જૂના જમાનામાં કાઠિયાવાડમાં ધરમની માનેલી બહેનનું કાપડું કેવી રીતે કરાતું !

લોકભાષાની લીલુડી વાડીમાં કહેવતોરૂપી રંગબેરંગી ફૂલડા ખીલેલા જોઈ શકાય છે. એમાંની લોકહૈયે ને હોઠે રમતી તો કહેવત ‘ધરમની ગાયના દાંત ન જોવાય‘ ‘ફલાણા ભાઈ તો ધરમનો થાંભલો છે !’ અર્થાત્ અત્યંત ધાર્મિક વૃત્તિના છે. ધરમથી કહેવું- ધરમ માથે રાખીને સત્ય હોય તે કહેવું. ધરમનો એક અર્થ પ્રમાણિકપણું છે, પણ આજે મારે વાત કરવી છે સૌરાષ્ટ્રના લુપ્ત થઈ ગયેલા લોક-સંસ્કારમાં ધરમનાં ભાઈ-બહેનની. આ ભાઈ-બહેનના સંબંધો આજના કહેવાતા સુધરેલા સમાજના ખોખલા અને સ્વાર્થસભર ન હતા. એકવાર ભાઈ કે બહેને જીભ કચરી વચન આપ્યું એટલે જીવનના જોખમે જીવતરભર નિષ્ઠાપૂર્વકના સંબંધો નિભાવવાના.

સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયો જ્યારે શિકારના કામે, રાજકાજના કામે કે બીજા હેતુસર પ્રવાસે નીકળતા કે બહારવટે ચડતા ત્યારે એમના જીવનમાં કેટલાક એવા પ્રસંગ આવતા કે તેણે પોતાના ખાનપાનની સગવડ માટે અથવા રાજકીય હેતુ સાધવા માટે પ્રવાસ દરમ્યાન કોઈ ગામડા ગામની એકાદ વિચક્ષણ બાઈની મદદ લેવી પડતી. એ વખતે ક્ષત્રિય વીર જે બાઈને પોતાનું કામ કરી આપવાનું સોંપવા ઇચ્છતો તે બાઈ સાથે બહેન તરીકેનો સંબંધ બાંધતો. આવી બહેન એના માટે ધરમની બહેન ગણાતી અને વીર પુરુષ એ બહેનનો ધરમનો ભાઈ બની રહેતો. મોગલ સમયમાં ઘણી રાજપૂતાણીઓ બાદશાહી હલ્લામાંથી બચી જઈ પોતાનું શિયળ સાચવવા બહાદુર રાજકુમારોને સંદેશા મોકલતી કે આજથી હું તમારી ધરમની બહેન છું એમ સમજશો. કેટલાક રાજવીઓ જૂના કાળે પોતાનું રાજકિય કામ કરાવવા માટે રાજ્યના મુત્સદ્દી સરદારોની કુટુંબની સ્ત્રીઓને ધરમની બહેન બનાવતા હતા. આવી ધરમની બહેનોએ ભારતના ઇતિહાસમાં ઘણીવાર મહાન કાર્યોમાં પોતાોન સાથ આપ્યો હતો. આવી પરંપરા રાજસ્થાનમાં પણ હતી. એની રસપ્રદ વિગતો ‘ઓખામંડળના વાધેર’માં શ્રી કલ્યાણરાય નથુભાઈ જોશીએ નોંધી છે.

