કેરળનું સુપ્રસિદ્ધ મંદિર સબરીમાલા શ્રી અયપ્પા સ્વામી મંદિર

કેરળ એટલે દક્ષિણ ભારતનું સ્વર્ગ. કેરળમાં ભાગ્યેજ એવી કોક જગ્યા હશે જે જોવાં જેવી ના હોય. નદી, ઝરણાઓ, અરબી સમુદ્ર, બેકવોટર, પશ્ચિમ ઘાટ, કિલ્લાઓ , મહેલો,બીચો, ચર્ચો અને મંદિરો અને એટલાં જ માટે કેરળને “દેવોની પોતાની ભૂમિ ” (Gods Own Country) કહેવાય છે. કેરળ એની નૈસર્ગિકતા માટે જગપ્રસિદ્ધ છે. કુદરત તો એની જ એમ છાતી ઠોકીને અવશ્ય કહી શકાય. કુદરતે એણે વરદાન આપવામાં કશી જ પાછી પાની નથી કરી એમ ચોક્કસપણે કહી જ શકાય.

કેરળ એનાં મંદિરો માટે પણ જગવિખ્યાત છે. અતિ પ્રસિદ્ધ અને અતિ સમૃદ્ધ એવું પદ્મનાભ સ્વામી મંદિર, ગુરુવાયુરનું મુરુગન મંદિર, અનંથપુર સરોવર મંદિર એવાં ઘણાં ઘણાં જાણીતાં મંદિરો છે. એમાં એક મંદિર તો એટલું પ્રાચીન અને પ્રસિદ્ધ છે કે એનો ઉલ્લેખ તો અવશ્ય જ કરવો પડે એમ છે અને તે છે ——-સબરીમાલા શ્રી અયપ્પા મંદિર..

હજી બે જ વર્ષ થયાં છે એને ભયંકર પુરમાંથી બહાર આવતાં કેરળને. તેમાં ૨૦૧૮માં આ મંદિરમાં મહિલાઓની પ્રવેશબંધી પર રોક લગાવવાને કારણે એ સમાચારોમાં ચમક્યું હતું પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આ મંદિરમાં મહિલાઓને પ્રવેશવાની અને દર્શન કરવાની છૂટ અપાઈ. તેને કારણે જ આ મંદિર સમાચારપત્રો અને ન્યુઝ ચેનલોમાં લોકોનાં માનસપટલ પર છવાયેલું રહ્યું હતું. આ મંદિર તો જાણીતું જ હતું એ વખતે પણ લોકોની કુતુહલતામાં વધારો થયો એ સમાચારની સુર્ખીઓને કારણે !!!

કેરળમાં અયપ્પન ભગવાન બહુજ જાણીતાં છે. કમ્બન રામાયણ, મહાભાગવતનાં અષ્ટમ સ્કંધ અને સ્કંદ પુરાણનાં અસુરકાંડમાં જે શિશુ શાસ્તાનો ઉલ્લેખ છે. અયપ્પન એનો જ અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે શાસ્તાનો જન્મ મોહિની વેશધારી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજીના સમાગમથી થયો હતો. તેમને અયપ્પા, સાસતવુ, હરિહરપુત્ર, મણિકાન્તા, શાસ્તા અને ધર્મ શાસ્તા પણ કહેવાય છે. તેઓ દેખાવે ખુબ જ સ્વરુપમાન છે !!!

Sabarimala4

એ જ અયપ્પનનું મશહૂર મંદિર પૂણકવન નામથી વિખ્યાત ૧૮ પહાડોની વચ્ચે સ્થિત આ ધામમાં છે. જેને સબરીમલા શ્રી ધર્મષ્ઠ મંદિર પણ કહેવામાં આવે છે !!! સબરીમાલા કેરળનાં પેરિયાર ટાઈગર અભયારણ્યમાં સ્થિત એક પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. આ જગ્યાનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પણ દર્જ થયેલું છે. અહીં વિશ્વની સૌથી મોટી વાર્ષિક તીર્થયાત્રા થાય છે જેમાં પ્રતિવર્ષ લગભગ ૨ કરોડ લોકો શ્રદ્ધાળુઓ સમ્મિલિત થાય છે !!!! કેરળની રાજધાની તિરુવનંતપુરમથી ૧૭૫ કિલોમીટર દૂર એક પંપા નામનું ગામ છે અને ત્યાંથી ૪-૫ કિલોમીટર દૂરી પર પશ્ચિમઘાટથી સહ્યાદ્રી પર્વત શ્રુંખલાનાં ગાઢ જંગલોની વચ્ચે સમુદ્રતલથી લગભગ ૧૦૦૦ મીટરની ઊંચાઈ પર શબરીમાલા મંદિર સ્થિત છે

સબરીમાલા શિવ અને વૈષ્ણવોને સાંકળતી એક મજબુત કડી છે. મલયાલમમાં “શબરીમાલા”નો અર્થ થાય છે પર્વત. આમેય આનું એક નામ છે સાબરી મલય અને મલયનો અર્થ પર્વત થાય એ તો જગજાહેર છે . વાસ્તવમાં આ સ્થળ સહ્યાદ્રી પર્વત્તમાલાથી ઘેરાયેલું પથનાથિટા જીલ્લામાં સ્થિત છે. પંપાથી સબરીમાલા સુધી પગપાળા યાત્રા કરવી પડે છે આ રસ્તો ૫ કિલોમીટર લાંબો છે !!!

