27. આત્મબલિદાન – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

એ હાહાકાર એ વેળાએ મુરાદેવીને કલ્પાંતના હાહાકાર સમાન ભાસ્યો. તેના મનમાં એવી પૂરેપૂરી આશા હતી કે, “બરાબર અણીના અવસરે પહોંચીને હું મારા પતિના જીવનનું અને મારા સૌભાગ્યનું રક્ષણ કરી શકીશ.” પરંતુ એ હાહાકાર સાંભળતાં જ તેની એ આશા નષ્ટ થઈ ગઈ: “મારા હાથે જ મેં મારું સૌભાગ્ય ફોડી નાંખ્યું, જે વેળાએ ખરેખર સર્વનું રક્ષણ થઈ શક્યું હોત, અને જે કાંઈ કરવું તે મારા હાથમાં હતું, તે વેળાએ મેં કાંઈ પણ કર્યું નહિ, અને વેળા વીતી ગયા પછી દોડી આવી, એટલે શું થાય? જે થવાનું હતું તે થઈ ગયું, જે અનિષ્ટ થવા ન પામ્યું હોત, તો આવો હાહાકાર થયો હોત નહિ – થઈ ચૂકયું – મારા સર્વસ્વનો નાશ થયો!” આવા વિચારોથી તે ગાંડી બની ગઈ અને હવે આગળ વધવું, પાછાં ફરવું કે પોતે પણ આત્મહત્યા કરીને મરી જવું, એ વિશે તેના મનનો નિશ્ચય થયો નહિ. એટલામાં તે શિબિકા જરા વધારે આગળ વધી અને એકાએક “અમાત્ય રાક્ષસનો જયકાર ! અમાત્ય રાક્ષસનો જયકાર!!” એવા શબ્દો મુરાદેવીના સાંભળવામાં આવ્યા. એ શબ્દો સાંભળીને મુરાદેવીને ઘણું જ આશ્ચર્ય થયું. તેથી તે હવે વિશેષ ધ્યાનથી એ શબ્દો સાંભળવા લાગી.

પુનઃ એ જ “અમાત્ય રાક્ષસનો જયજયકાર હો!”ને ધ્વનિ સાભળતાં જ મુરાના મનમાં આશ્ચર્યને સ્થાને આનંદની છટા દેખાવા લાગી. એ આનંદના ઉભરામાં જ તે પોતાના મનને કહેવા લાગી કે, “ત્યારે એ દુષ્ટ ચાણક્યની સઘળી યુક્તિઓ અને ક૫ટવ્યૂહોને જાણી લઈને અમાત્ય રાક્ષસે પોતાનો જયજયકાર થાય, એવું વર્તન કર્યું ખરું ! એણે મહારાજાને જીવ બચાવ્યો.! ધન્ય, અમાત્ય રાક્ષસ ! તને ધન્ય !! તારું જીવન આજે સફળ થયું; હું કેવી પાપિની ?જેણે પ્રત્યક્ષ મારું પાણિગ્રહણ કર્યું, તે પતિનો દોષ કરીને હું તેનો જીવ લેવાને તત્પર થઈ ! અરેરે ! આ સમસ્ત આર્યાવર્તમાં જે દુષ્કૃત્ય કોઇએ પણ કર્યું નહિ હોય, તે મેં કરી બતાવ્યું ! પરંતુ તેમાંથી પણ તેં મહારાજને બચાવી લીધા ને ચાણક્યના કપટને તોડી નાંખ્યું, તે માટે તને જેટલો ધન્યવાદ આપીએ તેટલો થોડો જ છે. હવે મારા કુકર્મ માટે હું પોતે જ પ્રાયશ્ચિત્ત લઉં છું – અર્થાત્ દેહત્યાગ વિના હવે બીજું પ્રાયશ્ચિત્ત મારા માટે નથી ! ત્યારે હવે મારે આગળ શા માટે વધવું જોઇએ? અહીં જ મારા પાપી પ્રાણનું વિસર્જન કરું, એટલે પોતાની મેળે જ મારો ન્યાય થઈ જશે ! રાક્ષસે મહારાજાના અને બીજા જનોના પ્રાણનું અવશ્ય રક્ષણ કર્યું હશે, તેથી જ તેના નામનો આટલે બધો જયજયકાર વર્તી રહ્યો છે. નહિ તો તેનો આવો જયજયકાર શા કારણથી થાય વારુ?

