રાજવી બહાદુરસિંહજી

‘અહીં ક્યાંય હોટલ ખરી?’

‘શાની?’

‘શાની શું ભલા’દમી! આ બગાસાં ખાઇએ છીએ એ નથી જોતા?’

‘ખાધા કરો…’

‘પણ શું લેવા? ચાની હોટલ નથી તમારા પાલિતાણામાં?’

‘ના નથી…’

‘તો લારી?’

‘ચા-ની?

’‘હા…ભાઇ, ચા…’

‘તો એય નથી…’કોઇ રડ્યો-ખડ્યો મુસાફર, કોઇ અજાણ્યો પ્રવાસી કે કોઇ પરદેશી-પાલિતાણાની બજારમાં જઇને ઊભો રહે. મઝાની સવાર હોય, સવારની જેવું જ રોનકદાર શહેર જોઇને એને ચાની તલબ જાગે અને પછી પાલિતાણાવાસીને પૂછે એટલે કોઇપણ નાગરિક એને બે ત્રણ…‘ના’ સંભળાવી દે… અને વધારે પૂછે એટલે શહેરવાસી કડકડ કરતી એની ડોક ઊંચી કરે. પેલા પ્રવાસીને પગથી માથા સુધી નિહાળે. પછી મૂછમાં હસે, ‘અમારા પાલિતાણામાં પહેલવહેલા આવ્યા છો કે ક્યારેય આવેલા?’

‘પહેલ વહેલા સ્તો!’

‘તો સાંભળી લો, મહેરબાન! અમારા પાલિતાણા રાજ્યમાં અને આ શહેરમાં, ચા એક દુર્વ્યસન ગણાય છે.’

‘દુર્વ્યસન તો ચા ગણાય કે દારૂ?’

‘અહીં જાહેરમાં કોઇ ચા વેચે, પૈસા લઇને કોઇને ચા પાય તો દુવ્ર્યવહાર ગણાય છે. એ માટે અમારા રાજવી બહાદુરસિંહજી છ માસની સજા ફટકારે છે. તો પછી દારૂ માટે કેટલાં વરસ હશે?’‘ઠીક, તો પછી તમારા પાલિતાણામાં મળે શું?’

‘ચોખ્ખા દૂધની હોલસેલ દુકાનો છે. પીવું હોય તો દડબા જેવું દહીં મળશે, લચ્છી મળશે, ખાવું હોય તો માખણ મળશે અને…’

‘બોલો બોલો અને….અને બીજું શું મળશે?’

‘તમને શોખ હોય, દેવદર્શને જવાની શ્રદ્ધા હોય તો ગુલાબ મળશે. ભાત ભાતનાં, રંગ રંગનાં. અમારું પાલિતાણા ગુલાબની પાંખડીઓ પર બેસીને દેશપરદેશમાં મહેકે છે હોં…’

‘પણ ચા?’

‘વળી પાછા ચા બોલ્યા! જુઓ ભાઇસાહેબ! હવે તમે બીજે ક્યાંક જાવ’ આમ બોલીને નગરજન હડકવડક ચારે બાજુ જોવા માંડે ત્યારે મુસાફરને કુતૂહલ થાય કે કાં ભાઇ, આમ લગલગી કાં ગયા?

‘ન લગલગે! બાપુનો ઘોડો હમણાં જ આ રોડ ઉપર નીકળશે…’

‘પણ ભાઇ નગરવાસી! હજી તો સવાર ઊઘડતી આવે છે. બાપુ તો બધા સૂર્યવંશી…સૂર્ય તપે અને તાપથી જગાડે ત્યારે જાગે…’

‘ઇ વાતુ મેરબાન! અમારા રાજાને ન લાગુ પડે…! અમારા બાપુ તો વહેલી સવારે પાંચ વાગે જાગે…ઘોડા પર બેસીને આખા શહેરમાં આંટા મારે…સાથે કોઇ નૈં…’

‘કાં? સાથે કોઇ હજુરિયો, અંગરક્ષક…સિપાઇ…કોઇ નૈં?’

‘ના…કોઇ નૈં…હજુર એકલા જ…’

‘કારણ?’

‘પ્રજાજનને ફરિયાદ કરવી હોય, બાપુ સાથે કોઇ હોય તો દિલ ખોલાય નૈં. ખાનગી વાત થાય નૈં…’

‘તો તમારા પાલિતાણાવાસીઓ દિલ ખોલે! રાજા પાસે!’