કાઠિયાવાડના ગામેગામને પાદરે શૂરવીર લડવૈયાના પાળિયા જોવા મળે છે. આ વીરોએ ગામની સ્ત્રીઓની લૂંટાતી લાજને બચાવવા, ગામની લૂંટાતા ગાયોના ધણને બચાવવા પોતાના લીલુડા માથા કુરબાન કર્યા છે. ઝવેરચંદ મેઘાણીએ કુરબાનીની કથાઓ આલેખીને મસાણમાંથી મડાંને બેઠા કર્યા છે. આવા પાળિયાની સાથોસાથ સૌરાષ્ટ્રના મલક માથે સાંભળવા મળતી લોકકથાઓમાં ધરમની બહેનોની કિંવદંતી જેવી રસમય અને સાહસિક જીવનની વાતો ખૂબ જ પ્રચલિત છે. કોઈ જગ્યાએ આવી ધરમી બહેનો હરિજનવાસમાં મેઘવાળના ઘરમાં, કોઈવાર ઢોરઢાંખર અને ખેતીવાડી સાચવતી આયરાણીના રૂપમાં, ક્યાંક રબારણો, ક્યાંક રાજપૂતાણીઓ, ક્યાંક મહંતના અખાડાની સેવિકાઓ તો ક્યાંક મહેતા મુત્સદ્દીના ઘરની ડોશીઓ ધરમની બહેન બની રહેતા હતાં.

આવી ધરમની બહેનની સંસ્થાની ખરી માહિતી ફાર્બસ સાહેબને ઉત્તર ગુજરાતમાં અને કાઠિયાવાડમાં લોકજીવનનો અભ્યાસ કરતા કરતા મળી હતી. તેમણે દલપતરામ કવિએ એટલું કહ્યું કે, ‘આટલી સુંદર સંસ્થાના અસ્તિત્વના ખબર અમને વહેલા મળ્યા હોત તો ગુજરાત- કાઠિયાવાડના ઘણા વીરપુરુષોને અંગ્રેજ સત્તાએ અન્યાય કર્યો છે તે થવા ન પામત.’ એક અંગ્રેજ લેખકે લખ્યું છે કે, ‘ધ ડેઝ ઓફ શિવલરી આર ગોન.’ ધરમની બહેનોનો જમનો આજે સાવ જ ગયો છે. આધુનિક સમાજ રચનામાં, ધરમની બહેનની સંસ્થાનું સ્થાન જ નથી એમ શ્રી કલ્યાણરાય જોશી નોંધે છે.

સ્વાતંત્ર્ય માટે લડતો આપનાર ઓખા મંડળના શૂરવીર વાઘેર સરદારોનું જીવન તો સાહસોથી ભરપૂર રહેતું એ સરદારો આરામપ્રિય નહોતા, તેમની ખાણીપીણી વિલાસભરેલી નહોતી. વાઘેર સરદારની બધી મિલકત પોતાન ઘોડી, તલવાર, બંદૂક, જમૈયો અને ભેટમાં બાંધેલું રોકડ નાણં કે સોનાના બાબમાં સમાઈ જતી હતી. સવારે ઘોડી માથે સવાર થઈ દેવો માણેક બહાર નીકળતો ત્યારે તેને પોતાના કે તેના ઘરના માણસોને ખબર નહોતી કે આજે બપોરે રોંઢો ક્યાં કરશે ? (રોટલા ક્યાં ખાશે ?) અને રાતે તે કયા ગામમાં આરામ કરશે ? આવી પરિસ્થિતિમાં જે ક્ષત્રિયો જીવન ગાળે તે પોતાના પ્રવાસમાં સમયસૂચકતા વાપરી પોતાના ભાણાની તજવીજ કોઈ ખેતરમાં કામ કરનારી બાઈ મારફતે, ખેતરે ખેડૂત માટે ભાત લઈ જતી ભાતવારી મારફત કે રબારીના વાંઢમાં, કૂબામાં એકલદોકલ રહેતી બાઇ મારફત કે સરકાર તરફથી જંગલમાં બાંધવામાં આવેલા ચોકિયાતની ઘરવાળી મારફત મેળવી લેતા. એ બાઈને પહેલાં તો પોતાની ભેટમાં સાચવેલું નાણું કે સોનાનું ઘરેણું આપી તેને ધરમની બહેન બનાવવાનું કામ કરતા.