દુષ્ટ ચાણક્યના કપટનાટકનો ભેદ પ્રકટ થઈ ગયો હશે, અને એ ચાંડાલ હવે સારી રીતે સકંજામાં સપડાયો હશે. એને જે શિક્ષા થાય – મહારાજ જો એનો વધ કરાવે, તો તેથી બ્રહ્મહત્યાનું પાતક લાગવાને બદલે એક અત્યંત કષ્ટ બ્રાહ્મણરૂપધારી દૈત્યને નાશ કરવાનું પુણ્ય ફળ જ મળે. એ કદાચિત્ મારું નામ લેશે, છે ને લેતો – મારે પણ ક્યાં જીવવું છે ! એ પાપીના મોહકારક ભાષણથી મોહાઇને હું મારા પતિના નાશ માટે પ્રયત્ન કરવાને તૈયાર થઈ અને તે જ પળે મહા પાતકી તો થઈ ચૂકી – અર્થાત્ તે જ વેળાએ મારે આત્મબલિદાન આપવું જોઈતું હતું. પરંતુ મારાં પાપોનો ઘડો તે સમયે પૂરો ભરાયો નહોતો – તે હવે ભરાઈ ચૂક્યો છે. હવે એનું પ્રાયશ્ચિત્ત મળી જાય, એટલે એના સર્વાંશનો નાશ થઈ જાય.” એવા નાના પ્રકારના વિચારો તેના મનમાં ઘણા જ થોડા સમયમાં આવી ગયા. એ વિચારોના વર્ણનમાં અહીં જેટલો અવકાશ લાગ્યો છે, તેનો સોમા ભાગ જેટલો પણ અવકાશ એ વિચારો આવવામાં લાગ્યા નહોતો. મુરાદેવીના ઉતાવળના પોકારો બંધ થવાથી શિબિકાને ઉપાડીને ચાલનારા ભાઈએ પણ ધીમા ધીમા ચાલતા હતા. પરંતુ કિંચિત્ આગળ વધતાં જ મહાન કોલાહલ અને અમાત્ય રાક્ષસનો જયજયકાર એ શબ્દો સાંભળતાં જ એ હાહાકાર શાનો હશે ? અને અત્યારે અમાત્ય રાક્ષસનો જયજયકાર શા માટે ? એ જાણવાની તેમના મનમાં સ્વાભાવિક જિજ્ઞાસા ઉત્પન્ન થતાં તેઓ પોતાનો ભાર ઉપાડીને વાયુવેગે ચપળતાથી પ્રયાણ કરવા લાગ્યા.

જરાક આગળ ચાલતાં મહાન હાહાકાર કરતા અને સામેથી ન્હાસી છૂટેલા લોકો તેમના જોવામાં આવ્યા અને તેઓ આવી આવીને તેમનાપર પડવા લાગ્યા. એથી પાલખી પણ જમીનપર પટકાઈ પડી હોત, પણ એ ભોઈયો ઘણા જ હુશિયાર હોવાથી તેમણે તેમ થવા દીધું નહિ. તેમણે પાલખી નીચે મૂકી દીધી અને તેની ચારે બાજુએ ઊભા રહીને તેઓ રક્ષા કરવા લાગ્યા. કારણકે, હવે કોઈપણ રીતે તેમનાથી આગળ વધી શકાય તેમ હતું નહિ. મનુષ્યોનાં ટોળે ટોળાં તેમના અંગપર ધસી આવતાં હતાં. એ મનુષ્યસમૂહના કોલાહલથી મુરાદેવી પોતાના વિચાર ભ્રમણમાંથી એકાએક શુદ્ધિમાં આવી અને ભોઈઓને પાલખી નીચે શામાટે રાખી, એમ તે પૂછવાના વિચારમાં હતી, એટલામાં એક ભોઈ તેની પાસે આવીને તેને કહેવા લાગ્યો કે, “દેવી! હવે શિબિકાને અહીંથી આગળ લઈ જવી, એ સર્વથા અશક્ય છે. ભયંકર મહાસાગર પ્રમાણે ક્ષુબ્ધ થએલો આ જનસમુદાય મહાસાગરનાં મોજાં પ્રમાણે આપણા અંગપર ધસી આવે છે. આ કોલાહલનું કારણ પૂછતાં કોઈપણ સંતોષકારક ઉત્તર આપતું નથી. કોઈ રાક્ષસને શાપ આપે છે, તો કોઈ “આ કેવો ભયંકર સંહાર ?” શબ્દો ઉચ્ચારે છે. એનું સત્ય તત્ત્વ શું છે, તે સમજી શકાતું નથી. શિબિકા સહિત આગળ વધવાની સગવડ નથી. જો આપની આજ્ઞા હોય, તો હું આગળ જઈને આ કોલાહલની ખબર કાઢી આવું?”