સબરીમાલામાં ભગવાન અયપ્પાનું મંદિર છે. શબરી પર્વતપર ઘણું જ ગાઢ જંગલ છે. આ મંદિરમાં આવતા પહેલાં ભક્તોને ૪૧ દિવસો સુધીનું કઠીન વ્રતનું અનુષ્ઠાન કરવું પડે છે જેને ૪૧ દિવસનું “મંડલમ” કહેવાય છે. અહી વર્ષમાં ૩ વાર આવી શકાય છે —–

વિશુ (એપ્રિલની મધ્યમાં )
મંડલપૂજા (માર્ગશીર્ષમાં) અને
મલરવિલકકુ (મકરસંક્રાંતિ)માં !!!

સબરીમાલા મંદિર જે ભારતનાં પથનામપિઠ્ઠા જીલ્લામાં એક પહાડ પર આવેલું છે. આ મંદિર બહુજ પ્રાચીન છે. આ મંદિર સાથે ઘણાં લોકોની ધાર્મિક આસ્થાઓ જોડાયેલી છે !!! અહી ભારતના ઘણાં ધાર્મિક સ્થાનોની જેમ જ અહી આવનારાં બધાં જ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે !!!

ayyappatempl

સબરીમાલા મંદિરનો ઈતિહાસ અને પૌરાણિક માન્યતાઓ ——-

ધાર્મિક આસ્થાના પ્રતિક સમા સબરીમાલા મંદિર પાછળ ઘણી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. જુદાં જુદાં ઈતિહાસકારોમાં આ મંદિરને લઈને અલગ અલગ મતો પ્રવર્તે છે. જો આપણે ઈતિહાસકારોનું માનીએને તો પંડાલમનાં રાજા રાજશેખરે અયપ્પાને પુત્રનાં રૂપમાં ગોદ લીધાં હતાં પરંતુ ભગવાન અયાપ્પાને આ બધું સારું નહિ લાગ્યું અને એ ભગવાન બુદ્ધની જેમ મહેલ છોડીને જતાં રહ્યાં અને કેરળના સબરી હિલ્સમાં આવીને વસી ગયાં બસ ત્યારથી જ આ મંદિરનું નામ સબરીમાલા પડી ગયું !!!

એક પૌરાણિક કથા અનુસાર આ મંદિરને ભગવાન પરશુરામે બંધાવ્યું હતું જ્યારે એ સમુદ્ર તરફથી કેરળ આવી રહ્યાં હતાં. એમણે કેરળની રક્ષા કરવાં માટે પંચશાસ્થા અનુસાર આ મંદિરને બનાવ્યું હતું !!! એવું પણ માનવામાં આવે છે કે ભગવાન પરશુરામે અયપ્પન પૂજા માટે સબરીમાલામાં મૂર્તિ સ્થાપિત કરી હતી તો કેટલાંક લોકો આ મંદિરને કે આ જગ્યાને રામભક્ત શબરીનાં નામ સાથે પણ જોડે છે !!!!

એક પૌરાણિક કથા પ્રમાણે તો ભગવાન અયાપ્પાને ભગવાન શિવજી અને વિષ્ણુ ભગવાનનાં અવતાર મોહિનીનો પણ પુત્ર માનવામાં આવે છે !!! આમ જોવાં જઈએ તો ભગવાન અયપ્પાનાં જન્મ પાછળ ઘણાં તર્ક-વિતર્ક કામ કરે છે !!!

Sabarimala_temple_EPS

કેટલાંક લોકોનું કહેવું છે કે લગભગ ૭૦૦-૮૦૦ વર્ષ પહેલાં દક્ષિણમાં શૈવ અને વૈષ્ણવો વચ્ચે વૈમનસ્ય ઘણું જ વધી ગયું હતું ત્યારે આ મતભેદો – મનભેદો દૂર કરવાં માટે ભગવાન શ્રી અયાપ્પનની પરિકલ્પના કરવામાં આવી બંનેના સમન્વય માટે જ આ ધર્મતીર્થને વિકસિત કરવામાં આવ્યું. આજે પણ આ મંદિર સમન્વય અને સદભાવનું પ્રતિક માનવામાં આવે છે. અહીંયા કોઇપણ જાતિ બિરાદરી કે કોઇપણ પ્રકારનાં ધર્મને માનનારો અને એનું પાલન કરનારો વ્યક્તિ આવીને દર્શન કરી જ શકે છે !!!

