ કરાવી જાય છે. તેઓ ભરવાડ – ભરવાડણનો વેશ લે ત્યારે બોલે છે ઃ
‘‘હે….એ ડાયરાને રામરામ. ઝાઝા કરીને વઢિયારી વેલા આપાના રામરામ. હાલો દૂધ લેવું હોય તો ! આપણે વઢિયારમાં રહેવું બાપા. નવસે ને નવ્વાણું ભેંહુ છે ને એક સાંદરો પાડો છે. દૂધનો વારો બંધાવવો હોય તો વાત કરજો મોટાભાઈ. પાડો રાતે જ વિહાણો છે. ને સૈડકે સવામણ દૂધ દ્યે છે.’’ પછી ભરવાડણ લહેકો કરતી બોલેઃ
‘‘એ હાલો દૂધ, દહીં ને માખણ. અધમણ, ગધમણ, પોણો મણ. પાનશેર, સાકરી સરા ગાયનું. ભાખરી ભેંહનું ને ફેટ વગરનું. ઘૈડા પીવે તો જુવાન થાય. જુવાન પીવે તો ઝટ ઘૈડા થાય. છોકરાં પીવે તો ભફ લઈને મોટા થાય. લાઈટના થાંભલા જેવાં મારી પાંહે મોટાભાઈ આવું દૂધ છે. ચા મૂકો તો ફાટી જાય. ઘોઘરે મૂકો તો લબડી જાય. પઈસાનું પાનશેર, રૂપિયાનું અધોળ.’’ પછી ભરવાડ હાથની લાકડી પછાડતો કહેવા લાગે ઃ
‘બોલો બાપા, તમારા વાડિયામાં ઘેટાં, બકરાં, સાંઢિયા, બેહાડવા છે કે નઈ ? કીની કોર્ય બેહાડવા છે ? આંબુવાડી, જાંબુવાડી, લીંબુવાડી ? હમણા માલ ઘણો ઉતર્યો છે ભાવનગરના બંદરે. બધાં વિલાયતી ઘેટાં છે. કાળા માથાના પૂંછડા વગરના ફૂટ ફૂટની ’
લેડિયું કરે લટપટ. એક રાતમાં હંધુય ખેતર ખતરાઈ જાય ઝટપટ. નો ખતરાય તો ભરવાડને ખાહડે મારવાનો ફટફટ ?
પછી વેપારીની પેઢીએ જઈને ભરવાડણ ગળે પડીને બોલે ઃ ‘‘તમારા ‘મે’તાજી એક દિ આવ્યા’ તા મોટાભાઈ ! નેહડામાં આવીને હાથે દોઈને અઢાર મણ દૂધ ને વીહમણ માવો લઈ છે. ઈના કાવડિયા બાકી નીકળે છે. ગગીના લગ્ન લીધા છે ને દેહમાં જાવું છે. બાપા હિસાબ આલી દો. આટલું બોલી ખડ ખડ ખડ હસવા માટે એટલે શેઠિયો સમજી જાય કે આ તો બહુરૂપી છે. ખુશ થઈને પાંચ દસ રૂપિયા દઈ દે.
બહુરૂપીનો વ્યવસાય કરનાર કલાકારે ગાદીના નિયમનું પાલન કરવું પડે. એમની ગાદીના નિયમ મુજબ એક ગામમાં શહેરમાં કે વિસ્તારમાં એક બહુરૂપી ફરતો હોય ત્યાં બીજાથી જવાય નહીં. એ એમની સ્વયંશિસ્ત. કોઈ જગ્યાએ બે બહુરૂપી ભેગા થઈ જાય તો નવો આવનાર સાચો છે કે ખોટો તેની પરીક્ષા કરવામાં આવે એને આ મુજબ પ્રશ્નો પુછાય.
(૧) તમે બહુરૂપી છો તો તમારી ગુરૂગાદી કંઈ ? (ર) તમારૂં ઘરાના ક્યું (૩) તમે કેટલા વેશ કરો છો ? (૪) તમે વેશ કરવા બેસો ત્યારે પહેલો પાવડર ક્યાં કરો છો ? (પ) દાઢી કરાવો ત્યારે વાળ કેટલા કપાવો છો ? (૬) વેશ પહેરીને તમે ક્યા રૂપે જાઓ છો અને ક્યા રૂપે પાછા આવો છો ?