“રાક્ષસને શાપ આપે છે.” અને “આ કેવો ભયંકર સંહાર!” એ બે ઉદ્ગારો સાંભળતાં મુરાદેવી પાછી ભયભીત થઈ ગઈ. “લોકો ભયંકર સંહારના ઉદ્દગાર કાઢે છે, તેથી ચાણક્યના કાવત્રા પ્રમાણે સંહાર થએલો હોવો જ જોઇએ. ત્યારે રાક્ષસનો જયજયકાર સંભળાયો, તેને હેતુ શો હશે ! હું કાંઈ પણ સમજી શકતી નથી.” એમ વિચારીને તેણે તે ભોઈને આજ્ઞા આપી કે, “જા ને જઈને જોઈ આવ કે શું થયું છે તે ? આ શિબિકાને અહીં જ રહેવા દે – તારા સોબતીઓ મારું રક્ષણ કરશે. જા દોડતો.” ભોઈ તો ત્યાંથી ચાલતો થયો, પણ મુરાદેવીના ઉદિગ્ન મનમાં શાંતિનો વાસ થયો નહિ. તે ઘણી જ અધીરી બની ગઈ હતી. તે ભોઈ ત્યાંથી આસરે પચાસેક પગલાં અથવા વધારે તો સો પગલાં જેટલો દૂર ગયા હશે, એટલામાં તો તે જલદી પાછો કેમ ન આવ્યો, એવી ચિન્તાથી તેણે બીજા ભોઈને “એ હજી કેમ આવ્યો નહિ ? તું જઈને તેની તપાસ કર અને ત્યાં શી ગડબડ છે તે પણ જોઈ આવ.” એમ કહીને પહેલા ભોઈની પાછળ જવાની આજ્ઞા કરી. એના ઉત્તરમાં તેણે જણાવ્યું કે, “દેવી ! તે ઘણો જ ઉતાવળે ચાલનારો માણસ છે. હમણાં જ આવી પહોંચશે. માટે આપે તેની ચિન્તા કરવી નહિ.” પરંતુ એ વાત કાંઈ મુરાદેવીના મનમાં ઉતરી નહિ. તેથી તે વળી પણ કહેવા લાગી, “ભલે – તે આવતો હોય, તો પણ તું જા. મારું કહ્યું માન.” એટલે તે નિરુપાય થયો અને બાકીના બે ભોઈયોને “હવે તમે બે જણ જ છો, માટે દેવીની સંભાળ રાખજો. જુઓ જરા પણ અસાવધ થશો નહિ.” એવી ભલામણ આપીને પોતાના પ્રથમ સાથીની પાછળ કોલાહલનું કારણ જાણવાને ત્યાંથી ચાલ્યો ગયો.

