આશારામ શાહ લાઠીનો કાબેલ કારભારી

સુમન સુવાસથી મઘમઘતી, યૌવનથી વિલસતા દેહવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી, લાવણ્યમાં તરબતર થયેલા તનવાળી, પરવાળા જેવા અધરોષ્ઠે ઓપતી અંગનાની આંખમાં ઉઘડેલા રંગ જેવી ઉગમણા આભમાં ઉષાનો ઉજાસ ઉઘડી રહયો છે. જાસુદના ફુલ જેવા ખરતાં તેજ-કિરણોને ગાગડીઓ નામની નદીનો જળપ્રવાહ ઝીલી રહયો છે. પુષ્પોમાંથી પમરાટનાં પોટલાં બાંધીને પવન દોેટું દઈ રહયો છે.

એવે વખતે લાઠીનો કારભારી આશારામ ડેલીની દોઢીએ બેઠોબેઠો ગલોફામાં દાતણનો કુચો ફેરવી રહયો છે. મુળ તો અમદાવાદના પણ રાજકોટમાં આવીન રહેઠાણ કરેલું. તે દિ’ કાઠીયાવાડની ધરતી માથે ધાડલૂંટ અને ખુનખરાબાના ધીંગાણા મંડાતા હતા. લોકોને સુંડલે ઉચાળા હતા. કંપની સરકારની કોઠી રાજકોટમાં પડી ચુકી હતી. રૈયતને રક્ષણ આપવાના અંગ્રેજ અમલદારો ઉપાયો યોજી રહયા હતા.

તો બીજી તરફ સહજાનંદ સ્વામી પોતના બોધ દ્વારા કરડા અને કંટા માણસોને ગળે કંઠી બાંધીને નીતિનો રાહ દેખાડી રહયા હતા. આમ સત્તા અને સમજદારીનો બેવડો દોર છુટી રહયો હતો. રાજકોટમાં અંગ્રેજ કોઠીએ દરબાર ભર્યો. આ દબદબા ભરેલા દરબારમાં સહજાનંદ સ્વામીને માનભર્યું આમંત્રણ મળ્યું. પોતાના પવિત્ર પરમહંસોથી વીંટળાયેલા સહજાનંદ સ્વામીએ દરબારમાં ડગ દીધેલા. શિક્ષાપત્રીઓનો મર્મ માલ્કમને સમજાવ્યો ત્યારે મુંબઈ ઈલાકાનો ગોરો હાકેમ હરખાઈ ઉઠેલો. આ પ્રભાવથી પ્રભાવિત થઈને આશારામના પિતા દલીચંદ શાહે કંઠી ધારણ કરી સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કરેલો.

આવા દલીચંદ શાહનો પુત્ર આશારામ અનેક નાના મોટા રજવાડામાં પોતાની કાબેલિયત પુરવાર કરીને લાઠીનું કારભારૂ કરી રહયો છે. લાઠીના સુવાંગ ધણી સુરસિંહજી ગોહિલની કવિતાના કીર્તિ-કાંગરાને રક્ષી રહયો છે.

આવા આશારામભાઈને કાને કોઈએ વાત નાંખી કે, ‘કારભારી! લાઠીનું ગામડું ભંગાશે !’ વાત સાંભળતા જ આશારામભાઈની આંખ પહોળી થઈ. કપાળની કરચલીઓ તણાયને ભેળી થઈ ગઈ.

‘કોણ ભાંગશે ?’
‘બીજું કોણ? વાલો નામોરી.’

વાલો નામોરીનું નામ સાંભળતા જ ભલીભલી ફોજ થરથરી ઉઠતી. જેના ધીંગાણાના રાસડા લેવાતા, જેના ઠુંઠા હાથ પર મંડાયેલી બંદૂકની નાળમાંથી દોઢ શેરનો અગનગોળો છૂટતો, એવા વાલા નામોરીનું નામ સાંભળીને કારભારીએ વાત કરનારને પૂછ્યું,

‘કયા પડયા છે બહારવટીયા ?’

કહેનારે અવાજને દાળીને કહયું-
‘ટોડાળી વાવમાં ઉતરી ગયા છે, રાત પડયાની વાર છે. નક્કી કોઈ ગામ ભંગાશે.’

આશારામભાઈ દાતણના કૂચાનો ઘા કરી ઉઠી ગયા. ખભે બંદૂક ભેરવી હાકલ કરી સીબંધીને લઈને ઘોડા હાંક્યા. ટોડાળી વાવને ઘેરી લીધી. લાઠીનું ગામડું લુંટાય તો પોતાના કારભારને કાળી ટીલી બેહે એ વાત આશારામભાઈને કોઈ કાળે કબૂલ નોતી. એટલી વાતને વણીને વાલા નામોરી જેવા ખૂંખાર બહારવટીયા સામે ધીંગાણે ચઢયા.

ત્યાં તો બાબરાના થાણાંમાંથી સરકારી વાર પણ સગડ શોધતી આવી પૂંગી. લાઠીનું કટક પણ પુગ્યું.

ટોડાળી વાવ ફરતું કુંડાળુ રચાઈ ગયું. ધણ…ણ…ણ.. કરતી ગોળી છુટી બહારવટીયાએ વાવના ભૂખરા બેલાનો ગઢ ચણીને ઓથ લીધી. વળતો જવાબ દીધો.

સાંજ પડી. આભમાંથી અંધારા ઉતર્યા! બહારવટિયાને ભાગી નીકળવું હતું. હવે રોકાવામાં ઝાઝું જોખમ હતું. અંધારાનો આશરો લઈને વાલો નામોરી અને તેના સાથીદારો સરકી ગયા.

દિ ઉગ્યો. એકેય ગોળી આવી નહીં. ફોજે ધીરેધીરે વાવ તરફ ધસી જોયું તો કોઈ ન મળ્યું. આશારામ લાઠીના ગામડાને લુંટાતું બચાવાવનો સંતોષ લઈ પાછા વળ્યા. ત્યારે સુરજ મહારાજ આભમાં ઝંળુંબી રહયો હતો.

સવિશેષ માહિતી– રાજકોટમાં મુંબઈના ગવર્નર સર જોન માલ્કમે વિ. સં.૧૮૮૪માં દરબાર ભર્યો હતો. આ સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સહજાનંદ સ્વામી પધાર્યા હતા. ટોડાળી વાવના ધીંગાણા સમયે આશારામભાઈના પુત્ર મુળચંદભાઈ હાજર હતા. આશારામભાઈ શાહના કારોબાર સમયે કલાપીના લગ્ન થયા હતા. કવીશ્વર દલપતરામ ડાહયાભાઈ અને ઉગતા કવિ કાન્ત મહેમાન તરીકે પૂરા સન્માનથી રહયા હતા. આ ધીંગાણાનો બનાવ ઈ.સ.૧૮૯૧ના વર્ષમાં બન્યો હતો.

– આશારામ દલીચંદ શાહ (આશરે ૭પથી ૮૦ની વયમાં)
લાઠીના સીમાડે ટોડાળી વાવનો ઓથ લઈને પડેલા બહારવટીયા વાલોનામોરીની બાતમી મળતા તેનો સામનો કરવા સીબંધી લઈને ઘોડે ચઢેલા આશારામભાઈએ વાવને ઘેરો ઘાલ્યો પણ બહારવટીયા અંધારાનો લાભ લઈને નીકળી ગયેલા.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!