સાચો બહુરૂપી તરત જ પોપટની જેમ બોલવા માંડે ઃ (૧) અમારી ગુરૂગાદી પાણીપત. (ર) ઘરાના ઃ કર્નાલ (૩) જે કરતા હોય તે વેશનું નામ આપે. (૪) પાણો લાવી, આધ ભગવાન શિવનટરાજ તરીકે સ્થાપી પ્રથમ પાવડર એમને ચડાવી પછી અંગે લગાડું છું. (પ) દાઢી કરાવું ત્યારે બે વાળ કપાવું છું. એક કાળો ને બીજો ધોળો. (૬) વેશ પહેરીને સિંહસ્વરૂપે (ઝંડપથી) જાઉં છું ને હાથીરૂપે ધીમી ગતિએ નમ્રતાપૂર્વક પાછો આવું છું.
જૂના જમાનામાં બહુરૂપીઓ એકાદ રજવાડું માંડ માગતા. કલાપ્રેમી રાજવીઓ એને મહિનો બે મહિના રોકીને એના વેશો જોતા. એમને બાર મહિનાની ખાધાખોરાકી અને ખોબા બોઢે રાણીછાપના રૂપિયા આપતા. ક્યારેક ખુશ થતાં તો કાયમી જીવાઈ બાંધી આપતા. તેઓ એક જગ્યાએથી બીજે જાય ત્યારે રાજના ગાડાં એમને મૂકવા માટે જતાં એવાં તો એમના માનપાન હતાં.
જાદૂગરોની દૂનિયામાં જેમ મહંમદ છેલ થઈ ગયો એમ બહુરૂપી ની દુનિયામાં મનવો ભાંડ થઈ ગયો. બહુરૂપીના ગુરૂ એવા મનવા ભાંડની અનેક દંતકથાઓ મળે છે. કહેવાય છે કે એકવાર મનવા ભાંડે જૈન ગોરજીનો વેશ લીધો. ઉપાશ્રયમાં જઈને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. એમાં ગામના શેઠિયાને ધર્મનો રંગ લાગી ગયો ને જગત મિથ્યા જણાયું. એણે મોક્ષની પ્રાપ્તિ અર્થે સાધુ બનીને દીક્ષા લેવાની વાત કરી. મનવો ભાંડ છતો થયો પણ એના ઉપદેશની અસર શેઠિયાને એવી તો થઈ કે એણે બીજા જૈન મુનિ પાસે જઈને સાચેસાચ દીક્ષા લઈ લીધી. આ વાતની મનવા ભાંડને ખબર પડી ત્યારે એના અંતરમાં વલોપાત જાગ્યો. એને થયું મારા વેશથી એક વાણીયો તરી ગયો ને હું સંસારમાં સબડયા કરૂં ? એનેય લગની લાગી ગઈ ને છેવટે ભગવો ભેખ લઈ લીધો.
બહુરૂપીની કળાનો એકવાર સુવર્ણકાળ હતો. એ સાવ આથમી જવા આવ્યો છે. ભાંગીને ભૂક્કો થયેલી ઈમારતના અવશેષ જેવા રડયાખડયા બહુરૂપીઓ સૂકો રોટલો ખાઈને બાપદાદા વારીની આ પરંપરાને જીવાડવા અને પોતે જીવવા મથામણ કરી રહ્યા છે. સરકાર, શ્રેષ્ઠિઓ, કલા સંસ્થાઓ અને કલાપ્રેમીઓ આના અંગે કંઈ ન કરી શકે ? અમદાવાદમાં ૪૦૦ ઉપરાંત શાળાઓ છે. સંસ્કૃતિપ્રેમી સંચાલકો પોતાની શાળામાં બહુરૂપીઓના કાર્યક્રમો કરે તો એમને નગરમાં રોટલો ને ઓટલો મળે. શિક્ષણખાતું કે કોર્પોરેશન શાળાઓ માટે આવી ભલામણ ન કરે ?
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