મુરાદેવીના મનની ચંચળતા અને અધીરતા આ વેળાએ એટલી બધી વધી ગઈ હતી કે, તેને પોતાના કરવાનું કે બોલવાનું પણ ભાન રહ્યું નહોતું. થોડીક વાર પછી પાછી તે પોતાના સંરક્ષક બે ભોઈઓને કહેવા લાગી કે, “કોઈ આવ્યું કે? હવે જો બેમાંથી એક પણ ઉતાવળે આવશે નહિ, તો હું પોતે જ ત્યાં જઈશ. તમે બને મારી બને બાજુએ રહી મને આ ભીડમાંથી લઈ ચાલો એટલે થયું. જો કોઈ આવતું હોય, તો જુઓ, નહિ તો હું ઉતરું છું, ચાલો.” એમ કહેતી કે ખરેખર જ તે પોતાની શિબિકામાંથી નીચે ઊતરી અને ભોઈઓને પોતાને આગળ લઈ જવાને આગ્રહ કરવા લાગી.

“મહારાણી ! આપ વ્યર્થ આવી પીડામાં ન પડો. રાજમહાલયમાં કેવળ મૃદુ પુષ્પોની શય્યામાંથી ઊઠીને સ્ફટિકની પૃથ્વીપર ચાલનારાં આપ ક્યાં અને આ ભયંકર ઝંઝાવાતથી ક્ષુબ્ધ થએલા મહાસાગરનાં મોજાંના વેગે આવનારો જનસમુદાય ક્યાં ? આપ આ સમુદાયમાં અને કઠિન ભૂમિપર કેવી રીતે ચાલી શકશો વારુ ? ત્યાં શું થયું છે, તે જાણવા તો દ્યો – પછી જે કરવાનું હોય તે કરજો.”તે ભેાઈએ નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી.

પરંતુ મુરાદેવીએ એમાંનું કશું પણ ધ્યાનમાં લીધું નહિ. “હું એથી પણ વિશેષ ભયંકર જનસમુદાયમાંથી નીકળી જવાને શક્તિમતી છું.” એમ કહીને તે બહાર નીકળી પડી. તેના મનમાં જે જે ભયંકર વિચારોનું વહન થતું હતું, તેનું વર્ણન કરવામાં હવે વધારે વેળા ખાવાની કાંઈ પણ આવશ્યકતા નથી. સૂર્યાસ્ત સમયે ક્ષિતિજ સમક્ષ રહેલાં વાદળાંપર અસ્તમાન થનારા સૂર્યનાં કિરણેનું પતન થતાં જેવી રીતે તે આકાશ ભાગના રંગો ક્ષણે ક્ષણે બદલાતા જાય છે; તેવી જ રીતે આ વેળાએ અનેક વિધ વિકારોથી તેના મનના રંગો બદલાતા જતા હતા અને તે મહા ઉત્સુકતાથી માર્ગને કાપતી જતી હતી. ભોઈઓ તેને સંભાળવાને પોતાથી બનતો પ્રયત્ન કરતા હતા, તેાપણ વચવચમાંથી લોકોનો વધારે ધસારો થતાં તેનો ત્રાસ તો થતો જ હતો. જો બીજી કોઈ વેળાએ મુરાદેવી નગરના કોઈ માર્ગમાંથી આવી રીતે ચાલી હોત, તો લોકોએ પોતાની મેળે જ દૂર ખસી ખસીને તેને ચાલવાનો માર્ગ આપ્યો હોત; પરંતુ અત્યારે પ્રસંગ એવો બન્યો હતો કે, તેથી સમસ્ત પ્રજાજનો સર્વથા અંધ જ બની ગયા હતા. તેમના મુખમાંથી દુઃખ, ઉદ્વેગ અને નિરાશાના અનેક ઉદ્દગારો નીકળતા સાંભળવામાં આવતા હતા. જાણે તેઓ ભયંકર આદર્શવાળી ભૂમિથી જેટલી ઉતાવળે અને જેટલું દૂર જઈ શકાય તેટલું સારું, એવી જ ભાવનાથી ભાગતા હોયની ! એવો તેમનો ગભરાટનો ભાવ હતો. એવા ભયના સમયે બીજાના માન અને મહત્ત્વનું ભાન તો ક્યાંથી રહી શકે વારુ ? તેમ જ મુરાદેવી આ વેળાએ મોટા ઠાઠમાઠથી કે નોકર ચાકરોના સાથને સાથે લઈને પણ નીકળી નહોતી, એટલે એ રાણી છે, એમ જાણવું પણ અશક્ય હતું. એ જ તેના ત્રાસનું એક મોટું કારણ હતું.