‘ખોલે જ ને? તે દી’ને તે દી’ એની ફરિયાદનો નિકાલ થાય…હા સ્તો…

આ વાતને કાંઇ બહુ વખત નથી થયો. ઇ.સ.૧૯૪૦ની આસપાસની જ આ બધી વાતો છે…સો ગામની ઠકરાત ધરાવતું પાલિતાણા સાવ નાનકડું રાજ્ય… ઠાકોર બહાદુરસિંહજી જાગ્રત અને પ્રજાપ્રિય રાજવી. શિસ્તબદ્ધ વહીવટકર્તા…’ પાલિતાણા શહેરની રોનક તે દી’ કંઇ ઓર હતી. સુંદર શહેર એટલે પાલિતાણા… શહેરના રસ્તા પર દાંત ખોતરવા એકાદ સળી પણ ન જડે…! વૈજ્ઞાનિક ઢબનાં એનાં બાંધકામ. પહોળી, સુઘડ, આભલા જેવી સ્વચ્છ એની બજારો, સરખી બાંધણીનાં મકાનો, પાણી અને વીજળીની સેવા ચોવીસ કલાક એકધારી. ઘાલમેલ અને ધાંધિયા જેવા શબ્દો પાલિતાણા રાજ્યથી સો ગાઉ છેટા….!

આદર્શનગર…ગોંડલ પછી પાલિતાણાનો તરત નંબર આવે…રૂપાના ચકચકતા ઘૂઘરા જેવું પાલિતાણા તે દી’ ગુલાબોની નગરી…! ચારે બાજુ ગુલાબોની મઘમઘતી વાડીઓ. ઘી-દૂધની તો નદીઓ વહે… જૈન ધર્મનો ર્તીર્થરાજ શત્રુંજય ડુંગર જે શહેર પાસે હોય, જ્યાં દેશ અને વિદેશથી હજારો યાત્રીઓ રોજ તીરથે આવતા હોય , ભગવાન મહાવીર સ્વામીનાં જ્યાં બેસણાં હોય, ત્યાં ચાની લારીઓ, ઓઘરાળાં, એઠાં કપ-રકાબીઓ અને માખીઓનો બણબણાટ કઇ રીતે પોસાય? ચા હોય એટલે બીડીઓ હોય અને ચા-બીડીની પાછળ એદીપણાં, એઠવાડો, અલકમલકની ખોદણી, ખીખી અને અળવીતરાઇ આવે. કેમ પોસાય?

જિનાલયોના ઘંટારવે ગાજતા ગુંબજોનું સંસ્કારી આ નગર…! કોઇ પરદેશી, કોઇ અજાણ્યો અતિથિ પાલિતાણાની આવી કોઇ ઊણપ પોતાની સાથે લઇ જાય અને દેશ-પરદેશમાં એનો ધજાગરો બાંધે એ રાજવી બહાદુરસિંહને પરવડે કાંઇ? સોનાનું ઇંડું મૂકતી મરઘી જેવું આ યાત્રાનગર, ધંધોરોજગાર અને વેપારને, લાખો સિક્કાઓ કમાવી આપીને ખણખણતું રાખે…રાજની તિજોરી રોજ અંકુરાયા કરે…દુર્વ્યસન અને દુવ્ર્યવહાર ન જ ચાલે…!આ કારોબાર તંતોતંત ચાલે એ માટે ઠાકોરસાહેબ પળેપળ જાગ્રત… રોજ મળસકે ઘોડા પર સામાન માંડીને પોતે એકલા જ નીકળી પડે. પાલિતાણાની બજારોમાં…શહેરવાસી કે પછી ગ્રામવાસી, કોઇ પણ માણસ હાથ ઊંચો કરે, એટલે ઠાકોરસાહેબનો ઘોડો થંભી જાય..