સબરીમાલા અયપ્પન મંદિર ——–

સબરીમાલા મંદિર અન્ય મંદિરો કરતાં થોડું અલગ છે. આ મંદિર આખું વર્ષ ખુલ્લું રહેતું જ નથી એની સાથે આ મંદિરમાં ઘણાં બધાં પ્રકારનાં નિયમોનું પાલન કરવું પડે છે. એની સાથે સાથે આ મંદિરની સાફ-સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ મંદિરમાં પૂજાનું ખાસ મહત્વ છે. એ પણ એક પ્રકારનો ઉત્સવ જ છે કે જેમાં શ્રદ્ધાળુ અયપ્પા ભગવાનની પૂજા અર્ચના કરે છે અને પોતાની જિંદગીની ખુશાલી માટેની કામના કરે છે !!!

આ મંદિરમાં ભગવાન અયપ્પાને એક બ્રહ્મચારીના રૂપમાં પૂજા કરવામાં આવે છે કારણકે એ અહીંયા જંગલમાં એકાંતવાસમાં કેવળ ધ્યાન ધરવા માંગતા હતાં !!! એવું પણ કહેવાય છે કે જે પણ ભક્ત સાચાં મનથી એમની પૂજા કરે છે એમની બધીજ મનોકામનાઓ પૂર્ણ થાય છે !!!

સબરીમાલા મંદિર સાથે કરોડો ભક્તોની આસ્થા જોડાયેલી છે. આ મંદિરમાં પૂજા કરવાં માટે ભક્તોને દરસાલ મંદિરનાં કપાટ ખુલવાનો પણ ઈન્તેજાર કરવો પડતો હોય છે !!! આ મંદિરને સુચારુરૂપથી ચલાવવા માટે ત્રાવણકોર દેવસોમ બોર્ડ કરે છે. આ મંદિરનાં મહત્વ અને તત્વમસિ બનાવી રાખવાની જવાબદારી પણ આ બોર્ડને સોંપવામાં આવી છે. આ સબરીમાલા મંદિરની બાજુમાં એક સૂફીસંત વાવરની સમાધિ પણ છે !!! આ સુફી સંત એ આ મંદિરનાં ભગવાન અયપ્પાનાં મિત્ર હતાં આજે પણ બધાં એમને”વાવરનાડા”નાં નામથી જ બોલાવે છે !!!

સબરીમાલા મંદિરની વાસ્તુકલા ——-

આ મંદિર બનાવતી વખતે એણે બહુજ ખાસ તરીકાથી બનાવવામાં આવ્યું છે એટલે જ આજે પણ આ મંદિર આજનાં આધુનિક મંદિરોની જેમ જ આકર્ષક લાગે છે. એનું કારણ એ છે કે આ મંદિર બનાવતી વખતે આધુનિક ટેકનીકનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો હતો !!! જેના કારણે આ મંદિર બિલકુલ નવાં મંદિર જેવું જ લાગે છે !!!!

વર્ષમાં માત્ર ૨ વાર જ ખુલે છે સબરીમાલા મંદિરનાં કપાટ ——-

સબરીમાલા મંદિરનાં દર્શન માટે દર વર્ષે માત્ર ૨ જ વાર કપાટ ખોલવામાં આવે છે. આ મંદિર માત્ર ૧૫ નવેમ્બર અને ૧૪ જાન્યુઆરીએ જ ખોલવામાં આવે છે !!! એવી માન્યતા છે કે મકરસંક્રાંતિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનાં સંયોગ દિવસે પંચમ તિથિ અને વૃશ્ચિક લગ્નનાં સંયોગ સમયે જ ભગવાન શ્રી અયપ્પનનો જન્મ થયો હતો. આ દિવસોમાં મંડલા પૂજા દરમિયાન ભક્તગણ ઘીથી ભગવાનની મૂર્તિનો અભિષેક કરીને પૂજા અર્ચના કરે છે અને પોતાનું જીવન ખુશીઓથી ભરી દે છે !!!