વાધેરોની ધાક બરડા (પંથક)માં, બારીડમાં અને સમગ્ર કાઠિયાવાડમાં એવી તો બેસી ગઈ હતી કે વાઘેર સરદારની ઇચ્છા સામે કોઈ પણ થઈ શકતું નહીં. પછી તો બાઇઓ વાઘેર સરદારની રોટલાની માંગણી તો કેમ નકારી શકે ? ચોકીવાળા સિપાઈની ધણિયાણીને જેવું ઘરેણું મળતું કે તરત જ તે બહેન સ્થપાઈ જતી. ચોકિયાત તેની સામે ચૂં કે ચા બોલી શકતો નહીં. ઘણા કારભારી મહેતાના ધરમાં વાઘેર ભાઈઓને ધરમની બહેન મળી રહેતી. વાઘેરો જ્યારે બહારવટે નીકળતા ત્યારે ધરમની બેહન મારફત પોતાના કપરા સંજોગોમાં પણ તે ગુપ્ત રહી શકતા અને પોતાના રોટલા મેળવી શકતા.

કાઠિયાવાડની ધરમની બહેનોની વફાદારી અને અક્કલમંદી પણ વખાણવા લાયક છે. વાઘેરભાઈઓની બાતમી પોતાના ધણી કે દીકરાને પણ આપતી નહીં. એટલું જ નહિ પોતાના ધણી કે દીકરા જો વાઘેરોને પકડવાના કામમાં સરકાર તરફથી રોકાયેલા હોય તો ધરમની બહેનો પોતાના ધણી કે દીકરાની હિલચાલની બાતમી વાઘેર ભાઈઓને આપતી. અનેકવાર એવા પણ કિસ્સા બન્યા છે કે જ્યારે ધરમની બહેનના ધણી કે દીકરા કૂબાના, ઘરના એક ભાગમાં હોકાપાણીની મિજલસ કરતા હોય ત્યારે ધરમની બહેનોએ વાધેર ભાઈઓને એ જ ઘર કે કુબામાં સલામતીભર્યો આશરો આપ્યો હોય.

અંગ્રેજ સેનાપતિઓના ઘોડા કાઠિયાવાડમાં ગુપ્ત બાતમી મેળવવા નદીનાળા ખુંદતા હોય પણ તેમને છૂપાયેલા વાધેર સરદારની બાતમી મળતી નહીં કારણ કે નદી નાળામાં કોઈ પુરુષ મારફત વાઘેર સરદાર પોતાનું કામ કરાવતા નહીં. તેમના કામ તો ધરમની બહેનો કરતી હતી. એથી અંગ્રેજ જાસૂસને બહેન- બાઈ ઉપર તો કોઈ વહેમ ઉભો થતો જ નહીં. બાઈ માથા પર સૂંડલા કે તગારામાં ભાત લઈને નીકળે તો અંગ્રેજ સિપાઈ એને જોઈને સમજતો કે બાઈ પોતાના ખેતર પર ખેડૂત માટે રોટલા લઈ જાય છે. તે બાઈ છૂપાયેલા વાઘેર સરદારના રોટલા લઈ જાય છે તેવી શંકા તેમને કદી આવતી નહીં.

આવી ધરમની બહેન જ્યારે પોતાના ભાઈને મળે કે ભાઈ બહેનને મળે ત્યારે તે પોતાનું મસ્તક બહેન આગળ ઝૂકાવે અને બહેન ભાઈના દુઃખણા- ઓવરણા લે એ શિષ્ટાચાર અચૂક જળવાતો. શ્રી કલ્યાણરાય જોશી પોતાનો સ્વાનુભાવ વર્ણવતા લખે છે કે રાજપૂતો, રાજવીઓ અને તાલુકદારો એવા જોયા છે કે જેમણે સારા ઘરની આધેડ વયની બાઈઓને પોતાની ધરમની બહેન બનાવી હતી. ભાઈ જ્યારે ધરમની બહેનના ઘેર આવે ત્યારે તેને આવકારવામાં આવે, અને ઘરના નાના મોટા ખસી જઈ ભાઈ બહેનને ગોઠડી કરવાની અનુકૂળતા કરી આપતા એમાં ન તો રાજપૂતોની તોછડાઈ ગણાતી કે ન સારા ઘરના બાઈ માણસની નાનમ ગણાતી.