ચાલતાં ચાલતાં તે એક એવા સ્થાને આવી પહોંચી કે જ્યાં લોકોની ઘણી જ ભીડ જામેલી હતી. એટલે તેના બન્ને પરિચારકોએ તેને વિનતિ કરી કે, “ મહારાજ્ઞિ ! હવે અહીંથી એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી. માટે આપ પાછાં ચાલો. એ વિના હવે બીજો ઉપાય જ નથી.” પરંતુ ચાલતાં ચાલતાં માર્ગમાં તેણે લોકોના જે ઉદ્ગારો સાંભળ્યા હતા, તેના આધારે ત્યાં શું થએલું હોવું જોઇએ, એનું તે અનુમાન કરી શકી હતી, તે તર્ક પ્રમાણે જ જો બધું બની ગયું હોય તો પોતે પણ ત્યાં જ પ્રાણ અર્પવાનો તેણે નિશ્ચય કર્યો. એ હેતુથી તે બન્ને પરિચારકોને ઈનામો આપવાની મોટી લાલચ દેખાડીને તેણે પ્રાર્થના કરી કે, “મને આ જનસમુદાયને પેલે છેડે લઈ ચાલો – જ્યાં એ ભયંકર ઘટના બનેલી છે, તે સ્થાનપર્યન્ત મને કોઈ પણ જોખમે પહોંચાડો. હું તમને ઘણું જ સારું ઈનામ આપીશ. મારા કામમાં જરા પણ ખામી કરશો નહિ.” રાણીના એવા આગ્રહથી અને તેમની પોતાની જિજ્ઞાસા પણ જાગૃત થએલી હતી, તેથી મુરાદેવીને તે સ્થળે પહોંચાડવાની તેમણે હિમત કરી. બન્ને જણ રાણીની બન્ને બાજુએ ચાલવા લાગ્યા અને પોતાના હાથની કોણીએથી લોકોને હટાવી હટાવીને નિર્વિઘ્ને રાણીને ઠેઠ રાજમહાલયના દ્વાર પાસે લાવીને તેમણે ઊભી રાખી.

ત્યાં જે ભયંકર દેખાવ તેના જોવામાં આવ્યો, તેનું યથાર્થ રીતે વર્ણન થવું સર્વથા અશક્ય છે. એક મોટો ખાડો હતો અને તેમાં કેટલાંક મડદાં પડેલાં હતાં. તે ખાડામાં લોહીની નદી વહી ચાલી હતી. ખાડાની આસપાસ સૈન્યમાંના કેટલાક સૈનિકોનો પહેરો ઉભેા હતો અને તેઓ ત્યાં એકઠા થએલા લોકોને મારી મારીને દૂર હટાવવાનો પ્રયત્ન કરતા જોવામાં આવતા હતા. એ ખાડામાં મનુષ્યોનાં શબો પડેલાં જોઈને મુરાદેવીનું અંત:કરણ ખેદથી ફાટફાટ થવા લાગ્યું અને તેના સર્વાંગમાં કંપનો આવિર્ભાવ થઈ ગયો. પોતે દૃઢતાથી ત્યાં ઉભી રહી શકશે કે નહિ, એની તેને શંકા થવા લાગી – તેનું મસ્તક એકાએક ફરવા લાગ્યું. એટલામાં તેની પાસે કોક આવ્યું અને તેણે કાનમાં એટલું જ કહ્યું કે, “આવા ભયંકર આદર્શોના અવલોકન માટે અબળાએાએ આવવું જોઈએ નહિ. દેવિ ! તું ઘણી જ દુષ્ટ અને પાષાણ હૃદયની સ્ત્રી હોય એમ દેખાય છે ! આવા સંહાર કરવાના વ્યૂહ રચવાથી તારા મનનું સમાધાન થયું નહિ, કે વળી પોતાના વ્યૂહની સિદ્ધતા જોવા માટે ખાસ અહીં આવી? ચિન્તા નહિ, સુખેથી જો અને તારાં નેત્રોને સંતોષ આ૫. જો – તારી ઇચ્છા અનુસાર બધું થઈ ચૂક્યું છે! એમાં વળી ખૂબી તો એ છે કે, આ બધો પ્રપંચ અમાત્ય રાક્ષસનો જ છે, એવું જ બધાનું માનવું થઈ ગયું છે. આ બનાવટી જમીનપર મહારાજાનો હાથી પગ મૂકવાની તૈયારીમાં હતો, એટલામાં રાક્ષસે જે અહીંથી સટકી જવાનો પ્રયત્ન કર્યો, તે ઘણો જ ઉપયોગી થઈ પડ્યો એથી લોકોને તેનામાં પૂરેપૂરો સંશય થયો. હવે તું અહીં ક્ષણ માત્ર પણ ઊભી રહીશ નહિ. હું પણ ચાલ્યો જાઉંછું.”