હાથ એના કોટના ગજવામાં જાય. ડાયરી નીકળે તારીખ નાખીને ફરિયાદ નોંધે અને એ જ દિવસે ઊઘડતી કચેરીએ એની ફરિયાદનો નિવેડો આવી જાય… બીજા વિશ્વયુદ્ધ પછીનો ૧૯૪૫નો એ સમય. દેશમાં ખાંડ, કેરોસીન અને તેલની કારમી અછત…! આમ તો આખા શહેરમાં ક્યાંય ચા નહીં પણ પોસ્ટ ઓફિસને ‘ટી ક્લબ’ માટે ખાંડનું કાર્ડ ખરું- પોસ્ટ ઓફિસના કોઇ લાલચૂડા કર્મચારીએ રેશનિંગની સસ્તી આવેલી ખાંડ કાળાબજારમાં વેચી. વાત તરત રાજના દીવાન લલ્લુભાઇ પાસે પહોંચી. લલ્લુભાઇએ પોસ્ટ ઓફિસનું કાર્ડ તરત ‘નોટ પેઇડ’ કરી નાખ્યું…!

પોસ્ટ ઓફિસના કર્મચારીઓને બગાસાં ખાવાનો વારો આવ્યો…ન કરવાનો ધંધો કરેલો- બાપુ પાસે શું મોઢું લઇને જાવું?ઘણા દિવસ આમ ચાલ્યું પણ એક દિવસ નવો એક ઓફિસર બદલી પામીને આવ્યો. વાત સાંભળી અને વળતા દિવસે એ બજારમાં ઊભો રહ્યો. વહેલી સવારે બહાદુરસિંહજી ઘોડા પર નીકળ્યા. હાથ ઊંચો કર્યો. ઘોડો થોભ્યો. રાજવી બોલ્યા,

‘બોલો…’

‘આપના શહેરની પોસ્ટ ઓફિસમાં મારી બદલી થઇ છે.’

‘એમ? સારું …શું નામ?’

‘મારું નામ લાલભાઇ ત્રિવેદી.’

‘હા તો બોલો, લાલભાઇ…’

‘અમારી પોસ્ટ ઓફિસનું ખાંડનું કાર્ડ રદ થયું છે…’

‘કેવી રીતે? કોણે કર્યું?’

‘દીવાન સાહેબે….અને બાપુ…’

‘ખાંડ વેચી નાખી’તી…એ જાણ્યું ને તમે, લાલભાઇ? અમારા દીવાને કર્યું એ બરાબર છે!’

‘હા, બાપુ! એ તો બરાબર પણ હવે…’

‘તમે ખાતરી આપો છો? તો આજ કચેરીના ટાઇમે આવીને નવું કાર્ડ લઇ જાજયો મારી પાસેથી…’ અને આ એલ.યુ.ત્રિવેદી કચેરીના ટાઇમે જઇ રહ્યા હતા અને બહાદુરસિંહજીની કાર પણ એ જ ટાઇમે ઓફિસે આવી રહી હતી. લાલભાઇએ જોયું. કાર એકાએક ઊભી રહી. વળતી પળે કારનો દરવાજો ખૂલ્યો.

બહાદુરસિંહજી ખુદ બહાર નીકળ્યા. હાથમાં જલતી સિગારેટ એમણે બુઝાવી. પછી ફૂંકિયું ખૂણામાં નાખ્યું… ગાડીનો દરવાજો બંધ કર્યો. ગાડી ચાલુ કરી ઓફિસમાં પહોંચી ગયા… કેન્દ્ર સરકારનો આ કર્મચારી (લાલભાઇ) રાજવીની આ ડિસિપ્લિન માટે વિસ્મય પામે છે…એના મોંમાંથી પ્રશંસાના ધન્યવાદના શબ્દો સરે છે, ‘વાહ રાજવી! પોતે સિગારેટ પીવે છે એની ઓફિસના કર્મચારીને જાણ ન થવી જોઇએ. એટલું જ નહીં પણ સિગારેટનો ધુમાડો સુધ્ધાં કચેરીમાં ન જવો જોઇએ!’ આવી કાળજી લેનાર પાલિતાણાના ઠાકોર બહાદુરસિંહજી ચાને દુર્વ્યસન કહી શકે અને એના પાલિતાણામાં ગુલાબ કેમ ન ખીલે?

(નોંધ: રૂબરૂ વાત કરનાર એલ.યુ.ત્રિવેદી પોસ્ટ ખાતાના ઊંચા હોદ્દા પરથી નિવૃત્ત થઇને હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે અને પાલિતાણાના એ વખતના રાજવહીવટનાં વખાણ કરતાં થાકતા નથી…)

તોરણ – નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!