અંગ્રેજો સામે બહારવટુ ખેડનાર ઓખા મંડળના સ્વાતંત્ર્ય વીર મૂળુ માણેકે બારાડી, બરડો અને જૂનાગઢના ગીર પંથકમાં ધરમની બહેનો સ્થાપી હતી. આવી બહેનોને ભાઈ તરીકે વીરપસલીનું કાપડું (કમખો- ચોળી) જ્યારે જ્યારે મોકો આવે ત્યારે મૂળુ માણેક પહોંચાડતો. આમ ભાઈ- બહેનનો નિર્મળ નાતો દિન પ્રતિ દિન વધતો જતો હતો.

બહેનને જ્યારે ભાઈ મૂળુ માણેક તરફથી કાપડું પહોંચતુ ત્યારે તેનો હરખ માતો નહીં. તે પોરસાઈને પોતાને ભાગ્યશાળી માનતી. ઘરમની બહેનને કાપડું મોકલાતું તે માત્ર સવા ગજની જામનગરી કિનારવાળો કટકો જ ન હોય એનું નામ જ માત્ર ધરમની બહેનનું કાપડું કહેવાતું. કાપડાને નામે બહેનને ત્યાં સોના-ચાંદીના બાબની કોથળીઓ પહોંચતી. ઊનના લોઠકા ધાબળા પહોંચતા. કોઈકોઈ વાર તો ખજૂરના વાડિયામાં છૂપાવેલી કોરીઓ (કચ્છી નાણું)ના ઢગલા પહોંચતા. તે ઉપરાંત જોધા માણેકની કોઈ કાળે ધરમની બહેનની આકસ્મિક મુલાકાત થતી ત્યારે વિદાય લેતા ભાઈ પોતાની ભેટમાં જે કાંઈ વાંસળી (રૂપિયા ભરવાની કેડયે બાંધવાની પટ્ટા જેવી કોથળી)માં કે ભેટ બંધાણામાં જે હોય તે બધું બહેનના ખોળામાં ખાલી કરી દેતા. ધરમની બહેન ભાઈને પાદર લગી વળાવવા જતી. તે ગામ ન જાણે તે માટે આવી વિદાય રાતવરતના ટાણે ગોઠવાતી.

વાઘેરોમાં આવી ધરમની બહેનોમાં એક બારાડી પંથકના ભાતેલ ગામની પાસેના ગામડામાં રહેતી તે રાજપૂત ઠાકોરના ઠકરાણી હતાં. ઓખાના વાધેર સરદારો- દેવો માણેક, મૂળુ માણેક અને વીરો માણેક જ્યારે ભાતેલ ગામની અડખેપડખે છાના આવ્યા હોય ત્યારે આ રાજપૂત બહેનને કોઈ ને કોઈ રીતે ખબર થતા એટલે તે બાઈ રોટલાના થડા અને છાસ દહીનાં દોણાં સીમની રબારણો સાથે વાઘેર ભાઈના છૂપાવાસમાં પહોંચતા કરતી હતી.

ઓખાની સરહદ પર નંદાણું નામનું ગામ છે. વાધેરોએ ત્યાંની રાજગોર બ્રાહ્મણીને બહેન સ્થાપી હતી ઓખામાં જ્યારે વાઘેર ભાઈ તંગીમાં આવતા ત્યારે આ બાઈ પોતાના માવતરને ત્યાં ઓખામાં સંપેતરુ મોકલાવે છે તેમ કહી તેના માવતરના ભાવડા ગામે કુંભારને માટલે અને ઘડાના છાલકાથી લદાયેલા ગધેડા સાથે મોકલી આપતી એ છાલકું ખૂબ જ વજનદાર રહેતું કારણ કે માટલાં અને ઘડા અનાજ અને ગોળથી ભરાયેલા રહેતા. કુંભાર એમ માનતો કે ગોરાણીના માવતરે સંપેતરુ જાય છે. ભાવડાના રાજગર બ્રાહ્મણ એ માલ પોતાને ત્યાં રાખી વાઘેર સરદારોને ભીડ વખતે આપ્યા કરતો. નંદામાની આ બ્રાહ્મણી બહેનને ત્યાં ઘણીવાર રબારી અને આરબ આવતા અને ભાઈઓના ખબરઅંતર આપી જતા અને દરદાગીનાના ડાબલા એ બાઈને સોંપી જતા. આનું નામ ધરમની બાઈનું કાપડું.