મુરાદેવી જો કે અવગુંઠનવતી (બુર્ખાથી ઢાંકેલી) હતી, તો પણ ચાણક્યે તેને તત્કાળ એાળખી લીધી. એ ત્યાં આવશે જ, એવો તેણે તો પ્રથમથી જ તર્ક કર્યો હતો અને તેથી જ તેણે તત્કાળ તેને ઓળખી હતી. તેને ઓળખતાં જ ત્યાં એકઠા થએલા લોકોને દૂર હટાવવાનો પહેરેગીરોને હુકમ કરીને તે તેની પાસે ગયો અને ઉપર કહ્યા પ્રમાણેના વચનો તેણે તેના કાનમાં કહ્યાં. ચાણક્યનો સાદ મુરાદેવીએ ઓળખ્યો અને તેથી તેને ઘણો જ સંતાપ થયો. તે કોપથી લાલચોળ બની ગઈ. એ કોપને બિલ્કુલ શમાવી ન શકવાથી તેના અંગપર ધસી જઈને તે તેને કહેવા લાગી કે, “દુષ્ટ! આજ સૂધીમાં કોઈપણ આર્ય અબળાએ જે પાતકનો વિચાર માત્ર પણ કર્યો નથી, તે પાતક તેં આજે મારા હાથે કરાવ્યું. હવે મારું અને મારા પુત્રનું ગમે તે થાય, તેની મને દરકાર નથી; પણ ખરી વાત શું છે, તે હું મોટેથી આ બધા મનુષ્યોને કહી સંભળાવું છું અને હું પોતે પણ આ ખાડામાં પડીને મારા આત્માનું બલિદાન આપું છું. એ જ મારી શિક્ષા અને એ જ મારું પ્રાયશ્ચિત્ત. લોકોને ખરી બીનાની ખબર પડી, એટલે તને અને તેં જેને પોતાના આશ્રયમાં લીધો છે તે મારા પુત્રને, પણ યોગ્ય શાસન તેઓ આપશે જ. એ શાસન મળ્યું એટલે મારા જેવી એક ચાંડાલિનીના ઉદરમાંથી જન્મ લેવાના તેના પાતકનું ક્ષાલન થઈ જશે.”

એટલું કહીને તેણે પોતાના મુખપરથી બુર્ખાને કાઢી નાંખ્યો. એ ક્ષણે તેની મુખમુદ્રા કોઈ ક્રૂર દેવતા સમાન દેખાતી હતી. તે એકાએક કર્કશ સ્વર કાઢીને કહેવા લાગી કે, “લોકો ! સાંભળો ! આ અત્યંત ભયંકર સંહાર અમાત્ય રાક્ષસના પ્રપંચથી થએલો………….….”