પણ અહીંયા આવતાં પહેલાં ભક્તોને કેટલાંક કઠિન નિયમોનું પાલન કરવું જરૂરી છે જેમ કે ૪૧ દિવસો સુધી ઉપવાસ કરવાં પડતાં હોય છે !!! શારીરિક ભોગથી દૂર રહેવું પડતું હોય છે !!! માત્ર શાકાહારી જ ભોજન જ લઇ શકાય છે. શરાબ પીવાની સખ્ત મનાઈ છે, ધુમ્રપાન અને તમાકુનું સેવન છોડવું પડતું હોય છે !!! અને વાળ પણ કપાવવાની પણ મનાઈ ફરમાવવામાં આવે છે !!! સમગ્ર ભક્તગણ પુરાણી પરંપરા અનુસાર જ આ મંદિરમાં વિના ચપ્પલ પહેરે જ જંગલમાંથી ખુલ્લા પગે જ મંદિરમાં આવવાનું રહેતું હોય છે !!! અને મંદિરમાં આવતાં પહેલાં જ રસ્તામાં આવનારી પંપા નદીમાં સ્નાન કરીને “સ્વામી અય્યાપો “મંત્રનો જાપ જપીને જ આ મંદિરમાં પ્રવેશ કરી શકાય છે !!! આ રીતે જોતાં તો એવું લાગે કે અહીં કોઈ મોટો તહેવાર ના મનાવાતો હોય !!! પંપા નદીમાં સ્નાન કર્યા પછી જ બધાં તીર્થયાત્રીઓ ટ્રેકિંગની સહાયતાથી સબરીમાલા મંદિર સુધી પહોંચે છે !!! બધાં ભક્તો પોતાનામાં વિશ્વાસ રાખવાં માટે પરંપરા આનુસાર જ આ મંદિરમાં કેવળ કાળા કપડાં અથવા પછી ભુરાં કપડાં પહેરીને જ ભગવાનનાં દર્શન કરી શકે છે.

lord-ayyappa-5

સબરીમાલા મંદિર જ્યાં મહિલાઓનો પ્રવેશ હતો વર્જિત ——

સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ હતો વર્જિત પણ એનો ઘણો વિવાદ થયાં પછી અત્યારે આ મંદિરમાં મહિલાઓને પ્રવેશ કરીને એમને દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે. આમતો અહીંયા કરોડો લોકો આવતાં હોય છે પણ એ ભીડ ખાલી પુરુષોની જ હોતી હતી !!! એવું એટલાં માટે કે આજ સુધી ધાર્મિક આસ્થા સાથે જોડાયેલાં મંદિરમાં મહિલાઓને પ્રવેશબંધી બહુ વર્ષોથી હતી આની પાછળનો તર્ક એ હતો કે ભગવાન અયપ્પા અખંડ બ્રહ્મચારી હતાં એટલાં જ માટે અહીં ૧૦ થી ૫૦ વર્ષની છોકરીઓ-સ્ત્રીઓને મંદિરની અંદર પ્રવેશ કરવાની અનુમતિ નહોતી !!! માત્ર નાની બાળકીઓ અને વૃદ્ધ સ્ત્રીઓ જેઓ માસિક ધર્મથી મુક્ત થઇ ચુકી હોય એમને જ પ્રવેશવાની મનાઈ નહોતી !!!

આનો બહુ જ વિવાદ થયો અને ખુબજ ઉહાપોફ મચ્યો દેશભરમાં, સોશિયલ મીડીયાએ પણ આમાં સુર પુરાવ્યો. વાત છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ ગત વર્ષની ૨૮મી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલાં કેસમાં સુપ્રિમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે હવે બધીજ ઉંમરની સ્ત્રીઓ આ મંદિરમાં પ્રવેશ કરી શકે છે. સાથોસાથ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે —– મહિલાઓને મંદિરમાં પ્રવેશ પર રોક લગાવવી એ લૈંગિક ભેદભાવ જ છે !!! આ સાથે કોર્ટે એ પણ માન્યું કે કેરળ હિંદુ પ્લેસેજ ઓફ પબ્લિક વર્શીપ રૂલ્સ ૧૯૬૫ અનુસાર હિંદુ મહિલાઓનાં ધર્મનાં પાલનનાં અધિકારોને સીમિત રાખે છે !!!

માં વૈષ્ણો દેવી કે અમરનાથ યાત્રાને અપાવે એવી યાત્રા જીવનમાં એકવાર તો કરવી જોઈએ. નહીં તો આટલાં પહાડો અને ગાઢા જંગલો વળી આપણને ક્યાં જોવાં મળવાના હતાં તે !!! આપણું પણ નામ એક યા બીજી રીતે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં તો જોડાઈ જ શકે ને. લોકો કેરળ જાય છે પણ આ કે આવા મંદિરો કોઈ જોતું નથી. જો સમય અને પૈસા હોય તો આવા મંદિરો એકવાર તો જોવાં જ જોઈએ. એકવાર આની યાત્રા અવશ્ય જ કરવી જોઈએ.. જઈ આવજો બધાં !!!

———- જય સ્વામી અય્યાપો ———–

———- જનમેજય અધ્વર્યુ.

તો મિત્રો આ હતો સબરીમાલાના શ્રી અયપ્પા સ્વામી મંદિર મંદિરનો ઈતિહાસ અને પૌરાણિક માન્યતાઓ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!