આવી રીતે ધરમની બહેનના કાપડાના પ્રભાવથી વાઘેરોને આફતના વખતમાં અણધારી મદદ મળી રહેતી. આભપરના ધીંગાણામાં પંદરસોથી બે હજાર માણસોના કાફલાને વાઘેર સરદારો રોટલા પાણી કઈ હિકમતથી પૂરી પાડી શક્યા હશે તેનો વિચાર અંગ્રેજ સેનાપતિને વારંવાર આવતો હતો એ પછી એને બહુ મોડી મોડી ખબર પડી કે વાઘેર સરદારોની ધરમની બહેનોના થાણાં ઠેર ઠેર સ્થપાયેલા હતા, તેથી એ બહેનોને વાઘેર સરદારોએ કાપડાં મોકલી ભાઈ બહેનનો નાતો ટકાવી રાખ્યો હતો. મોંઘામૂલના કાપડાંના જોરથી આભપરાની ટેકરી ઉપર અનાજ- પાણી લાદેલા ઊંટના ઊંટ રાતોરાત ગોંડલથી ઢાંકથી અને ઉપલેટાથી આવ્યે જતા હતા. આભપરાના તાસીરામાં દેવાભાની આગલી ઘોડી દરબારી જોગાણ વગર રહેવા પામી નહોતી એ પ્રતાપ હતો ધરમની બહેનોનાં કાપડાંનો.

બહારવટે નીકળેલા વાઘેરોનો ક્યારેક રાજના મહેતા કામદારનો ભેટો થઈ જતો. ત્યારે તેઓ જરાય ઓઝપાતા નહીં. તે પોતાના ઘોડા પર બેઠા બેઠા રામરામ કરતા ને ભેટમાંથી સૂડી, સોપારી ને અફીણની દાબડી કાઢી મહેતાને આપતા. મહેતા કસૂંબાની કાંકરી લેતા ય ખરા એપછી વાઘેર પોતાની ભેટમાંથી સોનાની વીંટી, સોનાના વેઢલાની જોડ કે કાનમાં પહેરવાના સોનાના ઠોળિયાની જોડ કામદારના હાથમાં મૂકીને કહેતા ઃ ‘આ ભેટ અમારાં બહેનને કાપડાં તરીકે આપજો. અમને તમારાપર જરાય વેર કે ખાર નથી. તમે તો રાજની ચિઠ્ઠીના ચાકર છો’ એમ બોલી ઘોડા તગેડી મૂકતા.

શ્રી કલ્યાણરાય જોશી નોધે છે કે કારભારી વાઘેરની ખાનદાની ઉપર વિચાર કરતો કારભારી ઘડીભર ઘોડા માથે થંભી જતો અને વિચારતો કે આનું નામ રાજબીજ. કેટલી બધી ખામોશી ! મને તો તલવારના એક ઘાથી હમણાં પૂરો કરી નાખવા ધાર્યું હોત તો વાતમાં કંઈ વાર નહોતી પણ એણે અફીણની કણી લેવા ડાબલી મારા હાથમાં ધરી. પોતે અનાજ પાણી ને રોટલા વગર સાંસા ભોગવી રહ્યા છે તેવા વખતે પણ ભેટમાંથી સોનાના બાબની ભેટ આપવાની ઉદારતા દાખવે છે. આવા માણસોને દેશવટો ન દેવાય. એમને તો દરબારની ડેલી પરના ઢોલિયાની ગાદી હોય. આવો વિચાર મહેતાને કેમ આવ્યો ? બહેનના કાપડાંની ભેટ પરથી આ વિચાર ન સૂઝે તો બીજો કયો વિચાર સૂઝે ? આવું છે ભાઈ કાઠિયાવાડની બહેનોનું કાપડું.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!