પરંતુ આર્ય ચાણક્યે સંકેત સૂચન કરવાથી કહો કે પહેરેગીરોને જ એથી કાંઈક ભય થયું હોય તેથી કહો, એક પહેરેગીર તેને પાછળ હટાવવા માટે તેના શરીરપર ધસી ગયો. તે પાછળ પણ હટી નહિ અને તેનું કાંઈ તેણે સાંભળ્યું પણ નહિ. એટલામાં તેણે એમ જોયું કે, “ચાણક્યે ઈશારત કરવાથી બે ચાર ભિલ્લો મને અહીંથી ઉપાડી જવા માટે ભીડમાંથી મારા અંગપર ધસી આવે છે. જો એ લોકો મને પકડીને ક્યાંક લઈ જશે, તો પાછી હું મોહમાં ફસાઈ પડીશ. ચાણક્ય સમક્ષ મારી ચતુરતા કશી પણ ચાલવાની નથી. એના કરતાં મારા પાતકનું ક્ષાલન કરવા માટે આ ખાડામાં ઝોકાવી પ્રાણ અર્પણ કરવા, એ જ વધારે સારું છે. એજ ખરું પ્રાયશ્ચિત્ત.” એવો વિચાર કરીને તે ઠેઠ ખાડાના મોઢાપર જઈને ઉભી રહી અને “દુષ્ટ ચાણક્ય ! આ પાતકના પ્રભાવથી તું જન્મો જન્મ દૈત્ય થઈશ. હું તો પ્રાણ આપીને સતી થાઉં છું -પ્રણામ.” એમ કહીને તેણે તે જ ક્ષણે તે ઊંડા ખાડામાં ભૂસ્કો માર્યો – તે અદૃશ્ય થઈ ગઈ.

ખાડો ઘણો જ ઊંડો હતો અને તેમાં ઉપરથી જે કોઈ પણ પડે, તેને યમધામમાં મોકલી આપવા માટે ચાણક્યે ભિલ્લોને તૈયાર રાખ્યા હતા. પરંતુ મુરાદેવીને મારી નાંખવાનો કોઈને પણ શ્રમ લેવો પડ્યો નહિ. તેના દેહાંત પ્રાયશ્ચિત્તના નિશ્ચયને પરમેશ્વરે જ પાર પાડી દીધો – પડતાં જ તેના પ્રાણ પ્રયાણ કરી ગયા.

એ હાહાકાર થવાના થોડા વખત પહેલાં જ અમાત્ય રાક્ષસ એકાએક બીજે સ્થળે ચાલ્યો ગયો હતો, એ તો વાચકો જાણી ચૂક્યા છે. તેને જે ચિઠ્ઠી આપવામાં આવી હતી, તેમાં માત્ર એટલું જ લખેલું હતું કે, “આ૫ તો આ સમારંભમાં ગુંથાયા છો, પણ પાટલિપુત્રને પર્વતેશ્વરે ઘેરો ઘાલ્યો છે તેનો શો ઉપાય કરવો?” એ પત્રિકા વાંચતાં જ “આ શો ગોટાળો છે, તે જોવો જ જોઇએ. મહારાજાની સવારી નીકળી છે,તે તો સભાગૃહમાં પહોંચવાની જ.” એવો સાહજિક વિચાર કરીને તે ત્યાંથી “પર્વતેશ્વર ક્યારે આવ્યો અને કેમ આવ્યો ?” એ વિષયના શોધ માટે ત્યાંથી ચાલતો થયો. રાક્ષસના ગમનને પા કે અર્ધ ઘટિકા થઈ હશે, એટલામાં રાજગૃહના દ્વાર પાસે બાંધેલા તોરણના તળીયાના ભાગમાં અને ચંદનદાસના ઘરમાંથી ખેાદવાની શરૂઆત કરીને તૈયાર કરેલા ખાડાના મુખપાસે સવારી આવી પહોંચી. બે હાથીઓ સહિત સઘળા નંદો તો ખાડામાં ગર્ક થઈ ગયા. ત્યાં ચાણક્યે પહેલાંથી જ તૈયાર રાખેલા ભિલ્લે તે નવે નંદોને પોતાની તલવારોથી કાપી નાંખ્યા; અને ત્યાર પછી ચાણક્યે શીખવી રાખ્યું હતું તે પ્રમાણે “અમાત્ય રાક્ષસનો જયજયકાર હો !” એવા પાકારો કર્યા.

ખાડાના મુખપર પણ બીજા ભિલ્લો ઊભા હતા, તેમણે પણ તે જયજયકારનો પ્રતિધ્વનિ કર્યો. અર્થાત્ આ સઘળું કાવત્રુ અમાત્ય રાક્ષસનું જ કરેલું હોવું જોઈએ અને પોતે કશું જાણતો જ નથી, એમ દેખાડવાને જ તે અહીંથી છટકી ગયો, એવો લોકોનો એથી નિશ્ચય બંધાઈ ગયો. જે લોકો એમ જાણતા હતા કે, અમાત્ય રાક્ષસે જ રાજાને મુરાદેવીના મંદિરમાંથી બહાર કાઢ્યો હતો, તેમને તો એવો દૃઢતમ નિશ્ચય થઈ ગયો કે, રાજાના ઘાતનું અને રાજકુલના ઘાતનું આ કાળું કાવત્રું રાક્ષસે જ રચેલું હોવું જોઈએ. એવો લોકોનો વિચાર બંધાય, એટલા માટે જ અણીને સમયે પત્રિકા પાઠવીને ચાણક્યે રાક્ષસને દૂર કરવાની યુક્તિ રચી હતી અને નંદવંશનો ઉચ્છેદ કરનારા ભિલ્લોને રાક્ષસનો જયજયકાર કરવાની સૂચના આપી દીધી હતી. પરંતુ રાક્ષસને શિરે એ વૃથા દોષનો આરોપ કરવાથી ચાણક્યનું બધું કામ પાર પડે તેમ હતું નહિ; જે જરૂરનું કાર્ય સાધવાનું હતું, તે તો હજી બાકી જ હતું. તે એ કે, રાક્ષસે પર્વતેશ્વરને પાટલિપુત્રનું રાજ્ય આપવા માટે નંદવંશનો ઘાત કરાવ્યો અને પવતેશ્વરદ્વારા પાટલિપુત્રને તે જ સમયે ઘેરો નખાવ્યો; પરંતુ એ અરિષ્ટને ટાળવા માટે ચંદ્રગુપ્તે જીવ જતાં સૂધી યત્ન કર્યો. નન્દવંશના ઈતર પુરુષો – નવેનવ નન્દો મરણ શરણ થયા, તોપણ તેણે નન્દવંશની પ્રતિષ્ઠા જાળવી રાખી. તેણે પર્વતેશ્વરને પરાજિત કર્યો અને પાટલિપુત્રનું રક્ષણ કર્યું; એવો લોકોનો ભાવ થઈ જાય, એવા હેતુથી ચાણક્યે પોતાના ભિલ્લોની એક બીજી ટોળીને શસ્ત્રાસ્ત્રથી સજાવી તૈયાર રાખી હતી. તેમને તેણે એમ કહી રાખ્યું હતું કે, “ખાડામાં પડેલાં મનુષ્યોનો સંહાર થઈ રહે, એટલે પછી ‘કુમાર ચન્દ્રગુપ્તનો જયજયકાર હો !” એવા પોકાર કરીને તમારે ખાડામાં કૂદી પડવું અને અંદરના બેચાર ભિલ્લોને જખ્મી કરી નાંખવા. તેમ કેટલાકોને નસાડી પણ દેવા.” એથી લોકોમાં એવી અફવા ફેલાવવાનો તેનો મનોભાવ હતો કે, આ વેળાએ ચન્દ્રગુપ્તે લજજા રાખી, નહિ તો રાક્ષસના કાવત્રાંથી આખા પાટલિપુત્રનો સંહાર થઈ ગયો હોત. અને એવી અફવા ફેલાઈ એટલે કાર્યસિદ્ધિમાં શું બાકી રહ્યું? કાંઈપણ નહિ.

ચાણક્યનો એ હેતુ કેવી રીતે સિદ્ધ થયો. તે હવે પછી જણાશે.

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!